ચાલો જીવી લઈયે Abid Khanusia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલો જીવી લઈયે


** ચાલો જીવી લઈયે ! **
તા. ૨૦મી જાન્યુઆરી ૨૦૨૦ ના દિવસે ચાર સિનિયર સીટીઝન મિત્રો સુરેશ, રમેશ, કમલેશ અને મહંમદ રોજની જેમ સાંજે બગીચામાં તેમની કાયમી જગ્યા પર બેસીને ખૂબ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. કેટલાક બાળકો બગીચાની મુલાયમ લૉન પર ધમાચકડી મચાવી રહ્યા હતા. સુરેશભાઈ અને મહંમદભાઈ વિધુર હતા. તેમની પત્નિઓનું થોડાક વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. રમેશભાઈની અને કમલેશભાઈની પત્નીઓ સાથે આવી હતી. તે આ ચાર પુરુષ મિત્રોની વાતો ગંભીરતા પૂર્વક સાંભળી રહી હતી.
આજની ચર્ચાનો વિષય હતો કોરોના મહામારી (Covid-19). ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો આ અજાણ્યો રોગ ધીરે ધીરે વિશ્વમાં પ્રસરી રહ્યો હતો. શરૂઆતમાં આ બાબતે વિશ્વ ગંભીર ન હતું પરંતુ જેમ જેમ તેનો વિશ્વમાં ફેલાતો થતો ગયો અને મનુષ્યના મૃત્યુનો આંક ભયંકર રીતે વધવા લાગ્યો તેમ તેમ લોકોને આ રોગની જાણકારી મળવા લાગી હતી અને તેની ગંભીરતા પણ સમજાવા લાગી હતી. આ રોગ માટે હજુ સુધી કોઈ દવા શોધાયેલી ન હતી માટે તેનાથી બચવું એ જ તેની દવા હતી.
યુરોપના અને પશ્ચિમના દેશોમાં ખૂબ ખૂંવારી થઈ રહી હતી. કમલેશભાઇનો પુત્ર અને પુત્રવધૂ બંને ડોકટર હતા અને ન્યૂયોર્કમાં નોકરી કરતાં હતા. તેમને કિશોરવયની બે દીકરીઓ હતી જે અમેરીકામાં અભ્યાસ કરતી હતી. સુરેશભાઈનો પુત્ર કેનેડામાં ફાર્મસીસ્ટ હતો. તેને પોતાની ફાર્મસી હતી. તેની પત્ની પ્રથમ પ્રસૂતિ માટે ભારત આવી હતી. મહંમદભાઇનો પુત્ર અમદાવાદમાં જ હતો અને બેકરીનો વ્યવસાય કરતો હતો. સુરેશભાઇને કરિયાણાનો ધંધો હતો. તેમના દીકરાને વ્યવસાય સોંપી તેઓ નિવૃત્ત થઇ ગયા હતા. તેમનો પૌત્ર પણ તેના પિતા સાથે વ્યવસાયમાં જોડાઈ ગયો હતો. સામાજિક વહેવારો અને રોજીંદી જરૂરિયાતો પૂરી થઈ જાય તેટલું તે કમાઈ લેતા હતા. ચારેય મિત્રો આર્થિક રીતે સાધન સંપન્ન હતા અને સુખી નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા.
કોરોના વાયરસનો કેર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો હતો. તા. ૩૦મી જાન્યુઆરીના રોજ આપના દેશના કેરાલા રાજયમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો હતો. સદનશીબે હજુ સુધી ગુજરાતમાં કોઈ કેસ નોધાયો ન હતો. સુરેશ, રમેશ, કમલેશ અને મહંમદ રોજની જેમ સાંજે બગીચામાં હાજર હતા. આજે રમેશભાઈની અને કમલેશ ભાઈની પત્નીઓ સાથે આવી ન હતી. ચારેય મિત્રોના ચહેરા પર આ મહામારી બાબતે ફિકર હતી. રોજની ઠઠ્ઠા મશ્કરી બિલકુલ થતી ન હતી. આજે બગીચામાં માણસોની અવર જવર પણ ઓછી હતી. સરકારશ્રી દ્વારા આ મહામારીથી બચાવા માટે મનુષ્યોને સોશીયલ ડિસ્ટન્સ જાળવી એક બીજાનો સંપર્ક ટાળવાના સંદેશા પાઠવવામાં આવી રહ્યા હતા. કેરાલા ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, તામીલનાડું, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર માં લોકોને આ વાયરસનો ચેપ લાગવાનું શરૂ થઈ ગયું હતું. આ બીમારીથી બચવા માટે સરકાર દ્વારા તા. ૨૨મી માર્ચના રોજ સ્વૈચ્છીક જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી તેના આગળના દિવસે આ ચારેય મિત્રો બગીચામાં હાજર હતા. વિશ્વમાં ફેલાઈ રહેલી આ મહામારીની ચિંતા તેમના ચહેરાઓ ઉપર સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી. બધા મિત્રો એક બીજાને સલામત રહેવાની શીખ આપી પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની ભલામણ કરી છૂટા પડ્યા હતા.
જનતા કરફ્યુ પછી સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરી સૌને પોત પોતાના ઘરોમાં રહેવા અને એક બીજાનો સંપર્ક ટાળવા અપીલ કરવામાં આવી હતી. હવાઈ, રેલ્વે અને બસ સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી. અજ્ઞાનતા અને અપૂરતા શિક્ષણ કે ‘અમને કઈં થશે નહીં’ તેવી શેખીના કારણે લોકો સરકારી આદેશનું પાલન કરતા ન હતા. ધીમે ધીમે દેશમાં કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો હતો. ચારેય મિત્રો ફોન દ્વારા એક બીજાના સંપર્કમાં રહેતા હતા અને ચેપથી બચવા માટે એક બીજાને ભલામણ કરતાં હતા. લોકોના અસહકારના કારણે આખા દેશમાં કોરોના વાયરસના ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી હતી. હવે તો ચેપગ્રસ્ત પૈકીના કેટલાક લોકોના મૃત્યુ પણ થતાં હતા. આ રોગ વિકરાળ રૂપ ધારણ ન કરે તે માટે સરકારને બીજા ૧૮ દિવસ માટે ‘લોકડાઉન-૨’ વધારવાણી ફરજ પડી હતી.
એક દિવસે સુરેશ, રમેશ અને કમલેશને સમાચાર મળ્યા કે મહંમદભાઈ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં કેટલાક લોકો કોરોના વાયરસના થોડાક પોઝિટિવ મળી આવ્યા હતા. ત્રણેય મિત્રોને મહંમદભાઈની ફિકર થવા લાગી હતી. બે દિવસ પછી સમાચાર મળ્યા હતા કે મહંમદ ભાઈના આખા કુટુંબને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. મહંમદભાઈને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા જ્યારે આખા કુટુંબને “ હોમ કોરાંટાઈન “ કરી દેવામાં આવ્યું હતું.
આ સમય દરમ્યાન અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં માણસો ચેપગ્રસ્ત થયા હતા. કમલેશભાઇનો પુત્ર અને પુત્રવધૂ બંનેને આ રોગના દર્દીઓની સેવા કરતાં કરતાં તેનો ચેપ લાગુ પડ્યો હતો. હવાઈ સેવાઓ બંધ થઈ જવાના કારણે સુરેશભાઈની પુત્રવધૂ જે પ્રસૂતિ માટે કેનેડાથી ભારત આવી હતી તે તેના પતિ પાસે કેનેડા જઇ શકી ન હતી. તે તેના ચાર માસના પુત્ર સાથે સુરેશભાઈ સાથે રહેતી હતી. કમલેશભાઈ અને તેમના પત્ની તેમના પુત્ર અને પુત્રવધૂ તેમજ તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ચિંતાતુર હતા. તે ફોન મારફતે સતત ન્યુયોર્કમાં સંપર્ક કરી તેમની વિગતો મેળવી રહ્યા હતા.
રમેશભાઈ જે જગ્યાએ રહેતા હતા ત્યાં પણ કોરોના વાયરસે માથું ઊંચક્યું હતું. બધા મિત્રો એક બીજાના સતત સંપર્કમાં રહી દરેકની માહિતી લેતા રહેતા હતા.
હજુ આ મહામારી પર કાબૂ મેળવી શકાયો ન હતો. વિમાન, રેલ્વે અને બસ સેવા પરનો પ્રતિબંધ ચાલુ હતો. આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો તેમ છતાં લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને રોજી રોટી મળી રહે તે માટે સરકારને લોક ડાઉનને હળવો કરવાની ફરજ પડી હતી. કેટલીક શરતોને આધીન સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કચેરીઓ, ફેકટરીઓ શરૂ કરવામાં આવી હતી.
એક દિવસે ખૂબ દુખદ સમાચાર મળ્યા કે કમલેશભાઈના ડોકટર પુત્ર અને પુત્રવધૂ બે બાળકીઓ અને તેમના માતા પિતાને વિલાપ કરતા મૂકી કોરોના દર્દીઓની સેવા કરતાં કરતાં મૃત્યુને ભેટ્યા હતા. કમલેશભાઈના જીવનની સંધ્યાના રંગો ઓજપાઈ ગયા હતા. લોક ડાઉનના કારણે તેમને આશ્વાસન આપવા માટે તેમની પાસે કોઈ સ્વજન કે મિત્રો હાજર ન હતા. તે તેમના પુત્ર અને પુત્રવધૂનું અંતિમ દર્શન પણ કરી શક્યા ન હતા. આ સદમો સહન ન થવાથી કમલેશભાઈના પત્નીએ થોડા દિવસોમાં દમ તોડી દીધો હતો.
મહંમદભાઇનું કુટુંબ કોરોનાના ચેપથી મુકત થઈ ગયું હતું પરંતુ કમનશીબે મહંમદભાઈ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. રમેશભાઈ પણ કોરોના વાયરસના કારણે સ્વર્ગે સીધાવી ગયા હતા.
કોરોના વાયરસના ચેપથી મુક્ત થવામાં વિશ્વને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હજુય ક્યાંક ક્યાંક નવા કેસો સામે આવી રહ્યા હતા. વિમાન, રેલ્વે અને બસ સેવાઓ કાર્યરત થઈ ગઈ હતી. કમલેશભાઈની પૌત્રીઓ સ્વદેશ પરત ફરી હતી.
સુરેશભાઇનો પુત્ર કેનેડાથી પરત આવી ગયો હતો. જાણે સુરેશભાઇ તેમના પુત્રનું દર્શન કરવા બે વર્ષનો જીવતા હોય તેમ તેના આગમનની રાત્રે જ તેમને હદયરોગનો ગંભીર હુમલો થવાથી તે મૃત્યુ પામ્યા હતા. ચાર મિત્રો પૈકી હવે ફક્ત કમલેશભાઈ એકલા જ હયાત હતા. મહંમદભાઈ, રમેશભાઈ અને સુરેશભાઇ આ દુનિયા છોડી ચૂક્યા હતા. કમલેશભાઈની પત્ની પણ સ્વર્ગે સીધાવી ગયા હતા. સુરેશભાઈની વિધવા પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર હયાત હતા.
કમલેશભાઈ નિરાશામાં ઘરકાવ થઈ ગયા હતા. તે તેમની પૌત્રીઓના ઉછેર માટેજ જીવી રહ્યા હતા. તે સિવાય તેમને જીવન જીવવાનો કોઈ ઉમંગ રહ્યો ન હતો.
એક દિવસે સુરેશભાઈનો પુત્ર તેના કુટુંબ સાથે કમલેશભાઈના ઘરે ગયો અને તેમને આગ્રહ કરીને તેમની બે પૌત્રીઓ સાથે બગીચામાં લઈ આવ્યો હતો. દોઢ વર્ષ પછી તે પહેલીવાર બગીચામાં આવ્યા હતા. તેમના માનીતા સ્થળે આવી પહોંચતા તેમને તેમના વિખૂટા પડેલા ત્રણેય મિત્રોની યાદ આવી તેથી કમલેશભાઈ ખૂબ મોટા અવાજે રડી પડ્યા હતા. સુરેશભાઈનો પુત્ર તેમને બાથમાં લઈ આશ્વાસન આપી રહ્યો હતો. આગાઉથી હાજર બે યુવાનો તે સ્થળે ગમગીની સાથે ઊભા હતા. તે બે પૈકી એક રમેશભાઈનો પુત્ર હતો અને એક મહંમદભાઇનો પુત્ર હતો. કમલેશભાઈને રડતાં નિહાળી બંને જણા તેમને એકાએક વીંટળાઇ પડ્યા હતા. ખૂબ ભાવુક દ્રશ્ય સર્જાયું હતું.
થોડી વાર પછી રમેશભાઈના પુત્રએ કમલેશભાઈને કહ્યું “ કાકા આજથી તમે મારા પિતા છો અને આ બંને દીકરીઓ મારી દીકરીઓ બની રહેશે. તેમને ભણાવવાની, પરણાવવાની અને બધી સામાજિક જવાબદારીઓ મારા શિરે હું સ્વીકારું છું. તમે નિરાશા ખંખેરીને બાકીનું જીવન ઉમંગથી જીવીલો તેવી મારી વિનંતી છે.
રમેશભાઈ અને મહંમદભાઇના પુત્રએ પણ કમલેશભાઈને કહ્યું “ કાકા આ બંને દીકરીઓ હવેથી અમારી પણ દીકરીઓ બની રહેશે અને અમે આપના પુત્ર બનીને આપને આપના પુત્રની ખોટ પાડવા નહીં દઈએ તેવું વચન આપીએ છીએ. રમેશભાઈની પત્નીએ બંને કિશોરીઓને પોતાના હૈયે ચાંપી દીધી. કમલેશભાઈના માથેથી જાણે મોટો બોજો હટી ગયો હતો. તેમનું હદય ગદગદ થઈ ઉઠ્યું.
કમલેશભાઈએ ત્રણેય દીકરાઓ સામે ઉમંગભરી નજર ફેંકી કહ્યું “ ચાલો, સૌ સુખેથી જીવી લઈએ ! “
કમલેશભાઈ ત્રણ યુવાનોના સહારે બગીચામાંથી નીકળી આશાભર્યા હૈયે પોતાના ઘર તરફ રવાના થયા.
( મિત્રો આ વાર્તા લખવાનો ઉદ્દેશ સૌને લોકડાઉનના નિયમોનું પાલન કરી સરકારને આ મહામારીથી લોકોને બચાવવા માટે પૂરતો સહકાર આપવા પ્રેરિત કરવાનો છે જેથી આપણા જીવનમાં આપણને આપણાં સ્વજનો ગુમાવવાનો વારો ન આવે અને કોઈ પસ્તાવો ન થાય. આશા છે આપ સૌ પણ લોકોને આ બાબતે પ્રેરિત કરશો. )
-આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી)
- તાં. ૧૯-૦૪-૨૦૨૦