રાઈટ એંગલ - 13 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 13

રાઈટ એંગલ

પ્રકરણ–૧૩

કશિશને આંચકો લાગ્યો. એને એમ હતું કે કૌશલ બહુ બહુ તો ના પાડશે કે પછી બીજી વાત કરશે એના બદલે એને જ આરોપીના પીંજરામાં મૂકી દીધી. આ સાત વર્ષના લગ્નજીવનમાં કદી કૌશલ ગુસ્સે થયો ન હતો અને આવી રીતે તો કદી બોલ્યો જ નહતો. એક બાબતથી એ આટલો બધો આકરો કેમ બની જાય છે? જ્યારથી એ વિષય બન્ને વચ્ચે આવ્યો હતો ત્યારથી આજસુધીનું કૌશલનું નિર્લેપ વલણ એને ખૂંચ્યું જરુર હતું. પણ આજના એના બોલે એના દિલમાં શારડી ફેરવી દીધી હોય એવી વેદના થઇ. જેના પર વિશ્વાસ કરીને એ આ ઘરમાં આવી હતી એણે જ એના પર આરોપ લગાવ્યો.

‘બધાં મને જ દોષ દે છે પણ કોઇ મન સમજવાની કોશિશ તો કરતું જનથી. અન્યાય મને થયો છે અને છતાં હું બીજાને અન્યાય કરતી હોઉ તેવું બધાનું મારાં પ્રત્યે વર્તન છે.‘ કશિશના મનના વિચારો એના વર્તનમા વ્યક્ત થયા, આજસુધી રાખેલો સંયમ અને ધીરજે દગો દઇ દીધો,

‘મને હતું કે તું મને સાથ આપીશ એટલે મેં પૂછયું. મારી ભૂલ થઇ ગઇ કે મેં તને પૂછયું. આજ પછી હું તને આ વિશે કશું કહીશ કે પૂછીશ નહી. અને બાય ધ વે કોઈપણ રિલેશન તૂટે તે માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતી. જો તારો અને મારો સંસાર સળગી રહ્યોં છે તેવું તને લાગતું હોય તો તે માટે હું એકલી રિસ્પોન્સિબલ નથી. તું પણ છે.‘ કશિશ રીસમાં બોલી.

કૌશલ જવાબ આપે તે પહેલાં તો દોડીને પોતાના રુમમાં જતી રહી. રુમમાં આવીને કશિશ સોફા પર ફસડાઇ પડી. આપોઆપ આંખમાંથી આંસુ સરવા લાગ્યા. દિલમાં પારાવાર દુ:ખ થતું હતું. આજસુધી એ કૌશલ સાથે આવી રીતે ગુસ્સામાં આવીને બોલી ન હતી. કૌશલને આજે એણે હર્ટ કર્યો હતો. પણ કૌશલે પોતાને પણ હર્ટ કરી રહ્યોં છે તેનું શું? કોઈપણ વાતની હદ હોય. કોઈ માણસ કેટલું નીચે નમી શકે? અને પતિ–પત્નીના સંબધંમાં પ્રેમ હોય તો ઇગો ન આવવો જોઇએ પણ માણસને સેલ્ફ રિસ્પેક્ટ તો હોય ને!

થોડીવાર એ એમ જ બેઠી રહી. ઘડિયાળ સાથે સમય ટીક ટીક કરતો આગળ વધી રહ્યો હતો પણ કોર્ટ જવાનું મન થતું ન હતું. ત્યાં એને થોડા દિવસ પહેલાં ધ્યેય સાથે થયેલી વાતચીત યાદ આવી. ધ્યેય કહ્યું હતું,‘ બહુ સહન કરવાનું આવશે એટલે રડવું નહી.ન્યાય મેળવવો અઘરો છે.‘ કશિશે મન મજબૂત કર્યુ. પછી એણે જાતે જ પોતાની આંખના આંસુ લૂછયા અને પોતાની જાતને કહ્યું, કૌશલનું સ્ટેન્ડ ગમે તે હશે પણ પોતે કોર્ટમાં લડશે તે વાત ફાઇનલ છે. બસ હવે તો સમંદરમાં કૂદી પડી છે તો એ ડૂબાડશે કે તારશે એ તો ડેસ્ટિની કહેશે પણ પોતે તરવાનો પ્રયત્ન કરવો.

બસ આ વિચારથી એનું મન શાંત થયું. મનમાં ઘીરજ બંધાય. એણે જોયું તો દસ વાગવા આવ્યા હતા. કોર્ટમાં સાડા દશ વાગે પહોંચી જવાનું રાહુલે કહ્યું છે. અને હજુ તો પોતે નહાય પણ નથી. એટલે એ ફટાફટ તૈયાર થઇ. ઘરેથી નીકળતા પહેલાં બે–ચાર દિવસ પહેલાં ક્વોરા પર એણે આ પ્રશ્ન પૂછયો હતો તેના જવાબમાં નોટિફેશન્સ હતા. એણે ઉત્સુકતાથી ક્વોરામાં જવાબ વાંચ્યા. એકપણ પોઝિટિવ રિસ્પોન્સ ન હતો. એને નિરાશા થઇ આવી. બધાં જવાબ એવા હતા કે આવા કેસમાં કશું થઇ ન શકે. હવે શું થશે? કોર્ટમાં એ હારી જશે? એવું પણ બની શકેને પોતે ક્વેશ્ચનમાં પોતાની વાત બરાબર સમજાવી ન શકી હોય. બસ આ વિચાર સાથે એણે કોર્ટ તરફ ગાડી મારી મૂકી.

એ ધ્યેયની ઓફિસમાં દાખલ થઇ તો રાહુલ ફાઇલ સાથે તૈયાર હતો.

‘ધ્યેય ક્યાં છે? કશિશે સૌથી પહેલાં ધ્યેય વિશે પૂછયું.

‘એ નીકળી ગયા. એમણે તમને કહ્યું હતુંને આજે એમને સેશન્સ કોર્ટમાં કામ છે.‘ કશિશને થયું કે કાશ એ થોડી વહેલી આવી હોત તો મળી શકતે.

‘મેમ રેડી છો ને? કોઈ ક્વેરી છે?‘ રાહુલે પૂછયું.

‘ના.‘ કશિશે કહ્યું એટલે બન્ને કોર્ટમાં તરફ ચાલ્યા. કોર્ટમાં એન્ટર થયાં કે કશિશની નજર ઉદયભાઇ અને પપ્પા પર પડી. એમણે પણ કશિશ સામે જોયું. ઉદયભાઇ જાણે એને ઓળખતા જ ન હોય તેમ તરત નજર ફેરવી લીધી. પણ મહેન્દ્રભાઇ કશિશ તરફ જોઇ રહ્યાં હતા. કશિશે એમની સાથે નજર મેળવી. એણે માપવાની કોશિશ કરી કે એ નજરમાં શું છે? રોષ, ગુસ્સો, અપમાન કે પછી માફી? કશિશ પપ્પા સામે જોતી રહી અને તે પણ એની સામે જોતા રહ્યાં. આપોઆપ કશિશના પગ એમના તરફ વળ્યા, એમની નજીક આવી પગે લાગીને બોલી,

‘જય શ્રી કૃષ્ણ પપ્પા!‘ મહેન્દ્રભાઇએ એના માથા પર હાથ મૂક્યો,

‘જય શ્રી કૃષ્ણ બેટા!‘ કશિશએ સાંભળીને લાગણીશીલ થઇ ગઇ. આટલાં દિવસ એણે એ જ વિચાર્યું હતું કે પપ્પાનું રિએકશ કેવું હશે? ઉદયભાઇ જેવુ? પણ મહેન્દ્રભાઇ જે રીતે વર્તન કર્યું, કશિશના દિલમાં નિરાંત થઇ. ત્યાં કાને અવાજ સંભળાયો,

‘નાટક પતી ગયું? કે હજુ બાકી છે? બહુ બાપની પડી હોત તો આવું પગલું લીધુંના હોત! એક નંબરની જૂઠાડી!‘ ઉદયભાઇ એની તરફ જોતા ખીજથી બોલ્યા,

કશિશે ધારદાર નજરે ઉદયભાઇ તરફ જોઈને કહ્યું,

‘ભાઇ, પ્લિઝ કોર્ટમાં કોઈ સીન ક્રિએટ કરવાની જરુર નથી. મને પપ્પા તરફ મને જે પ્રેમ છે તે રહેશે. અને તે સમજવાની તું કોશિશ ન નહીં કરતો તને નહીં સમજાય.‘ આટલું બોલીને કશિશ રાહુલ તરફ જતી રહી. રાહુલ અચંબિત થઇને આ બધું જોઇ રહ્યોં હતો. એણે વકીલને છાજે તેવી કમેન્ટ આપી,

‘મેમ, જજ આ બધું નોટિસ કરતાં હોય છે પ્લિઝ આવાં લાગણીવેડાથી દૂર રહેવું.‘ કશિશે સાંભળીને છણકો કર્યો,

‘તું તારું કામ કર, મારી પર્સનલ બાબતમાં કોઇ ઇન્ટર્ફિઅર કરે તે મને પંસદ નથી.‘ કશિશના મિજાજ અને સ્વભાવથી અજાણ રાહુલ જરા ગભરાઇ ગયો. પણ રાહુલ કશું બોલે એ પહેલાં તો જજસાહેબ ચેમ્બરમાં આવ્યા એટલે કોર્ટમાં શાંતિ થઇ ગઇ. રાહુલ તરત નજીક ગયો અને પોતાના કેસની વાત કહી દીધી કે આરોપીને સમન્સ ગયા હતા અને તેઓને આજે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું અને તેઓ હાજર છે. એટલે જજે ઓર્ડર આપ્યો કે એમને કેસની કોપી આપી દેવામાં આવે. પછી જજે ઉદયભાઇને પૂછયું,

‘તમે કોઇ વકીલ હાયર કર્યો છે? તો આજે આપણે પ્લી રેકોર્ડ કરી લઇએ.‘

‘સાહેબ, અમે હજુ વકીલ નથી કર્યો. અમને તે માટે થોડો સમય આપો તેવી રિકવેસ્ટ છે.‘

જજે તેમની વિંનતીને મંજૂરી આપી દીધી અને જણાવ્યું કે સાત મેએ વકીલ સાથે હાજર રહેજો.

ઉદયભાઇએ જવાબ આપ્યો,

‘જી. સર! અમે જઇને..!‘ જજે હકારમાં માથું હલાવ્યુંને બસ એ સાથે જ ઉદયભાઇએ કશિશ સામે તીરછી તિરસ્કાર નજરે જોયુ અને પપ્પાને લઇને કોર્ટની બહાર નીકળી ગયા. કશિશ આશ્ચર્યથી એમને જતાં જોઇ રહી. એણે રાહુલ તરફ જોયું, તો એણે ઇશારાથી શાંત રહેવા કહ્યું. એણે જજ સાથે વાત કરીને અને પછી કોર્ટરુમની બહાર નીકળ્યો અને કશિશ એને અનુસરી. એટલે રાહુલ બોલ્યો,

‘એ લોકો જાણી જોઇને વકીલને લઇને નથી આવ્યા. જેથી કરીને કેસ ડિલે થાય.‘ રાહુલે કહ્યું. એટલે કશિશે પૂછયું,

‘એવું શું કામ કરે?‘

‘જાણી જોઈને હેરાન કરવા...જેટલો સમય જાય તેટલા તમે વધુ ઉતાવળ કરો અને લાંબો સમય તમને મેન્ટલ પ્રેશર લાવવા માટે આવું બધું કરે. એમના વકીલે જ આ સજેસ્ટ કર્યું હશે.‘

‘કરવા દે એને જે કરવું હોય તે...આપણે વર્ષો સુધી લડીશુ.‘ કશિશ જુસ્સાથી કહ્યું એટલે રાહુલ બોલ્યો,

‘ઘેટસ ધ સ્પિરિટ.‘

‘હવે સાત મે એ તમારે આવવાનું! એ દરમિયાન કશી ઇન્ફોની મને જરુર હશે તો તમને પૂછી લઇશ.‘

‘ઓ.કે.!‘ રાહુલથી છૂટી પડીને કશિશ પાર્કિંગ એરિયામાં આવી. ગાડીમાં બેઠી અને અને પહેલીવાર ઘરે જવાનું મન ન થયું. સવારે કૌશલે જે વર્તન કર્યું હતું તેથી એનું દિલ દુભાયું હતું તેના પર હજુ કળ વળી ન હતી. આટલાં દિવસથી ઘરમાં બોઝિલ વાતાવરણ હતું પણ એક ઉમીદ હતી કે વહેલો–મોડો કૌશલ એને સમજશે. એના તરફથી એ સહકારની અપેક્ષા રાખતી ન હતી પણ કમસેકમ એને સમજે તો ખરો. પતિ–પત્ની વચ્ચે હોય તેવા રિલેશન તો શરૂ થાય. પણ આજે સવારે એ ઉમીદ પર કૌશલે પાણી ફેરવી દીધું હતું.

‘ક્યાં જવું?‘ કશિશે ગાડીમાં બેસીને મનમાં સવાલ કર્યો. અચાનક એને મા યાદ આવી ગઇ. કાશ મમ્મી જીવતી હોત? તો કેટલું સારું હોત! તો કદાચ આવી નોબત આવી જ ન હતો. પોતે ચોક્કસ ડોકટર બની હોત. મમ્મીએ કદી ઉદયભાઇને સાથ આપ્યો ન હોત. પોતે ડોકટર બની હોતે અને વટથી સારી પ્રેકટિશ કરતી હોત! સમાજમાં ડો. કશિશ શાહનું નામ–પ્રતિષ્ઠા–સન્માન હોતે!

કશિશ લાગણીશીલ બની ગઇ. ત્યાં એની નજર એની તરફ આવતાં ધ્યેય પર પડી. એણે જલદી પોતાના ઈમોશન્સ કન્ટ્રોલ કરી લીધા. વળી ધ્યેય એને લાગણીશીલ જોઇ જશે તો ફરી પાછો એક લેક્ચર ફટકારી દેશે. કોઇની સામે નબળા દેખાવું કશિશને પસંદ નથી. કશિશએ ગાડીના ડોરના ગ્લાસ સરકાવ્યા અને ધ્યેય નજીક આવ્યો એટલે એણે મૂડ બદલવા મજાક કરી,

‘કેમ કેસ હારી ગયો કે આટલી જલદી તને જજસાહેબે કાઢી મૂક્યો?‘ જવાબમાં ધ્યેય હસી પડ્યો,

‘મેડમ, આટલી જલદી કેસનું રિઝલ્ટ આવી જાય તો પછી અમે વકીલ ખાઇએ શું? તારીખ પડી ગઇ. સામેવાળાનો વકીલ બીમાર છે એટલે તારીખ પે તારીખ!‘ ધ્યેયએ સની દેઓલનો ફેમસ ડાયલોગ ફટકાર્યો.

‘ગ્રેટ...તો હવે શું પ્રોગ્રામ છે? ચાલ મૂવી જોવા જઇએ! આઇ વોન્ના ફ્રેશ માય સેલ્ફ!‘

‘ઓ.કે. ડન...પહેલાં કશે લંચ લઇએ અને પછી મૂવી...પણ એ પહેલાં જરા રાહુલને મળીને આજના બાકીના કેસ સમજાવી દઉ. આ તો તને જોઇ એટલે પહેલાં તને મળવા આવ્યો. તું આવે છે ઓફિસમાં કે અહીં વેઇટ કરે છે?‘

‘ચલ સાથે જ આવું.‘ કશિશ બોલી. એકલાં રહીને ખોટા આડા–અવળા વિચાર કરવા કરતાં સાથે જવું સારું એમ વિચારીને કશિશ ગાડીમાંથી નીચે ઉતરી. બન્ને ધ્યેયની ઓફિસ તરફ ચાલતાં જતાં હતાં ત્યાં સામેથી ઉદયભાઇ આવતાં દેખાયા. કશિશ અને ધ્યેયને સાથે જોઇને એમની આંખમાં ઝેર ઊભરાયું. કશિશ સામે જોયા વિના એ સીધા ધ્યેય સામે ઘસી ગયા,

‘તું આ બહુ ખોટું કરી રહ્યોં છે. દોસ્ત છે કે દુશ્મન? મારી જ બહેનને મારાં ખિલાફ ઊભી કરી દીધી?‘ ઉદયભાઇનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો.

‘આપણે નિરાંતે મળીને વાત કરીએ? આમ આવી રીતે કોર્ટ પ્રિમાસિસમાં કંઇપણ એલફેલ વર્તન કરીશ તો પ્રોબ્લેમમાં આવી જઇશ. સમજ્યો!‘ ધ્યેયની ધમકીથી ઉદયભાઇ સહેજ ઠીલા પડ્યા. પણ એ કાંઇ ગાંજ્યા જાય તેમ ન હતા.

‘હું તારી સાથે વાત કરવા ય નથી ઇચ્છતો. મારા બદલે મારો વકીલ મારી સામે મારી બહેનને ભડકાવવાની તને નોટિસ ઠોકશે..હું તને ય નહીં છોડુ.‘

ઉદયભાઇ ગુસ્સાથી લાલપીળાં થતા પગ પછાડતાં જતાં રહ્યાં.

(ક્મશ:)

કામિની સંઘવી