Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ -૬૧ ( અંતિમ )

સંબંધો માં છેતરાયા ની લાગણી નાં અનુભવ નું દુઃખ અંજલિ ની છાતી માં શૂળ ની માફક ચુભી રહ્યું હતું. પહેલું તો પોતે જેના પર બધું જ ન્યોછાવર કરી દીધુ હતું તે વ્યક્તિ એટલે કે તેનાં પતિ વિશાલે તેની સાથે છળ કર્યું હતું, તે વાત તેનાં મન માં અસહ્ય દુઃખ અને પીડા આપી રહી હતી.
અનુુુરાગ સર તથા અંજલિ અમેરિકા ની સફરે થી પરત ફરી રહ્યા છે. ફ્લાઈટ ઉપડેેછેે તે દરમ્યાન અંજલિ એ અનુુુરાગ સર ને એક સવાલ કર્યો છે....જેનો જવાબ સાંભળી ને અંજલિ ના હોંશ ઉડી જાય છે.

****** હવે આગળ પેેજ -૬૧ ( અંતિમ) *******

અંજલિ ના સવાલ નો જવાબ અંજલિ એ સપના માં પણ વિચાર્યો નહોતો તેવો મળ્યો હતો. અનુરાગ સરે તો અનાયાસે જ જવાબ આપી દીધો હતો..કદાચ સત્ય જ કહેવું તે વાત તેમનાં જીવનમાં વણાઈ ગઈ હતી અને એટલેજ પોતે સાચુ બોલી ગયા હતા.
અંજલિ એ ફરીથી અનુરાગ સર ને પુછ્યુ...સર આપ જે કહોછો તેનો અર્થ કેટલો બધો ગંભીર થાય છે....હુ આશા રાખુ છું કે આપને તેનો ખ્યાલ હશે જ..
અંજલિ ના મગજમાં હવે અનેક નવા નવા સવાલો ઉભા થવા લાગ્યા હતા. એક અજંપો તેની યાદો ને ઘેરી વળ્યો હતો, એક જબરજસ્ત આધાત માં થી તો હજુ પોતે બહાર આવી પણ નથી, ત્યારે એક બીજો આઘાત લાગેછે અને તે પણ જુના આઘાત કરતા વધારે મોટો અને ચોંટદાર હતો. અંજુ ની સાથે બની ચુકેલી તે ઘટનાઓ તે કડવા અનુભવો આજે તેની માનસિકતા ને અસ્ત વ્યસ્ત કરી નાખે છે. તે જુની યાદો અને તે સ્મરણો બધુ અચાનક તેની સામે આવી ને તરવા લાગે છે.
તે યાદો, તે વાતો, તે સ્મરણો કાડા ડિબાંગ વાદળો બની ને અંજુ ને ઘેરી વળ્યા છે. તે અંધકાર માં અંજુ ને કશુંજ દેખાતુ નથી. એ યાદો ના સમુદ્ર માં અચાનક ભરતી આવે છે...અને અંજુ ને તેમા જબરજસ્તી થી ખેંચી જાય છે...તેમાં અંદર ને અંદર અંજુ ખુંપતી જાય છે. એક અજંપો અંજુ ના મન માં તોફાન મચાવે છે. અંજુ ની આંખો માં હવે આંસુઓ સુકાઈ ગયા હતા.આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી.
અનુરાગ સર બોલ્યા...અંજુ...તુ મને ખુબ સારી રીતે ઓળખે છે, મારી વાત તથા મારા બોલેલા શબ્દો ની ગંભીરતા નુ મને પ્રત્યેક ક્ષણે ધ્યાન હોય છે. હું બહુજ સારી રીતે જાણું અને સમજું છું કે તુ મને શુ પુછી રહી છું અને હું તને તે પ્રશ્નનો શુ જવાબ આપી રહ્યો છુ.
અંજલિ આજે તેના જીવનના દરેક અજાણ્યા સત્યો ના મુળમાં જઈ અને પોતાના જીવન ને નવો ઓપ આપવાનું મન બનાવી ચુકી હતી.
તેણે ફરી થી પ્રશ્ન કર્યો...સર હું મુંઝવણ અનુભવી રહી છુ..પ્લીઝ મને વાત ને વિગતવાર સમજાવી શકશો ??
ફ્લાઈટ ના બીઝનેસ ક્લાસ ના મુસાફરો માટે જ્યુસ, નટ્સ, હોટ નેપકીન,ન્યુઝ પેપર,મેગેઝિન ના બે સેટ ની સાથે બ્લેન્કેટ,હેડફોન,વોટર બોટલ વિગેરે લઈને એક એર હોસ્ટેસ અંજુ ની પાસે આવીને ઊભી રહી..અને પ્લાસ્ટીકયુ સ્માઈલ કરીને બોલી.. ગુડ ઈવનીગ...મેડમ..
પ્લીઝ ટેક ઈટ...ઓલ..એન્ડ ઈફ યુ નીડ એની થીંગ પ્લીઝ કોલ મી..
અંજલિ એ પણ વિવેકપૂર્ણ રીતે તેને જવાબ આપ્યો અને બે સેટ લીધા અને તેમાં થી એક સેટ અનુરાગ સર ને આપ્યો..અને પોતાની પાસે બાકીની બધી વસ્તુ ઓ મુકી...તેમાં થી હોટ નેપકીન કાઢીને પોતાની આંખોમાં થી વહી ગયેલા ભૂતકાળ રૂપી આંસુ ઓ ના લીધે ભીના થયેલા ગાલ ને લુછી અને આંખો ને પણ લૂછી નાંખી....અને વિખરાયેલા વાળ માં કોમ્બ ફેરવ્યો અને થોડીક ફ્રેશ થઈ..
તે સમજી ચુકી હતી કે, હવે સર પાસે થી જે જાણવા મળવાનું છે, તે મારા જીવનમાં અનોખું પરિવર્તન લાવનારુ સાબિત થશે..
તેને અનુરાગ સર ની વાત નો ઈસારો સમજાઇ ગયો હતો. પણ વાત હવે તેની સાથે સાથે તેનાં લાડકા દિકરા પ્રયાગ ને સીધી રીતે જ સ્પર્શી રહી હતી. પરંતુ અંજુ એ મન થી નક્કી કર્યું હતું કે આજે જીવન ભલે બદલાઈ જાય તેમ હોય તેમ છતાં પણ સત્યને ઉજાગર થવા દેવું જ છે.
અનુરાગ સર પણ ફ્રેશ થઈ ગયા..અને વોશરૂમ માં જઈને મ્હોં ધોયું અને પરફયુમ લગાવી ને બહાર આવ્યા અને તેમની સીટ પર થોડા રીલેક્ષ મુડમાં બેઠા. તેમને હંમેશા પરફયુમ નો શોખ રહ્યો હતો...તે માનતા હતા કે પરફયુમ લગાવવા થી તેમને તાજગી નો અહેસાસ થાય છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.
અંજુ એ પણ પોતાની રેકલાઈનર જેવી સીટ ને પુશ બેક કરી અને અનુરાગ સર જે બોલે તે સારી રીતે સાંભળી શકે તેમ પોતાની જાત ને ગોઠવી...પછી અનુરાગ સર ની સામે જોયું...અને બોલી...સર...આપ કહેતા હતા તેનું તાત્પર્ય શું ??
અંજુ...વાત બહુજ ગંભીર છે, શબ્દો ને શણગારી ને કે શબ્દો ને ગોઠવી ને સત્ય સુધી પહોંચીશુ તો કદાચ તને દુઃખ ઓછું થાય એવું બને..પરંતુ સત્ય તો ત્યાં જ રહેશે..જ્યાં તે વર્ષો થી રહ્યુ છે.પરંતુ તેમ છતાં પણ હું એવું માનું છું કે સાચું બોલવું એનો અર્થ એવો નહીં કે તેને જેમ હોય તેમ જ કહી દેવું. સાચુ બોલવું એટલે સામે ની વ્યક્તિ તેને સ્વીકારી શકે તેવી રીતે કહેવું. એટલે તારી પાસે થી પણ આવીજ અપેક્ષા છે કે તુ સત્યને સમજી અને તેનો સ્વીકાર કરજે.
હમમમ...સર...આપ સ્પષ્ટ વક્તા રહ્યા છો, અને હું પણ આપની સાથે રહીને આપની પાસેથી સ્પષ્ટ બોલવા અને સ્પસ્ટ સાંભળવા જ ટેવાઇ ગઈ છું..માટે આપ વાત ને સરળ રીતે કહેશો તો મને ગમશેજ અને હાં આપનાં દરેક શબ્દ ને હું હંમેશા ધ્યાન થી સાંભળતી હોઉ છું, અને આપની આ વાત ને પણ હું સમજીને મન થી સ્વીકાર કરીશ.
અંજુ..પરંતુ વાત ગમવા જેવી નાં હોય તો ???
સર.. એતો નક્કી જ છે, કે વાત ગમવા જેવી નથી જ અને એટલેજ આપનાં મન ના એક ખુણામાં આપે તેને આટલા બધા વર્ષો સુધી સાચવીને મુકી રાખી છે..કે અંજુ જાણે તો તેને દુઃખ નાં પહોંચે...
હમમમ...વાત તો બરાબર કહી તે અંજુ...!
સર...વાત નું તથ્ય અને સત્ય બન્ને જણાવો પ્લીઝ..આપનાં તે અનાયાસે અપાઈ ગયેલા જવાબ થી હું ખુબ ચિંતાતૂર છુ. જેના પડઘા મારા કાનમાં જોર જોર થી ગુંજે છે..અને મારા કાન ના પડદા ને વીંધીને મારા દિલ અને દિમાગ ને જબરજસ્ત દુઃખ પહોંચાડી રહ્યા છે.
અંજુ....હંમેશા યાદ રાખજે કે જીવનમાં બહુ જ ખરાબ કે દુઃખદ ઘટના કે ખરાબ પરિણામ અને પરિસ્થિતિ આવે ત્યારે ...તે ઘટનાં નવા અને સકારાત્મક બદલાવ નાં બીજ રોપવા નું કામ કરે છે..અને હું આજે તારી પાસે થી એવીજ અપેક્ષા રાખું છું, કે આજ ની વાત જાણીને તારા માં અને તારા જીવનમાં પણ એવોજ સકારાત્મક બદલાવ આવવોજ જોઈએ..તોજ મારું તારા સર હોવું સાર્થક થશે.
સર...આપને આપની અંજુ પર જે વિશ્વાસ પહેલા હતો તેજ વિશ્વાસ મારા જીવન ના છેલ્લા શ્વાસ સુધી આપ મારા પર કરી શકશો, તેમ રહેવા તથા જીવવા હું આપને વચન આપુ છું.
ગુડ...અંજુ...મને પણ તારી પાસે થી આજ અપેક્ષા હતી....
સર...હવે આપ જણાવો કે આપને મેં વિશાલ અને લ્યુસિયા નાં શારીરિક સંબંધો નાં પરિણામ સ્વરૂપે એક પ્રશ્ન કર્યો હતો...જેના જવાબમાં આપ નાં મુખે થી મને જે જવાબ મળ્યો હતો, તે ખુબજ વિહવળ કરી દે તેવો અને ચોંકાવનારો હતો..અને તે મને તથા પ્રયાગ ને સીધો સ્પર્શે છે.
હા...અંજુ તુ જે કહી રહી છું અને વિચારી રહી છું તે સત્ય છે..
સરરર...એટલે ??? અંજુ ની આંખો ખુલ્લી જ રહી ગઈ...મ્હોં માંથી અવાજ ન્હોતો નીકળી શકતો.
હા...અંજુ..આજે તારા સર નાં મુખે થી તારા જ જીવન નું, તને અને તારા દિકરા ને સીધે સીધું સ્પર્શી રહ્યું છે તે સત્યને સાંભળી લે...અને તેને સ્વીકારી પણ લેજે...અને હા હું વચન આપું છું કે આજ પછી હવે મારું મૃત્યુ થશે તો પણ હું મારી જીભ પર કે મારા મન અને મસ્તિષ્ક માં આ વાત ને ક્યારેય લાવીશ નહીં અને તેને ક્યારેય કોઈ પણ જગ્યાએ ઉચ્ચારીસ પણ નહીં.
અંજુ ને અણસાર આવી ગયો હતો કે અનુરાગ સર શું કહેવા જઈ રહ્યા છે..પરંતુ તેના મન માં ઉઠતી કુતુહલતા ને રોકી નાં શકી અંજુ..
સર પ્લીઝ હવે જણાવો ને વાત શું છે ???
અંજુ...તે બરાબર સાંભળ્યું હતું કે વિશાલ અને બાળક ??
અને હું પણ બરાબર જ બોલ્યો હતો..કે વિશાલ અને ...
સર..પરંતુ એ કેવી રીતે શક્ય બને ??? અંજુ ના મન પર ભાર ભાર લાગી રહ્યો હતો. કોઈકે ભારે ભરખમ પથ્થર જ મુકી દીધો હતો જાણે.
અંજુ...ની આંખો માં અંધારા આવવા લાગ્યા...સર તો પછી પ્રયાગ ??
હા અંજુ...પ્રયાગ તારો પુત્ર છે, પરંતુ...અનુરાગ સર ફરી અટકી ગયા.
પરંતુ શું સર ??? એક માં ને આટલા વર્ષો પછી આપ શુ સમજાવી રહ્યા છો ?
અંજુ....બસ એજ કે પ્રયાગ તારો દિકરો છે...પરંતુ તારો અને વિશાલ નો નહીં...
અંજુ સફાળી બેઠી થઈ ગઈ...આંખો ખુલ્લી અને પાંપણો ત્યાં ને ત્યાં જ સ્થીર થઈ ગઈ..સર...બોલી ને જીભ રોકાઈ ગઈ.
હા...અંજુ...એ સત્ય છે કે વિશાલ...તારા દિકરા પ્રયાગ નો બાયોલોજિકલ પિતા નથી.
ઓહહ.....ગોડ...સર આપ શું કહી રહ્યાછો ???
આ વાત કેવી રીતે શક્ય હોઈ શકે છે ?
અંજુ ને રડુ આવી ગયું...હે ભગવાન તે શું ધાર્યુ છે આજે ?? બધા જ વજ્રઘાત આજે એક જ દિવસે કરવા નાં હતા ? હું નહી સહન કરી શકુ.. અંજુ રીતસર ની રડી પડી....
બસ અંજુ...હવે આ આંસુઓ ને જ તારા જીવન નું કિંમતી ઘરેણું બનાવી ને રાખજે..
સર...આ વાત આપને કોણે કહી ?? અને જો આ જ સત્ય છે તો તે કેવી રીતે શક્ય બન્યું હતું ?? અને સૌથી અગત્યનું વિશાલ આ વાત જાણે છે ?? અને જો તે આ વાત જાણે છે તો અત્યાર સુધી મને તેણે કહ્યું કેમ નહીં ?? અંજુ તરતજ તેનાં મગજ ના તાર એકબીજી ઘટનાં ઓ સાથે જોડવા લાગી..
વિશાલ ને શા માટે પોતાના દિકરા પ્રયાગ માટે લાગણી નથી ?
શા માટે પ્રયાગ ને પણ તેનાં પતિ વિશાલ માટે એક પિતા પ્રત્યે હોય તે પ્રેમ, લાગણી, કશુંજ કેમ નથી વરતાતુ ? આખી ઘટનાં ના તાર એકબીજી ઘટનાઓ સાથે જોડીને અંજુ વાત ના તથ્ય સુધી પહોંચી... પરંતુ સર..શુ વિશાલ ને પણ આ વાત ની જાણકારી છે ???
હા અંજુ ..વિશાલ પણ આ વાત જાણે છે..બોલતાં બોલતાં અનુરાગ સર થોથવાઈ ગયા.
અંજુ ની આંખો માં થી ગંગાજળ વહી રહ્યું હતું...જાણે કે વર્ષો નાં થાક નું શુધ્ધિકરણ થઈ રહ્યું હતું. સર...હવે આ જ બાકી રહ્યું હતું ??
બધા એ મને છેતરી કેમ ?? કહીને અંજુ રડતાં રડતાં તેનું માથું અનુરાગ સર ના ખભા પર ઢાડી દે છે.
અંજલિ ને આજે એક ખભા ની જરૂર હતી...એક એવા મજબુત ખભા ની કે જે તેના આંસુઓ નો ભાર સહન કરી શકે.
અનુરાગ સરે કશુ બોલ્યા વિના અંજુ ને રળવા નો પુરતો સમય આપ્યો અને તેને હળવી થવા દીધી..ખાસી વાર એમજ અનુરાગ સર નાં ખભા પર માથું મૂકીને રડી લીધા પછી..અંજુ સફાળી જાગી અને અનુરાગ સર નાં ખભા પર ઢળી પડેલું પોતાનું માથું હળવેથી લઈ લીધું, અંજુ એ તેનાં મન પર ના બોઝ ને હલકો કર્યો અને બોલી...સોરી સર...ના હક ના મેં આપને પરેશાન કર્યા છે.
સર...વાત શુ બની હતી ? વિશાલ જાણતો હતો તો તેણે મને કહ્યું કેમ નહીં ?
અને સર...આપનાં પર તો મને મારી જાત કરતાં પણ વધારે વિશ્વાસ છે...તો તમે પણ મને અંધારા માં જ રાખી ??
અનુરાગ સર ને અંજલિ ની વાત સાંભળી ને સ્હેજ દુઃખ થયું..અંજુ બસ તે તારા સર ને આટલા જ ઓળખ્યા છે ?? મારી શું મજબૂરી રહી હશે તે વાત તને નહીં જણાવી શકવા માટે, તે નાં સમજી શકી તું ? કે મારા પર પણ તને આશંકા ગઈ.
સૉરી સર...આપને દુઃખ પહોંચાડવા નો મારો કૉઈ આશય ન્હોતો પરંતુ ..આપ તો મને કહી જ શકતા હતા ને ?? સર...હું આશા રાખુ કે હવે આનાથી વધારે વજ્રઘાત મારે સહન કરવાનો નથી....
હા...અંજુ.. બસ હવે સ્થિર થઈ જા...
સર ..આ આખી ઘટનાં કેવી રીતે ઘટીત થઈ હતી ?? અને તેમાં વિશાલ પણ જાણે છે ..તો..શુ વિશાલ એટલા માટે જ પ્રયાગ સાથે આવો વ્યવહાર...અંજુ ગમ ખાઈ ગઈ...વિશાલ માટે ઘસાતું બોલી ને પણ શુ કરવાનું ??
અનુરાગ સર...અંજુ ને જવાબ આપતા હતા ત્યારે તેમના ભુતકાળ નાં સ્મરણો તાજા થઈ ગયા.
અંજુ...તને યાદ છે ને કે તારા સાસુ તેમના વારસ ને જોવા માટે કેવા પ્રકારના વાક બાણ ચલાવતા હતા ??
હા...સર યાદ જ હોય ને એતો...પરંતુ તેને પ્રયાગ ના જન્મ ની સાથે શું લેવાદેવા ?
અંજુ..એક દિવસ ની વાત છે...તે દિવસે...તારા સાસુ ડો.ત્રિવેદી ને ત્યાં પહોંચી ગયા હતા ..અને ડોકટર ને જેમતેમ બોલ્યા હતા..
તે પછી એક દિવસ તારા અને વિશાલ બંન્ને ના રિપોર્ટ માં તારા રીપોર્ટ નોર્મલ હતા.જ્યારે વિશાલ ના રિપોર્ટ બરાબર નહોતા આવ્યા...બસ એ દિવસ પછી તુ એક દિવસ ડોક્ટર ને ત્યા જ બેભાન થઈ ગઈ હતી....
અનુરાગ સર થોડીકવાર માટે એ દિવસો માં સરી પડ્યા.

અનુરાગ સર ઓફીસ માં તેમનું કામ કરી રહ્યા હતા..એટલા મા જ ડો.ત્રીવેદી નો ફોન આવ્યો..

હલ્લો મી.અનુરાગ..હાઉ આર યુ ??
આઈ એમ ફાઈન ડોક્ટર ત્રિવેદી...શુ વાત છે આજે મને યાદ કર્યો ?? ઈસ ધેર એવરીથીગ ઓકે ?
યસ..આઈ એમ ફાઈન સર...પરંતુ આપની એમ્પલોઈ અંજલિ ઝવેરી....
ઓહહ....સૉરી સર...શુ તેની સાસુએ આપને પણ..???
ઈટ્સ ઓલ ઓ.કે. મી. અનુરાગ...અમારે ત્યાં તો આવું બધુ બનતું હોય છે...પરંતુ મેં તેના માટે આપને ફોન નથી કર્યો..
અનુરાગ સર ને થોડી ચિંતા થઈ...શુ કામ હશે તો મારું આ ડોક્ટર ને ?
ઓ.કે.ડોક્ટર આપ જણાવો, હું આપની શુ મદદ કરી શકું ?
મી.અનુરાગ થોડા સમય પહેલા અંજલિ અંહી મારા ક્લિનીક પર આવી છે...તેનાં અને તેનાં પતિ વિશાલ ની ટ્રીટમેન્ટ ચાલી રહી છે..તે બન્ને નાં રીપોર્ટસ જોતા એવુ લાગે છે કે અંજલિ નોર્મલ છે, જ્યારે વિશાલ ને દવાઓ કર્યા પછી પણ કોઈ ફરક નથી પડતો..અને કદાચ હવે નહીં જ પડે..
ઓહહહહ...ધેટ્સ વેરી બેડ ન્યુઝ ડોકટર..પરંતુ અંજુ ને તમે જણાવ્યું ખરું ?
યસ..મી.અનુરાગ અને એટલેજ આપને ફોન કરવો પડ્યો..કે અમે અંજલિ ને આ વાત ની જાણ કરીતો...
તો ..શું ?? ડોકટર ત્રિવેદી ? અનુરાગ ની વાત માં અંજુ પ્રત્યે ની ચિંતા દેખાતી હતી.
મી. અનુરાગ...અંજલિ આ વાત જાણી ને ખુબ રડી હતી...અને બસ અચાનક બેભાન થઈ ગઈ છે.
ઓહહહહ...ધેટ્સ વેરી સિરીયસ કેસ..એન્ડ ડીફીકલ્ટ ટુ.
જી મી.અનુરાગ...આપ પ્લીઝ કોઈક આવી જાવ અથવા તેના સગા ને જાણ કરો..મેં અમારા રેકોર્ડ માંથી તેનાં હસબન્ડ મી.વિશાલ ને પણ ફોન કર્યોહતો..પરંતુ...
વોટ પરંતુ સર ??
મી.અનુરાગ ..મી.વિશાલ તો કહેછે કે તે પોતે હમણાં બીઝનેસ ના કામથી શહેર થી દુર છે...અને તેમને મારા હોસ્પિટલ માં પહોંચતા બે કલાક થશે. પરંતુ પેશન્ટને બે કલાક આમજ રાખી નાં શકીએ અને તેમનાં કોઈ પરિચિત વગર અમે હોસ્પિટલમાં એડમીટ ના કરી શકીએ..અંજલિ ના હાલ જોતા તેને માનસિક આઘાત લાગ્યો છે...અને ક્યારેક આવા સેન્સેટીવ લોકો કાયમી માનસિક રોગ ના શિકાર બની જતા હોય છે,અથવા કોમા માં સરી પડે છે...
ઓહહહ..ધેટ્સ વેરી ડેન્જરસ સર...અંજુ એક કાબેલ અને હોંશિયાર છોકરી છે. તે ખુબ લાગણીશીલ અને કોઈનું પણ ક્યારેય અહિત નાં કરે તેવી છે. એની વેઝ...સર હું આમાં શુ મદદ કરી શકું છુ ??
મી.અનુરાગ આપને ડીસ્ટર્બ કરવાનું મારી પાસે એકજ કારણ છે..કેમકે અંજલિ આપનાં રેફરન્સ થી અંહિ આવી હતી...અને હાલ તેની પાસે કોઈ રહે તે બહુ જરૂરી છે..અન્યથા કેસ બગડી શકે છે.
ઓહહહ...ડોકટર..ડોન્ટ વરી...હું થોડી મીનીટોમાં જ આપની પાસે પહોંચી રહ્યો છું..અને શક્ય હોય તો મારી વાઈફ નિશી ને પણ કહુ છું કે તે પણ ત્યા આવી જાય.
ઓ.કે. મી.અનુરાગ થેન્કસ ફોર અનડરસટેન્ડ મી એન્ડ માય સિચ્યુએશન...ડોક્ટર નો ફોન મુકાઇ ગયો.
અનુરાગે સૌથી પહેલાં તેની પત્ની નિશી ને ફોન કર્યો...હલ્લો નિશી..
યસ...અનુરાગ...શુ વાત છે આજે ઓફીસ ના કામ માંથી મને ફોન કરવાની ફુરસત મળી છે ને કાંઈ...
સૉરી...નિશી ...એક અરજન્ટ કામ થી તને ફોન કર્યો છે..
ઓ.કે. સૉરી અનુરાગ..શુ વાત છે ??
અરે નિશી..આપણી ઓફીસમાં પેલી અંજલિ છે ને ??
અરે હા...જેને આપણે ડોક્ટર ત્રિવેદી પાસે મોકલી હતી..તે જ ને ?
હા..નિશી..તેની જ વાત કરુ છું..હમણાં ડોકટર નો ફોન આવ્યો હતો કે અંજલિ તેમની કેબીનમાં જ બેભાન થઈ ગઈ છે અને તેની સાથે કોઈ નથી...ઇવન તેનો હસબન્ડ શહેર થી થોડો દુર છે જેને પહોંચતા બે કલાક થાય તેમ છે..અને ડોકટર નુ કહેવું છે કે કોઈની હાજરી વગર તે ટ્રીટમેન્ટ નહીં કરે કારણકે ક્યારેક આવા પેશન્ટ કોમા માં જઈ શકે છે.
ઓહહહહ...વેરી ડેન્જરસ અનુરાગ...તો મારે શુ કરવાનું છે ?
નિશી તુ એક કામ કર...ફટાફાટ ડો.ત્રિવેદી ના ક્લીનીક પર પહોંચી જા..હું પણ આવી જઉ છુ. અંજુ નો હસબન્ડ આવે પછી આપણે પાછા આવી જઈશું.
ઓ.કે. અનુરાગ..આપ નીકળો હું બસ દસ મિનીટ માં જ પહોંચી જઈશ.
ફાઈન થેન્કસ નિશી...કહીને બન્ને ફોન મુકાઇ ગયા.
નિશી તથા અનુરાગ બન્ને થોડીકવાર માં જ ડો.ત્રિવેદી ની કેબીનમાં હાજર હતા.
જુઓ..મી.અનુરાગ એન્ડ મીસીસ નિશી, અંજલિ ની હાલત અત્યારે અત્યંત ગંભીર છે તેમ કહી શકાય..તેને રીપોર્ટ નો માનસીક આઘાત લાગ્યો છે..
સોરી ડોકટર પરંતુ મને કે નિશી ને તેમની શુ ટ્રીટમેન્ટ ચાલે છે તે ખ્યાલ નથી..
ઓ.કે. મી.અનુરાગ..વાત એમ છે કે, અંજલિ ના રીપોર્ટ નોર્મલ છે, તેને માં બનવા મા કોઈ તકલીફ નથી..પરંતુ તેનો પતિ વિશાલ કદાચ ક્યારેય પિતા બની શકશે નહીં..
ઓહહ..ડોકટર સાહેબ..મીન્સ અંજલિ કયારેય માં નહી બની શકે ?? નિશી એ પુછ્યુ.
મિસીસ નિશી ...આપ સમજ્યા નહીં...અંજલિ તો માં બની જ શકે છે પરંતુ વિશાલ પિતા નહીં બની શકે...
જો અંજલિ ને કોઈ એવી વ્યક્તિ નાં સ્પર્મ મળી જાય કે જે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોય, અને વળી તે સ્પર્મ બધી રીતે અંજલિ ને માફક આવી શકે તેમ હોય, તથા તેને અંજલિ નાં ગર્ભાશય માં યોગ્ય સમયે ઈમ્પ્લાન્ટ કરવામાં આવે તો અંજલિ ચોક્કસ માં બની જ શકે છે.
પરંતુ આ કામ માટે તેના હસબન્ડ ની પરમિશન જરુરી છે. અને સૌથી પહેલાં તો તેના હસબન્ડ આ વાત ને સમજી શકે તથા તેનાં માટે તૈયારી દર્શાવે તો જ આગળ વિચારી શકાય.
ઓહહહ..ઈટ્સ લીટલ કોમ્લીકેટેડ...ડોક્ટર...અનુરાગ ચિંતા કરેછે.
પરંતુ ડોક્ટર...સપોઝ અંજલિ નો હસબન્ડ વિશાલ પરમિશન આપે તો શું ?? શુ આપની પાસે તેવો કોઈ ડોનર છે જે અંજુ નો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે??
જી નહીં...મી.અનુરાગ...હાલ તો કોઈ નથી...હું પણ એજ ચિંતા કરુ છુ. પરંતુ એક વખત તેના હસબન્ડ ને આવી જવા દો..પછી નક્કી કરીશું.
નિશી પણ સતત ચિંતા કરતી હતી અને અંજલિ ની બાજુમાં બેઠી હતી. ડોક્ટરે અંજુને સલાઈન ની બોટલ્સ સ્ટાર્ટ કરી દીધી હતી.
થોડીકવાર માં જ વિશાલ આવી પહોંચ્યો..
સોરી.. ડોકટર...હું જરા લેટ છું.. વિશાલ નુ ધ્યાન અંજલિ પર ગયું..તે બેભાન અવસ્થામાં જ બેડ પર સુતી હતી..અને સલાઈન બોટલ ચાલુ હતી...અનુરાગ સર ની વાઈફ નિશી, અંજુ નો હાથ તેના હાથ માં લઈને બેઠી હતી, અને ડોકટર ની સાથે અનુરાગ પણ હતો.
વિશાલ નું ધ્યાન અનુરાગ સર પર પડ્યું...ઓહહ આપ આવ્યા છો સર...થેન્કસ..
મી.વિશાલ આપ આવી શકો તેમ નહોતાં એટલે મેં જ મી.અનુરાગ ને અંહી બોલાવી લીધા હતા...આ તેમના વાઈફ છે...મીસીસ નિશી.. ડોક્ટર થોડા નારાજ સ્વરે બોલ્યા.
થેન્કસ મેડમ...અને થેન્કસ ડોક્ટર તમે જે કર્યુ તે બેસ્ટ જ કર્યું છે.. પરંતુ અંજલિ ના બેભાન થવાનું કારણ શું ??
જુઓ...મી.વિશાલ..અંજલિ ના અને તમારા રીપોર્ટ જોતા...
વન મિનીટ...મી.અનુરાગ, નિશીજી આપ પ્લીઝ થોડીકવાર માટે બહાર...
ઓહહહ...સોરી સર...અમે બહાર બેઠા છીએ..કહીને અનુરાગ તથા નિશી કેબીનમાં થી નીકળી ને બહાર વેઈટીંગ રૂમમાં રાહ જોવે છે..
ડોકટરે ફરી કહેવાનું શરુ કર્યું...જુઓ મી.વિશાલ રીપોર્ટ મુજબ આપ ના પિતા બનવાના ચાન્સ લગભગ નહીવત્ છે અથવા નથી જ.....અને અંજલિ સાથે મારે આ બાબત ની ચર્ચા જ થઈ હતી...પરંતુ હજુ સુધી મેં અંજલિ ને આ વાત સ્પષ્ટ રીતે નથી કહી...અંજલિ ને એવી ખબર છેકે આપના રિપોર્ટસ મુજબ કદાચ આપ પિતા ના બની શકો અથવા સમય લાગે તેમ છે..અને બસ આટલું સાંભળતા જ અંજલિ રડતાં રડતાં બેભાન થઈ ગઈ હતી...મને લાગે છે આપનાં મમ્મી ના માનસિક ત્રાસ ને લીધે તે કદાચ બેભાન થઈ હોઈ શકે, પરંતુ આ સ્થિતિ વધારે સમય માટે રહે તો પેશન્ટ કોમામાં સરી પડે.
ઓહહહ...ડોકટર તો આપણે શુ કરવા નું છે ?? અને શું આ વાત અનુરાગ સર જાણે છે ?? વિશાલ ને સલાહ કે માર્ગદર્શન આપવા માટે અત્યારે અનુરાગ સર જ હાજર હતા.....અને વિશાલ જાણતો હતો અને તેને અનુરાગ નો અનુભવ પણ અગાઉ હતો કે અંજલિ ના કામમાં અનુરાગ સર ક્યારેય નાં નહી કહે.
યસ..મી.વિશાલ તમે આવ્યા નહોતાં એટલે મારે અનુરાગ ને બધુ કહેવું પડ્યું હતું..ડોક્ટરે કદાચ વિશાલ ની રાહ જોવાની હતી..એવું વિશાલ નાં અવાજ માં લાગ્યું.
ઓ.કે. ડોક્ટર સાહેબ નો પ્રોબ્લેમ...હવે આપ શું સલાહ આપો છો ? અને આપને વાંધો નાં હોય તો આપણે અનુરાગ સર ને પણ બોલાવી લઈએ.
આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ...તમે અનુરાગ ને બોલાવી શકો છો..
થેન્કસ ડોકટર...કહીને વિશાલ બહાર જઈને અનુરાગ ને બોલાવી લાવ્યો અને ફરી ડોકટરે વાત શરૂ કરી.
જુઓ મી.વિશાલ તમે પિતા નથી બની શકો તેમ..પરંતુ અંજલિ માં કોઈ જાત નો પ્રોબ્લેમ નથી...માટે તે " માં " બની શકે તેમ છે.
ઓહહહ...પરંતુ હું સમજ્યો નહીં..ડોકટર તે કેવી રીતે શક્ય છે ??
મી.વિશાલ, કોઈ બીજી યોગ્ય વ્યક્તિ ના સ્પર્મ મળી જાય તો...તેનાં થી શક્ય બને..
ઓહહ....નો ડોક્ટર મીન્સ તે આવનાર બાળક નો પિતા હું નહીં કોઈ બીજુ...
અનુરાગ ચુપચાપ બધુ સાંભળી રહ્યો હતો.
જુઓ મી.વિશાલ સાયન્સ અત્યારે કેટલું આગળ વધી ગયું છે... એટલીસ્ટ તમારી પાસે આ એક ચાન્સ તો છે ને કે તમે અંજલિ ના આવનારા બાળકના પિતા જ કહેવાશો અને અંજલિ તેની માતા...તો પછી એમાં પ્રોબ્લેમ શુ છે ?? અને જો તમે આ પધ્ધતિ નો સ્વીકાર નથી કરતા તો તમારી પાસે એકજ વિકલ્પ બચશે...બચ્ચુ એડોપ્ટ કરવાનું...તો તેની તૈયારી છે આપની ?? અને શુ આપનાં પેરેન્ટ્સ આ વાત ને સ્વીકારી શકશે ?? આપના મમ્મી તો મને પણ ઘણું બોલી ગયા હતા...તો તે વ્યક્તિ તમારા આવા રીપોર્ટ જોઈને તમારી અને અંજલિ સાથે કેવું બિહેવ કરશે તે વિચારો જરા...બીજુ તમારા મમ્મી અંજલિ ને જે માનસિક ત્રાસ આપશે તેનો આઘાત અંજલિ સહન કરી શકશે ??
જે સ્ત્રી ફક્ત આપના રિપોર્ટસ આવા હોઈ શકે છે તે સાંભળી નેજ બેભાન થઈ ગઈ છે, તે સાચી માહિતી જાણસે ત્યારે શુ થશે ?? વાત ને આમજ ઝડપી સોલ્વ કરવી હોય તો તમારી પાસે વિકલ્પ એક જ છે...બાકી તમારી જિંદગી નો નિર્ણય તમારે જ લેવા નો છે..તમારે અત્યારે એકલા એ ક્ષણીક દુઃખી થવું છે કે આખા પરિવાર ને કાયમ માટે દુઃખી કરવો છે અને ઘર માં દરરોજ તમારા મમ્મી ના કડવા વહેણ સાંભળવા છે ?
અત્યારે આપના રિપોર્ટસ ની વાત ફક્ત આપણે આટલા લોકો જ જાણીએ છીએ પછી આખી દુનિયા જાણસે...કોને શુ અને કેટલા જવાબ આપશો ??
બધુ વિચારો અને પછી નક્કી કરો...મેં આપને બેસ્ટ અને ક્વીક સોલ્યુશન બતાવ્યું છે...બાકી આપ જેમ કહેશો તેમ આપણે કરીશું.
નિશી...અને અનુરાગે એકબીજાની સામે જોયું...અને પછી અનુરાગે ડોક્ટર ને પુછ્યુ...સર તેમાં અંજલિ ને કોઈ લાઈફ રિસ્ક ખરું ??
નો નેવર.. મી.અનુરાગ...નો રીસ્ક એટ ઓલ...બસ ફક્ત મી.વિશાલ હા કહે બાકી કોઈ ચિંતા નુ કારણ નથી.
વિશાલે અનુરાગ ની સામે જોયું...સર આપની શુ સલાહ છે ??
જુઓ મી.વિશાલ મારા મંતવ્ય મુજબ ડોકટર સાહેબ ની વાત યોગ્ય છે...અને તમારે ડોક્ટર ની સલાહ માની લેવી જોઈએ.
વિશાલ ના ચહેરા પર ટેન્શન હતું...એક તો પોતે પિતા નહી બની શકે તે વાત જાણી હતી, અને વળી તરત જ કોઈ અઘરો નિર્ણય લેવાનો હતો..
સર...અંજલિ ને જ્યારે ખબર પડશે કે હું પિતા બની શકુ તેમ નથી તો તેનો વ્યવહાર મારી સાથે પહેલા જેવો જ રહેશે ??? અને જો આપ કહોછો તે રીતે કરવા થી અંજલિ માં બને, અને તેની જાણ અંજલિ ને થશે તો પણ અંજલિ મને પહેલા જેટલો પ્રેમ, આદર બધુ આપશે ?? અંજલિ નો વ્યવહાર મારી સાથે બદલાઈ જશે તો ?? સર બહુજ દુવિધા થાય છે મન માં...
અનુરાગ સર ..ડોક્ટર સાહેબ, જો મારા મમ્મી પપ્પા જાણસે તો કકળાટ કરી મુકશે અને દુઃખી થશે જ. અંજલિ ને પણ દુઃખ તો થશે જ...પરંતુ શક્ય છે કે તે તેનાં કામમાં તેને ભૂલી જાય..
સૉરી મી.વિશાલ આપની પત્ની એક વર્કીંગ વુમન ની સાથે એક સ્ત્રી પહેલા છે, અને એ પણ નાં ભુલશો કે આપનાં મમ્મી જ તેને વધારે દુઃખ પહોંચાડે તેમ છે...ડોકટર નો અવાજ થોડો કડક હતો..ત્યારે.
વિશાલે થોડુ વિચાર્યું પછી બોલ્યો....સર...આપ સૌને એક રીક્વેસ્ટ કરૂં છું કે આપ આ રીપોર્ટ ની વાત અંજલિ ને નાં જણાવશો, હું પણ તેને ક્યારેય કશુ નહીં કહું, અને ડોક્ટર સાહેબ આપ જે ટ્રીટમેન્ટ યોગ્ય લાગે તે કરવામાં આગળ વધો..હું આવનારા બાળકના પિતા તો કહેવાઈશ જ ને...તો બસ હું હંમેશા તેને મારું બાળક જ માનીસ અને તેને પિતા નો પ્રેમ આપીશ.
ડોક્ટર ખુશ થઈ ને બોલ્યા...મી.વિશાલ યુ હેવ ટેકન વેરી ગુડ ડીસીસન, નોટ ઓન્લી ફોર યુ બટ ફોર એન્ટાયર યોર ફેમીલી.
અનુરાગ અને ડોક્ટર ની નજર મળી...કોઈ વાત ઈશારા થી કરી, અને બન્ને એ વિશાલ ની રજુઆત માં સંમતિ આપી.
ડોક્ટર સાહેબ...અનુરાગ સર...આપ નો ખુબ ખુબ આભાર...!!
સર, ડોકટર સાહેબ...આપ જે યોગ્ય લાગે તે ટ્રીટમેન્ટ કરો, હું એક અગત્યનું કામ બાકી મુકીને આવ્યો છું ...તો હું જરા થોડીકવાર માટે બહાર જઈ ને આવું છું....
અનુરાગ ને વિશાલ પર ગુસ્સો આવ્યો, કઈ પ્રકાર નો માણસ છે આ ? એક બાજુ તેની પત્ની બેભાન પડી છે અને બીજી બાજુ તેને પોતાનો ધંધો જોવો છે, જીવનમાં શુ અગત્યનું છે તેની પણ તેને ખબર નથી પડતી..
ડોકટરે અમુક પેપરોમાં વિશાલ ની સાઈન કરાવવા માટે જણાવ્યું..મી.વિશાલ પહેલા આ પેપર્સ પર સાઈન કરીને જાવ, હું પ્રયત્ન કરુ છું અંજલિ ને ઝડપથી હોશ આવી જાય.
ઓ.કે.ડોકટર લાવો...પેપર્સ...કહી ને વિશાલે જરૂરી બધા પેપરમાં સાઈન કરીને ફરી થી તેનાં કામ માટે જવા નીકળ્યો.
અનુરાગ હજુયે ડોકટર ની કેબીનમાં જ હતો.. જ્યારે નિશી બહાર અંજલિ ના બેડ પાસે બેઠી હતી.
મી.અનુરાગ ..હવે એક નવી મુશ્કેલી દેખાય છે...વિશાલ ની મંજુરી મળી ગઈ છે, પરંતુ હજુ અંજલિ ની સાઈન લેવી પડે.
ડોકટર અંજલિ ભાન માં આવે ત્યારે તેની સાઈન તેને કશુ જણાવ્યા વિના લઈ લેજો, અને સાક્ષી ની જરૂર હોય તો હું સાઈન કરી આપીશ.
મી.અનુરાગ એતો કરી લઈશું...પરંતુ મુખ્ય મુદ્દો તો હાલ સ્પર્મ નો છે.
ઓહહ...પરંતુ એ તો આપનો સબ્જેક્ટ છે સર...
યસ....મી.અનુરાગ...પરંતુ જો કોઈ ની મદદ મળી જાય તો...
બસ...તે દિવસે ડોક્ટર સાથેની લાંબા ડિસ્કશન ની તે ઘટના...અને બસ પછી તે દિવસે વિશાલ ડોકટર ને ત્યાં ન્હોતો આવ્યો, તને..નિશી તેની સાથે ઘરે લઈ ગઈ હતી. થોડાક સમય પછીથી તને નિશી ની કાર તારા ઘરે મુકી આવી હતી...અને પછી થી થોડાક દિવસો પછી તારા સારા સમાચાર સાંભળી ને મનોમન ખુબ આનંદ થયો હતો.
અંજલિ ના મનમાં અલગઅલગ પ્રકાર નાં ભાવ ઉત્પન્ન થતા હતાં.. વિશાલે જે તે સમયે જે કર્યુ તે સારૂ કર્યું હતું કે ભૂલ હતી ??
તેણે મને કેમ નહીં જણાવ્યું હોય ?? શું તેને મારો ડર હશે ?
કે મારાં પર વિશ્વાસ નહીં હોય ? કે પછી તેને તેના પોતાનાં પર વિશ્વાસ નહીં હોય ??
અંજલિ બસ વિચારો માં ખોવાયેલી છે.
અંજુ....જરા સ્વસ્થ થા...અનુરાગ સર નો અવાજ અંજુ ના કાને અથડાયો..
જી..જી સર...હમમ...આતો જરા આમજ...
એરહોસ્ટેસ આવી અને અંજુને જણાવી ગઈ કે બ્રેક ફાસ્ટ આવી રહ્યો છે..અને બે કલાક પછી ફ્લાઇટ તેનાં ગંતવ્ય સ્થાન પર ઉતરશે માટે ફ્રેશ થવું હોય તો થઈ જાવ.
અંજુ એક વાત યાદ રાખજે, જે અંજલિ ગઈ કાલે હતી તે જ અંજલિ જીવનભર રહેવી જોઈએ. કોઈ એક ઘટનાં જીવન ને છીન્નભીન્ન કરી જાય એટલી નિર્બળ ક્યારેય ના બનતી. જીવનમાં દરેક વીપરીત ઘટનાઓ કે સંજોગો મા એક નવી સફળતા ના બીજ રોપાય છે. માટે તારે પણ આ ઘટનાને આજે અંહિ ભૂલી ને સકારાત્મક અભિગમ સાથે જીવન જીવવા નું છે.
જી સર...મને મારું વચન યાદ છે, મેં કહ્યું હતુ કે, આજે જે અંજુ છે તે જ અંજલિ આવતી કાલે અને કાયમ માટે પણ તે જ અંજુ રહેશે, માટે હું વિચલિત નહીં થઉ...હા એક વાત છે..જીવન ને નવી રીતે જોતા શીખીસ, તથા નવી રીતે જીવતાં પણ શીખીશ.
મારા પ્રયાગ માટે નો મારો પ્રેમ હતો તેનાં કરતાં અનેક ઘણો વધી ગયો છે..સર.
બહુજ સરસ અંજુ...મને પણ તારી પાસેથી આવીજ અપેક્ષા હતી.
થોડીકવાર માં જ બ્રેકફાસ્ટ આવી ગયું....અંજુ તથા અનુરાગ સરે બ્રેકફાસ્ટ ને ન્યાય આપ્યો.
સર તો પછી મારો તે ભલા માણસ સાથે કયો સંબંધ કહેવાય ?
જેણે મને જીવન જીવવા નું બહાનું આપ્યું..જીવનમાં અપાર ખુશીઓ આપી...અને તે પોતે ફરીથી અજાણી દુનિયા માં જ ઓઝલ થઈ ગયો હતો.
અજુ...દરેક સબંધ ને નામ નથી આપી શકાતું ....અમુક સંબંધ જીવન માં એવા પણ હોઈ શકે છે કે જેને નામ આપવાથી તે અભડાઈ જાય છે ..તે સંબંધ ની ગરિમા તેની સુગંધ બધુ જ વેર વિખેર થઈ જાય છે. ..કેટલાક સંબંધ નામ વિનાં નાં જ સારા રહેછે અને ઈજ્જત આપે છે.
ઘણી વખત બધા સંબંધો થી પર હોય છે અમુક સબંધ...અને ત્યારે સંબંધો ની આરપાર જોવાનુ, વિચારવાનું અને સમજવાનું હોય છે.
સમય હવે ફ્લાઈટ ને લેન્ડ થવાનો હતો...અંજુ તથા અનુરાગ સરે પોતાનાં બ્લેન્કેટ અને હેડ ફોન એર હોસ્ટેસ ને પરત કર્યા..અને ફ્લાઇટ ની લેન્ડ થવાની રાહ જોતાં હતા.
અંજલિ ના મન માં હજુયે અનુરાગ સર ને પૂછવા માટે સવાલો હતા.
સર...આપ એક વખત ફોરેન ટુર પર હતા અને આપને અગત્ય ના કોઈ પેપર ની જરૂર પડી હતી....
હા...અંજુ....તે વખતે તેજ તો મને તે પેપર શોધી ને મોકલી આપ્યું હતું...
જી સર...પરંતુ તે સમયે એક બીજુ પેપર પણ મને મળ્યું હતું...તે જે આપનાં જીવન નું એક અજાણ્યું સત્ય હતું.
અનુરાગ સર ને અંજુ ની વાત સાંભળી ને ધ્રાસકો પડ્યો...પણ તેમનાં ચહેરા ના હાવ ભાવ બિલકુલ બદલાયા નહીં...અને ખુબ સહજતાથી અંજુ ને જવાબ આપ્યો...અંજુ એ મારા જીવન નું સત્ય હતું..
હા સર....જાણું છું હું...કે તે આપના જીવન નું સત્ય છે..
પરંતુ સર...શુ આપનાં જીવન નું સત્ય, ક્યાંય મારા જીવન ના સત્ય સાથે મળતું તો નથી ને ??
અંજુ....મારા પર વિશ્વાસ રાખજે, હું કોઈ ને વચન બદ્ધ છું...તે સત્યને જીવીશ ત્યાં સુધી ઉજાગર નહીં કરુ...અન્યથા તારા તે સવાલ નો પણ તને જવાબ મળી જતો. અંજુ, જો તારે સંબંધો ને સાચવવા હોય,સંબંધો ને નિભાવવા ના હોય તો સત્યને જાણીને પણ ભુલી જજે, અમુક વખતે સત્ય નો આગ્રહ રાખી અને સત્યને સ્વીકારીને રહેવા કરતા સંબંધો નો આગ્રહ રાખીને સંબંધો નો સ્વીકાર કરવો જોઈએ.
સર...મને મારો જવાબ મળી ગયો...અને હાં આજે પણ હું મારી જાત કરતા વધારે આપના પર ભરોસો કરુ છું..અને આપનું વચન તુટે તેમ હું ક્યારેય નહીં ઈચ્છું.
સર, જીવનના દરેક પડાવ પર સ્થિર કેવી રીતે રહી શકાય ??
અંજુ...હું હંમેશા કહુ છુ કે જીવનમાં દરેક તબક્કે જે કોઈ વ્યક્તિ ને મળે તેને તે જેવા હોય તેવા જ સ્વીકારી લેજે, કોઈને તારી રીતે બદલાવા ની કોશિશ નાં કરીશ. જીવનમાં ક્યારેય કોઈનું ખોટુ , કે અહિત ના કરીશ, સત્ય અને ધર્મના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરજે. મહેનત અને ઈમાનદારી ને તારૂ શસ્ત્ર બનાવજે, નિતિ થી ચાલજે, ભગવાન જે કાંઈ કરી રહ્યા છે તે સારા માટે જ કરે છે, અને જે કરશે તે સારૂ જ કરશે તે ભાવ મન માં કાયમ રાખજે. ખુશી માં બહુ ખુશ ના થતી અને દુઃખ માં ક્યારેય બહુ દુઃખી થઈ ને મન પર ના લેતી..દરેક પરિસ્થિતિ માં મન ને સ્થિર રાખજે.
અંજુ..ક્યારેય તારી લાગણીઓ ને મુરઝાવા નાં દઈશ. કદી કરમાઈ ને ખરી પડેલા ફૂલો ને સ્પર્શી ને જોજે, ખીલવુ અને પછી ખરી પડવું તે બહુજ અઘરૂ હોય છે. તે ખરી પડેલા ફૂલો ની સંવેદના નો સ્પર્શ કરીને અનુભવી જોજે...તેમાં લાગણી, કરુણા અને સંવેદના નો અનુભવ થાય ત્યારે જીવનરૂપી રણભૂમિ માં તુ સ્થિર રહી શકીશ,અને તેનાં માટે તેનો પ્રત્યક્ષ અનુભવ થશે ત્યારે તને સ્થિરતા નો અનુભવ થશે.કોઈપણ પરિસ્થિતિ માં વિહવળ ના થતી તો સ્થિરતા આપોઆપ આવતી જશે.
સર...જીવન નું અંતિમ સત્ય શુ છે ??
અંજુ..જીવન નું અંતિમ સત્ય તો ઈશ્વર, પ્રેમ અને કરુણા જ છે, જીવન ના દરેક રસ્તા પરમાત્મા તરફ જાય છે.
અનુરાગ અને અંજલિ ની અમેરિકાની યાત્રા પુરી થાય છે. એર ઇન્ડિયા નું ડ્રીમલાઈનર અંજલિ નાં કેટલાક સ્વપ્નાં ઓ પુરા કરીને, તો કેટલાંક સત્ય જે અજાણતાં જ અંજલિ ના જીવનમાં ઘટિત થયા હતા, તેને આજે ઉર્જિત કરીને અંજુ ના જીવનમાં નવા સબંધ,નવા સ્વપ્નાં ના બીજ રોપવા માટે ઈન્ડીયા ની ધરતી પર લેન્ડ કરવા ની તૈયારી માં હતું.
અંજુ નુ જીવન હવે પહેલા જેવું જ રહેશે કે નહીં તે સવાલ ખુદ અંજલિ તથા અનુરાગ બન્ને ને સતાવી રહ્યો હતો.
અંજલિ નું મન હવે ધીરે ધીરે સ્થિર થવા લાગ્યું હતું...અને આટલી મોટી ઘટનાઓ તેના જીવનમાં ઘટિત થઈ ગઈ છે તે જાણ્યા પછી પણ અંજલિ નાં મનમાં આજે વિશાલ ના વર્તનને લઈને કોઈ દુઃખ નહોતું રહ્યું, કે વિશાલ ની તેણે લંડન માં રહીને કરેલી ભૂલ નુ દુઃખ પણ રહ્યું નહોતું. અંજુ ની દુનિયા હવે બદલાઈ જવાની હતી તે નક્કી હતું... અંજુ એ મન મનાવી લીધું હતું...અને જીવન ના અમુક સમય પછી જીવન સેવાકીય પ્રવૃત્તિ માં પસાર કરવાનું વિચારી લીધું હતું.
અનુરાગ સરે જાણે અંજુ ના મન ની વાત સાંભળી લીધી હશે...... પોતાનો લગેજ બેલ્ટ પર થી લેતા લેતા અનુરાગ સરે અંજુને કહ્યું... અંજુ તૈયાર થઈ જજે...જીવનની બીજી ઈનીંગ માટે....પ્રયાગ તથા અનુરાગ ગ્રુપ સાથે મળીને આપણે એક સેવાકીય યજ્ઞ ને પ્રગટાવીશુ...
અંજલિ એ પણ પોતાનો લગેજ લીધો અને ટ્રોલી પર મુકતાં મુકતાં હસી પડી...અને મન માં બોલી....સર ને આજે પણ મારા મન ની વાત કહેવી નથી પડતી....!!
એ નામ વગરનો સંબંધ...એકબીજાને માન આપતો હતો...કોઈ લાલચ નહીં...કોઈ છળ નહીં...નહોતા કોઈ પ્રેમ સંબંધ, નહોતા કોઈ મૈત્રી સંબંધ....નહોતા કોઈ જન્મો જનમ ના સંબંધ કે બંધન ના વાયદા, નહોતા કોઈ ના પણ બદ ઈરાદા...એકબીજાને અજાણતા જ જીવન ના એક એવા સમયે મળ્યા હતા કે જે સમય જતા એક બીજા ને વધારે સમજતાં થતા ગયા...એ સંબંધ...બધા સંબંધો થી પર હતા....અને......
સંબંધો ની આરપાર હતા...તે સંબંધ..!!
અંજલિ તથા અનુરાગ બન્ને ને લેવા માટે તેમની કાર ને લઈને ડ્રાઈવર બહાર ઉભા હતા...બન્ને પોતાનો લગેજ લઈને એરપોર્ટ થી બહાર આવ્યા....અને પોતાની કારમાં બેસતા પહેલા....અંજુ ની આંખો નમ થઈ ગઈ હતી....તેનાં મનમાં અનુરાગ સર પ્રત્યે નું માન વધી ગયું હતું.
અંજલિ તેની લગેજ ટ્રોલી ને તેનાં ડ્રાઈવર ને સોંપી ને અનુરાગ સર ની કાર પાસે આવી....અને અનુરાગ સર ને પગે લાગી...તેમની આંખોમાં આંખો પરોવી ને રળતી રહી ......બોલી સર...મારા પ્રયાગ ને આપનો પ્રેમ અને આશીર્વાદ સદાય આપતા રહેજો..
અનુરાગે અંજલિ ના માથે હાથ ફેરવ્યો..અને..કહ્યું અંજુ શાંત અને સ્વસ્થ થઈ જા....જીંદગી અને જીવન વચ્ચે ધુમ્મસ અને ધુમાડા જેટલો ફરક છે. માટે જિંદગી ને માણજે અને જીવન ને જીવજે, અને રહી વાત પ્રયાગ ની, તો પ્રયાગ મારા કરતા પણ મહાન બનશે, અને મારા પર તે જે ભરોસો રાખ્યો છે તેને રાખી જાણજે.
અનુરાગસરે અંજલિ ને શાંત કરી, તેમની કાર માંથી પાણી ની બોટલ લીધી અને અંજલિ ને પીવડાવ્યું અને થોડીકવાર રહીને બન્ને છુટા પડ્યાં.
ઈન્ડિયા નાં શીયાળા ની સવાર ની માણવા જેવી ઠંડી ના ચમકારા માં તથા વહેલી સવાર ના આછા ટ્રાફિક વાળા રસ્તા પર અંજલિ તથા અનુરાગ સર ની કાર તેમનાં ઘર તરફ ધસી રહી હતી...
અંજલિ નાં ચહેરા પર જીવન ને હવે નવી દિશા માં આગળ વધારવાની ઈચ્છા દેખાતી હતી, તેની કાર માં તેનું મન પસંદ ભજન વાગી રહ્યું હતું. અંજલિ ના મોબાઈલ માં રીંગ વાગી ...અંજુ એ મોબાઈલ હાથમાં લઈને જોયું તો સવાર નાં આંઠ વાગવા આવ્યા હતા....અને મોબાઈલ નાં સક્રીન પર પ્રયાગ લખાઈ ને રીંગ વાગી રહી હતી.
અંજલિ મન માં હરખાઈ... મારો દિકરો....!!!

************* સમાપ્ત *************

નોંધ :-

વાંચક મિત્રો,

આપ સૌએ આટલા લાંબા સમય સુધી સ્ટોરી ને સતત વાંચી અને મને પ્રોત્સાહીત કર્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. મને ધ્યાનમાં આવ્યું હતું કે ઘણા પેજ પર લખાણ માં જોડણીમાં નાની નાની ભૂલો રહી ગઈ હતી, પરંતુ આપ સૌ એ આપમેળે તેને સુધારી ને વાંચી લીધી હતી તેનાં માટે આપનો આભાર.
છેલ્લા ભાગ માં પ્રયાગ નાં જન્મ બાબતે જે વૈજ્ઞાનિક શક્યતા દર્શાવેલી છે, તે ફકત મારા વિચારો ની રજુઆત છે, તે વાત વૈજ્ઞાનિક રીતે સાચી જ હોઈ શકે છે તેનો હું દાવો કરતો નથી.જેથી તે બાબત ને ફક્ત વાર્તા નાં સ્વરુપે જ વાંચવી અને સમજવી.
વાર્તા માં લીધેલા પાત્રો નાં નામ કોઈ પણ વાંચક મિત્રો નાં નામ સાથે મળતા આવતા હોય તો, તે સંજોગ માત્ર ગણવું તેનાં સિવાય નો કોઈ મતલબ કાઢવો કે સમજવો નહીં.

આભાર...