રુહીનો અનંત પથ.. અંકિતા ખોખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુહીનો અનંત પથ..

એક નવો પ્રયાસ, પસંદ પડે તો વધાવી લેજો..

©અંકિતા પટેલ
















कृष्णम सदा सहायते।

















1.

એક સુંદર વાતાવરણમાં એકબીજાની પાસે બેઠેલા બે વ્યક્તિ. આ મતલબી અને સ્વાર્થી દુનિયાથી એક દિવસ માટે દૂર થઈને જાણે પાંજરામાંથી પક્ષીને આઝાદી મળી હોય તેવી રીતે આવેલ આ કપલ એક શાંત નદીના કિનારે બેસીને ખૂબ જ પ્રેમભરી વાતો કરી રહ્યા હતા. આસપાસ ચકલી, ને પક્ષીઓનો મધુર અવાજ, અને એ મહેકતું ને ખળ ખળ વહેતુ એ નદીનું સુંદર પાણી. બસ આમ જ ઘણા કલાકો સુધી એ બંને બેસીને આ કુદરતને નિહાળી રહ્યા છે. અને એ છોકરી છે રુહી. પોતાની દુનિયાનો અંત માત્ર એ છોકરા જોડે જ થાય એવું ઇચ્છતી એ છોકરી.

પોતાની જાણે અલગ દુનિયા બનાવી હોય તેવી રીતે જીવતી એ છોકરી. નાના બાળકો પ્રિય અને ભગવાન પર ખૂબ જ ભરોસો. ભણવામાં રસ નહિ છતાં ઘરમાં કહ્યા મુજબ અને થોડી ઘણી મોજમસ્તી મળી રહે એ માટે કોલેજમાં અભ્યાસ કરતી. અને બાકીના સમયમાં સવારે કોલેજથી આવ્યા બાદ એક નાની નોકરી જોઈન કરી હતી.


મિત્રમાં જાણે કોહિનૂર મળી ગયું હોય તેવી તેની એક મિત્ર સ્વરા. કોઈ પણ વાત હોય તેને કીધા વિના ન ચાલે. તેને કહે પછી જ તેના પેટનું પાણી પચે. આટલી બધી મતલબી દુનિયામાં બસ તેના પરિવાર સિવાયના આ બે સબંધ બહુ ખાસ હતા. એક સ્વરા તેની મિત્ર, સુખ કે દુઃખ, તોફાન, કોઈ ઘટના, કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં જે તેનો સાથ આપતી અને બીજું તેનું વધેલું બધું જ જીવન જેમાં વસેલું એ છોકરો એટલે અનંત.

અનંત સ્વભાવે શાંત અને કોઈ પણ સિચ્યુએશનને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી શકે એવો છોકરો. પરિવારની સાથે સાથે દોસ્તો અને તેનો ધબકાર એવી તેની રુહી. અને અભ્યાસ પૂરું થયાને એક જ વર્ષ થયું અને નવી નવી બેન્કમાં એક મેનેજર તરીકેની નોકરી પ્રાપ્ત કરેલી. બસ આટલી જ આની સુંદર દુનિયા.

બસ જીવનમાં રુહી સાથે જીવન પસાર કરવા મળે એ જ તેની ઈચ્છા હતી. પરંતુ પ્રેમ શબ્દ નાનો છે, તેને સમજતા કદાચ આખી જિંદગી ઓછી પડે. અને પ્રેમમાં વિશ્વાસ હોય તો જ આ લાગણી ટકી શકે. આમ રુહી અને અનંત બંને ખૂબ સારી રીતે એકબીજાને સમજતા અને એકબીજાની રિસ્પેક્ટ કરતા. આમ તો બંનેની ઉંમર નાની જ હતી પરંતુ પ્રેમ છે સાહેબ ઉંમર જોઈને ન થાય ને..!


બસ રિલેશનમાં આવ્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું. અને બંને આટલા દિવસમાં એકબીજા સાથે એટલા બધા જોડાય ગયા હતા કે હવે તેને તે બંને સિવાય કંઈ જ દેખાતું ન હતું. આમ તો જન્મથી લઈને મૃત્યુ સુધી અપેક્ષાઓથી જ માણસો જોડાયેલા રહે છે, પણ રુહી અને અનંતનો સબંધ જ કંઈક જુદો હતો. બંને રોજે ચેટ કરતા અને તેના આખા દિવસનો થાક દૂર થઈ જતો. બંને પ્રેમભરી અલગ જ દુનિયા જીવવા લાગ્યા હતા.

ક્યારેક મસ્તી તો ક્યારેક મીઠો ઝઘડો, ક્યારેક પરિવારની વાતો, તો ક્યારેક આ સમાજની વાતો. અને ઘણી વખત રુહી તેમનો પરિવાર એ બંનેના પ્રેમનો સ્વીકાર કરશે કે નહીં તે વાત લઈ આવતી. પરંતુ અનંતને માત્ર તેનો પ્રેમ જ દેખાતો હતો. અને તે પ્રેમ મળશે કે નહીં એ ડરથી આ વાતને હંમેશા ટાળી દેતો. અને ફરી રુહીને તેની જ વાતોમાં રંગી દેતો.

રુહી અને અનંત બંનેને તેનું મનગમતું પાત્ર મળી ગયું હતું. જે તેને બધી જ બાબતોમાં સાથ સહકાર આપે, બંનેને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેમ તેઓ જીવવા લાગ્યા. ઘણી વાર કોલેજને બદલે તેને મળવા લાગી અને બંને ઘણો સમય સાથે પસાર કરીને તેમના ઘરે આવી જતા. ઘરમાં તો બંને હજુ ખુબ નાના હોય તેવી જ રીતે દરેક વર્તન કરતા. અને ઘણી વખત રુહીને તેના મમ્મી પાર્વતીબહેન મસ્તીમાં તેના મેરેજ વિશે વાત કરતા તો રુહી અચાનક જ ચૂપ થઈ જતી. અને ફરી અનંત વિશે જ વિચારવા લાગતી.

ફરી સાંજે અનંત સાથે વાત કરતી વખતે ફરી આ જ બાબતે ચર્ચા કરતી, પણ અનંત કઈ પણ કરીને તેની આ વાત ટાળી દેતો. અને ઉદાસ થઈ સુઈ જતો. રુહી પણ આ વાતને બહુ ન લાવતી કેમ કે તે પણ અનંતને દુઃખી કરવા નહોતી માંગતી.

પ્રેમમાં ક્યારેય ન માનનાર છોકરીને પ્રેમ શું છે એ અનંત પાસેથી જાણવા મળ્યું હતું. એ બંનેમાં પ્રેમની વાત જ નિરાળી હતી. એકબીજાને ખૂબ જ સમજતા. બસ દિવસો આમ જ જવા લાગ્યા. રુહીને કોલેજનું બીજું વર્ષ ચાલી રહ્યું હતું. અને કોલેજમાં અને ક્લાસમાં પણ એક ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવતી. કોલેજ એટલે બધા ડે સેલિબ્રેશન તો આવે જ. રુહીને આમ બહુ રસ નહોતો, અને બીજી તરફ અનંત પણ આ બધામાં બહુ રસ નહોતો ધરાવતો. એમના માટે તો રોજે પ્રેમ જ હોય, અને તેમના માટે તો પ્રેમ માં સ્પેશ્યલ દિવસ એ મળ્યા એ જ હતો.


ત્યાં જ કોલેજમાં એક લેકચરમાં એક એનાઉન્સમેન્ટ આવે છે, કવિતા દિવસનું. અને એ સ્વરચિત જ હોવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું. અને જેમાં જેને પાર્ટીસીપેન્ટ કરવું હોય તેનું નામ નોંધાવવાનું કહે છે. રુહીને આમાં ખૂબ જ રસ હતો, એ બોલવામાં થોડી ગભરાતી પણ તેને લખવાનો ગાંડો શોખ હતો. તેણે તેનું નામ પણ આ કોમ્પિટિશનમાં નોંધાવ્યું. અને કોઈ સારી એવી કવિતા લખવાનું વિચારવા લાગી. અને અંતે આ કવિતા રજૂ કરવાનો દિવસ આવ્યો, અને તેને ખૂબ જ નાની પરંતુ ખૂબ જ સુંદર એક કવિતા રજુ કરી,...











જો મારુ ચાલે ને તો માત્ર તને જ મારી જિંદગી બનાવું,
માત્ર તારા પૂરતી જ મારી આ દુનિયા બનાવું,

તું સાથે તો વસંત, નહીતો પાનખર ,
ધબકારા પણ તારા સાથ સુધીના જ બનાવું,

ભગવાન પણ તું અને દુઆ પણ તને જ બનાવું,
મારી સવાર પણ તું અને સાંજ પણ તને જ બનાવું,

મારા અરમાન પણ તું અને સફળતા પણ તને જ બનાવું,
મારો શ્વાસ પણ તું અને વિશ્વાસ પણ તને જ બનાવું,

મારી આસપાસ પણ તું અને ખાસ પણ તને જ બનાવું,
મારો ઈશ્વર પણ તું અને ઈશ્વરે આપેલ એક મોંઘી ભેટ પણ તને જ બનાવું,
સાચે જો મારુ ચાલે ને તો તને જ મારી જિંદગી બનાવું.




પૂરું થતા જ સૌએ ખૂબ જ વખાણ કર્યા, અને તાળીઓ પણ ખૂબ જ સંભળાઈ રહી હતી. તેનો આખો કલાસ પણ ખૂબ વખાણ કરવા લાગ્યો. પણ આ સાંભળતી વખતે એક છોકરો એકનજરે જ રુહીને જોવા લાગ્યો. અને ત્યારથી બસ તેને રુહી ખૂબ જ ગમી ગઈ. તેણે ત્યારથી જ વિચારી લીધું હતું કે મારે રુહી સાથે ફ્રેન્ડશીપ કરવી છે. અને બસ ત્યારથી તેની સાથે વાત કરવાની કોશિષ કરવા લાગ્યો. એકદિવસ કોઈ સવાલો જાણવા માટે થઈને તે રુહીને મળ્યો. પરંતુ રુહી બહુ વાત ન કરતી, છતાં તે કોઈને કોઈ રીતે તેને બોલાવ્યા કરતો. અને એ છોકરો હતો ધ્રુવ. સ્વભાવે સારો અને આજ સુધી કોઈ છોકરીમાં રસ દાખવ્યો નહોતો, પણ રુહીમાં કંઈક તો લાગ્યું એને, અને એ હંમેશા તેને રુહી તરફ ખેંચી જતું.

બસ આમ જ રોજે કંઈક ને કંઈક રીતે રુહી સાથે કોલેજ થોડો સમય પસાર કરતો. આ સાથે સાથે તે તેની આખી જિંદગી રુહી સાથે જ વીતે તેવા સપના પણ જોવા લાગ્યો હતો. અને આમને આમ જ તે રોજે કોલેજ રુહીને જોતો રહેતો, ક્યારેક કોઈ વાત કરીને તો ક્યારેક સંતાઈને. તેને તો માત્ર રુહી જ દેખાતી હતી. અને આ બધું કેટલાક દિવસ ચાલશે એવું વિચારીને તે તેના દિલની વાત રુહીને કહેવાનું નક્કી કરે છે. અને એક વખત રુહીને એકલી જોઈને પૂછવા માટે જાય છે, અને વાત શરૂ કરે એ પહેલાં જ રુહીને તેની ફ્રેન્ડ સ્વરાનો કોલ આવ્યો હોવાથી તે ત્યાંથી થોડી દૂર જાય છે. અને આમ ફરી ક્યારેક કઈ દેશે એવું વિચારે છે અને ત્યાંથી જતો રહે છે. અને એક દિવસ મોકો મળતા ધ્રુવ આખરે રુહીને પૂછી જ લે છે કે,

' રુહી, મને આજ સુધી આવું નથી થયું, કે કોઈના તરફ હું ખેંચાઈ જાવ , પણ તારી સાદગી, વાત કરવાની રીત, અને ખાસ તારી કવિતાએ મને અહીં સુધી લાવી મુક્યો. હું રોજે તને કંઈક કહેવા માગું છું, અને આજે એ કહી શકીશ. મને તારો અવાજ અને તારી સ્ટાઇલ ખૂબ જ ગમે છે.... ફરી હસતા હસતા કહેવા લાગ્યો, તારો ગુસ્સો, તારો સ્વભાવ, બધાની સાથે મસ્તી કરવાની તારી ટેવ ખૂબ જ ગમે છે...અને તું પણ ખૂબ જ ગમે છે, આઈ લવ યુ રુહી! '

સાંભળતા જ રુહી ખૂબ જ ચોંકી જાય છે, અને તેને કઈ બીજું કહ્યા વિના તેને સાચું જ જણાવી દે છે કે, સોરી ધ્રુવ પણ હું ઘણા સમયથી માત્ર એક જ છોકરાને પ્રેમ કરું છું, અને એ જ મારી જિંદગી છે. મારા માટે એ જ મારું બધું છે. અને આટલું સાંભળતા જ ધ્રુવ માત્ર ઓકે, ટેક કેર... કહીને ત્યાંથી દૂર જતો રહે છે. અને રુહીને ખુશ જોઈને એ પણ કઈ કહેતો નથી. પછી તરત જ અનંતનો કોલ રુહી પર આવે છે અને રુહી તેને ધ્રુવની બધી જ વાત કરે છે. અનંત રુહીને સમજતો હતો માટે તે પણ આ વાત પર બહુ ચર્ચા કરતો નથી અને રોજની જેમ બંને ફરી વાતો કરવા લાગે છે. બંનેને એકબીજા વિશે વિચારવુ, એકબીજા વિશે જ બોલવું, એકબીજાના વિચારોમાં મગ્ન રહેવું, બસ એમની તો દુનિયા જ આ હતી.


ઘણી વખત રુહીની ફ્રેન્ડ સ્વરા તેને કહેતી, કે આ બધું તારા ઘરે ખબર પડશે તો તું વધુ હેરાન થઈશ. અત્યારથી જ મૂકી દે અનંતને અને એકલી રહેવા લાગ. પરંતુ રુહી માટે અનંત વિના રહેવું શક્ય જ નહોતું. એવામાં એક દિવસ અનંત રુહીને મળવાની જીદ પર આવી ચડે છે. રુહીને તેના ઘરની કડક રૂઢિ વિશે ખબર હતી અને કોલેજ પણ એક્ઝામ નજીક હતી તેથી ત્યાં પણ રજા હતી. અને આ બધું વિચારીને તે અનંતને મળવાની ના કહે છે, પણ અનંત કઈ પણ સાંભળવા જ તૈયાર નહોતો. અને ઉદાસ થઈ જતો હતો, અને રુહીની જાન તો અનંતમાં જ વસતી હતી, માટે રુહી તેને મેસેજમાં બીજા દિવસે સવારે દસ વાગ્યે મળવાનું કહે છે. અને અનંત તો મળવા તૈયાર જ હતો. અને તેથી રુહી બીજા દિવસે તેની એક ફ્રેન્ડના ઘરે થોડું પરીક્ષા વિશે શીખવા જવાનું બહાનું બનાવી લે છે અને ઘરમાં દરેકને કહી દે છે. કોઈ કઈ બોલતું તો નથી પણ રુહીના પપ્પા વિનોદભાઈ થોડા સ્ટ્રીક્ટ હતા. એટલે રુહીને વધુ બીક તેમના પપ્પાની જ રહેતી.

દિવસ ઉગ્યો અને રુહી અનંતને મળવા તૈયાર થઈ ગઈ. અને નક્કી કરેલા સ્થળ પર તે પહોંચી, અને અનંત પહેલેથી જ ત્યાં આવી ગયો હતો. એ સ્થળ બંનેને ખૂબ જ ગમતું.

કેમ કે આ અહીં ખૂબ જ અનુભવી , કપડાં લઘરવઘર પણ લાગણી સ્વચ્છ ને ખુબ જ હેત ધરાવતા એ કાકાની નાની એવી ચા નાસ્તાની દુનિયા.. રુહી અને અનંતનું મનપસંદ સ્થળ હતું. મોટા ભાગે તેઓ ત્યાં જ મળતા. અને દર વખતની જેમ રુહી, અનંત અને એ દુકાનવાળા લક્ષ્મણકાકાનો સંવાદ શરૂ થઈ પડતો. અને અનંત અને રુહી જ્યારે પણ કોઈ એકની એકવાત પકડીને બોલ્યા કરતા ત્યારે લક્ષ્મણકાકા હમેશા અનંત ને કહેતા, ...

' દીકરા.. આ સોકરી બોલે હારી સે અને એ તને નઈ પુગવા દેય, તું આની વાત માની લે, મારે પણ આવી જ એક દીકરી સે, ને એ જે બોલે એ કરે જ. પણ હોયેય હાચુ એનું, બોલકણી હોઈ પણ હોઈ જીવરી. '

આટલું સાંભળીને જ લક્ષ્મણકાકાની વાત સાથે સહમત થઈ અનંત રુહી સામે ચૂપ થઈ જતો. અને પછી બંને હસી પડતા. સાથે લક્ષ્મણકાકાને પણ પરિવારના જ હોય તેવી લાગણીઓ હતી, માટે તેઓ પણ રુહી અને અનંતને જોઈને ખુશ થઈ જતા. અને અચાનક જ લક્ષ્મણકાકા ઉભા થઈને કહેવા લાગ્યા, અરે, વાતને વાતમાં ચા તો રહી જ ગઈ, તમે વાતું કરો હું હમણાં જ ચા મોકલાવુ.

બંને ચાની રાહ જુએ છે અને રુહીને હજુ મેઈન કારણ તો પૂછવાનું રહી જ ગયું હતું, એ યાદ આવતા , હજુ રુહી અનંતને આ મળવાની જીદ કેમ કરી તેનું કારણ પૂછવા જાય છે ત્યાં અચાનક જ આજુબાજુ લોકોનો અવાજ સંભળાવા લાગે છે , તરત જ એમ્બ્યુલન્સનું સાયરન પણ સંભળાવા લાગ્યું, થોડી જ વારમાં પોલીસ પણ આવી પહોંચી. લક્ષ્મણકાકા પણ બધું મૂકીને બાર શું ચાલી રહ્યું છે તે જોવા ગયા. અને રુહી પણ ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

અનંત અને રુહી તરત જ બહાર જઈને જુએ છે, અને ખૂબ જ ચોકી જાય છે. ત્યાં એક છોકરીને માથા પર લોહી નીકળતું હોય છે અને ત્યાં પડી હોય છે અને તેને 108 માં લઇ જવાની તૈયારી જ થતી હોય છે, ત્યાં જ તપાસ દ્વારા જાણવા મળે છે કે તે છોકરીનું મૃત્યુ થયું છે. અને તેનો પરિવાર ખૂબ જ રુદન કરીને રડતો હોય છે, રુહી આ બધું જોઈને ખૂબ જ ગભરાઈ જાય છે અને અનંતનો હાથ ખૂબજ કડક પકડી રાખે છે. તેને માત્ર એ છોકરીની લાશ જ દેખાય રહી છે. અને આજુબાજુ લોકો કહી રહ્યા હોય છે કે,


'આવું તે કેવું દુઃખ હશે આ છોડીને કે છઠ્ઠા માળેથી કૂદીને જીવ દઈ દીધો,'

વળી પાછું કોઈ બેન બોલે છે, ' હાવ હાચી વાત કરી તમે, આ લખમણકાકાની ટીનુડી મને તો નાનેથી જ એવી લાગતી, આને કોણ હાચવે, પાછી જ આવે ને..

આ બધું અનંત અને રુહી સાંભળી રહ્યા હોય છે. અને કદાચ આના આત્મહત્યા પાછળનું કારણ પણ આ મતલબી સમાજ જ હોઈ શકે, એવું વિચારવા લાગ્યા.

સમાજની છોકરીઓને ઓળખવાની રીત જ જુદી છે, છોકરી છે, તેની દુનિયા એ જાતે ન જીવી શકે ને.. તેને સમાજ કહે તેમ જ કરવાનું.. છોકરી છે, ગમે ત્યારે બહાર નહિ જવાનું, છોકરી છે બધું જ દુઃખ સહન કરવું પડે, કોઈની હવસ પુરી કરવાનો શિકાર પણ છોકરીઓને જ બનવાનું.. પીરિયડ્સ પર હોઈ તેમાં પણ ઘણા લોકોને પાપ દેખાય, કપડાં પરથી જ તેને ઓળખવાની રીત, પોતે રડીને બીજાને હસાવવાના જ... આજ એક છોકરી... આજ તેમની જિંદગી.. આજ આઝાદી.

ત્યાર બાદ રુહીને ગભરાતી જોઈને અનંત રુહીને કહે છે,

'ચાલ રુહી, ઘરે જતા રહીએ. એમ પણ ઘરે આપણી ખબર પડી જશે તો હેરાન થઈ જશું.'

'અનંત , આમ કેવી રીતે આપણે જઈ શકીએ, કોઈને દુઃખી જોઈને તેનાથી દૂર ન જવાય, કઈ ન કરી શકીએ તો કાઈ વાંધો નહિ, પણ આ લોકો ખૂબ રડે છે, એ નથી જોઈ શકાતું મારાથી, આપણે તેમને... કહી રુહી અટકી જાય છે..'

રુહીને આ બધું ખૂબ જ ગંભીર લાગતું હતું. અને ઘર યાદ આવતા જ તે અનંતની વાત માનીને ઘરે જવા નીકળે છે. પણ જતા પહેલા જ્યારે રુહી ફરીવાર લાશને જુએ છે ત્યારે તેની નજર અચાનક જ ત્યાં લાશને પકડીને ખૂબ જ રડતા એ કાકા પર પડે છે. અને એ બીજું કોઈ નહિ પણ એ જ લાગણી ધરાવનાર, પવિત્ર, સૌનું હંમેશા સારું જ ઇચ્છતા એ
લક્ષ્મણકાકા જ હોય છે. અને થોડી વાર ત્યાં જ ઉભી રહી જાય છે.


ફરી અનંત જ્યારે તેને ઘરે લઈ જવા ખેંચે છે ત્યારે તે અનંતને તે કઈ બોલી શકતી તો નહોતી, પણ હાથ એ કાકા તરફ કરે છે. અને અનંત બધુ જોઈને સમજી જાય છે અને ત્યાં જ ઉભો રહી જાય છે. લક્ષ્મણકાકા સાથે જોડાયેલી લાગણીઓ તે બંનેને ઘર જવા નહોતી દેતી અને તે બંને તેમની પાસે જાય છે અને એમને કઈ જ કહ્યા વિના તેમને થોડા સંભાળે છે. દીકરીની લાશને જોઈને પાગલ બની ગયેલા એ તેમના પિતા ખૂબ જ રડે છે. હવે લાશને લઈ જવામાં આવી અને લક્ષ્મણકાકા ત્યાંથી દૂર જવાનું નામ જ નહોતા લેતા. પછી થોડા સમજાવી તેમને તેમના ઘરે લઈ જવામાં આવે છે અને બીજી તરફ રુહી અને અનંત ઘણા સવાલો અને લક્ષ્મણકાકાને રડતા જોઈ બંને પણ માત્ર બાય બોલીને પોતાના ઘરે ચાલ્યા જાય છે. રુહી ઘરે પહોંચે છે અને કોઈને કઈ પણ કહ્યા વિના જ તે તેના રૂમમાં જતી રહી. અને આ બધું રુહીના મમ્મી પાર્વતીબેન જુએ છે, અને વિચારવા લાગે છે ,

'આજે રુહીને કંઈક તો થયું જ છે, આટલી ચૂપચાપ એ ઘરમાં આવી ગઈ, રોજે તો થોડા તોફાન અને ઠેકડા માર્યા વિના એ રહી જ નથી શકતી... અને આવતા જ જમવાનું જોઈએ, પણ આજે જમવાનું નામ પણ ન લીધું... કઈ તો થયું જ છે..'

આમ વિચારીને તેઓ તરત જ રુહી પાસે પહોંચી ગયા અને પૂછવા લાગે છે,

' રુહી બેટા, આજે કેમ તું આટલી બધી ચૂપ છે, કઈ થયું છે ..? '

રુહી થોડી ખોટી સ્માઈલ આપીને કહે છે, ' અરે મમ્મી કઈ જ થયું નથી, એ તો ફ્રેન્ડ જોડે થોડો ઝઘડો થઈ ગયો, બીજી કઈ મોટી વાત નથી. '

રુહીના મમ્મી તેના માથા પર હાથ ફેરવતા કહે છે, ' સારું ત્યારે , હવે જમીલે જલ્દી, પછી થોડી વાર આરામ કરીને વાંચજે.

રુહી માથું હલાવીને હા માં જવાબ આપે છે,અને પાર્વતીબહેન પણ જતા રહે છે.

જમ્યા પછી જ્યારે રુહી અનંત સાથે વાત કરે છે ત્યારે પણ ખૂબ જ ચૂપ અને ઉદાસ જોવા મળે છે, અનંત પણ સમજી ગયો હતો કે રુહી આ બધું જોઈને ખૂબ ઉદાસ થઈ ગઈ છે, અને પછી અનંત રુહીને કહે છે,

"રુહી, તું માનસિક રીતે થાકી છે, થોડો આરામ કરીલે,
પેલી વાતને બહુ મગજ પર ના લાવતી , હજુ તો તારે આખી દુનિયા ફરવી છે ને... તારું સપનું પૂરું કરવું છે.., નવા નવા લોકોને મળવાનું અને ટ્રાવેલિંગનું સપનું છે ને તારું, એમ જ થોડું પૂરું થશે, ક્યારેક સારું તો ક્યારેક ખરાબ જોવું જ પડશે. તો આ વાત મગજમાં જ રાખીને ચાલીશ તો તારું દુનિયાની રીતભાતો ને લોકો જોવાનું સપનું કેમ પૂરું થશે..?"



રુહી અનંતની વાત માનીને થોડી વાર આરામ કરે છે અને ફરી પરીક્ષા માટેની તૈયારી કરવા લાગે છે. જિંદગી નામનો શબ્દ બંને ખૂબ જ સારી રીતે સમજતા સાથે આ દુનિયાની રીતો પણ થોડી ઘણી જાણી ગયા હતા.





























2.

રુહીની પરીક્ષા નજીક હતી, માટે આખો દિવસ અનંત સાથે વાત ન કરતી ને આમ પણ અનંત બહુ જીદ પણ ન કરતો. રુહી સાંજે વાંચ્યા બાદ થોડીવાર જ અનંત સાથે વાતો કરતી. અને ખૂબ જ ખુશ થઈ જતી. પરીક્ષાને એક દિવસની વાર હતી, અને તેના પહેલા રાત્રે તે અનંત સાથે વાત કરતી હોય છે..

' અનંત આ પરીક્ષા જલ્દી પુરી થઈ જાય તો સારું,.. આ વચ્ચે આટલા બધા દિવસની રજા આવે છે ને મને ખુબ કંટાળો પણ આવે છે..'

' અરે મારી પાગલ, તું આ બધું મૂકીને મારા જોડે લગ્ન જ કરી લેને, પછી આપણે તારું એ સપનું પૂરું કરીશું, અને મને પણ મારી રુહી... મારી દુનિયા મળી જશે..'

'રુહી મનમાં જ હસી પડે છે, તને તો બસ આ જ વાત હોઇ.. હજુ ઘરેથી શું થશે એ કઈ જ નક્કી નથી, બંનેનું ઘર આપણા પ્રેમને સ્વીકારશે કે નહીં એ પણ નથી ખબર, ને આ વાત કરું તો તું ઉદાસ થઈ જાય છે.'

' ડુ નોટ વરી બેબી, હું છું ને.. બધું સંભાળી લઈશ, ને રહી વાત ન માનવાની તો કઈ વાંધો નહીં, આ બધું મૂકીને દૂર જતા રહીશું, અનંત અને રુહીની અનોખી દુનિયામાં.'

' બસ બસ, તારા તો સપના જ કંઈક અલગ છે, હવે મુક આ બધું ને સુઈ જા, પછી બેન્ક પરથી સ્પેશ્યલી સુવા માટે ઘરે આવવું પડે છે , ખ્યાલ છે ને...'

' હા હવે ખબર છે, સુઈ જાવ પણ પેલા એક વાત કહે.. તને બેબીગર્લ પસંદ છે કે બેબીબોય..'

' આ આવા સવાલો કેમ કરે છે તું, મને નાના બાળકો ગમે છે બસ.. એક અલગ ખુશી મળે છે એમને જોઈને.. ચલ હવે, અત્યારે સુઈ જઈએ, મોડું થઈ જશે... આમ પણ મારે કાલે પહેલું જ પેપર છે. વહેલું ઉઠીને વાંચવાનું પણ છે.'

' રુહી, એક જવાબ આપીદે પછી સુઈ જઈશ, પ્રોમિસ.'

' હા ઓકે બાબા, મને બેબીગર્લ ખૂબ ગમે.. હું દરરોજ અત્યારથી જ ભગવાનને કહેવા લાગી છું કે મને એક દીકરી જ જોઈએ છે બસ.'

' ઓહોહો, તો તો મારે જલ્દી જ તારા જોડે લગ્ન કરવા પડશે અને... અનંત હસવાના ઇમોજી મોકલી દે છે..'

'અનંત હવે બહુ થયું, ચાલ સુઈ જા જલ્દી, ગુડ નાઈટ..લવ યુ સો મચ.'

' ગુડ નાઈટ મારુ રુહલુ, લવ યુ ટુ'

ફરી એ જ આશાઓ, ઉમંગ અને થોડી ઘણી જવાબદારીઓનો દિવસ ઉગ્યો. રુહીને પરીક્ષા આપવા માટે સવારના સાડા નવ વાગ્યે જવાનું હતું, પણ તે વાંચવા માટે થોડી વેલી જ ઉઠી ગઇ હતી. અને ઉઠતા જ ચા પેલા જોઈએ , એટલે જાતે જ બનાવી લેતી. અને બીજી તરફ અનંત પણ બેન્ક જવાના પહેલા જ ઉઠી જતો. અને બહાર બાલ્કનીમાં બેસીને તેની સુંદર સવારની શરૂઆત એ તેના ચાના કપ અને રુહીના વિચારો સાથે કરતો ને પછી તૈયાર થઈને બેન્ક પર જતો રહેતો. રુહી પણ પરીક્ષાને વાર હતી તે પહેલાં જ કોલેજ પહોંચી ગઈ, અને પેપર હાથમાં આવ્યું, અને લખવા લાગી. આજે રુહી ઘરે આવીને પણ ખૂબ જ ખુશ હતી, કેમ કે તેનું પેપર બહુ મસ્ત લખાયું હતું. આમને આમ જ પેપર પુરા થવા લાગ્યા અને હવે એક રજા હતી અને પછી છેલ્લું પેપર બાકી રહ્યું હતું. અનંત પણ રુહીના પેપર પુરા થવાની વાટ જોતો હતો, કેમ કે તે રુહી સાથે મન ભરીને વાતો કરવા માંગતો હતો પણ આ પરીક્ષાના લીધે બહુ વાત ન થતી.

રુહીનું છેલ્લું પેપર હતું, તે તૈયાર થઈ અને કોલેજ પહોંચી.. પરંતુ કોલેજ પહેલા જ એક દૃશ્ય તેને જોવા મળે છે, ત્યાં કોલેજથી પહેલા એક સોસાયટીના ગેટ બહાર એક ખૂબ જ ગરીબ લાગતા એક વૃદ્ધ વ્યક્તિ, મોં પર ખૂબ જ કરચલીઓ, મેલા ઘેલા કપડાં અને શરીર, બાજુમાં એક કૂતરું બેઠેલું, અને કૂતરું તેની પાસે રોટલીનો ટુકડો લઈને ખાઈ રહ્યું હતું, અને એ વૃદ્ધ કૂતરાને રોટલી આપીને તેને જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. આ જોઈને રુહી ખૂબ જ ભાવુક થઈ ઉઠી અને મનમાં ભગવાનને કહેવા લાગી...

' હે ભગવાન, ઘણીવાર મને થાય છે કે મને આ ખૂટે છે, પેલું ખૂટે છે, અને ઘણીવાર ગમતી વસ્તુ ન મળવાથી હું ઉદાસ થાવ છું, પણ આજે મને સમાજાણું કે મારો મહાદેવ જે કરે એ ભલું જ કરે છે. આ વૃદ્ધને જોઈને આજે હું ઘણું શીખી છું. પોતે ભૂખ્યા હોવા છતાં એ માત્ર નાનો એક રોટલીનો ટુકડો ભૂખ્યા કૂતરાને આપીને પણ તેઓ આટલા બધા ખુશ છે, ખરેખર ધન્ય છે.. '

આમ પરીક્ષાનું છેલ્લું પેપર હતું, એટલે પછી તરત જ કોલેજ જવા માટે નીકળી અને પેપરનો સમય થતા તેની જગ્યા પર બેસીને લખવા લાગી. આજે છેલ્લું પેપર પૂરું થયું. અને બહાર નીકળીને તરત જ અનંતને કોલ કર્યો, પણ અનંત કામમાં બીઝી હોવાથી તેને ફ્રી થઈને કોલ કરશે એટલું કહીને ફોન કાપી દે છે. રુહીને પણ થયું કે હવે સાંજે જ મન ભરીને વાતો કરી લઈશ. અને તે ઘરે જવા નીકળી પડે છે.

બપોરના બાર વાગવા આવ્યા હતા, અને રુહી તેની ફ્રેન્ડ્સ સાથે ઘરે આવતી હતી, પણ રુહીને ખૂબ ભૂખ લાગી હતી એટલે એ ત્યાં નજીક જ લક્ષ્મણકાકાની દુકાન પર નાસ્તો કરવા માટે જવાનું નક્કી કરી ત્યાં પહોંચે છે. ખાસ તો તે લક્ષ્મણકાકાને કેટલા દિવસથી નહોતી મળી એટલે આજે મળે છે, તેને જોતા જ લક્ષ્મણકાકા ખૂબ જ ભાવુક થઈને રુહી જાણે તેમની જ દીકરી હોય તેમ વ્હાલથી ભેટી પડે છે. અને તેની સાથે ઘણી વાતો કરી રુહી થોડો નાસ્તો કરીને ત્યાંથી ઘરે જવા નીકળે છે. પણ રુહીને ઘરે નીકળતા પહેલા કંઈક અજીબ જ ફિલ થઈ રહ્યું હતું, અને મનમાં પણ કંઈક બેચેની જેવું લાગવા લાગ્યું.

ઘરે પહોંચતા પહેલા એક બ્રિજ પસાર કરવો પડે, ત્યાં તેની ટુવિલર લઈને જઈ જ રહી હતી ત્યાં અચાનક જ સામેની બાજુએ ત્યાં એક કાકા જાણે ચોરોથી બચીને આવતા હોય તેવી રીતે ભાગી રહ્યા હતા, તેમણે પહેરેલો આખો શર્ટ લોહી લુહાણ, અને વધુ લોહીના લીધે તેઓ ત્યાં જ પડી ગયા. રુહી આ જોઈને તરત જ ત્યાં પહોંચી ગઈ, કેમ કે આમ તો ત્યાં ઘણા લોકો હતા, પણ અમુક વાતો કરતા રહ્યા તો અમુક વીડિયો ઉતારવામાં જ પડ્યા હતા. રુહી નજીક જઈને જુએ છે તો કોઈએ તેમને એક નહીં પણ ત્રણ ત્રણ છરીના ઘા માર્યા હતા. અને મોં જોતા જ રુહી ખૂબ જ રડી પડે છે. કેમ કે એ બીજું કોઈ નહીં પણ અનંતના પપ્પા પ્રવીણભાઈ જ હોઈ છે, સ્વભાવે ખૂબ જ સારા, પ્રેમાળ હ્રદયના છતાં કોઈકે માત્ર થોડા પૈસા ચોરવા માટે ખૂબ ઊંડા છરીના ઘા માર્યા, અને ભાગી ગયા. ઘા એટલા ઊંડા માર્યા હતા કે તેમને બેઠા કરતા જ લોહીનો નળ ગોઠવ્યો હોય તેવી લોહી નીકળતું હતું, એટલે રુહીએ તેના દુપટ્ટો તે ઘા પર દાબી રાખ્યો હતો, અને તરત જ ત્યાં નજીકની હોસ્પિટલ તેમને પહોંચાડે છે.

હોસ્પિટલમાં લઇ જતા જ તેમને અંદર ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવે છે, અને રુહી તરત જ અનંતને ફોન કરે છે, પણ અનંત ખૂબ જ કામમાં હોવાથી તે કોલ રિસીવ કરતો નથી. એટલે રુહી એસએમએસ દ્વારા અનંતને તેના પપ્પાની જાણ કરે છે, અનંતને રુહીએ ક્યારેય એસએમએસ નહોતો કર્યો, માટે તેને કોઈ બીજું જ કામ હશે તે વિચારીને તરત જ એ વાંચે છે, અને વાંચતા જ ખૂબ જ ગભરાઈને બધું કામ પડતું મૂકીને હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં રુહી સિવાય અનંતનો પરિવાર પણ આવી ગયો હતો, તે તેના મમ્મી હેમલતાબહેન પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યો. ત્યાં ડોક્ટરની રાહ જોવા લાગ્યો..ડોક્ટર આવે એ પહેલા રુહી અનંત પાસે આવી અને તેને કઈ પણ કહ્યા વિના આંખ દ્વારા જ જાણે.. રડ નહિ, ભગવાન બધું જ સારું કરશે.. કહેવા લાગી.

તરત જ ડોક્ટર બહાર આવ્યા અને તેમને જોઈને તરત જ અનંત બોલી ઉઠ્યો,

' સર, મારા પપ્પા.. આટલું બોલીને ફરી રડવા લાગ્યો, અને આગળ કઈ જ ન બોલી શક્યો.'

' ઘા બહુ ઊંડા માર્યા છે, સારું તો થઈ જ જશે પણ થોડા દિવસ માટે અહીં હોસ્પિટલ જ રહેવું પડશે અને ઓપરેશન માટે બહારથી સર આવશે, પછી તે થયા બાદ પણ રિકવરી આવે ત્યાં સુધી અહીં જ રહેવું પડશે.'

' કઈ પણ કરવા તૈયાર છીએ, બસ મારા પપ્પાને સાજા કરી દો.. અત્યારે મારે પપ્પાને જોવા છે , શું હું...'

' ના હમણાં કોઈ નહીં, અત્યારે હાલત ગંભીર છે.. થોડી સારવાર બાદ જરૂર મળી શકશો.'

ડોક્ટર ત્યાં નર્સને થોડી દવાઓ લખીને જતા રહે છે અને નર્સ એ દવાઓ અને ઇન્જેક્શનો લેવા અનંતને કાગળ આપે છે, અને તેને લઈ આપવા કહે છે. આ લાવ્યા બાદ જલ્દી જ ઓપરેશન કરવાનું હોવાથી ત્યાં અનંતને અગાવ જ ખર્ચા વિશેની જાણ કરી દેવામાં આવે છે. અને બપોરના દોઢ વાગ્યે બહારથી ડોક્ટર આવ્યા બાદ તપાસ કરીને અનંતના પપ્પા પ્રવીણભાઈને ઓપરેશન માટે અંદર લઈ જવામાં આવે છે. અને લગભગ દોઢ કલાક આ ઓપરેશન ચાલે છે,... તેમને બહાર લાવવામાં આવે છે, હજુ ઓપરેશન થયું જ હોવાથી બે દિવસ માટે તેમને આઈ.સી.યુ.માંજ રાખવાનું નક્કી કરવામાં આવે છે. ઓપરેશન સફળ રીતે થયા બાદ રુહી અનંતને મળીને ઘરે જવા નીકળે છે. , ત્યાં અચાનક જ
રુહી અને અનંતને એક સાથે જોયા બાદ હેમલતાબહેન અનંતને પૂછવા લાગે છે,

' આ છોકરીને તું ઓળખે છે.? '

' ના મમ્મી, એતો એમને મારા પપ્પાને ખૂબ મદદ કરી એટલે તેમનો આભાર વ્યક્ત કરતો હતો. '

' તું સાચું બોલે છે, પણ તું તો આ છોકરીને ઘણા સમયથી જાણતો હોય તેવી જ રીતે વાત કરતો હતો. '

' અનંત તેની વાત કદાચ બધા પાસે છુપાવી શકે.. પણ તેની મમ્મી પાસે નહિ.. માટે તે બધું જ કહી દે છે.. ' મમ્મી, એનું નામ રુહી છે, અને અમે ઘણા સમયથી સાથે છીએ, અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, સમજીએ છીએ.. પણ પરિવારની બીકથી તે એ જ વિચાર્યા કરે છે કે, આપણો પ્રેમ આપણા પેરેન્ટ્સ સ્વીકારશે કે નહીં. '

' સ્વાભાવે ખૂબ સારી લાગી મને પણ, અને જો તને પસંદ હોય અને પ્રેમ પર ભરોસો હોય તો અમે ખુદ તેના ઘરે જઈને તારી વાત કરીશું. '

' મમ્મી, આ બધું હજુ વાર છે. '

' સારું સમય આવ્યે સૌ સારા વાના થશે, કહી તેઓ હોસ્પિટલમાં ત્યાં ખુરશી પર બેસી જાય છે, અને કહેવા લાગે છે.. અનંત, તું હવે ડોક્ટરને મળી લે એકવખત, અને જો તારા પપ્પાની તબિયત સારી હોય ને મળવાનું કહે તો.. કહી અટકી પડે છે, અને આંખમાં આંસુ આવી જાય છે.

અનંત પણ માથું હલાવીને હામાં જવાબ આપી ત્યાં ડોક્ટરની ઓફિસમાં જાય છે અને પરમિશન લેવા પર તેના પપ્પાની તબિયત સારી હોવાથી મળવાની છૂટ આપે છે. અને તે તરત જ તેના પપ્પા પાસે પહોંચે છે, ત્યાં જતા જ તેના પપ્પાને જોતા જ આંખમાં આંસુ આવે છે, પણ તે કઠણ હૈયું કરીને રડતો નથી, જો તેને રડતો તેના પપ્પા જુએ તો એ પણ દુઃખી થાય. આમ તો ઓપરેશન બાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો, તેમને ખાવા માટેની નળી મુકેલી તે હવે દૂર કરી દેવાય હતી, બાટલા લગાવવાના શરૂ હતા અને પેશાબની નળી મુકેલી હતી. આમ અનંત માત્ર તેના પપ્પાનો ડાબો હાથ પકડીને મનોમન જાણે તેમની સાથે વાતો કરતો હોય તેવી રીતે બેઠો હતો. અને તેના પપ્પા પણ તેને કહી રહ્યા હોય કે,

' અનંત, તું ચિંતા ન કર, ભગવાને આટલો સારો દીકરો આપ્યો હોય, એના પિતાને શેની ચિંતા.. હું જલ્દી જ ઠીક થઈ જઈશ. આમ તેની સામે જોઈ રહ્યા હતા. ત્યાં તરત જ અંદરથી સિસ્ટર આવે છે અને ઇન્જેક્શનનો સમય થઈ ગયો હોવાથી અનંતને ફરી બહાર મોકલી દેવામાં આવે છે. અને ફરી ડોક્ટરની પાસે પહોંચે છે,..

' સર, મારા પપ્પાને જલ્દી સારું થઈ જશે ને.. કોઈ નાદાન બાળક રડતા રડતા સવાલ પૂછતું હોય તેવી જ રીતે અનંત પણ કહેવા લાગ્યો.'

' હા હવે ઘણો ફેર પડ્યો છે, અને કાલે એક જ દિવસ છે પછી આઈ.સી.યુ. માંથી જનરલ વૉર્ડમાં પ્રવિણભાઈને શિફ્ટ કરી દઈશું અને બેઠા થવાનું પણ પછી કહેવામાં આવશે, પણ થોડા દિવસ અહીં જ દાખલ રહેવું પડશે. '

' કાઈ વાંધો નહિ સર, કોઈ દવા લાવવાની હોઈ તો તરત જ કહેજો, હું બાર જ હોઈશ. '

' ઓકે.

અનંત બહાર જાય છે અને તેની મમ્મીને બધું જ જણાવે છે, અને તેને જરાક પણ ચિંતા ન કરે એમ કહી ત્યાં જ તેમની પાસે બેસે છે. આમ બીજા દિવસે રુહી તેના ઘરે કોઈને કોઈ બહાનું કરીને અનંતના પપ્પાને મળતી, અને તેમની દીકરી હોય તેમ જ તેમની સેવા કરતી. હવે તેમની તબિયત ઘણી સારી હતી, અને તેઓને જનરલ વૉર્ડમાં શિફ્ટ પણ કરી દીધા. અને અનંતએ સામેથી જ રુહી વિશે બધી વાત કરી. આમ રુહીને તેઓ તેની દીકરીની જેમ જ વ્હાલ કરતા અને તેની સાથે બેસીને ઘણી વાતો કરવા લાગતા. અને ફરી રુહી ઘરે આવી જતી.

હેમલતાબહેન , અનંત અને રુહીનો પ્રેમ, લાગણી અને હૂંફના લીધે અનંતના પપ્પા જલ્દી જ સાજા થઈ ગયા હતા. માટે હવે હોસ્પિટલમાંથી પણ રજા અપાઈ અને તેઓને ઘણા દિવસો બાદ ઘરે લવવામાં આવ્યા. તેઓને રુહી સાથે વાતો કરવાની ટેવ હતી માટે તે અનંતને ઘરે આવતા જ કહેવા લાગ્યા..

' અનંત, રુહી ક્યારેય આપણા ઘરે નથી આવી, મારે દીકરી તો નથી પણ તે મને મારી દીકરીની જેમ જ લાગે છે, એક સારી વહુ અને દીકરી બંને રુહીમાં જ મળી જશે મને.. કહીને થોડું હસવા લાગે છે.'

' અનંત ચોકીને કહેવા લાગ્યો, પપ્પા , રુહીના ઘરે કોઈને કઈ જ નથી ખબર. અને કદાચ એ માનશે કે નહીં.. કહી અટકી જાય છે '

' અનંત દીકરા, જો બંનેની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ, અને હું ખુદ જઈશ રુહીના પપ્પાને મનાવવા. '

' અત્યારે તમે પેલા સાવ સાજા થઈ જાવ પપ્પા, પછી આપણે આ બાબતે નિરાંતે વાત કરીશું, એમ કહીને તે તેના પપ્પાને દવા લેવાનો સમય થયો હતો માટે તે લેવા પહોંચી જાય છે. દવા તેના પપ્પાને આપે છે અને થોડી વાર આરામ કરવાનું કહી તે તેની રૂમમાં જતો રહ્યો. ત્યાં પહોંચીને રુહી સાથે વાત કરવી હોય છે માટે તેને ઓનલાઈન આવવાની વાટ જુએ છે અને રુહીનો મેસેજ આવ્યા બાદ તે તેના પપ્પાએ કહેલી વાત રુહીને કરે છે.

પણ રુહીને એમ જ થતું કે તેનો પરિવાર ક્યારેય નહીં માને, માટે તે આ બાબતે બહુ વાત ન કરતી અને ખૂબ જ ઉદાસ થઈ ગઈ, પણ અનંતના હોવા પર રુહી ઉદાસ રહી જ ન શકે, અનંત કાઈ પણ કરીને તેને મનાવી લેતો. આમ તેમની વચ્ચે અવાર નવાર બાળપણની વાતો, તો ક્યારેક સમજણની વાતો, ક્યારેક સમાજની વાતો તો ક્યારેક ધર્મની વાતો, ક્યારેક દેશની ગર્વભરીવાતો તો ક્યારેક વિદેશોની અવનવી વાતો, ક્યારેક પ્રેમભરીવાતો અને ક્યારેક મીઠો ઝઘડો.

અનંતના પપ્પા એકદમ ઠીક થઈ ગયા હતા, અને તેઓ કામ પર પણ જવા લાગ્યા હતા, આમ તેમના પત્ની હેમલતાબહેનની પ્રાર્થના અને શ્રદ્ધા ફળી. અનંત પણ કામની બાબતમાં બહુ હોશિયાર અને કુશળ હતો. તે પણ તેની જોબ પર હવે જવા લાગ્યો હતો. રુહીનો જન્મદિવસ નજીક હતો, માટે અનંત તે દિવસે રજા લઈને આખો દિવસ રુહી સાથે વિતાવવા માંગતો હતો, બીજી તરફ રુહીની પણ આવી જ ઈચ્છા હતી. સાંજે રુહી સાથે વાત કરતી વખતે અનંત કહી પણ દે છે...

' રુહી તને એક વાત કહું.? '

' હા બોલને અનંત, મારી પરમિશનની શું જરૂર છે એમાં. '

' મારી થનારી વહુનો બર્થડે નજીક છે, તને ખબર છે,
તો હું વિચારું છું કે.. કહી અટકી જાય છે. '

' હું જાણું છું અનંતજી તમારા વિચાર, તે આખો દિવસ મારા સાથે જ વિતાવવો છે, સાચું ને.? '

' હા, તું તો સમજદાર થઈ ગઈ, કહીને હસવાના ઇમોજી મોકલે છે ' બંને વચ્ચે જાણે ચેટમાં નહીં પરંતુ રૂબરૂ જ વાત કરતા હોય તેવી લાગણીથી તેઓ એકબીજા સાથે વાત કરતા. અને આગળ રુહી કહેવા લાગી..

' મને પણ મારો એ ખાસ દિવસ મારા ખાસ અનંત સાથે જ પસાર કરવો છે, તો સવારે મુવી અને પૂરું થયા પછી સામે ગાર્ડનમાં હું અને મારો અનંત, કેવો રહ્યો પ્લાન..? '

' એકદમ ઢાસુ, હવે તો બસ એ દિવસની જ વાટ છે મને તો.'

' મને પણ.. સારું હવે સુઈ જઈએ મને બહુ ઊંઘ આવે છે.'

' કઈ વાંધો નહીં સુઈ જા, ગુડ નાઈટ. '

' ગુડ નાઈટ, જલ્દી સુઈ જજે હવે ,ઘણું મોડું થયું છે. '

' જો આજ્ઞા મેડમ ' કહીને અનંત સુવે છે .

આમ અનંત અને રુહી બંને એકબીજાને વિચારતા વિચારતા ઊંઘી જાય છે. આમ જ રોજે પ્રેમભરી વાતો કરીને બંને ઘણા સપનાઓ લઈને સુતા અને ફરી જાગીને બંને તેની દુનિયા જીવતા. ગુડ મોર્નિંગથી લઈને શુ કરે છે, પ્રાર્થના થઈ ગઈ, જમવાનું થયું કે હજુ બાકી, મૂડ કેવું છે, દિવસ કેવો રહ્યો ને બીજી અવનવી વાતોની એક સુંદર સફર.


આખરે બંનેને જે દિવસની રાહ હતી તે દિવસ આવ્યો, અને રુહી અને અનંત બંને મુવી પહોંચ્યા. 9 વાગ્યા ત્યાં જ તેઓ પહોંચી ગયા હતા પણ ટીકીટ 10 વાગ્યા આજુ બાજુની મળી. બંને બહાર રાહ જોઇને મુવી શરૂ થતાં અંદર પહોંચે છે. આમ બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હોય છે. અને મુવી પત્યા બાદ તેઓ ગાર્ડનમાં પહોંચે છે. અને ત્યાં જ પહેલા શરૂઆતના બાંકડા પર જ બેઠા હતા પણ રુહીને અંદર જવું હતું માટે તેઓ ગાર્ડનમાં થોડે અંદર જાય છે, પણ ત્યાંનું એ દૃશ્ય જોતા જ બંને ચોંકી જાય છે.

ત્યાં જોવા મળ્યો એક કલાસ. તમે જે સમજો છો તે નહિ, ગાર્ડનમાં લીલું કપડું પાથરેલું અને તેના પર પ્રકૃતિના ખોળે બેસીને અપાતું શિક્ષણ. અને એ કોઈ શાળા કે કોલેજના બાળકો નહીં, પણ ફૂટપાથ પર રહેતા બાળકોને અપાતું શિક્ષણ. રુહી અને અનંત બંને અહીં આવ્યા. અને ત્યાં બિસ્કિટ લાવીને આપ્યા. રુહીનો જન્મદિવસ આ બાળકો સાથે ખાસ બન્યો હતો અને અનંતને પણ 'સાચી' સેવા ખૂબ ગમતી, માટે તેનો દિવસ પણ ખૂબ જ સુંદર બની ગયો.
જેમને સાચે જ કંઈક જરૂર છે, જેમને એ જ નથી ખબર કે આ જિંદગી છે શું, તેવા બાળકો સાહેબ.. પણ દિલના પવિત્ર.. બસ તેમની જોડેની એક કલાક રુહી અને અનંતને ઘણું બધું શીખવી ગઈ. દિવસ આથમતા બંને ઘરે પહોંચ્યા, અને આ દિવસ તેમનો ખૂબ જ ખાસ અને ક્યારેય ન ભૂલી શકાય તેવો રહ્યો.


3.

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા હતા. અને અનંતના પપ્પાને તેના દીકરા માટે રુહી જ પસંદ હતી, માટે તે અનંતને ખૂબ જ કહ્યા કરતા. બીજી તરફ રુહીને તેના પરિવારની ચિંતા હતી. આમ રુહીને પણ હવે કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું અને અનંતને પણ અમુકઅંશે તેના પપ્પા પ્રવીણભાઈની વાત સાચી લાગી રહી હતી. તે રાત્રે અનંત રુહી સાથે ચેટમાં વાત કરતી વખતે જણાવે છે..

' રુહી તને નથી થતું કે હવે આપણે આપણા સબંધની વાત તારા ઘરે કરી દેવી જોઈએ. '

' રુહી મસ્તીમાં આ વાતને સમજીને કહેવા લાગે છે, મારી જિંદગીમાં ત્સુનામી લાવવા માંગે છે તું.'

' આ મસ્તી નથી, મારા પપ્પા ઘણી વાર તારા વિશે વાત કરે છે, અને તારા ઘરે આવવાની જ વાત કરે છે.'

' ત્યાં જ રુહી કહે છે, અનંત, શું બોલે છે તું, આપણા લગ્ન નહિ થાય, એક છોકરા સાથે વાત ચાલે છે મારા લગ્નની.....કહી ઉદાસ થવાના ઇમોજી મોકલે છે'

' અનંત આ વાંચતા જ બેઠો થઈ જાય છે અને ટાઈપિંગ કરીને કહેવા લાગે છે.. ' પાગલ થઈ ગઈ છે તું, હું પ્રેમ કરું છું તે, અને તું આ શું કરે છે, ખુશ રહીશ તું મારા વિના. '

' રુહી તરત જ હસવાના ઇમોજી મોકલે છે અને કહે છે,
તું તો સાચું માની ગયો, હું તો ચીડવતી હતી તને, કહીને ફરી હસવાના ઇમોજી મોકલીને કહેવા લાગે છે...

આમ પોપટ જેવું મોં ના કર અને હું કઈ પણ કરી શકું , પણ મારા અનંતને ન મૂકી શકું. '

અનંત ઊંડા શ્વાસ લઈને કહે છે, ' તું પણ અજીબ છે, આવી મસ્તી કરે, થોડી વારમાં જ હું હેરાન થઈ ગયો, મરતા મરતા બચ્યો.'

' એ ચૂપ, આવું ન બોલ. ડોન અભી જીંદા હે.... કહી ફરી હસવાના ઇમોજી મોકલે છે.

અનંતને પણ રુહીની મસ્તી ગમતી, માટે તે પણ હવે હસવા લાગે છે. અને બંને રોજની જેમ જ વાતો કરીને સુવે છે.

અચાનક જ એક દિવસ સવારના સમયે પ્રવીણભાઈ અનંતને તેમને રુહીના ઘરે લઈ જવાનું કહે છે, અને રુહી અને અનંતના લગ્ન જલ્દી જ થશે અને મનાવી પણ લેશે, તેમ અનંતને કહેવા લાગે છે. અનંતે તેના પિતાની આ વાત ઘણીવખત ટાળી હતી પણ હવે તે પણ સમજતો હતો. સમાજના રિતીરીવાજોને અનુસરવા જ પડે. આમ તે રુહીને તેના ઘરે આવવા બાબતે જાણ કરવાનું વિચારે છે. પરંતુ જાણ કરતો નથી, કારણ કે રુહી ક્યારેય ન માનત અને દુઃખી થઈ જાત.

એકદિવસ સવારે ઉઠતા જ તે તેના ઘરના સભ્યોને રુહીના ઘરે જવા તૈયાર કરે છે. અને આ દિવસ પણ રવિવારનો હતો માટે રુહીના ઘરે પણ સરખી બધા જોડે વાત અને પરિચય થઈ જશે તેમ વિચારીને અનંત તૈયાર થઈ જાય છે. રુહીને અનંતનો વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટની જોડી ખૂબ જ ગમતી. માટે તે તે દિવસે એ જ કપડાં પહેરીને શેવ કરીને તૈયાર થઈ જાય છે. આમ તો રુહીને તેનો અનંત બીઅર્ડમાં જ બહુ વ્હાલો લાગતો પણ કદાચ રુહીના પરિવારને નહિ ગમે એમ વિચારીને તે આમ જ તૈયાર થાય છે. હેમલતાબહેન અને પ્રવીણભાઈ આજે ખૂબ જ ખુશ હતા અને સાથે થોડી બીક પણ હતી. કેમ કે જાણ વિના જ તેઓ રુહીના ઘરે પહોંચવાના હતા.

સાડા દસ વાગ્યા અને અનંત તેના મમ્મી હેમલતાબહેન અને પ્રવીણભાઈ સાથે રુહીના ઘરે પહોંચ્યા. અને ત્યાં દરવાજે ઉભા રહ્યા ત્યાં જ રુહીના પપ્પા વિનોદભાઈ તેમને જોઈને થોડી વાર માટે વિચારવા લાગ્યા. પણ રુહીનું ઘર અતિથિને દેવ માનતું. આમ વિનોદભાઈ અનંત અને તેના પરિવારને અંદર લઈ આવ્યા. અને કહેવા લાગ્યા, ' માફ કરશો પણ હું તમને નથી જાણતો, થોડો પરિચય.. બોલવા જાય છે ત્યાં જ પ્રવીણભાઈ બોલી ઉઠે છે..

હું પ્રવીણભાઈ અને આ મારો દીકરો અનંત છે, અનંત ખૂબ જ હેતથી તેમને નાની એવી સ્માઈલ આપે છે. અને ફરી પ્રવીણભાઈ કહે છે, આ મારી ધર્મપત્ની અને સીધી વાત કરું તો અમને તમારી દીકરી રુહી ખૂબ જ પસંદ છે. મને મારી દીકરી અને વહુ તરીકે તેનાથી સારી કોઈ દીકરી નહીં મળે. રુહી અને અનંત પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે , તમારી રુહી ખૂબ જ સંસ્કારી અને પવિત્ર દિલની છે. તમારા ઘરની રૂઢિ તો નથી જાણતો, અને કદાચ તમને અપમાન લાગ્યું હોય તો માફ કરજો, પણ આ રુહી અને અનંતની જિંદગીનો સવાલ છે... રુહી અનંતને પસંદ કરે છે.. ..આ બોલવા પર વિનોદભાઈનું વર્તન ખૂબ જ બદલાઈ જાય છે.

તેઓ અંદરથી તેમના પત્નીને સાદ કરે છે. અને પ્રવિણભાઈને કહેવા લાગે છે.. ' સારું કર્યું તમે અહીં સુધી આવ્યા, રુહી મને આ વિશે વાત જ ન કરત અને મનમાંને મનમાં દુઃખી થયા કરત. અને હું પણ રુહીને આ બાબતે કઈ જ ન પૂછત. તમારો દીકરો મને પણ ગમ્યો છે, જો મારી રુહી તેની સાથે જ લગ્ન કરવા માંગે છે તો મને કંઈ જ વાંધો નથી. આમ તો બધું અજાણ્યું છે તમારો પરિવાર, અનંત.... પણ મને આનો કોઈ ડર નથી.

પછી રુહીના મમ્મી પાર્વતીબહેન આવે છે અને વિનોદભાઈ તેને આ બધી જ વાત કરે છે. બીજી તરફ રુહીતો અનંત અને તેના પરિવારને જોઈને રૂમમાં જ જતી રહી હતી, પરંતુ તેમના પપ્પાનો આવો પ્રતિભાવ જોઈને તે ખૂબ જ ખુશ હતી. તે ત્યાં રૂમમાં જ ખૂબ જ હરખાઈ જાય છે. આમ બંને પરિવાર વચ્ચે સારા સબંધ સ્થપાયા. અને અનંતને ખુદ રુહીના પપ્પા જ રુહી પાસે થોડો સમય પસાર કરવા અને ઘર બતાવવા મોકલે છે.

અનંતના રૂમમાં જતા જ રુહી તેને ખૂબ જ વ્હાલ અને પ્રેમથી ભેટી પડે છે. બંનેને હવે તેની દુનિયા મળવાની હતી. બંને ખૂબ જ ખુશ હતા. અને તેમનો આ પ્રેમ પણ વધવાનો હતો, કેમ કે અહીં બંનેના માતા પિતા તેમના જલ્દી જ લગ્ન કરાવવાના સપના પણ જોવા લાગ્યા. અને બંને પરિવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક થોડા સમયબાદ લગ્નની તારીખ પણ નક્કી કરી લે છે, અને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ.

અનંત અને રુહીને પણ હવે ફરવા જવાનું સહેલું થયું. તેઓના ઘણા સપના જે બંનેએ સાથે જોયા હતા તે હવે પુરા થવા જઈ રહ્યા હતા. બંનેને જાણે પૃથ્વી પર જ સ્વર્ગ મળી ગયું. આમ ધીમે ધીમે લગ્નની તૈયારીઓ થવા લાગી, અને એ દિવસ પણ નજીક આવ્યો.

રુહીને મહેંદીનો ઘણો શોખ માટે તેણે બંને હાથમાં સુંદર મહેંદી મુકાવી હતી, અને તેના અનંતનું નામ પણ મહેંદીમાં લખાવ્યું. આમ રૂડા ગીતો અને ધામધૂમથી દરેક લગ્નમાં આવવા ઉત્સુક હતા. અનંત આજે વરરાજો બની ગયો. અને રૂપેરી જાન લઈને તેનો પરિવાર અને ખાસ તો અનંતના પપ્પા પ્રવીણભાઈ અને હેમલતાબહેન ખૂબ જ ખુશ હતા.

જાન પહોંચી. બંનેનું મન ખૂબ જ હરખાતું હતું. અને યોગ્ય વિધિ મુજબ બંનેના ધામધૂમથી લગ્ન થયા. વિદાય સમય થતા જ હવે રુહીને એક નવા જ ઘરમાં પ્રવેશ લેવાનો હતો. આમ તો આ ઘર તેના માટે અજાણ્યું નહોતું, કેમ કે રુહી ત્યાં ઘણી વખત આવી હતી. છતાં પણ તેને તેના બાળપણથી લઈને અત્યારસુધીની તેની જિંદગી એ તેના પપ્પા નાનો ભાઈ અને તેમના મમ્મીની સાથે સાથે ખાસ તો આ ઘર સાથે જોડાયેલી હતી. ઘર ભલે કોઈ માણસ નથી તો પણ ઘર સાથે લાગણી જોડાય છે.

તેમના ઘરમાં રુહી ખૂબ જ બોલકી હતી, તે એકદિવસ પણ ન હોય તો આ ઘર સુનું લાગતું, તેના બદલે હવે આ ઘર માંથી રુહી વિદાય લેવાની હતી. રુહીના મમ્મી તેને ભેટીને ખૂબ જ રડતા હતા, અને ક્યારેય ન રડે તેવા વિનોદભાઈની આંખોમાં પણ આજે આંસુ હતા, અને આ આંસુ રુહીથી નહોતા જોઈ શકાતા. તેમને જોતા જ તે ભેટીને ખૂબ જ રડે છે.

એક દીકરીની વિદાયમાં સૌથી વધુ એક પિતા જ રડે છે, તેમને ખબર જ હોય છે કે તેના લગ્ન સારા ઘરે જ થયા છે અને દીકરી ખુશ જ રહેવાની છે, છતાં તેમનું હૃદય જાણે તેમની દીકરીમાં જ વસતું હોય છે. તેમના ઘરની બધી જ વસ્તુઓ, ઘરની રસોઈ, ઘરની મસ્તી, થોડો બદલાવ અને ઘણો બધા પ્રેમ સાથે તેમની દીકરી યાદ આવતી હોય છે.

સાથે સૌથી વધુ તેના મમ્મી જ રુહીને ખૂબ સમજતા. તેનું મોં જોઈને જ તેને કઈ દુઃખ છે કે નહીં .. તે સમજી જતા.
માં છે, નવ મહિના સુધી આપણને સાચવે અને આટલા બધા વ્હાલ અને પ્રેમથી મોટા કરે. ખરેખર તો એક દીકરીને સાચી રીતે તેની મમ્મી જ સમજી શકે. પેટમાં નવ મહિના નાળ સાથેથી લઈને મોટી થાય અને સાસરે જાય ત્યાં સુધી તેમના સાથે તેમની દીકરી જોડાયેલી હોય છે. ગજબની શક્તિ હોય છે તેમાં સાહેબ , આખો દિવસ કામ કરીને પણ થકાવટ નથી લાવતી મોં પર. દુઃખની દવા કદાચ ડોક્ટર ન આપી શકે પણ માં પાસે તેનો ઉપચાર હોય જ છે. બધી ઈચ્છાઓને દાટીને આપણા સપનાઓ સાકાર કરે છે.

આમ વિનોદભાઈ અને પાર્વતીબહેન ખૂબ રડતા હતા. પછી સૌના સમજાવવા પર તે હૈયે પથ્થર મૂકીને તેની રુહીને વળાવે છે. રુહી પણ અનંતના સમજાવવા પર હવે નથી રડતી. અને અનંતના ઘરે પહોંચ્યા બાદ વિધિઓ કરે છે. આમ બંનેના ખૂબ જ ઉત્સાહપૂર્વક લગ્ન થાય છે, અને દરેક વ્યક્તિ આ લગ્નથી ખુશ હતા.

રુહી માટે પણ આ ઘર હવે જાણીતું બનવા લાગ્યું. અને હેમલતાબહેનને અને રુહીને ખૂબ જ ભળતું. બંને જાણે મિત્ર હોય તેવી રીતે જ રહેતા. રુહી બધી જ વાતો તેમને કરતી, અને ખુશ રહેતી. રુહી જોબ કરતી હતી પરંતુ તે હવે જોબ કરવા નહોતી માંગતી, માટે તે આ બાબતે કોઈને વાત નથી કરતી. અનંત બેન્કે જતો અને સાંજે આવીને તેની રુહી પાસે બેસીને પ્રેમભરી વાતો કર્યા કરતો. બંનેના સબંધની એક ખાસ વાત તો એ હતી કે, રુહી અને અનંતને પ્રેમમાં દેખાડો કરવો ન ગમતો. આમને આમ જ દિવસો પસાર થવા લાગ્યા. રુહીને પણ આ ઘર સાથે હવે લાગણીઓ બંધાઈ ગઈ હતી.

એકદિવસ રુહીના મમ્મીને રુહી ખૂબ જ યાદ આવતી હતી, માટે તેને મળવા માટે વિનોદભાઈ અને પાર્વતીબહેન તેને ત્યાં પહોંચે છે. ત્યાં વિનોદભાઈ રુહીને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. અને રુહીનો એ હસતો ચહેરો જોઈને મનોમન વિચારવા લાગે છે..

' સારું થયું મેં મારી દીકરીને તેને ગમતા છોકરા સાથે લગ્ન કરાવ્યા. આટલી ખુશી કદાચ તેને કોઈ ન આપી શકત. પહેલીવાર જીવનમાં લાગે છે કે મેં રુહીને એક સાચી આઝાદી આપી છે. એક પિતા તરીકે ખરેખર હું મારી દીકરીને સમજ્યો. હે ભગવાન, આ સમાજની વાતોમાં ન આવ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. દીકરીની ખુશીમાં જ મારી ખુશી છે, બસ મારી રુહીને આમ જ ખુશ રાખજે. '

ત્યાં જ પ્રવીણભાઈ વિનોદભાઈને જાણે ઊંઘમાંથી ઉઠાડતા હોય તેમ હલાવે છે, અને કહેવા લાગ્યા.. ક્યાં ખોવાય ગયા, તમારી દીકરીને અમે મારી દીકરીની જેમ જ સાચવીએ છીએ, એ સિવાયની કોઈ બાબત હોઈ તો કહી દેજો, કઈ પણ કરવા માટે હંમેશા તૈયાર છીએ અમે.

વિનોદભાઈ હસતા હસતા કહેવા લાગ્યા.. ના મને તો મારી દીકરી માટે ખૂબ જ સારો પરિવાર મળ્યો છે, મને વળી શેની ચિંતા. કહીને બધા જ હસવા લાગે છે.

એક દિવસ શોપિંગ માટે રુહી અને હેમલતાબહેન પહોંચે છે. અને રુહીને હેમલતાબહેન તેમની દીકરી જ માનતા, માટે કપડાં બાબતે તેઓ જાતે જ તેને ઘણા સુંદર કપડાં પસંદ કરી આપતા. તેઓને આ સમાજ અને તેની રૂઢિની જાણ હતી, પણ એમાં તેઓ માનતા નહિ. એક સાચી જિંદગી તેઓ જીવતા હતા. આમ શોપિંગ પુરી થતા જ બંને ઘરે પરત ફરે છે. તે દિવસે રાત્રે અનંત અને રુહી વાતો કરતા હોય છે..

રુહી બેઠી હોય છે, અને અનંત તેના ખોળામાં સૂતો હોય છે, રુહીના પ્રેમાળ હાથ અનંતના માથા પર ફરતા હોય છે અને રુહી કહે છે..

' અનંત, તને આપણી પહેલી મુલાકાત યાદ છે.'

'અનંત ખુશ થતો થતો કહેવા લાગે છે... યાદ જ હોઈ ને , એ તો કેમ ભુલાય.'

આમ બંને હસવા લાગે છે, ફરી અનંત કહે છે,

' રુહી , આપણા લગ્ન થયા પછી આપણે ક્યાંય નથી ગયા, તને ટ્રાવેલિંગ નો શોખ છે, અત્યારે તો થોડા દિવસની રજા લઈને હું બહાર લઈ જવા માંગુ છું. તો આપણે આવતા વિકમાં ક્યાંક જવાનો પ્લાન કરીએ.'

' અનંત, મારી દુનિયા જ તું છે, અને રહી વાત બહાર જવાની તો મમ્મી પપ્પાને મૂકીને ન જવાય.'

' અનંત રુહીને સમજાવતો હોય તેમ કહેવા લાગે છે, તું ચિંતા ન કર, મારી દરેક વાત મારા મમ્મીપપ્પા સમજે છે, મેં ક્યારેય કોઈ ખોટી જીદ કરી જ નથી અને તેઓ આ વાત પણ માનશે જ, હું પપ્પાની પરમિશન લઈ લઈશ બસ, પછી તો આવીશ ને.'

' રુહી પરાણે હા કહેતી હોય તેવી રીતે કહે છે.'

આમ બંને આ બાબતે વાત કરીને સુઈ જાય છે. અને બીજા દિવસે જ્યારે અનંત તેના પપ્પાને ફરવા જવા બાબતે કહે છે ત્યારે તેઓ કહે છે, ..

મને કંઈ જ વાંધો નથી દીકરા, મારા માટે રુહી મારી દીકરી જ છે, અને હું અને તારી મમ્મી આ બાબતે જ વાત કરતા હતા. તું તારી રીતે જ્યારે રજા મળે ત્યારે ફરી આવજે. અને હા, પૈસાની જરૂર હોય તો પણ બિન્દાસ મને કહી દેજે.

અનંત ખૂબ જ ખુશ થઈને ફરવા જવાનો પ્લાન બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. અને ફોનમાં આની માહિતી જોતા જ ટીકીટ બુક પણ કરાવી દે છે. અને સૌથી પહેલા આ વાત તેના મમ્મી અને પપ્પાને કહે છે. રાત્રે ખુશ થતો થતો રુહી પાસે આવીને તેને બધું જ કામ મુકાવી તેની પાસે બેસાડે છે અને કહે છે...

રુહી, મેં પપ્પાની પરમિશન લઈ લીધી અને તેમણે બહાર જવાની પરમિશન આપી પણ દીધી. અને મેં ટીકીટ પણ બુક કરાવી લીધી છે, આવતા શનિવારે જ આપણે નીકળવાનું છે. આમ હરખાતો હરખાતો રુહીને ભેટી પડે છે. અને રુહી પૂછવા લાગે છે,

' અનંત, પણ આપણે જવાનું છે ક્યાં, તે તો કહે મને.'

' તને તારા અનંત પર ભરોસો નથી, હું ત્યાં જ લઈ જઈશ, જ્યાં મારી રુહીને ગમશે જ'

રુહી પછી કઈ જ પૂછતી નથી અને રુહી પણ ખૂબ જ રાજી થાય છે, અને નીકળવાની બે દિવસની જ વાર હતી, માટે બધી તૈયારીઓ પણ કરવા લાગે છે. હેમલતાબહેન રુહીને બધી જ તૈયારીઓ કરાવતા, અને આખરે તેઓને ફરવા જવાનો દિવસ આવ્યો. બંને ખૂબ જ ખુશ હતા. અને અનંતના પપ્પા તેઓને ટ્રેન સુધી છોડી જાય છે, બંને નીકળી જાય છે, થોડા દિવસ માટે તેમની અનોખી અને નવી જ દુનિયામાં.

રુહીને દરિયાકિનારાના વિસ્તારો ખૂબ જ ગમતા. માટે સૌથી પહેલા બંને મુંબઇના એક દરિયા કિનારે પહોંચે છે. રુહીને આ સ્થળ ખૂબ જ ગમે છે, સાંજનો સમય, ઢળતો સૂર્ય અને એકબીજાનો હાથ પકડીને બેઠેલા રુહી અને અનંત. બંને ખુશ થતા થતા એકબીજા સાથે ઘણી વાત કરે છે, અને રાત થતા જ બંને ત્યાં નજીકની હોટેલમાં પહોંચે છે અને ત્યાં એક રૂમ રાખીને ત્યાંના વેઈટર રૂમની ચાવી અને રૂમ બંનેને બતાવી આપે છે. ડિનર કરીને બંને સાથે જ રહે છે. અનંત રુહીને રૂમમાં સુવડાવી થોડી વાર બહાર આવે છે. અને તેના પપ્પાને ફોન કરીને તેમની તબિયત અને તેમના મમ્મી વિશે પૂછે છે. બધું જ બરાબર હતું, અને આમ અનંત અને તેના પપ્પા વાત કરે છે.

અનંતને તેના પપ્પા સાથે વાત કરતા જ ત્યાં પાસે એક ખુરશીમાં એક યુવતી રડતી દેખાય છે. અને ફોન રાખીને અનંત ત્યાં પહોંચી જાય છે. અને એ યુવતીને જુએ છે તો તે ખૂબ જ રડતી હોય છે. અનંતથી આ બધું જોવાતું નહોતું. પણ આમ અજાણી યુવતીને કેવી રીતે બોલાવવી એમ વિચારીને તે રુહીને અંદરથી બોલાવે છે. અને રુહીને આ બાબતે વાત કરે છે. રુહી આવીને તેને પૂછવા લાગે છે,

' તમે કેમ રડો છો, માફ કરશો તમને નથી જાણતા તો પણ આ સવાલ કર્યો.. તમારું નામ શું છે, અને નક્કી તમને કોઈ મોટો પ્રોબ્લેમ છે, તમે અમને કહી શકો છો, બનતી મદદ કરીશું અમે'

તે યુવતી થોડી વાર માટે કઈ જ બોલતી નથી અને ફરી ખૂબ જ રડવા લાગે છે.

ફરી રુહી તેની પાસે બેસીને તેનો હાથ પકડીને કહેવા લાગે છે,..તમે મને તમારી સમજીને બધું જ કહી શકો છો, પ્લીઝ રડો નહીં.

' કોઈ પોતાનું ઘણા વર્ષો બાદ આ યુવતીને મળ્યું હોય તેવી રીતે તે રુહી સામે જુએ છે અને કહેવા લાગે છે..,

મારુ નામ પ્રિયા છે,અને મારા લગ્ન શરદ નામના છોકરા સાથે થયા હતા. બંને સાથે જ પ્રેમથી રહેતા હતા. અમે બંને પરિવારની ખુશીમાં જ અમારી ખુશી માનતા. પણ હવે હું અને શરદ સાથે નથી, અમારા છુટાછેડા થઈ ગયા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, છતાં આ પરિવારમાં અશાંતિ અને ઝઘડાઓને લીધે આજે અમે જુદા છીએ. ઘર તો ઘણું મોટું હતું પણ સૌના મન જ મોટા નહોતા. ઘણું સહન કર્યું હતું મેં અને શરદએ પણ છતાં કોઈ સમજવા જ તૈયાર નહોતું. અમારી બંનેની જિંદગીને રમત બનાવી નાખી હતી અને જાણે અમે બંને રમકડું હોઈએ તેમ તેઓ વ્યવહાર કરવા લાગ્યા હતા. જાણ તો ત્યારે જ થઈ ગઈ હતી કે આ દુનિયા મતલબ અને સ્વાર્થ સિવાય કંઈ જ નથી. પ્રેમ, લાગણી, સબંધો... દરેકમાં સ્વાર્થ. આ જીવનથી જ નફરત થઈ ગઈ છે, પણ શરદ એકદિવસ તો મળશે જ તેની રાહમાં હું દરરોજ ભટકું છું. દુનિયાની રીતોના લીધે કેટલાય લોકો દુઃખી થતા હશે. આ માણસ તો બની ગયા પણ ખબર નહીં માણસાઈ ક્યારે આવશે. પોતાનાજ નથી સમજતા તો આ પારકી દુનિયા પાસે શું આશા રાખવી. આજ સુધી બધા જ સબંધો સ્વાર્થના મળ્યા, માત્ર એક સબંધ સારો મળ્યો તે પણ આ સ્વાર્થી દુનિયાએ છીનવી લીધો. એ દૂર છે મારાથી, પણ એનાથી નજીક કોઈ જ નથી મારુ.

શરદ અને હું એક વર્ષથી નથી મળ્યા. હું ઘરમાં એ વાતાવરણમાં જવા નહોતી માંગતી, માટે અહીં આવતી રહી. અને છુટાછેડાના બીજા જ દિવસે શરદ પણ ઘર મૂકીને જતો રહ્યો. આ વિસ્તારમાં પહેલી વાર આવી છું. અને એ પહેલાં મારી એક નોકરી ખૂબ જ દૂર હતી. હવે હું અહીં નજીક જ એક નોકરી માટે અહીં આવી છું, પણ ચાલતા થાકી હતી, માટે થોડી વાર અહીં આવી. મને શરદના મિત્રએ કહ્યું હતું કે શરદ અહીં મુંબઇ છે, તો માત્ર એ મળશે તેની આશમાં હું હજુ અહી જ છું. પણ શરદ હજુ સુધી મને નથી મળ્યો. અને ફોન પણ બંધ જ આવે છે, એ ક્યાં હશે.. એ ખુશ હશે કે નહીં ..એ શું જમતો હશે..તેને તેની પ્રિયા યાદ હશે કે નહીં.. કહીને પ્રિયા ફરી ખૂબ જ રડવા લાગે છે.

રુહી તેને ન રડવા માટે કહે છે અને તેને કહેવા લાગે છે, 'તમે ચિંતા ન કરો, અમે મદદ કરીશું, શરદને શોધવામાં.'

પ્રિયાના આંખમાં આંસુ આવી જાય છે અને કહેવા લાગે છે, તમે ખૂબ જ સારા છો, પણ હું એક વર્ષથી મારા શરદને ગોતું છું. હજુ એ ક્યાં છે તેની જ જાણ નથી મને, મારા કારણે તમે હેરાન થશો, તમે તમારી દુનિયા જીવવા લાગો, તમારે મારા કારણે શું કામ હેરાન થવું જોઈએ.'

રુહી તેને આગળ કઈ પણ બોલે તે પહેલાં કહે છે, તમે આ બધી જ બાબતો ન વિચારો, અમને તેની એક તસ્વીર અને તમારા મોબાઈલ નંબર આપો, અમે તમારી ચોક્કસ મદદ કરીશું. '

આમ રુહીને પ્રિયા તસ્વીર આપે છે ત્યાં જ તેને જોઈને તે કહેવા લાગે છે...

' આ શરદ છે, આના જેવા જ મેં આ હોટેલમાં જોયા છે. અને અનંતને કહેવા લાગે છે, અનંત તને યાદ છે, આપણને રૂમની ચાવી અને રૂમ બતાવવા આવેલા, એ આમના જેવા જ દેખાતા હતા.

પ્રિયા આ સાંભળતા જ ઉભી થઇ જાય છે અને તે રુહી અને અનંત સાથે ત્યાં હોટેલની અંદર જાય છે.. રુહી ત્યાંના વેઈટરને શરદ વિશે પૂછે છે અને શરદ પાસે ત્રણેય પહોંચે છે. પ્રિયા શરદને જોતા જ તેની પાસે જઈને તેને ભેટીને ખૂબ જ રડવા લાગે છે. અને શરદ પણ પ્રિયાને આટલા દિવસ બાદ મળ્યો હતો, માટે તેની આંખોમાં પણ આંસુ આવે છે. બંનેને આખરે તેમની જિંદગી મળી ગઈ. અને બંને ખૂબ જ રાજી થયા. આ બંનેને જોઈને રુહી અને અનંત પણ એકબીજા સામે જોઇને ખૂબ જ રાજી થાય છે.

આમ તે રાત્રે ત્રણ વાગી ગયા હતા, અને તે પછી શરદને પ્રિયા રુહી અને અનંત વિશે જણાવે છે, પ્રિયા અને શરદ એ બંનેનો ખુબ જ આભાર માને છે.

રાત ઘણી થઈ હતી માટે રુહી અને અનંત તેના રૂમમાં આવે છે અને રુહી અનંતને કહેવા લાગે છે,

' અનંત, મને પ્રિયા અને શરદને ખુશ જોઈને બહુ સારું લાગ્યું. બંને આટલા બધા દૂર રહ્યા એકબીજાથી, સાચે બહુ અઘરું છે. રુહી આગળ કઈ બોલે તે પહેલા જ અનંત કહેવા લાગે છે,

' તું કેમ આટલું બધું વિચારે છે, બંનેને તેમનો પ્રેમ મળી ગયો ને. રુહી જો સાંભળ, જે કાંઈ પણ થાય છે એ સારા માટે જ થાય છે. દુઃખનો દરવાજો ખુલ્યો છે તો તેની સાથે સુખનો દરવાજો પણ તૈયાર જ હોય છે. હવે બહુ ન વિચાર તું અને સુઈ જા , કાલે અહીં જ નથી રહેવાનું, અહીંના નજીકના સ્થળોએ આપણે જવાનું છે.'

આમ રુહી આગળ કઈ બોલતી નથી અને બંને સુઈ જાય છે. આમ બંનેની બધી જ વાતો ખૂબ જ સમજણભરી જ હોય. અને બંનેનો સબંધ પણ અતૂટ હતો, તેઓનો પ્રેમ અખૂટ , વિશ્વાસ સંપૂર્ણ, લાગણી સાચી, અને વ્હાલ ઘણો બધો હતો. બંને એકબીજાના જાણે ધબકાર હતાં.


4.





સવાર થઈ, બંને ઉઠ્યા અને ચા-નાસ્તો કરીને બંને ફરી તૈયાર થયા. ત્યાં નજીકના ઘણા સ્થળોની મુલાકાત માટે તેઓ જવાના હતા. આમ બે દિવસ ત્યાં જ ફરે છે અને બે દિવસ બાદ મુંબઇથી લગભગ 121 કિલોમીટર દૂર ઇગતપુરી નામના સ્થળ માટે તેઓ નીકળવાના હતા. અને તૈયાર થઈને તેઓ અહીં પહોંચવા નીકળે છે અને પહોંચી જાય છે. અહીંની સુંદરતા જોઈને જ રુહી ખૂબ જ ખુશ થઈ જાય છે, અને આ કુદરતના ખોળે ઘણી બધી મીઠી મીઠી વાતો કરતા બંને ખૂબ જ ખુશ થાય છે. પછી અનંતને તેના પપ્પા યાદ આવતા જ તેમને ફોન કરે છે, અને વાત કરે છે. સાથે તેના મમ્મી સાથે અનંત અને રુહી બંને વાત કરે છે. બંને ખૂબ જ ખુશ હતા. માટે થોડી વાર વાત કરીને ફોન મૂકી ફરી બંને તેમની એ અનોખી દુનિયામાં ખોવાય જાય છે.

બીજી તરફ અનંતના પપ્પા પ્રવીણભાઈ લક્ષ્મી સિલ્ક મીલના મેનેજર હતા. તેઓની આ મીલ ઘણી બધી જૂની હતી. છેલ્લા ઘણા બધા વર્ષોથી પ્રવીણભાઈ ત્યાં જ કામ કરી રહ્યા હતા, ત્યાં અચાનક જ ત્યાં લાઈટના બોર્ડ પાસે એક નાનો ભડકો થયો. આ જોતા જ પ્રવીણભાઈ આના માટે ત્યાં બોર્ડ નજીક જઈને જોવા માટે ગયા. ત્યાં બોર્ડની થોડી જ દૂર હતા જ ત્યાં અચાનક જ એકસાથે બધા જ બોર્ડમાં આગ ફાટી નીકળી. જોતજોતામાં જ ત્યાં મીલના બધા જ વિભાગો આ આગની જપેટમાં આવી ગયા. પ્રવીણભાઈ ત્યાંના કામદારોને બચાવવા માંગતા હતા, પરંતુ તેમની હાલત ખૂબ જ કફોડી બની ગઈ હતી. તે છતાં તેઓએ સૌથી પહેલા ફાયર બ્રિગેડ વાળાને ફોન કરી દીધો હતો. બધા જ પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા. મીલ મોટી હતી, માટે ઘણા કામદારો ઉપરના માળ પર હતા, અને આ આગ એટલી તીવ્ર હતી કે તેને દરેકને તેની જપેટમાં લઈ લીધા. લોકોના ટોળા ઉમટી પડ્યા, સૌને સમજાતું જ નહોતું કે તેણે શું કરવું. આ મીલ અને સાથે સાથે આ શહેર માટે આ ખૂબ જ દુઃખભરી ઘટના હતી, ઘટનાને ઘણો સમય થયો પરંતુ હજુ સુધી ત્યાં ફાયર બ્રિગેડ આવતી નથી.

પોતાનો જીવ બચાવવા ત્યાંના કામદારો ચોથા માળેથી કાઈ પણ વિચાર્યા વિના કુદી પડે છે, નીચે ઉભેલા લોકોના ટોળામાંથી અમુક લોકો આમને બચાવવા આવે છે, દુઃખભરી વાત તો એ હતી કે બાકીના આટલા બધા લોકોએ આમને બચાવવાને બદલે માત્ર ફોટો ને વીડિયો જ લઈ રહ્યા હતા, પ્રવીણભાઈ જેમ તેમ ઉભા થઈને ત્યાં બોર્ડ નજીક એક કામદારને બચાવવા જાય છે, અને ત્યાં આગમાં કઈ જ દેખાતું નહોતું, ત્યાં બોર્ડને હાથ અડતા જ તેઓ ત્યાં જ પડી જાય છે, અને આગ એટલી બધી હતી કે તેઓનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું . ત્યાં જ ફાયર બ્રિગેડ આવી પહોંચે છે , અને લોકોને બચાવવાના ઘણા ઉપાયો શરૂ થવા લાગ્યા. પરંતુ આ તે કેવી વ્યવસ્થા ..?

ફાયર બ્રિગેડ પાસે પૂરતો સામાન ન હતો કે ન હતી ચાર માળ સુધી ચડવાની સીડી. પોતાનો જીવ બચાવવા ઘણા કામદારો ઉપરથી પડી રહ્યા હતા પરંતુ તેમની પાસે કોઈ જ નેટ એર બેગ નહોતી. આ ઘટના આખા શહેર માટે ખૂબ જ દુઃખભરી હતી, અને આ બાબતની જાણ થતાં જ હેમલતાબહેન અહીં સુધી પહોંચે છે, અને સાથે રુહીના મમ્મી પપ્પા પણ અહીં પહોંચે છે.

બીજી તરફ અનંત અને રુહીને આ બાબતની જાણ થતાં તેઓ ખૂબ જ હેરાન થતા થતા તેઓ તરત જ અહીં પહોંચવા નીકળી પડે છે. હજુ કોઈને જાણ જ નહોતી કે પ્રવીણભાઈ ક્યાં છે.. હેમલતાબહેન આ બધું જોઈને ખૂબ જ રડતા હોય છે, અને થોડી વારમાં જ પ્રવીણભાઈની કોઈ જાણ ન મળતા તેઓ ત્યાં જ બેભાન અવસ્થામાં પડી જાય છે અને તરત જ તેઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. મીલ મોટી હતી માટે કામદારો પણ ઘણા હતા, તેઓ ઉપરથી પડી રહ્યા હતા અને નીચે લોકો કઈ જ કરી નહોતા શકતા. ઘણા બાપએ તેમના દીકરાને ત્યાં જ મરતા જોયા. બધા જ હેરાન થઈ ગયા હતા.

નીચે ઉભેલા એક વ્યક્તિને આ ઉપરથી પડતા લોકોને બચાવવા માટે એક ઉપાય સુજે છે, અને તે માટે તે બાજુમાં જ એક કાપડની દુકાનમાં એક લાબું કપડું માંગવા જાય છે જેથી નીચે પડતા લોકોને મરતા બચાવી શકાય. પરંતુ આ સમાજમાં માણસાઈ જાણે મરી જ ગઈ હોય તેવી રીતે તે કાપડની દુકાનનો મલિક એક કાપડ ન આપી શક્યો, અને દુકાનને લોક મારીને ઘરે જતો રહ્યો, અહીં કામદારોના પરિવાર રોકકળ કરી રહ્યા હતા ત્યારે આ લોકોને કઈ જ ફરફ નહોતો પડતો, હજુ સુધી ઘણા લોકો તો વીડિયો ઉતારવામાં જ પડ્યા હતા. આધુનિકતા સારી બાબત છે પરંતુ લોકો આંખ બંધ કરીને બેફામ તેનો ઉપયોગ કરી રહ્યા છે. અમુક લોકો નીચે ઉભા ઉભા સિસ્ટમને દોષ આપી રહ્યા તો ઘણા લોકો મીલની બેદરકારી વિશે વાત કરી રહ્યા હતા. ઘણા તો માત્ર સાથ સહકારને બદલે સલાહ આપવામાં જ વ્યસ્ત હતા. થોડા સમય બાદ આગ ઠરી, અને ઘણા બધાને હોસ્પિટલ દાખત કરવામાં આવ્યા. કેટલાક કામદારો ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. અનંત અને રુહી અહીં આવતા તરત જ અહીં પહોંચે છે, પરંતુ સમાચાર મળે છે કે પ્રવીણભાઈનું મૃત્યુ થયું છે, અનંત આ સાંભળતા જ ત્યાં ભાન ભૂલી ગયો હોય તેવી રીતે બેસી જાય છે, અને ખૂબ જ રડવા લાગે છે, રુહી પણ ખૂબ રડતા રડતા અનંતને સંભાળતી હોય છે.

ઘણા ઘરોમાં આજે આ બનાવના લીધે અશાંતિ ફેલાઈ હતી, શહેર માટે કાળો દિવસ બની ગયો હતો. સૌ કોઈ પોતાનાને ગુમાવવાનું દુઃખ જાણીને રોકકળ કરતા હતા. ઘણી પત્નીઓના પતિ આમાં મૃત્યુ પામ્યા હતા. બધી જ તરફ આ ઘટના વિશે વાતો થઈ રહી હતી. સરકાર દ્વારા મૃત્યુ પામેલ લોકોના પરિવારને સહાય આપવામાં આવી પરંતુ તે વ્યક્તિની કિંમત તો તેનો પરિવાર જ જાણતો હોય છે ને.. તેની ખોટ આ સહાય કેમ પુરી કરી શકે.. બીજી તરફ અનંત અને રુહી હેમલતાબહેન પાસે પહોંચે છે, અને તેમને હજુ પ્રવીણભાઈ વિશે કઈ જ ખબર નહોતી. ભાનમાં આવતા તરત જ તે અનંત અને રુહીને મળે છે , અને માત્ર અનંતના પપ્પા વિશે જ પૂછે છે .. આ પૂછતાં જ અનંત અને રુહી કઈ જ બોલતા નથી, અને હેમલતાબહેન પણ અનંત અને રુહીનું એ રડતું મોં અને આ ચૂપકીદી જોઈને બધું જ સમજી જાય છે અને ફરી ખૂબ જ રડવા લાગે છે, આ બધુ જ તેમનાથી સહન નહોતું થતું, ધીમે ધીમે તેમના શરીરમાં ઓક્સિજન પણ ઘટવા લાગ્યું હતું, શ્વાસ રૂંધાવા લાગ્યો. અને ફરી તેમને આઈ.સી.યુ. માં સારવાર માટે લેવામાં આવ્યા. ત્યાં સારવાર શરૂ કરે એ પહેલાં જ તેઓ ધબકારા ચુકી ગયા. તેઓનું ત્યાં જ મૃત્યુ થયું.

અનંત અને રુહીને આ બધી જ જાણ થતાં જ તેઓને શું કરવું એ કઈ જ નહોતું સમજાતું. તેઓ ખૂબ જ રડતા હતા. બંનેનો પ્રવીણભાઈ સાથેનો અત્યાર સુધીનો વ્યવહાર ખૂબ જ મસ્તીભર્યો, અને લાગણીશીલ રહ્યો હતો. અને અનંત પણ તેના પપ્પાનો ખૂબ જ લાડલો હતો. રુહીના મમ્મી અને પપ્પા તેમની સાથે જ હતા, માટે તે બંનેને સમજાવી રહ્યા હતા. ત્યારબાદ ઘરે અંતિમવિધિની પ્રક્રિયા પુરી થઈ.

આ ઘરમાં હવે પેલા જેવી ખુશી નહોતી રહી, રુહીના બેસ્ટફ્રેન્ડ હેમલતાબહેન અને તેને દીકરીની જેમ જ સાચવતા પ્રવીણભાઈ વિના આ ઘર તેમને ઘર નહોતું લાગતું. પ્રવીણભાઈની યાદો બંનેને ઘેરી રહી હતી. બંને એકબીજા સાથે કઈ જ ન બોલતા અને ચુપચાપ બેસી રહેતા. અનંત હજુ તેના મમ્મી પપ્પાને ખોવાનું દુઃખ ભૂલી શકતો નહોતો. બાળપણના ઘણા કિસ્સા એવા પણ હોય છે, જેને વ્યક્તિ ક્યારેય નથી ભૂલી શકતો.

રુહી પણ આ બાબતને લઈને ખૂબ જ દુઃખી હતી. પરંતુ જે સત્ય છે તે સ્વીકારવુ જ પડે. એક દિવસ અનંત રુહીની પાસે બેઠો હતો, અને અચાનક જ પૂછવા લાગે છે,..

' રુહી, ભગવાનને સ્વચ્છ અને પવિત્ર લોકોથી પ્રોબ્લેમ શું હશે, મારા મમ્મી પપ્પાએ તેમની આખી જિંદગી બધાનું ભલું જ વિચાર્યું છે, છતાં પણ તેમને જ મારાથી દૂર કરી દીધા.. ભગવાન તો સારા લોકોનું હંમેશા સારું જ કરે છે તો પછી મારા મમ્મીપપ્પાનો શું દોષ હતો..' કહીને તેની આંખમાં આંસુ આવી જાય છે.

રુહી એ આંસુને લૂછતાં લૂછતાં કહે છે, ' ભગવાનની વ્યવસ્થા પર શંકા ન કર, વિધિના વિધાનને કોઈ નથી ટાળી શકતું
અમુક બાબતો જીવનમાં સ્વીકારવી જ પડે છે, તેમાં ભગવાનને શું કામ દોષ આપવો...?'

અનંત રુહીની વાત સમજતો માટે કઈ પણ બોલ્યા વિના ઊંઘી જાય છે. આ બધું થયાને એક અઠવાડિયું થઈ ગયું હતું. અનંત અને રુહીની જાણે જિંદગી જ અટકી ગઈ હતી. ત્યાં જ એકદિવસ તે જે બેંકમાં જતો ત્યાથી નોકરી જોઈન કરવા માટેનો ફોન આવે છે. અને ફરી ત્યાં જ તે નોકરી માટે જવા લાગે છે.

રુહી આખો દિવસ એકલી પડી જતી. અનંત સવારના નવ વાગ્યે જતો અને સાંજના છ વાગ્યે ઘરે આવતો. ધીમે ધીમે અનંત અને રુહી ફરી નોર્મલ રીતે રહેવાની ટ્રાય કરવા લાગ્યા. રુહી અને અનંત જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં તેની બાજુમાં જ નવા નવા રહેવા આવ્યા હતા. અને તેમનું નામ અદિતિ હતું. તેઓ ઘણી વખત રુહી સાથે વાત કરવાની કોશિશ કરતા પરંતુ રુહી બહુ ન બોલતી. છતાં તેઓ રુહીને બોલાવ્યા કરતા, અને તેની ઘણી મદદ કરતા. ધીમે ધીમે રુહીને પણ તેમની સાથે ખૂબ જ ભળવા લાગ્યું હતું. બંને હવે બેસ્ટફ્રેન્ડ બની ગયા હતાં. આખો દિવસ સાથે જ રહેતા. અને અનંત પણ હવે નોર્મલ બનવા લાગ્યો હતો. મમ્મી પપ્પાની યાદ આવે તો તસ્વીર જોઈને થોડું રડી લેતો, અને રુહી હમેશા તેને સંભાળી લેતી.

રુહી આખો દિવસ અદિતિ સાથે જ વાતો કર્યા કરતી. રુહીથી એક વર્ષ નાની હતી, અને નવા નવા લગ્ન કરીને જ ત્યાં રહેવા આવ્યા હતા. તે ઘણી વખત રુહીને અવાર નવાર અલગ અલગ સવાલો કર્યા કરતી, અને રુહીને ખુશ રાખતી. દિવાળી, ઉત્તરાયણ , હોળી ધુળેટી હોય કે પછી નવરાત્રી બધા જ તહેવારોમાં રુહી અને અદિતિ સાથે જ રહેવા લાગી.

રુહીને ઘણા દિવસો બાદ કોઈ પોતાનું ફરી મળ્યું છે તેવું લાગવા લાગ્યું. આમ દરરોજ સવારે અનંત બેન્કે જાય અને રુહી બધું જ કામ જલ્દી જ નિપટાવી અદિતિ સાથે બેસીને વાતો કર્યા કરે. ઘણી વખત હેમલતાબહેન અને પ્રવીણભાઈ યાદ આવતા અદિતિ સામે રડવા લાગે અને અદિતિ કઈ પણ કરીને રુહીને રડતી બંધ રાખીને મનાવી લેતી. બંને ખૂબ જ ખુશ રહેતી. મિત્રતા એટલી બધી ગાઢ બની ગઈ હતી કે, એકબીજાને ખુશ રાખવા એ જાણે બંનેનું સપનું બની ગયું હતું. એક દિવસ વાત વાતમાં જ અદિતિ રુહીને કહે છે,

' તને ખબર છે, ઘણા દિવસથી તારા જોડે વાત કરવી હતી મારે.. આજે હું ખૂબ જ ખુશ છું, કે મને એક મિત્રના રૂપમાં તું મળી.. એક વાત પૂછું તને..?'

રુહી હસતા હસતા કહેવા લાગી, ' હજુ શું બાકી રહ્યું છે.. પૂછી લે..'

' અદિતિ પણ હસવા લાગે છે અને કહે છે, ' તમારા લવમેરેજ છે કે અરેન્જમેરેજ?'

' લવ વિથ અરેન્જ... રુહી હસતા હસતા બોલી પડી.'

' એટલે..કઈ સમજાય તેવું બોલ'

' હું અને અનંત પહેલા એકબીજાને પ્રેમ કરતા હતા અને પછી મમ્મી પપ્પા એ લગ્ન કરાવી દીધા.' રુહી મોટી સ્માઈલ આપતા બોલી.

' અચ્છા, નસીબદાર છે તું. ' અદિતિ થોડી ઉદાસ થઈને બોલી.

રુહી તેની સામે જોઇને કહેવા લાગી ' કેમ વળી, તને કઈ બાબતનું દુઃખ છે..'

' દુઃખ તો નથી, પણ એક છોકરાને પ્રેમ કરતી હું. મારુ જીવન તેની સાથે જ વિતાવવાના સપના જોયા હતા. પણ બંનેના પરિવારે આ પ્રેમ ન સ્વીકાર્યો, માટે બંને એ જુદી જુદી જગ્યા એ પરિવારના કહેવા પર લગ્ન કરી લીધા.'

રુહી ઉદાસ થતા બોલી પડી, "સોરી.. મેં ખોટું આ બધું યાદ કરાવીને દુઃખી કરી તને."

' અરે, એમાં દુઃખ કઈ વાતનું થવાનું , જે થવાનું હતું એ થઈ ગયું. પ્રેમ વખતે મને તેની આદત હતી, હવે માત્ર પ્રેમ જ રહ્યો છે, એટલે દુઃખી નથી થતી હું.. તું આ બધું છોડ, તારી અને અનંતની પહેલી મુલાકાત વિશે તો કે મને..'

રુહી કઈ બોલતી નથી અને થોડું હસવા લાગે છે.

અદિતિ ફરી કહેવા લાગી, ' કેમ હસે છે તું, કેને..'

' અવનવા સવાલો છે તારા.. સાંભળ જો.. કોલેજનું પહેલું જ વર્ષ હતું મારુ, અને નવરાત્રીના દિવસો. ગરબાનો ખૂબ જ શોખ મને. પહેલું નોરતું હતું અને હું તૈયાર થઈને પહોંચી ગઈ. માં અંબેની આરતી કરી અને ગરબાની શરૂઆત થાય તે પહેલાં જ મારી નજર એક છોકરા પર પડી. એકદમ સીધો અને સાદો લાગતો હતો. ઓટલે બેઠો હતો, સૌ ગરબા રમવા માટે તેને બોલાવતા હતા, પણ તે ખૂબ જ શરમાતો હતો, અને આ બધું જ જોઈને હું હસી રહી હતી.'

અદિતિ હસવા લાગી અને બોલી પડી, ' આ જ અનંતભાઈ ને..?'

' રુહી હસતા હસતા હા કહે છે '

અદિતિ ફરી પૂછવા લાગી, ' પછી.. પછી શું થયું, આ શરમાળ છોકરા સાથે વાત કેવી રીતે થઈ તમારી..?'

રુહી ફરી ખુશ થતી થતી કહેવા લાગી, ' મને નામ તો નહોતું ખબર તેનું પણ હું જાણવા માંગતી હતી. ત્યાં જ તે ગરબા રમવા પહોંચ્યો અને માત્ર એક રાઉન્ડ પત્યા પછી તરત જ ફરી ઓટલે બેસી ગયો. મને તો તે દિવસથી જ માત્ર એ જ દેખાયા કરતો હતો. માતાજી પાસે તેનું નામ જાણવા બાબતે અને તેના વિશે વાત પણ કરવા લાગી. નવરાત્રીનો બીજો દિવસ હતો. તૈયાર થઈને બહાર આવીને સીધી તેને જ ગોતવા લાગી. પણ તે જોવા ન મળ્યો. નવરાત્રી પુરી થઈ ગઈ, છતાં તે એક દિવસ પણ ન દેખાણો.'

અદિતિ ફરી ચોંકીને કહેવા લાગી, ' પછી.. પછી ફરી કેવી રીતે મળ્યા.?'

રુહી ફરી કહેવા લાગી, ' નવરાત્રી તો પુરી થઈ ગઈ હતી, પણ તેના વિચારો મારા મનમાંથી જતા જ નહોતા. ક્યારેક તો મળશે જ એ રાહમાં હતી હું. એકદિવસ કોલેજ જતી વખતે રસ્તામાં એક પ્લે ગ્રાઉન્ડ આવે છે. ત્યાં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. મને ક્રિકેટમાં ખબર તો નહોતી પડતી, પણ બધા ફ્રેન્ડ્સને ત્યાં મેચ જોવા જવી હતી. કેમ કે ત્યાંની મેચ જોવા માટે ટોળાને ટોળા ત્યાં ઉભા રહેતા.

આમ બધા ફ્રેન્ડ્સની વાત માનીને હું પણ ત્યાં પહોંચી ગઈ. અને ત્યાં જ મેં ફરી એ છોકરાને જોયો. માત્ર તેને જ જોતી રહી. બીજા દિવસે પણ ત્યાં જ જવાની જીદ લઈ બેઠી, મારી બધી ફ્રેન્ડ્સને નવાઈ લાગતી હતી, પણ મને તો બસ ક્રિકેટમાં... ના... ક્રિકેટરમાં રસ જાગ્યો હતો. મેચ પુરી થઈ અને તેમની ટીમ જીતી હતી માટે તે ખૂબ ખુશ થતો થતો મારી પાસેથી જ પસાર થયો. ત્યાં જ તેના પોકેટમાંથી તેની બાઇકની ચાવી નીચે પડી ગઈ હતી, તે દેવા માટે હું તેની પાસે ગઈ. અને બસ ત્યારથી જ તેની સાથે પહેલી વખત મેં વાત કરી... આમ તેને મળવાનું રોજનું થઈ ગયું હતું, અને નંબર શેર કર્યા, અને ઘણી બધી વાતો થવા લાગી.'

' આ બધું જ ઠીક, પણ આટલી વાતમાં પ્રેમ પણ થઈ ગયો'. અદિતિ કન્ફ્યુઝ હોઈ તેવું મોં કરીને બોલી.

રુહી હસીને ફરી કહેવા લાગી, ' અરે ના.. વાત તો હું ફ્રેન્ડની જેમ જ કરતી હતી. ધીમે ધીમે તેની લાગણી, કેર, વિશ્વાસ, સ્વભાવ બધું જ મને બહુ ગમવા લાગ્યું. પછી મળવાનું થવા લાગ્યું અને એકબીજાની દુનિયા બની ગયા. પ્રેમની તો નહીં ખબર પણ ત્યારથી જ તે ગમવા લાગ્યો. અને હજુ એ જ ગમે છે.. રુહી ફરી શરમાતા શરમાતા હસવા લાગી.

અદિતિ હસતા હસતા કહેવા લાગી, ' અરે અરે મહારાણી, સમજી ગઈ તમારી પ્રેમકથા.'

રુહી પણ હસવા લાગે છે. આમ જ અદિતિ અને રુહી બેસીને તેના સુખ દુઃખની વાતો કર્યા કરતી. આમ પણ જીવનમાં એક ઇષ્ટ મિત્ર રાખવો જ જોઈએ. જ્યાં બેસીને આપણે મન હળવું કરી શકીએ, જેના ખભે રડી શકીએ, જેને બધી જ વાત કહી શકીએ. આમ રુહી અને અદિતિનો સબંધ પણ કંઈક આવો જ હતો. અદિતિ આમ તો જોબ કરતી હતી, પણ મકાન બદલ્યા બાદ એક મહિનો ઘરે જ રહી હતી અને ફરી જોબ સ્ટાર્ટ કરી હતી.

























5.

આમને આમ જ દિવસો પસાર થવા લાગ્યા. રુહી ભણેલી હતી, અને એકલા ઘરે બેસી રહેવું તેના કરતાં કઈ જોબ કરે તો સારું રહે, અનંતને પણ ઘણી મદદ થાય. આવું વિચારીને એક દિવસ અચાનક જ તે અનંતને કહેવા લાગે છે,

' અનંત, તને નથી લાગતું મારે પણ કઈ સારી એવી જોબ કરવી જોઈએ, આખો દિવસ આમ પણ હું ફ્રી જ હોવ છું... જોબ કરીશ તો તને પણ ઘણો ટેકો આપી શકીશ.'

અનંત અચાનક જ બેઠો થઈને કહેવા લાગ્યો, ' શું જરૂર છે જોબની.. હું એક તો જાવ જ છું.. જરૂર નથી તો કારણ વિના શુ કામ .. તું સમજે છે ને હું શું કહેવા માગું છું.'

' હા અનંત, પણ આખો દિવસ આમ પણ હું ઘરે જ હોવ છું, જરૂર નથી પણ બહાર નિકળીશ તો નવું નવું જાણી શકીશ, શીખી શકીશ.'

અનંત કઈ જ બોલતો નથી. અને રુહી સામે જોયા કરે છે. રુહી તેને ફરી પૂછે છે..

' પ્લીઝ, માની જા.. મને ખબર છે તને મારી ચિંતા છે, એટલે તું કઈ નથી કહેતો.'

અનંત ફરી થોડી વાર માટે રુહીને જોતો જ રહે છે.. અને થોડી વાર રહીને કહે છે,.. ' સારું ત્યારે, મારી બેન્કમાં હમણાં જ નવો સ્ટાફ આવ્યો, નહીતો ત્યાં જ તને લઈ જાત... અને સાંભળ, તને કઈ જ ન થવું જોઈએ બસ..'

રુહી હસતા હસતા કહેવા લાગી, ' તું છે ને, અનંતના હોવા છતાં આ રુહીને કઈ થાય.. તું ચિંતા ન કર, હું તને જોબનું પ્લેસ, અને ટાઈમ બંને ઇન્ફોર્મ કર્યા બાદ જ જોબ જોઈન કરીશ.'

' ઓકે મિસ, હવે સુઈ જશો તમે.?'

રુહી હસતા હસતા સુઈ જાય છે, બીજા જ દિવસે પેપર વાંચતી વખતે નોકરી માટેનું પેજ ખોલીને તેમાં એક સારી નોકરી હતી, તે જોઈને ત્યાં કોલ કરીને મળવા જવાનું નક્કી કરે છે. તે એક કોલ સેન્ટર હતું. ત્યાંના સર સાથે વાત કરીને ત્યાં જ નોકરી માટે આવવાનું નક્કી કરે છે. આ નોકરી તો રુહી માટે નવી જ હતી. સાંજે અનંતને નોકરીના સ્થળ અને સમય વિશેની વાત કરે છે. સમય બંનેને ફાવે તેમ જ હતો અને સ્થળ પણ અનંત માટે જાણીતું જ હતું, માટે તે રુહીને નોકરીએ જવા બાબતે કઈ જ કહેતો નથી.

બીજા દિવસે બંને તૈયાર થયા, અને અનંત અને રુહી બંને તેના નોકરીના સ્થળે પહોંચ્યા. રુહી માટે નોકરીનો પહેલો દિવસ હતો, તેને બધું જ નવું નવું લાગતું હતું. તેને થોડા દિવસ માટે એક અનુભવી સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવવાની હતી. માટે રુહી તે મેમ પાસે પહોંચે છે. રુહી હોશિયાર હતી, કોલિંગનું કામ તે માત્ર બે ત્રણ દિવસમાં જ શીખી ગઈ. રુહીને પણ પછી આ કામ ફાવી ગયું હતું, અને ત્યાં સ્ટાફ પણ બહુ સારો લાગતો. માટે તેને અહીં ગમતું હતું. આમ આ જોબને એક મહિનો પૂરો થવા આવ્યો હતો, રુહી નોકરી પર જતી અને ઘરે પણ જલ્દી જ આવી જતી, અને અનંત માટે રસોઈ બનાવીને તેની વાટ જોતી.

એકદિવસ અચાનક જ તે જ્યાં નોકરી પર જતી હતી ત્યાંનો સ્ટાફ કંઈક વાતો કરતા હતા, અને જે રુહી સાંભળી જાય છે, અને જાણવા મળે છે કે તે કંપનીનું બધું કામ ફ્રોડ થઈ રહ્યું હતું. માત્ર પૈસા માટે તેઓ કોલિંગ કરાવતા અને યોગ્ય સેવા ન આપતા.

આ જાણ થતાં જ તે દિવસે જ તે નોકરી પર ના કહીને ઘરે આવતી રહે છે અને અનંતને બધી જ જાણ કરતા કહે છે,

' અનંત, સારું થયું મેં જલ્દી જ આ કંપનીનું કારનામું જાણી લીધું, નહીતો હેરાન થઈ જાત..'

અનંત તેનો હાથ પકડીને કહે છે, ' સમજદાર પત્ની છે મારી, મેં તો પહેલા જ કહ્યું હતું, નોકરીની શું જરૂર છે, પણ તું ન માની.'

રુહી ઉદાસ થઈને બેસી ગઈ. અને અનંત ફરી કહેવા લાગ્યો,

' તને ખબર છે તને ચિત્ર બનાવતા સુંદર આવડે છે, તું ડ્રોઈંગ ટીચર તરીકેની જ જોબ ગોત ને, આમ પણ તને જેમાં રસ છે એ કરે તો વધુ સારું રહે.'

રુહી ખુશ થઈને અનંતને ભેટી પડે છે, અને નાના બાળકની જેમ કુદીને કહે છે, ' વાહ અનંતજી, આ વિચાર તો મને આવ્યો જ નહીં..'

આમ બંને આને લગતી ઓનલાઈન કોઈ જોબ મળે તે ગોતવા લાગે છે, અને ત્યાં જ બીજા દિવસે ડ્રોઈંગ ટીચર તરીકેની બપોરના એક વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીના સમયની એ જોબ પર જવાનું નક્કી કરે છે. આમ રુહી ફરી ખુશ હતી, અને અનંત પણ રુહીને પૂરેપુરી સ્વતંત્રતા આપતો હતો.

આમ રુહી જે કલાસમાં જતી હતી, ત્યાં બધા જ તેનું બહુ માન જાળવતા, અને સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ આદર કરતા. આમને આમ જ રુહીને આ જોબને એક મહિનો થઈ ગયો. અચાનક એક દિવસ તેના કલાસમાં ત્યાં છેલ્લી બેન્ચ પર બેસેલી, રડી રડીને આંખો લાલ થઈ ગયેલી છોકરીને જુએ છે. રુહી તરત જ તેની પાસે પહોંચે છે, અને પૂછવા લાગી,

' તને આ કલાસમાં ફાવે તો છે ને, નથી ગમતું તો કહી દેજે..'

એ છોકરી કઈ જ બોલતી નથી અને માત્ર માથું હલાવીને હા કહે છે. રુહીને કંઈક તો ગડબડ લાગતી જ હતી માટે તે તેને બહાર લઈ જાય છે, અને ત્યાં પૂછે છે,

' સાંભળ , તને કંઈક તો થયું જ છે, હું એક મહિનાથી તને ખુશ જોવ છું, પણ આજે તું કંઈક ગંભીર ચિંતામાં લાગે છે મને, તું કંઈક પ્રોબ્લેમ હોય તો શેર કરી શકે છે મને..'

રુહીની વાત કરવાની રીત જ એવી હતી કે કોઈ તેનાથી ગુસ્સે ન થતું, અને પોતાનું સમજી લેતું. આમ એ છોકરી પણ રુહીને રડતા રડતા કહેવા લાગી,

' મારુ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે, અને તેમાં હું મારા પીક્સ પણ શેર કરું છું, પણ છેલ્લા બે દિવસથી એક છોકરીના નામની આઈ.ડી. જેની સાથે મેં છોકરી સમજીને જ ઘણી વાતો કરી હતી, પરંતુ પછી બહુ વાત ન કરતી હું, અને મને જાણ થઈ કે તે ફેક આઈ.ડી. છે એટલે મેં વાત કરવાની જ ના કહી દીધી. પરંતુ તે છોકરો મારા સાથે ઝઘડો કરવા લાગ્યો, અને ગંદા શબ્દો બોલવા લાગ્યો, એટલે મેં પણ સામું કહી દીધું. અને આજે તેને મારી એ તસવીરોનો મિસ યુઝ કર્યો અને અવારનવાર કમેન્ટ્સ લખીને એ શેર કરી રહ્યો છે. મેં કહ્યા છતાં તે માનતો નથી, હવે મારે શું કરવું એ જ નથી સમજાતું મને..'

રુહી થોડી વાર માટે વિચારે છે, અને તે છોકરાને રસ્તે લાવવાનું વિચારી લે છે. અને કલાસ પત્યા પછી આ છોકરીને તેની પાસે બોલાવે છે અને એ છોકરાની આઈ.ડી. તપાસે છે, અને પોતાના એકાઉન્ટમાંથી જ તેને મેસેજ કરે છે, થોડી વાત કરે છે, અને તેને મળવા માટે બોલાવે છે, છોકરો પણ આજ બધું ઇચ્છતો હતો, કલાસ પરથી અનંતને ફોન કરીને થોડું મોડું થશે એમ કહી તે પેલી છોકરીને લઈને જ્યાં છોકરો મળવા આવવાનો હતો ત્યાં પહોંચી ગયા. અને ત્યાં જ તે બેઠો હતો ત્યાં તેની પાસે જઈને રુહી કહેવા લાગી,


' આને ઓળખે છે ને, આના ફોટો જેટલા પણ શેર કર્યા છે તે અત્યારે જ ડીલીટ કરી દે'

છોકરો હસવા લાગે છે, પણ રુહી આ બાબતે તો ખૂબ જ સમજદાર હતી. માટે ફરી કહેવા લાગી,

' તને ખબર છે છોકરીઓની તાકાત શું હોય છે, ડીલીટ કરે છે કે તારી આ આઈ.ડી. પોલીસ સુધી પહોંચાડી દવ, અને એ તને વધાવવા માટે સ્પેશ્યલ તારા ઘર સુધી પણ આવી જશે, વાત મોટી થશે. આ બધું ન ઇચ્છતો હોય તો અત્યારે જ આના ગંદા કમેન્ટ વાળા જે ફોટા શેર કર્યા છે તે ડીલીટ કરી દે..'

એ કઈ જ બોલ્યા વિના ડીલીટ કરીને તે રુહીને બતાવ્યા પછી ત્યાંથી જતો રહ્યો પછી રુહી તરત જ એ છોકરીને કહેવા લાગી,

' મને ખબર છે આ સોશિયલ મીડિયાનો યુગ છે, આ બધું જ યુઝ કરવાનું, પરંતુ ધ્યાન રાખીને. ગમે તેની સાથે અચાનક આટલી બધી વાત નહીં કરવાની, અત્યારના સમયમાં આવા જ બેઠા છે, અને આવી કોઈ ચિંતા હોઈ તો પહેલા ઘરે વાત કરી દેવાની, કોઈને કહ્યા વિના રડ્યા કરે તો એ સમસ્યા ક્યારેય પુરી ન થાય. છોકરી છો, આઝાદી પણ મળી છે તો તેનો સરખો ઉપયોગ કરવો એ તો આપણી ફરજ છે ને. સમજુ છું તારો કોઈ જ વાંક નથી, પણ ચેતીને રહેવું ખૂબ જ જરૂરી છે, પહેલા જ ચેતીને રહેવાનું, એટલે ફરી પસ્તાવાનો સમય જ ન આવે.'

એ છોકરી કઈ જ કહ્યા વિના રુહીને ભેટી પડે છે, પછી બંને ઘરે પહોંચે છે, રુહી ઘરે આવતી વખતે ડરતી હતી, કેમ કે આજે તેને ઘરે આવવામાં ઘણું મોડું થયું હતું. ઘરે પહોંચી અને અનંત કઈ પણ બોલે તે પહેલાં જ તે આ વાત કહેવા જતી હતી ત્યાં જ અનંત બોલી ઉઠ્યો,

' બસ, ચૂપ. મારે કઈ જ નથી સાંભળવું તારું, જમવાનું બનાવ પછી મારે સૂવું છે.'

રુહી તરત જ જમવાનું બનાવે છે, આજે અનંત પહેલી વાર આવી રીતે બોલ્યો હતો, રુહી સાથે જમવા બેસે છે, પણ કઈ જ બોલતો નથી, અને તરત જ જમીને તેના રૂમમાં સુઈ જાય છે.'

રુહી કામ નિપટાવીને તરત અનંત પાસે પહોંચે છે અને કહે છે,
' અનંત સાંભળ, પેલા સાંભળી લે પછી ગુસ્સો કરજે બસ.'

અનંત કઈ જ બોલતો નથી. અને રુહી તો પણ તેને આ બધી જ વાત કરે છે, આ સાંભળતા જ અનંત બેઠો થઈને રુહીને સોરી કહેવા લાગે છે..

રુહીથી બધું જ સહન થતું પણ અનંતનું સોરી નહીં, તેને જોઈને જ રુહી હસતા હસતા કહે છે, ' આમ તારો કોઈ જ વાંક નથી, તું ખૂબ જ પ્રેમ અને ચિંતા કરે છે મારી, મને મારા બેસ્ટ પતિ મળ્યા છે'

આમ બંને ફરી ખુશ થતા થતા રહેવા લાગે છે. આજ તેમની જિંદગી હતી. અને બંને એકબીજાની આ જ જિંદગીથી ખૂબ જ ખુશ હતા. જિંદગી શબ્દ જ સહેલો છે, જીવીએ ત્યારે જ જાણ થાય કે આ શબ્દ પાછળ કેટલું છુપાયેલું છે.

રુહી અને અનંત બંને જાણે આ શબ્દને સમજી ગયા હતા. તેમના ઘરે હવે અનંત અને રુહી જ હતા, રુહીના મમ્મી ઘણી વખત તેને મળવા આવતા. આમ હવે એકસમયે કોલેજમાં અભ્યાસ કરતી સાદી અને સિમ્પલ છોકરીમાં હવે ઘણા બદલાવ આવી ગયા હતા. અનંત સાથે તે ખૂબ જ ખુશ હતી. અનંત પણ તેને ખૂબ જ સાચવતો. રુહી તેને તેના જીવ કરતા પણ વધુ વ્હાલી હતી. રુહીએ પણ ઘણા સપનાઓને ત્યજી દીધા હતા. અને અનંતને જ તેની દુનિયા બનાવી લીધી હતી.

એકદિવસ અચાનક જ સવારના સાડા ચાર વાગ્યે રુહીને અચાનક જ પેટમાં દુખાવો થવા લાગ્યો , આમ તો રુહી ઘણું સહન કરી લેતી પણ આ વખતે તેને કંઈક અજીબ જ ફિલ થઈ રહ્યું હતું. થોડી વાર બેસે અને વળી પાછી સુવે. ફરી દુખાવો થતા બેઠી થઈ અને હવે દુખાવો તેના માટે અસહ્ય થઈ રહ્યો હતો માટે તે તરત જ અનંતને ઉઠાડે છે, અનંત જાગીને તરત જ તેને તેના ઘરની નજીકના ક્લિનિક સુધી પહોંચાડે છે. ડોક્ટર તપાસ કરે છે, અને રિપોર્ટ મુજબ જાણવા મળે છે કે, હવે અનંત અને રુહીની દુનિયામાં એક નવું વ્યક્તિ આવવાનું છે, રુહીને પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે. અને દુખાવો બંધ થવાનું ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત સારી રહેતા તે તરત બહાર આવે છે, ત્યાં જ અનંત ગભરાતો તેની નજીક આવીને પૂછવા લાગે છે, '

' શું થયું તને રુહી, અને આરામ કરવાના બદલે બહાર કેમ આવતી રહી..?'

રુહી થોડું હસીને કહેવા લાગી, ' અનંતજી હવે ગભરાઓ નહીં, તમે પપ્પા અને તમારી રુહી હવે માં બનવાની છે..'

બંને ખુશ થતા થતા ઘરે પહોંચે છે, અનંત તરત જ રુહીના મમ્મીને આ જાણ કરે છે. પછી અનંત રુહીને કહેવા લાગે છે..

' રુહી, હવે જોબ મુકવી જ પડશે તને, અને હવે ઘરે જ આરામ કરવાનો છે.'

રુહી કહેવા લાગી, ' ઓકે, આ મહિનો પૂરો થવામાં હવે એક જ અઠવાડિયાની વાર છે, ત્યાં સુધી જઈશ અને પછી ના કહી દઈશ.'

અનંત ફરી કહેવા લાગ્યો, ' અરે, આજથી જ ના કહી દે ને..'

રુહી તેને સમજાવતી કહેવા લાગી, ' તું સમજ, મને કંઈ જ નહીં થાય. હવે કઈ જ બોલતો નહિ અને થોડી વાર સુઈ જા, આમ પણ આજે ઊંઘ બગડી છે અને હમણાં બેન્ક જવાનો સમય પણ થઈ જશે.'

અનંત ઓકે કહીને થોડી વાર સુઈ જાય છે. અને રુહી પણ ખૂબ જ ખુશ હતી. અને તેને તો માત્ર તેના આવનારા બાળકના જ વિચારો આવવા લાગ્યા હતા. ખૂબ જ ખુશ હતી તે આજે. રુહી હવે છોકરી અને યુવતીમાંથી એક માં બનવાની હતી. આમ વિચારતી વિચારતી તે સૂતી નથી. અને અનંતને બેન્ક પર જવાનો સમય થતા તેને જગાડીને તેના માટે ચા નાસ્તો બનાવે છે. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. અને બંને રોજે તેમના બાળકના વિચારો કર્યા કરતા. બંને ખૂબ જ ખુશ હતા. તેમના ઘરે હવે પારણું બંધાવાનું હતું. કિલકીલાટ થવાની હતી, ફરી કંઈક નવી જ દુનિયા બનવાની હતી.

6.






એક અઠવાડિયું પૂરું થયું અને રુહી હવે ઘરે જ રહેતી હતી. પ્રેગનેન્સીના ત્રણ મહિના પુરા થવા આવ્યા હતા. અને અનંત તેનું ખૂબ જ ધ્યાન રાખતો. ઘણી વાર સવારમાં રુહીને વોમીટ જેવું થતું તો અનંત તેની પાસે જ ઉભો રહેતો. ઘણી વખત તો રુહીને રસોઈ બનાવવામાં પણ મદદ કરતો. ઘરના બધા જ કામમાં પણ મદદ કરતો. અને દરરોજ બેન્ક પરથી આવીને જમ્યા બાદ રુહી સાથે બેસીને મીઠી મીઠી વાતો કર્યા કરતો. યોગ્ય સમયે ચેકઅપ માટે લઈ જતો. બેન્ક પરથી પણ જલ્દી જ કામ પતાવીને અનંત વહેલા ઘરે આવતો રહેતો. જેથી રુહીને એ બધા કામમાં મદદ કરી શકે અને રુહી સાથે સમય વિતાવી શકે. અને ઘરે આવ્યા બાદ જમીને બંને અવનવી તેમની જૂની વાતો યાદ કર્યા કરતા અને ફરી ખુશ થઈ જતા.

એકદિવસ અનંતને બેન્ક પર થોડું વધુ કામ હતું માટે તે રુહીની સાથે ચેકઅપ કરાવવા આવી શકે તેમ નહોતો. માટે રુહી અદિતિ સાથે જ ત્યાં હોસ્પિટલ મહિને રૂટિન જે ચેકઅપ થતું તે કરાવવા માટે પહોંચી. તપાસ બાદ બધું જ યોગ્ય હતું અને રુહી અને અદિતિ બંને હોસ્પિટલમાંથી બહાર નીકળતા હતા.. ત્યાં જ બહાર ગેટ પાસે અચાનક જ રુહીની નજર એક ગોળમટોળ , ચમકદાર મોં વાળા છોકરા પર પડે છે. અને તેની નજર પણ રુહી પર જાય છે અને બંને ખૂબ ખુશ થઈને વાતો કરવા લાગે છે, અદિતિને કઈ જ સમજાતું નહોતું માટે તે કઈ બોલતી નથી. રુહી ઘણા વર્ષો બાદ આ છોકરાને મળી હતી, અને એ હતો ધ્રુવ. કોલેજમાં રુહીની સાથે ભણતો અને રુહીની કવિતા સાંભળીને તેને રુહી ગમી ગઈ હતી. બંને આટલા બધા વર્ષો પછી મળ્યા હતા, માટે ઘણી વાતો કરે છે અને પછી રુહી અદિતિ સાથે ઘરે આવતી રહે છે.

તે દિવસે અનંત ઘરે આવ્યો અને ખૂબ જ ઉદાસ હતો. રુહી તેને જોઈને પૂછવા લાગી,

' કેમ આજે સાહેબ ઉદાસ છે, કઈ થયું છે તને અનંત..?'

અનંત રુહી તરફ જોઈને કહેવા લાગ્યો, ' રુહી, એક બહુ મોટો પ્રોબ્લેમ છે, મારી બેંકમાં હવે મને સરકારી નોકરી લાગી ગઈ છે.'

રુહી ખુશ થતા થતા અનંતને ભેટી પડે છે અને કહેવા લાગી, ' સરકારી નોકરી, તને જેની રાહ હતી એ જ થયું તો પણ કેમ ઉદાસ છે..?'

અનંત રુહીનો હાથ પકડીને કહેવા લાગ્યો, ' તારી બધી જ વાત બરાબર છે પણ હવે આપણે આ ઘર છોડવું પડશે. મારી નોકરીનું સ્થળ બદલ્યું છે હવે, દિલ્હી નજીકની એક બ્રાન્ચમાં નોકરી લાગી છે મને, હું તને હેરાન કરવા નથી માંગતો, મને એ જ નથી સમજાતું કે હવે શું કરવું .'

રુહી સાંભળતા જ થોડી વાર ચૂપ થઈ જાય છે અને થોડી વાર બાદ કહેવા લાગી, ' કઈ વાંધો નહીં, આપણે ત્યાં શિફ્ટ થઈ જઈશું, અને મને કંઈ જ નહીં થાય, તું ચિંતા ન કરતો. આજે જ હું મમ્મીને વાત કરી લઈશ અને સામાન પણ પેક કરી લઈશું.'

આમ બંને હવે આ ઘરથી દૂર જવાના હતા, રુહી અદિતિને આ વાત કરે છે અને તે રુહીને આંખમાં આંસુની સાથે ભેટી પડે છે. અનંતને પણ આ બાળપણની યાદો, અને તેના માતાપિતાની ઘણી યાદો જે આ ઘર સાથે જોડાયેલી હતી, તેનાથી દૂર જવાનું હતું. બંને બધી જ વ્યવસ્થા કરીને વાહન બાંધી બધો જ સામાન ત્યાં બીજા સ્થળે પહોંચાડી દે છે. અને તે બંને ટ્રેન દ્વારા ત્યાં પહોંચવા માટે નીકળે છે. અનંતને રુહીની ખૂબ ચિંતા થતી હતી, મુસાફરી દરમિયાન તે રુહીનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. થોડી વાર સ્ટેશન પર ટ્રેન ઉભી રહી, અનંત રુહી માટે કંઈક નાસ્તો લેવા નીચે ઉતર્યો અને રુહી ત્યાં જ બેઠી હતી. થોડા સમય બાદ બંને તેના નવા ઘરે પહોંચી ગયા. સામાન ગોઠવ્યો. બંને માટે આ સ્થળ અને ત્યાંના લોકો એમ બધું જ નવું હતું. અનંત બીજા દિવસથી જ બેન્ક જવા લાગ્યો, અનંત માટે પણ સ્ટાફ અને ત્યાંના લોકો નવા જ હતા. તે બેન્ક જતો અને સાંજે આવીને રુહી સાથે બધી જ વાતો કરતો. રુહી પણ હવે આ ઘરમાં આખો દિવસ એકલી જ હોય, ક્યારેક તેની ફ્રેન્ડ અદિતિ યાદ આવતા તેની સાથે ફોનમાં વાત કરતી અને ખુશ થઈ જતી. અનંત હવે ઘણું બધું કમાવા લાગ્યો હતો, અને આવનાર બાળકનો ઉછેર ખૂબ જ સારી રીતે કરી શકે એટલે કામમાં પણ એ ખૂબ જ મહેનત કરતો. રુહી પણ પોતાની ખૂબ જ સંભાળ રાખતી, અને ત્યાં નજીક જ એક હોસ્પિટલમાં ફરી ફાઇલ કઢાવીને ત્યાં જ ચેકઅપ કરાવવા જતી.

દિવસો આમને આમ જ પસાર થવા લાગ્યા, રુહી અને અનંત એક દિવસ સાંજે વાત કરતા હોય છે, અને રુહી અનંતને કહેતી હોય છે..

' અનંત, આપણે આપણા બાળકનું નામ શું રાખીશું ..??'

અનંત હસતા હસતા કહેવા લાગ્યો, ' પણ આપણા ઘરે લક્ષ્મી આવશે કે મારા જેવું પાગલ બાવ.. આ બધું તું ન વિચાર. અને શાંતિથી આરામ કર.

આમ બંને ઘણી વાતો કર્યા કરતા, અને જીવન પસાર કરતા. રુહીને સાત મહિના પુરા થયા હતા, અને તેના મમ્મી તેને ત્યાં આવવાનું કહેતા પણ રુહી તેમને હેરાન કરવા નહોતી માંગતી માટે કામવાળા માસી છે એમ કહીને તેમને મનાવ્યાં હતા. સાત મહિના થયા અને સોનોગ્રાફી માટે બંને પહોંચ્યા. રિપોર્ટ મુજબ બાળક અને રુહી બંનેની તબિયત ખૂબ જ સારી હતી. અને હવે ઘણી કાળજી પણ રાખવાની હતી. અનંત રુહી માટે રોજે રાત્રે દૂધનો ગ્લાસ તૈયાર કરતો અને રુહીને ગમે તેમ કરીને દૂધ પીવડાવતો. બેન્ક જતા નિયમિત દવા યાદ કરાવતો, બપોરે બેન્ક પરથી કોલ કે મેસેજ કરીને દવા લીધી કે નહીં પૂછ્યા કરતો. અને રાત્રે પણ યોગ્ય સમયે નિયમિત દવા લેવાની હતી તે લઈને રુહી પાસે પહોંચી જતો. ફરી દિવસ ઉગતા તે દરેક કામ કરાવીને બેન્ક પહોંચી જતો. રુહીને તે એક પણ કામ ન કરવા દેતો. તેને કપડાંથી માંડીને દૂધ, ઘરની કોઈ વસ્તુ બધા માટે જ વ્યવસ્થા કરી આપી હતી. રુહી ઘરે રહેતી અને પુસ્તકો વાંચ્યા કરતી. આમને આમ જ વધુ એક મહિનો પસાર થઈ ગયો હતો. બંનેના ઘરે પારણું બંધાવાને હવે થોડા જ દિવસો બાકી હતા. બંને ખૂબ જ ખુશ હતા. અનંતે તેના આવનાર બાળક માટેની બધી જ વ્યવસ્થા પણ કરી દીધી હતી. ઘણા બધા રમકડાઓ, અને કપડાઓ તેણે અગાવથી જ લાવી મુક્યા હતા.

એક દિવસ બપોરના બે વાગ્યે કોઈકે દરવાજો ખખડાવ્યો, રુહીએ જઈને જોયું તો અનંત જ હતો. તે બેન્કથી આજે જલ્દી જ ઘરે આવી ગયો. તેને જોઈને રુહી તરત જ ગભરાવા લાગી. ઘેરાતી આંખો, ખૂબ જ થાક લાગ્યો હોય તેવો ચહેરો અને સરખું ચાલી પણ નહોતો શકતો. રુહી અનંતને અંદર લઈ ગઈ અને ડોક્ટરને ઘરે જ બોલાવી લીધા. તપાસ કરતા વધુ ચિંતાને લીધે અને બીપી લો થવાને લીધે આ બધું થયું હતું. દવા આપી, અને થોડા દિવસ ઘરે જ આરામ કરવાનું કહ્યું. અનંતએ પણ બેન્કેથી થોડા દિવસની રજા લઈ લીધી. આજસુધી અનંતને ક્યારેય આવું નહોતું થયું. તે દિવસે રાત્રે જમ્યા બાદ રુહી તો સુઈ ગઈ હતી પરંતુ અનંતને પગ ખૂબ જ ભારે ભારે લાગતા હતા, અને ઊંઘ આવતી જ નહોતી. થોડી વાર બહાર જાય , થોડું ચાલે અને ફરી સુવાની કોશિશ કરે, છતાં પણ આખી રાત તે જાગ્યો. આવુંને આવું સતત બે દિવસ ચાલ્યું, અને પછી ફરી તે ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટરે દવા લખી આપી અને તે દિવસે એ દવા લઈને અનંતને ખૂબ જ ઘેન ચડતું હતું. અને તે બપોરના અગિયાર વાગ્યે ઉઠ્યો. રુહી તેને જોઈને હસવા લાગી અને કહેવા લાગી..

' કેટલા દિવસની ઊંઘ સાથે ખેંચી લીધી.. જા જલ્દી નાહિલે અને ચા નાસ્તો કરી લે.' અનંત હસતો હસતો જતો રહે છે. આમ બીજા દિવસે પણ રાત્રે આ દવા અનંતએ લીધી.

રાતના દોઢ વાગ્યા હતા, બહાર નીરવ શાંતિ હતી. અનંત ઘસઘસાટ ઊંઘતો હતો. ઘડિયાળના કાંટાનો અવાજ ધીમો ધીમો સંભળાઈ રહ્યો હતો, ત્યાં અચાનક જ રુહીને ખૂબ જ દુખાવો શરૂ થયો. તેણે તરત જ અનંતને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ તેને દવાનું ઘેન એટલું બધું ચડ્યું હતું કે તે હલ્યો જ નહીં. રુહીથી જરાક પણ નહોતું રહેવાતું. તે તરત જ જ્યાં રહેતા હતા ત્યાં લથડતા લથડતા બાજુના ઘરે પહોંચી અને ત્યાં દરવાજા પાસે પહોંચીને ત્યાં જ બેસી ગઈ. બેઠા બેઠા જ દરવાજો ખખડાવ્યો અને ત્યાં જ અંદરથી એક આધેડ વયના માસી આવ્યા અને તેને જોઈને બધું જ સમજી ગયા. રુહી કઈ જ બોલી શકતી નહોતી, તે માસી તરત જ તેના પતિને ઉઠાડીને રુહીને હોસ્પિટલ પહોંચાડે છે, ત્યાં રુહીને સીધી જ અંદર લઈ જવામાં આવી, અને થોડી વાર થઈ ત્યાં જ બહાર બાળકના રડવાનો અવાજ સંભળાયો. રાતના બરાબર બે વાગ્યા હતા. માસી ખૂબ જ ખુશ થયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. બીજી તરફ અનંતની અચાનક જ ઊંઘ ઉડતા તે બેઠો થઈ ગયો અને રુહીને આમ તેમ ગોતવા લાગ્યો.

ત્યાં જ બાજુમાં રહેતા કાકા અનંત પાસે પહોંચ્યા અને કઈ પણ કહ્યા વિના તે અનંતને રુહી પાસે હોસ્પિટલ લઈ ગયા. રુહીને ત્યાં જ જનરલ વૉર્ડમાં શિફ્ટ કરાઈ હતી. ત્યાં તરત જ અનંત પહોંચે છે અને રુહીને જુએ છે. રુહી સૂતી હતી અને ત્યાં તેની બાજુમાં જ એક ફૂલ જેવી તેની દીકરી. અનંત બંનેને જોતા જ ખુશ થતો થતો તરત જ તેની બેબીને હાથમાં લઈ લે છે, આંખોમાં હરખના આંસુ અને પ્રેમાળ હૃદય સાથે તે તેની બાળકીને જ જોયા કરે છે. આમ થોડી વાર બાદ રુહીની તબિયત સારી થતા તેને જલ્દી જ ડિસ્ચાર્જ કરવામાં આવે છે. અને રુહી અને અનંત બંને ખુશ થતા થતા અને બાજુવાળા માસી અને તેમના પતિનો આભાર માનતા માનતા ઘરે પહોંચે છે. બંને આજે ખૂબ જ ખુશ હતા. અને અનંત ખુશ થતો થતો તેની રુહી અને બેબી .. તેની સંપૂર્ણ દુનિયા.. પાસે બેસીને રુહીને કહેવા લાગ્યો..

' રુહી , મારી ફૂલ જેવી દીકરી નું નામ તે વિચાર્યું છે.? '

રુહી હસતા હસતા કહેવા લાગી, ' હું છોકરી હતી ત્યારથી લઈને આજસુધી એક દીકરીની માં બનું એ જ મારું સપનું હતું, અને આજે એ પૂરું થયું. અને નામ તો મેં ઘણા સમયથી વિચારી પણ લીધું છે.

અનંત ઉત્સુક થતા થતા નામ પૂછવા લાગ્યો, ' જલ્દી કેને મને નામ ,..'

અને રુહીએ ખુશ થતા થતા કહ્યું કે, ' સાંભળ, રુહી અને અનંતની દીકરી છે, તો મેં એક બહુ જ મસ્ત નામ વિચાયું છે... નહીં એ જ નામ આજથી રાખી પણ દીધું.'

અનંત ફરી ખૂબ જ ઉત્સુક થતા થતા કહેવા લાગ્યો, ' રુહી તું જલ્દી નામ કે મને..'

રુહી ખુશ થતા થતા બોલી, ' અંતરા. રુહી અને અનંતની હવેની એકમાત્ર દુનિયા આપણી અંતરા. બંને ખૂબ જ ખુશ થતા થતા તેની નવી જ દુનિયા.... અંતરાને જોવા લાગ્યા.

.. સમાપ્ત ..

..ખૂબ ખૂબ આભાર..

હું અંકિતા પટેલ (ખોખર). અપેક્ષાઓને બદલે ઘણી આશાઓ અને સપનાઓ સાથે જીવું છું. કોઈ શબ્દ કે મારા વિચારના લીધે મારા વાચકમિત્રોની લાગણીઓને ઠેસ પહોંચી હોઈ તો દિલથી માફી ચાહું છું. માત્ર વધુ સારું લખી શકું તેવા આશીર્વાદ ઈચ્છું છું. મારા વિચારોને કેદ કર્યા વિના હંમેશા તમારા સુધી પહોંચાડતી રહીશ... જય હિન્દ..જય ભારત.