Itasha books and stories free download online pdf in Gujarati

ઈતાશા

બળતી બપોરે ચાની દુકાન પર હાથમાં ચાનો કપ લઈને બેઠેલી છોકરી જાણે તેની સપનાની સૌથી જુદી દુનિયામાં ખોlવાયેલ હોય તેમ બેઠી હતી. અજાણ્યું ગામ, અજાણ્યા લોકો અને અજાણી બની ગયેલ આ છોકરી થોડી વાર ત્યાં જ બેઠી હતી. આજ સુધી સૌથી વધુ હેરાન અને સહન કરી રહેલા એવા મધ્યમ વર્ગીય ઘરમાં ઉછેર થયેલો પરંતુ સમજતી નહોતી દુનિયાને એટલે કદાચ હવે જિંદગીભર દુનિયાને સમજવા ઘર મૂકી નીકળી હતી. ઈદના ચાંદ જેવું મુખડું, તારા જેમ ટમટમે તેમ આંખોના પલકારા ઝબકાવતી અને શાંતિ ભર્યો સ્વભાવ ધરાવતી ઈતાશા.



સાદું આછા પીળા રંગનું ટિશર્ટ , કાળા રંગનું જિન્સનું પેન્ટ પહેરેલું, આંખો નાની, સૌથી વધુ આકર્ષક કરતું આંખમાં આંજેલુ કાજલ, પગમાં સાદી ચંપલ હતી અને ખભે એક થેલો હતો. ચા પુરી થઈ અને સફર શરૂ થઈ. બપોરનો તડકો ખૂબ હતો. ચાની દુકાનની આગળ જ નદી છે એવું જાણવા મળતા રણમાં જાણે ઠંડા પાણીનું માટલું મળી રહ્યું હોય તેમ ઈતાશા ત્યાં જવા નીકળી પડી. રસ્તામાં ઢોરો રખડતા હતા, ને અમુક લોકો નીકળી રહ્યા હતા. ઈતાશા નદી પાસે પહોંચી, ખભે રાખેલ થેલો બાજુ પર મુક્યો અને થોડી વાર ત્યાં જ ઓટલે પાણીને નિહારતી બેઠી રહી. મનમાં જાણે વિચારોનું વંટોળ આવી રહ્યું હોય તેમ વિચારો આવતા હતા. ઘણા સવાલો હતા મનમાં અને એક સવાલ જે મનમાં ઘર કરીને બેઠો હતો.. એ સવાલ હતો, " હું દુનિયાને જાણી શકીશ ખરી ?"



દુનિયા તો ઘણી મોટી છે, પણ ઈતાશા દુનિયાના લોકોને સમજવા માંગતી હતી, નવા નવા લોકો સાથે બેસીને વાત કરવા માંગતી હતી. નવા નવા લોકો શબ્દ સાંભળતા જ કદાચ તમારા મનમાં કોઈ સેલિબ્રિટી, સિંગર, ખેલાડી કે મહાન નેતા વગેરે આવ્યા હશે, પરંતુ



ઈતાશા ગામમાં અને શહેરમાં જઈને લોકોનું જીવન કેવું છે એ જાણવા માંગતી હતી, ધર્મ વિશે ઘણુંબધું સાંભળ્યા બાદ સાચા ધર્મને સમજવા માંગતી હતી, ખેડૂતોની લાગણીઓ, ભષ્ટ્રચાર ક્યાં થાય છે એ તો કોઈ નથી જાણી શકવાનું પણ આ ભષ્ટ્રચાર સહન કરનાર લોકોના મનની વાત અને દિલની લાગણીઓ જાણવા માંગતી હતી. આમ કેટકેટલું જાણવા અને શીખવા માટે ઈતાશા તૈયાર હતી. એ જાણતી હતી કે, ઘણીવાર તેનું અપમાન થશે, પણ દુનિયાના લોકોને સમજવા સહેલા નથી તેમ વિચારીને તેને આ અપમાન પણ મંજુર હતું. તેના માટે તો તેની આ સફર જ તેની જિંદગી હતી. ઉંમર તો નાની જ હતી પણ સપનાઓ અને શોખ કંઈક અલગ જ હતા. થોડી વાર ઓટલે જ બેઠી હતી, ત્યાં નદીની નજીક જ થોડી બહેનો કપડાં ધોઈ રહી હતી. તેમની વાતો અને હસવાનો ઝીણો ઝીણો અવાજ ઈતાશાના કાન સુધી પહોંચી રહ્યો હતો. તેમને ખુશ જોઈને ઈતાશા પણ મનમાં જ ખુશ થઈ રહી હતી. કુદરતના નજારાને જોતી ઈતાશા થોડી વાર ત્યાં જ બેસી રહી. વાતાવરણ ખૂબ જ શાંત હતું.



નદી તટેના લોકો ઘરે જવા નીકળી ગયા પરંતુ ઈતાશા ત્યાં જ બેઠી રહી. સાંજ થવા આવી, સુંદર સુરજ ઢળતો જતો હતો નદીનું પાણી અને આકાશના રંગો ઈતાશાના મનને ખુશ કરી રહ્યા હતા. આ જ નયનરમ્ય દૃશ્ય નિહાળી તે ગામના જ મંદિરમાં પહોંચી. મંદિરના દાદર પાસે ચંપલ કાઢ્યા ને ત્યાં જ તેની નજર દાદરની બાજુના બાંકડે બેઠેલા સંત પર પડી. કપાળે તિલક, હાથમાં માળા ને ચમકતી આંખો સાથે કુદરતને નિહાળી રહ્યા હતા. ઈતાશા મંદિરમાં પહોંચી , ભગવાન સામે હાથ જોડીને તેના મનની વાતો કહેવા લાગી. ભગવાન સાક્ષાત છે, જો તેની સાથે વધુને વધુ સમય વિતાવીશું તો એ સમય અને આવનારો સમય શ્રેષ્ઠ બની રહેશે. દુઃખ, મુસીબત કે કોઈ સમસ્યાની અવસ્થામાં ભગવાન જલ્દી જ યાદ આવે છે તો પછી જેના થકી સુખ પ્રાપ્ત થયું છે એ સુખમાં કેમ ઈશ્વરને ભૂલી જઈએ છીએ. જીવનની દરેક ક્ષણ ભગવાનને સાથે રાખીને જીવો , કેમ કે ઈશ્વર કણ કણમાં વસેલા છે.



ઈતાશા દર્શન કરીને ફરી ગામમાં અજાણી થઈ ચાલવા લાગી. ભૂખ ઘણી લાગી હતી, જમવું શું એ વિચારતી વિચારતી ગામનાં એક આશ્રમે પહોંચી. ત્યાં ભોજનની સગવડ ચોવીસે કલાક શરૂ હતી, ત્યાં જમી અને થોડીવાર ત્યાં જ બેઠી રહી.



" તમે આ ગામના જ છો? " ઈતાશાના કાને અવાજ સંભળાયો. સામે જોયું તો એક બહેન ઉભા હતા.



" ના. " ઈતાશાએ નજર ઉંચી કરી પ્રેમાળ હાસ્ય સાથે જવાબ આપ્યો.



આગળ સવાલો કરવા તો નહોતા માંગતા પરંતુ ઈતાશાનું હાસ્ય જોઈ એ બહેન ફરી બોલી ઉઠ્યા, " તો તમે શહેરથી આવ્યા લાગો છો,અહીં કોઈ સગું છે ?"



થોડી વાર ચૂપ રહીને ઈતાશા બોલી, " દુનિયાને સમજવા અજાણી થઈને ફરું છું.. સફરની શરૂઆત થઈ છે હજુ.. અને મારે નથી કોઈ સગું કે નથી કોઈ રહેઠાણ."



" મારુ ઘર આશ્રમની નજીક જ છે, તમને કંઈ વાંધો ન હોય તો રાતવિસામો કરી શકો છો, જાણું છું અજાણી છું હું તમારા માટે પણ આટલી રાત થવા આવી છે, એકલા કેમ રહેશો." એ બહેન બોલ્યા.



જાણે પોતાનું જ કોઈક ચિંતા કરતું હોય તેમ ઈતાશાને લાગતું હતું. એ બહેન ઈતાશાને તેમના ઘરે લઈ ગયા, નાનુ ઘર હતું, તેમણે ફળિયામાં ઈતાશાને ખાટલો ઢાળી આપ્યો, ત્યાં ગોદડું પાથર્યું, ઓઢવાનું અને ઓશીકું આપ્યું. બાજુમાં જ તેમનો ખાટલો પણ પાથર્યો. ઈતાશા ઘરની આજુબાજુ જોઈ રહી હતી અને કોઈ બીજું ઘરમાં નહિ રહેતું હોય એ વિચારતી તે બેઠી હતી. ઘણી વાર થઈ પણ ઘરમાંથી કોઈ જ બહાર નહોતું આવ્યું, પણ પછી ફરી એ બહેન પાણી ભરેલો ગ્લાસ લાવ્યા ને ઈતાશાને આપ્યો.



"તમે એકલા જ રહો છો ?" ઘરમાં અન્ય કોઈ સભ્યોને ન જોતા ઈતાશા ગ્લાસ હાથમાં લેતા બોલી ઉઠી.



" ના, હું એકલી જ રહું છું, મારા પતિ દૂર છે હવે મારાથી." બોલતાની સાથે જ આંખોમાંના આંસુ સાથે એ બહેન બોલ્યા.



ઇતાશા ચૂપ હતી,ત્યાં ફરી એ બહેન કહેવા લાગ્યા, "મારા લગ્નને બે વર્ષ જ થયા અને ત્રીજા વર્ષે જ કેન્સરથી તેમનું અવસાન થઈ ગયું, બૌ ખરાબ છે આ વ્યસન, જીવતે જીવતા બે જીવો લઈ ગયું એ."



ઈતાશા શાંત હતી, આટઆટલી વાત થઈ પણ હજુ ઇતાશાએ તેમનું નામ નહોતું પૂછ્યું, આ વિચાર આવતા જ ઈતાશાએ નામ પૂછી લીધું.



તેમણે કહ્યું, " હું હીરા, હીરાબહેન મારુ નામ છે, તમે આજે અહીં આવ્યા મને ઘણું સારું લાગ્યું, હું શહેરમાં જ રહેતી પરંતુ લગ્ન થતા અહીં આવી હતી, હું ખુશ હતી મારી નાની એવી જિંદગીથી, પણ હવે કુદરતે એ જિંદગી જ છીનવી લીધી, હવે રાત ઘણી થઈ છે, સુઈ જાઓ."



ઈતાશા સૂતી અને ફળિયાની ઉપર રહેલા આકાશને જોતી એ વિચારો કરી રહી હતી, ઈશ્વરને ઘણા બધા સવાલો કરી રહી હતી, સવાલોમાં જ ઈતાશાને ક્યારે ઊંઘ આવી ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. સવાર થઈ, અજવાળું અને પક્ષીઓના અવાજથી ઈતાશા જાગી ઉઠી. નાઈધોઈને તૈયાર થઈ ત્યાં જ હીરાબહેન ચા બનાવી લાવ્યા, બંનેએ સાથે ચા પીધી અને ઈતાશા ફરી તેનો થેલો લઈને હીરાબહેનનો આભાર વ્યક્ત કરી નીકળી પડી. આ એક એવી સફર હતી કે જેમાં નહોતી મંઝિલ કે નહોતો કોઈ ચોક્કસ માર્ગ.



ગામની બહાર નીકળી, સરકારી બસ જોતા ઈતાશા તેમાં ચડી ગઈ અને હવે ગામથી દૂર શહેર તરફ જવા નીકળી. બસમાં ઈતાશા જ્યાં બેઠી હતી ત્યાં જ બાજુમાં એક ઈતાશા કરતા ઉંમરમાં થોડી મોટી દેખાતી એક છોકરી બેઠી હતી, ઈતાશાએ તેને જોઈને સ્માઈલ કરી પણ એ છોકરી એમ જ બેઠી રહી, થોડી વાર થઈ જાણવા મળ્યું કે તેની પાછળની સીટમાં જ તેના મમ્મી પપ્પા બેઠા હતા. છોકરીના હાથમાં મહેંદી હતી, સાદો ડ્રેસ પહેર્યો હતો, જોઈને લાગતું હતું કે તે છોકરીની સગાઈ માટે નીકળ્યા છે, પણ ઈતાશાને આ છોકરીના હાવભાવ જોઈને તે ઘણી ઉદાસ લાગતી હતી.



" આટલી બધી ચૂપ કેમ બેઠી છે, કઈ પ્રોબ્લેમ છે તને?" ઈતાશા તેની નાદાન નજરે તે છોકરી સામે જોઇને બોલી.



જવાબ ન મળ્યો, તેણે માત્ર ઈતાશા સામે જોયું અને ફરી નીચું જોઈ ગઈ.



" અરે, હું કોઈ છોકરો નથી, આટલી બધી શરમાય છે, હા માન્યું અજાણી છું, પણ અજાણ્યા સાથે વાત ન કરાય?" ઈતાશા ફરી બોલી ઉઠી.



" હા." આખરે જવાબ મળી ગયો, પણ આ તે કેવો જવાબ, ઇતાશા થોડી વાર શાંત જ બેઠી રહી.



ઈતાશા હસવા લાગી, એ છોકરી પણ ઈતાશાને જોઈને થોડું હસવા લાગી. એ છોકરી ખાલી ઈતાશાને જ સંભળાય તેમ કહેવા લાગી, " હું એક છોકરાને પ્રેમ કરું છું, પણ મારી જ્ઞાતિનો નથી એટલે ઘરે નથી માનતા અને મારા મારે બીજા એક છોકરા સાથે લગ્ન નક્કી કરી દીધા છે, મારી જિંદગી હતો એ ખૂબ દુઃખી કર્યો મેં એને." એ છોકરી ઘણી ઉદાસ હતી .



" જો તું પ્રેમ કરે જ છે તો પછી તેના સાથે જ જીવને, આમ કોઈ જોડે લગ્ન કરી લઈશ તું, તારી પણ લાગણીઓ છે ને, જીવ તારો પણ બળે છે તો જતી રેને એના પાસે જ." ઈતાશા બોલી.



" ના એ શક્ય નથી હવે, હું આમ જ જીવી લઈશ." એ છોકરી દિલમાં ઘણું દુઃખ હોઈ ને બહાર ખોટું હાસ્ય હોઈ તેમ હસી. ત્યાં જ તેને જવાનું હતું એ સ્થળ આવતા તે તેના મમ્મી પપ્પા સાથે નીચે ઉતરી ગઈ, ઈતાશા બારી પાસે બેઠી હતી અને નીચે જોયું તો એ છોકરી ત્યાં ઈતાશાને સામે જોઈ રહી હતી. બસ ચાલુ થઈ ને ઈતાશા એમ જ બેઠી હતી, ઘણા નવા નવા ગામો આવ્યા, તે બસમાં જ બેઠી રહી. થોડી વાર થઈ ત્યાં બસના માલિક એ બસ ઉભી રાખી અને ઈતાશા પાસે આવ્યા, એ તો એના વિચારોમાં જ ખોવાયેલી હતી, બસ સાવ ખાલી હતી.



ઈતાશા નીચે ઉતરી અને ફરી ચાલવા લાગી. થાક લાગ્યો હતો અને હવે ક્યાં જવું એમ વિચારતી તે ત્યાં વડના વૃક્ષ નીચે બેઠી રહી. બાજુમાં નજર કરી તો તેની જેટલી જ ઉંમરનો એક છોકરો બેઠો હતો, અને એ છોકરો બીજું કોઈ નહીં તેની જ સાથે ભણતો રાજ હતો. થોડી વાર માટે થયું આ એ જ હશે, અને એ જ છે તો એ અહીં શું કરે છે.. ઘણા બધા વિચારો ઈતાશાના મનમાં આવવા લાગ્યા.



રાજ ઈતાશાને જોઈને જ ખૂબ ખુશ થઈ ગયો કેમ કે રાજ અને ઈતાશા શાળામાં સાથે હતા ત્યારથી જ પસંદ હતી, ઈતાશાને પણ રાજનો સ્વભાવ ખૂબ જ ગમતો હતો, વર્ષો જૂની એ સફર આજે ફરી શરૂ થઈ હોય તેમ ઈતાશાને લાગતું હતું.



રાજ ઈતાશાને જોઈને મન મનમાં હસી રહ્યો હોઈ તેમ બેઠો હતો ત્યાં જ ઈતાશા બોલી, " શું આમ ગાંડાના જેમ બેઠો છે..?"



બોલતા જ ઈતાશા અને રાજ બન્ને હસી પડ્યા, ઈતાશાએ રાજની આંખોમાં જોયું ને ઘણી લાગણીઓ તેની આંખોમાં છલકાઈ રહી હતી, ઈતાશાને પણ તેની જ લાગણીઓમાં ડૂબી જવાનું મન થતું હતું, બન્નેએ ખૂબ જ વાત કરી અને ઈતાશા એકલી હતી એટલે રાજ તેને તેની સાથે જ લઈ ગયો અને ઈતાશા જેમ તેની એક જવાબદારી બની ગઈ હોય તેમ તેનાથી એક પળ પણ દૂર ના થયો, આમને આમ જ બન્ને પાંચ દિવસ સાથે રહ્યા, છઠ્ઠા દિવસે રાજ ઈતાશા પાસે આવ્યો અને અચાનક જ બોલી ઉઠ્યો, ઈતાશા, મને તું બહુ ગમે છે, મારે તારી સાથે જ જિંદગી વિતાવવી છે..



ઈતાશા થોડી વાર માટે ચૂપ જ બેસી રહી, લાગણીઓ તો ઈતાશાને પણ હતી. આખરે ઈતાશા એ પણ આટલા વર્ષથી છુપાવેલી દિલની વાત કહેતા કહ્યું કે,
હા મને હજું યાદ છે આપણી એ
પહેલી મુલાકાત , જ્યારે બંને હતા અજાણ એકબીજાથી છતાં ને આંખમાં આંખ પરોવીને જોતા હતાં ; ઘણી વખત તો વાત ક્યાંથી શરૂ કરવી એની જાણ જ નહોતી, છતાં ઇશારાની ભાષાએ ઘણું બોલતાં હત‍ાં..
હું પ્રેમ તો બહુ કરું છું તને અને મને એમ પણ ખબર છે કે તું સમજે છે મને પણ ખબર નહીં શુ સમજે છે. ક્યારેક તારાથી દૂર માત્ર થોડી પળો માટે પણ તને મુકું તો લાખો વાના કરીને મને તારી નજીક બોલાવી જ લે છે. અને જ્યારે દુરતા દૂર થયા પછી અમૂક વખત તું જ રિસાઈ જાય છે. પરંતુ એક ખાસ અને મને ગમતી એ વાત… તને ખબર છે કે મારી જિંદગીમાં તારું શુ સ્થાન છે. અને કદાચ એ સ્થાન હવે કોઈ નહીં લઇ શકે. અને સાંભળ, હું ક્યાં તને કોઈ કારણ થી પ્રેમ કરું છું, હું તો બસ તને પ્રેમ કરું છું.



તને ખબર છે સવારના ઉગતા સૂર્યની સાથે જ તને યાદ કરી લવ છું. બસ મારી તો એ જ ઈચ્છા છે કે મારી આ જિંદગીનો સફર હવે તારી સાથે જ વીતે. અને પ્રેમ વિશે વધારે જાણકારી તો નથી મને પણ તને જોઈને, તારી વાતો , તારી નાની નાની વાતમાં કેર કરવી, ગુસ્સે થવું અને મારા મનાવવા પર તરત જ માની જવું, મને પુરે પુરી સમજવી, મારી બધી જ ટેવોની જાણ , બસ મારા માટે તો આ જ પ્રેમ. અને સાચું કવ તો મારી લાગણીઓને તારા જેટલું કોઈ જ ના સમજી શકે. મને માત્ર તારી બની ને જ રહેવું ગમે છે. અને કદાચ કહી ન શકાય એટલો પ્રેમ કરું છું તને. કદાચ તને લાગતું હોય કે હું તને છોડી દઈશ પણ સાંભળ આ મારા શ્વાસ છોડી દઈશ પણ તને ક્યારેય નહીં છોડું.



આખરે દુનિયા જોવા નીકળેલી ઈતાશાને તેની એક નવી જ દુનિયા અને જિંદગી મળી ગઈ, સફરની શરૂઆતમાં જ તેને હમસફર મળી ગયો, બન્ને ખુશ થઈને જોડે રહેવાનું નક્કી કરી લીધું અને આખરે ઈતાશાને તેની ખુશી મળી જ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED