** ધર્મ સંકટ **
( સોશીયલ મીડિયા પ્રેરિત સત્ય ઘટના)
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી બચવા માટે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનના કારણે ગરીબોને અન્ન વિના ટળવળવું ન પડે તે માટે દરેક શહેર અને ગામમાં દરેક ધર્મના માનવતાવાદી સદગૃહસ્થો દ્વારા અંગત અને સામૂહિક રીતે ગરીબોને અન્ન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવાનું માનવતાનું કામ કરી એકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પરિસ્થિતિમાં એક ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર તેમને થયેલ હદયદ્રાવક અનુભવ વર્ણવતો એક વિડીયો મૂકવામાં આવેલ હતો. વિડીયો મૂકનારે પોતાનું નામ જણાવ્યુ નથી માટે હું તે ‘અજ્ઞાત’ યુવાનનો આભાર માની તેમના વિડીયોનું શબ્દોમાં રૂપાંતર કરી આપની સમક્ષ રજૂ કરું છું.
***
સાહિર “ ભાઈ.. ઝૂબેર આ લોકડાઉનના સમયમાં કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ ઘર હોય તો મને જણાવજે, હું તેમને ખાવા પીવાની અને અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવા માગું છું “
ઝૂબેર “ ખૂબ સરસ ભાઈ...! એક વિધવા વૃધ્ધાને હું ઓળખું છું. તેમની સાથે ચાર નાની બચ્ચીઓ રહે છે. મને ખબર નથી તે તેમની દીકરીઓ છે,પૌત્રીઓ છે કે તેમના કોઈ રિશ્તેદારની દીકરીઓ છે... પણ ઘરમાં કોઈ કમાનાર મર્દ નથી એટલે તેમને અત્યારે ખરેખર આવી મદદની ખૂબ જરૂરિયાત હશે. યાર ! તું તેમને તે વસ્તુઓ અવશ્ય પહોંચાડ અલ્લાહ તને તેનો ભરપૂર બદલો આપશે. હું તને તેમનું સરનામું અને લોકેશન મોબાઈલ પર શેર કરું છું. “
સાહિરે છેલ્લા દસ દિવસોથી આ સેવાનું કામ હાથ પર લીધું હતું. તેણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ચાર જણના કુટુંબને પંદર દિવસ સુધી ચાલે તેવી કીટસ તૈયાર કરી રાખી હતી અને જરૂરિયાતમંદ ઘર સુધી પોતાના હાથે પહોંચાડી માનવતાનું કામ કરી રહ્યો હતો.
ઝૂબેર દ્વારા મોકલવામાં આવેલ સરનામા તરફ સાહિરની ગાડી આગળ વધી રહી હતી. શહેરથી દૂર એક ગરીબ વસ્તી પાસે જઇ તેને પોતાની ગાડી રોકવી પડી કેમકે ત્યાંથી ગલીઓ એટલી સાંકળી હતી કે તેની ગાડી તેમાં પ્રવેશી શકે તેમ નહતી. તેણે ગાડીમાંથી વજનદાર બે કીટ પોતાના હાથોમાં લીધી અને તે વિધવા બાઈના ઘર તરફ પ્રયાણ કર્યું.
ઝૂબેરે આપેલ સરનામા પર પહોંચી સાહિરે ઘરના દરવાજા પર દસ્તક આપી. આશરે એંશી વર્ષની ઉમર ધરાવતા દાદીમાએ દરવાજો ખોલ્યો. સાહિરના હાથમાં જીવન જરૂરિયાતની વસ્તુ ભરેલી બે થેલીઓ જોઈ તે વૃધ્ધાએ બોલ્યા “ બેટા ! અમને મદદ પહોંચાડવા આવ્યો છે ..?” દાદી અમ્માના પ્રશ્નથી સાહિરને થયું કે તેના પહેલાં પણ કોઈ ભાઈ કે સંસ્થા દાદી અમ્માના કુટુંબને મદદ કરી ગયું હોવું જોઈએ. તેણે મનોમન અલ્લાહનો આભાર માની કહ્યું “ હા, દાદી અમ્મા, જે મારાથી બન્યું તેટલું લઈ આવ્યો છું. “
“ અલ્લાહ તારી રોજીમાં ખૂબ બરકત કરે “ તેવી દુઆ આપી દાદી અમ્માએ આ મદદની કીટ લઈ જવા ઘરમાં સાદ પાડ્યો. એક ચૌદ પંદર વર્ષની કિશોરી આવી તે કીટ લઈ ગઈ.
દાદી અમ્માએ સાહિરેને પૂછ્યું, “ બેટા, શહેરમાં કોઈ નવા જૂની થઈ છે કે રોજ કોઈ ને કોઈ આવી અમને મદદ પહોંચાડી જાય છે ..?. “
સાહીરે દાદી અમ્માની વર્તમાન મહામારી અંગેની અજ્ઞાનતા જાણી તેણે દાદી અમ્માને ‘કોરોના વાયરસ’ અને તેની ભયંકરતા વિષે જણાવ્યુ. સરકારે આ મહામારીથી બચવા હાલ આખા દેશમાં લોકડાઉન કરેલ હોવાથી બજાર ખૂલતાં નથી એટલે ગરીબ લોકોને ખાવા પીવાની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સરકાર, સખાવતી સંસ્થાઓ અને દાનેશ્વરો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું. દાદી અમ્માને સાહિરની પૂરી વાતતો ન સમજાઈ પણ તેમણે પોતાના દુપટ્ટાનો પાલવ પોતાના બંને હાથો પર ફેલાવી આલ્લાહ આગળ દુઆ ફરમાવી કે “ યા અલ્લાહ ! અમારા જેવા ગરીબોને મદદ કરનારની જાન, માલ, આબરૂ અને ઇજ્જતમાં ખૂબ વધારો કર અને આવા સંજોગો કાયમ રાખ જેથી અમારા જેવા ગરીબોને ભૂખ્યા સૂવું ન પડે ..!! ”
સાહિર દાદી અમ્માની દુઆ સાંભળી ધર્મ સંકટમાં પડ્યો અને “ આમીન “ ન કહી શક્યો પણ ગરીબોની રોજની લાચારી જાણી તેની આંખોમાંથી આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા.
-આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી )
- તા. 03-04-2020