મનુ Anjali Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનુ

ઘરના બધા કામ આટોપી મનુ વહેલી પરોઢ ની પહેલી બસમાં જવા નીકળી ,તદ્દન ગામડાના પોષાક માં સજ્જ હતી, પરંતુ બસમાં બેસનારા અને શાહુકાર ગણાતા લોકો તેની સામે આશ્ચર્ય અને ઉપહાસની નજરે થી તાકી રહ્યાં હતાં.
જોકે રુપ માં એ કોઈ અપ્સરા થી કમ ન હતી,
કાળા રંંગની ગામઠી ચોળી, ગળામાં હાસળી , હાથમાં ચૂડલા,નાકમાં નથ, કાનમાં ઝૂૂૂૂૂમખાં અને દેહ ને ઢાંકે એવી ચૂૂૂનર.
પુરેપુરું રુઢિચુસ્ત ગામડુું અને હાથમાં ગાંસડી, જેમાં મા એ બનાવેલા ઢેબરાં, એકાદ જોડ
કપડાં હશે તથાં એક અજાણ્યો ભાર.
તે બસમાં ગોઠવાઈ. પરંતુ તેના મોઢા પર કયારેય ઉત્સાહ, કયારેક ચિંતા તો ક્યારેક ગમગીની ના મિશ્ર ભાવો જોવા મળે છે
બસમાં ઝાંઝી ભીડ ન હોવાથી થોડી શાંતિ હતી, તેની બાજુમાં શાહુકાર કહી શકાય તેવા બહેન બેઠા હતા.
આજે તે પહેલી વાર શહેર જઈ રહી હતી, માત્ર ને માત્ર શ્રવણ માટે.
વારંવાર બાજુમાં બેઠેલા બહેન ને પૂછ્યા કરે 'બસ કયારે ઉપડશે' અને આ વારંવાર પૂછાયેલા સવાલથી બહેન અકળાયા કરે છે.
મનુ ના મનમાં આ માત્ર એક જ સવાલ નથી, હજારો સવાલો છે, પરંતુ એ પૂછે કોને, કોણ તેના વણબોલાયેલા પ્રશ્નોના જવાબ આપે?
'શું શ્રવણ મને ઓળખશે?, 'શ્રવણ શહેર ના રંગમાં તો નહિ રંગાયો હોય? એ તિરસ્કાર કરશે તો? ' આટલાં બધાં પ્રશ્નોનાં જવાબ શહેર મા મળી રહેશે'તેમ પોતાના મન સાથે સમાધાન કરે છે.
બાજુમાં બેઠેલા બહેને તેના ચહેરા ના અમૂર્ત ભાવો જોઈને પૂછી લીધું,
''કયાં જવાનું છે બેન તારે? કાંઈ ચિંતામાં લાગે છે? ''
"હા, શહેર જવાનું છે" એણે કહ્યું
ખરીદી માટે જાય છે કે બીજા કોઈ કામ માટે? " બહેને પૂછયું,
"ના...ના, ખરીદી માટે તો નહિ, મારી સગાઈ થવાની છે, એ શહેર મા રહે છે, તો તેને મળવા જાઉ છું" મનુએ કહ્યું
"પરંતુ સગાઈ થવાની છે તો, તેને ગામડે આવવું જોઈએ ને, તુ કેમ ત્યાં જાય છે"? બહેને પૂછયું, આ સવાલ ના જવાબ મા મનુ થોડી મુઝાંઈ.
"ઘણા સમયથી તેનો કોઈ સંદેશો નથી, અને કોઈ સમાચાર નથી તો એમ કે તેની સાથે કાંઈ અજુગતું તો નહિ થયું હોય ને એટલે...... "મનુ એ જવાબ આપ્યો
" માફ કરજે બેન, પણ આ શહેરી છોકરાઓનો ભરોસો મન મુકીને તો ના જ કરાય હો! "બહેને ચેતવતા કહ્યું.
"એટલે? " મનુ એ સવાલ કર્યો
"એટલે કે આપણને એમ હોય કે શહેર મા તેઓ કામ અર્થે, કાં તો અભ્યાસ અર્થે ગયા છે, પરંતુ કોણ જાણે શું ય કરતાં હોય" બહેને ચેતવતા કહ્યું.
"મારો શ્રવણ એવો નથી, તે તો મારા માટે બધું જ છે, જીવન કહો કે સાથી, બધું એ જ. " મનુ એકસાથે બધું બોલી ગઈ
મનુ વિચારી રહી હતી, 'થોડા દિવસોમા એ વર્ષોથી જોયેલું સપનું પૂરું થશે, પોતે ખૂબ ભાગ્યશાળી છે, કે શ્રવણ જેવો છોકરો તેનો જીવનસાથી બનવા જઈ રહ્યો છે 'અને તે વિચારોનાં ઘેરાવ મા ઉતરી ગઈ.
'પોતે અને શ્રવણ નાનપણમાં સાથે જ રમતા, પોતે કેટલી ઝઘડાળુ હતી, પરંતુ શ્રવણ તેને હમેશાં સહન કરતો.
જ્યારે પોતે અને શ્રવણ શાળા મા ભણતાં ત્યારે પોતાની ભૂલો શ્રવણ હમેશા માથે લઈ લેતો, કેટલીય વાર પોતાની ભૂલોનો માર પણ શ્રવણે ઝીલેલો છે,
બાળપણ માં પોતે એક માત્ર મિત્ર હતી શ્રવણ ની, બાળપણથી સાથે ને સાથે રહેલા બંને જણ.
નાનપણથી શ્રવણ ની માં પણ પોતાને વહુ ના રૂપમાં જોતી, જયારે તે કહેતી, 'અમારા પછી શ્રવણ ને તારે જ તો સાચવવાનો છે' ત્યારે પોતે ખૂબ શરમાઈ જતી અને ખડખડાટ હસતી, આ વાત પોતે પુરેપુરું સમજાય તેટલી મોટી થઈ ત્યાર પછી પણ શ્રવણ અને તેની દોસ્તી કાયમ રહી અને તે કયારે પ્રણયમાં પલટાઇ ગઈ તેની પોતાને કે શ્રવણ ને ખબર જ ના રહી
ગામડાની રૂઢિચુસ્તતા ના લીધે પોતે ભણવાનું અધુરું છોડવું પડયું અને ઘરના કામો માં લાગી જવું પડ્યું, શ્રવણ ને તેના મામા દ્વારા શહેરમાં આગળ અભ્યાસ અર્થે જવું પડ્યું.
આખરે જતાં જતાં શ્રવણે પોતાનો પ્રેમ તેની સામે વ્યકત કરી જ દીધો, પોતે પણ તેને પ્રેમ કરે છે તે ય જણાવી દીધું
શ્રવણ શહેર જતાં જતાં પોતાને તેની યાદગીરી રૂપી કલમ આપી ગયો, જે પોતે આજ સુધી સંભાળી ને રાખી હતી અને જે અત્યારે ગાસળી માં બંધાયેલી હતી.
શ્રવણ જ્યારે પહેલી વાર શહેર થી ગામડે આવ્યો ત્યારે પહેલો પોતાને મળ્યો હતો અને પોતાનાા માટે કચ્છી ભાતની મોજડી લાવ્યો હતો, એ પણ પોતે સાથે લીધી હતી .
તે વખતે તે રહેઠાણ નુ સરનામું પણ આપ્યું , ને શહેર ના ભપકા ની ખૂબ વાતો કરી, સાથે થોડી પોતાની પ્રેમ ભરી વાતો પણ.
તે ગયો, અને બે અઠવાડિયા પછી પોતે તેની આપેલી કલમથી લખેલો પત્ર, અને થોડા સમય પછી આવેલો તેની પ્રેમ ભરી વાતો નો પત્ર.
પોતાના માતાપિતા તો આ વાત જાણતા જ હતા, શ્રવણ ના માતાપિતા પણ પોતાને વહુના રૂપ મા સ્વિકારવા માટે તૈયાર હતા.
અને બંનેની સગાઈ ની વાત વડીલો ના મુખેથી સાંભળી, અને આ વાત જણાવતો પત્ર શ્રવણ ને લખ્યો. ત્યારે તેનો જવાબ તો હકારાત્મક આવ્યો, પરંતુ કોણ જાણે કેમ તેમાં ઉમળકો કે ખુશી ન હોય તેમ લાગેલું.
ત્યાર બાદ પોતે લાંબા લાંબા પત્રો શ્રવણ ને લખતી પરંતુ તેના જવાબમાં શ્રવણ ના પત્રો ખૂબ ટૂંકા થઈ ગયા હતા.
અને અંતે ધીમે ધીમે તે પણ બંધ થઈ ગયા,
તેમજ સમાચાર પણ કંઈ ન હતા, ઘણો સમય વીતી ગયો, માં-બાપુજી ચિંતા ના લીધે બીજે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યાં હતાં ,જ્યારે પોતે શ્રવણ ને મન આપી ચૂકી હતી, તેથી તે જિદ પકડી રહી.
માં-બાપુજી ના કહેણો સામે પોતે દલીલો કરતી, જ્યારે શ્રવણ ના ચરિત્ર પર આરોપ મૂકી કહેતાં કે' શ્રવણ શહેરમાં જઈ એને ભૂલી ને બીજે મન લગાવી લીધું છે'.
તો પોતે ગુસ્સે થઈ તેના પક્ષ મા કહેતી કે'એની સાથે કાંઈ અજુગતું બન્યું હોય એવું પણ બને.
અને અંતે પોતે શહેર મા જઈ સાચી તપાસ કરવાનું મનમાં ગાંઠી લીધું, માં-બાપુજી એ પોતાની દલીલો સામે હથિયાર હેઠાં મૂકી દીધા હતાં', 'પોતે એટલી તો સમજદાર છે ,કે શહેર મા એકલી જઈ શકે, અને શહેર ક્યાં એટલું દુર છે ત્રણ કલાક નો રસ્તો છે, આમ પહોંચી જવાશે', અને જોરથી બસની બ્રેક વાગી એ સાથે મનુના વિચારો તથા સપનાઓ ની સાંકળ તુટી ગઈ.
હજુ દોઢ કલાક નો રસ્તો કપાયો છે અને બસ કોઈ હૉટલ ના ઠેકાણે ઊભી છે, બારીમાંથી ધીમે પવન આવે રહ્યો છે સાથે કોઈક રેડિયાનો અવાજ આવી રહ્યો હતો.
'પંખી ને પરદેશી
પાછા ક્યારેય ન આવે રે..
વાટું જુએ આંખલડી ને
મનમાં જી ગભરાશો રે.....
અને પોતે ફરી પોતાના વિચારો, પ્રશ્નો તથા સપનાઓ સાથે સમાધાન કરતી, આંખો બંધ કરી દે છે અને તેના સપનાઓ ની સાંકળ પાછી જોડાય છે,
'જ્યારે શ્રવણ પોતાને તેની સામે જોશે, તેને તો વિશ્વાસ જ નહીં આવે,કેટલો ઝૂમી ઉઠશે ,પોતાને ભેટી પડશે, પોતે અને શ્રવણ પોતાના સોનેરી ભવિષ્યના સપનાં રચશે, પોતાની નાનકડી દુનિયા હશે, પોતે, શ્રવણ અને અઢળક પ્રેમ.
અને અચાનક બસોના હોર્ન સંભળાય છે અને બસ બાકીના દોઢ કલાક નો રસ્તો કાપીને શહેર ના બસ-સ્ટેન્ડમાં ઊભી છે.
મનુ બસમાંથી ઊતરી, હાથમાં પોતાની ગાંસડી હતી જેમાં શ્રવણ ની આપેલી કલમ અને મોજડી અને શ્રવણે લખેલા પત્રો.
જોકે આ બધું ભાર રુપ હતું પરંતુ તે ખુશ હતી ભાર ઉપાડવામાં.
આટલાં મોટા શહેર મા પોતે ખૂબ એકલતાનો અનુભવ કરી રહી હતી, લોકો સાથે આખ મેળવવામાં તે મુઝાંઈ રહી હતી, પરંતુ તે શ્રવણ નું સરનામું શોધવામાં લાગી ગઈ.
લોકો ની તિરસ્કાર, ઉપહાસ, હવસ તથા આશ્ચર્ય વાળી નજરો ની એક અપરાજીત યોદ્ધા તરીકે સામનો કરી રહી હતી.
રસ્તા પર પગપાળા ચાલતા તેને ખૂબ થાક લાગ્યો હતો, છતાંય શ્રવણ ને મળવાનો આનંદ શીતળ પાણી ની પરબ થઈ પડતો હતો, મનમાં બેચેની પણ હતી કે 'કદાચ શ્રવણે સરનામું ના બદલી દીધું હોય, આટલાં મોટા શહેર મા પોતે ક્યાં શોધશે શ્રવણ ને? '
માંડ અડધો કલાક પછી તે નિર્ધારિત સરનામે પહોંચી, પરંતુ કમનસીબે દરવાજો બંધ હતો, બહાર વૉચમેન હતો તે જમીને તરત જ આવ્યો હોય, તેવું લાગતું હતું.
મનુ વિચારી રહી હતી કે અંદર જવુ કે નહિં, તેવામાં જ વૉચમેન આ એકદમ ગામડાની લાગતી છોકરી ને પૂછયું',"કોનુ કામ છે બેન?, કોઈ રસ્તો ભૂલી છે કે શું? "
"ના, રસ્તો તો આ જ છે" મનુ એ કહ્યું
"એ તો શ્રવણ નું.... શ્રવણ આચાર્ય નુ..... "મનુ એ કહ્યું
"ઓહ, હા.. આ મકાન અમારા શેઠનું છે, ને શ્રવણ ના મામા શેઠના મિત્ર છે , શ્રવણ અહીં જ રહે છે પણ શ્રવણ અત્યારે અહીં નથી, " વોચમેને માહિતી આપતા કહ્યું
"તો ક્યાં છે? મનુ એકધારું પૂછી રહી હતી
"તે તો અત્યારે કૉલેજ મા છે, તુ કહે તો કૉલેજ નું સરનામું આપું", વૉચમેને કહ્યું
"હા... હા, તમારો ખૂબ આભાર" મનુ એકધારું બોલી ગઈ
"પણ એ તો કહે, તું કોણ છે, કયાંથી આવે છે? " વોચમેને સરનામું લખતાં પૂછી લીધું
"હું, શ્રવણ ની થનાર પત્ની છું, ગામડેથી આવું છું" મનુ એ કહ્યું
જવાબ મા માત્ર વૉચમેન રહસ્યમય હસી ગયો, તેના આ વર્તન પર મનુ એ ધ્યાન ન આપ્યું અને સરનામું લઈ તે શ્રવણ ની કૉલેજ જવા નીકળી પડી
રસ્તો ખૂબ લાંબો લાગ્યો, જોકે થોડું અંતર કપાયા પછી તેને રિક્ષા પકડવી પડી, શહેરના રિક્ષાવાળાઓ ય ઊભા રહેતા નથી, માંડ એક રિક્ષા મળી ને તે કોલેજ જવા ઊપડી.
પાંચ કિમી ના અંતર પછી તે અંતે શ્રવણ ની કૉલેજ ના મુખ્ય દરવાજા એ ઊતરી, પરંતુ જેવી તે ઊતરી કે બધાની નજર મનુ પર મંડાઈ,
આ વખતે તે ખૂબ શરમ નો અનુભવ કરી રહી હતી, તેનો ગામડાનો પહેરવેશ જોઈને કેટલાક મશ્કરી કરવા લાગ્યા તો કેટલાક દયા.
એકાદ કોલેજિયન છોકરીઓ તો ધક્કા ય મારતી ગઈ, પછી બીજી બે છોકરીઓ આવી, "આજે કોઈ ફેન્સી ડ્રેસ કૉમ્પિટિશન છે?, અને કોણ છે તું? "એકે પૂછયું
"મનુ , નામ છે મારું, ગામડે થી આવું છું., " થોડી હિંમત ભેગી કરી મનુ બોલી, બોલતી વખતે હાથમાં રહેલી ગાંસડી ને ખૂબ સખતાઇથી જકડતી હતી
"હા, એ તો દેખાય છે, કે તુ ગામડે થી આવે છે પણ કેમ આવી છે? " બીજી એ કહ્યું
હવે માંડ બધાની નજર મનુ પરથી પોતપોતાના કામ મા ગોઠવાઈ હતી
"શ્રવણ ને મળવા " મનુ એ કહ્યું
"શ્રવણ આચાર્ય ને? " પહેલી છોકરીએ પૂછ્યું
હા, એની સાથે મારા લગ્ન થવાના છે માટે.."મનુ એ મકકમતા થી બોલી નાખ્યું.
આ વાક્યો એટલા મોટેથી ન બોલાયા છતાં બધાની નજર ફરીથી મનુ પર મંડાઈ ,પરંતુ આ વખતે આશ્ચર્ય જનક આંખો તેને ઘેરી વળી , પેલી બે છોકરીઓ ખડખડાટ હસી રહી હતી, આસપાસ ઉભેલાઓનુ જાણે પોતાની ફરતે ટોળું થઈ ગયું, મન સમજી ના શકી ,શા માટે?.
અને પોતે ખૂબ ગભરાઇ ગઈ હતી , કોઈ જાણતું ન હતું, પરંતુ એવામાં આ અજાણ્યા ચહેરાઓને ચારતો એક ચહેરો સામે આવ્યો, એ હતો શ્રવણ.
વિદેશી કપડાં મા સજ્જ એકદમ મોહક લાગતો હતો, મનુ છેક રડું રડું થઈ ગઈ અંતે શ્રવણ જોઈને આંખના આંસુ ને રોકી ના શકી, અને તે વિચારી રહી હતી કે 'શ્રવણ હમણાં પોતાને ભેટી પડશે, આંસુઓ લૂછી કાઢશે' પરંતુ એવું ન બન્યું
શ્રવણ તેમ જ, મૂર્તિમંત ઊભો હતો, મનુએ વિચારી લીધું કે 'શ્રવણ નહિં તો હું જ..., અને તેના ભેટવા જતાં હાથોને શ્રવણે અચાનક અટકાવી દીધા અને થોડો દુર થઈ ઊભો રહ્યો.
'શ્રવણ શા માટે આવું કરે છે 'એમ તે કળી ના શકી
"કોણ છે આ છોકરી?, મેં તો આને પહેલી વાર જોઈ છે, હું આને નથી ઓળખતો" શ્રવણ મકકમતા થી કહી રહ્યો હતો
અને મનુ ના પગ નીચેથી ધરતી જાણે સરકી ગઈ, એ એક ધબકારો ચૂકી ગઈ , ને રડવાનું ભૂલી ગઈ અને શ્રવણની આંખમાં જોઈ રહી, એ પોતાના શ્રવણ ને શોધી રહી, પરંતુ એ ન મળ્યો, કયાંય ન મળ્યો.
''મારા કોઈ દુશ્મને મારી બેઈજ્જતી કરવા આને મોકલી હોય એમ લાગે છે, અને હું, પ્રેમ અને આ છોકરી ને?, કદાપિ નહિ, "ખંધુ હસતાં એ એકધારું બોલી ગયો,
શ્રવણે ભીડમાંથી એક શહેરી છોકરી ને ખેંચી, પોતાની એકદમ નજીક લાવી બોલ્યો, ''આ છોકરી છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું, શ્વેતા.
મનુ ના મનમાં કોઈ શબ્દો ન હતાં શ્રવણ ને કહેવા માટે, પોતે માત્ર શ્રવણ ની યાદો ભરીને લાવી હતી, તે ધારત તો શ્રવણ ના લખેલા પ્રેમ-પત્રો બતાવીને તેનો ભાંડો ફોડી શકતી હોત પરંતુ પોતાના સપનાઓ ને માટી થતા જોઈ રહી.
"મને માફ કરી દો, તમારી માન-હાનિ બદલ હું દીલથી માફી માંગુ છું, " મનુ એ શ્રવણ સામે હાથ જોડી કહ્યું
અને તેણે ટોળાને ઉદ્દેશીને કહ્યું "મને માફ કરજો, આમને હું ઓળખતી નથી, ન તો તે મને ઓળખે છે, તેમની માન-હાનિ ના ઉદ્દેશ થી આવી હતી પરંતુ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે", મનુ એ માફી માંગતા કહ્યું
હવે પોતાને કાંઈ કોઈને કહેવાનું બાકી ન હતું, ને જાણે આંખનાં આંસુ સુકાઇ ગયા હતાં, શબ્દો પણ સાથ ન આપી રહ્યાં હતાં, મનુ જાણે સુધબુધ ખોઈ બેઠી હતી , છતાં પોતાને સંંભાળી રહી હતી, બધાથી તિરસ્કૃત થઈ ટોળામાંથી બહાર આવી, શું કરવું એનું ભાન નતુ પડતું, ખૂબ રોવાનું મન થતું હતું પરંતુ કોણ જાણે કેમ આંસુ આવતા ન હતા, જેમ બને તેેમ તે ઘરે આવવા માગતી હતી ,શહેરની જાહોજલાલી એને કાંટા જેમ ખૂંચવા લાગી અને તે રિક્ષામાં બેસીને બસ-સ્ટેન્ડ આવી.
બસમાં ચડવા જતી હતી, ત્યાં જ દુર બેઠેલી એક ગરીબ લાગતી તથા ભીખ માંગતી સ્ત્રી પર તેની નજર ગઈ ને તેના ઉનાળે દાઝેલા પગ તરફ પણ.
અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ગાંસડી ખોલી અને પેલી શ્રવણ ની આપેલી મોજડી લીધી અને તેની પાસે ગઈ, તેને આપી દીધી
"બહેન તારું ભલું થાય" પેલી સ્ત્રીએ કહ્યું
"બહેન ભલું મારું નહિ, જેણે આ મોજડી ખરીદી એનું થાય તેમ કહો" મનુ એ કહ્યું
"જેવું તુ ઈચ્છે તેવું થાય" સ્ત્રી એ કહ્યું
મનુ ફરી બસમાં ગોઠવાઈ , અને બસમાં ચડતાં તેની નજર એક આગલી બેઠકમાં બેઠેલા એક વિદ્યાર્થી પર પડી ને ફરી ગાંસડીમાંથી પેલી શ્રવણ ની યાદ રુપી કલમ કાઢી ને વિદ્યાર્થી ને આપી દીધી, તેના ચહેરા પરની ખુશી જોઈને તેને પોતાના દર્દમાં થોડી રાહત રૂપી હાસ્ય વેર્યુ, તેની સાથે બે-ત્રણ આંસુઓ ની બુંદો પણ બહાર ધસી આવી
બસ ઊપડી, હવે તેને માત્ર ઘરે જવાની જ ઉતાવળ હતી, હવે મનમાં કોઈ સવાલ, કોઈ વિચાર ન હતા, બસ થોડો માથામાં દુખાવો થઈ રહ્યો હતો.
બસ એક નદીના કિનારા ના રસ્તે જઈ રહી હતી, અને તેણે બસમાંથી ગાંસડી નો બહાર છુટ્ટો ઘા કર્યો, તે સાથે તે ખૂબ હળવાશ અનુભવી રહી હતી.
તેણે આંખો બંધ કરી, કોણ જાણે કેમ તેને ઉંઘ આવી ગઈ, બારીની બહાર થી ધીમો પવન આવી રહ્યો હતો, અને ક્યાંક થી ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હતું.
- અંજલિ ગોહિલ
___________________