** ન્યાય કે અન્યાય ? **
આસામ રાજયમાં એન.આર.સી. કાયદાના અમલ પછી સરકારશ્રી દ્વારા જે આખરી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તે મુજબ લગભગ સાડા ઓગણીસ લાખ કરતાં થોડાક વધારે લોકો પોતે ભારતીય નાગરિક છે તેવું પુરવાર કરી શકયા ન હતા. રાજય સરકારના અનુરોધ પર નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આવા લોકોને પોતાની ભારતીયતા પુરવાર કરવાની એક વધુ તક આપવા માટે એક પબ્લિક ટ્રાઇબ્યુનલ ગઠિત કરવામાં આવ્યું હતું. લોકોને ત્યાં અપીલ દાખલ કરી પોતાની પાસે જે કોઈ પુરાવાઓ હોય તે રજૂ કરી પોતે ભારત દેશના નાગરિક છે તેવું પુરવાર કરવા જણાવવામાં આવ્યું હતું. આ ટ્રાઇબ્યુનલ કાર્યરત થઈ ગઈ હતી અને લોકોના કેસોની સુનાવણી પણ શરૂ થઈ ગઈ હતી. આ ટ્રાઇબ્યુનલની જયુરીમાં સર્વોચ્ચ અદાલતના બે નિવૃત જજ, જિલ્લા અદાલતના એક નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ, કાયદાના નિષ્ણાતો, કેટલીક સામાજિક સંસ્થાઓના વડા વિગેરે મળી કુલ સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
એન.આર.સી ટ્રાઇબ્યુનલનો આખો હૉલ હકડેઠઠ મેદનીથી ભરાઈ ગયો હતો. હૉલમાં ઉભા રહેવાની પણ જ્ગ્યા ન હતી. યુવાન એડ્વોકેટ રશિદએહમદની દલીલો પછી સરકારી એડ્વોકેટે નામદાર જયુરીને ફક્ત એટલુજ કહ્યું કે “ અરજદાર માસુમાબીબી સરકારશ્રી દ્વારા નિયત કરેલ દસ્તાવેજો ધરાવતા ન હોય તેમને ભારતીય નાગરિક માની શકી નહીં. ધેટ્સ ઓલ માય લોર્ડ “
જયુરીના અધ્યક્ષે આખરી નિર્ણય માટે સભ્યોનો મત જાણવા દરેક પર નજર નાખી. માસુમાબીબીને ભારતીય નાગરિક માનવા કોઈ કારણો કે આધાર પુરાવા નથી માટે તેને ભારતીય નાગરિક ગણી શકાય નહીં તેવું દરેકના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું. જયુરીના અધ્યક્ષે પોતાનો નિર્ણય જણાવવા પહેલાં એક ઊંડો શ્વાસ લીધો. તેઓ પોતાનો ચુકાદો જાહેર કરે તે પહેલાં માસુમાબીબીએ દર્દભર્યા રડમસ અવાજે કહ્યું “ માઇબાપ ! મારી અરજ એક વાર સાંભળવા વિનંતિ ગુજારુ છુ.”
નામદાર જયુરીના અધ્યક્ષે માસુમાબીબી પર એક નજર નાખી તેને પોતાની રજૂઆત કરવા જણાવ્યુ. હૉલમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. સૌ કોઈ માસુમાબીબીની અરજ સાંભળવા આતુર હતા.
જયુરી સમક્ષ હાજર થએલા માસુમાબીબીની ઉમર લગભગ પાંસઠ વર્ષને વટાવી ગઈ હોય તેવું લાગતું હતું. જિંદગીની મજલ કાપતાં કાપતાં ઘણું દુખ વેઠયું હશે તેવું તેમની નબડી પડેલી કાયા ચાડી ખાતી હતી તેમ છતાં તેમના ઉજળા ચહેરા પર રહેલી ખૂદ્દારીની આભા તેમનામાં હજુ પણ જીવન જીવી લેવાની હામ છે તે ઉજાગર કરતી હતી.
મસુમાબીબીએ કહ્યું “ માઈ બાપ, હું કરીમગંજ તહેસિલના ધૂબ્રી શહેરની રહેવાસી છું. મારા દાદા નેતાજી સુભાષચંદ્ર બોઝની “ આઝાદ હિન્દ ફોજ” ના સિપાઈ હતા અને અંગ્રેજો વિરુધ્ધની જંગમાં શહિદ થયા હતા. મારા પિતાજી વ્યાપારી હતા. તેઓ ખૂબ ટૂંકી માંદગીમાં ચાલીસ વર્ષની નાની ઉમરે અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. ભારત અને પૂર્વ પાકિસ્તાનની લડાઈ થઈ ત્યારે હું માંડ અઢાર ઓગણીશ વર્ષની હતી. હું અને મારી મા ધૂબ્રી શહેરના બોર્ડરરોડ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતા.
મારી મા અપંગ અને ખૂબ બીમાર હતી. સૈનિકોની ભારે અવર જવરથી ડરીને અમે અમારી ઝૂંપડીની બહાર નીકળવાની હિંમત કરતા ન હતા. સ્થાનિક અફસરો અને સૈનિકોએ અમને ચેતવણી આપી હતી કે ધૂબ્રી શહેર પૂર્વી પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી ટેન્ક અને તોપોના ગોળાથી અમારી જાનને ખતરો છે માટે અમારે સરકારી આશ્રયસ્થાનોમાં શરણ લેવા ચાલ્યા જવું.
ધીરે ધીરે બધા ઝૂંપડાં ખાલી થવા લાગ્યા હતા પરંતુ મારી મા ખૂબ બીમાર હોવાથી તે પથારીમાંથી ઊભી થઈ શકતી નહતી માટે અમે બંને મજબૂરન ત્યાં પડ્યા રહ્યા હતા. યુધ્ધ લગભગ બાર થી તેર દિવસ ચાલ્યું હતું તેવું મને અત્યારે યાદ છે. એક અઠવાડીયા સુધી અમે ગમે તેમ કરી અમારો ગુજારો કર્યો પરંતુ ઘરમાં રાશન ખલાસ થઈ ગયું એટ્લે હું રાશનની શોધમાં નીકળી. બજાર બંધ હતું તેથી હું જમવાનું કાંઇ મળે તો તે લેવા એક સરકારી આશ્રયસ્થાને પહોચી. મને થોડાક વાસી રોટલા અને એક બિસ્કીટનું પેકેટ મળ્યું. એક પતરાના ડબલામાં થોડુક પીવાનું પાણી અને વાસી રોટલા તેમજ બિસ્કીટનું પેકેટ લઈ જયારે હું અમારી ઝૂંપડી પાસે પહોચી ત્યારે જોયું તો અમારી આખી વસ્તી તોપ કે ટેન્કનો ગોળો પડવાથી ભડભડ સળગી ઉઠી હતી. અમારી ઝૂંપડી પણ સળગી રહી હતી. બીમારી અને અપંગતાના કારણે મારી મા ઝૂંપડીમાંથી બહાર નીકળી શકી ન હતી. આગ ખૂબ તેજ હતી જેથી હું મારી માને બચાવવા લાચાર હતી. હું પરવશ થઈ મારી માને આગમાં જીવતી ભૂંજાઈને રાખ થતી જોઈ રહી. હું પોક મૂકીને રડી પડી પરંતુ મારુ રુદન સાંભળવા કે મને આશ્વાસન આપવા ત્યાં કોઈ હાજર ન હતું. મારી માની દફન વિધિ કરી શકું તેવો તેમનો દેહ બચ્યો નહતો. હું અલ્લાહની મરજી આગળ લાચાર હતી. હું તે દિવસે સાચા અર્થમાં અનાથ થઈ ગઈ હતી. તે રાત્રે હું સરકારી આશ્રયસ્થાનમાં આવી ગઈ.” માસુમાબીબીની આંખોમાંથી વહેતી આંસુની ધારા યુધ્ધની ભયાનકતા અને દારુણતાનો ચિતાર આપવા માટે પૂરતી હતી. માસુમાબીબીની કરૂણ વાત સાંભળી ટ્રાઇબ્યુનલમાં હાજર લોકો પૈકી ઘણાંના હૈયા ભરાઈ આવ્યા હતા અને લગભગ બધાના આંખના ખૂણા ભીના થયેલા જોઈ શકાતા હતા.
નામદાર જજના ઈશારાએ ટ્રાઇબ્યુનલના પટાવાળા દ્વારા લાવવામાં આવેલ પાણીના પ્યાલામાંથી થોડુક પાણી પી માસુમાબીબીએ પોતાની વાત આગળ ચલાવી. સરકારી આશ્રયસ્થાન નિર્ભય ન હતું. મેં ત્યાં માંડ બે દિવસ વિતાવ્યા તે દરમ્યાન મને ઘણી વિટંબણાઓનો સામનો કરવો પડ્યો હતો. મારી પાસે રાશન કાર્ડની માંગણી કરવામાં આવી પરંતુ આમારી વસ્તીમાં લાગેલી આગમાં અમારું સર્વસ્વ સળગી ગયું હોવાથી હું કોઈ દસ્તાવેજો રજૂ ન કરી શકી. ત્યાંના સ્થાનિક અધિકારીએ મને તે દિવસનો ખોરાક આપવાના બહાને તેની કેબિનમાં બોલાવી મારી સાથે બળજબરી કરી મારુ કૌમાર્ય ભંગ કર્યું અને સરકારી આશ્રયસ્થાનમા રહેવા માટે મને જિલ્લાની કચેરીમાંથી મંજૂરી લઈ આવવા કહ્યું.
અધિકારીની કેબિનમાંથી ચૂંથાએલી હાલતમાં રડતી આંખે મને બહાર નીકળતી જોઈ આશ્રયસ્થાનમાં રહેતો એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો “ માસુમા, તારે આશ્રયસ્થાનમાં રહેવા અને સરકારી મદદ મેળવવા માટે તારું નામ રજીસ્ટર કરાવવું પડશે. તારી પાસે રાશન કાર્ડ ન હોવાથી તારે જિલ્લાની ઓફીસમાંથી મંજૂરી લાવવી પડશે. તું મારી સાથે ચાલ. મારે જીલ્લાની ઓફીસમાં ઓળખાણ છે હું તને મંજૂરી આપાવી દઇશ. હું ત્યારે અબુધ હતી. હું તેની વાતોમાં આવી ગઈ અને તેની સાથે કરીમગંજ પહોંચી. તે મને એક સરકારી ઓફીસમાં બે ચાર અધિકારીઓએ સમક્ષ લઈ ગયો.
કેટલીક જગ્યાએ કોરા કાગળો પર મારા અંગૂઠા લીધા.આ બધી વિધિમાં રાત થઈ ગઈ. તે મને એક ધર્મશાળામાં લઈ ગયો ત્યાં તેણે મારી કાયા સાથે રમત માંડી. તે બે મહિના સુધી મને જુદા જુદા સ્થળે લઈ જઇ મારા બદનને ચૂંથતો રહ્યો. બે મહિનામાં તેનું દિલ મારાથી ભરાઈ ગયું એટલે તે મને કલકત્તા લઈ ગયો અને ત્યાંના રૂપ બજારમાં મને વેચી મારી કિંમત વસૂલી રવાના થઈ ગયો.
કલકત્તાના રૂપ બજારમાં તે દિવસે જ રેઇડ પડી. મારી પાસે વેશ્યાગીરી માટેનું લાઇસન્સ ન હોવાથી પોલીસ અન્ય છોકરીઓ સાથે મને પણ પકડી ગઈ. મારૂ મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું. હું બે માસનો ગર્ભ ધરાવતી હતી માટે મને નારી કેન્દ્રમાં મૂકવામાં આવી. મારી પર કેસ ચાલ્યો અને લાઇસન્સ વિના વેશ્યાગીરી કરવા માટે મને દોષિત ઠેરવી મને છ માસની સજા ફરમાવવામાં આવી.”
માસુમાબીબીએ પોતાની વાત આગળ ચલાવી “ માઈ બાપ, સજા પૂરી કરી હું જેલમાંથી બહાર આવી. મારી પાસે જીવવાનો કોઈ આધાર ન હોવાથી હું નારી કેન્દ્રની સંચાલિકાને મળી મને મદદ કરવા આજીજી કરી. તે ખૂબ ભલી બાઈ હતી. તેમણે મને થોડીક આર્થિક મદદ કરી અને એક સેવાભાવી સંસ્થામાં મોકલી આપી. મારા પેટમાં રહેલ બચ્ચાનો જન્મ થવાનો સમય થયો એટલે તે સંસ્થાએ મને એક ઇમદાદી (ચેરિટેબલ) દવાખાને દાખલ કરી. મારી કુંખે એક પુત્રી અવતરી. હું જીવન જીવવા માટે કલકત્તામાં લોકોના ઘરે ઘરકામ કરવા લાગી. હું જે ઘરોમાં ઘરકામ કરતી હતી તે પૈકીનાં એક ઘરમાં સોનાના દાગીનાની ચોરી થઈ. મારા પર તે ચોરીનું આળ મૂકવામાં આવ્યું. પોલીસ મારી ધરપકડ કરી પોલીસ થાણામાં લઈ ગઈ. તેમને મારી માસૂમ દીકરી પર પણ દયા ન આવી. હું તેને ફૂટપાથ પર અલ્લાહના ભરોસે મૂકી તેમની સાથે ચાલી નીકળી. પોલીસ તપાસમાં હું નિર્દોષ પુરવાર થઈ. મને બે દિવસ પછી પોલીસ થાણામાંથી છૂટી કરવામાં આવી. હું પાછી આવી ત્યારે મારી દિકરી ફૂટપાથ પર ન હતી.
માસુમાબીબીએ પોતાની વાત આગળ ચલાવતાં જયુરીને જણાવ્યુ “ હું કાયમ માટે કલકત્તા છોડી આસામ આવી ગઈ. આસામમાં હું કરીમગંજ નજીક નિલમબાજારમાં સ્થાયી થઈ. જીવન જીવવા માટે મારે કોઈના સહારાની જરૂરિયાત હતી. મેં બે વાર નિકાહ કર્યા પરંતુ મને જે કોઈ પુરુષો મળ્યા તેમને મારી કાયામાં રસ હતો તેથી મારો સંસાર તેમની સાથે લાંબો ચાલ્યો નહીં. તે મારી કાયાને માણીને મને ત્યજીને ચાલ્યા ગયા.” માસુમાબીબીનો અવાજ ભારે થઈ ગયો. તેના ગળે ડૂમો બાજી ગયો. તે થોડીક ક્ષણો માટે ભાવુક થઈ ગઈ. તેણે પાણીનો એક ઘૂંટડો ભરી ફરી પોતાની વાત આગળ ચલાવી.“ સાહેબ મેં નીલમબાજારના એક પરામાં શાકભાજી વેચવાનો ધંધો શરૂ કર્યો. બસ ત્યારથી હું ત્યાં રહું છુ. સાહેબ અમારી બધી પેઢીઓ ભારતમાં જન્મી છે અને અમારા બધા પુરખાઓ ભારતીય છે.
માસુમાબીબીએ જયુરીનેઆગળ જણાવ્યુ “ માઈ બાપ, મને વેશ્યાગીરીના અને ચોરીના ઇલઝામમાં કલકત્તાની જેલમાં બે વાર રાખવામા આવી હતી તેના કેટલાક કાગળો મારી પાસે છે ” કહી તેણે તેની પાસેની ગંદી થેલીમાંથી કેટલાક ફાટેલા,ચૂંથાએલા અને ઝાંખા પડી ગએલા કાગળો નામદાર જયુરી સમક્ષ રજૂ કર્યા અને આગળ બોલી “ માઇ બાપ, મારી પર જે કેસ થયા છે તે તમામમાં મારુ કાયમી સરનામું ધ્રૂબી તેહસીલ કરીમગંજ દર્શાવવામાં આવેલ છે તે પુરવાર કરે છે કે હું હિંદુસ્તાની છું માટે મને ભારતીય નાગરિક ગણવામાં આવે તેવી મારી અરજ છે.
જયુરીના સભ્યો પણ માસુમાબીબીની દુખ ભરેલી કહાની સાંભળી ભાવુક થઈ ગયા. થોડીક ક્ષણો કોર્ટ રૂમમાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા. “ ઓર્ડર ઓર્ડર “ કહી ન્યાયાધીશ સાહેબે પોતાના હાથમાં રહેલી લાકડાની હથોળી પછાડી એટલે કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ.
માસુમાબીબીના એડ્વોકેટ રશિદએહમદે આખરી પ્રયાસ રૂપે નામદાર જયુરી સમક્ષ રજૂઆત કરી “ માય લોર્ડ ! માસુમાબીબી પાસે પોતે ભારતીય છે તે પુરવાર કરવા માટેના કોઈ માન્ય દસ્તાવેજી આધાર પુરાવા નથી તેમ છતાં માનવતાના ધોરણે તેને ન્યાય આપવામાં આવે તેવી મારી અરજ છે.”
જયુરીના એક સભ્ય બોલ્યા “ વિદ્વાન એડ્વોકેટશ્રી તમે જાણો તો છો ને કે કાયદામાં આધાર પુરાવાના આધારે દરેક કેસની મુલવણી થાય છે નહીં કે માનવતા કે લાગણીના ધોરણે !”
એડ્વોકેટ રશિદએહમદે મૌન ધારણ કર્યું.
જયુરીના સભ્યોએ આખરી નિર્ણય લેતા પહેલાં ડાયસ પર બેસી ચર્ચા કરી. માસુમાબીબી સરકારે કાયદામાં જોગવાઈ કર્યા મુજબના દસ્તાવેજો ધરાવતી ન હોવાથી તેને ભારતીય નાગરિક માનવા માટે સર્વ સંમતિ ન સધાઈ એટલે જયુરીના સભ્યોએ મતદાનથી નિર્ણય લેવાનું નક્કી કર્યું. ચાર વિરુધ્ધ ત્રણ મતે માસુમાબીબી હારી ગઈ. તે પોતાની ભારતીય નાગરિકતા પુરવાર કરી ન શકી.
જયુરીનો ફેંસલો સાંભળી માસુમાબીબીએ રડતાં રડતાં નામદાર જયુરીના સભ્યોને એક વેધક પ્રશ્ન કર્યો “ માઈ બાપ, મારા પુરખાઓએ આ દેશ માટે પોતાનો જાન કુરબાન કર્યો, આ દેશના નરભક્ષકોએ મારી અસમત આ દેશમાં લૂંટી, મેં મારી દીકરી આ દેશમાં જ ગુમાવી. સ્ત્રી પોતાના જીવનના રહસ્યો કદી કોઇને જણાવતી નથી તેમ છતાં મેં મારી ભારતીય નાગરિકતા પુરવાર કરવા માટે લાજ શરમ નેવે મૂકી આપ સૌ સમક્ષ મારા જીવનની કિતાબ ઉઘાડી મૂકી દીધી તેમ છતાં તે બાબતો ધ્યાને લેવામાં ન આવી શું આપની નજરોમાં એક ગરીબ સ્ત્રીની અસમતનું કોઈ જ મૂલ્ય નથી ...?” ગરીબીના કારણે સરકારી મહેકમામાં રિશ્વત આપી હું જરૂરી દસ્તાવેજ બનાવડાવી ન શકી એટલે હું ભારતીય હોવા છતાં વિદેશી થઈ ગઈ.... શું આ ન્યાય છે માઈ બાપ ?”
માસુમાબીબીના પ્રશ્નોના જયુરીના સભ્યો પાસે કોઈ જવાબો ન હતા કેમકે તેઓ કાયદાથી બંધાએલા બેબસ અને મજબૂર હતા..!
“ હું હવે આ ઉમરે મારો દેશ છોડી ક્યાંય જવા માગતી નથી. હું હિંદુસ્તાની છું અને હિંદુસ્તાની તરીકે જ મ...ર....વા...નું પસંદ કરીશ.“ કહી માસુમાબીબી કોર્ટ રૂમમાં ફસડાઈ પડી.
-આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
- તા. 18-09-2019