લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૯ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૯


લોકડાઉનનો ઓગણીસમો દિવસ:

મીરાંએ નક્કી તો કરી લીધું કે તે સુભાષ સાથે ડિવોર્સ લઇ લેશે, પરંતુ તેને વિચાર આવવા લાગ્યો કે "હું ખરેખર સુભાષથી અલગ થઈને રહી શકીશ? અને શૈલીનું શું? જો શૈલી મારી પાસે રહેશે તો એક પિતાના પ્રેમથી વંચિત રહી જશે, અને જો સુભાષ પાસે રહેશે તો એક માના પ્રેથી વંચિત રહી જશે." સુભાષને તો તેને ડિવોર્સ આપવાનું જણાવી દીધું પરંતુ ડિવોર્સ આપવા કે ના આપવા તેની ગડમથલ ચાલી રહી હતી.

ત્રણ દિવસ જ બાકી હતા, અને મનની મૂંઝવણોનો વર્ષો સુધી ઉકેલ આવે તેમ નહોતો, આજે તો સમય પણ જાણે કીડી વેગે પસાર થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું, સુભાષ માટે સવારે ચા બનાવી અને તે પાછી બેડરૂમમાં જ આવીને બેસી ગઈ હતી, સુભાષ પણ ટીવી ચાલુ કર્યા વગર બેઠક રૂમમાં બેસી રહ્યો હતો. તે પણ કોઈ ઊંડા વિચારમાં ગરકાવગ હતો, તેને પોતાની કરેલી ભૂલો ઉપર પછતાવો થઇ રહી હતો.

મીરાં પોતાનો ફોન લઈને બેઠી,આ વિચારોમાંથી પીછો છોડાવવા માટે તેને કોઈ સાથે વાત કરવાનું મન થયું, પોતાની તકલીફ જણાવવા નહોતી માંગતી કોઈને છતાં પણ આ વિચારોમાંથી સહેજ અળગા થવાય એ માટે તેને પોતાના ફોનમાં નંબર શોધ્યા અને વિચારવા લાગી કે કોને ફોન કરું, અચાનક તેને યાદ આવ્યું, તેની સાથે જ કોલેજમાં ભણતી વૈશાલી સાથે વાત કર્યાને ઘણો સમય થઇ ગયો હતો. ફોન કરતા પહેલા મીરાંએ વૈશાલીને મેસેજ કર્યો, વૈશાલી પણ તેના ઘરે ફ્રી જ હતી, મીરાંનો મેસેજ આવતા જ તેને તરત જવાબ આપ્યો અને કોલ કરવા માટે સામેથી કહ્યું.

વૈશાલી: "ઘણા દિવસે યાદ આવી મારી? ક્યાં ખોવાઈ ગઈ છે આજકાલ?"

મીરાં: "બસ ક્યાંય નહિ, ઘરે જ છું, કામ કાજમાં ફોન કરવાનું રહી જ જાય છે, અને મેં નથી કર્યો ફોન, પણ તું પણ ક્યારેય ક્યાં કરે છે?

વૈશાલી: "જવા દે ને, શું કહું? એટલું ટેંશન છે કે કોઈને ફોન કરવાનું મન જ નથી થતું"

મીરાં: "કેમ શું ટેંશન છે? તારે તો સાસરિયે લીલાલહેર છે, બંગલો, ગાડી, તારા પતિનો મોટો બિઝનેસ, પછી જોઈએ શું ? જીવવા માટે?"

વૈશાલી: "આ બધું ખાલી કહેવાનું છે, હકકીત ત્યારે ખબર પડે જયારે સાથે રહેવાનું આવે છે, પૈસા, ગાડી, બંગલા એ બધાની પ્રેમ આગળ કોઈ કિંમત નથી, જ્યાં પ્રેમ ના હોય ત્યાં આ બધું વ્યર્થ લાગે."

મીરાં: "શું થયું છે વૈશાલી ? કેમ આવી વાતો કરે છે? બધું ઠીક તો છે ને? અને સ્મિત ક્યાં છે?"

વૈશાલી: "સ્મિત એમના ઘરે છે, અને હું મારા પપ્પાના ઘરે, હવે અમારી વચ્ચે કઈ ઠીક નથી, 4 મહિના થયા અમારા અલગ થયે, ડિવોર્સનો કેસ ચાલે છે હવે."

મીરાં: "કેમ અચાનક ડિવોર્સ ? એવું તો શું થઇ ગયું તમારા બંનેની વચ્ચે? અને તારા અને સ્મિતના તો લવ મેરેજ હતા ને? કોલેજમાં તો એ તને કેટલો પ્રેમ કરતો હતો?"

વૈશાલી: "એ સમય જુદો હતો અને અત્યારનો સમય જુદો છે, ત્યારે એ મને પ્રેમ કરતો હતો, હું ત્યારે ખુશ હતી કે મને પ્રેમ કરનાર વ્યક્તિ સાથે મારા લગ્ન થઇ રહ્યા છે, મારા પરિવારની વિરુદ્ધ જઈને મેં સ્મિત સાથે લગ્ન કર્યા, પરંતુ જયારે સાથે રહેવાનું થયું ત્યારે ઘણી હકીકતો ખબર પાડવા લાગી, શરૂઆતના દિવસોમાં તો બધું સારું ચાલ્યું પરંતુ પછી તો મારા સાસુ સસરા અને મારી નણંદની હેરાનગતિ શરૂ થઇ ગઈ, સ્મિતને આ વાત કરું તો એ મારી ઉપર જ ગુસ્સો થવા લાગતો, ધીમે ધીમે એ મારા ઉપર હાથ ઉઠાવવા લાગ્યો, દારૂ પી અને ઘરે આવવા લાગ્યો, નાની નાની વાતોમાં મારી સાથે ઝગડવા લાગ્યો. જે હાથમાં આવે એનાથી મને મારવા લાગ્યો." વૈશાલી રડતા રડતા પોતાની આપવીતી જણાવી રહી હતી.

મીરાં: "આ તો યાર બહુ ખરાબ કહેવાય, કંઈપણ ચાલે પણ હાથ ઉઠાવે એ કેવી રીતે ચાલે ?"

વૈશાલી: "પણ શું થાય? કંઈપણ કરીને મારે સહન કરીને રહેવું પડતું હતું, કારણે કે મારા માતા-પિતા સાથે સંબંધ તો મેં ત્યારે જ તોડી નાખ્યા હતા જે દિવસે મેં સ્મિત સાથે લગ્ન કર્યા હતા, મારી પાસે એ સમયે કોઈ નહોતું, મેં જીવ આપવાના પણ પ્રયત્નો કર્યા પરંતુ એમાં પણ વ્યર્થ ગઈ અને છેલ્લે મેં બધું સહન કરીને જીવી લેવાનું નક્કી કર્યું."

મીરાં: "તારી સાથે આટલું બધું થઇ ગયું તો પણ તે જાણ ના કરી? ભલે તારા માતા પિતાએ તારી સાથે સંબંધ તોડ્યા હતા, પરંતુ હું તો હતી જ ને, હું તને મારા ઘરે રાખી લેતી !"

વૈશાલી: "મારુ દિમાગ જ કામ કરતુ બંધ થઇ ગયું હતું, રોજ રોજનો માર સહન કરવાનો, માનસિક ત્રાસ અને એક દિવસતો હદ જ થઇ ગઈ, સ્મિત રાત્રે દારૂ પી અને ઘરે આવ્યો, મને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું, મેં ના પાડી તો મને બરાબર માર માર્યો અને જબરદસ્તી મારી સાથે સંબંધ બાંધ્યો, એ રાત્રે આખી રાત હું રડતી રહી, દર્દથી પીડાતી રહી, એજ ક્ષણે મને મારો જીવ આપી દેવાનું મન થયું હતું, પરંતુ કોણ જાણે કેમ એ દિવસે મને મારી મમ્મી સાથે વાત કરવાનું મન થયું અને રાત્રે 3 વાગે મેં મારી મમ્મીને ફોન કર્યો, અચાનક મારો ફોન જોઈને મમ્મી પપ્પા પણ હેરાન રહી ગયા, મમ્મીએ ફોન ઉઠાવતા મેં મમ્મીને બધી હકીકત કહી અને એ લોકો સવારે 5 વાગે તો મને લેવા માટે અહીંયા આવી ગયા.અને તે દિવસથી હું મારા ઘરે આવી ગઈ, ઘરે આવીને પપ્પાએ તરત એક વકીલ મારફતે કેસ દાખલ કરાવી દીધો અને હવે કોર્ટની મુદતો ચાલે છે."

મીરાં: "બાપ રે, આટલું બધું ઘટી ગયું તારી સાથે, કેમ કરીને તું યાર આ બધું સહન કરી શકી? મારો સુભાષ તો...." બોલતા બોલતા જ તે અટકી ગઈ, તેના મન સમક્ષ પણ પોતાના ડિવોર્સની વાત યાદ આવી ગઈ અને તેને તરત વાત બદલી નાખતા કહ્યું: "સારું કર્યું તું તારા પપ્પાના ઘરે આવી ગઈ, ભલે છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ના થાય, જોયું ને ? તે ભલે તારા મમ્મી પપ્પાને છોડી દીધા હતા, પરંતુ તારે જયારે જરૂર પડી ત્યારે એ તરત આવીને ઊભા રહી ગયા ને? હવે તો તને શાંતિ હશે ને? અને હા, હવે સ્મિતને ડિવોર્સ જ આપી દેજે."

વૈશાલી: "મીરાં, આપણે જેટલું માનીએ છીએ એટલું સરળ નથી હોતું બધું, હું માનું છું કે મમ્મી પપ્પા મારે જરુર પડી ત્યારે આવીને ઉભા રહી ગયા, પરંતુ હવે હું આ ઘરની સદસ્ય નથી, કુંવારી હતી ત્યાં સુધી આ ઘર મારું હતું, પણ હવે મારા માટે પણ આ ઘર પારકું બની ગયું છે. ભાભીનું મોઢું તો હું આવી તે દિવસથી ચઢી ગયું છે, મજબૂરીમાં રહેવું પડે છે, પણ ગમે તેમ કરી હું ડિવોર્સ લઈશ અને અલગ રહેવા માટે ચાલી જઈશ, અને ડિવોર્સ નહિ મળે તો પણ જો સ્મિત સાથે સમાધાન થઇ જશે તો હું પછી મારા સાસરે ચાલી જઈશ. મારે કોઈના માથે ભાર બનીને જીવન નથી વિતાવવું."

મીરાં: "હા, તારી વાત પણ સાચી છે, એક સ્ત્રી માટે ક્યારેય પોતાનું કોઈ ઘર હોતું જ નથી, જ્યાં પિયરમાં હોઈએ ત્યારે પાર્ક ઘરની અમાનત કહે અને સાસરે આવીએ ત્યારે પાર્ક ઘરેથી આવી એવું બધા સંભળાવે. જો સાસરું સારું મળી ગયું તો કોઈ વાંધો નથી આવતો, નહિ તો ઘણું બધું સહન કરવાનું થાય છે."

વૈશાલી: "એકદમ સાચી વાત છે મીરાં તારી, ચાલ મારી વાત જવા દે, તારે કેવું ચાલે છે સુભાષ સાથે?"

મીરાં પાસે વૈશાલીના આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો, કારણ કે તે સુભાષની વાત કોઈને કહેવા નહોતી માંગતી, તેને તો સુભાષને વચન પણ આપ્યું હતું, પરંતુ વૈશાલીએ પૂછી જ લીધું હતું તો તેને "મારે તો બધું સરસ ચાલે છે." એમ જણાવી દીધું. જમવાનું બનાવવો સમય થયો હતો જેના કારણે મીરાંએ પછી વાત કરવાનું કહીને ફોન મુક્યો.

આખો દિવસ મીરાં એ જ વાત વિચારતી રહી કે તેને શું કરવું જોઈએ? એક તરફ વૈશાલીનું જીવન હતું તો બીજી તરફ તેનું પોતાનું, સુભાષને પણ સમજાઈ રહ્યું નહોતું કે તે આગળ શું કરશે, આજનો દિવસ પણ પૂરો થવા આવ્યો હતો, મીરાં હજુ પણ તેના નિર્ણય ઉપર અડગ હતી. હવે માત્ર બે જ દિવસ બાકી હતા લોકડાઉનના, લોકડાઉન વધવાની સંભાવના પણ હતી. છતાં પણ આગળ શું થશે એનું કઈ નક્કી નહોતું.

(શું વૈશાલીની વાતો સાંભળી અને મીરાંનું મન બદલાશે કે પોતાનો ડિવોર્સ વિશેના નિર્ણય માટે તે વધુ મક્કમ બનશે? નવલકથાના માત્ર હવે બે જ ભાગ બાકી છે, શું થશે નવલકથામાં, ઘૂંટાતા રહસ્યના ઉકેલ માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-20")

લે. નીરવ પટેલ "શ્યામ"