હવેલીનું રહસ્ય - 6 Priyanka Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવેલીનું રહસ્ય - 6

ઘણો સમય પસાર થઈ ગયો પણ હેમિષાબેન બહાર ન આવ્યા. લિપ્તા એમની રાહ જોતી હવેલીની બહાર જ ઉભી રહી. આજે તો એણે નક્કી કર્યું કે એ ગમે એ રીતે હેમિષાબેન પાસેથી આ બધું જાણીને જ રહેશે. બીજી દસેક મિનિટ નીકળી ગઈ. હવેલીમાંથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. લિપ્તા સતર્ક બની અને કોઈને દેખાય નહિ એમ ઉભી રહી. એણે નજર કરી તો હેમિષાબેન એકલા જ આવતા દેખાયા. એમની સાથે પેલો ચાદરથી ઢંકાયેલો માણસ ન હતો. લિપ્તા હેમિષાબેન પાસે જતી જ હતી કે ત્યાં એણે જોયું કે હેમિષાબેન ધ્રુજી રહ્યા હતા. આ હાલતમાં લિપ્તાને કોઈ સવાલ કરવાનું યોગ્ય ન લાગ્યું. આથી એ પણ ચૂપચાપ પહેલાની જેમ જ એમની પાછળ ચાલવા લાગી. ઘરે જઈને ફરી એના રૂમમાં પુરાઈ ગઈ. સુવાનો પ્રયાસ કર્યો પણ ઊંઘ તો ખબર નહિ પાછલા કેટલાય દિવસથી એની વેરી થઈને બેઠી હતી.

ચંદ્ર ધીરેધીરે પોતાની ચાંદની સંકેલી રહ્યો હતો અને પ્રકાશ એટલી જ ઝડપથી પોતાનું સામ્રાજ્ય ફેલાવવા મથતો હતો. આજે લિપ્તાને શરીરમાં ખૂબ જ થાક વર્તાય રહ્યો હતો. કદાચ આટલાં દિવસથી એ સરખી રીતે સૂતી નહોતી એનું જ આ પરિણામ હતું. જેમતેમ કરીને એ પથારીમાંથી ઊભી થઈ અને રોજિંદી ક્રિયાઓમાંથી પરવારી. તૈયાર થઈને ફરી પાદરે જઈને પેલા વૃદ્ધાને મળવા ઉપડી. પહેલા એ મંદિરે ગઈ અને દર્શન કર્યા. એ મંદિરેથી નીકળતી જ હતી ત્યાં જ એને વૃદ્ધા દેખાયા. વૃદ્ધાએ લિપ્તાને પોતે દર્શન કરી લે ત્યાં સુધી રાહ જોવા કહ્યું. લિપ્તાએ હામી ભરી. હવે એ બાકી રહેલો ઈતિહાસ જાણવા ખૂબ જ અધીરી બની હતી. વૃદ્ધાએ દર્શન કર્યા અને પછી લિપ્તા સાથે પાદરે જવા નીકળ્યા.

પાદરે પહોંચીને વૃદ્ધા અને લિપ્તાએ એમની બેઠક લીધી. પછી વૃદ્ધાએ બાકી રહેલો ઈતિહાસ કહેવાનો શરૂ કર્યો, "વનિષ્કા થોડા વખત પછી સ્વસ્થ થઈ. પણ એની સાથે જે બન્યું એનાથી એને પોતાની જાત પ્રત્યે જ અણગમો થઈ ગયો. વનિષ્કા કોઈ સાધારણ યુવતી ન હતી. એનો જન્મ એક વિશેષ નક્ષત્રમાં થયો હતો અને એથી એ ઘણી બધી દૈવીય શક્તિઓ ધરાવતી હતી. થોડો સમય વનિષ્કા એમની એમ જ આઘાતમાં બેસી રહી. પછી કંઈ નક્કી કર્યું હોય એમ ઉભી થઈ. એણે એના હાથમાં ખોબામાં થોડું પાણી ભર્યું. એ પાણીમાં પોતાનું એક આંસુ પણ ઉમેર્યું. પછી કંઈક બોલીને એણે પાણી એ બેઠી હતી એનાથી થોડું દૂર રેડયું. એણે જેવું પાણી રેડયું કે તરત જ આખી હવેલી ભૂકંપ આવ્યો હોય એમ ડગમગી રહી. એ પછી વનિષ્કા ચિત્રદિતને ઉદ્દેશીને બોલી, 'આજ દિન સુધી તું દરેક સ્ત્રીને એક રમકડું સમજીને એમની જિંદગી સાથે રમતો આવ્યો છે. આજે તને નારીશક્તિનો પરચો મળશે. તને ખબર પડશે કે એક સ્ત્રીમાં એટલી તાકાત હોય છે કે એ ધારે તો તારા જેવા હજારને ધરતીની ધૂળ ચટાડતા કરી મૂકે છે. આ પાણી હમણાં થોડી જ વારમાં આગ બનીને પ્રગટશે. મેં જ્યારે અહીં આ પાણી રેડયું ત્યારે તારી આ હવેલીના તમામ બારી-બારણાં બંધ થઈ ગયા હશે. જ્યારે આ અગ્નિ પ્રગટશે ત્યારે હું એમાં સમાય જઈશ પણ સાથે સાથે તારી આ હવેલીમાં રહેલા તમામ જીવોનો પણ નાશ કરીશ. મારો આ હવેલીને શ્રાપ છે કે અહીંયા કોઈ પણ સુખેથી નહિ વસી શકે. અહીંયા વિવિધ કાળી શક્તિઓનો વાસ થશે અને આ સૂકા રણ જેવી વૈરાન થઈ જશે.' થોડા સમય પછી જેમ વનિષ્કા બોલી હતી એમ જ થયું. હવેલીને તો કંઈ નુકસાન ન થયું પણ એમાં રહેલા તમામ લોકો મૃત્યુ પામ્યા."

આટલું બોલી વૃદ્ધા અટક્યા. પછી આગળ વધતા કહ્યું કે, "એ દિવસે મૃત્યુ પામનાર લોકોમાં ઘણા નિર્દોષ અને માસુમો પણ ચિત્રદિતના લીધે કમોતે માર્યા ગયા હતા. બસ ત્યારથી જ આ હવેલી આવી નિર્જન બની રહી છે. જે લોકો કમોતે મર્યા હતા એમની આત્મા હજી સુધી હવેલીમાં ભટકે છે અને કદાચ એ જ કારણ છે કે કોઈ મનુષ્ય આમાં પ્રવેશી શકતો નથી. આમાં માત્ર આત્મા જ પ્રવેશી શકે છે. આત્માની ઈચ્છા વગર મનુષ્ય એક ડગલું પણ હવેલીમાં મૂકી નથી શકતો."

આટલું સાંભળ્યા પછી લિપ્તાએ વૃદ્ધાને પૂછ્યું, "બા, સામાન્ય રીતે તો રાજા મહેલમાં રહેતા હોય છે એમ જ સાંભળ્યું છે. તો પછી રાજા સમ્રાટજીત કેમ આ હવેલીમાં રહેતા હતા?" આ સાંભળી વૃદ્ધા હસ્યાં અને કહ્યું, "રાજા સમ્રાટજીતનો જન્મ કોઈ રાજકુળમાં નહોતો થયો. એ પોતાના કર્મ અને વીરતાના પ્રતાપે રાજા બન્યા હતા. આ હવેલીમાં ઘણા વર્ષોથી રાજા સમ્રાટજીતના પૂર્વજો વસતા હતા. રાજા સમ્રાટજીતના પિતાની છેલ્લી ઈચ્છા એ જ હતી કે એમની આવનાર તમામ પેઢી પણ આ હવેલીમાં જ વસવાટ કરે. આથી જ રાજા સમ્રાટજીત એમના પિતાની ઈચ્છાને માન આપીને રાજા બની ગયા બાદ પણ આ હવેલીમાં જ રહેતા. એમનો મહેલ અહીંથી દસ કિલોમીટરના અંતરે જ આવેલો છે અને આ હવેલી પણ કોઈ મહેલથી ઓછી ભવ્ય નથી."

આ સાંભળી લિપ્તાએ ફરી પ્રશ્ન કર્યો, "જો કોઈ માણસને આ હવેલીની અંદર જવું હોય તો એનો કોઈ રસ્તો નથી?" વૃદ્ધાએ જવાબ આપ્યો, "અહીંથી દસ કિલોમીટરના અંતરે રાજાનો મહેલ છે એ પણ અત્યારે ખંડેર અવસ્થામાં છે. જો કોઈને આ હવેલીમાં જવું હોય તો એનો રસ્તો ત્યાં જ છે પણ એ મહેલમાં પહોંચવું પણ સરળ નથી. ત્યાં ઘણા ચિત્રવિચિત્ર જાળ ફેલાયેલા છે. એ બધાને પાર કરીએ ત્યારે એ મહેલનો પ્રવેશદ્વાર આવે છે. મહેલની અંદર એક જાડો ગ્રંથ છે. એમાં જ અહીં પ્રવેશ કરવાનો માર્ગ દર્શાવેલો છે. એ ગ્રંથ પણ કોઈ સામાન્ય નથી. વનિષ્કાના શ્રાપની અસર એ ગ્રંથ પર પણ છે. એમાં આ હવેલીના ઘણા રહસ્યોનો ઉલ્લેખ થયેલો છે. જો કોઈ મનુષ્ય ત્યાં પહોંચી પણ જાય તો એ ત્યાંથી નીકળી શકતો નથી અને ત્યાં જ પથ્થરની મૂર્તિ બની જાય છે. ત્યાંથી બહાર નીકળવાનો માર્ગ પણ ઘણો કઠિન છે. અત્યાર સુધી ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે પણ કોઈ જ સફળ નથી થયું અને ત્યાં પથ્થરની મૂર્તિ બનીને સ્થિર થઈ ગયા છે."

લિપ્તાએ વૃદ્ધાનો ખૂબ આભાર માન્યો. વૃદ્ધા એમના રસ્તે ચાલ્યા ગયા. લિપ્તા થોડીવાર ત્યાં જ બેસી રહી. એણે વિચાર્યું કે, "જો લક્ષવને શોધવો હોય તો એનું પેલું પગથિયું આ હવેલી જ છે. કંઈ પણ થાય પણ આ હવેલીની અંદર તો જવું જ પડશે." આમ વિચારતા વિચારતા એ ઘરે ઉપડી. ઘરે પહોંચી એ ફ્રેશ થઈ ત્યાં જ એણે હાર્દિબેનના મોઢેથી પોતાનું નામ સાંભળ્યું. એ દોડીને એમની પાસે પહોંચી. આજે ઘણા સમય બાદ હાર્દિબેન કંઈ બોલ્યા હતા. હાર્દિબેનને ધીરેધીરે સ્વસ્થ થતા જોઈ લિપ્તા ઘણી ખુશ થઈ. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે એ ઘણા સમયથી હસવાનું જ ભૂલી ગઈ હતી. આજે એના મોઢા પર હાસ્ય જોઈ હર્ષવભાઈ પણ ખુશ થયા. આજે હાર્દિબેનને લિપ્તાએ જ પોતાના હાથે જમાડ્યું. જમીને હાર્દિબેન લિપ્તાના ખોળામાં જ માથું રાખીને સુઈ ગયા. લિપ્તા પણ થોડીવાર એમની બાજુમાં જ આડી પડી અને પછી પોતાના રૂમમાં ગઈ. રૂમમાં જઈને એણે પલંગ પર જોયું તો એક ચિઠ્ઠી હતી અને સાથેસાથે એક કવર પણ હતું.

શું લિપ્તા હવેલીનો ઈતિહાસ જાણ્યા પછી એમાં પ્રવેશી શકશે? એ મહેલમાં જઈને રહસ્યોના ગૂંચવાળાને ઉકેલીને બહાર આવી શકશે ખરી? કે પછી એ પણ પથ્થરની મૂર્તિ જ બનીને રહી જશે? અને આ ચિઠ્ઠી કોણ લખતું હશે? અને આ વખતે ચિઠ્ઠીની સાથે જે કવર હતું એમાં શું હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."