હવેલીનું રહસ્ય - 1 Priyanka Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવેલીનું રહસ્ય - 1


આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. લાગે છે કે આકાશ હમણાં જ મન મુકીને વરસી પડશે. આવા વાતાવરણમાં લિપ્તા ગામની બહાર આવેલી હવેલી તરફ ડગ માંડી રહી છે. આ હવેલી હજારો વર્ષ જૂની છે. ગામલોકોના મત મુજબ આ હવેલી પર કાળી શક્તિઓનો કબ્જો છે. વર્ષોથી આ બંધ જ પડી છે. એની અંદર જવાનું તો દૂર પણ લોકો અંધારું થતાં આની આસપાસ પણ ફરકતા નથી. રાત પડતાની સાથે જ હવેલીનો આ રસ્તો સાવ નિર્જન અને બિહામણો થઈ જાય છે.

આ બધી જ વાતોની જાણ હોવા છતાં લિપ્તાએ આજે અમાસની રાતે એ હવેલી પર જવાનું સાહસ કર્યું છે. પરિણામથી અજાણ લિપ્તા પોતાની મંજિલ સુધી પહોંચે છે. ભયથી ફફડતા હાથે એ હવેલીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. ઘણાં સમયથી આ દરવાજો ઉપયોગમાં ન હોવાથી જામ થઈ ગયો છે. મહામહેનતે એ દરવાજો ખોલે છે. લિપ્તાના પ્રવેશ કરતાની સાથે જ હવેલીનો દરવાજો બંધ થઈ જાય છે. લિપ્તા ડરીને દરવાજા તરફ જોવે છે. પણ પછી કંઈક વિચારીને આગળ વધે છે. હજી તો માંડ એ દસ ડગલાં ચાલી હશે ત્યાં જ અચાનકથી જ કાળા અંધારા વચ્ચે હવેલીની બધી જ મશાલ એકસાથે જ પ્રજ્વલિત થાય છે. અચાનક થયેલા ઉજાશથી લિપ્તાના ભયમાં વધારો થાય છે.
છતાં એ આગળ વધે છે.

લિપ્તા જેમ જેમ આગળ વધે છે એમ એમ એનો ડર વધતો જ જાય છે. કોઈ એનો પીછો કરતું હોય એમ એ અનુભવે છે. એણે પાછળ જોયું અને જોરથી બૂમ પાડી, "કોણ છે?" પણ એને કોઈ પ્રત્યુત્તર મળતો નથી. એ પોતાના મનનો વહેમ માની ફરી આગળ ડગ માંડે છે ત્યાં જ એને કોઈની ચીસ સંભળાય છે. એણે આજુબાજુ જોયું તો કોઈ નજરે પડતું નથી. એ ફરી આ બધું અવગણી આગળ વધવા જાય છે ત્યાં જ એની નજર સામે એક લટકતું કંકાલ આવે છે. હવે ચીસોની જગ્યા અટ્ટહાસ્યએ લીધી છે અને એ વાતાવરણને વધુ બિહામણું બનાવે છે. લિપ્તાને લાગે છે કે હવે એ આગળ નહિ વધી શકે. એ મદદ માટે બુમો પાડે છે. પણ અત્યારે ત્યાં કોણ હોય જે એને મદદ કરે? અંતે ડરના લીધે એ ત્યાં જ બેભાન થઈ જાય છે.

સવાર પડે છે. હવે રાતના કાળા અંધારાની જગ્યા સુરજના કિરણોએ લીધી છે. પક્ષીઓ પણ માળો છોડીને ખોરાકની શોધમાં નીકળી પડ્યા છે. આખું વાતાવરણ નરસિંહ મહેતાના પ્રભાતિયાંથી ગુંજી ઉઠ્યું છે. લોકો પણ પોતાના કામધંધે જવા નીકળી ગયા છે. આવામાં ગામના એક માણસની નજર હવેલી પર જાય છે. એ જોવે છે તો હવેલીનો દરવાજો ખુલ્લો છે અને અંદરથી વિચિત્ર અવાજ આવી રહ્યા છે. એ માણસ જલ્દીથી ગામમાં જાય છે અને બધા ગામલોકોને આ વાત જણાવે છે. ગામના લોકો વિચારમાં પડી જાય છે કે, "આ દરવાજો ખોલનાર હશે કોણ?" અંતે બધા ગામલોકો એકસાથે મંદિરના પૂજારીને લઈને હવેલીમાં જવાનું નક્કી કરે છે.

બધા લોકો હવેલીએ પહોંચે છે. હજી પણ અંદરથી બિહામણા અવાજ આવવાના ચાલુ જ છે. પુજારી હાથમાં ભભૂત લઈને કંઈક મંત્ર બોલીને હવેલીના ઉંબરાની વચ્ચોવચ્ચ ફૂંકે છે. થોડીવારમાં અવાજ બંધ થાય છે. ગામલોકોમાં થોડી હિંમત આવે છે અને બધા એકસાથે હવેલીની અંદર પ્રવેશ કરે છે. ત્યાં જ ગામના પુજારી કહે છે, "કાલ રાત્રે અહીંયા કોઈ જરુરથી આવ્યું છે. કાલે અમાસની રાત હતી. આનું પરિણામ ખૂબ જ ખરાબ હશે. કાલે જે કોઈ પણ અહીંયા આવ્યું હશે એને અહીંની આત્માએ બહાર નહિ નીકળવા દીધું હોય અને એ પણ શક્ય છે કે આત્માએ એની બલિ આપી હોય. બધા જલ્દી ચારેતરફ ફેલાય જાવ અને જોવો કોઈ મળે છે કે નહીં."પુજારીની વાત માનીને ગામલોકો આખી હવેલીમાં ફેલાય જાય છે.

કોણ હશે આ લિપ્તા? અને બધું જાણતી હોવા છતાં કેમ એ હવેલીમાં ગઈ હશે? રાત્રે હવેલીમાં એની સાથે શું થયું હશે? શું ખરેખર એની બલિ ચડવાઈ હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલીનું રહસ્ય."