Hawelinu Rahashy - 11 books and stories free download online pdf in Gujarati

હવેલીનું રહસ્ય - 11આજે હાર્દિબેનને હોસ્પિટલમાંથી રજા આપી હતી. હાર્દિબેનને હજી ભાન નહોતું આવ્યું પરંતુ ડૉક્ટરના મત પ્રમાણે હાર્દિબેન ઘરના વાતાવરણમાં જલ્દી સાજા થઈ શકે એમ હતા. ઘરના વાતાવરણમાં હાર્દિબેન વધારે અનુકૂળ રહેતા એમના ઘરે જ ભાનમાં આવવાની શક્યતા વધારે હતી. આ પંદર દિવસમાં લિપ્તા એક સેકન્ડ માટે પણ હાર્દિબેનથી દૂર નહોતી ગઈ. એમની બધી જ જવાબદારી લિપ્તાએ જાતે જ ઉપાડી લીધી હતી. લિપ્તા હવે પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ હતી. એ આખો દિવસ હાર્દિબેન સામે જોયા કરતી અને પછી હેતાંશભાઈના ફૂલ ચઢાવેલા ફોટો સામે. એના પર હવે સુખ કે દુઃખની કોઈ જ અસર નહોતી થતી. એના મોઢા પર ના તો ખુશીની લહેર જોવા મળતી કે ના તો ગમના આંસુ. પરિસ્થિતિએ લિપ્તાને જડ બનાવી દીધી હતી. જ્યારે જીવનમાં હદ વગરનું દુઃખ પડે ત્યારે માણસ એ દુઃખ માટે રડી પણ નથી શકતો. અત્યારે લિપ્તાના જીવનમાં પણ કંઈક આવું જ ચાલતું હતું. પહેલા લક્ષવનું એકાએક ગુમ થવું, પછી હેતાંશભાઈનું અચાનક પરલોક સિધાવવું અને હવે હાર્દિબેનનું કોમામાં સરી પડવું. આ બધી ઘટનાઓએ લિપ્તાના મનમસ્તિષ્ક પર ઊંડી અસર પાડી હતી. આ પંદર દિવસમાં લિપ્તા એકવાર પણ શાંતિથી નહોતી ઊંઘી. ક્યારેક એને ઊંઘ આવી જાય તો પણ એ ઝબકીને જાગી જતી.

હાર્દિબેનને ઘરે લાવ્યા એને આજે બે દિવસ થઈ ગયા હતા છતાં પણ ના તો હાર્દિબેનની હાલતમાં સુધારો હતો કે ના લિપ્તાની હાલતમાં. હેમિષાબેન અને હર્ષવભાઈ લિપ્તાની આ હાલત જોઈને મનમાંને મનમાં મૂંઝાયા કરતા. હેમિષાબેન તો પર્વ અને લક્ષવને શોધવાની કડીરૂપી લિપ્તા ખોઈ દીધી હોય એમ અનુભવતા. લિપ્તા પણ હાર્દિબેનની સેવાચાકરી વચ્ચે એ વાત વિસરી ગઈ હોય એમ લાગતું હતું. ઘરમાં આખો દિવસ ખૂબ જ તણાવયુક્ત માહોલ રહેતો.

હવેલીમાં આત્માની શક્તિ દિવસેને દિવસે ક્ષીણ થતી જતી હતી. ચિત્રદિતે એમની શક્તિઓ હરવા કોઈ રમત રમી હોય એમ આત્માને લાગતું. ચિત્રદિતની નવું રચેલું સુરક્ષાકવચ તોડવાની તૈયારીઓ પણ ચાલુ જ હતી. આત્માને એમ પણ ખબર પડી હતી કે ચિત્રદિતે કોઈ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. એ તાંત્રિક ઘણી જ પહોંચેલી માયા હતી. એ ઘણી બધી ગુપ્ત શક્તિઓનો જાણકાર હતો. ચિત્રદિતે એને લિપ્તા પર નજર રાખવાનું કહ્યું હતું. લિપ્તાની રજેરજની માહિતી તાંત્રિક ચિત્રદિત સુધી પહોંચાડતો. લિપ્તા આ બધી જ વાતથી અજાણ હતી. આત્માની અને લિપ્તાની ઘણા દિવસથી કોઈ મુલાકાત નહોતી થઈ. આત્માને લાગતું હતું કે મહામુશ્કેલીથી મળેલો સપનામાં લિપ્તાને સતર્ક કરવાનો ઉપાય નિષ્ફળ થતો હતો. આત્માને પોતે કોઈ પણ હાલતમાં લક્ષવ અને પર્વને એકલા મુકવાનું જોખમ પાલવે એમ નહોતું. પહેલા તો માત્ર ચિત્રદિત જ હતો અને હવે તો ચિત્રદિતની સહાયતા માટે એક તાંત્રિક પણ હતો.

ચંદ્રએ સૂરજને વિદા આપીને ચાંદની પ્રસરાવવાનું કાર્ય આરંભી દીધું હતું. લિપ્તા હાર્દિબેનને દવા આપીને એમની બાજુમાં જ બેઠી હતી. એ હાર્દિબેનના માથાને પોતાના ખોળામાં લઈ વ્હાલથી પંપાળતી હતી. એટલામાં જ હેમિષાબેન આવ્યા. લિપ્તાએ એમની સામે નજર નાખી અને ફરી એ જે કરતી હતી એ કરવા લાગી. લિપ્તાનું શરીર હવે આટલા દિવસના ઉજાગરાથી થાકી ગયું હતું. એના શરીરને આરામ જોઈતો હતો પણ લિપ્તા એ માનવા તૈયાર જ નહોતી. એની બસ એક જ જીદ હતી કે જ્યાં સુધી હાર્દિબેન સાજા ન થાય ત્યાં સુધી એ એમની પાસેથી નહિ ખસે. હેમિષાબેને લિપ્તાને ઘણીવાર સમજાવી અને આજે ફરી સમજાવવા આવ્યા હતા. હેમિષાબેને લિપ્તાને ઘણું કહ્યું પણ એ ન માની. આખરે હેમિષાબેને એને લક્ષવને બચાવવાનું યાદ અપાવ્યું ત્યારે લિપ્તા આરામ કરવા તૈયાર થઈ. એ હા-ના કરતી અસમંજસમાં એના રૂમમાં ગઈ.

રૂમમાં જઈને એ ઘડીવાર માટે બેઠી. આજે ઘણા સમય બાદ એ આટલી શાંતિથી બેઠી હતી. ઘણા બધા દિવસોનો ઉજાગરો હોવાથી એ ક્યારે બેઠાબેઠા જ નિંદ્રાધીન થઈ ગઈ એની એને પોતાને પણ ખબર ન પડી. એણે ઊંઘમાં ફરી પાછું એ જ સપનું જોયું. સપનામાં એના દાદી હતા અને લક્ષવ તથા પર્વ એમની પાસે જ ઢળેલા પડ્યા હતા. એના દાદી એને કહી રહ્યા હતા કે, "હવે વધારે સમય નથી. જો તું આવનારી અમાસે હવેલીમાં નહિ આવે તો કંઈ ન ઘટવાની ઘટના ઘટી જશે. ચિત્રદિત તારા પર નજર રાખે છે એટલે હવે તારે થોડું સંભાળીને રહેવું પડશે. તારે હવે સમય વેડફયા વગર કાલે જ મહેલની અંદર જઈને અહીંયા આવવાનો માર્ગ શોધવો પડશે. હવે હું તને રૂબરૂ નહિ મળી શકું. તારે મારી કોઈ પણ મદદની જરૂર હોય તો તું ધ્યાનપૂર્વક મને યાદ કરજે. હું આવી જ રીતે તારી મદદ કરીશ."

સપનું પૂરું થતા જ લિપ્તા સફાળી જાગી ગઈ. ખૂબ જ અપરાધભાવ સાથે એણે વિચાર્યું કે જાણ્યેઅજાણ્યે પોતે હાર્દિબેનને ન્યાય કરવા જતાં લક્ષવને કેટલો મોટો અન્યાય કરી બેઠી છે. જો એને આ વાતની ખબર પડવામાં મોડું થાત તો લક્ષવનું શું થાત એ વિચારતા જ એ કાંપી ઉઠી. લિપ્તાએ મનોમન પોતાને સદબુદ્ધિ આપવા બદલ ભગવાનનો આભાર માન્યો. એણે ઘડિયાળમાં જોયું તો સવારના પાંચ વાગ્યા હતા. એણે ફરી સુવાનું માંડી વાળ્યું. એ ઉઠી અને રોજિંદી ક્રિયાઓમાં પરોવાઈ ગઈ. તૈયાર થઈ અને હાર્દિબેન પાસે ગઈ. ત્યાં હેમિષાબેન પહેલાથી જ હતા. એણે હેમિષાબેનને સપનાની વાત કહી. વાત સાંભળી હેમિષાબેન પણ ચિંતામાં પડી ગયા. એમને પણ કોઈ અણધારી ઘટના ના ઘટે એનો ભય લાગવા લાગ્યો.

જોતજોતામાં આખો દિવસ વીતી ગયો. લિપ્તા આખો દિવસ એને આવેલા સપના વિશે વિચારતી રહી. ભાસ્કરદેવતાને પણ જવાની ઉતાવળ હોય એવી રીતે આજે એને વહેલી રાત પડી હોય એમ લાગ્યું. અંધારામાં ચંદ્રદેવ વાદળો સાથે સંતાકૂકડી રમતા રમતા વરસાદને આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા. મનુષ્ય પોતાના ભાવો વાતાવરણમાં શોધી જ લે છે એમ લિપ્તાને પણ આજે વાતાવરણ પોતાના જેવું જ શાંત અને ઉદાસ લાગ્યું. એને આ શાંતિ કોઈ તુફાનનો સંદેશો આપતી હોય એવું લાગ્યું. આજે તો રાતે એને એકલીએ જ મહેલમાં જવાનું હતું. એને પોતાના હાથમાં બાંધેલ બાજુબંધ આજે ઝગમગતો હોય એમ લાગ્યું. એણે એના દાદીને યાદ કર્યા. એમણે કહ્યું હતું એ પ્રમાણે એણે ધ્યાન ધર્યું છતાં પણ કેમેય કરીને એનો દાદી સાથે સંપર્ક નહોતો થતો. એના મનનો ઉચાટ વધતો જ જતો હતો. આજે એને પોતાના મનની વાત કોને કહેવી એ જ નહોતું સમજાતું.

બાર વાગતાની સાથે જ લિપ્તા ઘરની બહાર નીકળી. હેમિષાબેને એને સાચવીને જવા કહ્યું. લિપ્તાએ એમની સામે જોઇને હામી ભરી અને પગપાળા જ પોતાના લક્ષ્ય તરફ આગળ વધી. એને મહેલ સુધી પહોંચતા ખાસ્સો એવો સમય લાગ્યો. આખા રસ્તે એને દાદી ઘણા યાદ આવ્યા. એ મહેલના પ્રવેશદ્વાર પાસે પહોંચી કે ત્યાં જ મેઘરાજાની સવારી આવી પહોંચી. વરસાદના છાંટા શરૂ થઈ ગયા હતા. વરસાદથી બચવા એણે જલ્દીથી મહેલની અંદર જવાનું વિચાર્યું. એણે જેવો દરવાજો ખોલવા હાથ લંબાવ્યો કે એની ફરતે એક ગોળાકાર કવચ જેવું બની ગયું. એ કવચ બાજુબંધમાંથી આવતા દિવ્ય પ્રકાશથી બન્યું હતું. એણે જેવો દરવાજો ખોલ્યો કે તરત જ એની સામે ક્યાંકથી એક તીર આવ્યું. કવચ પાસે આવતા જ તીર નીચે પડી ગયું. આવા અચાનક થયેલા પ્રહારથી લિપ્તાના ધબકારા વધી ગયા હતા.

લિપ્તા પર આમ અચાનક કોણે પ્રહાર કર્યો હશે? શું એ ચિત્રદિતની કોઈ ચાલ હશે? લિપ્તાના માર્ગમાં આવા બીજા કયા અવરોધો આવશે? શું લિપ્તા આ બધા અવરોધને પાર કરી શકશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED