લિપ્તાએ મોજાને પોતાની પાસે રાખ્યું અને હવેલીનો દરવાજો ખોલ્યો. હવેલી ઘણાં સમયથી બંધ હોવાથી લિપ્તાને દરવાજો ખોલવામાં સારી એવી મહેનત કરવી પડી. જેવો દરવાજો ખુલ્યો કે એ તરત જ અંદર પ્રવેશ કરવા ગઈ પણ હજી તો એ હવેલીનો ઉંબરો ઓળંગવા જતી હતી કે ત્યાં જ એને કંઈ કરંટ જેવું અનુભવાયું. એના ઝટકાથી એ દૂર જઈને પડી. પડવાના લીધે એને હાથમાં સામાન્ય ઈજા થઈ. એ ઉભી થઈ અને ફરી દરવાજા પાસે ગઈ. કોઈ અજાણી શક્તિ એના પગ ખેંચી રહી હોય એમ એને લાગ્યું. દરવાજાની અંદરથી કોઈ જોર જોરથી હસી રહ્યું હોય એવો અવાજ આવતો હતો. ધીરેધીરે એ અવાજ વધતો જતો હતો. હવે તો અવાજની તીવ્રતા એટલી વધી ગઈ હતી કે એના લીધે લિપ્તાનું માથું ચકરાવા લાગ્યું. એણે અવાજથી બચવા પોતાના કાનને હાથથી ઢાંકી લીધા અને ત્યાંથી નીકળવા લાગી.
એ દસ ડગલાં ચાલી હશે કે ત્યાં જ એણે આસપાસની બધી વસ્તુઓ ઝાંખી પડતી હોય એમ અનુભવ્યું. એને આંખોમાં પણ બળતરા થવા લાગી. એણે આંખોને બંધ કરી. એણે જેવી આંખો બંધ કરી કે તરત જ એને એક અવાજ સંભળાયો : "તું આટલી સરળતાથી આ હવેલીમાં પ્રવેશ નહિ કરી શકે. એના માટે તારે આ હવેલીનો ઇતિહાસ જાણવો પડશે, એને સમજવો પડશે. એમાં રહેલા ઘણાં બધા રહસ્યોને જાણવા પડશે. અત્યારે આ હવેલીમાં માત્રને માત્ર આત્મા જ પ્રવેશ કરી શકશે." અવાજ સંભળાતો બંધ થયો. સાથે જ એની આંખોની બળતરા તેમજ આસપાસની ઝાંખપ પણ જતી રહી. એણે વિચાર્યું, "આ શક્તિ છે કોણ જે મને આ રીતે મદદ કરે છે? એ વ્યક્તિ છે કે કોઈ આત્મા?" આમ વિચારતા વિચારતા એણે આજુબાજુ બધે જ નજર ફેરવી જોઈ પણ કોઈ દેખાતું ન હતું. ત્યાં કોઈ માણસ તો દૂર પણ દૂર દૂર સુધી કોઈ પ્રાણીના એંધાણ પણ નહોતા વર્તાતા. વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી. આ શાંતિને ચીરતા લિપ્તાના પગરવ ઘરે પહોંચ્યા. એ ખૂબ જ સાવધાનીથી ઘરમાં ગઈ કે જેથી કોઈ જાગી ન જાય. પોતાના રૂમમાં ગઈ અને સુવા માટે પથારીમાં આડી પડી પણ ઊંઘ તો એને આવતી જ નહોતી. એને લક્ષવના જ વિચાર આવતા હતા. હવે તો એને વિશ્વાસ થઈ ગયો હતો કે લક્ષવના ગુમ થવાની ઘટના હવેલી સાથે ક્યાંકને ક્યાંક તો જોડાયેલી છે. એણે ભગવાનને મનોમન લક્ષવની રક્ષા કરવાની પ્રાર્થના કરી અને
સુવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
સવાર પડી. પક્ષીઓના કલરવથી લિપ્તાની આંખ ખુલી. એ જલ્દીથી તૈયાર થઈ અને હવેલી વિશે હેમિષાબેન સાથે વાત કરવાનું નક્કી કરી એ એમની પાસે રસોડામાં ગઈ. થોડી આડીઅવળી વાત કર્યા પછી એણે હેમિષાબેનને સીધું જ પૂછ્યું, "ગામના પાદર પાસે જે હવેલી છે એ કેમ આવી નિર્જન અને સુમસામ છે?" લિપ્તાનો આ પ્રશ્ન સાંભળી હેમિષાબેન થોડીવાર તો લિપ્તાને તાકી રહ્યા. એમના કપાળ પર પરસેવો વળવા માંડ્યો. પછી કંઈ થયું જ ન હોય એમ સ્વસ્થતા કેળવતા એમને જવાબ આપ્યો, "એ હવેલી...? એના વિશે તો મને કંઈ ખાસ જાણકારી નથી. તું પણ સવાર સવારમાં આ બધી વાતો છોડ અને જલ્દી હાથ ચલાવ. હજી તો ઘણાં કામ બાકી છે." આમ બોલીને હેમિષાબેન રસોડામાંથી બહાર નીકળી ગયા. લિપ્તાના પ્રશ્નથી હેમિષાબેનના વર્તનમાં આવેલો બદલાવ આ વખતે લિપ્તાએ નોંધ્યો. એને સમજાયું નહીં કે હેમિષાબેન હવેલીનું નામ સાંભળીને આટલું અજુગતું વર્તન કેમ કરતા હતા પણ આ બધી વાતોથી વધારે મહત્વ એ હતું કે એ કોઈ એવા માણસને મળે કે જે એને હવેલીનો ઇતિથી અંત સુધીનો ઇતિહાસ જણાવી શકે.
લિપ્તાએ ઘણું વિચાર્યું. પણ એને કોઈ પણ એવો વ્યક્તિ ના સૂઝયો કે જે એની મદદ કરી શકે. લિપ્તા જ્યારે પણ કોઈ મૂંઝવણ અનુભવતી ત્યારે એ મંદિરે જઈને ભગવાનને પગે લાગતી. આ વખતે પણ એણે એ જ કર્યું. આમ પણ લક્ષવ અને એ છેલ્લે મંદિરમાં જ મળ્યા હતા. એ મંદિરે પહોંચી ત્યાં જ એને લક્ષવ યાદ આવ્યો. એ મનોમન જ બોલી, "ભલે ગમે તે થાય પણ હું તને શોધીને જ રહીશ લક્ષવ." ભગવાનને પગે લાગી અને ત્યાં જ થોડા સમય સુધી બેસી રહી. એ બેઠી હતી ત્યાં જ એણે એક વૃદ્ધાને જોયા. એમને સીડી ઉતરવામાં તકલીફ પડી રહી હતી. લિપ્તા ઉભી થઈને એ વૃદ્ધા પાસે ગઈ અને એમને સીડી ઉતારવામાં મદદ કરી. વૃદ્ધાએ લિપ્તાનો આભાર માન્યો. વાતવાતમાં લિપ્તાને જાણવા મળ્યું કે એ વૃદ્ધા આ જ ગામના છે. એણે વિચાર્યું કે, "આ બાને તો અહીંની બધી જ જાણકારી હશે. એમને આ હવેલી વિશે પણ કંઈક તો ખબર જ હશે. એમને એકવાર તો હવેલી વિશે પૂછવું જ જોઈએ." આમ વિચારી એ વૃદ્ધાને એમની સંમતિથી ગામના પાદરે લાવી.
બંને જણ ત્યાં બેઠા. મોકો જોઈને લિપ્તાએ વૃદ્ધાને હવેલી વિશે પૂછ્યું, "બા, તમે લાંબા સમયથી અહીંયા રહો છો. તમને તો આ હવેલી વિશે પણ ખબર હશે ને? આનો ઇતિહાસ શું છે એ કહેશો તમે મને?" વૃદ્ધાએ લિપ્તા સામે જોઈને કહ્યું, "હા કેમ નહિ. આ હવેલી હજારો વર્ષ જૂની છે. હવેલી એની અંદર ઘણા રહસ્યો સંઘરીને બેઠી છે. એક જમાનામાં અહીં રાજા સમ્રાટજીત વસતા હતા. એ સ્વભાવે દયાળુ અને પરોપકારી હતા. આનાથી તદ્દન વિરુદ્ધ એમનો પુત્ર રાજકુમાર ચિત્રદિત અહંકારી અને સૌને રંજડવાની વૃત્તિ ધરાવતા હતા. ચિત્રદિતે પોતાની જુવાનીમાં ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી હતી. સમ્રાટજીતે ઘણીવાર ચિત્રદિતને સમજાવ્યા પણ અહંકારના નશામાં ચૂર ચિત્રદિત કોઈને ગાંઠતા ન હતા. એ પ્રજા પર પણ ઘણો ત્રાસ ગુજારતા. લોકોના ખેતરનો પાક નષ્ટ કરતા, કોઈની નાનીસરખી ભૂલ માટે પણ એ મૃત્યુદંડ આપતા. રાજા સમ્રાટજીત પોતાની પ્રજાની આ મુશ્કેલીઓ સમજતા પણ કંઈ કરી શકતા હતા. ગમે એમ પણ ચિત્રદિત એમનો એકનો એક પુત્ર હતો. એ પોતાના જ લોહી સામે કેમ કરીને બળવો પોકારે? આમને આમ ઘણો વખત ચાલ્યું. હવે તો રાજા સમ્રાટજીત પણ આ બધાથી કંટાળી ગયા હતા. એમણે હવે ચિત્રદિતને સમજાવવાનું પણ બંધ કરી દીધું હતું. આથી ચિત્રદિત બેકાબુ સાંઢની જેમ બધાને પજવતો. પ્રજાનો રાજા પરથી ભરોસો ઉઠી ગયો હતો. આવી જ એક સાંજે ચિત્રદિતની નજર ગામના એક જમીનદાર રાયચંદની દિકરી વનિષ્કા પર પડી. વનિષ્કાની સુંદરતા સ્વર્ગની સુંદરીને પણ શરમાવે એટલી અનુપમ હતી. એની સુંદરતાની ચર્ચા ગામોગામ થતી. પણ વનિષ્કા કોઈને પણ ભાવ ન આપતી. વનિષ્કા જેટલી દેખાવે સુંદર હતી એટલી જ સ્વભાવે વિવેકી હતી. ચિત્રદિત વનિષ્કાને જોઈને આભો રહી ગયો. અત્યાર સુધી એણે ઘણી છોકરીઓને જોઈ હતી પણ વનિષ્કાની તો વાત જ અલગ હતી. જો અત્યાર સુધી ચિત્રદિતે જોયેલી બધી છોકરી સુંદર હતી તો વનિષ્કા સુંદરતાની રાણી હતી. હવે ચિત્રદિત વનિષ્કા પર મોહી ગયો હતો. હવે એ રાતદિવસ વનિષ્કાને પોતાની જાળમાં કઈ રીતે ફસાવવી એ જ વિચારતો રહેતો. આખરે એક દિવસ એને મોકો પણ મળી ગયો. એને મળેલી માહિતી મુજબ રાયચંદ અને એમના પત્ની પાંચ દિવસ માટે જરૂરી કામથી બહાર ગયા હતા. આ સમયગાળા દરમિયાન વનિષ્કાના ઘરે એની સાથે ખાલી એના વૃદ્ધ દાદીમાં હતા." આટલું બોલ્યા પછી વૃદ્ધાને ઉધરસ આવી. એ કેમય કરીને થોભવાનું નામ જ નહોતી લેતી. વૃદ્ધા લિપ્તાને સાંજે મળીને આગળનો ઇતિહાસ જણાવવાનો વાયદો કરી એમના ઘર તરફ ચાલ્યા. લિપ્તાએ પણ ઘર તરફ પ્રયાણ કર્યું.
લિપ્તાને મદદ કરનાર એ અજાણી શક્તિ કોણ હશે? હવેલીનું નામ સાંભળી હેમિષાબેન કેમ ડઘાઈ ગયા? શું એ હવેલીનું કોઈ રહસ્ય જાણતા હશે? અને જાણતા હશે તો લિપ્તાને ક્યાં કારણોસર નહિ જણાવતા હોય? હવેલીનો આગળનો ઇતિહાસ શું હશે? અને ઇતિહાસ જાણ્યા પછી લિપ્તા હવેલીની અંદર જઈ શકશે ખરી? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."