લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૭ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૭


લોકડાઉનનો સત્તરમો દિવસ:

મીરાં આજે સવારથી રાત થવાની રાહ જોઈ રહી હતી, આજે તેનો સમય પણ પસાર થઇ રહ્યો નહોતો, સુભાષ સાથે ચા પીતા વખતે પણ બંને વચ્ચે કોઈ વાત ના થઇ અને તે રસોડામાં પોતાના કામમાં લાગી ગઈ, સુભાષ બેઠકરૂમમાં જ બેઠા બેઠા વિચારી રહ્યો હતો કે કેવી રીતે મીરાં સામે પોતાના ભૂલની કબૂલાત કરી શકશે?

"મીરાંનો સ્વભાવ તો ગુસ્સાવાળો છે, એ તો મેં છેલ્લા ત્રણ વર્ષમાં અનુભવી લીધું છે, હવે જયારે મારા કરેલા આ ખોટા કામ વિષે મીરાંને જાણ થશે ત્યારે શું થશે? શું મીરાં મને માફ કરી શકશે?" આ પ્રશ્નો સુભાષના મનમાં ઘેરાતા ચાલ્યા જતા હતા. "મેં જ સામેથી મીરાંને આ વાત જણાવવાનું કહ્યું છે જેના કારણે આ વાત તો તેને કહેવી જ પડશે, કાલે કદાચ કોઈ બીજા દ્વારા કે બીજી રીતે મીરાંને આ વાતની ખબર પડશે તો પરિણામ જુદું આવી જશે. તેના બદલે આજ યોગ્ય સમય છે મીરાંને બધી વાત જણાવવાનો, અને મીરાંએ આ વાતનો સ્વીકાર ના કર્યો તો ? મને માફ ના કર્યો તો? શું હું સમજાવી શકીશ મીરાંને?" આ વાતની ચિંતાથી તેને પરસેવો થવા લાગ્યો? પરંતુ પાછો એક વિચાર તેના મનમાં જળહળી ઉઠ્યો, કે "ક્યાં સુધી તે મીરાંને અંધારામાં રાખશે?, અને આ રીતે તેને છેતરીને નવા જીવનની શરૂઆત કરવી પણ યોગ્ય નહિ ગણાય, માટે મીરાંને બધી જ હકીકત જણાવી દેવી છે, જે પરિણામ આવશે તે જોયું જશે."

આ તરફ મીરાં પણ રસોડામાં કામ કરતાં કરતા વિચારવા લાગી કે: "સુભાષે કઈ વાત તેનાથી છુપાવી હશે? આ ત્રણ વર્ષોમાં તો અમે બંનેએ કોઈ ખાસ વાત જ નથી કરી, ના મેં ક્યારેય સુભાષને કઈ પૂછ્યું છે, મારા દિલમાં દુઃખતી બધી વાત અને બધી તકલીફોને તો મેં સુભાષ સામે ઠાલવી દીધી હતી પરંતુ એક પત્ની તરીકે મેં ક્યારેય એને કઈ પૂછવાનો પ્રયત્ન જ નથી કર્યો, શું સુભાષને કોઈ બીમારી તો નહિ હોય ને? ના ના ભગવાન કરે એવું કઈ ના હોય, અને જો એવું હોત તો સુભાષ મારાથી કઈ છુપાવતા તો નહિ જ, પણ મેં એમને છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પૂછ્યું જ નથી, એક દિવસ તે તબિયત નથી સારી એમ કહી અને ઓફિસ નહોતા ગયા ત્યારે પણ મેં એમને માત્ર એટલું જ કહ્યું હતું કે 'ના સારું લાગતું હોય તો ડોકટર પાસે જઈ આવો' પરંતુ ત્યારે મને એમને કોઈ જવાબ આપ્યો નહોતો, ત્યારે મારા સાથની એમને જરૂર હતી પરંતુ હું એ સમયે સુભાષ માટે મારા મનમાં રહેલી બધી જ લાગણીઓ મારી જીદમાં બદલાઈ ગઈ હતી, જો સુભાષને કોઈ બીમારી હશે તો પણ હું એમનો સાથ નહિ છોડું. પણ હું પ્રાર્થના કરીશ એવું કઈ નહિ હોય."

આ વાત વિચારતા જ મીરાંને શૈલીની પ્રસૃતિ બાદ સુભાષે તેની કાળજી રાખી હતી એ ક્ષણો યાદ આવવા લાગી. "શૈલી સાથે મારા મમ્મી અને સાસુ બંને હતા પરંતુ મારી પાસે તો સુભાષ જ હતો, સુભાષને મેં પૂછ્યું પણ હતું કે શૈલી કેવી દેખાય છે? તો સુભાષે કહ્યું હતું કે 'રંગ તારા જેવો અને દેખાવ મારા જેવો.' ત્રણ દિવસ સુધી મને એ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, ત્યાર બાદ મને શૈલી પાસે જવા દેવાની છૂટ આપી હતી, પરંતુ આ ત્રણ દિવસે સુભાષે મને જે રીતે સાચવી એ કોઈ સ્ત્રી હોય તો પણ ના સાચવી શકે, સુભાષ સતત મારી પાસે જ રહ્યા કરતો, કોઈ ખબર જોવા માટે આવ્યું હોય તો પણ મારી બાજુમાં જ બેસી રહેતો, મને નાની નાની કોઈ વાતની જરૂર પડે તો તરત એ ઉભો થઇ જતો, વોશરૂમ સુધી મને હાથ પકડીને જ લઇ જતો અને બહાર નીકળતા જ પાછો મને હાથ પકડીને લઇ આવતો, તેના હાથે જ મને ખાવાનું પણ ખવડાવતો. મારા બેડની સામે જ નર્સિંગ રૂમ હતો, સુભાષે તો એ નર્સિંગ રૂમમાં બેઠીલી નરસો સામે આંખ ઉઠાવીને પણ નહોતું જોયું પરંતુ જયારે સુભાષ મારી કાળજી રાખતો, મને ખવડાવતો, ત્યારે મારી નજર એ રૂમમાં બેઠેલી નર્સો ઉપર જતી, એ સુભાષને જ જોયા કરતી, મેં મારી રીતે જ કલ્પના કરી હતી એ લોકો એમ વિચારતા હશે કે: "તમને કેટલો સારો પતિ મળ્યો છે, આવો પતિ અમને મળ્યો હોત તો?" અને ત્યારે મને મારા ઉપર જ ગર્વ થતું, હું મારી જાતને ઘણી કિસ્મત વાળી સમજતી હતી કે સુભાષ જેવો પતિ મને મળ્યો છે. અમારા સગા વહાલાઓ પણ ત્યારે અન્દોરો અંદર વાતો કરતા હતા કે સુભાષ જોને કેવા કામ કરે છે, પરંતુ મને એ બધાથી કોઈ લેવા દેવા નહોતી."

બપોરે આજે જમીને પણ કોઈ વાત કાર્ય વગર જ સુભાષ અને મીરા સુઇ ગયા હવે રાહ જોવાતી હતી તો રાતની, અને એ સમય પણ આવી ગયો, જમીને સુભાષ બેઠક રૂમમાં બેસીને ટીવી જોતો હતો ત્યાં સુધી મીરાં શૈલીને સુવડાવીને આવી ગઈ. મીરાંને આવતી જોઈને સુભાષે ટીવી બંધ કર્યું.

વાતની શરૂઆત મીરાંએ જ કરી: "મારાથી હવે રાહ નથી જોવાતી, કહી દો તમે મને શું કહેવાના હતા?"

સુભાષે જવાબ આપતા કહ્યું: "મીરાં, હું તને જે વાત કરું એના પછી છેલ્લો નિર્ણય તારે જ લેવાનો છે, તું ઈચ્છે તો આપણે નક્કી કર્યું હતું એમ લોકડાઉન ખુલવાના બીજા જ દિવસે ડિવોર્સ પણ લઇ લઈશુંમ હું તને એકવાર પણ નહિ રોકું, અંતિમ નિર્ણય તારે જ લેવાનો છે."

"પણ વાત શું છે એ તો જણાવો? મને કઈ ખબર નથી પડી રહી તમે શું કહેવા માંગો છો? અને કઈ જાણ્યા પહેલા જ હું તમને કેવી રીતે કહી શકું?" મીરાંએ ઉત્સુકતા દર્શાવતા સવાલ કર્યો.

જવાબ આપતા સુભાષે કહ્યું: "કેવી રીતે કહું મને સમજાઈ નથી રહ્યું, મારી ભૂલ જ એવી છે કે કેવી રીતે કબૂલવી એ મને ખબર નથી પડતી."

"મને કહેશો તો હવે ખબર પડશે, અને કહી દેશો તો કદાચ તમે પોતાની જાતને હળવી અનુભવશો, તમે નક્કી કર્યું જ છે મને કહેવાનું તો જણાવી દો" મીરાંએ સુભાષનો ઉત્સાહ વધારતા કહ્યું.

"તો સાંભળ, આ ત્રણ વર્ષમાં આપણા બંને વચ્ચે ઘણું બધું ઘટી ગયું છે, છેલ્લા ત્રણ વર્ષથી તારું વર્તન પણ બદલાઈ ગયું હતું, મેં ઘણીવાર આપણા સંબંધોને સુધારવા માટેના પ્રયત્નો કર્યા, પરંતુ હું સફળ ના થઇ શક્યો અને દિવસેને દિવસે તારો સ્વભાવ બદલાતો ગયો. હું સમજી નહોતો શકતો કે હવે શું કરવું ? અને આમને આમ જ એક વર્ષ નીકળી ગયું છતાં પણ સંબંધ સારો થવાને બદલે વધારે ખરાબ બનતો ગયો, એ સમયે મને કોઈના સહારાની જરૂર હતી અને મારા ઓફિસમાં જ મારી સાથે કામ કરતી સુરભીના વધુ નજીક હું આવવા લાગ્યો, સુરભી પણ પરણિત હતી, તેના જીવનમાં પણ આપણા જેવું જ ચાલી રહયું હતું, જેના કારણે અમે બંને એકબીજાને સમજતા હતા, એકબીજા સામે અભિવ્યકત થતા હતા, અને અમે બંને એકબીજા સામે દુઃખ અભિવ્યક્ત કરતાં કરતાં ક્યારે એકબીજાની નજીક આવી ગયા અમને પણ ખબર ના રહી." સુભાષે પોતાની ભૂલ કબુલતા કહ્યું.

સાંભળતા સાંભળતા જ મીરાંની આંખો આંસુઓથી છલકાવવા લાગી હતી, તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે સુભાષ આવું પગલું ભરી શકશે.

સુભાષે જોયું તો મીરાં રડી રહી હતી, ઊભા થઈને સુભાષ મીરાંની બાજુમાં બેઠો, તેના હાથ પકડીને સમજાવતા કહ્યું: "જો મીરાં આ મારી ભૂલ હતી, અને એની કબૂલાત મારે તારી સમક્ષ કરવી હતી, પરંતુ મારે સુરભીની નહિ, તારી જરૂર છે, શૈલીની જરૂર છે, મારુ મન સુરભી સાથેના સંબંધોમાં આગળ વધવા નહોતું માંગતું, પરંતુ પરિસ્થિતિએ મને મજબુર કરી દીધો હતો, હું ચાહવા છતાં પણ રોકાઈ શક્યો નહિ, પણ તું જો પહેલાની જેમ આપણા સંબંધને જીવંત કરતી હોય તો મારે બીજા કોઈની જરૂર નથી. બસ મારે હવે તારો જવાબ સાંભળવો છે."

સુરભીને શું જવાબ આપવો એ કઈ સમજાઈ રહ્યું નહોતું, પોતાના હાથમાં રહેલા સુભાષના હાથને તેને અલગ કર્યો અને ઉભી થઈને કહ્યું: "હમણાં હું કોઈ જવાબ આપી શકું તેમ નથી." આટલું બોલીને તે રડતા રડતા જ બેડરૂમમાં ચાલી ગઈ, સુભાષ ઘણીવાર સુધી બેઠક રૂમમાં જ નિરાશ મને બેસી રહ્યો, સુરભી પણ બેડરૂમની અંદર બેડમાં સુતા સુતા રડી રહી હતી, સુભાષે પણ તેને રોકવાનો પ્રયત્ન ના કર્યો...

(શું લાગે છે તમને? મીરાંએ શું કરવું જોઈએ? ડિવોર્સ લેવા જોઈએ કે સુભાષને એક મોકો આપીને સંબંધને આગળ વધારવો જોઈએ? જો મીરાં સુભાષને મોકો આપે છે તો શું તે ખરેખર બદલાઈ શકશે? આવા જ ઘૂંટાતા રહસ્યોના ઉકેલ માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-18)

લે. નીરવ પટેલ "શ્યામ"