Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..... પેજ - ૫૮

આચાર્ય સાહેબ નું આગમન અમેરીકા માં થઈ ગયુ છે. તેમને રિસિવ કરવા માટે અંજલિ પણ પ્રયાગ અને અદિતી ની સાથે ગઈ હતી. અનુરાગ હાઉસ માં બધા આવી ચુક્યા છે.

********* હવે આગળ- પેજ-૫૮ ***********

આચાર્ય સાહેબ નાં સ્વાગતમાં અનુરાગ સર નો પરિવાર તથા અંજલિ અને પ્રયાગ પણ તૈયાર હતાં.
અદિતી નાં તો તે પેરેન્ટ્સ હતા...એટલે તેનો તો ઉત્સાહ પણ અલગ જ હતો. એક સામાન્ય પરિવાર નું પુત્રી રત્ન એટલે અદિતી...કે જેણે બાળપણથી જ ઘરમાં એક સામાન્ય પરિવાર એટલેકે મધ્યમ વર્ગના લોકો નું જીવન વ્યતિત કર્યુ હતુ, પરંતુ અદિતી પહેલેથી ભણવામાં હોંશિયાર અને અવ્વલ નંબરે પાસ થતી હતી. આચાર્ય સાહેબ ને પણ સંતાનો માં એકજ દિકરી હતી..."અદિતી", એટલે તેમણે પણ તેમની દિકરી પાછળ પુરું ધ્યાન આપ્યું હતું. પોતે ભલે એક સામાન્ય વ્યક્તિ હતા...નોકરી કરીને ઘર-પરિવાર અને પોતાનો ઘર સંસાર ચલાવતા હતા, પરંતુ પહેલેથી જ આચાર્ય સાહેબ ધર્મ અને સત્યના માર્ગે જ ચાલવા વાળા વ્યક્તિ હતાં, ઓછી જરુરીયાત તથા પ્રમાણમાં માપના ખર્ચ કરતા તથા કરકસરયુક્ત જીવન જીવતા હતા.
પ્રયાગ ગૃપ માં અંજલિ ની કંપની માં નોકરી માં જોડાયા પછી થી કુદરતી રીતે જ કંપની ની સાથે સાથે તેમનો પણ વિકાસ થવા લાગ્યો હતો, અને તે બધુંજ અંજલિ નાં માર્ગદર્શન અને તેની કંપની ના નિયમો અને સિધ્ધાંતો પર જ ચાલવા ના નિયમોને આભારી હતું.
અંજલિ એ પણ નાના પાયે થી શરુઆત કરી હતી, પરંતુ કંપની ની શરૂઆત થી જ તેની સાથે રહેલા દરેક નાના થી મોટા કર્મચારીઓ ને હજુ આ સ્ટેજે પણ સાથેજ રાખી ને ચાલતી હતી, અને એટલે જ કદાચ દરેક વ્યક્તિ તેનું સન્માન કરતાં હતાં,તેનું આદર કરતાં હતાં...અને એટલેજ કદાચ અંજલિ નો વિકાસ તથા તેનાં કર્મચારી ઓ નો સામુહિક વિકાસ થયો હતો.
આચાર્ય સાહેબે તેમની અદિતી ને ભણતર પૂરું કરવામાં પુરતો સાથ આપ્યો હતો. અને અદિતી પણ સામે પક્ષે એટલીજ હોંશિયાર હતી તથા સંસ્કારી પણ હતી.
અદિતી નાં મન માં આજે અનેરો આનંદ હતો, ક્યારેક બાળપણમાં જોયેલું સ્વપ્ન કે મોટી થઈ ને વિમાનમાં બેસી ને છેક સાત સમુદ્ર પાર અમેરિકા જઈશ અને ત્યાં જ ભણીશ..અને સરસ રાજકુમાર જેવા છોકરા સાથે તેની અર્ધાંગીની બની ને મારું જીવન તેને સમર્પિત કરીશ.
આજે અદિતી નાં બાળપણ નું આ નાનું સ્વપ્ન અંજલિ ના લીધે જ સાક્ષાતકાર થઈ રહ્યું હતું. અંજલિએ જ અદિતી ને ભણાવી હતી..અને છેક અંહિ અમેરિકા ભણવા માટે પણ આચાર્ય સાહેબ ને અંજલિ એજ પ્રોત્સાહિત કર્યા હતા અને અદિતી ના એડમીશન થી લઇ ને તેની ફી તથા રહેવાની બધી વ્યવસ્થા અંજલિ ને કારણેજ શક્ય બની હતી.
અને...અને....એજ અંજલિ નાં એક ના એક રાજકુંવર પ્રયાગ સાથે હવે અદિતી નુ બાકી નું જીવન તેની પત્ની તથા અંજલિ નાં ઘર ની શુભલક્ષ્મી બની ને જીવાવા નું હતું. અદિતી એ મનોમન જ તેની સાસુ અંજલિ નો આભાર માન્યો..હે અંજલિ મમ્મીજી તમે જ મારા જીવનનો આદર્શ રહ્યાં છો, અને મારું સદ નશીબ કેવું કે આપનાં જ ઘરમાં આપની પુત્રવધુ બની ને આપનાં આશીર્વાદ થી આપનાં પરિવાર ને આગળ વધારવામાં હું સહભાગી બનવાની છું. હું અને મારી આવનારી પેઢી પણ આપનાં આજીવન ૠણી રહીશું..આપનો સાચાં મન થી ખુબ ખુબ આભાર...મમ્મીજી.
અંજલિ નો આભાર માની ને અદિતી પોતાની જાત સાથે વાતો કરતી હતી...તે અચાનક ફરી થી વર્તમાન માં આવી ગઈ અને સામે બેઠેલા તેનાં મમ્મી પપ્પા ની સામે જોઈને બોલી...મમ્મી...પપ્પા...થેન્કયુ વેરી મચ...તમે અંહિ અમેરિકા આવ્યા તેનાં માટે...અને મને જીવન સાથી તરીકે મારી પસંદ ના વ્યક્તિ એવા પ્રયાગ સાથે મારું લગ્ન જીવન જીવી શકું તે માટે સંમતિ આપી ને તમે મારું ભાગ્ય તથા જીવન બંન્ને બદલી નાખ્યું છે. હું હંમેશા તમારી તથા મમ્મીજી તથા પ્રયાગ અને સૌથી અગત્યનું સ્વરા ભાભી,શ્લોક ભાઈ તથા અનુરાગસર ની આજીવન આભારી રહીશ. આપ સૌના કારણે જ આ સંબંધ નક્કી થયો છે.
આચાર્ય સાહેબે ખુબ શાંતિ થી કહ્યુ બેટા...અદિતી....માતા પિતા નો ક્યારેય આભાર નાં હોય બેટા...અમારી ફરજ માં આવેછે કે તારા સ્વપ્નો સાકાર કરવામાં તને મદદ કરવી. અને રહી વાત તારા સંબંધ ની તો એ તો મેડમજી ના આશીર્વાદ તથા તેમની જ મહેરબાની છે...અને સાથે સાથે તારું અને પ્રયાગ સર, તમારૂં બંન્ને નું ભાગ્ય તમને એકબીજાને મેળવી રહ્યું હતું, અમે બધા તો નિમિત માત્ર છીએ.
બસ ભગવાન ને પ્રાર્થના કરું છું કે આજીવન તમે બંન્ને એકબીજાને ખુશ રાખજો, એકબીજાને સમજી ને રહેજો તથા અંજલિ મેડમજી ને ક્યારેય દુઃખ નાં પહોંચે તેવી રીતેજ રહેજો, તેમની આજ્ઞાનું પાલન કરજો અને ભગવાને તને મોકો આપ્યો છે બેટા તો મેડમજી પાસે થી શીખજે અને તેમની સેવા કરજે.
અંજલિ નાં ચહેરા પર હરખ દેખાતો હતો...આચાર્ય સાહેબે તેમની દિકરી અદિતી ને આપેલા સંસ્કારો આજે બધા ની વચ્ચે ઉજાગર થઈ રહ્યા હતા.
અનુરાગ સર પણ અદિતી ની વાક ચતુરતા જોઈને મનોમન પ્રસન્ન હતાં, ચાલો ભગવાને આજે એક સારું કાર્ય કરવામાં મને સહભાગી બનાવ્યો તે માટે હે ભગવાન આપનો ખુબ ખુબ આભાર.
પ્રયાગ આ બધી વાતો ને ધ્યાનથી સાંભળી રહ્યો હતો, અને તેની મમ્મી અંજલિ નાં મન માં ચાલી રહેલા ભાવ ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કાશ....આજે પપ્પા પણ અંહિ સાથે હોત તો....!!! મનમાં જ પ્રયાગ બોલ્યો...અને ત્યારે અંજલિ નાં મનમાં પણ એજ ભાવ હતો...કે કાશ...વિશાલ પણ આ ઘડીએ હાજર રહ્યા હોત...એક પિતા તરીકે તે કેવી રીતે આવો નિર્ણય લઈ શકે ? કે તમે લોકો એ નાના પ્રસંગ ને પતાવી દો..
ભલે તેણે મને કહ્યું કે તમે તે નાનો પ્રસંગ પતાવીદો..પણ હું તો ક્યાંય ખોટી નથી ને ?? કે વિશાલ ની હાજરી વિના જ આ શુભ કાર્ય ને સંપન્ન કરવાનું નક્કી કરી દીધું છે...મનમાં જ અંજુ ને દ્વિધા ઉત્પન્ન થઈ,પરંતુ હવે આ સમય અને સંજોગોમાં શું કરવું ?? અદિતી ના પેરેન્ટ્સ અંહિ એજ કામ અર્થે વહેલા આવી ગયા છે, તે પોતે અને સાથે જેમના સમય ની પણ ખુબ કિંમત હોય છે તેવા અનુરાગ સર પણ તેને સાથ આપવા રોકાયા છે...હવે શું કરવું ?? અંજુ મનોમન જ પોતાની જાત સાથે સવાલો કરી રહી હતી. અંતે નક્કી કર્યું કે ફરી થી એક વખત સર અને પ્રયાગ બન્ને ની સાથે બેસીને મારા મન ની વાત કરી જોઉં...શક્ય છે કે હું જેટલું વિચારી રહી છું તેટલો વાંધો ના પણ હોય...
અંજલિ એ સમય અને પરિસ્થિતિ જોઈને પ્રયાગ ને બહાર ગાર્ડન માં બોલાવી ને વાત કરવાનું નક્કી કર્યું..જ્યારે અદિતી નાં પેરેનટ્સ તથા અદિતી પોતે તેમની સાથે તેમના રૂમ પર ગઈ હતી. અંજુ એ તે સમય નો લાભ લઈને જ આ વાત પર પુનઃ વિચાર કરવાનું પસંદ કર્યું હતું. અંજલિ એ તેનાં દિકરા પ્રયાગ ને કહ્યું બેટા...મારે તારી અને સર સાથે એક અગત્યની વાત કરવી છે, એક કામ કરીએ જો તને વાંધો નાં હોય તો આપણે સર ને પણ બોલાવી લઈશું ?
જેવી આપની ઇચ્છા મમ્મી...મને લાગે છે કે તમે બરાબર જ કહો છો..હાલ આપણી સાથે સર જ એક એવા વ્યક્તિ છે કે જેઓ અનુભવી છે અને વળી આપણાં હિતેચ્છુ છે અને આપણને નિષ્પક્ષ રહીને ગાઇડ કરશે...તમે બેસો હું સર ને બહાર ગાર્ડન માં આવવા જણાવી ને આવ્યો..અને સાથે આવે તો લઈ ને જ આવું છું.
અંજલિ બહાર ગાર્ડન માં સોફા પર બેઠી છે...પ્રયાગ ઘર માં અનુરાગ સર ને અંજલિ ની વાત જણાવીને તેમને સાથેજ બહાર લઈને આવ્યો.
અંજુ, પ્રયાગ તથા અનુરાગ સર બહાર ગાર્ડન માં રાખેલા સોફા પર બેઠા...તથા અંજુ એ પોતાનાં મન માં ઉભા થયેલા સવાલ ની રજુઆત પ્રયાગ ને તથા અનુરાગ સર ને કરી.
બેટા પ્રયાગ...અને સર...એક સવાલ મન માં થોડોક પરેશાન કરી રહ્યો છે...એટલે થયું કે આપ બન્ને ની સાથે વાત કરી જોઉ...
ઓહહ..શું વાત છે ?? મારી મમ્મી કોઈ વાત થી પરેશાન હોય અને તેમાં મારા ઓપિનીયન ની પણ જરૂર પડે...તો ચોક્કસ પ્રશ્ન આપણાં પરિવાર ને લગતો જ હોઈ શકે. પ્રયાગ એકદમ જ બોલી ગયો.
જી બેટા...તારા પપ્પા ને મેં ઘણું સમજાવ્યું હતું કે તુ અને અદિતી હજુ થોડોક સમય ઈન્ડીયા નહીં આવી શકો.. અને આચાર્ય સાહેબ તથા તેમનો પરિવાર અંહી આવી રહ્યા છે...તો આપ પણ અંહી બે-ચાર દિવસ માટે આવી જાવ તો આ શુભ પ્રસંગ આપણે સાથે રહીને ઉજવીએ...
હમમમ...ધેટ્સ રાઈટ મમ્મી...આ વાત બરોબર છે અને તમે મને કહ્યું પણ હતું...કે તમે પપ્પા સાથે વાત કરી હતી..તો હવે અત્યારે તેનું શું?
બેટા...મને હજુ પણ એવું થાય છે કે ક્યાંક આપણે તારા પપ્પા ની હાજરી વિના જ આ પ્રસંગ ને ઉજવી રહ્યા છીએ તો તેમને દુઃખ તો નહીં થાય ને ? અને બીજુ સામાજિક રીતે તો લોકો વાતો નહીં કરે ને ? અને મન માં એમ થતું હતું કે આ પ્રસંગે વિશાલ પણ હોત તો સારું થાત...
અનુરાગ સર પ્રયાગ તથા અંજલિ વચ્ચે નો વાર્તાલાપ સાંભળી ને સમજી રહ્યા હતા. તેમનું ધ્યાન બન્ને જણાં ના ચહેરા નાં બદલાતા હાવભાવ ને નોંધી રહ્યું હતું.
કહેવાય છે કે માણસ ના મન માં શું ચાલી રહ્યું છે તે જાણવું અને સમજવું હોય તો તેની વાતો ને ધ્યાનથી સાંભળો પણ તેનાં હાવભાવ ને વધારે ધ્યાનથી ઓબ્ઝર્વ કરવું જોઈએ,અને અનુરાગ સર પણ હાલ તે જ કામ કરી રહ્યાં હતાં.
હમમ..તમારી વાત તો એકદમ સાચી છે મમ્મીજી... કે આ શુભ પ્રસંગે પપ્પા એ હાજર રહેવું જોઈએ, પરંતુ શું આપને લાગે છે કે પપ્પા ને ખરેખર જ કોઈ અગત્યનું કામ આવી પડ્યું હશે ?
અને તેથી તે નથી આવ્યા ?
કે પછી આ પણ તેમનું એક નિત્ય અને દરેક સારા સમયે અથવા પ્રસંગે પોતાનો ઉત્સાહ ઓછો બતાવવાનું એક બહાનું જ છે ?
ચાલો એક વખત હું એવું માની પણ લઉં કે પપ્પા ખરેખર બીઝનેસ માં ક્યાંક અટવાયેલા અને બીઝી હશે...પરંતુ શુ પપ્પા ની ફરજ માં નથી આવતું કે તે મને એટલીસ્ટ એક ફોન કરીને તે પોતે નથી આવી રહ્યા તે જણાવે અને નહીં આવી શકવા માટે દિલગીર છું એટલું પણ કહે અને મને તેમના આશીર્વાદ આપે...અને મને જ શું કામ અદિતી ને પણ તેમના આશીર્વાદ આપે.
અંજલિ નાં ચહેરા પર ક્ષોભ હતો..પોતાનાં દિકરા ને જવાબ શું આપવો ? આમ તો પ્રયાગ ની રજુઆત યોગ્ય જ હતી...છતાં પણ અંજલિ એ પત્ની ધર્મ અને માતૃ ધર્મ માં થી પત્ની ધર્મ ને અપનાવી ને પ્રયાગ ને સમજાવવા પ્રયત્ન કર્યો..
બેટા...તુ ગમેતેમ તો પણ તેમનો દિકરો છું, તારે તેમનું સ્વમાન જળવાય તેવી રીતે જ બોલવું અને વર્તવું જોઈએ. શક્ય છે કે વિશાલ ખરેખર બીઝી હોય...
અનુરાગ સર હવે માં અને દિકરા વચ્ચે વાત ખોટી દિશા માં ભટકીને બગડી જાય નહીં એટલે વચ્ચે બોલ્યા..
જુઓ અંજુ...આ પ્રસંગ એટલો મોટો નથી...હા મહત્વ નો જરૂર છે જ, પરંતુ હું પોતે પણ વિશાલ ને આટલા વર્ષો થી ઓળખું છું..અને કદાચ નહીં પરંતુ ચોકક્સ પણે કહું તો તમારા બંન્ને કરતા વધારે સારી રીતે ઓળખું છું...તે હિસાબે કહી શકું કે હાલ અત્યારે તમે જે નિર્ણય લીધેલો છે તે એકદમ યોગ્ય જ છે..હાલ જે પ્રસંગ ને અંહી ઉજવવાનું નક્કી કર્યું છે તેને સારી રીતે અને ખુશી થી ઉજવો, હું અંગત રીતે પ્રયાગ ની વાત ને સમર્થન આપુ છું કે વિશાલે પ્રયાગ ને ખરેખર એક ફોન પણ કર્યો હોત તો પણ પ્રયાગ ને ખુશી થાત...પરંતુ બેટા પ્રયાગ અને અંજુ...હું આપ બન્નેને જણાવું કે તમારે આટલા વર્ષો ના તમારા વિશાલ નાં વર્તન ના અનુભવો ને આધારે તમારે તેની પાસે થી આવી અપેક્ષા રાખવી પણ વ્યર્થ છે. હું તો એવું માનું છું કે કદાચ ભગવાન ની પણ આજ મરજી હશે કે આ પ્રસંગ અંહિયા અને વિશાલ ની ગેર હાજરીમાં જ સંપન્ન થાય, નહીતર અંજુ ના કહેવાથી વિશાલ પણ અત્યારે અંહિ અમેરિકા પ્રસંગ ને ઉજવવા આવી ગયો હોત.
અને હવે આ સમયે અંજુ તુ જો તારો નિર્ણય બદલવાનુ વિચારી રહી હોય તો તેની દુરોગામી અસરો તારા અને આચાર્ય સાહેબ ના પરિવાર વચ્ચે શુ પડી શકે તે એક વખત વિચારી જો, એ નિર્ણય ની તારા અને અદિતી અને પ્રયાગ તથા અદિતી ની વચ્ચે પણ તેની કેવી અસર પડશે તે પણ વિચારી જો. હું નથી ઈચ્છતો કે આ શુભ કાર્યમાં કોઈપણ જાત નો વિક્ષેપ પડે અને અંજલિ અને પ્રયાગ બન્ને નું ખરાબ દેખાય અને તમારા બન્ને માટે આચાર્ય સાહેબ અને તેમનો પરિવાર સ્હેજ પણ નકારાત્મક વિચારે. આચાર્ય સાહેબ તો તારા કોઈપણ નિર્ણય ને હસતા મોઢે વધાવી જ લેશે ..પણ તમને દરેક ને જીવનભર તે બદલેયેલો વિચાર શૂળ ની માફક ચુભસે.
રહી અંજુ તારી પોતાની વાત, તો આજે હું પણ તારા આ નિર્ણય બદલવા વાળા વિચાર માત્ર થી સરપ્રાઈઝ છું, અંજુ જે કોઈ નિર્ણય લેછે તે હંમેશા સો વખત વિચાર કરી નેજ લે છે, તો પછી પ્રયાગ નાં ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને લીધેલો આ સારો નિર્ણય અચાનક કેમ તને અયોગ્ય લાગ્યો ?? પ્રયાગ ના મન પર તું શુ છાપ છોડીશ ??
શું અંજલિ ઝવેરી કાચા મનોબળ ની છે ??
શું અંજલિ ઝવેરી ને તેનાં લીધેલા નિર્ણયો પર શંકા રહેતી હોય છે ? શું પ્રયાગ નાં ભવિષ્ય ને જોતા તું જે વિચારે છે તે યોગ્ય છે ?? અને..સૌથી અગત્યનું ધારો કે આ જ પ્રસંગ તુ ઈન્ડીયા માં પણ ઉજવતી હોત, તો તુ એવું ચોક્કસપણે કહી શકે ખરી કે વિશાલ નું મન તે પ્રસંગ ને ઉજવવા માટે તારા અને પ્રયાગ જેટલું જ ઉત્સાહીય હોત.. ?? અંજુ સવાલો તો ધણા છે...પરંતુ તારી પાસે જવાબો ઓછા પડશે..અને કદાચ જવાબો તારી પાસે હશે તો પણ તુ જાણે છે કે હું તને યોગ્ય કહી રહ્યો છું એટલે તું મને જવાબ પણ નહીં આપું.
મારી સલાહ તો એજ છે કે આ શુભ કાર્યમાં કોઈ જાત નું વિઘ્ન કે અડચણ ના આવે અને બસ પ્રયાગ નો પ્રસંગ આપણે ખુબજ આનંદ ને ઉત્સાહ થી ઉજવીએ...હા વિશાલ આવ્યો હોત તો મને પણ બહુ ગમ્યું હોત અને હવે જ્યારે તે નથી આવ્યો અને નથી જ આવવાનો તો તેવા સમયે તમારો ઉત્સાહ સહેજપણ ઓછો નાં હોવો જોઈએ.
અંજલિ મૌન હતી...તથા તેના દિકરા પ્રયાગ નાં જવાબ ની રાહ જોતી હતી.
મમ્મી નિર્ણય તમારે જ લેવા નો છે, આપ જેમ અને જે કહેશો તેમાં મારી હંમેશા હા જ હોય છે...બાકી તો હું પણ અનુરાગ સર ની વાત તથા તેમનાં વિચારો થી સંમત છું, અને હું તને જેટલું ઓળખું છું એટલું કોઈ બીજું નથી ઓળખતું...તો હું તમારા મન ની વાત પણ કહી દઉ કે હજું પણ પપ્પા નો મને એક પણ ફોન નથી આવ્યો કે બેટા હું થોડો કામકાજ મા વ્યસ્ત છું તો નથી આવી શકવાનો, પરંતુ તમે પ્રસંગ ને મોળો ના ઉજવતા...અને મારા આશીર્વાદ તમારા બન્ને ની સાથે છે...તે વ્યક્તિ માટે તમારા મન માં શુ ભાવ હોય... મમ્મી તમે ભલે બોલતા નથી પરંતુ તમે પણ મન થી તો પપ્પા થી નારાજ જ છો.
અંજલિ ભાવ વિભોર હતી...પરંતુ તે જાણતી હતી કે અનુરાગ સર તથા પ્રયાગ બંન્ને જણા જે કહી રહ્યા છે તે યોગ્ય જ હતું, પરંતુ તેમ છતાં પણ તે એક સ્ત્રી હતી અને સાથે સાથે વિશાલ ની પત્ની પણ હતી અને વિશાલ ને કેવી અને કઈ બાબતે વાંધો પડી શકે છે તે તેનાથી વધારે તો કોણ જાણતું હતું...ઉદાસ હતી થોડી અંજુ.
મમ્મી પ્લીઝ આમ ઉદાસ નાં થશો, આપ એક કામ કરો હજુ એકવખત પપ્પા ની રજા લઈ લો જેથી તમને પણ સંતોષ થાય, અથવા આપણે બન્ને સાથે વાત કરી જોઈએ.
અંજુ આઈ થીંક પોઝીટીવ રહે અને પ્રયાગ નું સજેશન યોગ્ય છે, હું સમજું છું કે તે જીવનમાં ક્યારેય વિશાલ ને કહેવાનો મોકો નથી આપ્યો તે પરંપરા અકબંધ રહે...એક કામ કરો તમે પણ... વિશાલ સાથે વાત કરી જૂઓ અને પછી નિર્ણય કરો..હું અંગત રીતે જે યોગ્ય સમજું છું તે મેં તમને જણાવી દીધું..પરંતુ હું તારા દરેક નિર્ણય નું સન્માન કરું છું તથા તેને સ્વીકારીશ.
અંજલિ ને અનુરાગ સર ની તે વાત નો મર્મ નાં સભજાયો કે તમે પણ ફોન કરી જુઓ...અંજુ એ પોતાના પતિ વિશાલ ને ફરી એકવખત ફોન કરી ને વાત કરવાનું નક્કી કર્યું...સર આપ બંન્ને નો એક કોમન અભિપ્રાય આવ્યો છે કે મારે વિશાલ ને એક વખત ફરીથી વાત કરવી જોઈએ તો હું પણ તે વાત થી સંમત છું...હું હાલ જ વિશાલ ને ફોન કરી ને વાત કરી જોઉ..
ફાઈન અંજુ...તમે બન્ને વાત કરો, મારું આ સમયે સાથે બેસવું યોગ્ય નથી...હું અંદર ડ્રોઈંગરૂમમાં બેઠો છું. અનુરાગ સર ત્યાં થી ઉભા થયા અને અંદર ડ્રોઈંગરૂમમાં ગયા.
અંજલિ ઈચ્છતી નહોતી કે અનુરાગ સર તે સમયે હાજર નાં રહે, તેમ છતાં પણ તે કશું નાં બોલી શકી. અંજલિ અને પ્રયાગ બન્ને બહાર બેઠા હતા...બન્ને એ વાત કરી કે વિશાલ જે પણ કહે તે સાચુ પરંતુ હવે ઉત્સાહ ઓછો નહીં કરવાનો.
અંજલિ એ હુંકાર કર્યો અને વિશાલ ને ફોન લગાવ્યો...ત્યારે વિશાલ પણ ઓફિસ જઈ રહ્યો હતો.
વિશાલ નાં ફોન પર અંજુ ના ફોન ની રીંગ વાગી રહી હતી...વિશાલ ફોન ઉપાડે છે....યસ...અંજુ ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ.......
જય શ્રી કૃષ્ણ...વિશાલ...આપ મઝામાં છો ને ? ઘરે બધુ ઓકે ને ?
યસ...અંજુ ઓલ વેલ છે બધુ.
વિશાલ આચાર્ય સાહેબ તથા અદિતી નાં મમ્મી બન્ને અંહિ અમેરિકા આવી ગયા છે.
ઓકે. ગુડ અંજુ...તો આઈ થીંક તેમાં મને જણાવવાની ક્યાં જરૂર, એતો આવવાના જ હતા ને, તેમને તો તેમની દિકરી નુ કોન્વોકેશન હતું એટલે તે આવવાનાં જ હતા...
હમમ....વિશાલ મને એમ થયુ કે હજુ પણ તમે જો આવી જાવ તો....આપણે કદાચ તમે આવો ત્યાં સુધી પ્રસંગ ને બે ચાર દિવસ આગળ પાછળ કરી લઈશું, મારી અને પ્રયાગ બન્ને ની એવી ઈચ્છા હતી કે....આપ....
ઓહહ..નો..સોરી અંજુ...તમે કેરી ઓન કરો...અને આતો કંઈ પ્રસંગ થોડો કહેવાય ?? આ સંબંધ તો નક્કી જ હતો ને ? તેમાં નવુ શું છે ?? વિશાલ નો વાત કરવા નો ટોન એકદમ અયોગ્ય હતો,કદાચ ગુસ્સામાં હોય તેવી રીતે જ ફોન પર જવાબો આપતો હતો.
મને કોઈ જરુર નથી લાગતી કે એક નાના કામ માટે મારે મારા અગત્ય ના કામ ને પડતા મુકીને છેક અમેરિકા સુધી આવવું જોઈએ, તને તો ખબર પડવી જોઈએ ને ? પ્રયાગ તો નાનો છે હજુ.
અને આ શું...અંજુ ?? તુ પણ મને ફોન કરે અને પેલા...અનુરાગે પણ મને ફોન કર્યો હતો કે હું આવી જઉ...
અંજલિ ને સરપ્રાઈઝ થયું કે સરે પણ ફોન...પરંતુ જે રીતે વિશાલે અનુરાગસર ને ટુંકારો કરી ને સંબોધ્યા....અંજુ ને વિશાલ પર જબરજસ્ત ગુસ્સો આવ્યો.
અંજલિ ની આંખો ભરાઈ આવી...પરંતુ...વિશાલ...બોલતા બોલતા અંજુ ના ગળા માં ડૂમો ભરાઇ ગયો..
વિશાલ તમે આવ્યા હોત તો પ્રયાગ ને અને મને ખુશી થાત..અને આપણું અને તમારું પણ સારૂ લાગતું, અને પ્લીઝ સર ને આ રીતે નાં બોલાવો...તમે જાણો છો ને કે હું તેમનું કેટલું રીસપેક્ટ કરું છું.
અંજુ...મારા સારા કે ખરાબ દેખાવા ની ચિંતા તમે લોકો નાં કરશો, મારા માં પણ એટલી સમજ તો છે જ કે સારૂ દેખાશે કે નહીં, અને આમ પણ તમે ક્યાં મોટા રાજ ઘરાનાની રાજ કુમારી ને તમારા ઘર ની વહુ બનાવા જઈ રહ્યા છો ?? ગમેતેમ તો એક સામાન્ય પરિવાર ની અને તે પણ તારી જ કંપનીમાં એકાઉન્ટન્ટ ની સામાન્ય નોકરી કરતા માણસ ની છોકરી જ છે ને ??? એ લોકો ને વળી કોઈ ની વ્યસ્તતા ની શુ પડી હોય ??
અંજલિ રીતસર ની ડઘાઈ ગઈ, તેણે તો પ્રયાગ તેના પપ્પા ની વાત ને સાંભળી શકે તે માટે ફોન ને પણ સ્પીકર મોડ પર જ રાખ્યો હતો.
પ્રયાગ પણ તેનાં પપ્પા નાં આટલા નીમ્ન વિચારો અને તેમનાં વાત કરવા નાં ટોન થી સ્તબ્ધ જ થઈ ગયો...ખુબ ગુસ્સો આવ્યો હતો પ્રયાગ ને કે હાલ જ તેની મમ્મી અંજલિ ના હાથ માંથી ફોન લઈને તેના પપ્પા ને વાત કરે અને તેમની આવી વિચારધારા ને બદલવા કહે..પરંતુ આખરે હતો તો અંજલિ નો દિકરો ને...આંખોમાં વિચારો નું વાવાઝોડું અને મગજ માં ગુસ્સો....ભરાયો હતો. પરંતુ ચુપ રહ્યો...પ્રયાગ...ગુસ્સા માં નાક ફુલી ને લાલ થઈ ગયુ હતું અને રડુ રડુ થઈ ગયો હતો.
અંજલિ એ ફોન ને સ્પીકર મોડ પર થી તરતજ ચેન્જ કરીને નોર્મલ મોડ પર કરી દીધો, અને ત્યાં થી ઉભી થઈ ને ગાર્ડન માં ચાલતા ચાલતા વાત કરવા લાગી... પરંતુ તમે....વિશાલ.....અંજુ થોથવાઈ ગઈ કે વિશાલ ને શું કહેવું અને શુ ના કહેવું...?
વિશાલ...આપના વિચારો આપને જ મુબારક...પરંતુ તમે તમારા દિકરા પર જે છાપ અંકીત કરી છે...તેનાં માટે તમને આજીવન પસ્તાવો થશે.
અનુરાગ સર નું ધ્યાન સતત આખી ઘટના પર જ હતું...તે ઘર માં પણ એવી રીતે બેઠા હતા કે અંજલિ તથા પ્રયાગ શુ કરી રહ્યા છે તે દેખી શકાય.
વિશાલ અહંકાર માં જ બોલી ઉઠ્યો....હું ના પસ્તાવો કરુ મેડમ ....તમે પસ્તાવો કરો તમે...!!
અંજલિ ના હ્રદય માં ચિસ ઊઠી....વિશાલલલલ......અને રડી પડી અંજુ....
વિશાલ...તમે એક ફોન તો કરી દેતા....પ્રયાગ ને આશીર્વાદ આપવા....રડતા રડતા બોલી....અંજુ..
તુ જ આપી દેજે ને આશીર્વાદ....જેવી મા....એવો જ એનો છોકરો...મારી પાસે અપેક્ષા રાખે છે પાછા...ફોન કરવાની...
વિશાલ તમે શુ બોલી રહ્યા છો તેનું પણ તમને જ્ઞાન નથી...
શટ અપ....અંજુ....હું તમને કોઈ વાતે રોકતો નથી....તમને જે ઠીક લાગે તે કરો..મને હેરાન ના કરો....
અંજલિ ની આંખો માં પીડા દેખાતી હતી...આંસુ સુકાઈ ગયા હતા.....
અને આંખો લાલ થઈ ગઈ હતી....પરંતુ.....
બોલી ને અંજુ મૌન થઈ ગઈ...
અને વિશાલે ફોન ને કટ કરી દીધો....
અંજલિ ચોધાર આંસુએ રડી પડી....અનુરાગ સર તરત જ રૂમમાં થી બહાર આવ્યા અને પ્રયાગ ને કહ્યું ...જા બેટા...મમ્મી ને શાંત કર..એને તારી અને તારા ખભા ની તત્કાલ જરુર છે. દરેક ખભો એટલો મજબુત નથી હોતો બેટા કે જે આંસુઓ નો ભાર સહન કરી શકે...કારણકે આંસુઓ નુ પણ એક વજન હોય છે..અને દરેક વ્યક્તિ તે આંસુ માં થી વહી જતું દુઃખ અને લાગણી ને સમજી શકે તેમ નથી હોતા...માટે જા અંજુ ને સાંત્વના આપ.
પ્રયાગ દોડતો તેની મમ્મી ની પાસે જઈને ભેટી પડ્યો...મમ્મી પ્લીઝ રડશો નહીં...તમે તો જાણો જ છો ને કે પપ્પા નો સ્વભાવ...
અંજલિ પ્રયાગ ને ભેટી ને રડી પડી...તેનાં આંસુ ઓ થી પ્રયાગ નો ખભો ભીનો અને ગરમ થઈ ગયો.
અનુરાગ સર પણ તેમની પાસે આવ્યા અને બોલ્યા....અંજુ શાંત થાવ...કદાચ તમે મારી વાત ને બરાબર સમજી અને સાંભળી ન્હોતી,જે અપમાન કરે છે તેમનું માન નથી રહેતું...અને જે અપમાન નો કડવો ઘૂંટડો તે હંમેશા અને હમણાં પણ પીધો છે તે નો સ્વાદ મેં પણ ચાખી લીધો હતો...મેં તમને નાં કહ્યું હતું કે વિશાલ ને ફરીથી વાત કરવી વ્યર્થ છે ..પરંતુ...
અંજલિ એ અનુરાગ સર ને દુઃખ નાં પહોંચે એટલે વિશાલે તેમના કરેલાં અપમાન માટે માફી માંગે છે...સર પ્લીઝ વિશાલ વતી હું આપની માફી...
અરેરેરે....અંજુ...નો નેવર...તારે વળી માફી શેની માંગવાની ?? અરે હું તો માન મળે તો ખુશ નથી થતો અને અપમાનીત થઈ ને દુઃખી પણ નથી થતો....આ અવસ્થાઓ થી હવે હું પર થઈ ગયો છું.
બસ...તમે દુઃખી નાં થશો...અને સ્વસ્થ થઈ જાઓ...ઘરમાં હવે મહેમાન પણ આવી ગયા છે...અને પ્રસંગ આવીને ઉભો છે...તેને આનંદ ભેર ઉજવવાની તૈયારી કરો...અને આ આખી ઘટનાં ને મન માં થી સદંતર ભૂંસી નાંખો.
અંજલિ અને પ્રયાગ બન્ને એકબીજાને ભેટી ને ઊભા છે...અનુરાગ સર નો વ્હાલ ભર્યો હાથ પ્રયાગ નાં માથે ફરતો ફરતો તેનાં ખભા પર આવી ને અટકી ગયો...અંજુ, પ્રયાગ મારો આ સિધ્ધાંત જીવન ભર યાદ રાખજો કે જીવનમાં જે વ્યક્તિ આવે તેને તે જેવી છે તેવી જ સ્વીકારી લેવાની, તેને તમારા હિસાબે અથવા તમારા વિચારો માં બદલવા કે વાળવા નો પ્રયત્ન કરવો નહીં, નહીતર દુઃખ તમને જ વધારે થશે, અને તેમાં પણ જે વ્યક્તિ સાથે તમારે જીવન ભર સાથે ચાલવાનું છે તેનાં દોષ ને જોવા કે ગણકારવા નહીં અને ફક્ત તેનાં ગુણો પર જ ધ્યાન આપવું...આ નિયમ આજે પણ એટલો જ યથાર્થ છે.
ચાલો બેટા....હજુ ધણા કામો કરવાના છે જીવનમાં અને આવા નાનાં નાનાં દુખો આવશે અને જશે.. તારે ફક્ત ખરાબ ઘટનાં ઓને ભૂલતા જવાનું અને સારા અને સુખદ પ્રસંગો અને ઘટનાં ઓને જ યાદ રાખવાનું.
અને...હાલ હવે દુઃખ અને ગ્લાની દુર કરો અને બન્ને ફ્રેસ થઈ ને ડ્રોઈંગરૂમમાં આવો..થોડીક વાર માં જ આચાર્ય સાહેબ તેમના પરિવાર સાથે ડીનર માટે આવી રહ્યા હશે.
અંજલિ અને પ્રયાગ.....જી સર કહીને પોતાના રૂમમાં ગયા...
જ્યારે અનુરાગ સર હજુ પણ બહાર ગાર્ડન માં બેસી ને વિચારી રહ્યા હતા.
જીવન માં અને પરિવાર માં આપણે સારા હોઇએ એનાથી કશુંજ વળે નહીં...આપણી સાથે રહેનારા, કામ કરનારા કે આપણી નજીકના લોકો પણ જો સારા હોય અને એકબીજાને સમજતાં હોય તો જ જીવન ખુશીઓ સભર રહી શકે છે...અન્યથા આપણે ગમે તેટલા સારા હોઈએ, સમજતાં પણ હોઈએ અને જતું કરતાં હોઈએ....પરંતુ દુઃખ ગમે તે દિશા માંથી ગમે ત્યારે આવી જ શકે છે.

****** ક્રમશ:******