માફી
કેટલો સરળ શબ્દ છે... માફી...પણ એટલી જ જટિલ પ્રક્રિયા છે...માફી માંગવી પણ અને માફી આપવી પણ.
જો ઈશ્વર બોલી શકતો હોત તો ચોક્કસ કહેત,
દરેક પ્રાર્થના તારી કબૂલ હું કરી લઉં,
કોઈની એક ભુલ માફ જો કરે તું.
તારા લાખ ગુના ભુલી જાઉં હું,
કોઈને દિલથી માફી જો આપે તું.
હા, માફ કરવા ખુબ મોટું હૃદય જોઈએ, અને માફી માંગવા એથી પણ મજબૂત મન....પણ કોઈ માફી માંગે પણ નહિ અને માફ કરવા આ બંને જોઈએ. ત્યાં સુધી અમુક વિરલ માણસો જ પહોંચી શકે છે...
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે એને તો હું છોડીશ નહિ... સમજે છે શું એ એના મનમાં... એણે મારી સાથે બહુ ખોટું કર્યું છે...એને હું કદી માફ ના કરી શકું...વગેરે વગેરે.. અરે મિત્ર, કોને માફ નહિ કરો તમે?!સૌથી પહેલા તો માફી આપનાર કે કોઈના કર્મને સાચા-ખોટાંનાં ત્રાજવે તોળનાર આપણે કોણ?! અને છતાં જો કોઈના પ્રત્યે મનમોટાવ ઉભો થયો તો એને મનમાં સંગ્રહી તમે શું મેળવશો?! અન્નને પચતાં જેટલો સમય લાગવો જોઈએ એટલો જ સમય એ શરીર માટે લાભકારી છે.ત્યારબાદ પણ જો એ અન્ન શરીરમાં જ રહે તો અપચો કહેવાય અને તે જ પોષણક્ષમ અન્ન ત્યારે ઝેર બની જાય છે...તે જ રીતે જો કોઈ મનમોટાવ ઉભો થયો છે તો એનું સમાધાન સત્વરે લાવી દેવું તે જ પોતાના મન માટે લાભકારી છે, જો એને સંગ્રહવામાં આવે તો એ વિચારોનો અપચો થાય છે, અને પરિણામે તમારા પોતાનાં માટે જ ઝેર સાબિત થાય છે...
માણસનું મન પણ જટિલ કમ્પ્યુટર જેવું છે. તેમાં ઉપયોગી એપ્લિકેશન્સ હશે તો તમારા કામમાં આવશે, કશું નવું શીખી શકાશે, કોઈને અને પોતાની જાતને ઉપયોગી બની શકાશે. પરંતુ જો વાઇરસ હશે તો એ તમારી જ સિસ્ટમ માટે ઘાતક પુરવાર થશે.
કોઈના માટેનું ઝેર ભરી તો તમે તમારા જ મનમાં રાખશો ને?!શા માટે?! એનાથી સામેવાળાને કોઈ નુકશાન ખરું કે માત્ર તમારું નુકશાન?!
હવે તમને સવાલ થશે કે માફ તો કરી દઈએ પણ કોઈ માફી માંગવું પણ તો જોઈએ ને! અરે ભાઈ, તમને ખબર છે કે તમને સાપ કરડ્યો તો તમે તરત દવા કરાવશો કે રાહ જોશો કે ડોક્ટર આવીને તમને કહે કે ચાલો દવાખાને!
આપણને નાનપણથી એતો શીખવવામાં આવે છે કે શરીર પર નાનો ઘાવ હોય તો જાતે ઘરેલુ ઉપચાર કરવાં અને મોટો ઘાવ હોય તો તરત ડૉક્ટર પાસે જવું...પણ આજ વાત મનનાં ઘાવ પર પણ લાગુ પડે છે એ કોઈ નથી જણાવતું....
બહુ સાદી વાત છે... તમને દુઃખ થયું એવું વર્તન અથવા વ્યવહાર કોઈ વ્યક્તિ એ કર્યો...તો હવે શું કરવું? ચાલો ક્રમશ: વિચારીએ...
1. પહેલાં તો એ વિચારો કે શું તમને આજે જે દુઃખ લાગ્યું એ જે-તે વ્યક્તિ સાથે વિતાવેલ સારાં સમય કરતાં વધુ તીવ્ર અને વધુ મહત્વનું છે?
જો ના, તો અભિનંદન!તરત જ એ દરેક સારી યાદોં વાગોળવાની ચાલુ કરી દો, પછી જુઓ તમે તરત જ એ દુઃખમાંથી બહાર આવો છો કે નહિ!
જો હા,તો ચાલો બીજાં પગથિયે જઈએ!
2.હવે શાંતચિત્તે વિચારો જે સમય અને સંજોગોમાં તમારી સાથે, જે તમને અયોગ્ય લાગે છે તે વર્તન થયું! પોતાની જાતને સામેવાળાની સ્થિતિમાં મુકી જુઓ! તમે જે-તે સ્થિતિમાં હોત તો તમે શું કરતાં?! ચાલો ધારોકે તમે તેવું ના કરતાં જેવું જે-તે વ્યક્તિએ કર્યું છે તો પણ લગભગ તમને
તે વ્યક્તિની પરિસ્થતિ સમજીને તેને માફ કરી શકવા જેટલા કારણ તો મળી જ રહેશે....
હજુ દુઃખની તીવ્રતામાં કોઈ ઘટાડો નથી? ચાલો ત્યારે આગળ...
3.જો હજુ પણ મનમાં સવાલ છે, દ્વેષની લાગણી છે, તો સૌથી સરળ ઉપાય છે વાત કરી લેવી.. તમારી લાગણી સ્પષ્ટ શબ્દોમાં સામેવાળાને જણાવી દેવી અને ચોખવટ કરી લેવી.જો તમને આ પણ અશક્ય લાગે છે તો હજુ આગળ જઇશું...
4.તમે કહેશો એ વ્યક્તિ સમજશે નહિ, અથવા તમે વાત કરી પણ તે સમજવા તૈયાર જ નથી. તો વિચારો જેને પોતાનાં કર્યાનું ભાન જ નથી તેવી વ્યક્તિ માટે કેવો દ્વેષ અને શેનો ઉદ્વેગ?!
5. આટલું વિચાર્યા પછી પણ તમે માફ ના કરી શકો તો સમય આપો અને વિચારો કે શું સંબંધો અને વ્યક્તિઓ, ક્ષણિક દુઃખ અને અપમાનથી ઘણાં વધુ મહત્વનાં નથી?!
અહીં મારો કહેવાનો આશય એ જરા પણ નથી કે તમે ફરીથી તમારી સાથે તે જ વર્તન ફરી કરવાની જે-તે વ્યક્તિને છુટ આપો! ના! આ જરાપણ નથી કરવાનું....માફ કરો પરંતુ ભવિષ્યમાં તે પરિસ્થિતિ ઉભી ના થાય એની પુરી તકેદારી પણ રાખો!
અંતમાં એટલું કહીશ કે સુખ ભૌતિક સાધનો આપી શકે છે... પણ મહત્વનું છે ખુશી અને શાંતિ...અને સદ્દભાગ્યે, તે આંતરિક છે..અને તમારાં જ હાથમાં છે!