માઈક્રોફિકશન-કોરોના Puja Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઈક્રોફિકશન-કોરોના

1

લીલાને સવારથી તાવ જેવું લાગતું હતું,વારંવાર ખાંસીથી ગળું પણ દુઃખતું.પણ દહાડી બંધ થયા પછી આ એક જ કામ હતું જેથી એના ઘરનો ચૂલો સળગતો.મોડું થયું હોવાથી તે લગભગ દોડતી અંદર પ્રવેશી અને તરત રોટલી વણવા લાગી.......... તેના શેઠાણી માલતીબેન કોઈની સાથે ફોનથી વાત કરી રહ્યા હતાં કે કોરોનાની આ મહામારીમાં તેઓ પોતાની નજર હેઠળ પેકેટ્સ તૈયાર કરાવી જરૂરિયાતમંદોમાં તેનું વિતરણ કરાવે છે.જે પુણ્ય મળ્યું તે.........

2

હર્ષદભાઈ જોઈ રહ્યા હતા કે લાશ હજુ એમ્બ્યુલન્સમાં જ હતી. કોઈ એને સ્વીકારવા તો ઠીક હાથ લગાડવા પણ તૈયાર નહોતું..... એમને કહેવું હતું કે લાશને અડવા માત્રથી કોરોના નથી ફેલાતો.... એમને કહેવું હતું કે માસ્ક અને ગ્લૉવેસ પૂરતી સુરક્ષા આપે છે....એમને કહેવું હતું કે હિંદુ શાસ્ત્રો મુજબ અંતિમસંસ્કારમાં હંમેશાથી જીવાણું ના ફેલાય તેની તકેદારી રખાય છે....ગુગળનો ધૂપ,છાણનું લીંપણ, જુના કપડાંનો ત્યાગ, સ્નાન આદિ.....એમને કહેવું હતું કે આ લાશમાં જયારે જીવ હતો ત્યારે એને ચેપની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવા કરી હતી.....પણ એ કશું બોલી શક્યાં નહિ.....કારણ એ હવે ડૉક્ટર નહોતા,એ હવે બાપ-ભાઈ-દિકરો કે પતિ પણ નહોતા...... એ તો માત્ર એક લાશ હતાં..... એક કોરોનગ્રસ્ત લાશ......

3

મોડીરાત્રે દીપલ નોકરી પરથી પરત ફરી રહી હતી. સોસાયટીની બહાર તેને ટોળું ઉભેલું જોયું...આ મહામારીનાં સમયમાં ટોળું જોઈ તેને નવાઈ તો લાગી .....નજીક પહોંચતા જ તેને ઘર ખાલી કરવા જણાવવામાં આવ્યું...તેણે ખુબ વિનંતી કરી કે આ શહેરમાં તે નવી છે....નોકરી અર્થે સાવ એકલી રહે છે...કોઈ ઓળખીતું પણ નથી...એ ક્યાં જશે મોડીરાત્રે...પણ કોઈ તેની વાત સમજવા તૈયાર જ નહોતું....છેવટે અડધી રાત્રે જરૂરી સામાન લઇ તે તેની સહકર્મચારીને ત્યાં રોકાવા ગઈ....નર્સ ક્વાટર્સમાં....

4

નીતિનાં સાસુ દેવયાનીબેનનો સ્વભાવ બહુ જ કડક હતો...તેમની હાજરીમાં દરેક વસ્તુ તેમની ઈચ્છા મુજબ જ થાય તેવો તેમનો હઠાગ્રહ રહેતો....તેમનો પોતાનો સ્વતંત્ર ધંધો હતો તેથી દરરોજ તેઓ કામનાં કારણે લગભગ મોટાભાગનો સમય ઘરની બહાર જ રહેતાં.પણ આ લોકડાઉનનાં કારણે તેઓ ક્યાંય જઈ શકતાં નહિ....
પોતાની જ સોસાયટીમાં રહેતી એની બહેનપણી કાવ્યાને નીતિ દરેક વાત કરતી....પણ કાવ્યા મુંબઈ પોતાના પિયરથી આવી પછી તરત આ લોકડાઉન થયું અને એ મળી જ ના શક્યાં....
આજે એકાએક સમાચાર મળ્યાં કે કાવ્યાને કોરોના લાગુ પડ્યો છે અને તેના સંપર્કમાં આવેલા તમામને 104 નંબર પર પોતાની વિગતો આપવાની છે અને પછી તેઓને કવોરેન્ટીન હેઠળ અલગ રાખવામાં આવશે... અને નીતિએ તરત જ પોતાના ફોન પર 104 નંબર ડાયલ કર્યો....

5

માલવ અને માલવિકાનાં લગ્નને ચાર વર્ષ જેટલો સમય થઇ ગયો હતો... બંને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા હોદ્દા પર કાર્યરત હતાં...વારંવાર દેશ-વિદેશમાં કામસર જવાનું થતું....કામમાંથી સમય મળે તો ક્યારેક એક-બે દિવસ માં-બાપ પાસે અથવા ફરવા જઈ આવતાં... મોટાભાગે તો બાર-તેર કલાકની નોકરી અને અવરજવરમાં જ તેમનો દિવસ નીકળી જતો.... પણ જ્યારથી ફરજીયાત ક્વોરન્ટીન થયાં ત્યારથી સમય જ સમય હતો... તેઓ ખુશ હતા કે હવે એકબીજા ને જાણી શકાશે,સાથે સમય પસાર થશે....પણ હવે ઘરકામ જાતે કરવાનું થતું અને રસોઈ બનાવવી પડતી એ અલગ... લોકો પાસે હુકમ કરી કામ લેવડાવતાં બંનેને જાતે કામ કરવું ફાવતું નહિ. ક્યારેક માલવને અહંમ નડતો અને ક્યારેક માલવિકાને સ્વાભિમાન....અગિયાર દિવસ થતાં સુધીમાં તો પરિસ્થિતિ એટલી વણસી કે તેમણે વકીલને ફોન કરી ડિવોર્સ પેપર્સ તૈયાર કરવાનું જણાવી જ દીધું....

6

ધાબા પર ક્રિકેટ રમતાં એ આઠેય ભાઈબંધોને પોલીસે ડ્રોનની મદદથી પકડ્યાં... તેઓને પોલીસસ્ટેશન લઇ જવામાં આવ્યાં પણ તેમનો ગુનો શું છે તે સમજી શકતા નહોતાં...આઠમાંથી એક રાજ તેના બીજાં ભાઈબંધને એ જ કહેતો હતો કે આપણે શાંતિથી રમી રહ્યાં હતાં એમાં ક્યાંથી કોરોના ફેલાય...અહીં તો હવે કોઈ પ્રવૃત્તિ જ નથી...આનાં કરતાંતો મારે મારાં પિતરાઈને લેવાં એરપોર્ટ ગયો ત્યાંથી એની સાથે જ ગામ જતું રેહવું જોઈતું હતું...ત્યાં તો એ બધાં રોજ વાડીએ જઈ મોજ કરે છે....