અણબનાવ-13
મિત્રો વચ્ચે થયેલા કંઇક અણબનાવને લીધે આજે પરીસ્થિતી એવી ભયંકર બની ગઇ હતી કે ગીરનારનાં જંગલમાં એક પથ્થરમાં કોતરેલી ગુફામાં આકાશ,વિમલ અને રાજુ ફસાયા હતા.એમાં પણ વિમલે ભાગી જઇ મોટી ભુલ કરી.સેવકરામ અને તિલકે ગુફાની બહાર ચોકીદાર તરીકે ગોઠવેલા બંને સિંહોએ વિમલને ભાગવા ન દિધો.આકાશ ગુફાની બહાર જયાંરે જોવા આવ્યોં ત્યાંરે એને વિમલ એ સિંહોની પાછળ પડેલો દેખાયો.બરાબર ત્યાં જ અંદરથી રાજુની બુમ સંભળાઇ.પણ એ જયાંરે ગુફામાં અંદર આવ્યોં ત્યાંરે ગુફામાં અંધકાર છવાયો હતો.એણે રાજુનાં નામની બુમ પાડી પણ રાજુનો કોઇ પ્રત્યુતર ન હતો.એટલે જ રાજુ પરની એની શંકા વધુ મજબુત બની.બહારથી આવેલી સિંહની ત્રાડ થોડી નજીક લાગી.એટલે હવે બહાર પણ જઇ શકાય એવું ન હતુ.આકાશે હવે તમામ આશાઓ પડતી મુકી.એ નીચે ફસડાઇ પડયો.હવે તો રાહ જોવા સિવાય કોઇ ઉપાય નહોતો.એક તરફ સિંહ અને બીજી તરફ રાજુ...કોણ પહેલા પહોંચે એવા વિચારે એ પડયો રહ્યોં.પણ કોઇ આવ્યું નહિ.કોઇ અવાજ પણ નહિ.બધુ શાંત થયું.ન અવાજ ન પ્રકાશ એવા વાતાવરણમાં આકાશની હાલત બહું જ ખરાબ થઇ.થોડી વાર પછી બહારથી તમરાનો અવાજ આવવા લાગ્યોં.જે આ જંગલનો બહું જ સામાન્ય અવાજ હતો.તો પણ આકાશની ઉભા થવાની હિંમત ન થઇ.આટલી અનિશ્ચિતતા એના મનમાં ભાર બની ગઇ.હવે જે પણ થવાનું હોય એ જલ્દી બની જાય તો સારું એવો મનોમન એ વિચાર કરવા લાગ્યોં.પોતાની પાસે કુહાડી હોવા છતા એ કંઇ કામ નહિ લાગે એવો ભય પણ એને સતાવતો હતો.પણ અચાનક એક અવાજે એને થોડો સ્વસ્થ કર્યોં.એ સાંકળ ખખડવાનો અવાજ હતો.એનો મતલબ કે રાજુ હજુ બંધાયેલો હતો.એ તરફથી થોડી સલામતીનો અનુભવ થયો.જો રાજુ હજુ પણ બંધાયેલો જ છે તો એના તરફથી કોઇ ભય નથી.થોડો ભય દુર થયો તો પણ આકાશ કંઇ બોલ્યો નહિ.અવાજ કરીને એને પોતાની હાજરી છતી કરવી ન હતી.જીવનની આશા બંધાઇ પછી એનું મગજ કામ કરવા લાગ્યું.એણે કુહાડી પર પોતાના હાથની પકડ મજબુત કરી.અને આવનારી અણધારી ક્ષણની રાહ જોવા લાગ્યોં.ત્યાં જ રાજુનો અવાજ સંભળાયો.પહેલા તો એ કંઇક ગણગણ કરતો હોય એવું લાગ્યું.આખરે થોડો સ્પષ્ટ અવાજ સંભળાયો.
“આકાશ....ઓ આકાશ.તું અહિં જ છે?”
રાજુનાં આ સવાલનો શું જવાબ આપવો એ વિચારવામાં આકાશે થોડો સમય લીધો.પણ રાજુએ અધીરા થઇ ફરી કહ્યું
“આકાશ...જવાબ તો આપ.” આકાશને રાજુનાં અવાજમાં ભારોભાર ડર અને લાચારી પણ સંભળાઇ.એટલે એ હળવેથી બોલ્યોં
“હા રાજુ.હું અહિં જ છું.પણ શું થયું? તને ઉંઘ આવી ગઇ હતી?”
“ના...હું ગભરાઇ ગયો હતો.મે કંઇક એવું જોયું....” રાજુએ કહ્યું પણ પોતે બેભાન થયો હતો એ વાત છુપાવી રાખી.
આકાશે થોડી ખાત્રી કરવા પુછયું
“ રાજુ, તું કયાં છે?”
“હું તો જયાં હતો ત્યાં જ છું.અવાજ પરથી ખ્યાલ નથી આવતો?”
“શું થયું હતુ? તે શું જોયું?”
“મે રાકેશને જોયો.હમણાં જ અહિં હતો.એ કંઇક બોલતો હતો.એ બહું દુઃખી હતો.” આકાશે ફકત પુછવા ખાતર પુછયું.પણ રાજુ માટે જાણે આ પ્રાણપ્રશ્ન હતો.એટલે એણે તરત જ કહ્યું
“આકાશ, રાકેશ મારી માફી માંગતો હતો.”
આકાશને આ વાત ગળે ન ઉતરી.એટલે એણે કહ્યું
“જો રાજુ, તું ગભરાઇ ગયો છે.તને ભ્રમ થયો હશે.”
આ સાંભળી રાજુ મૌન રહ્યોં.આકાશ અને રાજુ બંનેને હવે એકબીજા પર થોડો ભરોસો આવી ગયો હતો.વધુ તો બંને એકબીજાનાં ચહેરે...એકબીજાની આંખોમાં જુએ તો જ ભરોસો બેસે.એટલે હવે ગુફામાં પ્રકાશની રાહ જોતા રહ્યાં.આમ પણ સવાર થવાને હવે વધુ વાર ન હતી.વાતાવરણમાં થઇ રહેલો ફેરફાર એનો સુચક હતો.માનસીક અને શારીરીક થાકને લીધે આકાશને પથ્થરની પથારી પર જ ઉંઘ આવી ગઇ.સમય ખુબ શાંત રહીને પસાર થતો રહ્યોં.રાજુ તો કયાંરેક ઉંઘી જતો અને કયાંરેક ભયને લીધે ઝબકીને જાગી જતો.આખરે બહાર પક્ષીઓનો કલરવ શરૂ થયો.એ રાત્રીનો છેલ્લો પ્રહર ખતમ થવા જઇ રહ્યોં હતો.અંધારી રાત હવે ભુતકાળ થવા જઇ રહી હતી.ગીરનારની પાછળથી સુર્યોદય થવાની તૈયારીમાં હતો.અંધારાને ચીરીને અજવાળાનાં આગમન થવા જઇ રહ્યાં હતા.જંગલનાં બધા નીશાચરો હવે પોતપોતાના ઠેકાણે પડવાના હતા.દિવસનો ધમધમાટ ચાલુ થવા જઇ રહ્યોં હતો.સુર્યનાં અમુક કિરણો સુર્યની પહેલા દેખાઇને એના આવવાની ચાળી ખાઇ રહ્યાં હતા.વાતાવરણમાં ઠંડક હતી જે સવારને વધુ આહલાદક બનાવી રહી હતી.
પણ ગુફામાં આછો પ્રકાશ પ્રવેશ્યો એની સાથે સેવકરામ અને તિલક પણ અંદર આવી ગયા.રાજુને કોઇ પગરવ સંભળાયો.એ ફરી ઝબકીને જાગી ગયો.સામેથી આવતી બંને માનવ આકૃતિ અને આછો પ્રકાશ એના માટે ભય અને આશા બંનેનાં પર્યાય બની આવી રહ્યાં દેખાયા.નજીક આવતા જતા બંને જયાંરે રાજુની આંખમાં સ્પષ્ટ રીતે પ્રતીબીંબીત થયા ત્યાંરે રાજુનાં મનથી ઉઠેલું ભયનું એક તરંગ એના શરીરને પણ ધ્રુજાવી ગયું.એ પહોળી આંખો કરી ફકત જોતો રહ્યોં.પણ આગળ આવેલા તિલકે હસીને પુછયું
“તમે લોકો નકકી જ ન કરી શકયા?”
રાજુ પાસે એનો કોઇ જવાબ ન હતો.પણ તિલકનાં અવાજે આકાશ પણ જાગી ગયો.એણે પકડી રાખેલી કુહાડીનાં ટેકે એ ઉભો થયો.આકાશે કુહાડી તિલક સામે ઉગામી.પણ જાણે એનો હાથ હવામાં સ્થિર થયો હોય એમ અધ્ધર જ રહી ગયો.જાણે કોઇ અદ્રશ્ય શક્તિએ એને રોકી રાખ્યો.થોડી ક્ષણોમાં એના હાથમાં ભયંકર દુઃખાવો શરૂ થયો એટલે એક હળવી ચીસ સાથે એના હાથમાંથી કુહાડી પણ છુટી ગઇ.કુહાડી નીચે પડી ગઇ અને નજર સામે જ ગાયબ થઇ અને એના હાથનો દુઃખાવો પણ એ સાથે જતો રહ્યોં.આ બધુ જોઇ રહેલા રાજુને પણ કંઇ સમજાય એ પહેલા એને એક હળવો ધકકો લાગ્યો.પછી તરત જ એના હાથ અને પગ ખુલ્લા હતા.એની સાંકળો નીચે પડવાનો પણ કોઇ અવાજ એને સંભળાયો નહિ.બધુ જ બંનેની માન્યતાઓની વિરૂદ્ધ બની રહ્યું હતુ.સીધો સુર્યપ્રકાશ તો હજુ ગુફામાં આવ્યોં ન હતો.પણ એકબીજાને જોઇ શકાય એટલું અજવાળું થઇ રહ્યું હતું.હવે સેવકરામ આકાશની નજીક આવીને બોલ્યાં
“મિત્રોમાં ખોટી દાનતવાળો એ છુપો દુશ્મન કોણ છે? આખી રાતમાં કંઇ નકકી થયું?”
આકાશે વિચારવામાં સમય લીધો.એણે વિચાર કર્યોં કે ‘વિમલ તો લગભગ મૃત્યુ પામ્યો હશે.રાજુ તો છેક સુધી ભાગી જ શકયો નથી.અને હું તો નથી જ.’ છતા એ કંઇ નિર્ણય પર ન આવી શકયો.એટલે સેવકરામ હસીને બોલ્યાં
“તો આકાશ...તું એવું વિચારે છે કે તું ગુનેગાર નથી.બરાબરને?”
આકાશ તો સ્તબ્ધ બની ગયો.એણે હવે વિચારવાનું પણ બંધ કર્યું.એણે ફકત રાજુ સામે જોયું તો સેવકરામ ફરી બોલ્યાં
“અને રાજુએ તો વિચાર કરી લીધો છે કે આ આકાશ જ ગુનેગાર છે.એક તો આકાશ ખુલ્લો ફરે છે અને એના હાથમાં કુહાડી પણ આવી ગઇ?” આ સાંભળી રાજુએ પોતાના બે હાથ જોડી લીધા અને બોલ્યોં
“મહારાજ, આપ તો અમારા વિચારો પણ જાણો છો તો પછી અમારી આવી કસોટી શું કામ?”
“તારા સવાલનો જવાબ સમય આપશે.મારા સવાલનો જવાબ તમે આપો.” સેવકરામે નીચે બેસતા કહ્યું.આકાશ પણ થોડે દુર બેઠો.રાજુએ પણ પોતાની બેઠક જમાવી.તિલક હજુ ઉભો હતો.
“રાજુ, આ આકાશ પણ તારી જેમ નિર્દોષ છે.પણ પેલો વિમલ કયાં છે?”
તરત જ રાજુ અને આકાશને વિચાર આવી ગયો કે ‘આ વિમલ એક ડોકટર થઇને આવું કરે? મિત્રોમાં રહીને મિત્રોની હત્યા કરવાનું નકકી કર્યું?’ આકાશે તો વિચારી લીધું કે ‘આખરે વિમલને એના કર્મોની સજા મળી ગઇ.એટલે જ આ લોકોનાં સિંહે એને ફાડી ખાધો.’ પછી તરત જ આકાશે પોતાના વિચારો રોકી દીધા.કારણ કે આ સેવકરામ તો એવી સિદ્ધી ધરાવે છે કે વિચારો પણ વાંચી શકે.એટલે જ આકાશથી બોલી પડાયું
“તો વિમલ?”
“હા...જોયુંને? વિમલને મોકો મળ્યો તો તને ધકકો મારીને કેવો ભાગી ગયો? પણ ભાગીને ગયો કયાં? સિંહનાં મોઢામાં?” તિલકે આ વાકય પુરુ કરી અટ્ટાહાસ્ય કર્યું.
રાજુએ સેવકરામ તરફ દયામણા ચહેરે જોઇને પુછયું
“તો શું વિમલ પણ મરી ગયો?”
સેવકરામ તરફથી કોઇ જવાબ ન આવ્યોં.એમણે પોતાની આંખો બંધ કરી દીધી.તિલક પોતાના બે હાથ જોડી ગુફાની એક બાજુ પર ઉભો રહી ગયો.દિવસ તો હજુ ચાલુ થઇ રહ્યોં હતો.સુરજનાં કિરણો હજુ ગુફામાં પ્રવેશ્યા નહોતા છતા ગુફાની અંદર એવો પ્રકાશ રેલાયો જાણે બપોરનો તડકો અંદર આવતો હોય.આકાશ અને રાજુએ પોતાની આંખો ઝીણી કરવી પડી.અને...
ક્રમશઃ
--ભરત મારૂ