Anbanaav - 3 books and stories free download online pdf in Gujarati

અણબનાવ - 3

અણબનાવ-3
ગીરનારની તળેટીમાં, રાત્રીનાં અંધકારમાં રાકેશ અને આકાશને જ મળેલા સાધુવેશમાં આવેલા એક બાવાએ આપેલી ધમકીથી રાકેશને ગુમાવ્યોં અને હવે સમીરની હાલત પણ ગંભીર છે.એટલે હવે વિમલ,રાજુ અને આકાશ આ વિચીત્ર પણ મરણતોલ રહસ્યને કેટલી હદે સાચુ માનવું? અને સાચુ માનવું તો એનો ઇલાજ શું? એવી મુંઝવણમાં અટવાયા હતા.સમીરની હાલતથી હવે વિમલ પણ ડરવા લાગેલો.આકાશ તો પહેલેથી એક જ વાત પર અડગ હતો.રાજુ પણ કોઇ જોખમ લેવા માંગતો ન હતો.ત્રણેય મિત્રોનાં મનમાં ભયમિશ્રીત સવાલો અત્યાંરે ભયંકર અને બિહામણો નાચ કરતા હતા.જો રાકેશ જુનાગઢ છોડીને ન જઇ શકયો અને મૃત્ય પામ્યો, સમીરને પણ ભયંકર સજાનાં રૂપે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો કરી દીધો તો પછી વિમલ સહિસલામત અમદાવાદ જઇને કેમ પરત આવી ગયો? શું એક નાના અમથા ઝગડામાં એ બાવો આવો ક્રુર બની શકે કે એક પછી એક મરણતોલ ફટકા આપે?- આવા સવાલોનાં જવાબો મેળવવા જ વિમલ તાત્કાલીક જુનાગઢ આવી ગયો.એણે રાજુ અને આકાશને મળી તરત જ સવાલ કર્યોં કે હવે આગળ શું કરીશું?
આકાશ કે રાજુ પાસે પણ આનો કોઇ યોગ્ય જવાબ તો હતો નહિ.રાજુનાં મામાનાં ઘરેથી દેખાતા ગિરનાર તરફ આકાશે તો એકીટસે ફકત જોયા કર્યું.વિમલ અને રાજુ પણ એ તરફ જોવા લાગ્યાં.નાનપણથી જે અડગ પર્વત જોઇને મોટા થયા હતા એ પર્વત આજે આ લોકોને રહસ્યમય અને ડરામણો દેખાવા લાગ્યો.ગિરનારનાં કાળમીંઢ પથ્થરો, ઉનાળામાં સુકાયેલા વૃક્ષો અને ગિરનારમાં વસતા અસંખ્ય હિંસક જીવોની ભુતાવળ જયાંરે ત્રણેયનાં મનમાં રમવા લાગી ત્યાંરે રાજુને અચાનક કંઇક યાદ આવ્યું.એટલે જ એણે પોતાનું મોઢું આ બંને તરફ ફેરવ્યું.અને એકદમ ધીમા અને ઢીલા સ્વરે કહ્યું
“મારા એક ઓળખીતા સ્વજન છે.એ આવી વાતોનાં જાણકાર છે.કદાચ એ મદદ કરી શકે?”
“કોણ છે એ? કોઇ પોલીસ અધીકારી છે?” વિમલે સામે સવાલ કર્યોં.
“આમાં પોલીસ શું કરે? એને આપણે શું કહીએ? એમ કહીએ કે એક અજાણ્યા બાવાને લીધે અમારા એક મિત્રનું એક્સીડેન્ટમાં મૃત્યુ થયું અને બીજાને હાર્ટ એટેક આવ્યોં?” રાજુએ કહ્યું.
આકાશે પણ રાજુની વાત માન્ય રાખતા કહ્યું “પહેલા તો એ બાવાનું ઠેકાણું આપણે શોધવું પડે? એનો કંઇ અતોપતો મળે પછી પોલીસને પણ કહી શકાય.”
“એક રીટાયર્ડ ટી.સી. છે.જે રેલ્વેમાં કામ કરતા હતા.હું એને એકવાર મળેલો છું.એણે ગિરનારને નજીકથી જોયેલો છે.એને ગિરનારનાં ઘણાં સાધુ બાવાઓનાં અનુભવ થયેલા છે.પણ અત્યાંરે એ હયાત હોવા જોઇએ, તો આપણને કંઇક મદદ મળે.” રાજુએ રસ્તો ચીંધ્યો પણ એ ધુંધળો હતો.અનિશ્ચિત વાતથી વિમલ અને આકાશ કોઇ પણ પ્રતિભાવ આપ્યાં વિના ઉભા રહ્યાં.વિચારોનાં વમળમાં અટવાયેલા બંનેએ કોઇ પ્રતિભાવ ન આપ્યોં એટલે રાજુએ ફરી વાત આગળ વધારી
“છેલ્લે હું એને લગભગ બાર વર્ષ પહેલા મળેલો.એમણે મને આ ગુરુની વીંટી કરી આપેલી.” રાજુએ પોતાના જમણા હાથની આંગળીઓ બતાવી.વિમલને આ બધુ માનવામાં કયાંક મનનાં એક ખુણે, જયાં એ ડોકટર થઇને જીવતો ત્યાં થોડો સંકોચ પણ ઉદ્ભવતો હતો કે ‘હું આવા વિચારોમાં કેમ અટવાયો?’...પછી એક અજાણ ભય પણ જાગૃત થતો હતો કે ‘કયાંક એક પછી એક બધાનાં મૃત્યુ તો નહિ થાયને?’ આવી ગરબડ થકી એનાથી પુછાઇ ગયું
“આ વીંટીથી તને કંઇ લાભ થયો?”
“હા....આ છેલ્લા બાર વર્ષમાં જ તો હું આર્થિક અને સામાજીક સુખી થયો છું.” રાજુએ કહ્યું.આકાશને વાત આડા પાટે ચડી જશે એવો બીજો ભય લાગ્યોં એટલે એ વચ્ચે જ કુદી પડયો
“ચાલો, આપણે એની પાસે જઇએ.કંઇક તો સત્ય જાણવા મળશે જ.”
રાજુએ એમનું ઘર જોયેલું જ હતુ.એ ઉપરકોટનાં રસ્તે જુના જુનાગઢમાં આવેલા એક એવા મકાનમાં રહેતા જેમાં મોટાભાગમાં લાકડાનો વપરાશ થયેલો હતો.છત પણ લાકડાનાં ટેકા પર ગોઠવેલા મોટા છીપર પથ્થરથી ટકેલી હતી.રસ્તાથી થોડું ઉપર ઉઠેલું મકાન એમાં વળી લાકડાનાં પાંચ પગથીયા.અંદર લીવીંગ રૂમમાં બે સેટી પાથરેલી, અને બે લાકડાની ખુરશી હતી.એમાં એક ખુરશી આરામ કરી શકાય એવી લાંબી.એક લાકડા અને કાચથી બનેલો શોકેઝ અને ઉપર દિવાલોમાં લટકતી ઘણાં અજાણ્યાં સાધુઓની તસવીરો જોઇને વિમલને વધુ નવાઇ લાગી,આકાશને થોડી અને રાજુ તો અહિંનો જાણીતો હતો.ત્રણેય એકલા સેટી પર બેઠા. “ઓમકાર મહારાજ ધ્યાનમાં બેઠા છે.થોડી વાર બેસો હમણાં આવશે.” એવું એક તરુણ છોકરો પાણીનાં ગ્લાસ લઇને આવ્યોં એ બોલ્યોં.થોડીવારે ચા પણ આવી.ત્રણે મિત્રોએ ભારે મને ચા પીધી.એવામાં એક વૃદ્ધ અંદરથી એક લાકડીનાં ટેકે ધીમા ડગલે આવ્યાં.ચહેરા પર લાંબી સફેદ દાઢી,પ્રમાણમાં સહેજ જાડા કાચનાં ચશ્મા,વિશાળ કપાળ એના પર કેસરી તિલક,નીચે કેસરી રંગની ધોતી અને ઉપર સફેદ રંગની બંડી પહેરેલી.એમના ચહેરા પર કંઇક પેલે પારની ચમક પણ વર્તાતી હતી.શરીર પણ મજબુત બાંધાનું અને લંબાઇ છ ફુટ ઉપર હશે.રાજુએ ઉભો થઇ એના પગને સ્પર્શીને નમસ્કાર કર્યાં.આકાશે પણ આમ કર્યું.વિમલ હજુ ચા પીતો હતો.ઘણી વાર પછી એ ઓમકાર મહારાજ પોતાની લાકડાની ખુરશી સુધી પહોચ્યાં.રાજુએ પોતાની ઓળખાણ આપવાની કોશીષ કરી પણ એમને હવે કંઇ યાદ નહોતુ.છયાંસી વર્ષની ઉંમરે હવે ભુતકાળ બહું યાદ નથી રહેતો એવી એમણે જાતફરીયાદ પણ કરી.અને સાથે આશ્વાસન પણ આપ્યું કે ‘જે પણ કામ હોય તે વિના સંકોચ કહો, મારાથી જે શકય હશે એ મદદ કરીશ.’
રાજુએ આખી વાત માંડીને કરી.બધા મિત્રોની મુંઝવણ અને આ અજાણ દુઃખ પણ રજુ કર્યું.ઓમકાર મહારાજનાં ચહેરે થોડું તાણ દેખાયું.થોડી ક્ષણ તો એ મૌન જ રહ્યાં.પછી ત્રણેય મિત્રોનાં ચહેરા તરફ નીરખીને બોલ્યાં “આવું બનવું તો શકય નથી.કોઇ બાવો નાની વાતમાં ઝગડો કરે અને કંઇ મેલી વિદ્યા ભણીને તમને પરેશાન કરે.ભલે એ ગમે તેવો ભયંકર તાંત્રિક હોય પણ આવું ન કરી શકે.” આકાશ અને રાજુ હજુ આગળ સાંભળવા માટે રાહ જોઇ રહ્યાં હતા.પણ વિમલે તરત જ કહ્યું “મહારાજ, એક તરફ હું સલામત આવી ગયો એટલે એવું લાગે છે કે આ બાવાની વાતમાં કંઇ દમ નથી.અને બીજી તરફ સમીરને હાર્ટ એટેક આવ્યાં પછી એવું લાગે છે કે અમારી સાથે કંઇક તો ખરાબ થવા જઇ રહ્યું જ છે.”
“ઠીક છે....મને થોડો સમય આપો.હું જાણીને કહું.” એટલું બોલી ઓમકાર મહારાજ લાકડીનાં ટેકે અંદર ચાલ્યા ગયા.
“હવે કંઇક ઉકેલ મળી જશે એવું લાગે છે.” આકાશે આશા વ્યકત કરી.રાજુએ માથુ હકારમાં ધુણાવ્યું.
“અંદર કોઇ સાથે ફોનમાં વાત કરવા ગયા છે?” વિમલે રાજુને પુછયું.
“ના.અંદર એ ધ્યાનમાં બેસીને તપાસ કરશે કે એ બાવો કોણ હતો?” રાજુએ માહિતી આપી.લગભગ અડધા કલાક પછી ઓમકાર મહારાજ બહાર આવ્યાં.એમના ચહેરે કંઇક અશાંતિ દેખાતી હતી.જે એણે શબ્દો દ્વારા આકાશ,રાજુ અને વિમલ તરફ વહેતી મુકી
“હજુ સુધી કંઇ ખ્યાલ નથી આવતો.મે મારા ગુરુનું આહ્વાન પણ કર્યું.એમણે પણ મને કહ્યું કે એવો કોઇ તાંત્રિક અત્યાંરે સક્રીય નથી.”
“તો આ વાત ખોટી જ છે એવું અહિં નકકી થાય છે.” વિમલ બોલ્યોં.
“ના...મને આ વાત ખોટી નથી લાગતી.” આકાશે બોલવામાં ઉતાવળ રાખી.
રાજુને કંઇ બોલવા કરતા ઓમકાર મહારાજ તરફ જોવાનું વધુ યોગ્ય લાગ્યું.એ કંઇક વિચાર કરી રહ્યાં હતા.વિમલ તો હવે ઉભા થવાની તૈયારીમાં જ હતો કે ઓમકાર મહારાજ અનુમતિ આપે એટલે અહિંથી નીકળી જઇએ.પણ ત્યાં જ ઓમકાર મહારાજ બોલ્યાં
“હું રેલ્વેમાં ટીસી હતો.જુનાગઢથી ધારીની નેરોગેજ રેલ્વેમાં ટીકીટ ચેકર તરીકે વધારે સમય નોકરી કરી.એટલે કેટલાય બાવા અને ભિખારીઓ ટ્રેનમાં મને મળતા.આ સાધુ બાવાઓની ટીકીટ કયાંરેક હું લઇ આપતો.ધીમે ધીમે મને ગિરનારનાં અને ગિરનારમાં બહારથી આવતા તમામ બાવા સાધુ અને સંતો ઓળખતા થયા.પછી તો ગુરુઓ અને સદગુરુઓ પણ મળ્યાં.આજે ગિરનારમાં વસેલા તમામ તાંત્રિકો અને સિદ્ધોને કયાંરેક તો મળેલો જ છું.એમના મારા પર ખુબ આશીર્વાદ છે.આ આકાશ અને રાકેશને મળેલો આવો બાવો કેમ ધ્યાનમાં નથી આવતો?....કદાચ એણે જોગણીયા ડુંગર પર હમણાં જ આશરો લીધો હોય એવું બને.(જોગણીયો ડુંગર એટલે જુનાગઢ શહેરનાં મધ્ય ભાગેથી ગિરનાર તરફ જોતા ડાબી તરફનો કોઇપણ મંદિર કે સ્થાનક વિનાનો રહસ્યમય ડુંગર) અથવા એ બહારથી થોડા સમય પુરતો અહિં વસેલો હોય.એનું કામ પુરુ થઇ જાય એટલે ચાલ્યો જાય.”
“એટલે કે ‘ટેમ્પરરી’ વસવાટ?” રાજુએ ફકત વાત આગળ વધારવા પુછયું.
“હા....આવા ‘ટેમ્પરરી’ તાંત્રિકોનો કંઇ ભરોસો નહિ કયાંરે શું કરે?” ઓમકાર મહારાજે કહ્યું.
“તો હવે અમે શું કરીએ?” આકાશે પુછી લીધું.
વાતાવરણમાં ફરી શાંતિ પથરાઇ.એ શાંતિમાં જ ઓમકાર મહારાજ ફરી ઉભા થયા અને અંદર ગયા.આકાશને નવાઇ લાગી એટલે એણે રાજુ તરફ જોઇ હાથથી પ્રશ્નાર્થ ઇશારો કર્યોં.પણ વિમલને તો આ અસહ્ય થયું એટલે એ ઉભો થઇ ગયો અને બોલ્યોં “ચાલો ત્યાંરે....કંઇક બીજો રસ્તો લઇએ.” પણ રાજુએ વિમલનો હાથ પકડી ફરી બેસાડયો.વિમલ કમને ફરી બેઠો.થોડી વાર સુધી વ્યાકુળ રહેલા ત્રણે મિત્રોનાં મન ઓમકાર મહારાજનાં ફરી આવવાથી થોડા શાંત થયા.એમના હાથમાં એક પરબીડીયું હતુ.જેમાં એમણે ત્યાં જ કાચનાં શોકેઝમાંથી ગુંદર લઇ એ પરબીડીયાને શીલબંધ કર્યું.અને આકાશનાં હાથમાં આપતા કહ્યું
“લાલઢોરી જોઇ છે?” આકાશે માથુ ધુણાવી હા કહી.આકાશને તો હજુ ગીરનારમાં આવેલા વિવિધ સ્થળો યાદ જ હતા.લાલઢોરી નામની ટેકરી પર તો એ ઘણી વખત ટ્રેકીંગ કરવા જતો.
“ત્યાં એક ‘ગેબી ગુંજ’ નામની ધર્મશાળા છે.બહું જુનવાણી મકાન છે.સન 1976 માં એનું નિર્માણ થયુ છે.એમાં એક રસોઇયો છે, તિલક એનું નામ છે.એને આ કાગળ આપજો.પછી એ કહે એમ કરજો.....જો આ તમારી વાતમાં કંઇક પણ તથ્ય હશે તો એ તમને રસ્તો બતાવશે.” આકાશે તરત જ પોતાની કાંડા ઘડીયાલમાં જોયું તો અગીયાર વાગ્યા હતા.ગરમ પવનો ફુંકાવા લાગ્યા હતા.બહાર નીકળતા પહેલા ત્રણેય મિત્રોએ ઓમકાર મહારાજને નમસ્કાર કર્યાં.આકાશે પોતાનું પર્સ કાઢયું.એ જોઇને ઓમકાર મહારાજ બોલ્યાં “દરેક વસ્તુની કિંમત પૈસાથી ન આંક...દિકરા.અને બધા ખાસ એક વાત ધ્યાનમાં રાખજો કે તિલક કહે એટલું જ કરજો.આ સંત અને સુરાની ભુમિ છે.એના પારખા ન હોય.” વિમલને ઉંબરો પાર કરતા આ શબ્દો સંભળાયા એટલે એણે ધીમા સ્વરે ગણગણ કર્યું ‘અમે પણ અહિં જ જન્મેલા છીએ.આ બધી ખબર જ છે અમને’.
કારમાં બેસીને વિમલે તરત જ કહ્યું “આકાશ, પેલુ કવર આપ.હું ખોલીને જોઇ લઉં કે અંદર શું લખ્યું છે?” આકાશ થોડો મુંજાયો પણ એણે ના કહી.રાજુએ પણ કહ્યું “આપણે ઓમકાર મહારાજની વાત પર ભરોસો રાખવો જોઇએ.લાલઢોરી જઇ તિલકને મળીએ.પછી એ શું કહે છે એના આધારે આગળ વધીશું.” આકાશે કવર પોતાના પેન્ટનાં ખીસ્સામાં મુકી દીધુ.
ક્રમશઃ
--ભરત મારૂ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED