અણબનાવ - 1 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણબનાવ - 1

અણબનાવ-1

“ઓ...ઝડપથી કહી દે જે કહેવું હોય તે, કાચબાછાપ!! હું રાજકોટ જવા માટે નીકળું છું.મારે ઉતાવળ છે.”

સમીરે કારનો કાચ ખોલ્યોં અને બાજુમાં પાનનાં ગલ્લે જ ઉભેલા આકાશને કહ્યું.આકાશે વળી હાથથી નીચે ઉતરવા ઇશારો કર્યોં.સમીરે કાર અને કારનું એ.સી. બંને ચાલુ જ રાખ્યાં.જુનાગઢ શહેરમાં ઉનાળામાં સવારથી ઉકળાટ અસહ્ય હોય છે.એમાં પણ સમીર જેવા ફેકટરીનાં માલીકને કે જે સતત ‘એરકન્ડીસન્ડ’ વાતાવરણમાં રહેતો હોય એને વધુ ગરમી લાગે.આકાશ તો જુનાગઢનો જ રહેવાસી એટલે આ શહેરનું વાતાવરણ એને માટે સહજ હતુ.સમીર અને આકાશ સ્કુલનાં જુના મિત્રો.આમ તો ડો.વિમલ,રાજુ,રાકેશ અને આ બંને એમ પાંચેય ખાસ મિત્રો જે દસમાં ધોરણ સુધી અહિં જ સાથે ભણ્યાં.હવે આકાશ સિવાય ચારેય મિત્રો અલગ અલગ શહેરમાં વસ્યા હતા.ડો.વિમલ અમદાવાદમાં ઇ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટ, રાજુ અને રાકેશ સુરતમાં બીલ્ડર બની ગયેલા.બંને અમુક પ્રોજોકટમાં ભાગીદાર પણ હતા.સમીરને રાજકોટમાં ઓટો પાર્ટસની ફેકટરી હતી.આકાશે તો એનાં પિતાજીની ખાલી થયેલી નોકરી જ સ્વીકારેલી હતી.એક જુની ટ્રેડીંગ કંપનીમાં એ એક એકાઉટન્ટ હતો.આકાશને બધા જ મિત્રો થોડો ધીમો સમજતા, દરેક વાતમાં એ ધીમો ચાલતો.એટલે જ બધા મિત્રો બીજા મોટા શહેરોમાં સેટ થયેલા પણ આકાશ તો મુળ શહેરમાં જ સ્થિર થઇ ગયેલો.પાંચેય મિત્રો એકસાથે ભેગા થઇ શકતા ન હતા.પણ ગઇકાલે એમનાં દસમાં ધોરણનાં વર્ગશિક્ષક મૃત્યુ પામ્યા એની શોકસભામાં બધા એકઠા થયા હતા.લગભગ એક વર્ષ પછી બધા એકબીજાને મળ્યા એનો બધાને આનંદ હતો.પણ આ આનંદ બીજા જ દિવસે શોકમાં ફેરવાયો એ વાત કરવા જ આકાશે સમીરને અહિં બોલાવ્યોં.સમીરે નીચે ઉતરી ફરી ઉતાવળે પુછયું

“હા બોલ શું હતુ? મારે આજે જ રાજકોટ પહોંચવાનું છે એટલે ઉતાવળ રાખજે.” સમીર હસ્યો અને સીગારેટ સળગાવી.

“રાકેશની કારનું એકસીડેન્ટ થયું છે.”

આખરે આકાશે દુઃખદ શબ્દો વહેતા કર્યાં ત્યાંરે સીગારેટ તો સળગતી રહી પણ સમીર સ્થિર થયો.

“ઓહો! કયાં? કેવી રીતે? એને વાગ્યું છે?”

સમીરનાં સવાલો ઉપરાઉપરી આવ્યાં.

“વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે અહિંથી નીકળી ગયો હતો.જેતપુર પાસે એક બંધ પડેલી ટ્રકમાં એની કાર ઘુસી ગઇ.સાથે ભાભી અને એની દિકરી હતા પણ એમને તો સામાન્ય ‘ઇન્જરી’ જ છે....” આકાશની વાતને વચ્ચે જ રોકી સમીરે ફરી પુછયું

“તો રાકેશ...”

“એને માથાનાં ભાગે ઇજા થઇ છે.સવારે 5.30 વાગ્યે અહિં હોસ્પીટલમાં દાખલ કર્યોં છે.એની ઇજા બહું ગંભીર છે.” સમીરે આટલું સાંભળી સીગારેટને ફેંકી અને આકાશનો હાથ પકડી એને પોતાની કાર તરફ લઇ જતા બોલ્યો “ચાલ ઝડપથી હોસ્પીટલ જઇએ.”

રસ્તામાં સમીરે પુછયું “અમે ગયા પછી તમે રાતનાં કેટલા વાગ્યાં સુધી ત્યાં બેઠા હતા?

“અમે 2.00 વાગે છુટા પડયા.”

“ઓહો! સાલા તને ન ખબર પડે? રાકેશને સવારે વહેલા સુરત જવા નીકળવાનું હતુ તો એને બીચારાને ઉજાગરો કરાવ્યોં?” સમીરે આકાશને કડક અવાજે કહ્યું.

“જો સમીર....વાત બીજી છે.તું મારી ઉપર ગુસ્સો ન કર.”

સમીરને વિચાર આવ્યોં કે આ વળી બીજી વાત ચાલુ કરશે તો મારે એની લપ સાંભળવી પડશે.એટલે સમીર ચુપ રહ્યોં અને ત્યાં જ હોસ્પીટલ પણ આવી ગઇ.
***** ***** ***** *****
ગઇ કાલે પાંચેય મિત્રોએ શોકસભા બહાર નકકી કરેલું કે સાંજે ફરી મળીએ અને ભવનાથ મંદિર, ગીરનાર તળેટીમાં રાત્રે ચા પીવા જઇએ.સાંજે જુનાગઢની એક જુની ગાર્ડન રેસ્ટોરન્ટમાં બધા સાથે જમ્યાં.પછી એક રાકેશની કાર અને એક ડો.વિમલની કાર લઇને ભવનાથ ગયા.ગીરનાર દરવાજાથી ભવનાથ મંદિર અને ગીરનારનાં પગથીયા ચાલુ થાય ત્યાં સુધીનો રસ્તો એટલે જંગલનો રસ્તો.એટલે ઉનાળામાં પણ રાત્રે અહિં ઠંડક રહે છે.એ વાતાવરણને માણવા ઘણાં શહેરીજનો રાત્રે અહિં બેસવા, ચા પીવા કે કાવાની લિજજત લેવા આવતા હોય છે.એવી જ રીતે આ પાંચે મિત્રો નાનપણનાં સમયથી અહિં આવતા રહેતા.અહિં નિરાંતે મનગમતી વાતો કરવાની મજા છે.જેટલો સમય અહિં વીતે એટલો સમય મનનાં ચોપડે સારી સ્મૃતિમાં નોંધાય છે.અહિં સમય જાણે થંભી જાય છે.
એક ચાની હોટલની બહાર રાખેલા પ્લાસ્ટીકનાં ટેબલ અને ખુરશી પર બધા મિત્રોએ મંડળી જમાવી.થોડી થોડી વારે ચાની ધુમાડા નીકળતી પ્યાલીઓ આવી જતી.કયાંરેક ચાનો ધુમાડો સીગારેટનાં ધુમાડામાં એકરસ થઇ જતો જેમ બધા મિત્રો પોતાનાં સ્કુલનાં દિવસોની યાદોમાં એકરસ અને એકરૂપ થઇ જતા.એ ભુતકાળ જ હવે એકમાત્ર એવો બચ્યોં હતો જેમાં આજનાં અલગ અલગ ‘પોઝીશન’ પર પહોંચેલા મિત્રો એકસમાન અનુભવ કરી શકતા હતા.જાણે ત્યાંરે નામ સિવાય કંઇ અલગ ન હતું.એ બધી યાદો પર આજે એ લોકો ખુશ થઇ શકતા....ખુલીને હસી શકતા.એ પચાસ પૈસામાં થતો નાસ્તો....એ ગમતી છોકરીઓ પાછળ સાઇકલ લઇને જવું....એ અલગ અલગ સ્પર્ધાઓમાં થયેલા છબરડા....એ શિક્ષકનો ડર....એ નિબંધની નોટો...એ ડ્રોઇંગનાં રંગો...તમામ પ્રસંગો અહિં ટેબલ પર વાતોનાં સ્વરૂપે એક પછી એક આવતી ચાની પ્યાલી કરતા પણ વધુ લિજજતદાર લાગતા હતા.આમ ને આમ રાત્રીનાં 12.00 વાગ્યા એટલે વિમલ અને રાજુએ ઘરે જવાની વાત કરી.અને આવતીકાલે સવારે જો મળી શકાય તો ઠીક નહિંતર ફરી કયાંરેક સમય સંજોગો કરાવે ત્યાંરે આવી સુખદ મુલાકાત કરીશું એવું નકકી થયું.આમ પણ ડો.વિમલ,રાકેશ,રાજુ અને સમીરને તો પોતાના ઘરે અલગ અલગ શહેરોમાં જવાનું હતુ.આકાશને તો કયાંય જવાનું ન હતુ.એ તો જુનાગઢ શહેરની બહાર પણ ખુબ જવલ્લે જ નીકળતો.એને તો આ બધા મિત્રો પાસેથી એમના શહેરોની વાતો સાંભળવાની ખુબ મજા આવતી.એણે તો કહ્યું પણ ખરું

“એક તો તમે લોકો એક વર્ષે મળ્યાં એમાં પાછા જવાની આટલી ઉતાવળ શું કામ? હજુ એક દિવસ તો રોકાઇ જાઓ.મજા આવશે....આવતીકાલે ગીરનારનાં જંગલમાં ટ્રેકીંગ કરવા જઇશું.”

“અરે ભાઇ, હવે એવો સમય કયાં છે? હવે એવી પહેલા જેવી ‘ફીટનેસ’ પણ નથી રહી.સમયે ઘણું બધુ છીનવી લીધુ છે, દોસ્ત.”

રાજુએ આવું કહ્યું ત્યાંરે ડો.વિમલ અને સમીરે પણ આ વાતને વધાવી.પણ આકાશે છેવટે રાકેશને થોડો સમય બેસવા માટે મનાવી લીધો.એટલે એ બંને રાત્રે 2.00 વાગ્યાં સુધી ત્યાં જ બેસી રહેલા.
***** ***** ***** *****
આકાશ અને સમીર ઉતાવળા પગલે હોસ્પીટલમાં બીજા માળે આવેલા આઇ.સી.યુ.માં પહોચ્યાં.ડો.વિમલ અને રાજુ ત્યાં પહેલાથી હાજર જ હતા.રાજુએ બધી વાત જણાવતા કહ્યું

“યાર...રાકેશને માથામાં ખુબ વધારે લાગી ગયુ છે.”
આકાશ તો કશું બોલી ન શકયો.પણ સમીરે વિમલને પુછયું

“ડોકટર...શું ‘કંડીશન’ છે રાકેશની?”

“માથામાં માર લાગ્યોં છે.મગજમાં એવી ‘ઇન્જરી’ થઇ છે કે ત્યાં ઓપરેશન પણ શકય નથી.આવનારા થોડા કલાકો બહું ભારે છે.બસ થોડો સમય નીકળી જાય તો સારું.”

વિમલનાં શબ્દો બધાનાં હૃદયની આરપાર નીકળ્યાં.અને એની વેદના બધાની આંખોમાં ભીનાશરૂપે દેખાઇ આવી.છતા તરત જ બધા મિત્રોએ એકસાથે હિંમત એકઠી કરી બાજુમાં બેઠેલા રાકેશનાં મામા-મામીને હિંમત આપી.રાકેશનાં પપ્પા અને એનો ભાઇ સુરતથી નીકળી ગયા હતા.જે લગભગ બાર વાગ્યે આવી જશે એવી જાણકારી એમના તરફથી મળી.આઇ.સી.યુ.માં રાકેશને જોવા ચારે મિત્ર એક પછી એક જઇ આવ્યાં.છેલ્લે આકાશ અંદર ગયો ત્યાંરે સમીરે વિમલને કહ્યું

“યાર, ગઇકાલે આપણે તો બાર વાગ્યે છુટા પડયા પણ આ આકાશે રાકેશને રાતનાં 2.00 વાગ્યા સુધી રોકી રાખ્યો હતો.એને ખબર હતી કે રાકેશને વહેલી સવારે સુરત જવા નીકળવાનું છે તો એને વહેલો છુટો કરાયને?”

સમીરની સાથે વિમલે પણ આકાશનાં અણગમામાં મોઢું બગાડ્યું.પણ રાજુએ સ્થિરતા રાખી કહ્યું

“જો સમીર, જે થવાનું હોય એ થાય છે.આપણે એમ કોઇનો વાંક ન કાઢી શકીયે.”

વિમલ વળી બોલ્યોં
“વેલ...ટ્રીટમેન્ટ ચાલુ છે.સારુ થઇ જશે.”

ત્યાં જ આકાશ બહાર આવ્યોં.અને ત્રણે તરફ જોઇને બોલ્યોં

“હવે તમને એક માનવામાં ન આવે એવી વાત કરવી છે.અને તમારે એ વાત માન્ય રાખવી જ પડશે.”

“જો તું અમને કંઇ સલાહ ન આપતો.અમને ખબર જ છે કે ડ્રાઇવીંગ કેમ કરાય!”

સમીરે ઉતાવળ કરી.પણ આકાશે એના તરફ જોયું જ નહિ.અને રાજુની સામે જોઇને ફરી કહ્યું
“રાજુ, આ સમીર અને ડોકટર તો મારી વાત ઉડાવી જ મુકશે.પ્લીઝ તું ધ્યાન આપ.આ બહું જ ગંભીર બાબત છે.”

“હવે તું કંઇક બાબત જણાવીશ તો ખબર પડે ને યાર?”વિમલે પુછયું.

“ગઇકાલે તમે લોકો ગયા પછી હું અને રાકેશ બેઠા હતા ત્યાંરે એક લાંબી કાળી દાઢી, ખભ્ભા સુધીનાં ખુલ્લા વાળ અને કાળા રંગનાં કપડા પહેરેલો એક બાવો અમારી પાસે આવ્યોં.એણે ચા માંગી એટલે મે એને ચા મંગાવી આપી.પછી રાકેશ પાસે રૂપિયા માંગ્યા.એટલે રાકેશ સાથે એનો ઝઘડો થયો.વાત ગાળાગાળી સુધી આવી ગઇ.તમને તો રાકેશનો ગુસ્સો ખબર જ છેને! મે રાકેશને આમ કરતા રોકયો પણ એણે તો પેલા બાવાને ધકકો મારી ખુરશી પરથી નીચે પછાડયો.પેલો બાવો તો ગુસ્સામાં લાલઘુમ થયો.એનું આખુ રૂપ જ બદલાઇ ગયુ.વાત વધારે આગળ ન વધે એટલે મે એની માફી માંગી અને પાણીની બોટલ આપી.તો એણે પાણી નીચે માટીમાં રેડયું.મોઢેથી કંઇક બડબડ કરવા લાગ્યો અને પોતાના ચીપીયાથી નીચે એક ગોળ કુંડાળુ દોર્યું.એમાં માટીની પાંચ ગોળીઓ બનાવીને મુકી.અને કહ્યું કે ‘આ જુનાગઢનું કુંડાળું છે.આ માટીનાં પીંડ તમારા પાંચેયનાં છે.જો કોઇ જુનાગઢની બહાર ગયું તો મોત પાકકું સમજો.’ આમ બોલી એણે એક મીટીની ગોળી ચીપીયા વડે કુંડાળાની બહાર કાઢી તો તરત જ એ ગોળી આપોઆપ ભાંગી ગઇ.”

સમીર પોતાનો એક હાથ પોતાના માથે પછાડીને બોલ્યોં “અરે યાર આને કોઇક સમજાવો.આ આકાશ જુનાગઢમાં રહીને ઘણો પાછળ રહી ગયો છે.આ કયાં જમાનામાં જીવે છે?”
વિમલને પણ આ ગંભીર અને વિકટ ઘડીમાં હસવું આવી ગયુ.પણ રાજુએ સંતુલન રાખતા કહ્યું

“જો આકાશ, આપણે તો નાનપણથી આ શહેર અને જંગલનાં આવા બાવાઓ જોતા આવ્યાં છીએ.આમ થઇ જશે...તેમ થઇ જશે...પણ કંઇ થતું નથી.” આકાશનાં ચહેરે ગુસ્સો તો થોડી ક્ષણ જ ટકયો પછી ચિંતા દેખાઇ.આકાશે જે વાત કરી એના સાક્ષી એ બે જ હતા.અને એમાં પણ રાકેશ તો આઇ.સી.યુ.માં બેભાન અવસ્થામાં હતો.હવે કોણ કહે કે ‘હા, આકાશની વાત સાચી છે.’ હવે તો રાકેશને સારું થઇ જાય તો આકાશની વાતમાં તથ્ય લાગે.આકાશની વાત સર્વાનુમતે રદ થઇ ગઇ.કોઇ પણ આ બાબત ગંભીરતાથી લેવા માંગતુ ન હતુ.ત્યાં જ રાકેશની ટ્રીટમેન્ટ કરી રહેલા ન્યુરો સર્જન બહાર આવ્યાં અને ડો.વિમલ સાથે એકલા કંઇક ચર્ચા કરી.
વિમલ પાસેથી ડોકટર ગયા ત્યાંરે તરત જ સમીર અને રાજુ એની બાજુમાં ગયા.આકાશ તો હજુ પોતાના સ્થાને જ ઉભો હતો.વિમલે સમીર અને રાજુની આંખોનાં સવાલો વાંચી તરત જ કહ્યું

“ગુડ ન્યુઝ....ડોકટરનું કહેવું છે કે રાકેશનાં મગજમાં રીકવરી આવતી દેખાય છે.” સમીર અને રાજુનાં ચહેરે ચમક આવી.અને બંનેએ સ્વાસ-ઉચ્શવાસથી હાશકારો બતાવ્યોં.આકાશ આ સાંભળી તો રહ્યોં હતો પણ એને આ વાત પર જાણે ભરોસો ન હોય એમ એ દુરથી જ બોલ્યોં “પણ રાકેશ ભાનમાં કયાંરે આવશે?”

“ભલે એમાં થોડી વાર લાગશે...પણ રાકેશ હવે ‘આઉટ ઓફ ડેન્જર’ છે એવું દેખાય છે.” ડો.વિમલે જવાબ આપ્યોં.હાશકારા સાથે બધા નીચે ચા પીવા ગયા.અને વાત વાતમાં સમીરે કહ્યું

“જો રાકેશને સાંજે વધુ સારું થઇ જશે તો હું રાજકોટ જવા નીકળી જઇશ.”

વિમલે પણ હામી ભરી કહ્યું “હા...તો હું પણ આવતી કાલે સવારે અમદાવાદ ભેગો થઇશ.રાકેશને ‘ડીસ્ચાર્જ’ થતા તો વાર લાગશે.ત્યાં સુધી થોડા કામ પતાવીને આવીશ પાછો.”

રાજુ તો કંઇ બોલ્યોં નહિ.આમ પણ રાકેશ એનો ભાગીદાર એટલે એ તો અહિં રોકવાનો જ હશે એવું બધાએ માન્યું.પણ આકાશનું મન જાણે કંઇ માનવા તૈયાર જ ન હોય એમ એ બોલ્યોં
“યાર...પ્લીઝ તમે અહિંથી જવા માટે ઉતાવળ ન કરો.થોડા દિવસ રોકાઇ જાવ.આપણે કંઇક રસ્તો શોધીશું.આપણે પેલા બાવાને પણ શોધીએ અને આ વાતનું સમાધાન લાવીએ.”

આકાશ હજુ પોતાની વાત પર અડગ હતો.વિમલ, સમીર અને હવે રાજુ પણ આકાશની વાત પર ગુસ્સે થયા અને પછી હસ્યા.આકાશ ઉભો થઇ ગયો અને બોલ્યોં “હું થોડું કામ પતાવીને આવું છું.બે કલાક જેવું થશે...ત્યાં સુધી તો રોકાશોને?”

આકાશની વાતોથી બચવા માટે બધાએ હા કહી એટલે આકાશ ગયો.વિમલ અને સમીર પણ પોતપોતના સગાવહાલાને ત્યાં બપોરે જમવા જતા રહ્યાં.રાજુએ હોસ્પીટલમાં જ રહેવાનું નકકી કર્યું.

પણ સાંજે ચાર વાગ્યે બાજી બગડી.રાકેશની તબીયત ફરી બગડી.એના મગજમાં લોહીનાં બ્લોકસ વધતા ગયા.ડોકટરો લાચાર થયા.રાજુએ બધા મિત્રોને ફોન કરી ત્યાં બોલાવી લીધા.આકાશનો ફોન આઉટ ઓફ કવરેજ આવતો હતો.આખરે ડોકટરોએ રાકેશને ક્લિનીકલી ડેડ જાહેર કરી દીધો.કમનસીબે પાંચ વાગ્યે રાકેશનું શરીર નિષ્પ્રાણ થયું અને પાછળ ફકત ગમગીની તથા સન્નાટો બચ્યોં.
ક્રમશઃ
--ભરત મારૂ