Astitva books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ

*અસ્તિત્વ*

"એ પોતાની જાતને સમજે છે શું? આ તે કંઈ રીતે છે? આમને આમ તો એને ફાવતું જડી જશે. એક સ્ત્રી તરીકે હું આ કામ ન કરી શકું એવું કહેનાર એ છે કોણ?" મારા મનનો ધૂંધવાટ કેમે કરીને મનમાં ન રહી શક્યો. શબ્દ સ્વરૂપે એ કેન્ટીનમાં મિત્રોની વચ્ચે પ્રદર્શિત થઇ જ ગયો.
માર્ચ મહિનો દરેક નોકરિયાત વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો હોય છે. માર્ચ મહિનામાં અપ્રેઝલ મળવા માટે દરેક કંપનીમાં જાણે કે નવા નવા રાજકારણ ખેલાતું હોય છે. સચ્ચાઈ નહીં કંપનીના ઉચ્ચ હોદ્દા માટે એવા માણસો ની નિમણૂક જરૂરી હોય છે કે જે લોકો પોતાની જાતને ખૂબ સારી રીતે વેચી શકે. સચ્ચાઈ નહીં પોતાના અસ્તિત્વને વેચવાના ખેલ માર્ચ મહિનામાં લગભગ દરેક કોર્પોરેટ કંપનીમાં રચાતા હોય છે. એમાં કંઈ કેટલાય જરુરિયાત મંદો ના સપના ભસ્મીભૂત થઇ જતા હોય છે અને આવા સમયે આવા શબ્દો અનાયાસે નીકળી જતા હોય છે.

" નવ્યા, એના કહેવાથી બોસ માની જશે હું થોડી છે? તને પણ મોકો મળશે ને? જો આપણે બધા આવું જ કરવાના છીએ. એક બીજાને પછાડી શું નહીં તો આપણે આગળ વધી નહીં શકીએ. અને આ કંઈ વ્યક્તિગત અદાવત થોડી છે? તો શાંત થઈ જા. બોલ શું લઈશ? અત્યારે ગુસ્સામાં છે તો કોફી તો ચાલી જ જશે, નહી?" ઓફિસના રાજકારણમાંથી પરે રહીને હું ફક્ત સલમાને મારા મનની વાત કહી શકતી હતી. અને સલમા આ વસ્તુને ખૂબ સારી રીતે સમજતી હતી. તેને બીજા બધા મિત્રો ને વચ્ચે મારું કહેવું ગમ્યું તો ન હતું, પરંતુ અત્યારે તેણે મને કશું જ કીધા વગર શાંત કરવાનો મોકો ઝડપી લીધો હતો.

એની વાતમાં સચ્ચાઈ તો હતી. છેલ્લા ત્રણ વર્ષથી આ કંપનીમાં કામ કરતા કરતા અમે આવું જ કરી રહ્યા હતા. મેં પણ સલમા વિશે ઘણું ખોટું કહ્યું હતું. ત્યારે મને પ્રમોશન મળ્યું છતાં સલમાએ હસતા મોઢે મને પાર્ટી પણ ઓફર કરી હતી. મને સહેજ પણ રંજ ત્યારે થયો ન હતો. તેણે ખૂબ સહજતાથી સ્વીકારી લીધું તેથી અમારા બંને વચ્ચેની મિત્રતા માં કોઈ જ ઉણપ આવી ન હતી.

"મને ખબર નથી પડતી કે આનો બીજો કોઈ રસ્તો ન હોઈ શકે? ખાલી પાંચસો હજારના વેતન વધારા માટે આપણે એકબીજાની મહામૂલી ઈજ્જતને વેડફતા પણ અચકાતા નથી?" અમારા અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના દિલીપ સાહેબ ને આ વસ્તુ ગમતી ન હતી. તેમણે કોઈ દિવસ કોઈની ખરાબ કરીને નહીં પરંતુ હંમેશા પોતાની ખૂબીઓ વર્ણવીને અપ્રેઝલ લેવાની કોશિશ કરી હતી. ઘણું ખરું એ શુદ્ધ ગુજરાતીમાં બોલવાની કોશિશ કરતા. તેઓ એકાઉન્ટન્ટ ઓછા અને કોઈ ભાષા વિદ્વાન વધુ લાગતા હતાં.

"ચાલો હવે આપણા બધાનો વારો છે. હવે આપણે એકબીજાની ખરાબી ત્યાં વર્ણવવાની છે. અપ્રેઝલ તો દરેકને જોઈએ છે. ચાલો ચાલો..." બધા મિત્રો એક પછી એક ટેબલ છોડીને જતા રહ્યા. દિલીપ સાહેબ પણ ટેબલ પરથી ઉભા થયા.

હું અને સલમા પણ કોફી પતાવીને ફરી પાછા કામે વળગી ગયા.
' સવારે 10 વાગ્યાથી લઇને સાત વાગ્યા સુધીમાં ખબર નહિ કઈ કેટલા એ ફોન કોલ્સ લઈએ છે. કંઈ કેટલાય લોકોને વસ્તુ વેચવાની કોશિશ કરીએ છે. આખો મહિનો થોડાક રૂપિયા માટે હદ બહાર ની મજૂરી કરીએ છીએ. અને વર્ષના અંતે અમારો બસ બધાને ભેગા કરીને એક પછી એક બધાની ખરાબી ઓ બોલાવે છે. જિંદગીમાં જાણે કે માર્ચ મહિના સિવાય કોઈ બીજો મહિનો જ નથી. જેને અપ્રેઝલ મળે છે તે ફરી પાછા તેની સાથે appraisal મળેલા દરેક જણના વાંક શોધવામાં લાગી જાય છે. અને જેને આપણે નથી મળતું તે ફરી પાછી મહેનતમાં લાગી જાય છે.' મારા મનમાં વિચારોનો વંટોળ ઉભો થયો હતો.

" મિસ નવ્યા, આપે પણ મિસ્ટર પ્રશાંત ની જેમ પ્રોજેક્ટ મેનેજર માટે અપ્રેઝલ ની રજૂઆત કરેલી છે. આપણે મિત્ર પ્રશાંતને સાંભળી લીધા છે, હવે આપનો વારો છે." બોસ પોતાની આગવી શુષ્ક અવાજવાળી સ્ટાઈલમાં બોલ્યા.

" સર, આખું વર્ષ જ્યારે મહેનત કરીએ છીએ ને ત્યારે અમે એકલા નથી કરતા હોતા. અમારી સાથે અમારું આખું ગ્રૂપ કામમાં લાગેલું હોય છે. દરેક માણસને પોતપોતાની આગવી વિશિષ્ટતા હોય છે. મને એ નથી ખબર કે પ્રશાંત આપને કેટલું આપી શકે તેમ છે અને હું કેટલું આપી શકું તેમ નથી. પરંતુ મને એ જરૂર ખબર છે કે હું જે કંઈ પણ આપું છું તે આ કંપની માટે સૌથી બેસ્ટ આપવાનો પ્રયત્ન હોય છે. જો આ અપ્રેઝલ મળે છે તો અમારા જેવા મધ્યમ વર્ગીય માણસોને કંઇક વધારે કમાયા નો સંતોષ થાય છે. પણ આ પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ માટે હું ફક્ત એટલું જ કહીશ કે જો આ પોસ્ટ મને મળશે તો આવતા વર્ષ સુધી હું મારી ટીમ માટે બને એટલું સાહજિક અને સરળ વાતાવરણ ઉભું કરી શકું તેવો મારો પ્રયત્ન રહેશે. અને હું ઇચ્છીશ કે મારા ટીમ માટે મને સલમા અને દિલીપભાઈ જેવા ખુબ જ હોશિયાર વ્યક્તિઓનો સાથ મળે. આ કંપનીમાં એક ખૂણો એવો ચોક્કસ હું ઊભો કરી શકું તેમ છું જ્યાં આગળ કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થઈ શકે." મેં મારી રજૂઆત પૂરી કરી અને દિલીપભાઈ સામે જોઈને હળવું સ્મિત આપ્યું.

" તો શું તમને લાગે છે કે મિસ્ટર પ્રશાંતે જે તમારા વિષે કહ્યું તે બધું યોગ્ય છે?" અમારો ખડ્ડુસ બોસ અચાનક અમારા વિવાદમાં રસ લઇ રહ્યો હતો.

" સર એ મિસ્ટર પ્રશાંતની પોતાની આગવી દ્રષ્ટિ છે જેમાં હું બંધ બેસતી નથી. પરંતુ એ પણ હકીકત છે કે સ્ત્રીઓ વગર કોઈપણ કંપનીમાં કામમાં સચોટતા આવવી કદાચ શક્ય નથી. હું મિસ્ટર પ્રશાંતના આ અભિગમને બિરદાવ્યો છું કે તેઓ આ અભિગમ દ્વારા અમને આગળ વધવાની પ્રેરણા આપે છે." ફરી એકવાર મેં મારું વક્તવ્ય પૂરું કર્યું.

આજે પરિણામનો દિવસ હતો. આજથી લગભગ પાંચ દિવસ પહેલા મેં જે ધુંઆધાર વક્તવ્ય આપ્યું હતું, તેનુ આજે મને પરિણામ મળવાનું હતું.

મને અને મિસ્ટર પ્રશાંતને બંનેને એક એક એન્વેલપ મળ્યું હતું.

પ્રશાંત કેબિનમાંથી હરખાતા હૈયે બહાર નીકળ્યા. તેમના હાથમાં પ્રમોશનનો લેટર હતો. તેમને પૂરા પાંચ હજાર રૂપિયા નું
ઇન્ક્રીમેન્ટ મળ્યું હતું.

"અભિનંદન પ્રશાંતભાઈ. હવે પાર્ટી ક્યારે આપશો?" મેં મારા દુઃખને હોઠ પર ના આવવા દીધું.

હું બોસની કેબિનમાં પ્રવેશી. મારા અચરજ સાથે બોસના પત્ની પણ કેબિનમાં હાજર હતા. તેમણે બંનેએ મને એક પત્ર આપ્યો.

" મિસ નવ્યા અમારા ખુબ જ સારા અને પ્રામાણિક એમ્પ્લોઈ હોવા ઉપરાંત એક ખૂબ જ સારા વ્યક્તિત્વના માલિક પણ છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અમારી કંપનીમાં કામ કરે છે અને અમારી કંપની ને આગળ વધારવા માટેની દરેકે દરેક હેતુલક્ષી વાત તેઓ ખુબ સચોટ રીતે વર્ણવે છે. તેમની આ વર્ણન શક્તિના આધારે તેમને એક નવા પ્રોજેક્ટ માટે નિયુક્ત કરવામાં આવે છે જેનું સંચાલન કંપનીના ડિરેક્ટર મિસિસ શેઠ કરશે. આ પ્રોજેક્ટ માં આ કંપનીમાં કામ કરતી દરેક મહિલાને પડતી દરેક મુશ્કેલીઓને કેવી રીતના નિવારવી તેનો અભિગમ દરેક પાસેથી લઈને રજૂ કરવામાં આવશે. આ સાથે સાથે કંપનીમાં રહેલા વડીલ વ્યક્તિઓને આગળ કયા લાભ મળવા જોઈએ તેના માટેની સમિતિ પણ નિમવામાં આવશે. અને આ પ્રોજેક્ટ માટે મિસ નવ્યા ને પ્રોજેક્ટ મેનેજર જ નહીં પરંતુ કંપનીના પ્રોફિટમાં ૧૦ ટકાની ભાગીદારી આપવામાં આવે છે.

અમને જણાવતા સહર્ષ માનની લાગણી થાય છે કે અમે નવ્યા ને અને તેમની આખી ટીમને જેમાં સલમાન અને દિલીપભાઈ નો સમાવેશ નવ્યા ની દરખાસ્ત ઉપર કરવામાં આવ્યો છે તેમને દસ હજાર રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ તેમના પગારમાં આપીએ છીએ." પત્ર વાંચતાં વાંચતાં નવ્યા ની આંખમાં આંસુ આવી ગયાં.

સચ્ચાઈ અને સાદગી ને જો જીવનનો આધાર બનાવવામાં આવે તો જિંદગી બદલાતા વાર નથી લાગતી.

કેબિનમાંથી બહાર નીકળતી નવ્યાને પ્રશાંત સહિત દરેક વ્યક્તિએ અભિનંદન આપ્યા અને સલમા તો તેને વળગી જ પડી.

આજે પહેલીવાર જાણે કે એક ઝાકળબિંદુ પોતાના અસ્તિત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો