મારી લાડલી Pooja Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી લાડલી

*મારી લાડલી*

નવીન અને યામિનીના પ્રેમનું પ્રતીક એટલે નવ્યા.... નવીન પોતે એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. યામિની ડબલ સ્નાતક હોવા છતાં તેણે ગૃહિણી બનવાનું પસંદ કર્યું હતું. આમ તો વિહાન નવ્યા કરતા મોટો હતો. પરંતુ પિતાના પ્રેમનો આખો દરિયો નવ્યા પર પૂરેપૂરો ઢોળાઈ જતો હતો.

પિતા અને પુત્રીનો સંબંધ આમ પણ પોતાની રીતે એક અલગ જ રોમાંચ ધરાવતો હોય છે.. એક પિતા પોતાની પુત્રીને દુનિયામાં રહેલું દરેક સુખ આપવા માંગતો હોય છે. એક પુત્રી પિતા માટે અધૂરી રહી ગયેલી દરેક મહેચ્છાઓનો રંજ દૂર કરવા જ આવી હોય છે. આજના જમાનામાં પુત્ર-પુત્રી વચ્ચે કોઈ જાતનો ભેદ રહ્યો નથી. છતાં પણ પિતાનો પુત્રી તરફનો લગાવ એટલો જ સમૃદ્ધ છે.

નવીન પોતાના બંને બાળકોને ખૂબ સારા સંસ્કાર આપીને સારા મનુષ્ય બનાવવા માંગતા હતાં. અને આ કારણોસર નાનપણથી જ તેમણે બંને બાળકોને શિસ્તબદ્ધ રહેવાની તાલીમ આપી હતી. યામિની એ નવીન અને બંને બાળકો વચ્ચેનો સેતુ હતી. આ નાનકડો પરિવાર ખૂબ જ સુખી પરિવાર હતો. આ પરિવારને એકબીજા માટે ખૂબ જ માન અને પ્રેમની લાગણી હતી.

ક્યારેક વધારે પડતો પ્રેમની લાગણી જે વધારે પડતી માનની લાગણી સંબંધોમાં ડર પેદા કરે છે. કંઈક આવું જ બાળકો સાથે પણ થઈ રહ્યું હતું. બંને બાળકો પોતાની માતા સાથે દરેકે દરેક વસ્તુ વહેંચતા. પરંતુ પપ્પાના આવતા જ ઘરમાં એક શિસ્તબદ્ધ વાતાવરણ ફેલાઇ જતું.

નવીનને સંતોષ હતો કે તેણે તેના બાળકોને બધા જ સંસ્કાર ખૂબ લાડથી આપ્યા છે. પરંતુ આજનો દિવસ નવીન માટે વેદનાના વંટોળને વધુ ને વધુ ગાઢ બનાવનાર હતો.. કદાચ આ નાનકડા સુખી પરિવારને કોઈની નજર લાગી ગઈ હતી.

હમણાં જ પત્ની યામિની સાથે બાળકોને લઇને જે ચર્ચા વિચારણા થઇ તે પછી નવીનને એવું લાગી રહ્યું હતું કે, તે બાળકોને જાણતો જ નથી.

' બાળકોના ઉછેર અને બાળકોના સારા ભવિષ્ય ને બનાવતા બનાવતા હું ક્યારે બાળકોથી અલગ થઈ ગયો તે ખબર જ ન રહી. મને તો એમ હતું કે મારાથી વધારે મારા બાળકો માટે કશું જ ન હોય. પણ આજે એ લોકો મને એટલો દૂર સમજે છે કે પોતાના મનની વાત કરતાં પણ તેમને ડર લાગે છે.' સવારની પહેલી ચાની ચૂસકી લેતાં લેતાં યામિની સાથે થયેલી ચર્ચા વિચારણાના ભાગ સ્વરૂપ નવીનના મગજમાં વિચારોનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું.

વાત એમ હતી કે આજે સવારના પહોરમાં એક નાનકડી ઘટના ઉપર યાદોની વણઝાર ચાલી હતી. સરકારી શિક્ષક તરીકે નિવૃત્તિ લીધા પછી નવીન સાહિત્ય તરફ વળ્યા હતા. પોતે લખી શકતા ન હતા પરંતુ વાંચવાનો તેમનો શોખ અભૂતપૂર્વ હતો. આ શોખના લીધે જ તેમણે અનેક નવોદિતોને ભેગા કરીને તેમને એક જ આપવાનું કાર્ય કર્યું હતું.

એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવનાર નવીન આજના જમાના સાથે તાલમેલ મેળવવામાં ઊણા ઉતર્યા હતા. તેમને આજની પેઢીની બિન્દાસ બનવાની આદત બિલકુલ પસંદ ન હતી. તેઓ એકવીસમી સદીમાં પણ એવું સમજતા હતા કે જો છોકરીઓ અમુક સ્વતંત્રતા પર નિયંત્રણ લાવી દે તો છોકરીઓ પર થતા અત્યાચારો ઘણાખરા અંશે ટાળી શકાય છે.

આજે એમની વ્હાલી નવ્યા લગ્ન પછી પહેલી વખત ઘરે આવવાની હતી. આ જ ચર્ચા કરતાં કરતાં તેમને નવ્યાના બાળપણનો એક કિસ્સો વાગોળવાની ઈચ્છા થઈ હતી. ચા પીવા હીંચકા પર પત્ની સાથે બેસવું તે તેમનો એક નિયમ બની ગયો હતો.

"તને યાદ છે? જ્યારે આઠમા ધોરણમાં હતી જ્યારે એને વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર આવેલો? એ કેટલી ખુશ હતી નહીં? એની એ ખુશી હજુ પણ મારા દિલ-દિમાગમાં એવી જ તાજી છે." નવીનનાં મોં પર એક મોઘમ સ્મિત હતું. તેઓ કદાચ એમ સમજી રહ્યા હતા કે પોતાના સંસ્કાર અને પોતાની કેળવણીનું આ ફળ હતું.

" તમને ખબર છે એ દિવસે એ કેટલી બધી નર્વસ થઈ ગઈ હતી? એ મારી પાસે આવીને રડી પડેલી. એને આ સ્પર્ધામાં ભાગ નહોતો લેવો. પણ એ તમને પણ દુઃખી કરવા નહોતી માંગતી. અને તમે પણ તમારા શિક્ષક તરીકેના મૂલ્યોને છોડવા નહોતા માંગતા. તમને એમ થતું હતું કે શિક્ષકની દીકરીએ તો પ્રથમ આવવું જ જોઈએ." યામિની સાહજિકતાથી બોલી હતી. યામિનીના આ વેણ નવીનના મનમાં એક ઉલ્કાપાત સર્જી ગયા હતા.

નવીનના પગ હીંચકાને ઠેસ મારવાનું ભૂલી ગયા હતા. વિચારોનો વંટોળ તેમને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. નવીન યાદ કરી રહ્યા હતા પોતાની પિતા તરીકેની સફર.

વિહાન લગભગ ચોથા ધોરણમાં હતો. ગણિતનો એક દાખલો સમજમાં ન આવ્યો તો નવીને એ રાત્રે એને જમવાનું આપ્યું નહોતું. હા, નવીન પોતે પણ એ રાત્રે જમ્યા નહતાં.

યામિની એક સુશીલ અને સંસ્કારી ગૃહિણીની સાથે સાથે પતિવ્રતા પત્ની પણ હતા. એ રાત્રે તેમણે પણ ખાધું ન હતું. નવીનને મનાવવાની પણ યામિનીએ ખૂબ કોશિશ કરી હતી. પણ નવીનનો સ્વભાવ ખૂબ જ આકરો હતો.

નવીનના પિતાજી પણ આકરા સ્વભાવના હતા. તેમણે પોતે આ જ રીતે બાળકોને ઉછેર્યા હતા. તેઓ તો બાળકોને મારતાં પણ હતાં. નવીને કોઈ દિવસ પોતાના બાળકો પર હાથ ઉઠાવ્યો ન હતો. પરંતુ બાળકો હંમેશા ડરતા કે ક્યાંક પપ્પા મારે નહીં.

ચાની ચૂસકીઓ પૂરી કરીને નવીન પોતાની રોજની આદત પ્રમાણે હીંચકા પર જ છાપું વાંચવા બેઠાં. આજે છાપાના અક્ષરો અલગ-અલગ હવામાં નાચીને નવીનના અતીતની કથા લખી રહ્યા હતા. જાણે કે આ જ અક્ષરો નવીનને તેના ભૂતકાળમાં ખેંચી રહ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં મા-દીકરી વચ્ચે ચાલી રહેલા મૂક સંવાદો નો એ દિવસે અંત આવ્યો હતો. યામિની એ દિવસે નવીનનો મૂડ સારો હોવાથી નવીનને જે વાત કરી હતી તે સાંભળી નવીન અસમંજસમાં પડી ગયા હતા.

" કહું છું સાંભળો છો? આપણી નવ્યા છેને? એ ભણીગણીને ખૂબ જ સારી જગ્યાએ નોકરીએ લાગી જ ગઈ છે. એ ખૂબ સમજદાર પણ છે. માનો છો ને?" યામિનીએ અચકાતા અચકાતા વાતની શરૂઆત કરી.

" હાસ્તો વળી. મારી દીકરી છે એ. અવ્વલ જ હોય ને? અને વળી પાછું રૂપ એણે તારા જેવું લીધું છે! પછી તો પૂછવાનું જ શું રહ્યું?" કદાચ આટલા વર્ષોમાં પ્રથમ વખત નવીન રોમેન્ટિક થઈને વાત કરી રહ્યા હતા. આ તેમના સ્વભાવની વિરુદ્ધ હતું.

"ભણાવી દીધી, સારી નોકરીએ લગાવી દીધી, તો હવે એના ભવિષ્ય માટે પણ વિચારવું પડશે ને?" યામિનીએ મમરો મૂક્યો.

" અરે વાહ! તેં તો મારા મનની વાત જાણી લીધી. તને તો ખબર જ છે જે આપણે આપણી દીકરી માટે સંબંધની વાત ચલાવવા ક્યાંય જવું પડ્યું નથી. આ પહેલા પણ આપણે ત્રણ ચાર છોકરાઓને મળી ચૂક્યા છે. પરંતુ આપણે નવ્યાને નથી જણાવ્યું. પણ હવે સમય આવી ગયો છે. પરમ દિવસે કનુકાકાએ જે છોકરો બતાવ્યો ને......" નવીન ઉત્સાહમાં આવીને બોલ્યે જતા હતા.

" નવ્યાએ છોકરો પસંદ કરી લીધો છે. તેની ઓફિસમાં કામ કરે છે અને છેલ્લા દોઢ વર્ષની બંને એકબીજાના પ્રેમમાં છે." યામિનીએ નવીનની વાત અડધી કાપીને જણાવ્યું.

નવ્યા કમ્પ્યુટર એપ્લિકેશનની માસ્ટર હતી. તે અમદાવાદમાં જ એક સારી કંપનીમાં ખૂબ સારા પગારથી નોકરી કરતી હતી. નવ્યા કારણ બની હતી નવીન અને યામિની પોતાનો સંસાર અમદાવાદમાં સ્થાયી કરવા માટે. નવ્યા હંમેશા નવીનની મરજીને ધ્યાનમાં રાખીને જ કામ કરતી. તેણે કોઈ દિવસ પોતાના પિતાને ફરિયાદનો મોકો આપ્યો ન હતો.

નવીનને જરા નવાઈ લાગી.
" અરે વાહ! સરસ ... શું આપણી પેટાજ્ઞાતિ છે? એટલે કે એ આપણા ગોત્ર અને ગોળનો છે? એના જન્માક્ષર પણ મંગાવી લે. આપણે બાકીની તપાસ કરીએ. પણ એને સમજાવવું પડશે કે આપણે જે છોકરો પસંદ કર્યો છે તે સરકારી કર્મચારી છે. સરકારી નોકરી હોય તો આપણી દીકરી....." નવીન થોડા ઉદાસ અવાજે બોલી રહ્યા હતાં. તેઓ રૂઢિચુસ્ત નહતાં. પરંતુ તેમના માટે આ સ્વીકારવું એટલું સરળ પણ નહોતું.

"એ પટેલ છે. આપણે છોકરાને ક્યારે મળી શકીએ?" યામિનીએ ફરી એક વખત નવીનની વાત કાપીને ફોડ પાડ્યો.

આ શબ્દો સાંભળીને જ નવીન જાણે કે મૂંગા બની ગયા. પોતે બીજી કોઈ પેટા જ્ઞાતિ કે બીજી કોઈ જગ્યાએ મોકલવા પણ તૈયાર ન હતા. જ્યારે અહીં તો આખેઆખી જ્ઞાતિ અલગ હતી. એ જ્ઞાતિના માણસોમાંથી આપણને કોઈ જાણતું ન હોય તો દીકરીના હાલચાલ કે ખબર-અંતર કેવી રીતે જાણવા? દીકરીના ઘરનું તો પાણી પણ વર્જ્ય હોય ને? નવીનના મનમાં આવા ઘણા બધા વિચારો ઊઠી રહ્યા હતા. પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિઓમાં પણ કોઈ જાણીતું મળી જાય કે જે આપણી દીકરીને સાચવી શકે અને એના ખબર-અંતર મેળવી શકે એવું માનનાર નવીન માટે આ વજ્રાઘાત હતો. પોતાની જ્ઞાતિ કે ધર્મને છોડીને બહાર જવું એ ક્યાંનું ડહાપણ કહેવાય?

બીજા દિવસની સવાર એ આ પરિવારમાં એક મૂંગો ઝંઝાવાત ઉમટ્યો હતો. નવીન સવારે ચા પીધા વગર ઘરની બહાર નીકળી ગયાં. એ આખો દિવસ નવ્યા પણ ખૂબ જ વ્યથિત રહી. તેને પણ કોળિયો ગળે ન ઉતરી શક્યો. તેની આ હાલત જોઈને સમીર પટેલ પણ ખૂબ વ્યથિત થઈ ગયો. તેણે નવ્યાનો મૂડ બદલવાની નાકામ કોશિશ કરી.

સાંજે જમતી વખતે પણ વાતાવરણ એકદમ ભારે રહ્યું. બીજા દિવસે પણ સવારની ચા એકલા પી લઈને પોતાની જાતને આખો દિવસ નવીને કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રાખી. પરિવાર સાથે લેવાયેલા આ અબોલા અને વિચારોનું મનોમંથન આમ જ લગાતાર બીજા ૬ દિવસ ચાલ્યું.

ઘરમાં એકસાથે એક જ છત નીચે રહેતો પરિવાર એકબીજા સાથે એકદમ અજાણ્યો બનીને વર્તી રહ્યો હતો.

અંતે નવ્યા એ દિવસે યામિની પાસે રડી પડી.

" મમ્મી, પપ્પા મારું માન છે. મારું સન્માન છે. એ મારા વિશે ક્યારેય ખરાબ નહીં વિચારે. હા, હું મારા દિલને નહીં સમજાવી શકું. પરંતુ મને આ સમાધાન કરવામાં વાંધો નહીં આવે. હું આમ પપ્પાને ક્ષણે ક્ષણ હિજરાતા નહીં જોઈ શકું. હું આજે જ સમીર સાથે વાત કરી લઉં છું. તું કે ભાઈ ટેન્શન ના લેશો." નવ્યા આંખમાં રહેલા આંસુઓને મહામુશ્કેલીએ આંખોમાં જ રોકતા બોલી. પપ્પાએ લઈ આપેલ સ્કૂટી પર બેસતા જ આંસુઓ પર બાંધેલો બંધ તૂટી ગયો.

ઓફિસમાં એ બપોરે લંચ દરમિયાન સમીર નવ્યાના ટેબલ પર રોજની જેમ આવીને બેઠો.

" નવ્યા, આપણે બંને ખૂબ સમજદાર છીએ. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તે સત્ય હકીકત છે. એનાથી મોટું સત્ય એ છે કે આપણા માતા-પિતાને આપણા પ્રેમથી કોઈ જ દુઃખ ન થવું જોઈએ." સમીરે પ્રેમથી નવ્યાના હાથ પર હાથ મૂક્યો.

" સમીર.... " નવ્યા ગળગળા અવાજે બોલી.

" જો આપણા પ્રેમને માતા-પિતાની મંજૂરી ન મળે તો તું, હું કે આપણા વડીલો કોઈ ખુશ નહીં રહી શકે. મને આવો પ્રેમ મંજૂર નથી." સમીર છેલ્લા કેટલાક દિવસોથી નવ્યાના મનમાં ચાલતી મૂંઝવણને કળી ગયો હતો.

" હા, સમીર. મારા પપ્પાને દુઃખી કરી હું ક્યારેય ખુશ નહીં રહી શકું." ઘણું રોકવા છતાં આંખમાં આવેલા આંસુઓને નવ્યા ખાળી શકી નહીં.

આ બાજુ વિહાન ઓફિસમાંથી રજા લઈ એ દિવસે ઘરે રોકાયો હતો. તે પણ એક એન્જિનિયર તરીકે એક મોટી કંપનીમાં સિનિયર પોસ્ટ પર હતો.

યામિની ‌અને વિહાન બપોરે બળપૂર્વક ચર્ચા કરવા નવીનના રૂમમાં દાખલ થયા.

" મારે આ વિષયમાં કોઈ જ ચર્ચા નથી કરવી વિહાન. તમે લોકો સમજદાર છો. તમારું સાચું ખોટું સમજી શકો એટલા કાબેલ મેં તમને બનાવ્યા જ છે. તમારે જે કરવું હોય તે કરો. તમારો નિર્ણય મને મંજૂર હશે." નવીન બોલ્યા.

" આખી જિંદગી શિક્ષક તરીકે વિતાવી. પોતાના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સોનેરી સપના જોનાર શિક્ષક શું પોતે વ્યવહારિક જ્ઞાન લેવાનું ભૂલી ગયા? તમે તમારી દીકરીને ન ઓળખી શકતા હો જેના માટે તમે જીવ આપવા પણ તૈયાર હતા તો પછી એનો અર્થ એ જ ને કે જ્ઞાતિ એ તમારા માટે તમારી દીકરી કરતાં વધુ છે?" યામિનીનો વર્ષોથી ધરબી રાખેલો દાવાનળ આજે શાંત થવાનો ન હતો.

" પપ્પા, નવ્યા જ નહીં હું પણ કોઈ પણ સંજોગોમાં તમારી મરજી વિરુદ્ધ નહીં જ જઈએ. તમે અમારા આદર્શ છો. પણ પપ્પા શું આપના આદર્શો અમારી ખુશીઓના ભોગે પૂરા કરીએ તો તમે ખુશ રહી શકશો?" વિહાન બને તેટલી વિનમ્રતાથી બોલ્યો.

" તમે બધાએ જ્યારે નક્કી કરી જ લીધું છે તો મને પૂછવાનો શું અર્થ છે?" નવીન હજુ પણ ગુસ્સામાં હતા.

" પપ્પા, અમે કોઈ નિર્ણય તમારી મરજી વિરુદ્ધ નહીં કરીએ. નવ્યા મારી લાડલી બહેન છે. પણ પપ્પા તમે તો અમારું અભિમાન છો. તમારા સંસ્કાર અને કેળવણી તમારી વિરુદ્ધ ન જ હોય." વિહાન બોલ્યો.

"નવ્યા આપણી જ્ઞાતિમાં લગ્ન કરીને ખુશ થશે એની ગેરંટી શું? અને કોઈ આપણને કહેશે કે ‌એ દુઃખી છે એ સાંભળવું એવી તમારી ઈચ્છા વ્યાજબી છે? જમાનો બદલાયો છે." યામિની બોલી. નવીન એક ગુસ્સાભરી નજરથી યામિનીને જોઈ રહ્યો.

" પપ્પા , નવ્યા તમારી મરજીથી લગ્ન કરવા તૈયાર છે. પણ મને એવું લાગે છે કે તમારે તમારા નિર્ણય માટે ફેરવિચારણા કરવી જ જોઈએ. મમ્મી, હું બહાર છું." વિહાન આટલું બોલીને બહાર નીકળી હોલમાં જઈને બેઠો.

" તમારી દીકરી એ મને ૧૫ દિવસ પહેલા જ્યારે જણાવ્યું ત્યારે મેં તેને પહેલો પ્રશ્ન એ કર્યો હતો કે તે આગળ કેટલું વધી છે સમીર સાથે? આપણી દીકરી જમાનાની સાથે ચાલે છે પણ આપણી વિરુદ્ધ નહીં. આપણા સંસ્કાર બાજુ પર મૂકીને એણે પ્રેમ નથી કર્યો." યામિની બોલી રહી હતી. નવીન ઊભો થઈને બારી પાસે ગયા.
" એ છોકરી પોતાના પ્રેમને પામવા ભાગશે તો નહીં પરંતુ લગ્ન પછી કંઈ આડુંઅવળું કરી લીધું તો જવાબદાર કોણ? મારી ફૂલ જેવી છોકરી આપણી જ્ઞાતિમાં ખુશ જ રહેશે એની શું ખાતરી? સરકારી નોકરી હશે પણ દીકરી પળેપળ સમાધાન કરશે એ તમારાથી કે મારાથી સહન થશે?" યામિની બોલી.

આટલું બોલી યામિની પણ પોતાના કામમાં લાગી ગઈ. રાત્રે નવ્યા નવીનને જમવા માટે બોલાવવા એના રૂમમાં ગઈ.

" પપ્પા, તમે જે કહેશો તે કરીશ. હવે વધારે દુઃખ ન આપશો તમારી પોતાની જાતને. આઈ એમ સોરી." નવ્યા આંખમાં આંસું સાથે બોલી.

નવીને આંખમાં આવેલા ઝળઝળીયાં સાફ કરી દીકરીના માથે હાથ મૂક્યો. એ દિવસે પણ ઘરનું વાતાવરણ એકદમ ભારે રહ્યું.

બીજા દિવસે સવારે ફરી હીંચકા પર બેસી નવીન ચા પી રહ્યા હતા અને ચાની ચૂસકી સાથે પ્રેમની ચૂસકી પણ ભરી રહ્યા હતા.

એ દિવસે નવ્યાના ઓફિસ જવાના સમયે નવીન બોલ્યા, " સમીરના મમ્મી પપ્પા અને સમીર કાલે રવિવારે મળવા આવી શકશે?"

" હા... એટલે... ના .... પણ કેમ...? આઈ મીન... હા..." ચંપલ પહેરતાં અટકીને તે પ્રેમથી નવીનને વળગી પડી. "થેંક્યું પપ્પા.."

" હજુ મેં કોઈ મંજૂરી નથી આપી... મારે તપાસ તો કરવી જ પડશે. વિહાન બધી જ માહિતી કાલે સાંજ પહેલા મળી જશે?" નવીન હસતાં હસતાં બોલ્યા.

ઘરના ભારેખમ વાતાવરણમાં જાણે અચાનક પલટો આવ્યો. બધી જ તપાસ કર્યા પછી પૂરેપૂરી ખાતરી કરીને નવીને પોતાની દીકરી નવ્યા ભટ્ટને નવ્યા પટેલ ગયા મહિને જ બનાવી હતી.. ત્યારથી આ લગભગ રોજનો નિયમ બની ગયો હતો. બાળકોના બાળપણને વાગોળવાનો.

લગભગ દસના સુમારે નવ્યા અને સમીરકુમાર આવી પહોંચ્યા.

"કેવી રહી ટ્રીપ જીજુ? " વિહાને પૂછ્યું.

" ખૂબ સરસ અને તમારા બધા માટે ભેટસોગાદો પણ લાવ્યા જ છીએ." સમીર બોલ્યો.

" પપ્પા આ ખાસ સુવનીર -સંભારણુ સમીર આપના માટે લાવ્યો છે. આ ઘડિયાળ અને આ મોરેશિયસનું રાષ્ટ્રીય પ્રાણી ડોડો." નવ્યા બોલી.

"અરે પણ આ તો ખૂબ જ મોંઘી ઘડિયાળ લાગી રહી છે. આની ક્યાં જરૂર હતી કુમાર? આમ પણ હું આ બંને વસ્તુ ન રાખી શકું. દીકરીની ભેટ ન લેવાય." નવીન બોલ્યા.

" પપ્પા, દીકરીની ભેટ તો ના જ લેવાય. પણ તમારા આ બીજા દીકરા પર તો તમારો પૂરો હક છે. હું તમારો જમાઈ નથી. પણ દીકરો જ છું. અને આ લેવું જ પડશે... નહીં તો હું સમજીશ કે તમે અમારા લગ્નથી ખુશ નથી.." સમીરે જીદ કરી.

"પણ...... " બોલતા તેમણે યામિની સામે જોયું. યામિનીએ આંખથી જ હામી ભરી.

" અને પપ્પા આ ડોડો તમારી જેમ જ પ્રેમાળ હોય છે. અને તમારી દીકરીની જેમ સમજુ પણ." પ્રેમથી ગળે વળગતા સમીરે કહ્યું..

એક માનસિકતા બદલાઈ. દરેક પરિવર્તન પીડાના પડળ સાથે જ આવે છે. આમ વેદનાનો એક અધ્યાય પૂરો થયો.

પૂજા ત્રિવેદી રાવલ
સ્મિત

©

અમદાવાદ, ગુજરાત