થશરનું રહસ્ય ભાગ ૧૬ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

થશરનું રહસ્ય ભાગ ૧૬

ભાગ ૧૬

બર્બરીકે સૂર્ય તરફ જોયું અને કહ્યું, “ચાલ ડુમલા, આપણો જવાનો સમય થઇ ગયો છે.”

પછી અચાનક તે ડુમલાને ભેટી પડ્યો અને કહ્યું, “મિત્ર, તારી સાથે મેં બહુ અમૂલ્ય સમય વિતાવ્યો છે આ ચાર દિવસમાં.”

ડુમલાના ચેહરા પર હજી આશ્ચર્યના ભાવ હતા. તેને થોડું અજુગતું લાગ્યું હતું, છતાં તે કંઈ બોલ્યો નહિ અને ચુપચાપ બર્બરીક સાથે ચાલવા લાગ્યો. થોડીવાર પછી તેઓ બધાના રહેવા માટેના અસ્થાયી આવાસો  બનાવ્યા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં તેણે જોયું કે શ્રીકૃષ્ણ પોતે હાજર હતા સાથે જ પિતામહ ભીષ્મ તેમ જ કુરુસેનાના મુખ્ય યોદ્ધાઓ પણ હતા અને પાંડવો પણ હાજર હતા.

બર્બરીક બધા વડીલોને એક પછી એક પગે લાગ્યો. જયારે તે ઘટોત્કચને પગે લાગ્યો ત્યારે ઘટોત્કચના આંખમાંથી આસું વહેવા લાગ્યા.

તેણે કહ્યું, “પુત્ર, હું તારી માતાને શું જવાબ આપીશ?”

બર્બરીકની આંખોમાં ન તો આસું હતા ન તો ચેહરા પર કોઈ જાતના ભાવ. તેનો ચેહરો સંપૂર્ણપણે નિર્વિકાર હતો જાણે તે સંસારના મોહમાયાથી મુક્ત હતો.

તેણે કહ્યું, “પિતાશ્રી, આપ દુઃખ ન કરો, મારી માતા સમજી જશે કે હું શા માટે તૈયાર થયો.”

ભીમ પણ ભાવુક હતો. ત્યાં હાજર દરેક વ્યક્તિના ચેહરા પર ગમગીની હતી,એક શ્રીકૃષ્ણને છોડીને. તેમનો ચેહરો પણ બર્બરીકની જેમ નિર્વિકાર હતો.  ડુમલા આ દ્રશ્ય દૂરથી જોઈ રહ્યો હતો. તેને ખબર પડતી ન હતી કે આ બધું શું થઇ રહ્યું છે.

તેણે બાજુમાં ઉભા રહેલા એક સૈનિકને પૂછ્યું, “આ શું થઇ રહ્યું છે? બધાની આંખમાં આંસુ કેમ છે?”

તે સૈનિકે કહ્યું, “યુદ્ધ થાય તે પહેલાં એક છત્રીસલક્ષણા વ્યક્તિનો બળી આપવામાં આવે છે અને આ યુદ્ધમાં ઘટોત્કચપુત્ર બર્બરીકનો બળી આપવામાં આવશે.”

આ સાંભળીને ડુમલાના પગ નીચેની ધરતી ખસી ગઈ.

તેણે કહ્યું, “આ કઈ રીતે શક્ય છે?”

તે કંઈ બોલવા ગયો પણ તેના ગળામાં ડૂમો બાઝી ગયો હતો, તેની વાચાએ તેનો સાથ છોડી દીધો હતો, તેને ભયંકર આઘાત લાગ્યો હતો.  તેના આંખમાંથી આસું વહેવા લાગ્યા. તેને ખબર ન પડી કે શા માટે આટલી લાગણી અનુભવી રહ્યો છે.

            થોડીવાર પછી તેના ખભા પર એક હાથ પડ્યો. તેણે ઉપર જોયું પણ તે જોઈ ન શક્યો કે કોણે હાથ મુક્યો છે તેની આંખો આસુંથી ભરાયેલી હતી. તેણે પોતાની આંખો લૂછી તો સામે બર્બરીક હતો.

બર્બરીકે કહ્યું, “મિત્ર, મારી સાથે ચાલ.”

ડુમલા એક પણ શબ્દ બોલ્યા વગર બર્બરીક સાથે ચાલવા લાગ્યો. થોડી વાર પછી તેઓ બર્બરીકના તંબુ પાસે પહોંચ્યા અંદર ગયા પછી બર્બરીકે પોતાના શસ્ત્રોને પ્રણામ કર્યા અને ડુમલાને નજીક બોલાવ્યો અને તેને એક આસાન ઓર બેસવાનું કહ્યું.

ત્યારબાદ એક પોતાના સામાનમાંથી એક પોટલી કાઢી અને તેને આપીને કહ્યું, “આમાં એટલી સોનામોહોરો નક્કી છે, જેનાથી તું તને પાળનારની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકીશ.”

તે બેધ્યાનીમાં બર્બરીકને વળગી પડ્યો અને રડવા લાગ્યો. એકવાર તો તેના મનમાં ઈચ્છા થઇ ગઈ કે બધું સત્ય તેને કહી દે પણ તે બર્બરીકનો વિશ્વાસ ખોવા નહોતો માગતો તેથી કંઈ બોલ્યો નહિ.

તે પછી બર્બરીક એક ખૂણામાં એક ઘડો મુક્યો હતો તેમાંથી થોડું જળ લઈને મંત્ર બોલીને ડુમલાના માથે છાંટ્યું અને કહ્યું, “મિત્ર, હવે એક કામ કર મારુ ધનુષ્ય અને તીર તું ઉપાડી લે અને મારી સાથે ચાલ.”

ડુમલા થોડો ડરી ગયો કારણ ગઈ કાલે રાત્રે જયારે ટ્રાન્સમીટર લગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ધનુષ્યને હલાવવાની કોશિશ કરી હતી પણ તે હલાવી શક્યો નહોતો.

ડુમલાએ કહ્યું, “હું આપના શસ્ત્રોને હાથ કેવી રીતે લગાડી શકું!”

બર્બરીકે કહ્યું, “મેં પોતે તને રજા આપી છે, તેથી મનમાં કોઈ ક્ષોભ રાખ્યા વગર તેમને ઉપાડ અને મારી સાથે ચાલ.”

ડુમલા શસ્ત્રોની નજીક ગયો અને તેમને પ્રણામ કર્યા અને તે ઉપાડી લીધા. ગઈ કાલે રાત્રે જે ધનુષ્ય હલાવી પણ ન શક્યો તે તેણે એકદમ આસાનીથી ઉપાડી લીધું. તે ધીમી ચાલે બર્બરીક સાથે ચાલવા લાગ્યો.



          તેઓ રણભૂમિની વચ્ચે પહોંચી ગયા જ્યાં બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી શ્રીકૃષ્ણે બર્બરીકને માથે તિલક કર્યું.

બર્બરીકે ડુમલાના હાથમાં રહેલા પોતાના શસ્ત્રો તરફ આંગળી ચીંધીને શ્રીકૃષ્ણને કહ્યું, “પ્રભુ, હવે આ શસ્ત્રો હું આપને સોંપું છું.” 

એમ કહીને ડુમલાને ઈશારો કર્યો એટલે ડુમલાએ તે શસ્ત્રો કૃષ્ણને અર્પણ કર્યા. હવે ડુમલાને શસ્ત્રોનો મોહ રહ્યો નહોતો, તેની લાગણીઓ તે શસ્ત્રધારી સાથે જોડાઈ ગઈ હતી. તેની આંખોમાં હજી પણ આસું હતા. ત્યાં હાજર બધાની આંખો લાગણીઓથી ભીની હતી.

શ્રીકૃષ્ણે બધાને ઉદ્દેશીને કહ્યું, “વીરને આસુંથી વિદાય ન આપો, તે મોક્ષનો અધિકારી છે.”

બધાએ પોતાની આંખો લૂછી દીધી.

શ્રીકૃષ્ણે બર્બરીક તરફ ફર્યા અને પૂછ્યું, “હે વીરશ્રેષ્ઠ, તારી કોઈ અંતિમ ઈચ્છા છે?”

બર્બરીકે કહ્યું, “પ્રભુ, હું મૃત્યુ પછી પણ આ યુદ્ધ જોવા માગુ છું.”

શ્રીકૃષ્ણે કહ્યું, “તારું મસ્તક જ્યાં સુધી યુદ્ધ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવંત રહેશે.”

શ્રીકૃષ્ણે ઈશારો કર્યો એટલે એક સેવક ચાંદીનો પ્યાલો લઈને હાજર થયો, તેમણે એક મંત્ર બોલીને તે પ્યાલો બર્બરીકને આપીને તેમાનું જળ તેને પીવા કહ્યું. જયારે તેમાં થોડું જળ  બચ્યું એટલે શ્રીકૃષ્ણે કહ્યું, “પુત્ર, હવે તે પ્યાલો મને આપ.”

એમ કહીને તે પ્યાલો બર્બરીક પાસેથી લઈને ડુમલાને આપ્યો અને કહ્યું, “બાકીનું જળ તું પી જા, મને તારી જરૂર પડશે.”

ડુમલાએ જળ શું છે એવો એક પણ પ્રશ્ન કર્યા વગર તે પી ગયો. 

તેને ક્યાં ખબર હતી કે તે અમૃત પી રહ્યો છે.

           થોડા સમય પછી તે એક પહાડી પર બર્બરીકના મસ્તકની ચોકી કરી રહ્યો હતો. તેના હાથ નીચે પાંચ સૈનિકો આપવામાં આવ્યા હતા. તે બર્બરીકના મસ્તક પાસે બેસી રહ્યો હતો અને તેની સાથે વાત કરી રહ્યો હતો. બર્બરીક યુદ્ધનું અવલોકન કરી રહ્યો હતો, યુદ્ધભૂમિમાં રુધિરની નદીઓ વહી રહી હતી, બધી જગ્યાએ કપાયેલા અંગો દેખાઈ રહ્યા હતા.

સાંજે આ દ્રશ્ય વધુ બિહામણું બની જતું. હાથ કે પગ કપાયેલા સૈનિકને બીજા સૈનિકો ઉપાડીને જતા દેખાતા. કોઈ સૈનિકને જીવ છોડતા પહેલાં અંતિમ વખત પાણી પીવરાવતા દેખાતું તો ક્યાંક કોઈ સૈનિકનો મિત્ર કે ભાઈ તેના મૃતદેહ સામે રડતો દેખાતો. યુદ્ધભૂમિમાં અરાજકતાનો માહોલ હતો. બહુ ભીષણ યુદ્ધ થયું. તે અઢાર દિવસના યુદ્ધમાં અગણિત યોદ્ધાઓને મરતાં તેણે જોયા હતા. તે જ્યાં ઉભો હતો ત્યાં પણ મારોકાપોના અવાજ અને શંખનાદ તેને સંભળાતા હતા.

ડુમલા માટે સૌથી બિહામણું દ્રશ્ય હતું, દૂર શરશૈયામાં સુતા ભીષ્મ પિતામહ, તે એક વાર નજીક જઈને તેમના દર્શન કરી આવ્યો હતો. તેમના કણસવાનો અવાજ તેના કાનમાં ગુંજી રહ્યો હતો. તેમની પીડા તેણે અનુભવી હતી. તેને વિશ્વાસ થઇ ગયો હતો કે યુદ્ધ ફક્ત વિનાશ લાવે છે.

           એટલામાં તેને અવાજ સંભળાયો, “આ થશરનું મંદિર હજી કેટલી દૂર છે?

રાઘવે મહામહેનતે પોતાને વર્તમાનમાં ખેંચ્યો અને કહ્યું, “થશરનું નહિ, ત્રયોશરનું મંદિર, આ મંદિરનું મૂળ નામ ત્રયોશર છે, પણ સમયની સાથે અપભ્રંશ થઈને થશર થઇ ગયું. ત્રયોશર એટલે ત્રણ તીર અને તેની રક્ષા કરનાર માતાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરેલી છે.”

પરાગે પૂછ્યું, “તો શું આપણે મંદિરના દર્શન કરવાના છે?”

રાઘવે કહ્યું, “ના, મંદિરમાં દર્શન પછી કરીશું પહેલા ગાડી હું કહું છું ત્યાં લઇ લો.”


ક્રમશ: