થશરનું રહસ્ય ભાગ ૧૪ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

  • એક ષડયંત્ર.... - ભાગ 82

    (દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બ...

  • દેડકા તારા દિવસો આવ્યા

    દેડકાંઓના સામ્રાજ્યમાં, દરેક દેડકાને જન્મથી જ ચોમાસાની ઋતુનુ...

શ્રેણી
શેયર કરો

થશરનું રહસ્ય ભાગ ૧૪

ભાગ ૧૪

રાઘવ અને ટીમ થશરના મંદિર તરફ એક ગાડીમાં નીકળી, રાઘવે પોતાની આંખો બંધ કરી અને તેની સામે દ્રશ્ય તરવરી ઉઠ્યું એક વ્યક્તિ વધ સ્તંભ તરફ આગળ વધી રહી હતી. તે આંખમાં આસું સાથે તે વ્યક્તિને જતાં જોઈ રહ્યો હતો.

તેની સામે પોતાનું રહસ્ય ખુલી રહ્યું હતું.

તેનું પોતાનું નામ ડુમલા હતું. પ્રિડાનીડ ગ્રહ પરથી કુલ દસ લોકોની ટીમ આવી હતી અને તેમાંથી તે એક હતો. પોતે અહીંના નિવાસીઓ કરતા અલગ દેખાતા હતા, તેથી છુપાઈને કામ કરતા હતા. તેની ટીમમાંથી બે જણ પર એક પૃથ્વીવાસીએ હુમલો પણ કર્યો હતો. એક દિવસ ટીમલીડરે ડુમલાને એક વ્યક્તિ પર નજર રાખવાનું કામ સોંપ્યું હંમેશા તેનો પીછો કરતા રહેવાનું અને તેની જેટલી માહિતી મળે એટલી માહિતી ભેગી કરવાનું કામ સોંપ્યું.

તેના વિશે લોકો કહેતા કે તે ઈશ્વરનો અવતાર છે, તો કોઈ કહેતું તે મહાકપટી છે. તેમની ટીમ અહીં આવી ત્યારથી અહીં યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, પણ હજી યુદ્ધ શરુ નહોતું થયું. સેનાઓ એકત્ર થઇ રહી હતી. હજારોની સંખ્યામાં સૈનિકો અહીં આવી રહ્યા હતા. તેમની ટીમનું મુખ્ય કામ કોણ કઈ ટેક્નોલોજી વાપરે છે તેનો અભ્યાસ કરવાનું હતું અને જે લોકો શક્તિશાળી અને બધાથી અલગ દેખાય તેમના પર નજર રાખીને તેમના વિશે વધુ માહિતી મેળવવાની હતી.

ડુમલા એક વ્યક્તિના લોહીનો નમૂનો લેવામાં સફળ થયો હતો. બધા તેને માયાવી કહેતા હતા, ઘટોત્કચ કે ઘડોત્કચ એવું કંઈક નામ હતું તેનું. તે પળભરમાં પોતાનું રૂપ બદલી દેતો અને તે શક્તિશાળી પણ હતો અને અભ્યાસ વખતે તે દોડતો ત્યારે બધા જોતા જ રહી જતા. એક વખત રાત્રે બધા સુઈ ગયા હતા તે વખતે ત્યાં બેહોશીની ગેસ ડુમલાએ છોડી અને સુઈ રહેલા તે માયાવીના શરીરમાંથી રક્તનો નમૂનો લઇ લીધો હતો.
             આ કામમાં સફળ થયો હોવાથી તેનો ટીમલીડર પ્રિવીસ તેનાથી ખુશ હતો અને તેને દૂરથી એક વ્યક્તિ દેખાડી અને કહ્યું, “હવે તારે તે વ્યક્તિ વિશે વધુ માહિતી મેળવવાની છે.”

ડુમલાએ તે વ્યક્તિને જોઈ અને તે અંજાઈ ગયો,તેનું વ્યક્તિત્વ બહુ અદભુત હતું. તેની કામણગારી આંખો, તેનું મોહક સ્મિત, મજબૂત શરીર, વાતચીતમાં ક્યારેક ધીરગંભીર અવાજમાં વાત કરતો તો ક્યારેક રમતિયાળ સુર હોતો. બીજે દિવસે તેનું નામ જાણવા મળ્યું તેનું નામ હતું શ્રીકૃષ્ણ. લોકો તેને ઈશ્વરનો અવતાર કહેતા. તેને જોઈને ડુમલાના મનમાં પણ અન્યોની જેમ પવિત્ર ભાવ ઉભરાયો, તેનું કારણ તેને ખબર ન પડી.

            ડુમલા તેમની પાછળ રહેવા લાગ્યો. તે એકદમ ગુપ્તતાથી તેમની પાછળ રહેતો, દૂરથી તેમની દરેક ક્રિયાની નોંધ લેતો. એક દિવસ તેણે જોયું કે શ્રીકૃષ્ણ તૈયાર થઈને બહાર નીકળ્યા અને એક રથમાં બેઠા અને સારથી વગર એકલા જ નીકળી ગયા. ડુમલાને બહુ મહેનત કરવી પડી તેમનો પીછો કરવામાં પણ તે સફળ થયો.

દૂર એક વનની નજીક તેમણે રથ ઉભો રાખ્યો. ડુમલા દૂર ઉભો રહ્યો અને પહેલાં તેણે પોતાના શ્વાસ સરખા કર્યા. અને જોવા લાગ્યો કે તેઓ શું કરે છે. ડુમલાએ જોયું કે અચાનક તેમનું રૂપ બદલાઈ ગયું. ડુમલા આશ્ચર્યથી જોવા લાગ્યો. હજી સુધી રેશમી ધોતિયું અને રેશમી ઉપવસ્ત્ર અને મોરપિચ્છ સાથેના મુગટવાળા શ્રીકૃષ્ણ, માથે મુંડન અને ચોટીવાળા, સાદું ધોતિયું પહેરેલા એક ભિક્ષુકના રૂપમાં આવી ગયા. ડુમલા ઓળખી ગયો, તેઓ એક બ્રાહ્મણના રૂપમાં આવી ગયા.આટલા સમયમાં તે જાણી ગયો હતો કે આવાં કપડાં બ્રાહ્મણો પહેરે છે.

ડુમલાએ મનમાં વિચાર્યું તે માયાવીની જેમ આ પણ માયાવી જ છે. તેઓ વનમાં પ્રવેશ્યા એટલે ડુમલા પણ તેમની પાછળ ગયો, તેઓ એક વૃક્ષ નીચે સુતેલા યુવક નજીક ઉભા રહ્યા. તેમને જોઈને તે યુવક ઉભો થયો અને તેમને પ્રણામ કર્યા. તેઓ તેની સાથે વાત કરવા લાગ્યા. દૂર ઉભા હોવાથી ડુમલા સાંભળી ન શક્યો કે તેઓ શું વાત કરી રહ્યા છે, પણ થોડીવાર પછી ડુમલાએ જોયું કે તે યુવકે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને તેના પર એક તીર ચઢાવ્યું અને તે જે વૃક્ષ નીચે સૂતો હતો, તેની તરફ છોડ્યું અને ડુમલાના આશ્ચર્ય વચ્ચે તેના બધા પાંદડાઓ છેદાઈ ગયા અને તે તીર બ્રાહ્મણના વેશમાં રહેલા શ્રીકૃષ્ણના પગ પાસે ફરવા લાગ્યું અને જેવો તેમણે પગ ઉપાડ્યો તેમના પગ નીચે રહેલ છેલ્લું પાંદડું છેદાઈ ગયું.

ડુમલાને પોતાની આંખ પર વિશ્વાસ ન થયો. એક જ તીરથી આટલાં પાંદડા કેવી રીતે છેદી શકાય !  તેની આ જબરદસ્ત શોધ હતી. તેણે વિચાર્યું આ હથિયાર તો અદભુત છે, આ જો હું લઇ જાઉં તો પ્રિવીસ બહુ ખુશ થઇ જશે.

આ વિચાર સાથે જ તે બે અંતિમોમાં ફસાઈ ગયો. પ્રિવીસે કહ્યું હતું શ્રીકુષ્ણની પાછળ રહેવું જયારે હવે તેના મનમાં તે તીરોનો મોહ જાગ્યો હતો, તે કોઈ પણ ભોગે તેમને મેળવવા માગતો હતો અને તે માટે તે યુવકની નજીક રહેવું જરૂરી હતું. હવે શું કરવું એમ વિચાર કરવા લાગ્યો, તેની પાસે જાતે નિર્ણય લેવાનો અધિકાર ન હતો, તેથી તે ઝડપથી ત્યાંથી નીકળી ગયો અને પ્રિવીસ પાસે પહોંચ્યો અને તેને બધી વાત કરી.

તેની પૂર્ણ વાત સાંભળીને પ્રિવીસ ખુશ થયો અને તેણે કહ્યું, “હવે એક કામ કર, તું તે યુવકની નજીક રહે અને તેના પર ધ્યાન રાખ અને મોકો મળે એટલે તેના શસ્ત્રો મારી પાસે લઇ આવજે અને જો ન લાવી શકતો હોય તો આ ટ્રાન્સમીટર છે, તેને તે શસ્ત્ર સાથે એવી રીતે ફિટ કરી દેજે કે તેને ફરી શોધી શકાય.”

ડુમલા ટ્રાન્સમીટર લઈને નીકળ્યો. હવે તેણે તે યુવકને ફરી શોધવાનો હતો પણ તે વન તરફ જવાનો કોઈ અર્થ નહોતો કારણ હવે ત્યાં કોઈ નહિ હોય તેની તેને ખાતરી હતી.

             ફરીને થાક્યો એટલે તે એક વૃક્ષની નીચે બેસી પડ્યો અને વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું જોઈએ એટલામાં તેના ખભા પર એક હાથ પડ્યો અને તેને અવાજ સંભળાયો, “શું થયું ડુમલા કોઈને શોધી રહ્યો છે?”

ડુમલા ઉભો થયો અને જોયું તો હાથ મુકનાર શ્રીકૃષ્ણ હતા અને તેઓ તેની તરફ જોઈને સ્મિત કરી રહ્યા હતા, તેને ખબર ન પડી કે શું કહેવું ! 

શ્રીકૃષ્ણે આગળ કહ્યું, “કંઈ કહેવાની જરૂર નથી મને બધી જ વાતની ખબર છે, તું કોણ છે ક્યાંથી આવે છે, તારી સાથે કોણ કોણ છે, તમે શું કરી રહ્યા છો અને શું શું કરી ચુક્યા છો. તમે અહીં જ્યારથી આવ્યા છો ત્યારથી મારી નજરમાં છો અને તમે જે કંઈ કર્યું છે તેમાં મારી મરજી સામેલ હતી તેથી તે કરી શક્યા.”

 ડુમલાના હાથ પ્રણામની મુદ્રામાં જોડાઈ ગયા, બધાને તેમની સામે આવું કરતા જોયા હતા.

શ્રીકૃષ્ણે કહ્યું, “તેં ત્રણ તીરો વિષે માહિતી તારા લોકોને આપીને ભૂલ કરી છે અને હવે તારે એ ભૂલનું પ્રાયશ્ચિત જીવનભર કરવું પડશે.”

શ્રીકૃષ્ણે પોતાનો હાથ તેના માથે મુક્યો અને ડુમલા હવે મનુષ્ય રૂપમાં આવી ગયો.

તેમણે કહ્યું, “હવે તું બર્બરીકની સેવામાં રહીશ અને જો કોઈ તે તીરો ચોરવા આવશે તો તેની રક્ષા કરીશ.”

ડુમલા પોતાના હાથ પગ તરફ જોયું. બધું બદલાઈ ગયું હતું.

શ્રીકૃષ્ણે કહ્યું, “હવે તું હંમેશા માટે આ રૂપમાં જ રહીશ અને ફરી ક્યારે પ્રિડાનીડવાસી જેવો નહિ દેખાઈ શકે.”

ડુમલાએ પોતાના કપડાં તરફ જોયું તો તે અહીંના સામાન્ય દાસ જેવા હતા. શ્રીકૃષ્ણ તેને બર્બરીકના તંબુ સુધી લઇ ગયા અને ચાલતા ચાલતા એક માહિતી આપી, “જેના રક્તના અંશ તું લઇ ગયો છે, તેનો જ આ અંશ છે અને તે માયાવી કરતા પણ વીર અને શક્તિશાળી છે. તું મન લગાવીને તેની સેવા કરજે.”

મનમાં તે ખુબ ખુશ થયો પણ પ્રગટમાં ભોળા બનવાનો દેખાવ કર્યો અને શ્રીકૃષ્ણને બે હાથ જોડીને કહ્યું, “જેવી આજ્ઞા ! પ્રભુ.”  તે પૃથ્વી ઉપરના રીતિરીવાજો જાણતો હતો.

ક્રમશ: