લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૧ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૧


લોકડાઉનનો અગિયારમો દિવસ:

સુભાષના મનમાં પ્રશ્નોનું ઘોડાપુર ઉમટ્યું હતું, 3 વર્ષ મીરાં સાથે જે થયું તેના બાદ બે વર્ષથી સુરભી તેના જીવનમાં પ્રવેશી હતી. સુરભી તેના ઓફિસમાં જ કામ કરતી, જયારે સુભાષ નોકરીમાં જોડાયો તેના બીજા વર્ષે સુરભી પણ ત્યાં જોડાઈ, સુભાષની બાજુમાં જ સુરભી પણ બેસતી, સુભાષને એક વર્ષનો અનુભવ થઇ ગયો હતો માટે સુરભીને શીખવવાની જવાબદારી સુભાષને સોંપાઈ હતી, સુભાષનો પ્રેમાળ સ્વભાવ અને દિલથી શીખવવાની રીત પહેલા દિવસથી જ સુરભીને સ્પર્શી ગઈ હતી. સુરભી પણ પરણિત હતી, થોડા સમય પહેલા જ તે લગ્ન કરીને અમદાવાદ આવી હતી, તેના પતિને પોતાની કપડાંની દુકાન હતી, સુરભીને ઘરમાં બેઠા કંટાળો આવતો હતો એટલે તેને પણ આ નોકરી શરૂ કરી હતી, શરૂઆતમાં તો સુરભી અને સુભાષની ઓળખાણ કામ પૂરતી જ હતી પરંતુ ધીમે ધીમે લંચમાં બંને સાથે બેસવા લાગ્યા, એકબીજાના અંગત જીવનની વાતો પણ શેર કરવા લાગ્યા, સુરભી કાયમ તેનો પતિ સમય ના આપતો હોવાનું દુઃખ સુભાષ સામે વ્યક્ત કરતી, પરંતુ ત્યારે સુભાષને મીરાં સાથે સારું બનતું જેના કારણે તે પણ સુરભીને સમજાવતો કે: "જીવનમાં આવા ઉત્તર ચઢાવ આવતા રહે, અને તારો પતિ પણ તમારા ભવિષ્ય માટે જ કમાય છે." એમ સમજાવીને સુરભીને આશ્વાસન આપતો રહેતો.

પરંતુ મીરા સાથે લગ્નના ત્રણ વર્ષ બાદ સુભાષ પણ ઉદાસ રહેવા લાગ્યો, તે સુરભીને કઈ જણાવતો નહીં, પરંતુ સુરભી પણ આ બાબતોને વધારે સારી રીતે સમજી શકતી હતી અને તેને સુભાષના ચહેરાના ભાવને વાંચી લીધા હતા, શરૂઆતમાં તો સુરભીના પૂછવા ઉપર પણ સુભાષ કઈ જણાવતો નહિ પરંતુ સુભાષ પણ પોતાના દુઃખને ક્યાં સુધી પોતાના દિલમાં છુપાવાઈ રાખવાનો હતો? અને ધીમે ધીમે સુરભી સામે સુભાષ પણ અભિવ્યક્ત થતો ગયો. પોતાના દિલની વાતો ખોલતો ગયો. ત્યારે સુરભીએ કહ્યું: "સુભાષ સંબંધને ક્યારેય એકબાજુથી નથી નિભાવી શકાતો, ચાહ બંને તરફ હોય તો જ સંબંધ આગળ વધે છે, હું પણ મારા પતિને એકતરફ ક્યાં સુધી ચાહતી રહું? અને આ ચાહતનો જ પછી ફાયદો પણ ઉઠવા લાગે છે. આવું માત્ર મારી સાથે નહીં તારી સાથે પણ થઇ રહ્યું છે, તું તારી જાતને જ પૂછ, મીરાંને તે કેવી રીતે સાચવી? કેટલો પ્રેમ કર્યો? અને હવે તને મળે છે શું?" સુભાષે પહેલા તો સુરભીની વાત ના માની પરંતુ ધીમે ધીમે તેને પણ અનુભવ થવા લાગ્યો કે સુરભી સાચું કહી રહી છે. રોજ ઘરે જતાંની સાથે જ મીરા સાથે ઝગડવાનું શરૂ થઇ જતું, અને છેવટે સુભાષને હાર કબૂલવી પડી અને સુરભી સમક્ષ અભિવ્યક્ત થવા લાગ્યો, ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને ક્યારે એકબીજાથી એક એવી લાગણી સાથે જોડાઈ ગયા કે જેમાં એકબીજાને મેળવવાની ભાવના નહોતી પરંતુ એકબીજા માટે કંઈપણ કરી છૂટવાની ભાવના હતી.

સુભાષના તેની સાથે દિલથી નજીક આવવા લાગ્યો હતો પણ શરીરથી નહિ, પરંતુ સુરભીના મનમાં હવે વધારે આગળ વધવાની આશા જાગી હતી, તેના લગ્ન જીવનને 7 વર્ષ જેવો સમય વીતી ગયો હતો, છતાં પણ તેનો પતિ ના તેને સમય આપી શકતો હતો, ના શરીર જેના કારણે 7 વર્ષના લગ્ન જીવન બાદ પણ તેના ખોળે કોઈ બાળક નહોતું. છેલ્લા ઘણા વર્ષોથી તેને પણ શરીરની ભૂખ લાગી હતી, અને હવે તો સુભાષ પણ તેની નજીક આવવા લાગ્યો હતો માટે તે સુભાષ સાથે સંબંધોને આગળ વધારવા માંગતી હતી, તેના મનમાં પણ એમ જ હતું કે સુભાષ સામેથી તેને કહેશે, મીરાં જે રીતે તેનાથી દૂર જઈ રહી હતી તેને જોતા સુરભીને પણ એમ જ લાગતું કે સુભાષના મનમાં પણ શરીરની ભૂખ જાગશે અને ત્યારે તે મારી પાસે જ આવશે, સુરભી એ સમયની રાહ જોવા લાગી હતી, ધીમે ધીમે સુભાષના વધુ નજીક આવવાનો પ્રયત્ન કરતી રહેતી હતી, પણ સુભાષ બસ પોતાના દિલની વાતો તેની આગળ અભિવ્યક્ત થાય તેટલું જ ઈચ્છતો હતો.

સવારમાં મીરાં સુભાષને ચા આપવા આવી ત્યારે સુભાષ મીરાં સાથે આંખ પણ ના મિલાવી શક્યો, તેને પણ પોતાના કરેલા ઉપર અફસોસ થઇ રહ્યો હતો, પરંતુ જે વીતી ગયું છે તેને હવે વ્યવસ્થિત કરવાનું પણ સુભાષના હાથમાં જ હતું, મીરાંએ પણ સુભાષને જોતા જ પૂછ્યું: "શું થયું સુભાષ? કેમ ચિંતામાં લાગો છો?"

સુભાષે પોતાના દિલની વાત છુપાવતા કહ્યું: "કઈ નહિ બસ એમ જ. રાત્રે બરાબર ઊંઘ નથી આવી એટલે"

મીરાં એવું સમજતી રહી કે મારા કારણે અમારા બન્નેના સંબંધોમાં આવેલી ક્ડવાશના કારણે સુભાષ સુઈ નહીં શક્યો હોય એટલે તેને કહ્યું કે:"ફ્રેશ થઇ અને પછી સુઈ જાવ, બપોરે જમવાનું થશે એટલે હું તમને ઉઠાવી દઈશ."

સુભાષને પણ સુવાનું મન હતું, ચા પી અને નાહવા ગયો, નાહીને બેડરૂમમાં જઈને સુઈ ગયો, મીરાં જમવાનું બનાવવામાં લાગી ગઈ.

આખી રાતના ઉજાગરાએ સુભાષની આંખોમાં ઊંઘ તો ભરી દીધી પરંતુ મીરાંને વિચારવા ઉપર મજબુર કરી દીધી, રસોડામાં જમવાનું બનાવતા બનાવતા મીરાંનું મગજ ચકરાવે ચઢ્યું, મીરાં એમ જ વિચારતી રહી કે "મારા કારણે સુભાષને જાગતો હશે, અને આજે તો એક જ દિવસ મેં આ રીતે જોયું, છેલ્લા ત્રણ વર્ષથી સુભાષ સાથે અણબનાવ ચાલી રહ્યા છે, તો આવી તો કેટલાય રાતો સુભાષે વિતાવી હશે? મને યાદ છે એ દિવસ જયારે અમારે પહેલીવાર ઝગડો થયો હતો, રાત્રે હું સુઈ નહોતી શકી, ના સુભાષ પણ સુઈ શક્યા હતા, એ રાત્રે સુભાષે મને મનાવવાના પણ ઘણા પ્રયત્નો કર્યા છતાં હું મારી જીદ ઉપર અડી રહી હતી, સુભાષ એ રાત્રે બેઠકરૂમમાં જઈને બેસી ગયા, હું પણ બેડમાં બેસી રહી, સવાર સુધી ના સુભાષ સુઈ ગયા ના હું, અને સવારે એ એમની જાતે જ તૈયાર થઇ અને ઓફિસ ચાલ્યા ગયા હતા, હું પણ ત્યારે એવા ઘમંડમાં હતી કે મેં પણ એમને કઈ પૂછ્યું નહીં, અને બેડમાં જ બેસી રહી, રાતના ઉજાગરાના કારણે દિવસે તો હું સુઈ ગઈ હતી, પરંતુ સુભાષ તો આખી રાત જાગીને પણ ઓફિસમાં કામ જ કરતા રહ્યા હશે, ત્યારે શું વીતી હશે તેમના ઉપર? આજે મને એ અનુભવાઈ રહ્યું છે, સુભાષને મેં ઘણો જ હેરાન કર્યો છે, આજે મને એ વાતનો પછતાવો થઇ રહ્યો છે? પરંતુ હવે પછતાવો કરે કઈ નહિ થાય, હવે મારે બદલાવવું પડશે, સુભાષે મને દરેક ક્ષણે પ્રેમ કર્યો છે, એ પ્રેમનો બદલો મારે પ્રેમથી જ આપવો પડશે."

પોતાની જાતને મક્કમ કરીને મીરાં આંખમાં આવેલા આંસુઓ લૂછી બેડરૂમ તરફ ગઈ, સુભાષ સુઈ રહ્યો હતો, શૈલી ટીવીમાં કાર્ટૂન જોઈ રહી હતી, સુભાષને સૂતો જોઈ તેના ઉપર મીરાંને પ્રેમ ઉભરાઈ આવ્યો અને એ દિવસ યાદ આવ્યો જયારે મીરાંએ સુભાષના ગાલ ઉપર પહેલીવાર ચુંબન કર્યું હતું, આજે પણ એવી જ ક્ષણ હતી, તેના મનમાં સુભાષના ગાલ ઉપર ચુંબન કરવા માટે ખચવાટ હતો, પરંતુ હવે તે આ બધા જ ખચવાટને દૂર કરી અને સુભાષ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરવા માંગતી હતી અને તેથી જ તે સુભાષની નજીક ગઈ અને હળવેથી તેના ગાલ ઉપર એક ચુંબન કર્યું, ચુંબન કર્યા બાદ મીરાં સુભાષની બાજુમાં જ ઉભી રહી, તેને મનમાં ઈચ્છા હતી કે સુભાષ ગાલ ઉપર અનુભવાયેલી એ ભીનાશ ના કારણે જાગી જશે, પરંતુ એવું કઈ બન્યું નહીં, સુભાષ ઉજાગરાના કારણે ઘસઘસાટ સુઈ રહ્યો હતો. તેને તો ખબર પણ ના પડી કે મીરાંએ તેને વ્હાલ ભરેલું એક ચુંબન આપ્યું છે. બે મિનિટ સુધી મીરાં સુભાષને જોતી રહી, પરંતુ સુભાષના શરીરમાં સહેજ પણ હલચલ ના અનુભવાઈ અને તે બેઠકરૂમમાં આવીને પોતાની અંદર ઉમટેલા પ્રેમને શૈલીને વહાલ કરીને અભિવ્યક્ત કર્યો.

આજે બપોરે જમીને પણ સુભાષે સુઈ જવાની જ વાત કરી, રાત્રે ટીવીમાં સમાચાર જોયા આજે નવા 529 કેસ સામે આવ્યા હતા, વિશ્વનો આંકડો તો હવે 12 લાખની ઉપર પહોંચવા આવ્યો આવ્યો હતો, સુભાષે મનોમન પ્રાર્થના કરી કે જેમ બને તેમ આ વાયરસ જલ્દી જાય તો સારું, ઘણા લોકો લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળી ગયા હતા. આજે અગિયાર દિવસ પણ પુરા થયા. જો આ લોકડાઉન ના કરવામાં આવ્યું હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હોત એમ પણ સુભાષે અનુભવ્યું, બીજી તરફ અમેરિકા ના દૃશ્યો સમાચારમાં જોયા, ત્યાં લોકડાઉન કરવામાં નથી આવ્યું જેના કારણે દિવસે ને દિવસે પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળે છે. રોજ કેટલાય લોકોના ત્યાં મૃત્યુ થતા સમાચારમાં બતાવે છે, તેના બદલે આપણા દેશમાં જે થયું છે તે સારું જ થયું છે એવો સંતોષ માની અને તે સુવા માટે ચાલ્યો ગયો.

(શું સુરભી સુભાષ સાથે શારીરિક સંબંધ બનાવવા સુભાષને મનાવી લેશે? શું મીરાં સુભાષ પ્રત્યેના પ્રેમને વધુ ઉજાગર કરવામાં સફળ નિવળશે? સુભાષ મીરાં અને સુરભીના સંબંધોને કેવી રીતે સાચવી શકશે? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-12)

લે. નીરવ પટેલ "શ્યામ"