રાઈટ એંગલ - 9 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 9

રાઈટ એંગલ

પ્રકરણ–૯

કશિશના કાનમાં રોજ સવારે પપ્પા ઠાકોરજીની પૂજા કરતાં કરતાં ગાતા હતા તે ભજન ગૂંજવા લાગ્યું,

‘મેરું તો ડગે પણ જેનાં મન નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે..‘

અને કશિશે આંખ પરથી ગોગલ્સ હટાવ્યા,

‘મારે હવે શું કરવાનું છે?‘ કશિશ બોલી એટલે ધ્યેયએ નિરાશામાં માથું હલાવ્યું. પછી વાતવરણને હળવું કરવા બોલ્યો,

‘તુમ નહીં સુધરોગી!‘ અને કશિશે કશું બોલી નહી માત્ર સ્માઇલ આપ્યું, એટલે ધ્યેયે એને સમજાવવાનું માંડી વાળીને કામની વાત કરી,

‘ રિસેસ સુધીમાં જજ સાહેબ પાસે તારી ફિરયાદ પહોંચી ગઇ હશે એટલે રિસેસ પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ તને લઈને આવી જશે. ત્યાં સુધીમાં તું રાહુલ સાથે કેસ ડિસક્સ કરી લે અને મેજિસ્ટ્રેટ સામે કેમ વાત કરવી એ તને ગાઈડલાઈન આપી દેશે.‘

‘ઓ.કે.‘ કશિશે જવાબ આપ્યો.

રાહુલ સાથે કશિશ કેસ સમજવા બેઠી અને ધ્યેયને કોઈ કેસમાં જુબાની લેવાની હતી એટલે એ કોર્ટરુમમાં ગયો.

‘મેમ, આપણો કેસ સહેલો નથી કે તરત સમન્સ નીકળે.. આપણાં કેસમાં બધી રજુઆત સરખી રીતે કરવી પડશે નહીં તો ગયા કામથી!

‘અચ્છા? તું કહીશ તેમ હું કરીશ એની ખાતરી રાખજે.‘ કશિશે પૂરી તૈયારી દેખાડી એટલે રાહુલે કહ્યું,

‘મેમ, કોર્ટમાં જજને ખાતરી કરાવવી પડશે કે આપણાં કેસમાં દમ છે. જેથી કરીને જજસાહેબ પોલિસ ઇન્કવાયરીનો આદેશ આપે કાં તો સીધા સમન્શ કાઢે. આપણે પ્રયત્ન એવો કરવાનો છે કે સીધા સમન્સ નીકળે. એટલે બધો આધાર તમે ત્યાં કેવી રીતે તમારી વાત રજૂ કરો છો તે પર રહેશે. હું તમને કહું તમારે કેવી રીતે વાત કરવી...‘ રાહુલે તે પછી એને બધી વાત વિગતે સમજાવવી. અને છેલ્લે બોલ્યો,

‘ખરાખરીનો ખેલ ત્યાં જ છે. જો આપણે જજસાહેબને સમજાવવી ન શક્યા તો પછી ફરિયાદ ડિસમિસ થઇ જાય. એટલે આપણું કામ ફરિયાદ સ્વીકારી લેવાય તે માટે પ્રયત્ન કરવાનો છે.‘

કશિશે ગંભીર થઇ ગઇ. પોતે માનતી હતી તેટલી વાત આસાન ન હતી. રિસેસ સમય પૂરો થયો એટલે બન્ને ચીફ જ્યુડ્યિશલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આવ્યા. કશિશ કોર્ટરુમનો અંદરનો માહોલ આશ્ચર્યથી જોઈ રહી. ફિલ્મમાં દેખાડાતા કોર્ટના સીન કરતાં અહીં માહોલ જુદો જ હતો. જજસાહેબની સામે પાંચ–દસ વકીલ ઊભા હતા. રાહુલ પણ ત્યાં જઈને ઊભો રહી ગયો. જજ એક વકીલને કહેતાં હતા,

‘તમારા સાક્ષી આવી ગયા હોય તો આ પછી ઉલટતપાસ માટે તૈયાર રહો.‘ આટલું કહીને જજ વળી ત્રીજા વકીલને કહેતા સંભળાયા,

‘તમારે અસીલ હાજર છે? તો એમની જુબાની આમના પછી કરજો.‘ પેલો વકીલ બોલ્યો,

‘જી સર...મારો અસીલ આવી ગયો છે.‘ જજ સાહેબે કોર્ટરુમના દરવાજા પર ઊભેલા બેલિફને કહ્યું કે આ ભાઈના અસીલ અને પેલાભાઈના સાક્ષીના નામનો પોકાર કરી દો. એટલે બિલિફે દરવાજા પાસે જઈને બૂમ પાડી,

‘રમણીકલાલ સોની હાજીર હો!‘

‘જયેશભાઈ જોશી હાજર હો!‘

જજસાહેબની આ મલ્ટિપલ કામગીરી કશિશ આશ્ચર્યથી જોઈ રહી હતી. એને તો એમ જ હતું કે કોર્ટરુમમાં એને રાહુલ બે જણા અને જજસાહેબનો સ્ટાફ હશે. પણ અહીં તો કેટલાં બધાં વકીલ છે અને બધાનાં કામ એક સાથે થાય છે.

રાહુલે એને બેસવાનું કહ્યું તે જગ્યા પર એ બેઠી રહી. થોડીવારમા કશિશનું નામ બોલાયું, અને જજસાહેબ સમક્ષ એની ફરિયાદ આવી હતી તે એમણે જોઈ. નિવેદન લેવા માટે કશિશને ફરિયાદી બોક્સમાં આવવા કહ્યું અને કશિશના હાર્ટબીટસ વધવા લાગ્યા. રાહુલે કહ્યું હતું કે અહીં જ સરખી વાત રજૂ થવી જોઈએ. નહીં તો બધું ખતમ!

કશિશ ફરિયાદી બોક્ક્ષમાં ઊભી રહી કે તરત જ જજસાહેબ બોલ્યા,

‘ બહેન, પૂરું નામ કહો અને સરનામું બોલો.‘

‘હું કશિશ કૌશલ નાણાવટી, રહેઠાણ પંચવટી સોસાયટી, કોલેજ રોડ, બંગલોનું નામ ‘ચિત્રકૂટ‘......! કશિશે પૂરી માહિતી આપી એટલે જજસાહેબે પૂછયુ,

‘હવે કહો શું થયું હતું?‘

કશિશ હિંમતથી બોલી,

‘સાહેબ હું ડોક્ટર બનવા માંગતી હતી. મારે બારમા ધોરણમાં ૮૭ પરસેન્ટજ પણ આવ્યા હતા જેથી હું ડોકટર બની શકું તેમ હતી.. પણ મને શહેરમાં ભણવા જવા દેવી પડે તે માટે માત્ર હું છોકરી હતી એટલે મને મારા ભાઇ ઉદય શાહ અને મારા પિતા મહેન્દ્રભાઈ શાહે જવા ન દીધી. એટલે મારી ફિરયાદ કોર્ટ સ્વીકારે તેવી મારી અરજ છે.‘

કશિશની વાત સાંભળીને જજસાહેબ બોલ્યા,

‘બહેન, આ સિવાય કશું કહેવું છે?‘

જજસાહેબના ચહેરા પર કોઈ હાવભાવ દેખાયા નહી. બહુ સામાન્ય વાત હોય તેવું તેમને લાગતું હશે? સાહેબ હમણાં અરજી ખારેજ કરી દેશે તો? કશિશને ગભરાટથી પસીનો થવા લાગ્યો. અચાનક એને યાદ આવ્યું કે પોતે મુખ્ય વાત કહેતા જ ભૂલી ગઇ છે. પોતે રજુઆત સરખી કરી ન હતી. સારું છે જજસાહેબે એને બીજો મોક્કો આપ્યો. હવે આ મોક્કો ગુમાવો યોગ્ય નથી. એણે ગળું ખંખેર્યું. અને પછી બોલી,

‘જી સર, મારે કહેવાનું છે. તેર વર્ષ પહેલાં જ્યારે મેં બારમું ધોરણ પાસ કર્યું હતું ત્યારે બાર સાયન્સમાં ૮૭ ટકા આવે તો મેડિકલમાં કોલેજમાં એડમિશન મળી જતુ હતું. તેથી મેં આપણા શહેરની ગાંધી કોલેજમાંથી રાજયભરની મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે તે માટે ફોર્મ ભર્યું હતું. ત્રણ રાઉન્ડ થયાં ત્યાંસુધી મારાં નામનો ઇન્ટરવ્યુ લેટર ન આવ્યો. પણ મારી જેટલાં પરસેન્ટેજ હતા તે લોકોને એડમિશન મળી ગયું હતું એટલે મેં ઘરમાં બહુ કહ્યું ત્યારે મારા પપ્પા અને ભાઇ એ મને તપાસ કરવાની મંજૂરી ન આપી તથા તેઓ જાતે અમદાવાદ મેડિકલ કોલેજમાં જ્યાંથી બધી પ્રોસેસ થાય ત્યાં તપાસ કરશે તેવું મને સમજાવીને અમદાવાદ જતાં રહ્યાં. તેવું મને કહેવામાં આવ્યું હતું. હકીકતમાં તો ત્યાં ગયા જ ન હતા. જેની મને થોડા દિવસ પહેલાં ખબર પડી.‘

કશિશ એક ક્ષણ શ્વાસ લેવા થોભી. જજસાહેબ એને ધ્યાનથી સાંભળી રહ્યાં હતા, રાહુલના ચહેરા પર પોઝિટિવ રિસ્પોન્સ હતો તે જોઈને કશિશે આગળની વાત બેજિજક પોતાની વાત કહેવાનું શરુ કર્યુ,

‘તે પછી ચાર–પાંચ દિવસે તે બન્ને પાછા આવ્યા ત્યારે મને કહ્યું કે મને એડમિશન નથી મળ્યું કારણ કે મેરિટ ઊંચું ગયું છે. પણ સાચી કહીકત એ હતી કે બીજા રાઉન્ડમાં જ મને એડમિશન મળ્યું હતું અને મને તે માટેનો ઇન્ટરવ્યું કોલ પણ આવ્યો હતો. જે વાતની મને જાણ ન હતી, પણ થોડા દિવસ પહેલાં એટલે કે ૨૦ માર્ચે હું મારા પપ્પાના ઘરે ગઇ હતી ત્યારે વાતવાતમાં મને જાણ થઈ કે મારી સાથે ખોટું બોલીને મને છેતરવામાં આવી હતી. મને એડમિશન મળી ગયું હતું તે વાત મારાથી જાણી જોઈને છુપવવામાં આવી તેથી મારી સાથે ભયંકર છેરતપીડીં થઇ છે. તેમના આવા જાતિય ભેદભાવી વલણના કારણે હું મેડિકલના અભ્યાસથી વંચિત રહી. કારણ કે સર, એડ્યુકેશન લેવું તે હ્યુમન રાઈટસ છે અને મારા ભાઇ અને પપ્પાના કારણે હું વંચિત રહી છું. તેથી મને ન્યાય આપવા માટે હું અદાલત પાસે અરજ કરુ છું. વળી મારી સાથે માત્રને માત્ર સ્ત્રી હોવાથી અન્યાય થયો છે તે વાત પણ સાહેબ ધ્યાનમાં લેવામાં આવે! ‘

કશિશ સડસડાટ કોઈ વકીલની અદાથી પોતાની ફરિયાદ રજૂ કરી તેથી ત્યાં હાજર હતાં બધાં તેથી ઇમ્પ્રેસ થઇને એને જોઈ રહ્યાં . હવે બધાંની નજર જજસાહેબ પર હતી કે તેઓ શું સ્ટેન્ડ લે છે.

‘તમારી ફરિયાદ કોર્ટ સ્વીકારે છે. આરોપીઓને તારીખ ૨૫ એપ્રિલે કોર્ટમાં હાજર રહવાનું ફરમાન કરવામાં આવે છે.‘ જજ આટલું બોલ્યાને કશિશથી આપોઆપ બે હાથ જોડાઈ ગયા.એના મનમાં પડધો પડ્યો.

‘હાશ..અંતે એની ફરિયાદ કોર્ટમાં સ્વીકારી ખરી! એની ફરિયાદ નોંધાય તે માટે કેટલી રઝળપાટ એણે કરી હતી. પોલિસ સ્ટેશનથી લઈને ઠેઠ પોલિસ સુપરિન્ટેન્ડન્ટન સુધી દોડાદોડી કરી હતી. આખરે એની વાત સાંભળવામાં આવી. એની નજર સમક્ષ ફિલ્મ રીલની જેમ બધું તરવરી ગયું.

‘થેન્કયુ સર!‘ આટલું કહીને કશિશ ફરિયાદીના કઠેડામાંથી બહાર નીકળી કે તરત રાહુલ એને સામે આવ્યો અને બન્ને કોર્ટરુમની બહાર આવ્યા કે તરત એ બોલ્યો,

‘મેમ...રોકિંગ...! વેરી ગુડ!‘ કશિશ સ્મિત કર્યું.

‘રાહુલ, હું એકલી ક્રેડિટની હકદાર ન કહેવાઉં! તે મને ગાઈડ પણ બરાબર કરી હતી. હવે શું થશે?‘

‘ હવે આરોપીને પોલિસ સમન્સ જશે એટલે ૨૫ તારીખે એમણે કોર્ટમાં હાજર થશે જજ સાહેબે કહ્યું ને!

‘એ મને પૂરું સમજાયું નહી.‘ કશિશે સહજતાથી કહ્યું. જે વિશ માહિતીના હોય તેમાં દોઢડહાપણ ડહોળવું નહી.

‘મેમ, આપણી લડાઇ હવે શરું થશે. સામે વાળા પણ વકીલ રોકશે, તમને મેન્ટલ–ઇમોશનલ પ્રેશર લાવશે. પણ આપણે બરાબર એની સામે જડબેસલાક તૈયારી કરવી પડશે.‘ રાહુલે એને મેન્ટલી તૈયાર કરવા માંડી.

‘આઈ એમ રેડી ફોર એની થીંગ યુ સે!‘ આટલાં દિવસથી જે હિમંત ટકાવી રાખી હતી તેમાં જજે ફરિયાદ સ્વીકારી તેથી કશિશને હવે ખરેખર લડવાનું બળ મળ્યું હતું.

‘ઓ.કે. હું આજે જ ધ્યેયસર સાથે વાત કરીને પછી તમને બધું સમજાવુ.‘

બન્ને ધ્યેયની ઓફિસમાં પહોચ્યાં એટલે ત્યાં ધ્યેય બેઠો હતો. ધ્યેયને જોતા તરત જ કશિશે પૂછયું,

‘મને કોર્ટમાં કેમ જજસાહેબે ગીતા પર હાથ રાખીને સોગન ન લેવડાવ્યા?‘

એની વાત સાંભળીને ધ્યેય હસી પડ્યો.

‘નિવેદન લેવામાં સોગન ન ખવડાવે. તે ફિલ્મી કોર્ટ જોઈ છે. એમાં એવું આવે. જુબાની આપવાની હોય કે ઉલટતપાસ હોય ત્યારે સોગન લેવડાવે. અને તે ય એમ જ મોંઢેથી. હજારોની સંખ્યામાં કેસ આવતા હોય તે બધાં આરોપી–ફિરયાદીને ગીતા–કુરાન કે બાઈબલ પર હાથ મૂકીને સોગન લેવડાવવામાં આવે તો દિવસ એમાં જ પુરો થઈ જાય. કોર્ટના કિમતી કલાકો વેડફાઈ તે ન ચાલે. રિયલમાં એવા નિયમમાંથી કોર્ટને કયારની મુક્તિ અપાઈ ગઈ છે. ‘ ધ્યેયનો જવાબ સાંળભીને કશિશ જરાક વિચારમાં પડી પછી એણે બીજો સવાલ પૂછયો.

‘આમ બધાં વકીલ કેમ જજસાહેબની સામે ઊભા રહી ગયા હતા? મેં તો ફિલ્મમાં જોયું છે કે એક સરકારી વકીલ હોય અને બીજો આરોપીનો વકીલ હોય. જ્યારે અહીં કેટલાં બધાં વકીલ ઊભા હતા.‘

કશિશના મનમાં કોર્ટની એક છબી હતી. તેની સાથે આજે એણે જે કોર્ટરુમ જોયો હતો તે સાથે બિલકુલ મેચ થતી ન હતી. ધ્યેયને એનો સવાલ સાંભળીને રમૂજ થતી હતી. સામાન્ય માણસ પાસે કોર્ટના કામકાજનું પ્રેક્ટિકલ માહિતી નથી હોતી. હોય છે તે માત્ર ફિલ્મી હોય છે. જે વાસ્તવિક કરતાં અતિશયોક્તિથી ભરપૂર હોય છે. કશિશ સાથે ચાલતા ચાલતાં ધ્યેય બોલ્યો,

‘જેમ બને તેમ જલદી તું તારી ફિલ્મી કોર્ટ ભૂલી જા! કારણ કે ફિલ્મમાં તમને જે કોર્ટસીન દેખાડવામાં આવે છે તે ટોટલ ગ્લેમરાઈઝડ હોય છે. બીજું કોર્ટમાં અનેક વકીલ હોય અને દરેકના એક નહીં દસ–બાર કેસ એકસાથે ચાલતાં હોય! એટલે લોકો કોલ આઉટ થાય ત્યારે નંબર ગમે તે હોય પણ કોઈપણ વકીલ પોતે તૈયારી સાથે આવી ગયા હોય એટલે ત્યાં જજસાહેબ પાસે ઊભા રહી જાય. જેથી સમય બગડે નહીં અને ફટાફટ કામ થાય.‘

બાર અસોસિયેશન રૂમ આવ્યો એટલે ધ્યેય ઊભો રહ્યો. કશિશ એને અનુસરી.

‘તારું આજનું કામ પુરુ. રાહુલ એની નોટસ તૈયાર કરવા માટે તને બોલવાશે ત્યારે તારે એને મળી લેવું. પછી ડાયરેક્ટ ૨૫ એપ્રિલે એ તેટલાં વાગે હાજર થઈ જજે.‘

‘હમ્મ...ઓ.કે. તું ૨૫મીએ મારી સાથે કોર્ટમાં હાજર રહીશને?‘

‘કિશુ, મારે તે દિવસે સેશન્સ કોર્ટમાં એક કેસ છે. હું હાજર નહીં રહી શકું...અને મારી જરુર પણ નથી. તને રાહુલ
બરાબર ગાઈડ કરશે. ટ્રસ્ટ હીમ. ઓ.કે.!‘

પપ્પા અને ઉદયભાઈ કોર્ટમાં હાજર થશે ત્યારે ધ્યેય હાજર નહીં હોય તે વાત પચાવવી કશિશ માટે અઘરી હતી. પણ એ સમજતી હતી કે એક વકીલ જ નહીં એક મિત્ર તરીકે પણ ધ્યેય બનતી મદદ કરી છે. પોતે એથી વધુ અપેક્ષા રાખવી ન જોઈએ.

‘ઓ.કે. ડિયર...થેન્કસ ફોર ઓલ હેલ્પ!‘ ધ્યેય સાથે કશિશ હાથ મિલાવ્યા.

‘હું જાઉ? મારે એક કેસ સ્ટડી કરવાનો છે!‘ ધ્યેયે કહ્યું..

‘યાહ..સ્યોર..બાય!‘ ધ્યેય ગયો અને કશિશ પાર્કિંગમાં પોતાની ગાડી તરફ આગળ વધી. તરત એને સ્ટ્રાઈક થઈ કે પચીસ એપ્રિલ પહેલાં જ પપ્પા અને ભાઈને કોર્ટના સમન્શ મળશે એટલે એમની નારાજગી વેઠવી પડશે.

‘કેવી રીતે એ પપ્પા અને ઉદયભાઈનો સામનો કરશે? પપ્પા અને ભાઈના શું રિઐક્શન હશે? કૌશલ ત્યારે એને સાથે આપશે? કૌશલનું સવારનું વર્તન એને યાદ આવી ગયું. ધ્યેય પણ નહીં હોય અને જો હવે કૌશલ પણ ૨૫ એપ્રિલે કોર્ટમાં નહીં હાજર રહે તો? ફરી એકવાર એને મનાવવાની ટ્રાય કરવી જોઈએ?

કશિશના મગજમાં અનેક સવાલોની કશ્મકશ સર્જાઇ હતી. અને એ સવાલોના જવાબ એની પાસે નહીં પણ સમય પાસે હતા.

કામિની સંઘવી

(ક્રમશ:)