લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૮ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૮


લોકડાઉનનો આઠમો દિવસ:

મીરાં અને સુભાષ વચ્ચે હવે હળવી વાતોની શરૂઆત થઇ ગઈ હતી, બંનેની ગાડી થોડી પાટા ઉપર ચઢવા લાગી હતી, પરંતુ મીરાંની મૂંઝવણોનો અંત હજુ આવ્યો નહોતો, ગઈ કાલે તેને નક્કી કર્યું હતું કે સુભાષ સાથે વાત કરીને કોઈપણ રીતે તેને ઘર લેવા માટે મનાવી લેવો અને આજે સવારે જ ચા પિતા સમયે જ મીરાંએ વાતની શરૂઆત કરવા જતી હતી ત્યાં જ શૈલી ઉઠીને આવી ગઈ. મીરાં શૈલીને દૂધ અને નાસ્તો આપવા માટે રસોડામાં ગઈ. સુભાષના ખોળામાં આવીને શૈલી બેઠી, સુભાષે ટીવી ચાલ્યું કર્યું.

આજના સમાચારના આંકડાઓ પણ ભયભીત કરે તેવા હતા, ગુજરાતમાં તો આજે 13 નવા કેસ મળ્યા, જેમાં અમદાવાદના જ 8 નવા કેસ હતા અને દેશમાં ઘણા બધા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, તેમાં ખાસ દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં ભેગા થયેલા લોકો જ હતા, પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. દુનિયાભરમાં 2 માર્ચ સુધીમાં 950,731 લોકો કોરોનથી સંક્રમિત થઇ ગયા હતા અને 48, 311 લોકોના મૃત્યુ થઇ ચુક્યા હતા, જો કે એ બધા વચ્ચે સારી બાબત એ હતી કે કોરોના સંક્રમિત થયેલા લોકોમાંથી 202,826 લોકો સાજા પણ થઇ ગયા હતા. ભારતમાં આજના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં સૌથી વધારે સંક્રમિત લોકો સામે આવ્યા હતા. એક જ દિવસમાં 386 કોરોના સંક્રમિત લોકો સામે આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધી કુલ 2,032 લોકો સંક્રમિત થયા હતા જયારે 58 લોકોના મૃત્યુ થયા હતા, ભારતમાં અત્યારસુધી 148 લોકો સાજા પણ થઇ ગયા હતા.

સુભાષે ટીવી બંધ કરીને શૈલી સાથે થોડી ગમ્મત કરી, શૈલી પણ તેના પપ્પા ઘરમાં કેમ છે એ વાત સમજી શકતી નહોતી એટલે તેને પૂછ્યું: "પપ્પા તમે નોકરીએ કેમ નથી જતાં?" મીરાં પણ શૈલીનો આવાજ રસોડામાંથી સાંભળી ગઈ, તેના ચહેરા ઉપર પણ હાસ્ય ફરી વળ્યું, સુભાષે જવાબ આપતા કહ્યું: "બેટા, બહાર એક એવો વાયરસ આવ્યો છે ને કે માણસને બીમારી કરી નાખે છે, એટલે આપણે બધાએ હમણાં ઘરમાં રહેવાનું છે, કોઈએ બહાર નથી જવાનું."

સુભાષનો જવાબ સાંભળીને શૈલીની જણાવાની ઉત્સુકતા વધી ગઈ અને તેને બીજો પ્રશ્ન પૂછ્યો: "પપ્પા વાયરસ એટલે શું? અને એ કેવો દેખાય?"

"બેટા વાયરસ કોઈને ના દેખાય, કોઈનામાં લાગેલો હોય તો એ આપણને લાગી જાય, અને આપણામાંથી બીજાને, અને બીજામાંથી ત્રીજાને, એમ એમ વાયરસ વધતો જાય." શૈલીને સમજાવતા સુભાષે કહ્યું.

"તો હે પપ્પા, બહાર નીકળીએ તો આપણને પણ આ વાયરસ લાગી જાય ?" શૈલીના કાલાઘેલા અવાજમાં વધુ જણાવણાઈ ઉત્સુકતા દેખાઈ રહી હતી.

"હા બેટા, જો હું બહાર જાઉં અને કોઈ કોરોના વાળા વ્યક્તિના જોડે હાથ મિલાવું તો મને પણ કોરોના લાગી જાય, કોઈને કોરોના હોય અને એ છીંક કે ઉધરસ ખાય તો પણ આપણને કોરોના લાગી જાય, અને મને કોરોના લાગે અને હું ઘરે આવું તો તને પણ લાગી જાય અને તારી મમ્મીને પણ મારા લીધે લાગી જાય." સુભાષે શૈલીના માથે હાથ ફેરવતા કહ્યું.

એટલામાં જ મીરાં પણ રસોડામાંથી બેઠક રૂમ તરફ આવી અને કહ્યું: "બસ હવે કોરોનાની વાતો બંધ કરો, આપણને કોઈને નથી લાગવાનો આપણે બધાએ હમણાં ઘરમાં જ રહેવાનું છે. ચાલ શૈલી હવે દૂધ પી લે."

સુભાષે પોતાના હાથે ઊંચકીને શૈલીને મીરાંની બાજુમાં બેસાડી. થોડીવાર સુધી ત્રણેય હળવી વાતો કરવા લાગ્યા પછી મીરાં રસોડામાં બપોરનું જમવાનું બનાવવા માટે ગઈ, શૈલી પણ તેની પાછળ પાછળ રસોડામાં ગઈ, સુભાષ બેઠક રૂમમાં બેસીને જ પોતાના ભૂતકાળને યાદ કરવા લાગ્યો.

અમદાવાદમાં એનો પહેલો દિવસ, નવી જ નોકરી, આ પહેલા કોઈ કામકાજ માટે તેને અમદાવાદ આવવાનું થતું ત્યારે ત્યાંના ટ્રાફિકને જોઈને એને એમ થતું કે મારુ ગામડું જ સારું છે, પરંતુ અદાવાદ તેને અહીંયા ખેંચી લાવ્યું, આવીને તરત તો તેને પીજીમાં રહેવાનું શરૂ કર્યું, પરંતુ પીજીમાં એટલી મઝા આવી નહીં, ધીમે ધીમે ઓફિસમાં નવી ઓળખાણો થવા લાગી અને એ ઓળખાણોમાં જ તેની સાથે કામ કરતા એક વ્યક્તિએ તેને પોતાની પાસે ફ્લેટ ઉપર રહેવા આવવાની સલાહ આપી. એ વ્યક્તિ પણ કેટલાક છોકરાઓ સાથે ફ્લેટમેંટ તરીકે રહેતો હતો. તે લોકોનો ફ્લેટ પણ સુભાષ જોઈ આવ્યો અને પહેલી તારીખથી જ પીજી છોડી અને તે લોકો સાથે રહેવા માટે ચાલ્યો ગયો, જમવાનું પણ તે જાતે જ બનાવતા હતા. બીજા 3 છોકરાઓ સરકારી નોકરીમાં હતા, અને ગુજરાત બહારના, 1 છોકરો તેની સાથે જ ઓફિસમાં કામ કરતો હતો અને ઘર પણ ઓફિસથી એક જ કિલોમીટરના અંતરે હતું. જેના કારણે આવવા જવામાં પણ સરળતા રહે તેમ હતું, પીંજીથી ઓફિસ પહોંચવા માટે રોજ રિક્ષાના 20 રૂપિયા ખર્ચ પણ બચી જતો હતો.

ફ્લેટમાં થોડા દિવસ તો બધા સાથે ઓળખાણ કરવામાં નીકળી ગયા,પરંતુ સુભાષનો સ્વાભવ જ એવો હતો જેના કારણે બધા તેની સાથે ભળી ગયા, રસોઈ પણ બધા સાથે મળીને બનાવતા તો અઠવાડિયાની રજાઓમાં પણ બધા સાથે મળી બહાર ફરવા માટે પણ જતાં. તેની સાથે જે છોકરો ઓફિસમાં કામ કરતો હતો તેને મુંબઈની એક ચેનલમાં નોકરી મળી ગઈ,માટે તે મુંબઈ ચાલ્યો ગયો, સુભાષનું કામ જોઈને તેને પણ સુભાષને કહ્યું હતું કે તું પણ મુંબઈમાં ટ્રાય કર, પરંતુ સુભાષે મુંબઈ જેવા મોટા શહેરમાં આવવાની ના કહી હતી. બાકીના બીજા છોકરાઓ સાથે સુભાષને ફાવી ગયું હતું જેના કારણે એ છોકરાના જવાથી પણ સુભાષને કોઈ તકલીફ ના પડી.

ધીમે ધીમે દિવસો કેમના પુરા થતા ગયા એજ સમજાયું નહીં અને ઘરેથી સુભાષને છોકરી જોવા જવાનું નિમંત્રણ આવ્યું, સુભાષ લગ્ન માટે પહેલા તો તૈયાર નહોતો, પરંતુ તેના માતા પિતાએ તેને સમજાવ્યો અને સગા-સંબંધીઓ પણ લગ્ન કરી લેવા માટે તેને જણાવી રહ્યા હતા, જેના કારણે તે લગ્ન કરી લેવા માટે તૈયાર થયો. પહેલીવાર જ કોઈ છોકરી જોવા માટે તે ગયો હતો અને તે હતી મીરાં. મીરાંને જોઈને જ પહેલી નજરમાં તે સુભાષને ગમી ગઈ હતી. જોઈને આવ્યા પછી તરત જ તેને પોતાના માતા-પિતાને છોકરી ગમે છે તેમ જણાવી દીધું હતું,

"લગ્ન માટે તો પહેલા ના કહેતો હતો અને એક જ છોકરી જોઈને લગ્ન કરવાનું મન થઇ ગયું?" એવું કહીને તેના સગા-સંબંધી અને મિત્રોએ પણ તેને ખુબ ચિડાવ્યો હતો. એ ક્ષણ યાદ કરતા કરતા સુભાષના ચહેરા ઉપર મરક મરક હાસ્ય છલકી ઉઠ્યું, મીરાંએ રસોડામાંથી બૂમ પડતા કહ્યું: "સુભાષ, જમવાનું તૈયાર છે, જમી લેવું છે?" સુભાષનું ધ્યાન મીરાંના આવાજથી તૂટ્યું, સુભાષના ચહેરા ઉપર હજુ એ જૂની વાત યાદ કરીને હાસ્ય ફરકી રહ્યું હતું.

મીરાંને જવાબ આપતા સુભાષે કહ્યું: "હા, ચાલો જમી લઈએ." બપોરે જમી અને સુભાષ બહારના રૂમમાં બેઠો અને મીરાં શૈલીને સુવડાવવા માટે ચાલી ગઈ, સુભાષ પણ ટીવી ચાલ્યું કર્યા વગર એમ જ બેસી રહ્યો, વારંવાર તેની નજર બેડરૂમ તરફ જઈ રહી હતી, એવું લાગતું હતું કે તે મીરાં બહાર આવે તેની રાહ જોઈ રહ્યો હતો. અને એવામાં જ મીરાં બેડરૂમની બહાર આવતી જોવા મળી.

સુભાષ સામે હળવું હાસ્ય આપીને તે તેની સામે બેસી ગઈ, વાત કેવી રીતે શરુ કરવી તે બંનેમાંથી કોઈને સમજાઈ રહ્યું નહોતું, એટલે મીરાંએ જ શરૂઆત કરી. "શું તમે મને સાચે જ ડિવોર્સ આપવા માંગો છો?"

સુભાષે કહ્યું: "મીરાં આપણે પહેલા જ શરત કરી હતી ને કે ડિવોર્સ વિશે કોઈ વાત કરવાની નથી?"

"ભલે તમે શરત કરી પરંતુ મારે હા કે નામાં જવાબ જોઈએ છીએ, બીજું કઈ મારે નથી પૂછવું." મીરાંએ સુભાષની વાત કાપતા જ જવાબ આપ્યો.

"ના, હું નથી ઈચ્છતો કે આપણા ડિવોર્સ થાય, પણ તે ડિવોર્સનું કહ્યું એટલે હું તને ના પણ કેમ પાડી શકું ?, પણ આ વાત જવા દે, આપણે આ વાતો હમણાં નથી કરવી, ચાલ એના માટે પણ આપણે એક દિવસ રાખીએ, લોકડાઉન પૂરું થયાના બીજા દિવસે આપણે આ બધી જ બાબતો ઉપર ચર્ચા કરીશું અને આગળ શું કરવું જોઈએ તે પણ નક્કી કરીશું."

મીરાં પાસે હવે કોઈ વાત કરવાનો અવસર નહોતો, સુભાષનો જવાબ સાંભળીને તે આગળ કઈ પૂછી શકે તેમ નહોતી માટે સુભાષને કહ્યું: "સારું, તમારે સુઈ જવાનું છે કે અહીંયા જ બેસવાનું છે?"

"તું કહું તો આપણે બેસીએ, અને તું કહું તો સુઈ જઈએ." સુભાષે પોતાનો મૂડ બદલતા હળવો થઈને જવાબ આપ્યો.

મીરાંએ કહ્યું: "મને થોડો થાક લાગ્યો છે એટલે મારે સુઈ જવું છે, તમારે પણ સૂવું હોય તો સુઈ જજો."

આટલું કહીને મીરા ઉભી થઇ સુવા માટે ચાલી ગઈ, સુભાષ પણ તેની પાછળ જ સુવા માટે ચાલ્યો ગયો. સાંજે પણ જમીને શૈલી સાથે રાત્રે મોડા સુધી મસ્તી મઝાક જ કર્યો.

રાત્રે સુતા સુતા મીરાં વિચારવા લાગી કે: "સુભાષ બધી જ રીતે સારો છે, બસ તે જોઈએ એટલું કમાઈ શકવામાં સક્ષમ નથી, ઉપરથી તે ભોળો છે જેના કારણે કોઈપણ તેનો ફાયદો ઉઠાવી શકે છે, પણ આવો સ્વભાવ તો ના ચાલે, હવે તો તેના માથે જવાબદારીઓ પણ વધારે છે. એટલે આ બાબતે તો તેને સમજવું જ જોઈએ." સુતા સુતા જ તેને સુભાષ તરફ નજર કરી, સુભાષ પડખું ફેરવી અને સુઈ રહ્યો હતો. બંનેની વચ્ચે શૈલી સુઈ રહી હતી."

(સુભાષ અને મીરાંનો આ સંબંધ કઈ દિશા તરફ જઈ રહ્યો છે? પતિ પત્ની હોવા છતાં પણ બંને એકબીજાથી આ રીતે દૂર કેમ કરી ચાલ્યા ગયા? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસનો ભાગ-9 આવતી કાલે)


લે. નીરવ પટેલ "શ્યામ"