લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૪ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૪


લોકડાઉનનો ચોથો દિવસ:

સવારે ટીવી ચાલુ કરી અને સુભાષે જોયું તો કોરોના સંક્રમિત લોકોનો આંકડો 987 સુધી પહોંચી ગયો હતો, એક જ દિવસમાં 100 જેટલા નવા સંક્રમિત લોકો સામે આવી રહ્યા હતા, જેના કારણે આવનાર દિવસોમાં હજુ સમસ્યા ગંભીર થવાના એંધાણ મળી રહ્યા હતા, લોકો હજુ પણ આ વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નહોતા, અને ખોટા બહાના કાઢીને પણ રસ્તા નીકળી રહ્યા હતા, જેનો ગુસ્સો સુભાષને પણ આવી રહ્યો હતો, તે મનોમન વિચારી રહ્યો હતો કે "આ લોકો થોડા સમય માટે સમજી જાય તો કેવું સારું છે?" વળી શહેરમાં રહેતા લોકો હવે ચાલીને પોતાના ગામડા તરફ જવા લાગ્યા હતા, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની શકે તેમ લાગી રહ્યું હતું, આવા સમય સંયમ રાખવાની જરૂર હતી પરંતુ કોણ જાણે કેમ લોકો ગભરાઈને પોતાનું સ્થળ છોડી પોતાના ગામ તરફ જવા નીકળી રહ્યા હતા એ જ સમજાઈ રહ્યું નહોતું. સુભાષને આવનાર દિવસોની ચિંતા થવા લાગી હતી,પરંતુ તે પણ શું કરી શકવાનો હતો? તે પોતાને અને તેના પરિવારને સુરક્ષિત રાખવા માંગતો હતો. ગામડે પણ ફોન કરીને તેના માતા-પિતાને તેને સાવચેત રહેવા અને પોતે અહીંયા સુરક્ષિત છે તેવું જણાવી દીધું. સુભાષની મમ્મીએ પણ તેને ગામડે આવી જવા માટે જણાવ્યું પરંતુ સુભાષે અહીંયા જ તે સુરક્ષિત છે તેવું જણાવીને ઘરે આવવાની ચોખ્ખી ના જ કહી દીધી.

મીરાં સુભાષને ચા આપીને પાછી રસોડામાં ચાલી ગઈ હતી, તેના મનમાં પણ કોરોના વાયરસ કરતા પણ વધારે મોટી સમસ્યા સુભાષ અને તેના સંબંધોને લઈને હતી, આ તરફ સુભાષને પણ હવે પોતાના સંબંધને કેવી રીતે સાચવવો તે જ મૂંઝવણ હતી. એવું નહોતું કે બંને વચ્ચે આ સમસ્યા માત્ર અને માત્ર ઘર લેવાના કારણે જ સર્જાઈ હતી. બીજા પણ ઘણા પ્રશ્નો એ બંને વચ્ચે ઉદભવ્યા હતા.

સગાઈ પછી લગ્નના થોડા દિવસો પહેલા મીરાં અને સુભાષ મળ્યા હતા. ત્યારે સુભાષે તેને પૂછ્યું હતું: "મીરાં, મારી સાથે લગ્ન કરવા માટે તને કોઈ અફસોસ તો નથી થતો ને? તું ખુશીથી જ મારી સાથે લગ્ન કરી રહી છે ને?

ત્યારે મીરાંએ પણ હા કહ્યું હતું. સુભાષે તેને એમ પણ જણાવ્યું હતું કે: "કાલે કદાચ આપણી પરિસ્થિતિ સારી ના પણ હોય તો શું તું મને સાથ આપી શકીશ?"

ત્યારે મીરાંએ કહ્યું હતું: "હું દરેક પરિસ્થિતિમાં તારો સાથ આપીશ, ભલે કંઈપણ થાય પરંતુ હું તારો સાથ નહિ છોડું" અને આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે, મીરાં પણ સુભાષનો સાથ છોડવા નથી માંગી રહી પરંતુ સુભાષની હાલની પરિસ્થિતિ સાથે તે મનમેળ નથી સાધી શકતી, તેને ભવિષ્યની ચિંતાઓ સતાવી રહી છે.

બપોરે જમી અને શૈલીને સુવડાવ્યા બાદ મીરાં બેઠક રૂમમાં સુભાષ પાસે આવીને બેઠી અને ગઈકાલે રહી ગયેલી અધૂરી વાતો કરવાની શરૂઆત કરી.

મીરાં: "તો શું વિચાર્યું તમે સુભાષ? શું કરવાનું છે હવે?"

સુભાષ: "મેં હજુ કઈ નક્કી નથી કર્યું, પરંતુ હું તારી હાલત સમજુ છું, અને જીવનભર મારે પણ આ પરિસ્થિતિમાં જીવવું નથી."

"તો પછી વેચી દોને ગામડાની જમીન, એટલામાં આપણું ઘર પણ થઇ જશે અને બાકીની રકમ સાચવીને ફિક્સ ડિપોઝીટ પણ કરી દેવાશે." મીરાંએ સુભાષની વાતનો તરત જ જવાબ આપતા કહ્યું.

સુભાષ તેની સામે જોવા લાગ્યો અને કહ્યું: "જો મીરાં, ગામની જમીન વેચાઈ જાય એ હું નથી ઈચ્છતો, અને હજુ એ જમીન પપ્પાના નામ ઉપર છે, અને માની લે કે આપણે ગામની જમીન વેચી પણ દીધી, તો પપ્પા મમ્મીનું શું? એ લોકો તો આપણી પાસે આવીને રહેવાની ના કહે છે, એમને તો ગામડે જ રહેવું છે.."

સુભાષની વાતને વચ્ચે જ અટકાવતા મીરાંએ કહ્યું કે: પપ્પા મમ્મીને હવે જોઈએ કેટલું? આપણે અહિયાંથી એમને બધું મોકલાવી શકીએ છીએને ?"

"મીરાં તારી વાત સાચી છે, પણ ગામની જમીન એમ થોડી વેચી શકાય છે? એ અમારા પૂર્વજોની જમીન છે, અને પપ્પા હયાત છે ત્યાં સુધી તો એ મને વેચવા પણ ના દે, પરંતુ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ બીજો રસ્તો પણ અપનાવી શકીએ છીએ." મીરાંને સમજાવતા સુભાષે કહ્યું.

"બીજો શું રસ્તો છે તમારી પાસે?" મીરાંએ થોડા ગુસ્સા ભર્યા સ્વરે કહ્યું.

"જો મીરાં આ સમય ગુસ્સો કરવાનો નથી, આપણે 21 દિવસ સુધી ઘરમાં જ છીએ હજુ તો માત્ર ત્રણ દિવસ વીત્યા છે આ લોકડાઉનના, અને આ બધું જોતા તો મને એવું પણ લાગી રહ્યું છે કે આ લોકડાઉન હજુ વધુ લાંબુ ચાલશે, કારણ કે આપણા દેશની પ્રજા સમજવા માટે તૈયાર જ નથી થતી, હજુ પણ ઘરની બહાર નીકળી અને આંટા ફેરા કરે છે. આ વાયરસની ગંભીરતાને હજુ સમજી નથી રહી, લોકો શહેર છોડીને પાછા ગામડા તરફ જઈ રહ્યા છે અને ગામડામાં પણ આ બીમારી જો પ્રવેશી ગઈ તો કોઈ સુરક્ષિત નથી. આપણા બંનેની સમસ્યા કરતાં આ દેશના માથે અને આપણા બધા ઉપર આવેલી આ મુસીબત સૌથી વધારે ગંભીર છે."

મીરાંનો ગુસ્સો થોડો વધ્યો અને તેને થોડા ઊંચા અવાજમાં કહ્યું: "તમને આ બધાની પડી છે, અને આપણી કઈ નહિ? શૈલી હવે મોટી થઇ રહી છે તેની પણ જરૂરિયાત દિવસેને દિવસે વધવાની છે, અને આ સમય જ છે કે આપણે આ વિશે વાત કરી શકીએ, બાકી તમે તો ચાલુ દિવસોમાં ઓફિસમાં ચાલ્યા જશો, હું અને શૈલી બંને એકલા જ ઘરમાં હોઈએ છીએ, અને ઘરને કેમ ચલાવું છું એ હું જ જાણું છું."

સુભાષે મીરાંને શાંત કરતા કહ્યું: "હું સમજુ છું મીરાં તારી વાતને, પણ આ સમય શાંતિથી વાત કરવાનો છે ગુસ્સે થવાનો નહિ, અને જીવતા હોઈશું તો આપણે કંઈપણ કરી શકીશું. યાદ કર આપણા લગ્નના એ શરૂઆતના દિવસો આપણે કેવા હળીમળીને રહેતા હતા, લગ્નબાદ આપણે બે એકલા જ અમદાવાદમાં રહેતા હતા, લગ્નથી લઈને અત્યાર સુધી તને કોઈ મુશ્કેલી આવી છે? હા, હું માનું છું કે હું તારા માટે જે કરવું જોઈએ એ હજુ સુધી નથી કરી શક્યો પરંતુ એ સિવાય મેં બીજું ઘણું બધું કર્યું છે, પહેલા હું એકલો હતો, પછી આપણે બે થયા અને હવે આપણે ત્રણ છીએ, તો જેમ જેમ સમય વીત્યો છે તેમ તેમ મારા માથે જવાબદારીઓ પણ વધી જ છે ને? હું માનું છું કે તું ઘર સાચવે છે, ઘરમાં બધું જ કરકસરથી ચલાવે છે, પણ મારાથી બનતા પ્રયત્નો મેં કર્યા જ છે."

મીરાંએ પોતાના ગુસ્સાને શાંત કરતા શાંતિથી સુભાષને જવાબ આપ્યો: "હું પણ ક્યાં ના કહું છું કે તમે કઈ નથી કર્યું? અને હું એમ પણ નથી કહેતી કે તમે ખોટા છો, તમે તમારી જગ્યાએ સાચા જ છો અને હું મારી જગ્યાએ, પરંતુ આ રીતે આપણું જીવન નહિ વીતે?"

"તો શું કરું હું ? તું જ મને જણાવી દે" સુભાષે જવાબ આપ્યો.

મીરાં: "તમે ગામની જમીન વેચવા માટે તૈયાર નથી, ના નોકરી છોડવાનો વિચાર કરો છો, અને આ રીતે હું તમારી સાથે નહિ રહી શકું, તો એક કામ કરો તમે મને ડિવોર્સ આપી દો..."

ડિવોર્સનું નામ સાંભળતા જ સુભાષની આંખોમાં પાણી છલકાઈ ગયું, તેને ક્યારેય એમ પણ નહોતું વિચાર્યું કે આ બાબત છેક છૂટાછેડા સુધી પહોંચી જશે. તે કઈ બોલી ના શક્યો, અને મૌન જ બેસી રહ્યો.

મીરાં પણ ત્યાંથી ઉભી થઈને ચાલી ગઈ, સુભાષ બેઠા બેઠા વિચારવા લાગ્યો કે હવે શું કરવું? આ સમસ્યાનું સમાધાન હવે કેવી રીતે મેળવવું?

ઘણું વિચાર્યા બાદ તેને તેના એક મિત્રની યાદ આવી, જે પોતે વકીલ પણ હતો અને સારો લેખક પણ હતો, મીરાં ઘરમાં જ હતી જેના કારણે તેની સાથે ફોન ઉપર વાત કરી શકાય એમ નહોતું માટે તેને અમિતને મેસેજ કરવાનું નક્કી કર્યું.

રાત્રે જમીને જ્યારે શૈલી અને મીરાં બેડરૂમમાં સુવા માટે ગયા ત્યારે સુભાષે અમિતને મેસેજ કર્યો.

અમિત પણ લોકડાઉનના કારણે ઘરમાં જ હતો, સુભાષના મેસેજની સાથે જ તેને તરત જવાબ પણ આપ્યો.

સુભાષે મેસેજમાં લખ્યું: "દોસ્ત, અત્યારે હું મુશ્કેલીમાં છું, મારે તારી સલાહની જરૂર છે, તારા ભાભી સાથે છેલ્લા ત્રણ વર્ષથી કઈ સારું નથી ઘટી રહ્યું, એ ગામડાની જમીન વેચી અને શહેરમાં ઘર લેવાની વાત કરે છે, મેં ના કહી તો હવે તે મારી પાસે ડિવોર્સ માંગે છે. હું શું કરું કઈ સમજાઈ નથી રહ્યું, એટલે જ તારી સલાહ લેવા માટે તને મેસેજ કર્યો છે."

અમિતે પણ સુભાષની વાત સમજી અને તેને સમજાવતા કહ્યું: "તમારા બંને વચ્ચે આ હદ સુધી આવી ગયું અને તું મને હમણાં જણાવે છે? પણ વાંધો નહિ, જો પતિ પત્નીના સંબંધોમાં આવા નાના-મોટા ઝગડા થતા રહે, અને એનું સમાધાન ડિવોર્સ નથી હોતું, ભાભીના મનમાં ભલે અત્યારે ડિવોર્સનું ભૂત ઘર કરી ગયું છે, પણ મને લાગે છે ત્યાં સુધી ભાભી તને ડિવોર્સ નહીં આપે, હું તને સારી રીતે ઓળખું છું, તારા જેવો વ્યક્તિ મીરાંને બીજો કોઈ ના મળી શકે. મારી પાસે તેનો એક ઉપાય છે. એમ પણ લોકડાઉનના હજુ 17 દિવસ બાકી છે અને આ 17 દિવસ તું પણ ઘરમાં જ છે અને ભાભી પણ ઘરમાં, આ 17 દિવસમાં તો તમારી વચ્ચે ડિવોર્સ થવા શક્ય નથી જ બનવાના, ના ભાભી આ ઘર છોડીને જઈ શકશે, ના તું ઘરની બહાર નીકળી શકવાનો છું, તો હું તને જેમ કહું એમ કર, તારી સમસ્યા પણ દૂર થઇ જશે અને ભાભી તને ડિવોર્સ પણ નહિ આપે."

અમિતે સુભાષને જે રસ્તો બતાવ્યો તેનાથી સુભાષ ખુબ જ ખુશ થયો અને અમિતના કહ્યા મુજબ જ બીજા દિવસથી કરવાનું નક્કી કર્યું, ખુશ થઈને તે બેડરૂમ તરફ ગયો, મીરાં સામે જોયું તે સુઈ રહી હતી કે સુવાનું નાટક કરી રહી હતી એ સુભાષ સમજી ના શક્યો, પરંતુ તેની બંધ આંખો જોઈને સવારે તેની સાથે વાત કરવાનું નક્કી કરીને પોતે પણ સુઈ ગયો.

લે. નીરવ પટેલ "શ્યામ"