Kya chhe ae ? - 9 books and stories free download online pdf in Gujarati

ક્યાં છે એ? - 9

ક્યા છે એ?

ભાગ: 9

“વરસાદનુ જોર ખુબ જ વધારે છે અને આગળ પાણીનુ વહેણ છે તો પાણી ન ઉતરે ત્યાં સુધી આગળ જઇ શકાય એમ નથી.” ડ્રાઇવરે બધાને કહ્યુ.

“ઓહ્હ, માય ગોડ” બધાની મજા મરી ગઇ.

“ઓહ્હ, શીટ. ટાઇમ વેસ્ટ.” અક્ષિતે નિ:સાસો નાખ્યો. “અરે યાર દરેક પરિસ્થિતિની એક મજા હોય છે. નેગેટિવ પરિસ્થિતિ પણ નવા અનુભવો આપે છે.” સ્વાતિએ અકળાયા વિના ઉત્સાહથી કહ્યુ. સામેની સીટ પર બેઠેલી ઝરણાએ બોલી ઉઠી, “સ્વાતિ યાર તારો જવાબ નથી. ગમે તે પરિસ્થિતિમાં તારો એક અલગ જ અભિગમ હોય છે.” અંદરોઅંદર બધા પોતપોતાની રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે ડ્રાઇવરને એક અલગ જ ચિંતા હતી. ડિઝલનો કાંટો નીચે આવી રહ્યો હતો અને રસ્તો કયારે ખુલશે? અને ધીમે ધીમે ગાડી ચલાવતા ડિઝલ પુરુ થઇ જશે તો નવી મુસીબત ઉભી થશે. તે બારીમાંથી ડોકિયુ કરીને સામે નજર કરી રહ્યો ત્યારે બાજુમાંથી છત્રી લઇને બે સ્થાનિક રહેવાસી નીકળ્યા. “મિત્રો, આ રસ્તા પર ક્યારે પસાર થવાશે?” ડ્રાઇવરને થોડી તુટી ફુટી મલયાલમ આવડતી હતી તેમાં અંગ્રેજી મિક્ષ કરીને તે સ્થાનિક રહેવાસીને પુછ્યુ.

“અરે ભાઇ, તમે અહીં વેઇટ ના કરો આ વરસાદનુ કાંઇ નક્કી ન હોય તમે ટુંકા રસ્તાથી જાઓ ત્યાંથી પસાર થવાશે.” અંગ્રેજીમાં એક લુંગી પહેરલ વ્યક્તિ બોલ્યો. “ટુંકા રસ્તા પર કંઇ બાજુથી જવાશે?” ડ્રાઇવરે પુછ્યુ અને રસ્તો જોવા માટે તે બસમાંથી નીચે ઉતર્યો. બંન્ને સ્થાનિક રહેવાસીએ દુર ગલીમાં ટુંકો રસ્તો બતાવ્યો. તેઓએ ડ્રાઇવરને જણાવ્યુ કે રસ્તો થોડો સાંકડો અને ચીકણો છે પરંતુ ધીરે ધીરે જઇ શકાશે અને થોડી વારમાં મેઇન રોડ પાસે પહોંચી જવાશે. ડ્રાઇવરે અંદર આવતા ખુશ થઇને કહ્યુ, “ચાલો હવે બીજો રસ્તો મળી ગયો.” “યે એ એ એ “ બધા એકસાથે ખુશીથી ચીસ પાડી ઉઠયા. ********* મુન્નાર હીલ સ્ટેશન પર એલચી, લવિંગ, મરી જેવા ગરમ મસાલાની સુંગધ અને ચારે તરફ હરિયાળી અને વચ્ચે પાણીના નાના નાના ખાબોચિયા કુદરતની અનેરી સુંદરતા વચ્ચે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ગ્રુપમાં ફરી રહ્યા હતા. મજુરો બગીચામાં પોતાના કામ કરી રહ્યા હતા. સ્વાતિ પોતાના ગ્રુપ છોડીને અક્ષિત સાથે આસપાસના વાતાવરણનો આનંદ લેતા ચાલી રહી હતી. કોઇ કાંઇ બોલતુ ન હતુ. બંન્ને શાંતિથી બસ ચાલી જ રહ્યા હતા. બીજા બધા પોતપોતાના ગ્રુપમાં હસી મજાક અને વાતો કરી રહ્યા હતા. “અક્ષિત” અચાનક મૌન તોડતા સ્વાતિ બોલી ત્યારે અક્ષિત પોતાના વિચારમાંથી ચક્તિ થઇને બોલ્યો, “હા” “મારે તને આજે એક વાત કરવી છે.” “યસ” “મને ખબર છે કે તું મનોમન મને ચાહે.” સ્વાતિની વાત સાંભળીને અક્ષિત ચાલતા ચાલતા અચાનક જ ઉભો રહી ગયો. સ્વાતિ સામે રહેલા પથ્થર પર બેસી ગઇ અને અક્ષિતને બાજુમાં રહેલા પથ્થર પર બેસવાનો ઇશારો કર્યો. અક્ષિત તેના પર બેસી ગયો. “અક્ષિત તારી આંખો જોઇને હું કયારની જાણી ગઇ છુ કે તારા દિલમાં શુ ચાલી રહ્યુ છે? પરંતુ તારી સાથે વાત કરવાનો મોકો મળ્યો ન હતો.” અક્ષિતને શુ બોલવુ તે ખબર ન પડી. તે બસ સ્વાતિ સામે જોઇ જ રહ્યો. “અક્ષિત, હું સમજી શકુ કે તુ મારી સાથે આ વાત કરતા ગભરાય છે. પરંતુ પહેલા મારી એક વાત સાંભળી લે આ ઉંમર જ એવી છે કે શારીરિક આવેગોમાં ફેરફાર થાય છે અને એટ્રેકશનને આપણે પ્રેમ સમજી લઇએ છીએ. ક્ષણિક એટ્રેકશનને કારણે ખોટો નિર્ણય લેવાય જાય તો આખી જીંદગી ખરાબ બની જાય છે. આપણે બંન્ને એક બીજાને હજુ પુરી રીતે જાણતા નથી ત્યારે કોઇ નિર્ણય લેવાની ઉતાવળ કરવી મુર્ખામી ગણાશે.” “સ્વાતિ, આપણે એક બીજા વિશે જાણતા નથી તો જાણી લઇએ ત્યાર બાદ તો આપણે નિર્ણય લઇ શકીએ.”

“ખાલી વાતો કરીને જાણી લેવાથી જીંદગીનો મોટો નિર્ણય ન લઇ શકાય.” “સ્વાતિ, શરૂઆત તો વાત કરવાથી જ થશે ને.” “ઓ.કે. વાત કરવામાં મને વાંધો નથી પરંતુ મારા દિલમાં એવી કોઇ ફિલિંગ નથી. મારા માટે આપણો સંબંધ મિત્રતા સુધી જ સિમિત છે.” “ઓ.કે. તારી લાગણી માટે પણ મને માન છે. પરંતુ મિત્રતાના સંબંધથી પણ આપણે એકબીજા વિશે જાણી તો શકીએ ને. આટલી સ્માર્ટ અને કોલેજની નંબર વન ગર્લ વિશે મારે જાણવુ છે.” “મારી વાર્તા સાવ સરળ છે. મારી માતા તેજસ્વીબહેન તેના નામ પ્રમાણે ખુબ જ તેજસ્વી અને હોશિયાર હતા. બાળપણથી તેની ચતુરાઇ અજોડ હતી. તેઓ જીંદગીમાં ખુબ જ આગળ વધવા માંગતા હતા. પરંતુ તેના જમાને અનુરૂપ તેના પગમાં લગ્નની બેડીઓ નાખી દેવામાં આવી અને તેઓ બંધનના ચક્કરમાં ફસાય ગયા. મારા પિતા તેના જેવા બાહોશ નથી. અમારા બંન્ને ભાઇ બહેનમાં મારી માતાના ગુણ ઉતરી આવ્યા છે. તેઓએ અમને ચકા ચકી અને રસોડાની વાતથી દુર દુનિયા અને ટેકનોલોજી અને વિશાળ જ્ઞાનનો પરિચર કરાવ્યો છે. મારી આજના વ્યક્તિત્વનુ રહસ્ય મારી માતાએ આપેલા પુસ્તકોનુ વિશ્વ છે. મારુ અગાધ વાંચન મને દુનિયાથી અલગ વિચારવા માટે પ્રેરિત કરે છે. હું મારી માતાની જેમ ચાર દિવાલ વચ્ચે મારું જીવન વ્યતિત કરવા માંગતી નથી.” “હા, ફ્રીડમ, અલગ પહેચાન એવા બધા તારા ડ્રીમ છે એ હું સમજી શકુ છુ.” અક્ષિતે કહ્યુ. “ના, એવુ નથી કે હું કોઇ મોટી ઓળખાણ મેળવુ અને સફળતા મારા પગ ચુમે. ઘર, પરિવાર એ માણસની સાચી મુડી છે. પરંતુ યોગ્ય રીતે જીવન જીવવુ અને મારા વિચારોને સાચા રાહને ઓળખી શકે તેવા જીવનસાથી સાથે જ હું જોડાવા માંગુ છું.” “વેલ, એ વ્યાખ્યામાં હું સેટ થઇ શકીશ કે નહિ તે તો સમય જ બતાવશે. કિસ્મતમાં આપણો સાથે લખેલો હશે તો તેને કોઇ બદલી નહિ શકે અત્યારે આપણે મિત્રો તો બની જ શકીએ ને?” અક્ષિતે પોતાનો હાથ લંબાવતા કહ્યુ. “હા, જરૂર” સ્વાતિએ પણ શેક હેન્ડ કર્યો. ********** આઇ.સી.યુ. ની બહાર બેઠા બેઠા અક્ષિતના હ્રદય પર એટલુ જોર આવી રહ્યુ હતુ કે હમણા હ્રદય બેસી જશે. તેને આસપાસનુ વિશ્વ ફરતુ લાગી રહ્યુ હતુ અને પરસેવાના રેલા ચહેરા પરથી ઉતરી રહ્યા હતા. ઉતરેલા ચહેરે ડો. મિશ્રાએ આઇ. સી. યુ.ની બહાર આવતા જ કહ્યુ, “સોરી, મિસ્ટર અક્ષિત.” સાંભળતા જ અક્ષિત ચક્કર ખાઇને નીચે પડી ગયો સ્વાતિએ હાથ પકડીને અક્ષિતને બચાવી લીધો. “યોર ડેડ ઇઝ નો મોર.” ડોકટરે અધુરુ વાક્ય પુરૂ કર્યુ ત્યાં તો સગુણાબહેને પોક મુકતા અંદર ગયા. અક્ષિત, સ્વાતિ બધા જ અંદર ગયા. અક્ષિત અંદરનુ દ્રશ્ય જોઇ પણ શકતો ન હતો અને તેનાથી રડાતુ પણ ન હતુ. સ્વાતિની આંખમાં પણ આંસુ આવી ગયા. *********** બાર દિવસ વિતી ગયા. હજુ માન્યમાં આવી નહોતુ રહ્યુ કે તેના પિતાજી હવે આ દુનિયામાં નથી. પ્રવાસમાંથી પપ્પાના એટેકનો ફોન આવ્યો એટલે બધા પ્રવાસ રદ કરીને ફટાફટ સુરત આવી ગયા. બાર દિવસ સુધી સ્વાતિ અને બીજા મિત્રો સતત અક્ષિતના પડખે રહ્યા.

અક્ષિતને પિતાના મૃત્યુ શોક સહન થતો ન હતો. તે ઉદાસ અને સુનમુન બની ગયો હતો. જીવન પર જાણે રસ જ ઉડી ગયો હતો. સ્વાતિ તેને ઘણુ સમજાવવા માટે પ્રયાસ કરતી હતી પરંતુ અક્ષિતને કોઇ અસર જ થતી ન હતી. બધી વિધિઓ પુરી થઇ ગઇ અને બધા સગા વહાલાઓ પોતપોતાના ઘરે જતા રહ્યા. ઘરે માં દીકરો જ હતા.સગુણાબહેને અક્ષિત પાસે આવીને કહ્યુ, “બેટા, તારા પ્રવાસમાં ગયા બાદ સાંજે જ લંડનથી ફોન તારા પપ્પાને અરજન્ટ લંડન જવુ પડે તેમ હતુ. પરંતુ અહીં પણ નવા પ્રોજેકટ માટે ખુબ જ કામ હતુ. તુ પણ પ્રવાસમાંથી આવી ન શકે એટલે તારા પિતાજીએ મેનેજરના નામે પવાર ઓફ એટર્ની કરી દીધી. જેથી અહીંનુ કામ પણ ચાલુ રહે અને તે તેમની ગંભીર ભુલ.” આટલુ બોલતા સગુણાબહેનના આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આગળનુ અક્ષિત સમજી ગયો. “મિસ્ટર બક્ષીએ ખુબ જ ખરાબ કર્યુ.” અક્ષિતે ગુસ્સાપુર્વક કર્યુ. બેટા, આપણા હાથમાંથી લગભગ બધુ જ સરી ગયુ. એ જ આઘાત તારા પિતાથી સહન ન થયો.” માંડ માંડ જાત સંભાળીને સગુણાબહેને કહ્યુ. “મમા, મિસ્ટર બક્ષીને હું છોડુ.” ગુસ્સામાં મુઠ્ઠી વાળીને ટિપોય પછાડતા અક્ષિતે કહ્યુ. “બેટા, કાયદાની રાહે આપણાથી કાંઇ ન થશે. લંડનથી આવીને સાંજ સુધી તારા પિતાએ બધી તપાસ અને વિચાર કર્યા અને રાત્રે સુતા બાદ સવારે................” આગળનુ તેના આંસુમાં વહી ગયુ. “કાયદાને હું જાણતો નથી. મારા પિતાના મૃત્યુનો બદલો હું જરૂરથી લઇશ.” અક્ષિતનો ગુસ્સો વધી રહ્યો હતો.

“બેટા, પ્લીઝ હવે હું તને ખોવા માંગતી નથી. પ્લીઝ શાંત થા. થોડો વિચાર કર.” “હું જે કરીશ તે વિચારીને જ કરીશ.” “બેટા, હજુ માથેરાનની ફેકટરી અને લંડનનો કોંટ્રાકટ આપણા હાથમાં છે. અત્યારે એ કામ સંભાળવાનુ છે. જે હું સંભાળી લઇશ. તું તારા અભ્યાસ પર ધ્યાન આપ.” ********** સમય વિતી રહ્યો હતો. હવે અભ્યાસમાં મન લાગતુ ન હતુ. સ્વાતિ ઘણુ સમજાવવા પ્રયાસ કરતી હતી. પરંતુ જ્યાં સુધી પોતાના પિતાની મોતનો બદલો ન લે ત્યાં સુધી અક્ષિતને ચેન પડે તેમ ન હતુ.

“તુ કેમ સમજતી નથી યાર? તેના હિસાબે મારા પિતાનો જીવ ગયો છે.” અક્ષિતે ઉશ્કેરાટથી કહ્યુ. “અક્ષિત આમ નિરાશ થવાથી કોઇ ઉકેલ થોડો મળી જશે.” “ઉકેલ જ ક્યાં મળે છે? તારી પાસે કોઇ ઉકેલ હોય તો પ્લીઝ કંઇક વિચાર યાર.” “આપણે ઉશ્કેરાટથી એક વિચારની પાછળ પડી રહીએ છીએ ત્યારે યોગ્ય ઉકેલ મળતો નથી. થોડી વાર શાંત થા તો કંઇક સ્પષ્ટ રસ્તો મળી શકે.” સ્વાતિ અક્ષિતના ખભા પર હાથ મુકીને કહ્યુ. “હું મારી મનોસ્થિતિને સંભાળી શકતો નથી એટલે જ હું તારી પાસે મદદ માંગી રહ્યો છુ.” “ઓ.કે. હું તારી પરિસ્થિતિ સમજી શકુ છુ. પરંતુ બની શકે એટલુ શાંતિથી વિચાર. હું પણ આવતીકાલ સુધી વિચારીને તને કોઇ રસ્તો આપવાનો પ્રયાસ કરુ છુ.” “થેન્ક્યુ સો મચ યાર.” ********* “કોઇ પણ માણસને પૈસા કરતા પણ વધારે વહાલુ કોઇ હોય છે. દરેકની કોઇને કોઇ કમજોરી જરૂરથી હોય જ છે.” “હા, એ વાત સાચી છે.” સ્વાતિએ પોતાના ઘર પાસે નાની પોતાની લેબ બનાવી હતી ત્યાં ખુરશી પર બેસતા અક્ષિતે કહ્યુ. સ્વાતિ પણ સામે ખુરશી પર બેસી ગઇ.

“તો આપણે મિસ્ટર બક્ષીની કોઇ કમજોરી શોધવી પડશે. તેને મજબુર કરવામાં આવે તો જરૂરથી તે આપણુ કહ્યુ કરશે.” સ્વાતિએ કહ્યુ. દરવાજાની ઘંટડી વાગતા સ્વાતિ દરવાજો ખોલવા માટે ગઇ. મિસ્ટર બક્ષી દરવાજો ખુલતા જ સીધા જ અંદર આવી ગયા. “અક્ષિત, બેટા મને માફ કરી દે.” હાથ જોડીને મિસ્ટર બક્ષી અક્ષિતની સામે ઉભી ગયા. અક્ષિત અને સ્વાતિને આ દશ્યને જોઇને આશ્ચર્ય પામી ગયા. તેઓ મુક બની ગયા. થોડી વારમાં પોતાના ખિચ્ચામાંથી એક કાગળ કાઢીને અક્ષિતને આપતા મિસ્ટર બક્ષીએ કહ્યુ, “બેટા, આ પાવર ઓફ એટર્ની છે. અને બની શકે તો મને માફ કરી દેજે. મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ. ઇશ્વર સમાન જીતેશ સાહેબ સાથે દગો કર્યો. જીવનની દરેક મુશ્કેલીમાં મારો સહિયારો બનનાર સાહેબ સાથે મેં આવુ કર્યુ અને તેના મોતનુ કારણ બન્યો ઇશ્વર મને કયારેય માફ નહિ કરે.” બોલતા બોલતા મિસ્ટર બક્ષી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અક્ષિતને સમજ નહોતુ આવતુ કે અચાનક આ શુ બની રહ્યુ છે?

થોડી વાર બાદ શાંત થઇને મિસ્ટર બક્ષીએ કહ્યુ, “બેટા, તને આશ્ચર્ય થાય છે કે હું શુ કહી રહ્યો છુ. તો સાંભળ દીકરા. વર્ષો પહેલા મારા પિતાજીનુ અવસાન થઇ ગયુ અને અમે આ સુરત જેવા શહેરમાં નોધારા બની ગયા. જીતેશ સાહેબે મને કામ આપ્યુ અને સાથે સાથે ભણાવ્યો પણ અને આજે આ પોસ્ટ પર પહોંચાડ્યો. તે બધા ગુણ હું ભુલી ગયો અને થોડા પૈસાની લાલચમાં આવડો મોટો દગો કર્યો. બેટા, તને ખબર છે જીતેશભાઇ દેવ સમાન હતા. તેના મોતનો હું કારણ બન્યો. આજે સવારે મારી માતાએ મને એક વાત કહી જે સાંભળી હું ભાંગી જ ગયો.” વધુ આવતા અંકે.............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED