Kya chhe ae ? - 5 books and stories free download online pdf in Gujarati

ક્યાં છે એ? - 5

ક્યાં છે એ?

ભાગ : 5

અમેરિકા જવુ કે ઇન્ડિયામાં જ અભ્યાસ પુર્ણ કરવો. તે જબરદસ્ત ગડમથલમાં હતો. તેના બધા મિત્રોનો અભિપ્રાય એમ જ હતો કે અમેરિકામાં સ્ટડી કરવા મળતુ હોય તો શા માટે ઇન્ડિયામાં સ્ટડી કરવુ જોઇએ. આવો ગોલ્ડન ચાન્સ કયારેય છોડવો જોઇએ નહિ. પરંતુ પપ્પાનો ધીકતો બિઝનેશ અને અતિશય શ્રીમંત તો તેઓ હતા હવે વધારે કમાવા માટે અમેરિકા જવુ અક્ષિતને યોગ્ય લાગતુ ન હતુ.

જો ઇન્ડિયામાં રહીને જ પપ્પાનો બિઝનેસ સંભાળવો હોય તો પછી અમેરિકાનો અભ્યાસ શા કામ નો? અહીં પરિવાર સાથે રહીને આનંદથી ન ભણી શકાય? અક્ષિતનો નિર્ણય સાંભળી સગુણાબહેન આગબબુલા બની ગયા.“અક્ષિત, તું સાવ તારા પપ્પા જેવો ન બન. કાંઇક સ્ટાર્ડડ તો હોય ને. લાખાણી પરિવારનો સુપુત્ર અમેરિકા જઇને અભ્યાસ કરતો હોય તો ખાનદાનનુ નાક કેવુ ઉંચુ થાય.” અક્ષિતે ડિનર વખતે પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે સગુણાબહેને પોતાનો સ્ટેટ્સવાળુ લેકચર ચાલુ કરી દીધુ. હમેંશાની જેમ સ્મિત સાથે જીતેશભાઇએ અક્ષિત સામે આંખ મીંચીને ઇશારો કર્યો.“મોમ (સ્ટેટસ માટે બાળપણથી જ અક્ષિતને મોમ બોલવાની સગુણાબહેને ટેવ પાડી હતી) ખાનદાનમાં નામ ઉંચુ આવડતથી થાય છે. ખાલી દેખાડાથી નહિ. હું અભ્યાસ કરીને મારી આવડતથી પપ્પાના બિઝનેશને આગળ લઇ જઇશ ત્યારે દુનિયા આપોઆપ મારાથી ગર્વ અનુભવશે બાકી ખાલી દેખાડા મને જરાય ગમતા નથી.”“પ્રાઉડ ઓફ્ફ યુ માય સન. મને ખુબ જ ગર્વ છે કે તુ મારો દીકરો છે.” જીતેશભાઇએ જમતા જમતા જ પાસે બેઠેલા અક્ષિતની પીઠ થાબડતા કહ્યુ.“તમે બાપ દીકરા એક સરખા જ છો. પરિવારના સ્ટેટસની કોઇ પરવા જ નહિ. જે કરવુ હોય તે કરો. દુનિયા ભલે ને લાખાણી પરિવારની વાતો કરતા.” બડ બડ કરતા સગુણાબહેન પોતાની આદત વશ જમવાનુ છોડીને જતા રહ્યા. પોતાનુ ધાર્યુ ન થાય તે સગુણાબહેનને જરાય ગમતુ ન હતુ.

“બેટા, તારી જે ઇચ્છા હોય તે અભ્યાસ કરજે અને જયાં ઇચ્છા હોય ત્યાં અત્યારે તારી જીંદગી જીવવાના દિવસો છે સાથે જીવન ઘડતરના પણ મને તારી આવડત પર પુરો ભરોસો છે. પરંતુ તારે તારા પિતાનો આ વિશાળ કારોબાર અને આ ઘર સંભાળવાનુ છે. આથી તારો યોગ્ય અભ્યાસ હોવો ખુબ જ જરૂરી છે. તુ ઇચ્છે તો વિદેશ જઇને સારો અનુભવ લઇ શકે છે અને ભવિષ્યમાં બિઝનેશને એક નવી દિશા આપી શકે છે.”“પપ્પા, તમારી વાત હું સમજી ગયો છુ. પરંતુ ઘર પરિવારથી દુર હું વિદેશ જવા માંગતો નથી. આજે જ્ઞાન આપણી મુઠ્ઠીમાં સમાય ગયુ છે. હુ અહીં જ રહીને બિઝનેશ મેનેજમેંટનો કોર્સ કરવા માંગુ છુ. પછી જરૂર પડશે તો હુ અનુભવ જરૂરથી લઇ લઇશ.”“ઓ.કે. બેટા. જેવી તારી મરજી હુ તારી જીંદગીમાં વધારે સલાહ સુચનો નહિ આપુ પરંતુ જરૂર પડે ત્યારે તારા ખોટા નિર્ણયો પર ટોકીસ જરૂર. તે કોઇ કોલેજમાં ફોર્મ ભર્યુ છે?”“હા, પપ્પા મે બે ત્રણ અલગ અલગ કોલેજમાં ફોર્મ ભરી દીધા છે. લગભગ એક બે દિવસમાં રીઝલ્ટ આવી જશે. મેરિટમાં ક્રમ આવશે તે મુજબ વારો આવશે.”

“ઓ.કે. બેટા, મારી કોઇ હેલ્પની જરૂર પડે ત્યારે કહેજે બેસ્ટ ઓફ લક.”*******સુરતની ખ્યાતનામ કોલેજમાં અક્ષિતનો વારો આવી ગયો. કોલેજ ખુબ જ વિશાળ હતી. બી.બી.એ સાથે સાયન્સ, આર્ટસ, આર્કિટેક જેવા અનેકવિધ અભ્યાસક્રમો સાથે હતા. શાળાના અનુભવ બાદ કોલેજના ગેઇટ પાસે આવીને તેની વિશાળતા જોઇને ખુશ થઇ ગયો.“આપણુ ઇન્ડિયા ક્યાં કમ છે વિદેશ કરતા.” મનમાં વિચારતો તે કોલેજ બેગને સરખી કરતા અંદર જવા લાગ્યો. તેને મળેલ કોલ લેટર મુજબ તેને સૌ પ્રથમ કોલેજ ઓફિસમાં જઇને બધા ડોક્યુમેન્ટસ જમા કરાવવાના હતા. બધી ફોર્માલીટી પુર્ણ કર્યા બાદ આવતીકાલે તેને ક્લાસ સ્ટાર્ટ કરવાનો હતો.

ગેઇટમાં અંદર દાખલ થયો. આગળ સુંદર બગીચો હતો જેમાં રહેલા અનેકવિધ વૃક્ષો અને ફુલછોડને કારણે વાતાવરણમાં કુદરતી ઠંડક હતી. મોટા મોટા અનેક બ્લિડિંગમાંથી અક્ષિતે બે ત્રણ ચક્કર લગાવ્યા બાદ બી.બી.એ સ્ટીમનુ બિલ્ડિંગ શોધી લીધુ. તે અંદર દાખલ થયો. નીચે લગાવેલ બોર્ડ મુજબ પહેલા માળે પ્રિંસિપાલની ઓફિસ હતી. અનેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ પટ્ટાવાળા પોતાના કામમાં મગ્ન હતા. અક્ષિત આજુબાજુ જોતા જોતા સીડીઓ પર થઇને પ્રિંસિપાલની કેબિન તરફ ગયો. કેબિનનો દરવાજો અર્ધખોલીને અક્ષિતે પુછ્યુ,“મે આઇ કમ ઇન સર?”“યસ કમ ઇન” અંદરથી અવાજ આવ્યો એટલે અક્ષિત કેબિનનો દરવાજો ખોલીને અંદર ગયો. અંદર તેના જેવા અનેક સ્ટુડન્ટસ પોતાના ડોક્યુમેન્ટસ જમા કરવા આવ્યા હતા.“યસ, સીટ ડાઉન મીસ્ટર.” પ્રિંસિપાલ પોતાના કામમાં વ્યસ્ત હતા આથી પાસે ઉભેલા એક ટીચરે કહ્યુ.અક્ષિત પાછળની રોમાં રહેલી એક ચેર પર બેસી ગયો અને પોતાની બેગમાંથી બધા ડોક્યુમેન્ટસ જે તેને ઘરેથી વ્યવસ્થિત ગોઠવી લીધા હતા આથી તે બહાર કાઢ્યા અને હાથમાં રાખીને પોતાના ટર્નની રાહ જોવા લાગ્યો. પ્રિંસિપાલ એક પ્યુન અને એક ટીચર બધા ફટાફટ બધાના ડોક્યુમેન્ટસ ચેક કરીને લેતા હતા અને બધા સ્ટુડન્ટસને બાજુમાં હોલમાં વેઇટ કરવા કહ્યુ. અક્ષિતની પાછળ પણ ઘણા વિદ્યાર્થીઓ આવ્યા અને ચેર પુરી થઇ જતા બીજા પાછળ ઉભા રહ્યા. દસ મિનિટમાં અક્ષિતનો ટર્ન આવી ગયો. તેના બધા ડોકયુમેન્ટસ બરોબર હતા આથી તેને પણ હોલમાં જવા કહેવામાં આવ્યુ.પ્રિંસિપાલની ઓફિસની બાજુમાં જ એક વિશાળ હોલ હતો. તેમાં અક્ષિતની પહેલા આવેલા બીજા વિદ્યાર્થીઓ બેઠેલા હતા. પગથિયાકાર બેઠકમાં ત્રીજી રો માં થોડા વિદ્યાર્થીઓ પાસે અક્ષિત બેસી ગયો. તેની બાજુમાં બે છોકરા બેઠેલા હતા. તે બંન્ને મિત્રો હશે આથી તેઓ પોતાની વાતોમાં મગ્ન હતા. બધાના ચેહરામાં પર એક અજબની ખુશી અને થોડા ટેન્શનનો ભાર પણ દેખાતો હતો. શાળાની જેમ થોડા તોફાની તત્ત્વો પણ અહી મોજુદ હતા. તેઓ ચેર પર ઉંચા બેસીને મશ્કરી કરી રહ્યા હતા. થોડી જ વારમાં પ્રિંસિપાલ અને તેની સાથે રહેલા ટીચર હોલમાં દાખલ થયા એટલે બધા વ્યવસ્થિત બેસી ગયા અને હોલમાં શાંતિ છવાઇ ગઇ. પ્રિંસિપાલ રોહતકે પોતાની સ્પીચ અંગ્રેજીમાં શરૂ કરી,“સૌ પ્રથમ અમારી કોલેજમાં એડમિશન મળવા બદલ આપને કોંગ્રેચ્યુલેશન.” આટલુ બોલતા તાળીનો ગળગળાટ છવાઇ ગયો. અક્ષિત પણ તાળી વગાડવા લાગ્યો. પ્રિંસિપાલ કોલેજની વિશેષતા અને અભ્યાસક્રમની ગંભીરતા વિશે વાત કરી ત્યાર બાદ તેમણે જરૂરી સુચનાઓ આપી.

આવતી કાલે બહાર બોર્ડ પર બધાના નામ ક્લાસ સાથેના લીસ્ટ સાથે મુકેલા હશે.કોલેજમાં બધાએ સમયસર આવી જવાનુ રહેશે.અનિયમિત વિદ્યાર્થીઓના નામ કમી થઇ જશે.કોલેજ કેમ્પસ મોબાઇલ અલાઉ નથી. જરૂરી કાર્યો માટે પુર્વ મંજુરી લેવી જરૂરી છે. થોડુ સ્ટ્રીક લાગ્યુ પરંતુ બધાએ તાળીઓથી સ્પીચ વધાવી લીધી.

******“ફ્રેશર?” બીજા દિવસે ગેઇટની બહાર જ કેટલાક તોફાની તત્ત્વોએ અક્ષિતને ઘેરી લીધો. અર્ધગોળાકાર વર્તુળમાં અક્ષિતને ઘેરીને બધા તેની તરફ આગળ વધવા લાગ્યા.“ફ્રેશર બકરા.” બોલીને બધા જોર જોરથી હસવા લાગ્યા.“ચલ ડાન્સ કરીને બતાવ.” એક છોકરાએ તેના ખભા પર ધક્કો મારતા કહ્યુ.“નાગિન ડાન્સ ગોલુ, ચલ નાગિન ડાન્સ કરીને બતાવ.” સાઇડમાં ઉભેલા એક છોકરાએ કહ્યુ એટલે બધા હસવા લાગ્યા. અક્ષિતે તેની સામે જોયુ દેખાવે તે વેલસેટ લાગતો હતો. પરંતુ તેનુ આવુ વર્તન પરથી સમજી ગયો કે તેનુ રેગિંગ થઇ રહ્યુ હતુ.

“ચલ બેટા, એમ તને અંદર જવા નહિ દઇએ.” એક છોકરીએ તેની પાસે આવીને કહ્યુ.

“મુશ્કેલીના સમયે જે ઝુકી જાય તે પોતાના જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી. હિમ્મતથી મોટુ શસ્ત્ર આ દુનિયામાં બીજુ કોઇ નથી.” પિતાજીના શબ્દો યાદ આવતા જ અક્ષિતમાં હિમ્મત આવી ગઇ અને તે જુસ્સાપુર્વક બોલ્યો,“પ્રિંસિપાલ સાહેબ” અને સાઇડમાંથી ભાગવા લાગ્યો. તેના બંન્ને હાથ બે છોકરાએ પકડી લીધા“ગોલુ મોલુ, બહુ સ્માર્ટ સમજે છે હવે તારી સજા ડબલ.”“ચલ બહાર.” તેનો હાથ પકડીને તેને થોડે દુર લઇ ગયા અને પહેલી છોકરી બોલી,“ચલ બેટા આ ઝાડ પર ઉંધો લટકાઇને નાગિન ડાન્સ કર. ચલ ઝાડ પર ચડી જા.” બાજુના ઝાડ પાસે આંખના ઉલાળથી ઇશારો કરીને બોલી. અક્ષિત થોડો ડરી ગયો પરંતુ ગભરાવાનો તેનો સ્વભાવ જ ન હતો. તેને આંખો બંધ કરીને પોતાની કુગ ફુ ની પ્રેકટિકનો ઉપયોગ કરીને ગુલાંટ મારીને પોતાના હાથ છોડાવી લીધા અને બધાને હાથના મુક્કા વડે નીચે પાડી દીધા. તેના ગ્રુપની બે છોકરીઓ તો ડરીને ભાગી જ ગઇ. બધા તોફાની બારકસો કણસતા નીચે પડી રહ્યા. અક્ષિતે પોતાનુ બેગ નીચેથી ઉઠાવી આત્મવિશ્વાસ સાથે તે કોલેજના ગેઇટમાં દાખલ થયો.બુલેટિન બોર્ડ પર પોતાનુ નામ ચેક કર્યુ. “સી-11” , તેનુ નામ સી કલાસમાં હતુ અને નંબર 11. તે આગળ પોતાનો સી વર્ગ શોધવા લાગ્યો. બધા વિદ્યાર્થીઓ પોતાનો ક્લાસ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા હતા. થર્ડ ફલોર પર બી.બી.એ નો સી કલાસ હતો. ઉતરવા અને ચડવા માટે અલગ અલગ સીડીઓ હતી છતાંય ચડવા માટે ભીડ ખુબ હતી. અક્ષિત આજે ખુબ જ ખુશ હતો. તેને પોતે આંખમાં બિઝનેશ માટે અનોખુ સપનુ સજાવેલુ હતુ. તેના માટે અભ્યાસ ખુબ જ જરૂરી હતો. તેનુ પહેલુ પગથિયુ આજે ચડી રહ્યો હતો. એક ડગલા મનમાં રોમાંચ જગાવી રહ્યા હતા. તે ઝડપથી સીડી ચડી ક્લાસરૂમ તરફ ગયો.“બિઝનેશ લો” નુ પહેલુ લેકચર પુરુ થયા બાદ તેઓને બધાને હોલમાં એકઠા થવાનુ કહેવામાં આવ્યુ. ત્રિશા મેડમ ક્લાસ બહાર ગયા સાથે બધા વિદ્યાર્થીઓ ઉતાવળે હોલ તરફ જવા લાગ્યા અક્ષિત પણ પોતાનુ બેગ પેક કરીને પીઠ પર લટકાવીને બધાની સાથે જવા લાગ્યો. હજુ તેને કોઇ સાથે મિત્રતા કરી ન હતી. તે એકલો જ હોલ તરફ જવા લાગ્યો. આગળની રો ભરાઇ ચુકી હતી. આથી તે છઠ્ઠી રોમાં બેસી ગયો. તે કોર્નરમાં જ બેસી ગયો. થોડીવારમાં તેની બાજુમાં બે છોકરીઓ હસતા હસતા વાતો કરતા આવીને બેસી ગઇ. બેસતાની સાથે તેઓએ હાઇ ફાઇ કરી અને જોર જોરથી હસવા લાગી. થોડી જ વારમાં હોલ ભરાય ગયો. પ્યુને દરવાજા બંધ કરી દીધા. માત્ર એક જ સ્ટેજમાં આવવા માટેનો દરવાજો ખુલ્લો રાખ્યો. બે મિનિટ એટલે કે 120 સેકંડ થઇ ગઇ પરંતુ કોઇ આવ્યુ નહિ. બધા અંદરોઅંદર પોતાની વાતોમાં મશગુલ હતા. તેનાથી એક પ્રકારના દેકારા જેવુ વાતાવરણ ઉભુ થઇ ગયુ હતુ. અક્ષિતની પાસે બેઠેલી બંન્ને છોકરીઓ મોટેમોટેથી કોઇની વાત કરી રહી હતી અને વારંવાર હસી રહી હતી. બે જ મિનિટમાં તે ઇરિટેટ થઇ ગયો. ભગવાન આગળ શુ થશે? એમ વિચારી તે આંખો બંધ કરીને માથુ ચેર પર ટેકવી દીધુ,“મે આઇ ઓલ વેલકમ યુ.” પ્રિંસિપલ સાહેબના અવાજથી અક્ષિતે આંખો ખોલી અને તે સીધો ટટ્ટાર બેસી ગયો. બાજુવાળી બંન્ને ચકલીઓ પણ ચુપ થઇ ગઇ. હોલ આખો શાંત બની ગયો.

“આજે એક ખાસ મેટર માટે તમને અહીં એકઠા કરવામાં આવ્યા છે. તે તમારા અભ્યાસક્રમ સાથે તો સંકળાયેલ નથી પરંતુ તમારા આવનારા ભવિષ્ય તથા આપણા દેશના ભવિષ્ય સાથે જરૂર સંકળાયેલ છે. આપણા કોલેજની સાયન્સ સ્ટ્ર્રીમની સેકન્ડ યરની સ્ટુડન્ટ મિસ સ્વાતિ આહુજા અને તેની સખી વિજ્યા એક ખાસ કેમ્પેઇન ચલાવે છે. તેના વિશે વાત કરવા માંગે છે અને આગળ જતા તમે ઇચ્છો તો તેનો ભાગ પણ બની શકો અને તેમાંની અનેક એકટિવિટીમાં પણ સામેલ થઇ શકો. નાઉ આઇ વેલકમ ઓન સ્ટેજ મિસ સ્વાતિ આહુજા એન્ડ મિસ વિજ્યા ટુપુરવ્લી.” નામ એનાઉન્સ થતા બધાએ ફોર્મલી તાળીઓ વગાડી અને હોલ ગુંજી ઉઠયો. આગળની રો પરથી બે સુંદર છોકરીઓ ઉભી થઇ. જીન્સ પેન્ટમાં સજજ એકદમ ખુબસુરત નમણી નાજુક પરી જેવી છોકરીએ માઇક હાથમાં લીધુ અને બાજુમાં બેઠેલી બંન્ને ચકલીઓ પણ ચિકચિક શરૂ કરી દીધી. આસપાસના બેઠેલા વિદ્યાર્થીઓ તે બંન્ને સામે આંખોથી ઘુરક્યા કર્યા તો પણ તેઓ એ ધીમે ધીમે વાતો ચાલુ જ રાખી.

“હેલો ફ્રેન્ડસ” ખુબસુરત છોકરીના અભિવાદનથી બધાને ચિચયારી પાડવાનુ મન થઇ આવ્યુ પરંતુ સામે ઉભેલા પ્રિંસિપાલ સાહેબને જોઇને બધા ડાહ્રા થઇને સાંભળવા લાગ્યા.“આજે હું તમારી સામે એક ખાસ વાત કરવા માટે આવી છુ. તે કદાચ તમને બધાને નહિ ગમે પરંતુ તે આપણા જીવન અને દેશના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.” અંગ્રેજી અને ગુજરાતી મિશ્રમાં કોયલ જેવા મધુરા અવાજે સ્વાતિએ સ્પીચ ચાલુ કરી ત્યારે મોટાભાગના છોકરાઓ ધ્યાન મગ્ન બની ગયા તેમાંથી એક અક્ષિત પણ હતો. હવે આસપાસના અવાજ પ્રત્યે તે બેધ્યાન બની ગયો તેને માત્ર સ્વાતિનો જ અવાજ સંભળાય રહ્યો હતો.

“આજે એકવીસમી સદીમાં પ્રવેશી ગયા બાદ અને આપણા દેશમાં વિપુલ કુદરતી અને માનવીય સંપત્તિ હોવા છતાંય આપણે વિકસિત દેશોથી કોષો દુર છે. તેનુ એક કારણ છે અંધશ્રધ્ધા તથા કુરિવાજો, ખોટી માન્યતાઓમાં દેશના મોટા ભાગના લોકો સપડાયેલા છે. તેમાં શિક્ષિત વર્ગ પણ બાકાત નથી. આપણા જેવા વેલ એજ્યુકેટેડ લોકોના ફેમિલી મેમ્બર્સ પણ આમાં સપડાયેલા હોય છે. હવે આટલા વર્ષો બાદ સમય પાકી ગયો છે કે આપણે આપણી આસપાસ અને પરિચિત લોકોને વૈજ્ઞાનિક અભિગમ તરફ વાળીએ અને જુની અંધશ્રધ્ધા છોડાવીએ. તેના માટે અમે લોકો પહેલા પગથિયારૂપે આપણી કોલેજમાં અનેક પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ જે કોલેજના વિદ્યાર્થીઓને નવા અભિગમ તરફ વિચારતા પ્રેરે અને બીજુ પગલુ આપણી સોસાયટી છે. જેના માટે દરેક વ્યક્તિઓ પ્રયાસ કરવાની જરૂર છે. તો જ નક્કર પરિણામ મળી શકશે. તમે લોકો આ પ્રોગ્રામમાં જોડાવા માંગતા હોવ તો તમારુ નામ લખાવી શકો છો અને તેના માટે દર અઠવાડિયે એક મિટિંગ રાખવામાં આવશે અને તેમાં અલગ અલગ ગ્રુપ બનાવીને જુદા જુદા કાર્યો તથા પ્રવૃત્તિઓ સોંપવામાં આવશે. થેન્ક્યુ ઓલ” આટલુ બોલીને સ્વાતિએ માઇક વિજ્યાના હાથમાં આપી દીધુ. હોલ આખો તાળીના ગળગળાટથી ગુંજી ઉઠયો.

એક મિઠી સ્માઇલ સાથે માથુ થોડુ ઝુકાવીને સ્વાતિએ તાળીઓનો આભાર વ્યક્ત કર્યો. પોતાની વાળની લટ સરખી કરીને અદબ વાળીને તે વિજ્યા પાસે ઉભી રહી. અક્ષિતની નજર તેના પર ચોંટી ગઇ. વિજ્યાએ મિટિંગ બાબતે અને નામ પ્રિંસિપાલની ઓફિસમાં લખાવાનુ અને અત્યારે 240 વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અને અત્યાર સુધી કરેલી પ્રવૃત્તિની યાદી બધુ પોતાની સ્પીચમાં બોલી રહી હતી પરંતુ અક્ષિતનુ ધ્યાન તો સ્વાતિ પર જ હતુ. કાનમાં શબ્દો જતા હતા પરંતુ મગજમાં તો બીજુ જ ચાલી રહ્યુ હતુ.“હું તો જરૂર આ પ્રવૃત્તિમાં જોડાઇશ જ.” અક્ષિતે મનમાં એક ગાંઠ વાળી લીધી.

વધુ આવતા અંકે............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED