Mahekta Thor - 28 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૨૮

ભાગ-૨૮

( આગળના ભાગમાં આપણે જોયું કે સૃજનભાઈ ને વ્યોમ વ્રતી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે, પણ વ્રતીના ગુસ્સાનો ભોગ બને છે, હવે આગળ....)

વ્યોમ સૃજનભાઈની ઘરે જ રોકાયો. આ બાજુ ગામમાં વાત ફેલાઈ, ગામમાં બે ફાંટા પડી ગયા, અડધા લોકોએ કહ્યું કે વ્યોમની વાત કઈ ખોટી નથી, ને અમુક રૂઢિચુસ્તોએ આ વાત ન સ્વીકારી ઉલટાનું વ્યોમને ગામની બહાર નીકળી જવું જોઈએ એવો સુર ઉઠ્યો. ને વિચારનો અમલ કરાવનારા પણ ઉભા થયા, હથિયારો લઈ વ્યોમને બહાર કાઢી મુકવા સૃજનભાઈની ઘરે ગયા.

હથિયારો જોઈને સૃજનભાઈ ગભરાઈ ગયા, એ લોકોને સમજાવવા જતા હતા ત્યાં પાસે ઉભેલા વ્યોમ પર એક પથ્થરનો ઘા થયો. સીધો પથ્થર વ્યોમના માથામાં લોહીની સરવાણી કરતો પસાર થઈ ગયો.

માણસની એક ખાસિયત છે એ જ્યારે ભીડની વચ્ચે હોય ત્યારે હંમેશા દિમાગથી જ વિચારે છે, દિલને એ મૂંગુ કરી દે છે, ઉપકારને ભૂલી જાય છે, ભીડનો જ સ્વાર્થ વિચારે છે, અહીં પણ એ જ થયું.

વ્રતીને બધી હિલચાલની જાણ તો હતી જ પણ એ એવી હાલતમાં ન હતી કે કોઈને કઈ કહી શકે, પણ જ્યારે આ ઘટના બની એટલે તરત કોઈ દોડતું દોડતું વ્રતીને બોલાવવા ગયું. વ્રતી એકદમ દોડતી આવી, લોહીનીતરતી હાલતમાં વ્યોમ ત્યાં ઉભો હતો. વ્રતીને કાલની વાત યાદ આવી ને થયું કે આ માણસની મદદ ન કરવી જોઈએ, પણ પછી એ પોતાના સ્વભાવને વશ થઈ, એને વચ્ચે પડવું જ પડ્યું. એ આગળ આવી, બધાને અટકાવવા ને સમજાવવા લાગી. સામેથી અવાજ આવ્યો,

"ઠીક તયે એમ કયોને કે આ રતીમાનેય મઝા આવતી લાગે, એનેય આ દાગતર હારે જ જાવું લાગેહ....."

વ્રતી તો એકદમ ત્યાં જ બેસી ગઈ, એને તમર ચડી ગઈ, આંખે અંધારા આવવા લાગ્યા કે આ શું એના અનિશુદ્ધ ચારિત્ર્ય પર આવા લાંછન. એ રડમસ આંખે વ્યોમ તરફ તાકી રહી. કારણ કે આ બધું વ્યોમના લીધે જ થતું હતું. હવે વ્યોમ આગળ આવ્યો ને બોલ્યો.....

"તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. મારી વાત શાંતિથી સાંભળો પેલા. પેલા તો હું એમ પૂછું કે કોઈ સ્ત્રીને શુ પોતાની ઝીંદગી જીવવાનો અધિકાર નથી ? વ્રતી લગ્ન કરે તો એમાં વાંધો શું છે. તમારા માટે પોતાનું જીવન વેડફી નાખનાર તમારા બધાની રતીમાં જો સુખેથી જીવે તો તમને શું વાંધો છે. એના ચહેરા પર જુઓ તો ખરા ! શું એના સુના હાથ કે સુની માંગમાં શણગાર હોવું એ ખોટું છે, એને શુ આજીવન આ ખાદીની સાડી પહેરીને જ જીવન વિતાવવાનું. એના કોઈ સપના નહિ હોય, એના કોઈ અરમાન નહિ હોય, તમારા માટે એણે આટલું કર્યું તો તમે એનું ઋણ ન ચૂકવી શકો....."

ભીડમાં ગણગણાટ થતો હતો પણ હવે કોઈ આગળ આવી બોલવાની હિંમત નહતું કરી શકતું, કારણ કે વ્યોમ ચાહે તો ગામમાં ચાલી રહેલા કામ અટકાવી શકે એમ હતો એટલે એ બીકના લીધે કોઈ આગળ આવી બોલ્યા નહિ. ફરી વ્યોમ બોલ્યો....

"વ્રતી ને જેમ તમે રતીમાં કહો છો એમ મારા માટે પણ એ પૂજનીય જ છે, તમે બધાએ કેમ વિચારી લીધું કે હું એમના વિશે આવું કઈ વિચારી શકું, હા એમના પુનઃલગ્નનો વિચાર મને આવ્યો પણ એ એક બહુ બાહોશ વ્યક્તિ સાથે કરાવવાનો, નહિ કે......"

આગળ વ્યોમની જીભ ન ઉપડી શકી, નીચે બેઠેલી વ્રતીને પણ થોડો અફસોસ તો થયો કે એણે વ્યોમને ખોટો સમજ્યો, છતાં એનો ગુસ્સો એમ જ હતો કારણ કે લગ્નનો વિચાર એ ક્યારેય કરી જ ન શકે ને આ વ્યોમ વળી કોણ આવો વિચાર કરનાર, આમ વિચારી વ્રતી દુઃખી થઈ....

હવે સૃજનભાઈ આગળ આવ્યા ને બોલ્યા,

"હવે સાંભળો મારી વાત વ્યોમ અહીંથી જતો હતો ત્યાં એના મનમાં વિચાર આવ્યો કે વ્રતીનું હવે અહીં કોઈ કામ બાકી નથી તો એના જીવનને હવે નવી દિશા નવો રાહ કેમ ન મળવો જોઈએ ? આથી તે અહીંથી સીધો શહેર ગયો વ્રતીના લગ્નની વાત કરવા, એની એ જ ભૂલ કે એણે વ્રતી બેટાને પૂછ્યું નહિ, ને સીધો જ ડૉકટર આયુષ પાસે ગયો. કારણ કે વ્રતી માટે એ જ વ્યક્તિ સૌથી યોગ્ય છે આ દુનિયામાં. વ્યોમે મને આવીને બધી વાત કરી કે ડૉકટર આયુષને કશો વાંધો નથી, અત્યાર સુધી એણે પણ ખુદ માટે ક્યારેય વિચાર્યું ન હતું, પણ વ્રતી જેવી જીવનસાથી મળતી હોય તો એમને પણ વિચારવામાં વાંધો નથી. કેમ્પ વખતે એણે વ્રતીની બીજા માટે કામ કરવાની વૃત્તિ આમ પણ જોઈ હતી એટલે ડૉકટર આયુષને પણ પોતાના જેવું પરોપકારી પાત્ર મળે તો લગ્નની સહમતિ આપવામાં કોઈ સમસ્યા ન હતી. એમણે વ્રતીની મરજી હોય તો લગ્નની હા પાડી દીધી. હવે આપણે બધાએ મળીને વ્રતીને મનાવવાની છે....."

સૃજનભાઈની વાત સાંભળી લોકો થોડા ઢીલા પડ્યા. વ્યોમ હજુ પણ પરગજું હોઈ બીજાના ભલા માટે વિચારે છે એ જાણી બધાને આનંદ થયો. પણ વ્રતીને મનાવવાની વાત આવી ત્યારે બધા ખચકાયા. વ્રતી વિના ગામને રાહ કોણ ચીંધાડશે એ વિચારી બધા નિરાશ થયા. ભીડમાં ઉભેલા ગામના વડીલ સમા વિજુડોશી આગળ આવ્યા, વ્રતી પાસે ગયા ને બોલ્યા,

"દીકરી, એકલપંડે જનમારો ન નિહરે, ધણી ન હોય તો ઝંદગી કેમ કાઢવી ઈ મની પુઇસ, મી ડોહા વિનાની ઝંદગી કાઢી, ઝુવાનીમા તો વાંધો ની આવે પણ આ ઘડપણ દોયલું સે દીકરા, ઈ એકલું ન નિહરે, આ દાગતર ક્યે સે ઇ હાસુ ક્યે સે, લગન કરી લે...."

હવે બીજા બધાની પણ હિંમત ચાલી સમજાવવાની, ઘણા આવી આવીને સમજાવી ગયા પણ વ્રતી એકની બે ન થઈ......

શું વ્રતી માનશે ? વધુ વાત આવતા ભાગમાં....

© હિના દાસા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED