સુખની પરિભાષા Rajesh Sanghvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખની પરિભાષા

ઇશિતા આજે ઑફિસ જતી હતી ત્યારે રસ્તામાં તેને શ્વેતા મળી ગઈ. તેની સાથે બે બાળકો હતા. શ્વેતા એકદમ સામાન્ય પરિવારની હતી. કૉલેજમાં તેની સાથે ભણતી હતી. કૉલેજ પૂરી કર્યા પછી તેણે લગ્ન કરી લીધા હતા તેટલી એને ખબર હતી. તેણે એને પોતાની સાથે કારમાં બેસાડી લીધી. તેની સાથેની વાતચીતમાંથી એટલું જાણવા મળ્યું કે તેનો પતિ એક કંપનીમાં ક્લાર્ક છે અને તેને બે સંતાનો છે દસ વર્ષની માધવી અને છ વર્ષનો કુણાલ. જતાં-જતાં એણે ઇશિતાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ઇશિતાને તેના ઘરે અગવડતા પડે એ સ્વાભાવિક હતું, જો કે તેણે એ નોંધ્યું કે શ્વેતાના આમંત્રણમાં કોઈ ઔપચારિકતા નહોતી. થોડા દિવસ પછી ઑફિસમાં બે-ત્રણ દિવસની સળંગ રજાઓ આવતી હતી. તેણે મનોમન વિચાર્યું કે એ વખતે અનુકૂળતા મળશે તો જઈ આવીશ.

ઇશિતા પૈસાદાર કુટુંબની છોકરી. પિતા શહેરના પ્રતિષ્ઠિત માણસ ગણાતા. ઇશિતાએ જીવનમાં ક્યારેય કોઈ પ્રકારના અભાવોને અનુભવ્યા નહોતા. કૉલેજ પૂરી કર્યા પછી તેના પિતાના મિત્રની કંપનીમાં સારા હોદ્દા પર એ નોકરીએ પણ લાગી ગઈ. જો કે તેને નોકરીની કોઈ જરૂર નહોતી. તેનો પતિ તેના કરતાં પણ વધુ કમાતો હતો. જેણે જીવનમાં સમસ્યાઓ જોઈ જ ના હોય તેવી વ્યક્તિઓમાં તુમાખી આવતા વાર ના લાગે. માણસમાં તુમાખી આવવાનું કારણ શું હશે? એટલું તો સ્પષ્ટ છે કે આવી વ્યક્તિ બીજા લોકોને પોતાની સરખામણીમાં તુચ્છ સમજતી હશે. જે વ્યક્તિને, ઓછા પ્રયત્ને, પોતાની આંતરિક લાયકાતથી વિશેષ કંઈક પ્રાપ્તિ થઈ જાય, તે તેને પચાવી શકતી નથી એ આનું કારણ હોઈ શકે. ઑફિસમાં ઇશિતાની નીચેના માણસો કાં તો તેની જાહોજલાલીથી અંજાઈ જતા અથવા તો તેનાથી ડરતા. જીવન અગણિત આયામોમાં વિસ્તરેલું છે. તેના બધા જ આયામોથી પરિચિત થવું કોઈ પણ માણસ માટે સંભવ નથી. આપણે સમગ્ર જીવન દરમિયાન તેના બહુ જ સીમિત આયામોથી પરિચિત થઇ શકીએ છીએ. એટલે જ કોઈ પણ બાબતમાં અહંકાર કરવો એ નરી મૂર્ખતા છે.

આખરે ઇશિતા શ્વેતાના ઘરે પહોંચી. બંને બાળકો "માસી, માસી" કરતા તેને વળગી પડ્યા. ઇશિતા પણ થોડી વાર માટે પોતાની મોટપ ભૂલીને તેમની સાથે વાતોએ વળગી. અચાનક એક બાળક બેટરી કાર લઈને રસ્તા પર નીકળ્યો. તે જોઈને બાળસહજ ભાવે કુણાલે પોતાની મમ્મીને કહ્યું કે અમને પણ બેટરી કાર લઇ આપો. માધવીએ તરત તેના ભાઈને કહ્યું કે "ભાઈ, રહેવા દે. આપણે એ કાર નથી લેવી". પછી પોતાના ભાઈનું ધ્યાન બીજે ખેંચવા માટે કહ્યું, "ચાલ, આપણે બહાર રમીએ". આટલો નાનો હોવા છતાં કુણાલ બધું સમજી ગયો. જતી વખતે એ એની મમ્મીને વળગી પડ્યો અને કાલીઘેલી ભાષામાં ભાવુક્તાથી કહેવા લાગ્યો કે "મમ્મી, મારે એ કાર નથી લેવી. તું રડીશ નહીં હોં.". શ્વેતાએ પણ એને ચૂમીઓ ભરીને વહાલ કર્યું. એ ગયા પછી શ્વેતાએ ઇશિતાને કહ્યું કે એ હજુ નાનો છે. એની બધી માંગો પૂરી કરવી મારે માટે શક્ય નથી. ક્યારેક એની વ્યાજબી માંગ પણ હું પૂરી નથી કરી શકતી ત્યારે મને રડવું આવી જાય છે. પણ હવે એ ઘણું સમજતો થઇ ગયો છે. મને રડતી જુએ તો એ પણ દુઃખી થઇ જાય છે.

બે દિવસ પછી ઇશિતા પોતાના ઘરે ગઈ. એનો છોકરો એના પોતાના રૂમમાં વિડિઓ ગેઇમ રમતો હતો. એનો પતિ ટીવી પર મેચ જોતો હતો. બંને પોતાનામાં મશગૂલ હતા. તે ઘરમાં દાખલ થાય ત્યારે તેને વળગી પડનાર કોઈ નહોતું. આજે એની સુખની પરિભાષા બદલાઈ ગઈ હતી. એને અહેસાસ થઇ ચૂક્યો હતો કે જે શ્વેતાને તે પોતાનાથી નીચેની કક્ષાની ગણતી હતી તે જીવનમાં શું પામી હતી. અભાવોની વચ્ચે પણ તે સંતુષ્ટ હતી અને પોતે?

રાજેશ સંઘવી

નોંધ: આ વાર્તા "અખંડ આનંદ" ના ઑગસ્ટ 2019 ના અંકમાં પ્રકાશિત થઈ હતી.

જીવનમાં પૈસાની આવશ્યકતા વિશે કોઈ વિવાદ ન હોઈ શકે. પરંતુ આજના પૈસાની પાછળ દોડતા, એ માટે નૈતિકતાને પણ નેવે મૂકી દેનાર, લોકોને એની પરવા નથી રહેતી કે એની એ શું કિંમત ચૂકવે છે. લોકો આપણાથી ડરે એ આપણને મળતું સાચું સમ્માન નથી એ ઘણા લોકો જાણતા જ નથી હોતા. માણસ પ્રેમ અને સમ્માન મેળવવા માટે પૈસા પાછળ ભાગે છે અને પૈસા કમાવવાની લ્હાયમાં એ આ જ બે વસ્તુઓ ગુમાવે છે.