KOINI YADNA PAGLA books and stories free download online pdf in Gujarati

કોઈની યાદનાં પગલાં

સુમંતભાઈ પોતાના ઓરડામાં, બત્તી બુઝાવીને, વિચારમગ્ન અવસ્થામાં બેઠા હતા. સવારે નિશીથે જે વાત કરી તે તેમના મનમાં ઘુમરાતી હતી. ત્રણેક વર્ષ પહેલાં જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. તેમની પત્ની સુશીલાનું અવસાન થયે હજુ એક વર્ષ પણ નહોતું થયું. પોતાના બંને સંતાનો, નિશીથ અને આરતી, ઉપર એમને ગર્વ હતો. આરતી તો પરણીને સાસરે જતી રહી હતી. નિશીથને પણ પરણાવી દીધો હતો. એની પત્ની નિરાલીએ ઘરને કુશળતાપૂર્વક સંભાળી લીધું હતું. એનાં બંને બાળકો, મૃદુલ અને સાક્ષી, પણ હવે આઠ-દસ વર્ષનાં થઇ ગયાં હતાં. લાંબા સમય સુધી નોકરી કર્યા પછી ઘણા લોકોને નિવૃત્તિ દરમિયાન સમય પસાર કરવાનું અઘરું થઇ પડે છે. એને પરિણામે ઘણા કૌટુંબિક પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. સુમંતભાઈ એ જાણતા હતા. એટલે જ એમણે નિવૃત્તિ પછી શું કરવું એ અગાઉથી જ વિચારી રાખ્યું હતું. ઘરે બેઠા હોય ત્યારે થોડું વાંચન કરતા. તેમના થોડા મિત્રો સાથે વિવિધ દુન્યવી વિષયો પર ચર્ચા કરતા. તો વળી ક્યારેક કથાવાર્તાઓમાં જઈને બેસતા. એ રીતે એમનો ઘણો ખરો સમય પસાર થઇ જતો. ઘરની નાની-નાની વાતોમાં માથું મારવાનું એમના સ્વભાવમાં જ નહોતું.

પત્ની સુશીલામાં ખરેખર નામ જેવા ગુણો હતા. બા-બાપુજીએ ક્યારેય એના વિષે કંઈ ફરિયાદ કરી હોય તેવું સુમંતભાઈને યાદ નહોતું. સુમંતભાઈ ક્યારેક એ બાબત એના વખાણ કરતા તો કહેતી કે હું તમને એકલાને થોડી પરણી છું? ઘરના દરેક માણસની કાળજી લેવાની મારી ફરજ છે. એમાં હું કંઈ નવીન નથી કરતી. નિશીથ અને આરતી નાનાં હતાં ત્યારે એમનાં ભણતરનો પણ ખ્યાલ રાખતી. રોજ રાત્રે બાળકોને લેસન કરાવીને, તેમને સુવાડીને, પછી જ પોતે સૂતી. બંને બાળકોનાં ઘડતરમાં એની જ મુખ્ય ભૂમિકા હતી. સુમંતભાઈને ઑફિસની ઘણી જવાબદારી નિભાવવાની થતી. એટલે ઘરમાં ખાસ ધ્યાન ન આપી શકતા. ઘરમાં હોય ત્યારે પણ જરૂર પૂરતું જ બોલે. તેમ છતાં સુશીલાએ ઘરને એક સૂત્રમાં એવી રીતે બાંધી દીધું હતું કે નિરાલી આવી ત્યારે એ પણ ઘરમાં સહજ રીતે ગોઠવાઈ ગઈ હતી. સુશીલાના અવસાન પછી સુમંતભાઈ અંદરથી સાવ પડી ભાંગ્યા હતા. જો કે બહારથી કોઈને એવો અણસાર આવવા દે એવા એ નહોતા.

સવારે નિશીથ એમને મળવા માટે આવ્યો હતો. એનું કહેવું એવું હતું કે બાળકો હવે મોટાં થતાં જાય છે. આ ઘર હવે થોડું નાનું પડે છે અને જૂનવાણી પણ લાગે છે. જો આ ઘરને તોડીને નવું ઘર બનાવાય તો એકાદ માળ પણ વધારે ચણી શકાય અને જગ્યા પણ વધી જાય. બંને બાળકોને તેમના અલગ રૂમ પણ મળે. એની વાત સાચી તો હતી જ. પણ એ સાંભળીને સુમંતભાઈ થોડા અસ્વસ્થ થઇ ગયા. દુનિયાનો બહુ અનુભવ મેળવી ચૂકેલા સુમંતભાઈએ તરત પોતાની અસ્વસ્થતા પર કાબૂ પણ મેળવી લીધો અને કહ્યું કે સારું, તને જે ઠીક લાગે તે કર.

જો કે નિશીથને એ કળી જતા વાર ન લાગી કે પપ્પાના મનમાં કંઈક ખટકે છે, પણ તેઓ કોઈક કારણથી એ વાત છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેને વિચાર આવ્યો કે કદાચ પપ્પાની વ્યક્તિગત ડાયરીમાંથી કંઈક માહિતી મળી જાય. કોઈની વ્યક્તિગત ડાયરી વાંચવી એ આમ તો શિષ્ટાચાર વિરુદ્ધનું ગણાય, પણ પપ્પાની મનઃસ્થિતિ સમજવા માટે તેમ કરવું તેને જરૂરી લાગ્યું. એટલે રાત્રે સુમંતભાઈ સૂઈ ગયા પછી નિશીથે તેમની ડાયરી લીધી અને પોતાના રૂમમાં જઈને તેનાં પાનાં ફેરવવાં લાગ્યો.

નિશીથને પોતાના પપ્પાની નીતિમત્તા અને ચારિત્ર્ય ઉપર ઘણું માન હતું, પણ તે એવું પણ માનતો કે તેના પપ્પા શુષ્ક અને લાગણીશૂન્ય છે. પરંતું ડાયરીનાં પાનાંઓમાંથી પપ્પાનું એક અનોખું સ્વરૂપ છતું થયું. સગાંસંબંધીઓ, મિત્રો અને પરિવારના સભ્યો વિશે ઘણું લખ્યું હતું. ઘણાખરા ફકરાઓ મમ્મીને ઉદ્દેશીને લખ્યા હતા. પપ્પાને કવિતાઓ લખવાની ફાવટ તો નહોતી એ તે જાણતો હતો, પરંતું સંવેદનાઓ તો એમનામાં ઠાંસીઠાંસીને ભરી હતી એટલું એ જોઈ શક્યો. સંવેદનશીલ હોવું એ ઈશ્વરનું વરદાન છે. સાહિત્ય સાથે જેને દૂરનો પણ નાતો ન હોય એવા માણસની સંવેદનાની અનુભૂતિ એક કવિ કરતા પણ વધારે ગહન હોઈ શકે છે. ગામના એક વડલા વિશે પપ્પાએ લખ્યું હતું:

ગામ હવે ઘણું વિસ્તરી રહ્યું છે. આપણે ગામને પાદર જે વડલા નીચે મળતા, એ વડલો તો હવે ગામની અંદર આવી ગયો છે. ઓટલા ઉપર જે જૂનું શિવમંદિર હતું ને, જેમાં કેડેથી વાંકાં વળીને અંદર જઈ શકાતું, તેનો પણ જીર્ણોદ્ધાર કર્યો છે. નવું શિવમંદિર આમ તો સ્વચ્છ અને સુવિધાવાળું લાગે છે, પણ આપણે બંનેએ સાથે મળીને કરેલી પ્રાર્થનાઓ એને યાદ હશે કે કેમ તે ખબર નથી.

બીજા એક ફકરામાં પણ પપ્પાની વેદના વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત થઇ હતી:

રોજ તારા ઘરની નજીકથી પસાર થાઉં છું. ઘર ભલે જર્જરિત થઇ ગયું છે, પણ એનો પેલો લાકડાનો કઠેડો જોઈને અંતર ધરાઈ જાય છે. આપણી પહેલી મુલાકાતનો એ દિવસ તો કેમ કરીને ભૂલાય? યાદ છે તને, તે દિવસે તું કઠેડે ઊભી હતી અને હું તે રસ્તેથી પસાર થયો હતો. મારી અને તારી નજર આમ જ મળી ગઈ હતી. પછી તો એ આપણો નિત્યક્રમ થઇ ગયો હતો. ધીમે-ધીમે આપણી વચ્ચે પ્રણયનાં અંકુર ફૂટ્યાં. આપણી ચોરી-છૂપીથી થતી ટૂંકી મુલાકાતો પણ લાંબો સમય ચાલી. આપણા સમયમાં મિલન ટૂંકા હતા અને વિયોગ લાંબા હતા. એનો એક ફાયદો એ થતો કે પ્રેમ જેટલો અભિવ્યક્ત થતો તેના કરતા વધુ માણસની ભીતર ઘૂંટાતો. સાંભળ્યું છે કે એ મકાન તોડીને હવે ત્યાં એક સંકુલ બનાવવાનું વિચારાય છે. ઘર જર્જરિત થાય એટલે એને તોડવું પડે એ તો ખરું, પણ એની સાથે મારાં અમૂલ્ય સંસ્મરણોનો પણ ભોગ લેવાશે તેનું શું? ભૂતકાળનાં મધુર સંસ્મરણો તો મારી જેવા વૃદ્ધો માટે જીવવાનો આધાર હોય છે.

ગઈકાલે પપ્પાએ ખાસ કંઈ નહોતું લખ્યું. કદાચ વિસ્તારથી લખવા જેવી તેમની મનઃસ્થિતિ નહીં હોય. બે-ત્રણ વાક્યોમાં તેમણે મમ્મીને ઉદ્દેશીને લખ્યું હતું: આ ઘરની પ્રત્યેક દીવાલોમાં તારો સ્પર્શ સચવાયેલો છે. ઘરમાં ઠેરઠેર આપણે આપણાં બાળકો સાથે વિતાવેલી ક્ષણો, ચિત્રોની જેમ, મારી સામે હજુ તાદૃશ્ય છે. હું હવે લાંબું જીવી શકું એમ મને નથી લાગતું. ભૂતકાળની મધુર યાદોના સહારે તો હું જીવું છું. ધીમેધીમે એ યાદો ક્ષીણ થતી જશે અને મને મૃત્યુની તરફ ધકેલતી રહેશે. નિશીથને કેમ કરીને સમજાવું કે આ ઘરનું આંગણ, ફળિયું, દીવાલો, વગેરેમાંનું કંઈ મારે માટે નિર્જીવ નથી.

નિશીથ હવે પપ્પાના મનને ઘણુંખરું સમજી ગયો હતો. એમના જીવનમાં આવેલાં ઘણાંખરાં પાત્રો તેમના મનમાં ઊંડી છાપ છોડી ગયા હતા. એમાંના કેટલાકની યાદોનાં પગલાં તો હજુ તેમના હૃદયમાં અકબંધ હતાં. નિશીથે નિર્ણય કરી લીધો કે હમણાં ઘરમાં કોઈ મોટા ફેરફાર નથી કરવા. જગ્યાની અગવડ પડે છે તેનો બીજો કંઈક ઉકેલ શોધી શકાશે. પછી ડાયરી પાછી ટેબલ ઉપર મૂકીને એ પોતાના રૂમમાં પાછો ફર્યો.

નિશીથે નિરાલીને બધી વાત કરી. નિરાલીએ પણ તરત કહ્યું કે રહેવા દો, આપણે હમણાં ઘરમાં કંઈ ફેરફાર નથી કરવા. નિરાલી પોતાની મરજીથી એમ કહે છે કે પરાણે સંમત થઇ છે એ ચકાસવા માટે નિશીથે પૂછ્યું કે પણ તું જ તો કહેતી હતી કે આ ઘરમાં હવે જગ્યાની બહુ તકલીફ પડે છે. નિરાલીએ કહ્યું કે કાલે કદાચ હું ન હોઉં ત્યારે તમે પણ મને આટલી જ યાદ કરશો ને? નિશીથે એને સમજાવ્યું કે જો, તું આ બાબત પપ્પા સાથે કંઈ ચર્ચા ના કરીશ. પપ્પાને આપણે એવું કહીશું કે હવે અમે વિચાર બદલ્યો છે. કોઈક બહાનું કાઢીને વાતને વાળી લઈશું.

બીજે દિવસે સવારે નિશીથે પપ્પાને કહ્યું કે પપ્પા, ઘરને સાવ નવું બનાવવા પાછળ ઘણો ખર્ચ થાય એમ છે. એના કરતા એ રકમ હાથવગી હશે તો બીજે કામ લાગશે. હમણાં થોડું સમારકામ કરી લઈએ તો પણ ચાલે એમ છે. એટલે હું એવું વિચારું છું કે હમણાં ખોટો ખર્ચ ન કરવો. સુમંતભાઈના ચહેરા ઉપર ખુશીની એક આછી લહેર દેખાઈ. સુમંતભાઈ રાત્રે સૂતી વખતે ડાયરી ટેબલ ઉપર અમુક ચોક્કસ રીતે જ મૂકતા. આજે સવારે એમણે એ નોંધ્યું હતું કે ટેબલ ઉપર ડાયરી અવળી પડી હતી. આટલી વહેલી સવારે કોઈએ સફાઈ કરવા માટે પણ ડાયરીને ખસેડી હોય એવું પણ શક્ય નહોતું. એટલે એમણે એ અનુમાન કરી લીધું કે નિશીથે શા માટે એનો વિચાર બદલ્યો હશે. જીવનમાં અમુક બાબતો એવી હોય છે જે આપણે માત્ર અંદરથી સમજી લેવાની હોય છે, એનો ક્યાંય પણ કશો ઉલ્લેખ કર્યા વગર. એટલે નિશીથ સાથે એ બાબત ચર્ચા કર્યા વગર એમણે કહ્યું કે એવું કરજે, મૃદુલને મારા રૂમમાં રહેવાનું કહેજે. આમ પણ આવડા મોટા રૂમની મારે ખાસ જરૂર નથી અને મને એની કંપની પણ રહેશે.

સુમંતભાઈને સુશીલાએ કરેલાં બાળકોનાં ઘડતર ઉપર વધુ માન થયું. એના કારણે જ ઘરમાં ઠેરઠેર પડેલાં એની યાદોનાં પગલાં હવે અકબંધ રહેવાનાં હતાં.

ડૉ. રાજેશ સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો