પરાગની અંતિમવિધિમાં જઈને આવ્યો. તે બહુ બીમાર હતો એટલે ગઈકાલે જ હું તેને હોસ્પિટલમાં મળવા ગયો હતો. લગભગ એકાદ કલાક હું તેની પાસે બેઠો હતો. પરાગ એટલે મારા જૂના પાડોશી કિશનભાઈનો છોકરો. કિશનભાઈ અમારી શેરીમાં રહેવા આવ્યા ત્યારથી એમના કુટુંબ સાથે અમારે ઘર જેવા સંબંધો. કિશનભાઈ મારા જ્ઞાતિબંધુ પણ ખરા. હું હાઇસ્કૂલમાં શિક્ષક હતો. એમની નાની દુકાન હતી. એમની સ્થિતિ એટલી સારી તો ન કહી શકાય, પણ ઘરખર્ચ કાઢી લેતા. જો કે કુટુંબ ખાનદાન. એમની ખાનદાની મેં ઘણા પ્રસંગોમાં જોઈ હતી. મારા કામ માટે એમણે અગવડ વેઠી હોય તો પણ મને ખબર ન પડવા દે. નવા જમાનામાં "ખાનદાની" શબ્દ પોતાનો સાચો અર્થ ગુમાવી બેઠો છે. ઘરાકી ન હોય ત્યારે પુસ્તકો વાંચતા. કિશનભાઈ ઘણીવાર મને કહેતા કે હું તારી જેમ વધુ ભણી ન શક્યો. પરાગ ભણવામાં સરેરાશ વિદ્યાર્થીઓથી થોડો આગળ ખરો. એ અને મારી દીકરી સુરભિ સાથે નિશાળે જતા. એ વખતે જ પરાગ મારા મનમાં વસી ગયેલો. પરાગ સુરભિથી ભણવામાં બે વર્ષ આગળ. બંનેને એકબીજા પ્રત્યે ઘણો લગાવ. એક વાર સુરભિ પડી ગઈ હતી અને એનાથી ચલાતું નહોતું તો પરાગ એકલે હાથે એને ઉંચકીને ઘરે લાવ્યો હતો.
પણ બધા દિવસો સારા ન હોય. પરાગ દસમા ધોરણમાં હતો ત્યારે કિશનભાઈનું અકાળે અવસાન થયું. એ ઘરમાં મોટો એટલે એના ઉપર નાના ભાઈબહેનને મોટા કરવાની જવાબદારી આવી પડી. ચારિત્ર્યવાન લોકોને આ જગતમાં ટકી રહેવા માટે જાતજાતની પરીક્ષાઓ આપતી રહેવી પડે છે. એણે ભણવાનું છોડી દીધું અને દુકાન સંભાળી લીધી. એના મામા બાજુના શહેરમાં રહેતા હતા. એમનો થોડો ઘણો ટેકો ખરો, એટલે ફરી સ્થિર થવામાં એટલી બધી મુશ્કેલી ન પડી. મેં પરાગને કહી રાખ્યું હતું કે મારી કંઈ જરૂર પડે તો કહેજે. પણ એણે ક્યારેય મારી પાસે કંઈ માંગ્યું નહોતું. ખરાબ સમય કાઢવો બહુ આકરો હોય છે પણ સારી પ્રકૃતિના માણસોને આંતરિક રીતે સમૃદ્ધ બનાવતો હોય છે. ધીરેધીરે પરાગે પોતાની આવડતથી ધંધો વધુ વિકસાવ્યો. હું ઘણીવાર એની દુકાને એને મળવા જતો. પરાગમાં પણ એના પિતાના ઘણા ગુણો ઉતર્યા હતા. એનું ભણવાનું છૂટી ગયું એટલે હવે સુરભિ એકલી નિશાળે જતી. પણ પરાગ રસ્તામાં ક્યારેક મળી જાય તો સુરભિ ખુશ થઇ જતી. સુરભિને બાર ધોરણ સુધી ગામમાં ભણાવીને ત્યાર પછી મેડિકલનું ભણવા માટે શહેરમાં મૂકી હતી. એ મહીને-બે મહીને ઘરે આવતી. એ વખતે એને પરાગ સાથે મુલાકાત થતી.
એમ કરતાં-કરતાં દિવસો પસાર થતા ગયા. પરાગ મોટો થયો એટલે એને પરણાવવાની વાતો એના ઘરમાં થવા લાગી. પણ પરાગ હંમેશા વાતને ટાળી દેતો. પરાગનો નાનો ભાઈ ખાસ ભણ્યો નહિ. એને પણ પરાગે દુકાનમાં પોતાની સાથે લઇ લીધો. એની બહેનને સારું પાત્ર જોઇને પરણાવી દીધી.આ બાજુ મારો મોટો દીકરો એક સારી કંપનીમાં એન્જીનીયર તરીકે કામે લાગ્યો હતો. સુરભિ ડોક્ટર થઇ ગઈ પછી એના માટે માંગાં આવવા લાગ્યાં. એમાં એક યુવક એમ.ડી. થયેલો હતો. શહેરમાં સારી પ્રેક્ટીસ ચાલતી હતી. મારા મોટા દીકરાને પણ સુરભિ માટે મયંક યોગ્ય લાગ્યો. સુરભિએ પણ પોતાની સંમતિ આપી દીધી હતી. બધા વ્યવહારુ માપદંડોમાં મયંક પરાગથી આગળ હતો. હવે મારી પાસે ના પાડવા માટે કોઈ વ્યાજબી કારણ હતું નહિ. આખરે સુરભિની સગાઇની તારીખ નક્કી થઇ ગઈ. સાંજે હું પરાગને મળવા એની દુકાને ગયો અને એને આ વાત કરી. એણે વાત સાંભળ્યા પછી તરત મને કહ્યું કે હું પણ હવે મામાના શહેરમાં એક બીજી દુકાન ખોલવાનું વિચારું છું. પછી તો એણે મને ધંધા વિશે ઘણી વાતો કરી. સામાન્ય રીતે એ મારી સાથે ધંધા વિશે વધારે વાત ન કરતો. પછી તો સુરભિની સગાઇ થઇ ગઈ. એનો ભાઈ સગાઈમાં હાજર રહ્યો. મેં એને પરાગનું પૂછ્યું તો એણે કહ્યું કે એ શહેર ગયો છે. થોડા દિવસ પછી એણે ત્યાં નવી દુકાનનું ઉદ્દઘાટન કર્યું. સુરભિના લગ્નમાં પણ એ નહોતો આવ્યો. લગ્ન પછી સુરભિના ચહેરા પર પહેલા જેટલી પ્રસન્નતા દેખાતી નહોતી. એકવાર પાસે બેસાડીને મેં એને પૂછ્યું પણ ખરું કે સાચું કહે કે તને કંઈ મુશ્કેલી તો નથી ને? સુરભિએ મને કહ્યું કે મયંક મને ઘણી સારી રીતે રાખે છે. આમ જોઈએ તો મારે કશાની ખોટ નથી અને છતાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. મારી આંતરિક સ્થિતિને હું જ સમજી શકતી નથી. મારી પાસે એને વર્ણવવા માટે શબ્દ નથી. મને પ્રશ્ન થયો કે યુવક-યુવતીને પરણાવવા માટે આપણે જે વ્યાવહારિક માપદંડો સ્વીકાર્યા છે તે ઉચિત છે?
હું શહેર જતો ત્યારે પરાગને અવશ્ય મળતો. મારા એક સંબંધી પણ ત્યાં રહેતા હતા. એટલે મારે ત્યાં જવાનું ઘણીવાર થતું. અમે મળતા ત્યારે ઘણી આધ્યાત્મિક વાતો થતી. એની સાથેની વાતો પરથી ખ્યાલ આવી જતો કે ભક્તિને એ બહુ ઊંડાણથી સમજે છે. મને તેની સમજ માટે આશ્ચર્ય પણ થતું. એક વખત પરાગના ભાઈનો ફોન આવ્યો ત્યારે મને જાણ થઇ કે પરાગને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હું એ રાત્રે જ ત્યાં પહોંચી ગયો. હું ત્યાં પહોંચ્યો ત્યારે પરાગ સૂતો હતો. મેં વિચાર્યું કે એને જગાડવો નથી. મેં એને ભેટ આપેલું પુસ્તક એના ઓશીકા પાસે પડ્યું હતું. એ બહુ વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતો. એટલે મેં એ પુસ્તક લીધું અને તેનાં પાનાં ફેરવતો હતો. એમ કરતાં-કરતાં છેલ્લાં પાનાં ઉપર મારી નજર પડી. એ પાનાં ઉપર પેન્સિલથી એક ચિત્ર દોર્યું હતું. એ ચિત્ર જોતાં જ મને પરાગની જિંદગીનાં ઘણાં રહસ્યો સમજાઈ ગયાં. એ ચિત્ર મેં ઘણી વાર સુરભિની નોટમાં પણ જોયું હતું. સુરભિને ચિત્ર દોરતાં સારું આવડતું. એટલામાં પરાગે આંખો ખોલી. મેં પૂછ્યું, "આ ચિત્ર?". મારા પ્રશ્ન પાછળનો મર્મ એ સમજી ગયો હતો. એણે મારો હાથ પકડી લીધો. પછી કહ્યું, "કાકા, એ વાતનો હવે કંઈ અર્થ નથી." પછી મારી પાસે વચન માંગ્યું કે સુરભિને ન કહેતા. મેં પૂછ્યું કે સુરભિના લગ્નમાં પણ ન આવ્યો? એણે કહ્યું કે મારા મગજમાં મારે સુરભિની જૂની છબીને સાચવી રાખવી હતી. સુરભિ વિશે બીજી કંઈ વાત કરીને એને જતી વેળા દુઃખી કરવાનું મને ઉચિત ન લાગ્યું.
એ રાત્રે ઉંઘમાં જ એ જતો રહ્યો. કદાચ એણે પળેપળ સુરભિને યાદ કરી હશે છતાં આપઘાત, એસિડની બોટલ, ફોનથી કનડગત , ચોરે ને ચૌટે બદનામી જેવી કોઈ ઘટના બની નહોતી. ઈશ્વરને પળેપળ કઈ રીતે યાદ કરી શકાય એ સમજવું પરાગ માટે કેમ સહજ હતું એ હું સમજી ગયો. એક વિશુદ્ધ અને દિવ્ય પ્રેમ આજે પરમગતિને પામ્યો હતો. જગત તો આવી બાબતોની નોંધ પણ ક્યાં લેતું હોય છે?
રાજેશ સંઘવી