વાસવ ઝાંપો છોડી દૂર દૂર ચાલ્યો ગયો. ઉદાસી એના મનને ઘેરી વળી. ખાટલે બેવડ વળી ખાંસતી માનો ચહેરો એની નજર સમક્ષ ઉપસ્થિત થયો. 'આ ખાંસી તો માનો... ' ને બાકીનું વાક્ય રીનાએ પોતાના પર છોડી દીધું હતું. એ વાક્ય ફરી યાદ આવ્યું... મનને ઘેરી વળ્યું.
માં ક્ષણ ક્ષણનું મોત જીવતી હતી.
ઘરડું પાન... સૂકું પાન...
એક હવાનો ઝોંકો આવ્યો નથી કે ડાળીથી પાન...
હવા જાણે થીજી ગઈ હતી.
એના કદમ આગળ વધતા જતા હતાં.
થોડા સમય પહેલાં જોયેલી ફિલ્મનો શત્રુઘ્ન સિન્હાનો સંવાદ એને યાદ આવ્યો...
'જિસ દીપ મેં તેલ નહીં ઉસે જલનેકા ક્યા અધિકાર ?'
અહીં સેંકડો હજારો જિંદગી અધિકાર વિના જીવતી હતી... પળ પળનું મોત જીવતી હતી...
અને એજ પળે એનો હાથ પેન્ટના ખિસ્સામાં ગયો.
ને દવાનો આહલાદ્ક સ્પર્શ... !
એને ચાલવાની ઝડપ વધારી.
એ ધૂળિયા રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. નદી નજીક ને નજીક આવતી ગઈ. નદી પાસે પહોંચ્યો. સૂકી ભઠ નદીના સૂકા પટ પર એ ચાલતો રહ્યો. જોડામાં ભરાયેલી રેતી ડંખતી હતી પણ એની પરવા કર્યા વગર ચાલતો રહ્યો. નદીનો પટ પાર કરીને એ સામે કિનારે જઈ પહોંચ્યો.
સામેનાં પટની નાની -નાની પરિચિત ટેકરીઓને જોતા જોતા એ આગળ વધ્યો.
થોડે દૂર જતાં સામે એને એનો પ્રિય લીમડો દેખાયો. ટેકરીની ટોચ પર ઉગેલો લીમડો. એને થયું ત્યાં દોડતો જઈને ઉપર ડુંગરીની ટોચ પર રહેલા પોતાના પ્રિય લીમડા પાસે પહોંચી જાઉં.... અને એ દોડ્યો...
પણ અચાનક એના કદમ અટકી ગયાં...
એને થયું....,
પ્રેમિકા અને માંની પ્રીતે નહીં રોકાયો... પણ... કદાચ... એ બચપણના ભેરુ સમાન લીમડાની પ્રીતે પોતાનો નિર્ણય ડગી જાય તો ?
અને એ પાછો વળ્યો...
અચાનક એના માથા પરથી પાંખો ફડફડાવતું કંઈક ઉડ્યું...
એણે ઉપર નજર કરી...
એક ગીધ એના માથા પર ચકરાવા લઇ રહ્યું હતું...
થોડીવાર આમ જ ચકરાવા લેતું રહ્યું...
ને પછી આકાશમાં ઊંચે ઉડી ગયું.
મોતના દૂત જેવું ગીધ આગળને આગળ દક્ષિણમાં ઉડી જવા લાગ્યું... એ પણ આગળને આગળ વધતો જતો હતો.
અને જેમ એ ગીધ મોતનું દૂત મનાતું તેમ દક્ષિણની એ દિશા પણ મોતની દિશા મનાતી. દક્ષિણની દિશા એ યમની દિશા છે...
ગીધની પાછળ પાછળ એ જઈ રહ્યો હતો.
ગીધ આકાશમાં હતું... એ નીચે હતો... છતાં એવું લાગતું હતું કે બંને સાથે જઈ રહ્યા હતાં...
ઉપર મોત ને નીચે મોતને તલાશતી જિંદગી...
તે આમ તો બાવીશ વર્ષનો જુવાન હતો પણ તેને તેની જિંદગી પુરી થયેલી લાગતી. હવે તેને મરવું હતું. ચિર શાંતિ પ્રાપ્ત કરવી હતી. હવે તે ચાલીને થાક્યો હતો. હૃદય જોર જોરથી ધબકતું હતું.
તેના કદમ ડગમગતાં હતાં...
તે જોરથી નીચે બેસી પડ્યો.
થોડીવાર પછી એણે ઉઠવાની કોશિશ કરી પણ ઉઠી ન શક્યો. પછી બન્ને હાથ નીચે ટેકવીને માંડ માંડ ઉભો થયો.
એ પોતાની જાતને કહી રહ્યો હતો. હવે બસ થોડે જ દૂર જવાનું છે. ચાલ દોસ્ત ! જરા વેગથી ચાલ ! જલ્દી કદમ ઉપાડ ! બસ થોડી જ... થોડી જ ક્ષણો દુઃખ વેઠવાનું છે પછી !
પછી... ?
ફક્ત એક દવાનો ઘૂંટ...
ને પછી તો...
ચિર... શાંતિ....
પણ અફસોસ એના કદમોએ તો એનો સાથ આપવાનું છોડી જ દીધું. બે ડગલાં આગળ ચાલ્યો ફરી લથડ્યો. ભોંય પર પટકાયો કલાકો સુધી એમ ને એમ ચુપચાપ પડી રહ્યો. એકદમ ચૂ... પ... ચા... પ...
પોતે ઘરથી નીકળ્યાને ત્રણ ચાર કલાક થઇ ગયા હશે એવું એણે અનુમાન કર્યું.
પછી...
અચાનક...
ઘણે નજીકથી આવતો હોય એવો કોઈ પંખીનો ચિત્કાર સાંભળીને એ આમ -તેમ જોવા લાગ્યો. ને માંડ માંડ એ ઉભો થયો.
ગીધના ગળામાંથી આવતો અવાજ ભયંકર રીતે પડઘાતો હતો.
અને એ અવાજ આજુ -બાજુ રહેલી ટેકરીઓ પર્વતો સાથે અથડાતો કૂટાતો ને તૂટતો પહાડોમાં વિલીન થઇ ગયો.
આજે પહેલીવાર એ આ અવાજથી ડર્યો.
એ અવાજનો પ્રણેતા ગીધ તો સ્વયં યમરાજ જેવો લાગ્યો. પર્વતો એને કાળ સમાન લાગ્યા. પાછો વધુ ડર લાગ્યો.
અને હાથ અચાનક...
એના પેન્ટના ખિસ્સામાં ગયો.
પણ...
આશ્ચર્ય... !
ત્યાં એ દવાની શીશી નહોતી. એને વધુ ડર લાગ્યો...
મુક્તિનાં દ્વાર ખોલનાર કૂંચી ગાયબ ! તે વધુ ગભરાયો. પેલું ઉપર ફરતું દક્ષિણ દિશા તરફ જતું ગીધ નીચે ને નીચે આવતું દેખાયું.
ને એના માથા નજીકથી જોશભેર પસાર થઇ ગયું...
ને ફરી પાછું ઉપર ઉડવા લાગ્યું...
નહીં દક્ષિણ દિશા તરફ નહીં..
પૂર્વ દિશા તરફ.
પેલા ગીધે દિશા બદલી લીધી હતી.
વાસવે પણ અનાયાસે દિશા બદલી.
એ પૂર્વ દિશા તરફ આગળ ચાલવા લાગ્યો... ચાલતો રહ્યો... બસ ચાલતો જ રહ્યો...
એ આગળ વધ્યે જતો હતો.
કોઈ પણ મંઝિલ વગર આગળ વધ્યે જતો હતો.
એ વિચારી રહ્યો,
આ ગામ કેવું ખરાબ છે. એનું ચાલત તો કદાચ એ આખા ગામને સળગાવી દેત. એને એના ગામ તરફ, આ ગામના લોકો તરફ... ભારે અણગમો હતો. પોતે કોઈક વખત વિચારતો એક ભયાનક ધરતીકંપ આવે ને આખું ગામ ખેદાન -મેદાન થઇ જાય તો કેવું સારું ! ભીષણ ઘોડાપુરમાં આ ગામ આખુંને આખું તણાય જાય તો કેવું સારું ! અને જો એવું થાય તો એ સુખચેનથી જીવી શકે. પછી ન રહે કોઈ લેણદારો... આ ગામ તો કડવા ઝેરના ઘૂંટડા સમાન છે. આ ગામમાં પોતાનું જીવવું હરામ થઇ ગયું હતું.
એ જ્યાં નોકરી કરતો હતો ત્યાં પણ વધુ એક ગડબડ થઇ ગઈ હતી. પોતાનો કશો જ વાંક ન હતો છતાં ગઈકાલે સાંજે એના સાહેબે એને કાઢી મુક્યો. પોતાના આવક નો આધાર તૂટી ગયો હતો. પોતે બેકાર થઇ ગયો હતો. પણ એ વાત એની માં કે પ્રેમિકાને જણાવીને દુઃખી કરવા માંગતો નહોતો...
એ જિંદગીથી ત્રાસી ગયો હતો. એ મૃત્યુ ઈચ્છતો હતો. પણ મરી ન શક્યો.
એ આગળને આગળ વધતો રહ્યો.
થોડે દૂર જતાં રેલવે સ્ટેશન આવ્યું. ત્યાં જઈને એ બેઠો. ત્યાં જઈને થોડું પાણી પીધું ને ત્યાંજ બેસી રહ્યો...
ફરી વિચારોના ઝોલે ચડ્યો.
સહસા એને થયું આવા વિચારો કરવાથી ફાયદો શું ?
ફાયદો કે ગેરફાયદો વિચાર આવતા હોય તો અટકાવી તો ન જ શકાય ને ?
ત્યાં જ દૂરથી ટ્રેન આવતી દેખાઈ. નજીકને નજીક આવતી ગઈ. એક ધક્કા સાથે ઊભી રહી.
ઉતારુઓને એ જોઈ રહ્યો.
અને ન જાણે એને શું થયું કે બીજી જ પળે કંઈપણ વિચાર્યા વગર એ ટ્રેન માં ચઢી ગયો.
ફરી એને માં અને રીના યાદ આવ્યા. મન વિહ્વળ થયું.
પણ એ પ્રેમના ઉછાળાને હડસેલીને એના મનમાં એક વિચાર ઝબક્યો.
' પરંતુ હવે મારે ક્યાં એ બધું જોવું છે ?'....