ઝાંપો ઉદાસ છે.. - 11 jignasha patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝાંપો ઉદાસ છે.. - 11

એ સુહાગરાતે પિનાકીને મને એવો આંચકો આપ્યો હતો કે મને એમ લાગ્યું કે મારું હૃદય ક્યાંક બંધ થઇ જશે..
એ રાતે પિનાકીન આવ્યો. એણે નશો કર્યો હતો. મને નવાઈ લાગી. આંખો પર વિશ્વાસ ન થયો... એને આ રીતે ક્યારેય જોયો નહોતો... એનું આ રૂપ મારા માટે બિલકુલ નવું હતું... પલંગ પર ધડામ દઈને બેસતાં જ એણે કહ્યું...
' સુધા, તને આ પહેલો અનુભવ છે ? કે પછી... ' એ વધુ બોલે એ પહેલા મેં હથેળીથી એનું મોં દબાવી દીધું. હું બોલી...'શું કહી રહ્યા છો એનું ભાન છે... કેવો વિચિત્ર સવાલ છે... હદ છે... '
પણ એ ભાન ભુલ્યો હતો એણે આગળ કહ્યું... ' શું વિચારમાં પડી ગઈ છે ?એમાં વળી શી શરમ ?તું મારી પત્ની છે... તને સાચું કહું તો મેં તો અનેક વાર અનુભવ કરી લીધો છે... કહેતાં એણે અટ્ટહાસ્ય કર્યું.... એના આ આસુરી રૂપે મારા બધાએ અરમાનો ને ચકનાચૂર કરી દીધા. મારી આંખોમાં આંસુ આવી ગયા...
એ જોઈ એ બોલ્યો... 'અરે ચૂપ થા બાબા... હું તો મજાક કરતો હતો... '
હું ચૂપ તો થઇ પણ એજ સમયે મારા દિલમાં એક અસહ્ય ડર ઘર કરી ગયો. ક્યાંક આ સાચું તો નહીં હોયને... મારો બધો ઉન્માદ ઉતરી ગયો. હું એ કડવા ઘૂંટડાને ગળી ગઈ. ને પ્રથમ રાત્રીએ જ પિનાકીન પ્રત્યે મને અણગમો થઇ ગયો. પણ એ અણગમાને સંતાડીને હું પત્નીધર્મ બજાવતી હતી. પણ દિલમાં ઘર કરી ગયેલો ડર હંમેશા કાળા નાગની જેમ ફૂંફાડા મારતો... ને ડરે હવે દરેક વાતમાં શક કરવાની લત લગાડી દીધી. એને એ શક થી વારંવાર ઝગડા થવા લાગ્યાં. અમુક દોસ્તોની પૂછતાછ કરતા જાણવા મળ્યું કે સુહાગરાતે કહેલી વાતો બિલકુલ સાચી હતી... લગ્ન પહેલા એ અનેકવાર સુહાગરાત મનાવી ચુક્યો હતો.
હવે તો પિનાકીન વાતવાતમાં અન્ય યુવતીઓનો ઉલ્લેખ કરતો... 'સુધા પેલી બાજુવાળી સંધ્યા કેવી રૂપાળી છે ! અને પેલી મધુની અદા જોઈ ? શું અદા છે વાહ.... ને અત્યારે કોલેજમાં એક નવી છોકરી આવી છે... આ હા... શું એના હોઠ છે... બસ એકવાર એ હોઠોનું રસપાન કરવા મળી જાય તો... '
હું ગુસ્સાથી ધુઆ-પુઆ થઇ ગઈ.
આ કેવો વિચિત્ર માણસ છે...લેક્ચરર છે કે હજામ... કેવી વાત કરે છે... એક લેક્ચરર થઈને સ્ટુડન્ટ પર નજર બગાડે છે... છી... લાનત છે...
હું ગમ ખાઈ ગઈ. દિવસે -દિવસે એ વધુને વધુ બગડતો જતો હતો. એક દિવસ મારાથી સહન ન થયું... મેં કહ્યું... ' છી કેવો માણસ છે તું પહેલે થી ખબર હોત તો... '
' બોલ કેમ અટકી ગઈ.. બોલ પહેલેથી ખબર હોત તો શું ?તું ના પાડત તો હું ક્યાં કુંવારો રહેવાનો હતો.
એક કરતા અગિયાર છોકરીઓ તૈયાર હતી. શું સમજે છે તું તારા મનમાં ? પિનાકીન મારા પર વરસી પડ્યો.
પછી તો કોલેજમાંથી પણ વાતો મળવા લાગી કે પિનાકીનના એક છોકરી સાથે સબંધ છે. અને તેઓ સાથે હરે ફરે છે.
મેં નહોતું ધાર્યું તે આટલો નીચ હશે. આટલી હદે જઈ શકે છે. હવે તો રાત્રીએ મોડા આવવાનો એનો નિત્યક્રમ બની ગયો હતો.
એક દિવસે મેં પિનાકીન અને પેલી છોકરીના આડા સંબંધની વાત મારી સાસુમાને કરી. તો એ બોલી ' એ પુરુષ છે ગમે એની સાથે સંબંધ રાખે. તને તો ઘરમાં રહેવા દે છે ને... ! તું શું કામ ચિંતા કરે છે.. '
એમની આ વાત સંભાળી મને આશ્ચર્ય ની સાથે આઘાત લાગ્યો. મને નવાઈ લાગી. આ માં પણ કેવી છે ? એનો દીકરો પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓ સાથે સબંધ રાખે તો યે એને ચિંતા નથી. અને એની દલીલ પણ કેવી ?એ પુરુષ છે. ગમે તેની સાથે સંબંધ રાખે, કેવી વિચિત્ર વાત થઇ ?પુરુષોને બધી છૂટ... અને એઓની ઐયાશીની ચક્કરમાં સ્ત્રીઓએ બધું સહન કરીને જીવવાનું... વાહ... બસ આમ લાગણી સપના અરમાનોને કચડીને જિંદગી જીવવાનું કેવું કહેવાય નહીં.... !'
પેલી છોકરી હવે તો ક્યારેક ક્યારેક પિનાકીનને મળવા ઘરે પણ આવવા લાગી. હસી હસીને વાતો કરતાં... મજાક મસ્તી કરતાં ... અને હું તો જાણે ઘરમાં કશું જ ન હોવ એમ મારી ઉપસ્થિતિની નોંધ પણ ન લેવાતી.
મારું ઘવાયેલું હૃદય આ બધું જોઈ ચીસાચીસ કરી મૂકતું. અમારા દાંમ્પત્ય જીવનનું દર્પણના ચૂરેચૂરા થઇ ગયા હતાં. ને તૂટેલા કાચની જેમ જીવન દર્પણના ટુકડાઓ આમથી તેમ વિખેરાયેલા પડ્યા હતાં. એ જાણે અજાણે હૃદયમાં ભોંકાયા કરતા. ને હૃદયને છિન્ન - ભિન્ન કરતા હતાં.
એક દિવસે ઘરે કોઈ નહોતું. એ સમયે એ છોકરી આવી. મેં પહેલીવાર એના જોડે વાત કરી , ' છોકરી તું કરવા શું માંગે છે ? શું કામ મારી જિંદગી બરબાદ કરી રહી છે ?'
એ છોકરીની આંખોમાં દડ-દડ આંસુ ટપકી પડ્યા. મને આશ્ચર્ય થયું...એ છોકરીએ કહ્યું...'હું લાચાર છું... મને માફ કરી દો... '
'લાચાર... ? ને કેવી લાચારી ? મેં પૂછ્યું.
એક લાંબા નિઃશ્વાસ સાથે એ બોલી, ' મારા પિતાજી મારા બચપણ માં ગુજરી ગયા. મારી માએ મને મોટી કરી. ભણાવી પછી મારી માને બ્લડ કેન્સરની ભયંકર બીમારી થઇ. દવા કરવા મારી પાસે પૈસા નહોતા. કોઈ સગાવાલાએ મદદ ન કરી ત્યારે પિનાકીન સરે મને મદદ કરી. ઈલાજ માટે પૈસા આપ્યા. પણ માં બચી ન શકી. માના ગયા પછી હું સાવ એકલી પડી ગઈ. એક દિવસે પિનાકીન સરે માં ની દવાના આપેલ પૈસાની માંગણી કરી. હું ક્યાંથી રૂપિયા આપું ?હું ન આપી શકી... તો એના બદલામાં, પિનાકીને સરે પોતાની સાથે સબંધ રાખવા દબાવ કર્યો. ન ઈચ્છા હોવા છતાં મારું શારરિક શોષણ થતું રહ્યું પણ હું કઈ ન કરી શકી. અને આ વાતનું ખૂબ દુઃખ છે કે જાણે અજાણે મેં આપને બહુ દુઃખ આપ્યું છે... પણ હું મજબુર છું... મને માફ કરજો ' કહેતાં કહેતાં બે હાથ જોડવા લાગી. અને આગળ એણે કહ્યું... ' ક્યારેક તો થાય કે આત્મહત્યા કરી લવ... પણ.. '
'જો જો આવું પગલું ક્યારેય ન ભરતી. હું આમાંથી કોઈ માર્ગ કાઢીશ.'
મેં એને રડતી છાની રાખી.
પિનાકીન માટે રહ્યું સહ્યું માન પણ હવે ન રહ્યું. નફરત થવા લાગી નફરત.
એક લાચાર છોકરીની લાચારીનો આવી રીતે લાભ લેવાનો ? છી કેવી માનસિકતા...
બહુ વિચાર્યા પછી મેં એક નિર્ણય લીધો. ને મેં પિનાકીન ને કહ્યું, ' પિનાકીન આ રીતે જીવવાનો કોઈ અર્થ નથી. માટે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું '
પિનાકીન નિરુત્તર રહ્યો.
એક વહેલી સવારે મેં એક ટૂંકી ચિઠ્ઠી લખી... ' પિનાકીન હું ઘર છોડીને જાવ છું. જિંદગીમાં તારી પાસે કશું માગ્યું નથી. પણ આજે માંગુ છું,મારા ગયા પછી તમે પેલી છોકરી જોડે લગ્ન કરી લેજો. ' ને હું ઘર છોડીને ચાલી નીકળી.
હું રેલ્વે સ્ટેશન પર આવી...
શું કરવું ક્યાં જવું કશું સૂઝતું નહોતું...અને એક ટ્રેન આવતી દેખાઈ... હું એમાં કશું પણ વિચાર્યા વગર બેસી ગઈ...
ટ્રેનના ડબ્બાની બારીમાંથી મેં જોયું... પંખીઓનું એક ટોળું એક દિશામાંથી બીજી દિશામાં જઈ રહ્યું હતું. એક પંખી આમથી તેમ ગોળ ગોળ ચક્કર મારતું હતું. જોર જોરથી પાંખો ફફડાવતું હતું... ગભરાતું હતું... મને મનમાં થયું,જરૂર એ ભૂલું પડી ગયું હશે. એ કોઈની હૂંફ માટે તલસતું હશે. મારી છાતી માંથી એક ગરમ લ્હાય જેવો નિઃશ્વાસ બહાર નીકળીને બારીના સળિયા સાથે અથડાયો.
ટ્રેન આગળને આગળ વધતી જતી હતી. મારા મનમાં વિચારો પણ એટલી જ તેજ ગતિથી દોડતા હતા.
હું પણ ભૂલું પડી ગયેલું પંખી જ છું ને !
જાણે ચારે તરફ અડાબીડ જંગલ છે. ક્યાં જવુ સમજાતું નહોતું .. કોઈ રસ્તો જડતો નહોતો...કેટકેટલાં અરમાનોથી એક માળો બાંધ્યો. કેટલાયે સપનાઓથી એને શણગાર્યો હતો. પણ એ માળો તો પહેલી જ રાતે પીંખાઈ ગયો હતો.માળો છિન્ન ભિન્ન થઈ ગયો હતો.
પેલા આકાશમાં ઉડતા ભૂલા પડેલા પંખીની જેમ મારી દશા થઈ હતી. કોઈ દિશા સૂઝતી નહોતી. દશા અને દિશા વચ્ચે અટવાયેલી હું સાવ એકલી થઈ ગઈ હતી. હૃદયમાં અશાંતિ હતી. સર્વત્ર અંધકાર અને અજ્ઞાન !! પ્રકાશનું નામ નિશાન નહોતું.
મન અંધકાર -પ્રકાશ વિષે વિચારવા લાગ્યું. અંધકાર -પ્રકાશ ની વ્યાખ્યામાં મન જ સવાલ કરતું હતું ને મન જ જવાબ આપતું હતું.
એક પછી એક સ્ટેશનો પસાર થતાં જતાં હતા. લગ્ન જીવનનાં આવા કડવા અનુભવ પછી દુનિયાના બધા જ સબંધ સાવ પોકળ લાગવા લાગ્યાં.લગ્ન પહેલા એ માણસે પ્રેમ આપી મારું હૃદય છીનવી લીધું. ને લગ્ન પછી ના બે વર્ષ માં તો એ હૃદયના કેટકેટલાંયે ટુકડે ટુકડા કરી નાખ્યા.
મને હવે ક્યાં જવું સમજાતું નહોતું. માં તો મારા લગ્ન પછી મારા ભાઈ સાથે રહેવા ચાલી ગઈ હતી. પણ ભાભીનો મારા તરફનો વ્યવહાર યાદ આવતાં ત્યાં જવાની હિમ્મત ન થઈ...
મને અચાનક આ ગામમાં રહેતી મારી માસી યાદ આવી. ને હું અહીં માસી પાસે રહેવા ચાલી આવી.માસી ને કોઈ સંતાન નહીં .તેથી માસીએ મને પ્રેમથી આવકારી. અને સારી રીતે રાખી.
હજુ યે એ નાલાયક માટે મને ભારોભાર નફરત છે. ધિક્કાર છે. થોડા મહિના અગાઉ જ મને ખબર પડી કે એણે લગ્ન કરી લીધા છે. મને બહુ જ દુઃખ થયું... દુઃખ એ વાતનું નહીં કે એણે લગ્ન કરી લીધા. દુઃખતો એ વાતનું છે કે એણે પેલી છોકરી સાથે નહીં કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કર્યા.
ગુસ્સો તો એવો આવે છે કે સામે આવી જાય તો... ' કહેતાં કહેતાં સુધા રડી પડી.
રીના એને સાંત્વના આપતાં આપતાં પીઠ પર હાથ પસવારવા લાગી. સુધા ના ડૂસકાં ધીમા થયા.
રીનાએ એક નજર ઝાંપા તરફ નાંખી.
એ વિચારી રહી ' શું મારો વાસવ પણ... ?' વળી એને થયું, ' ના ના મારો વાસવ એવો નથી. '
પાછું એનું મન બમણા વિરોધ સાથે પોકારી ઉઠ્યું... ' વાસવ પણ આખરે તો પુરુષ જ ને ?'
કેટલીયે વાર સુધી એ સવાલો જવાબોની આંટી- ઘૂંટી માં પીસાતી રહી. ખુદને જ સવાલ કરતી રહી ને ખુદને જ સમજાવતી રહી...
* * *