Zanpo udaas chhe... - 3 books and stories free download online pdf in Gujarati

ઝાંપો ઉદાસ છે.. - 3

બસ થોડી જ પળોમાં સૂર્યાસ્ત થવાનો હતો. રાતો -નારંગી સૂરજ જરીક શ્રમિત લાગતો હતો. છતાં કર્તવ્યપાલનના સંતોષ અને ગૌરવ સાથે અસ્ત થઇ રહ્યો હતો. સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલ પંખીઓની ઉડાઉડ ને એમનો કલરવ બધે મધુરતા ફેલાવી રહ્યો હતો. ભૂરા આકાશમાં સૂર્ય ડુબતાની સાથે જ આછાં તારાઓ ટમટમવાની હોડમાં લાગી ગયા. ચંદ્ર પણ આળશ મરડીને પોતાનું તેજ પાથરવા માટે ઉભો થયો. હળવુંક મલકીને તેજ પાથર્યું તો સારા જગમાં ખુશનુમા છવાય ગઈ. નિશાના આવા અદ્ભૂત આગમનથી કોઈ અજબ પ્રાકૃતિક સંગીત વાતાવરણમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયું.
આવું વાતાવરણ રીનાને ખૂબ પ્રિય હતું... હંમેશા એને શાંતિ બક્ષતું હતું...
પણ આજે ?
આજે.....
આજે આ સુંદર વાતાવરણ એના અંગ અંગને આગ લગાડી રહ્યું હતું. સાંજ ઢળી ગઈ. રાત્રી પ્રગટી ચુકી હતી. છતાં એનો વાસવ, પ્યારો વાસવ હજી આવ્યો નહોતો. આટલા દિવસે તો એ સાંજ ઢળે તે પહેલાં આવી જતો હતો પણ આજે એ હજી આવ્યો ન હતો.
વળી આજે તો એ વહેલા આવવાનું કહીને કહીને ગયો હતો. એને ખૂબ ચિંતા થવા લાગી.
ત્યાંજ વાસવની માં એ રીનાને પોતાની પાસે બોલાવી પૂછ્યું.
' બેટા રીના,વાસવ હજી નથી આવ્યો ?'
' હા માં ' કહેતા રીનાના ગળે ડૂમો ભરાય આવ્યો.
વાસવની મા ને પણ ચિંતા થવા લાગી.
રીનાના હાલ તો બેહાલ હતા. રીનાએ પાડોશીને વાત કરી. પાડોશમાં રહેતા મગનકાકા ભલા હતા. તેથી એમના ઘરે આવી બંનેને આશ્વાસન આપ્યું અને વાસવને શોધવા નીકળી પડ્યા .
રીના પણ ' વાસવ ','વાસવ ' ની બૂમો પાડતી તેને શોધવા લાગી.
થોડી વારે મગનકાકા નિરાશ વદને પાછાં આવ્યા. રીનાએ સામે દોડી જઈને પૂછ્યું.... 'કાકા વાસવ ક્યાં છે ? કાંઈ પતો લાગ્યો ખરો ?'
કાકાએ જવાબ આપ્યો નહીં. એમના મૌનમાં જ રીનાને જવાબ જડી ગયો.
અને તે રાત્રે એના ઘરે રસોઈ બની નહી.
રીના આજે આખી રાત ઊંઘી ન શકી. આખી રાતનો ઉજાગરો એની આંખે ડોકાતો હતો. જડ્વત શી કલાકો સુધી એ એમ ને એમ બેસી રહી.
રીના જેને ચાહતી હતી, જેના માટે એણે બધું છોડ્યું હતું, એના મનમાં, અણુ અણુમાં એ એનો પ્રિયતમ વસ્યો હતો. જેની ઝીણી ઝીણી વાતો એને ગમતી હતી. અને એ વાતને એ કંજૂસના ધનની જેમ તે એના હૈયામાં સંઘરી રાખતી હતી. એ એનો સાજન, એનો પ્રિયતમ, એનો હૃદયનાથ, એના દેહનો સ્વામી, એનો સર્વસ્વ વાસવ હજી સુધી આવ્યો ન હતો.
ગળામાં આવેલું ડૂસકું પાછું ઉતારવાની એણે કોશીશ કરી પણ એ તો બહાર આવી જ ગયું. એને એ પણ કશો ખ્યાલ નહોતો. પણ હથેળી પર એની ભીનાશ લાગી ત્યારે એને સમજાયું.
એની આંખો રોતી હતી. મન બેબાકળું બન્યું હતું.
અને....
બુદ્ધિ... બુદ્ધિ તો જાણે થીજીને હિમાલય બની ચૂકી હતી. એને કશુંજ સૂઝતું ન હતું.
સાવ યંત્રવત એણે ટચલી આંગળીથી આંસુના ટીપાં આંખમાંથી ખેરવ્યા.
આંગળીને ટેરવે જાતને સમતોલ રાખવા મથતા એકાદ આંસુને અંગુઠાથી દબાવીને એણે દૂર ફંગોળી દીધું. અને ફંગોળેલા આંસુને જમીન પર પડતા જોઈ રહી....માટી સાથે ભળી જતા આંસુને બસ એમજ આંસુ નીતરતી આંખે જોઈ રહી.
એક આંસુ... ! બીજું... ત્રીજું... ને પછી તો જાણે આંસુની અણખૂટ ધારા...
બીજો દિવસ આખો પસાર થઈ ગયો છતાં વાસવ આવ્યો નહી.રીનાની આતુર આંખો વાસવની વાટ જોતા જોતા થાકી.
સલૂણી સંધ્યાયે આવી પહોંચી ને વિદાય પણ થઇ ગઈ. પૃથ્વીના વિશાળ પટ પર અંધકાર છવાયો,અને એના જીવનમાં પણ... રીના નિરાશ થઇ ગઈ. ઉદાસ થઇ ગઈ...
એનું આશાભર્યું હૈયું ભાંગતું જતું હતું....
ગણ્યા ગણાયે નહીં તેટલા સપનાઓ એના હૈયામાં વસ્યા હતા... તે સપનાઓ આજે રોળાય ગયા હતાં... સપનાઓના ટુકડે ટુકડા થઇ ગયા હતાં... અરમાનો વેરવિખેર થયા હતા...
એ વિરહાતુર બનીને વાસવને શોધતી હતી... દિવસો પસાર કરતી હતી... જે કોઈ મળે તેને પૂછતી..., 'મારો વાસવ ક્યાંક ચાલ્યો ગયો છે.. તમે જોયો છે એને.. ? તમને ખબર છે મારો વાસવ ક્યાં છે ?ખબર હોય તો પ્લીઝ કહોને મારો વાસવ ક્યાં chhe?હું ઘણા દિવસથી શોધું છું.. એ ક્યાંય મળતો નથી.. ' કહેતા કહેતાં હંમેશા એની આંખો ભરાય આવતી.
બિચારી માં ! બીમાર માં !પુત્ર વિયોગે ખૂબ દુઃખી થઇ જતી. પોતાના ઘડપણની લાકડી સમાન પુત્રની ક્યાંય ખબર નહોતી. લાડકાં પુત્રના આમ ક્યાંક ચાલ્યા જવાથી એ દુઃખી દુઃખી થઇ ગઈ હતી.
એને પોતાના દુઃખ કરતા ભાવિ પુત્રવધુનું દુઃખ વધારે સતાવતું હતું. એ વિચારતી હતી, ' હું તો સૂકું પાન, આજે છું ને કાલે નહીં પણ આ રીનાનું શું થશે ?આજ સુધી બિચારીએ મારી બહુ સેવા કરી છે. હજી તો એ બાળક છે. એની આખી જિંદગી પડી છે. 'એમ વિચારી તે રીનાને નજીક બોલાવી કહેતી કે,
' બેટા રીના, અહીં આવ, મારી પાસે બેસ, મારી વાત સાંભળ બેટા. '
'શી વાત છે માં ? બોલો માં બોલો.
' બેટા મારી એક વાત માનીશ ?'
'બોલ માં બોલ. તમારું વચન મારા માટે આજ્ઞા સમાન હશે. '
'તો સાંભળ બેટા... હું તો પાકેલું પાન છું... ક્યારે ખરી પડું એ કાંઈ કહેવાય નહીં. પણ બેટા તારી સામે તો આખી જિંદગી પડી છે. માટે તું તારે પિતાના ઘરે ચાલી જા બેટા. '
' ના માં ના, એ ક્યારેય નહીં બને માં, માં મને જવાબ આપો કે આજ દિન સુધી તમારી સેવા માં મેં ક્યાંય ઉણપ રાખી છે કે તમે મને જવા માટે કહો છો. ? માં એ કદાપિ નહીં બને, હું તમને છોડીને ક્યાંય જવાની નથી. માં મારાથી કાંઈ ભૂલ થાય તો બે થપ્પડ મારી દેજો ભુલ સુધારી લઈશ. પણ માં મને ક્યારેય અહીંથી જવા માટે ન કહેશો માં. ને માં આપણો વાસવ ક્યાં નથી આવવાનો ? એ જરૂર આવશે માં, ને મને અહીં નહીં જોઈ ને એ પરેશાન થઈ જશે માં, મારુ દિલ કહે છે એ જલ્દી પાછો આવશે. '
અને રીનાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.
થોડા દિવસો બાદ રીનાના પિતા રીનાને લેવા માટે આવ્યા, રીનાએ જવાની ધરાર ના પાડી દીધી. એણે પિતાને કહ્યું.
' પિતાજી હવે તો આજ મારુ ઘર છે. ભલે નાનું રહ્યું પણ એ મારા વાસવનું ઘર છે. હું અહીંથી ક્યાંયે જવાની નથી પિતાજી. ' પિતા ની લાખો કોશિશ છતાં એ ગઈ નહીં.
આજે વાસવની માંની તબિયત વધુ લથડી હતી. સવારે એ જમ્યા પણ નહીં.
સાંજે રીનાને નજીક બોલાવી ફરી પિતાજીના ઘરે ચાલ્યા જવા સમજાવતા કહ્યું.
' બેટા હજી પણ કહું છું તું પિતાના ઘરે ચાલી જા. તારી સામે તો પુરી જિંદગી પડી છે. તે હજી સંસારના સુખ માણ્યાજ ક્યાં છે ? બેટા તું તો સમજણી છે... હજી પણ સમજ... મને લાગે છે કે હવે હું ઝાઝું નહીં જીવું. બેટા તું તારા પિતાજીના ઘરે ચાલી જા. ત્યાં બધી સુખ સુવિધા તને મળશે. '
'સાચી વાત છે માં, ત્યાં બધું જ મળશે... પણ માં ત્યાં તમે નહીં હોવ, ત્યાં વાસવ નહીં હોય ! અહીં જેવી વાસવની ભળેલી યાદો વાળી હવા નહીં હોય... ત્યાં વાસવની યાદોના યાદસ્તંબ સમાન લીલી લીલી ટેકરીઓ ન હોય, ઊંચા ઊંચા પર્વતો ન હોય...નદી.. નદીની ભેખડો ન હોય... ખીણ અને એ ગુલમહોર.. એ લીમડો ન હોય માં. અને માં વાસવ વગર, વાસવની યાદો વગર તો જિંદગીજ શી માં ?
'પણ બેટા હું ઝાઝા દિવસ નહિ.. '
' નહિ માં નહિ, આવું ન બોલો માં, આવું અમંગળ ના બોલો.માં આ ઘર હું જિંદગીના આખરી શ્વાસ સુધી નહિ છોડું. એ ઘરમાં, એ ઘરની દીવાલોમાં, મારી યાદો, મારા વાસવ ની સ્મૃતિ છુપાયેલી છે. આ મારા વાસવનુ ઘર છે તેથી આ ઘર મારા માટે ઘર નહિ મંદિર છે. એ મંદિર ને છોડીને હું ક્યાંય નહિ જાઉં માં. '
અને એ ગોઝારી સંધ્યાએ વાસવની માંની જિંદગી નો સૂર્ય અસ્ત થઇ ગયો.
રીના રડી... ખૂબ રડી... એને ગબરામણ થતી હતી. સર્વત્ર અંધકાર જણાતો હતો. કશું સૂઝતું નહોતું !પણ... એના આંસુ લૂછનાર વાસવ ત્યાં નહોતો. એ એકલી પડી ગઈ હતી. એનો સાથ આપનારી એક માં જ હતી. એ પણ એને છોડીને ચાલી ગઈ હતી.
રીના રડતી... કલ્પાંત કરતી. પ્રભુને પ્રાર્થના કરતી કે વાસવને જલ્દી મોકલી દો ભગવન... મારુ અહીં કોઈ નથી...
વળી પાછી મન મનાવતી...
' વાસવ ભલે ચાલ્યો ગયો. પણ એમની યાદો તો છે ને ! એમની સ્મૃતિ નો ખજાનો મારી પાસે અતૂટ છે. વળી એ પહાડો, એ નીલી ભૂરી ટેકરીઓ, એ ઝાંપો, ઝાંપાના વૃક્ષો...શું એ વાસવ ની યાદો સાચવીને નથી બેઠા ? એ બધા તો વાસવ ના પ્રિય હતાં.. અને એ બધાનો વાસવ પ્રિય હતો.. તેથી જ તો વાસવ હતો ત્યારે કેવા ખીલ્યા ખીલ્યા રહેતા... જવાના થોડા દિવસ પહેલાં જ તો એ ગુલમ્હોરનો છોડ લાવ્યો હતો. ને રોજ એને પોતાના હાથે જ પાણી પાતો હતો. એ ગુલમહોર પણ હવે તો ઉદાસ ઉદાસ રહે જ છે ને એ યાદો સાથે...
બસ આમને આમ જ પોતાની જાત સાથે વાતો કરતી... પોતાની સાથે જ રીસામણા મનામણાં કરતી રીના હરપળ ઉદાસ વદને વાસવની રાહ જોયા કરતી હતી...
વળી ક્યારેક ફરિયાદ ના સૂર માં વાસવના ગયા પાછી નિર્જીવ થયેલી દીવાલો ને તાકીને કહ્યા કરતી... ' એય તમેય વાસવને યાદ કરો છો ને, હુંયે કરું છું.. બહુ યાદ આવે છે.. એને જોવા આંખો તરસી ગઈ છે... એનાં આવવાના સુનાં માર્ગ ને જોઈ આંખો થાકી ગઈ છે... હું જ નહિ... આ તમે, આ ઘરની છત, આ પહાડો, આ ટેકરીઓ, એ પેલો લીમડો... આ ગુલમહોર.. એ આ આ ઝાંપો... ઝાંપો પણ ઉદાસ છે... 'કહેતાં કહેતાં જોર જોરથી રડી પડતી ને ઉદાસ ઝાંપા ને જોઈ રહેતી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED