KHELADI NUMBER ONE books and stories free download online pdf in Gujarati

ખેલાડી નંબર વન

વાર્તા-ખેલાડી નંબર વન લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9601755643

યોગેશ્વર લેબોરેટરી ફડચામાં ગઇ એ સમાચાર માર્કેટમાં આવ્યા અને શહેરમાં જોરદાર હોબાળો મચી ગયો.લોકોએ કંપનીનો ગ્રોથ જોઇને અને માલિકો ઉપર વિશ્વાસ મુકીને પોતાની જીવનભરની બચત થાપણ તરીકે મુકી હતી એ લોકો રાતોરાત રોડ ઉપર આવી ગયા હતા.કોઇ માનવા તૈયાર નહોતું આ વાત પણ કંપનીના દરવાજે લટકતા તાળા જોઇને લોકોની આંખો ના ડોળા બહાર આવી ગયા હતા.જેના ઉપર આંધળો વિશ્વાસ મુકીને લોકોએ ખોબલે ખોબલે રૂપિયા આપ્યા હતા એ કંપનીના માલિક રજનીકુમાર લાપતા હતા.કંપનીના કર્મચારીઓ ના છ મહિનાના પગારના રૂપિયા પણ ફસાયા હતા.લોકો આશ્ચર્ય માં ગરકાવ હતા કેમ કે બહાર તો એવી વાતો થતી હતીકે કંપની સો કરોડનું ટર્નઓવર ધરાવેછે અને હવે તો એક્ષપોર્ટના ઓર્ડર મળ્યા છે એટલે કંપની મોટો નફો કરશે.અને ટૂંક સમયમાં કંપની I.P.O.લાવી રહીછે.તો પછી આ દેવાળું ફૂંક્યું કેવી રીતે.લોકોના મોઢે તો એકજ વાત હતી કે રજનીકુમાર લોકોના રૂપિયા હડપ કરીને ફોરેન ભાગી ગયો છે.

શહેરની ત્રણ બેન્કો ના રૂપિયા ફસાયા હતા.કંપનીના ગોડાઉનો ઉપર કઇ બેન્ક સીલ મારે તેવો પ્રશ્ન ઊભો થયો હતો કારણકે રજનીકુમારે ગોટાળો કરીને ગોડાઉનો માં ભરેલા માલ ઉપર ત્રણ અલગઅલગ બેન્કો પાસે ધિરાણ લીધું હતું.એકજ માલ ઉપર ત્રણ બેન્કો એ રૂપિયા આપ્યા હતા.હવે આ માલ ઉપર કોનો હક? બેન્ક ના અધિકારીઓ પણ ટેન્શન માં હતા કારણકે એકજ માલ ઉપર ત્રણ બેન્કોએ તપાસ કર્યા વગર ધિરાણ આપ્યું કેવી રીતે? એ મોટો પ્રશ્ન તપાસ વખતે થશે જ.અને એ વખતે જવાબદાર અધિકારીઓ ઉપર તવાઇ આવશે એ નક્કી હતું.

કંપનીના ગેટ આગળ પોલીસ મુકવી પડી હતી કારણકે લોકો દરવાજો તોડીને અંદર ઘુસવાનો પ્રયાસ કરતા હતા.પોલીસને સમજાવટથી કામ લેવું પડે એમ હતું કેમકે પૈસા ગુમાવીને દુઃખી થયેલાઓ ઉપર બળજબરી કરવી યોગ્ય નહોતી.ટોળામાં મુખ્યત્વે ચર્ચા એજ હતીકે આ સાલો રજનીકુમાર આપણા પૈસે જલસા કરતો હતો.મહિનામાં બે વાર ફોરેન જતો, મોટરકારનું નવું મોડલ બજારમાં આવે એટલે પહેલી ગાડી તેના ઘરના આંગણામાં જ હોય.પાંચ કરોડનો બંગલો બનાવ્યો અને અગિયાર રૂમમાં એ.સી.નંખાવ્યા ત્યારે લોકો વાહ વાહ કરતા હતા.એક વ્યક્તિ એવી વાત પણ લાવ્યો હતો કે લોકો પાસેથી થાપણો મેળવવા માટે આ ચીટરે ભાડેથી માણસો રાખ્યા હતા જે બજારમાં કંપનીની પ્રગતિના ખોટા ખોટા આંકડા લોકોને લાલચમાં લેવા માટે બતાવતા.અને લોકો લાલચમાં આવીને થાપણો મુકતા.માણસે માણસે અલગઅલગ વાતો હતી પણ લોકોના પૈસા ડૂબ્યા હતા એ હકીકત હતી.

રજનીકુમાર ના બંગલાના દરવાજે પણ તાળું લટકતું હતું.મોટોભાઇ દેવો બેફિકર થઇને ગામમાં ફરતો હતો પણ લોકોએ થોડી ધોલધપાટ કરી એટલે એ પણ ફેમીલી સાથે ભાગી ગયો હતો.બધાના મોબાઇલ પણ બંધ હતા.

શહેરના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર અગ્નિપંથ ના બાહોશ પત્રકાર કમ ડિટેકટીવ સુધીરશર્મા ને પણ ઘણા લોકો મળ્યા અને વિનંતી કરીકે આ ફ્રોડ કેસમાં રસ લઇને લોકોને મદદરૂપ બનો.શહેરના પી.આઇ.રઘુવીર સાહેબ નો પણ ફોન આવી ગયો હતો કે સાચી હકીકત બહાર લાવો.સુધીરશર્મા એ ભૂતકાળમાં અનેક કેસોમાં નીડરતા થી તપાસ કરીને ગુનેગારો ને પકડાવ્યા હતા.અગ્નિપંથ ન્યુઝ પેપર ના પત્રકારો જાસુસો જ હતા.સારા સારા વકીલો પણ સુધીરશર્માના સંપર્ક માં રહેતા કારણકે ગુનાઇત પ્રવૃત્તિઓ વિશે સાચી માહિતી તેમની પાસેથી મળી રહેતી.

સુધીરશર્મા અત્યારે કોઇ અગત્યના કેસની તપાસમાં હતા એટલે તેમણે લોકોને હૈયાધારણ આપીકે મને સમય મળશે એટલે હું આ બાબતે તપાસ કરીશ અને સાચી હકીકત બહાર લાવીશ પણ હવે તમે લોકો કાયદો હાથમાં લેશો નહીં.રજનીકુમાર પકડાય અને સાચી હકીકત જાણવા મળે ત્યાં સુધી કશું થઇ શકે નહીં.લોકોએ તેમની અપીલને માન આપ્યું એટલે પોલીસ ખાતાને રાહત થઇ.અને સુધીરશર્માએ પી.આઇ.રઘુવીરને ખાનગીમાં કહી દીધું કે આ કેસની તપાસ કરીને હું દસ દિવસમાં તમને રિપોર્ટ આપી દઇશ.

સુધીરશર્માએ પોતાની આગવી સ્ટાઈલ થી તપાસ ચાલુ કરી દીધી.જેમજેમ તપાસ કરતા ગયા તેમતેમ તેમના માટે કલ્પના બહારની હકીકત સામે આવતી ગઇ.આવું પણ હોઇ શકે? તેમને પ્રશ્ન થતો.કંપનીના કર્મચારીઓ, લેણદારો,દેવાદારો, થાપણદારો, કંપનીના બેન્કર્સ,કંપનીના ટેક્ષ કન્સલ્ટન્ટ,કંપની સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ,સપ્લાયર્સ,ડિસ્ટ્રીબ્યુટર્સ અને કંપનીની સેલ્સ ટીમ વિ.ને રૂબરૂ મળી ને વિગત એક્ઠી કરી અને રિપોર્ટ તૈયાર કર્યો.સાવ સહેલું દેખાતું કામ ઉકેલવામાં ભારે મહેનત કરવી પડી હતી.

દસમા દિવસે પી.આઇ.રઘુવીરના ટેબલ ઉપર બંઘ કવરમાં રિપોર્ટ પડ્યો હતો અને સામે સુધીરશર્મા હસતાં ચહેરે હાથમાં રૂમાલથી ગોગલ્સના કાચ સાફ કરી રહ્યા હતા.

પી.આઇ.રઘુવીરે ચા મંગાવી.થોડી આડીઅવળી વાતો કરી પછી રઘુવીરે જ કહ્યું ‌' સાહેબ, હું આપના રિપોર્ટ નો અભ્યાસ કરૂં અને ફરી આપણે મળીને ચર્ચા કરીશું'

'ઓકે સાહેબ મને કૉલ કરજો હું આવી જઇશ.' સુધીરશર્મા નીકળી ગયા.

પી.આઇ.રઘુવીરને ઘરે જઈને રિપોર્ટ વાંચવાની તાલાવેલી હતી.છેક રાત્રે દસ વાગ્યે રિપોર્ટ વાંચવા કાઢ્યો.

' જેઠાલાલ શેઠ સામાન્ય ખેડૂત માં થી પોતાની આવડતના જોરે સમૃદ્ધ જમીનદાર બન્યા હતા.ખેતી કરતાં કરતાં માલની લે વેચ કરતાં શીખી ગયા અને ખેડૂત માં થી વેપારી બની ગયા.પછીતો એમની વૃત્તિ માત્ર પૈસા કમાવવાની જ થઇ ગઇ.ખેડુતોને ખેતી માટે ઊંચા વ્યાજે રૂપિયા ધીરવાના ચાલુ કર્યા.અને જો પાક નિષ્ફળ જાય અને ખેડૂત પૈસા ચૂકવી ના શકે તો તેની જમીન, મકાન કે દરદાગીનો જે અવેજમાં મૂક્યું હોય એ હડપ કરી લેવાનું.આ રીતે જેઠાલાલ સમૃદ્ધ બની ગયા હતા અને પાંચમાં પૂછાવા લાગ્યા હતા.બધાને ખબર હતી કે પાપની કમાઇ ભેગી કરીછે પણ વાઘ ને કોણ કહેકે તારૂં મોં ગંધાય છે.

એકવાર જે ખેડૂત કે અન્ય જરૂરતમંદ વ્યક્તિ તેમની પાસેથી વ્યાજે રૂપિયા લેતો એ જીવનભર એમનો દેવાદાર રહેતો.અભણ ખેડૂતો જમીનો ગિરવે મૂકીને પૈસા વ્યાજે લેતા અને જેઠાલાલ તેમની સહીઓ કરાવી લેતા.દસ હજાર રૂપિયા ધીર્યા હોય પણ એક મીંડું વધારીને એક લાખમાં સહી કરાવી લેતા.છેલ્લે વ્યાજનું વ્યાજ ઉમેરીને જમીન પડાવી લેતા.અને સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ માં થોડું દાન આપીને દાતા તરીકે નામના મેળવી લેતા.અને ગામમાં જે શક્તિશાળી અને માથાભારે માણસો હતા તેમને જેઠાલાલ સાચવી લેતા એટલે કોઇ વિરોધી તત્વો ફાવે નહીં.

એકવાર એક ગરીબ ખેડૂતની જમીન હડપ કરી પણ ખેડૂતે હિંમત કરીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી પણ જેઠાલાલે તેને બીજા કેસોમાં ફસાવીને જેલમાં પૂરાવ્યો હતો.ત્યારપછી કોઇએ જેઠાલાલ સામે ફરિયાદ કરવાની હિંમત જ કરી નહીં.

જેઠાલાલ શેઠની ઉંમર સીત્તેર થવા આવી હતી.સંતાનમાં બે દીકરા હતા પણ બંને બળ બુદ્ધિ માં નબળા હતા.મોટો દીકરો દેવો ભણ્યો પણ નહોતો કે ગણ્યો પણ નહોતો.બાપના પૈસા ઉડાડતો.અને પાછો ચરિત્રહીન હતો.માથે પડેલો મુરતિયો જ હતો.તેના મિત્રો પણ રખડેલ અને બધી વાતે પૂરા હતા.

નાનો દીકરો રજનીકુમાર ભણેલો હતો પણ ધંધામાં કંઇ ઉકાળે એવો નહોતો.એશ આરામી અને ઉડાઉ હતો.ઠાઠથી જીવવામાં માનતો હતો.એ જ્યારે કોલેજમાં ભણતો ત્યારે તેનો પૉકેટ મની ખર્ચ મહિને દસ હજાર રૂપિયા હતો.બજારમાં મોટરકારનું કોઇ નવું મોડલ આવે એટલે બે ચાર દિવસમાં એ ગાડી લાવી જ દેવાની.

જેઠાલાલ શેઠને આ ચિંતા કોરી ખાતી હતી.આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે પણ તેને સાચવવા માટે દીકરાઓ માટે કોઇ નવો ધંધો કરી આપવો પડશે.તેમને એમ હતું કે હું બેઠો છું ત્યાં સુધી દીકરાઓ ને કોઇ ધંધામાં સેટ કરી આપું.હરામની કમાણી માણસને જંપીને બેસવા દેતી નથી.નિરીક્ષણ કરીશું તો દેખાઇ આવશે કે બેઇમાની થી સમૃદ્ધ થયેલા માણસો સતત તણાવગ્રસ્ત અને ભયભીત જણાશે.

જેઠાલાલે તેમના વેપારી મિત્રો, વકીલો અને ઉદ્યોગપતિઓ ની સલાહ સૂચન મેળવીને શહેરથી થોડે દૂર જમીનના મોટા પ્લોટ ઉપર ભવ્ય બાંધકામ કરાવીને યોગેશ્વર લેબોરેટરી નામની કેમિકલ ફેક્ટરી ચાલુ કરી.અદ્યતન મશીનો, મોંઘુદાટ ફર્નિચર,દરેક ઑફિસમાં એ.સી.અને કમ્પ્યુટર.

પછીતો અલગ અલગ પોસ્ટ ઉપર વૅલ એજ્યુકેટેડ સ્ટાફની ભરતી કરી.

અને ફેકટરી નું ભવ્ય સમારંભ સાથે ઓપનીંગ કર્યું.વી.આઇ.પી.ઓ એ હાજરી આપીને શુભેચ્છાઓ આપી.અને રજનીકુમાર શેઠ બની ગયા.રજનીકુમારની ઑફિસ એટલી ભવ્ય બનાવી હતી કે વેપારી મિત્રો જોવા આવતા અને વાહ વાહ કરતા.રજનીકુમાર હવામાં ઉડી રહ્યા હતા.

કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નું ઉત્પાદન ચાલુ કર્યું અને અનુભવી સેલ્સમેનો ની ભરતી કરી.સારા કેમિસ્ટ, એન્જિનિયર,સેલ્સમેનો,કારકુનો ની ભરતી કરી પણ કંપનીના ચીફ એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા બે વર્ષથી જેઠાલાલ નું એકાઉન્ટ નું કામ સંભાળનાર નંદન નામના તેમના અત્યંત વિશ્વાસુ યુવાનની નિમણૂક કરી.નંદન અને રજનીકુમાર ની ઉંમર સરખી હતી.બંને એકબીજાને સારી રીતે ઓળખતા જ હતા.નંદન ઉપર જેઠાલાલ શેઠના ચાર હાથ હતા.નંદન ના મોંઢે કદી કોઇ કામની ના નહીં અને કોઇ કામની નાનમ નહીં.કોઇ પટાવાળો હાજર ના હોયતો પોતે રજનીકુમાર માટે ચા બનાવીને પણ આપી આવતો.રજનીકુમાર ના પાડતા પણ નંદન નો જવાબ એવો રહેતોકે તમેતો મારા મોટાભાઇ છો અને મોટાભાઇ માટે ચા બનાવવામાં નાનમ શેની? આ રીતે નંદન રજનીકુમાર નો પણ માનીતો બની ગયો.સરકારી ઑફિસમાં કે બેન્કો માં કામ પતાવવાના હોય એમાં નંદનની માસ્ટરી હતી.કયા અધિકારીને કેટલું કવર આપવું તે નંદન જ નક્કી કરતો અને એમાંથી પોતાની કટકી પણ કરી લેતો.ધીરે ધીરે નંદન ઑફિસમાં નંબર ટુ બની ગયો.સેલ્સ ટીમની મીટિંગ હોય કે ઑફિસ સ્ટાફની મીટિંગ હોય નંદન સર્વેસર્વા બનવા લાગ્યો.ચીફ એકાઉન્ટન્ટ તરીકે નો તેનો હોદ્દો હતો પણ કામતો કારકુનો કરતા હતા અને જશ નંદનને મળતો હતો.ઑફિસ છ વાગ્યે છૂટી જાય પણ નંદન નવ વાગ્યા સુધી ઑફિસમાં રોકાતો.રજનીકુમારને તો એમ જ હતું કે નંદન આ ઑફિસ માટે કેટલો ભોગ આપેછે.રજનીકુમારની જવાબદારી ઓ પણ પોતે ઉપાડીને ફરવા લાગ્યો.રજનીકુમારને તો આ ભાવતું હતું ને વૈધે કીધું એવું હતું.પોતે ફ્રી રહેતા એટલે જલસા કરતા.નંદન જાણતો હતો કે કોઇ વ્યક્તિ ને બરબાદ કરવો હોયતો તેને આળસું બનાવીદો.માલની ખરીદી ઉપર પણ તેને ધરખમ કમિશન બારોબાર મળવા લાગ્યું.કયા વેપારી પાસેથી માલ ખરીદવો તે નંદન નક્કી કરતો અને દલાલી ખાઇ જતો.

સરકારી અધિકારીઓ,બેન્કના અધિકારીઓ, સપ્લાયર્સ,ડિસ્ટ્રીબ્યુટર્સ વિ.હવે કંપનીના કામ બાબતે નંદનનો જ સંપર્ક કરવા લાગ્યા.રજનીકુમારને લાગતું કે નંદન કંપની માટે કેટલું કામ કરેછે.જેઠાલાલનો મોટો દીકરો દેવો જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે ફેક્ટરીમાં આવતો અને નંદન રજનીકુમાર ને કહીને તેને જોઇએ એટલા પૈસા આપી દેતો એટલે દેવાને પણ નંદન ગમતો.

કંપનીએ એકવાર પોતાના ડીલરો માટે ફંક્શન રાખ્યું હતું એ વખતે એક બે ડીલરોએ રજનીકુમાર નું ધ્યાન દોર્યું હતું કે ‘શેઠ,નંદન ઉપર વધારે પડતો ભરોસો મુકશો નહીં.’ આ વાત રજનીકુમારે નંદનને કરી કે તારી લોકો કેટલી ઈર્ષા કરેછે.બે દિવસ પછી આ ડીલરોની ડીલરશીપ કેન્સલ થઇ ગઇ.

સ્ટાફના માણસો ને ખબર હતીકે નંદને ચાલાકીપૂર્વક શેઠનો વિશ્વાસ જીતી લીધોછે અને કશું કામ કર્યા વગર બીજાઓએ કરેલા કામનો જશ પોતે મેળવી લેછે.સ્ટાફને દુઃખ તો ત્યારે થતું જ્યારે રજનીકુમાર મીટિંગ માં કહેતા કે નંદન જેવું નિષ્ઠાપૂર્વક કામ કરતાં શીખો.રજનીકુમાર કાચા કાનનો હતો અને નંદનની આંખે જ દેખતો હતો.કર્મચારીઓ તો અંદરોઅંદર વાતો કરતા કે કોઇ કર્મચારી શેઠનો ચમચો હોય એ સ્વાભાવિક છે પણ આપણો તો શેઠ જ નંદન નો ચમચો છે.કોઇ નંદન વિષે ચેતવવા જાય તો એ પોતે જ નંદન ને કહી દેછે.કોઇ કર્મચારી સારું કામ કરતો હોય અને ઈમાનદાર હોય પણ રજનીકુમાર તેના વખાણ કરવા લાગે તો ટૂંક સમયમાં તે કર્મચારી ઘર ભેગો થઇ જતો.પણ જે કર્મચારીઓ નંદન ની વાહ વાહ કરતા અને શેઠ આગળ પણ નંદન ના વખાણ કરતા તેમને નંદન ઘણા લાભ કરી આપતો.

કોઇ કર્મચારી ની નિમણુક કરવાની હોય કે કોઇને છૂટો કરવાનો હોય કે કોઇનો પગાર વધારવાનો હોય એ બધા અધિકાર નંદનના હાથમાં આવી ગયા.આનું પરિણામ એ આવ્યું કે કંપનીની પ્રોડક્ટ ની ગુણવત્તા બગડી અને એના કારણે વેચાણ ઘટ્યું.કંપનીના નફામાં ઘટાડો થવા લાગ્યો.નંદને રજનીકુમાર ને સલાહ આપીકે શેઠ, બજારમાં ટકી રહેવા માટે આપણે પણ બે સારા મેનેજરોની નિમણૂક કરવી જરૂરી છે.શેઠે મંજૂરી આપી.અને બે ઊંચા પગારદાર મેનેજર ની વાર્ષિક રૂ.પચાસ લાખના પગારના પેકેજ થી નિમણૂક કરવામાં આવી.બંને મેનેજરો માટે અલગઅલગ ગાડીઓ આપવામાં આવી.સ્ટાફમાં ચણભણ થવા લાગીકે મેનેજર ની જરૂર જ ક્યાં છે.કંપની મોટા ખર્ચના ખાડામાં ઉતરી રહી છે.પણ કોણ માને? મેનેજરોએ સ્ટાફને હેરાન કરવાનું ચાલુ કરી દીધું.કર્મચારીઓ પાસે રોજ નવા નવા રીપોર્ટ ની માગણી ચાલુ થઇ એટલે કર્મચારીઓ કામ કરવાને બદલે રીપોર્ટ બનાવવામાં વ્યસ્ત બની ગયા.કામ ખોરંભે પડવા લાગ્યું.

સ્ટાફ માં જે સારા અને ઉપયોગી માણસો હતા એ છૂટા થવા લાગ્યા.નંદન તેમની જગ્યાએ નવા માણસો ની નિમણૂક કરવા માંડ્યો.કામ બગડવા માંડ્યું.રજનીકુમાર ને તો આ બધી ગતિવિધિ ની કંઇ જાણકારી જ નહોતી.મેનેજરોને પણ સમજાઇ ગયું હતું કે નંદન સર્વેસર્વા છે.રજનીકુમાર તો હવે ફ્રી થઇ ગયા હતા એટલે ફોરેનની ટ્રીપો મારતા હતા.જેઠાલાલ શેઠ પણ ગુજરી ગયા હતા એટલે કોઇ ટોકનાર હતું નહીં.દેવો તો જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે નંદન પાસે આવતો અને નંદન તેને ખુશ કરીને મોકલી દેતો એટલે એને ધંધામાં કોઇ રસ જ નહોતો.

એવામાં કંપનીમાં ઇન્કમટેક્ષની રેડ પડી.રજનીકુમાર ગભરાઇ ગયા પણ નંદને બાજી સંભાળી લીધી.સવારથી મોડી રાત સુધી અધિકારીઓ સાથે રહી કામ પતાવ્યું.અધિકારીઓ ને પણ ખબર પડી ગઈ કે લેવડદેવડ ની વાત નંદન સાથે જ કરવી પડશે.અને એમજ થયું.ટેક્ષ ચોરી મુજબ ત્રીસ લાખ રૂપિયા ટેક્ષ તથા દંડ ભરવાનો નીકળ્યો.નંદનના શીખવાડ્યા મુજબ અધિકારીઓ એ શેઠ આગળ એવું કહ્યું કે નંદનભાઇ ના હોતતો પચાસ લાખ ભરવાના નીકળત.આમ સરકારી અધિકારીઓ સાથે પણ મિલીભગત ચાલુ થઇ.

રજનીકુમારે ત્રીસ લાખ રૂપિયા ભરી દીધા.ઇન્કમટેક્ષના અધિકારીઓ ને પણ નંદનના કહેવાથી એક લાખ રૂપિયા આપ્યા.અધિકારીઓ પણ ખુશ થઇ ગયા.

બે દિવસ પછી નંદનના બેન્ક એકાઉન્ટ માં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ તરફથી ટેક્ષ ચોરી ની માહિતી આપવાનું કમિશન જમા થઈ ગયું.રેડ નંદને જ પડાવી હતી‌ છતાં શેઠને તો એમજ હતું કે નંદન ના કારણે ઓછો ટેક્ષ ભરવો પડ્યો.

કંપનીમાં પૈસાની અછત વર્તાતી હતી.એવામાં નંદને શેઠને સૂચન કર્યું કે શેઠ હવે તમે નવો બંગલો બંધાવો.રજનીકુમારે કહ્યું કે ' ભાઇ નંદન અત્યારે પૈસાની અછત છે ત્યારે નવો બંગલો બંધાવું?'

નંદને કહ્યું ' શેઠ દેના બેંક ના મેનેજર ની ઇચ્છા છેકે આપણે ધિરાણ લઇએ.'

'પણ આપણને ગોડાઉન ઉપર બેન્ક ઓફ બરોડાએ તો ધિરાણ આપેલું જ છે.બીજી બેન્ક કેવી રીતે આપશે?'

'શેઠ,એ એમનો વિષય છે.આપણા ધંધાનો વિકાસ જોઇને બધી બેન્કો ધિરાણ આપવા તૈયાર થઇ ગઇછે તો શું કામ લાભ ના લઇએ?'

હકીકત માં બેન્કો ના અધિકારીઓને મળીને નંદન જ સમજાવતો હતો કે સાહેબ અમારી કંપની પાસે મોટા ઓર્ડર છે.ધિરાણ આપશો તો ફાયદામાં જ રહેશો.બેન્કો તો હંમેશા સારી કંપનીઓને ધિરાણ આપવાની તૈયારીમાં જ હોયછે.

આમ દેના બેન્ક માં થી દોઢ કરોડનું ધિરાણ મેળવ્યું અને પૈસા ધંધામાં રોકવાને બદલે શેઠના બંગલાનું બાંધકામ ચાલુ કરાવ્યું.શેઠના બંગલા ના બાંધકામનું મટિરિયલ ખરીદવાનું નંદનના હાથમાં જ હતું.

એકવાર કંપનીના પટાવાળા એ રજનીકુમાર ને કહ્યું કે' શેઠ, નંદનભાઇ આપના બંગલા માટે દોડાદોડી કરેછે અને ઑફિસની જવાબદારી પણ સંભાળેછે પણ તેમને જ પોતાનું ઘર ક્યાં છે? ભાડે રહેછે બિચારા.'

બીજા દિવસે સવારે નંદનને બોલાવીને રજનીકુમારે કહી દીધું કે આપણો એક પ્લોટ પડ્યો છે તેના ઉપર તારૂં મકાન બનાવવાનું ચાલુ કરીદે.જરૂર પડે એટલી રકમ કંપનીમાં થી લેજે અને તારી અનુકૂળતા મુજબ પગારમાં થી કપાવજે.' નંદને પટાવાળા ને તેનું કામ કરી આપવાના બદલામાં પાંચસો રૂપિયા વાપરવા આપ્યા.

આમ શેઠના બંગલાની સાથેસાથે નંદનનો બંગલો પણ બનવા લાગ્યો.શેઠના બંગલા માટે જે સામાન આવતો તેમાંથી જ નંદનનો બંગલો પણ બની ગયો.નંદનને લોનની જરૂર જ ક્યાં હતી? શેઠને કશું ભાન નહોતું કે કેટલી ચાલાકીપૂર્વક ચોરી થાયછે.

નંદને એક સાંજે રજનીકુમારને કહ્યું ‘શેઠ,આપણી પ્રોડક્ટ માર્કેટમાં ધૂમ ચાલેછે એટલે હવે ઉત્પાદન વધારવું પડશે.એ માટે બીજી કોઈ જગ્યાએ જમીન લઇને નવી ફેક્ટરી ઊભી કરવી પડશે.શહેરથી થોડે દૂર મેં એક પ્લોટ જોઇ રાખ્યો છે.મારા મિત્ર નો પ્લોટ છે.કિંમત તો એક કરોડ છે પણ આપણને પંચોતેર લાખમાં મળી જશે.તમે મંજૂરી આપોતો વાત ચલાવું.

રજનીકુમારે હા પાડી અને પંચોતેર લાખમાં સોદો પાકો થયો.હકીકતમાં આ જગ્યાની માલિકી નંદન ની જ હતી પણ તેના મામાના દીકરાના નામે વીસ લાખમાં લીધી હતી જે શેઠને પંચોતેર લાખમાં પહેરાવી.

ફરી પૈસાની જરૂર પડી એટલે કોર્પોરેશન બેન્ક માં થી બે કરોડનું ધિરાણ મેળવ્યું.છતાં પણ ધંધો ઠપ થઇ જવાના કારણે પૈસાની તકલીફ વધવા લાગી.હવે તો સપ્લાયર્સ પણ પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા એટલે નંદને નવો દાવ અજમાવ્યો.મોટા વેપારીઓ અને પબ્લિક પાસેથી લોન લેવાનું ચાલુ કર્યું.લોકોને કોણીએ ગોળ વળગાડીને ઘણી રકમ ભેગી કરી.કંપનીના લેણદારોને ગંધ આવી ગઇ હતીકે કંપની તકલીફ માં છે.કંપનીના લેણદારોને નંદને જ અમુક ભાડુતી માણસો મારફત વાત વહેતી કરેલી કે કંપની નુકશાન માં ચાલેછે.હવે લેણદારો ના નંદન ઉપર ફોન આવવા લાગ્યા હતા.રજનીકુમાર તો નંદન કહે એટલું જ કરતા હતા.બજારમાં હોબાળો થવાથી રજનીકુમાર ગભરાઇ ગયા હતા.એક બે કર્મચારીઓ એ શેઠને નંદન બાબતે ઇશારો કરી જોયો પણ બદલામાં તેમને નોકરી ગુમાવવી પડી.મેનેજરો પણ કંપનીની પડતીની જવાબદારી માથે આવે એ પહેલાં નોકરી છોડીને જતા રહ્યા.

નંદને શેઠને સૂચન કર્યું કે તમે પંદર દિવસ ફોરેન ફરી આવો અહીં હું સંભાળી લઇશ.રજનીકુમારે જતાં જતાં નંદન પ્રત્યે ચિંતા પણ વ્યક્ત કરીકે ‘મારી ગેરહાજરીમાં લોકો તને હેરાન કરી નાખશે એટલે તું પણ ક્યાંક જતો રહે.’ નંદને કહ્યું કે ‘શેઠ મેં આપનું નમક ખાધું છે અંત સમય સુધી કંપનીને વફાદાર રહીશ.’જતાં જતાં શેઠે ચેકબુકમાં સહીઓ કરી આપી.નંદને કહ્યું કે જેને પેમેન્ટ આપવા જેવું હશે એને ચેક આપીશ.શેઠને તો આંધળો વિશ્વાસ હતો.શેઠ પંદર દિવસની ટુર માટે રવાના થયા.

કંપનીના કર્મચારીઓ નો છ મહિનાથી પગાર બાકી હતો એટલે એમણે પગારની માગણી ચાલુ કરી અને કામ બંધ કરી દીધું.નંદનને તો આ જોઈતું જ હતું.નંદને બધા કર્મચારીઓ ને કહીં દીધુંકે શેઠ આવે ત્યારે પગાર માગજો.કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા.કોઇ સપ્લાયરનો પેમેન્ટ માટે ફોન આવે એટલે નંદન એમને રૂબરૂ બોલાવતો અને કહેતો કે કંપની પાસે મર્યાદિત ફંડછે.અને લેણદારો ઘણાછે.કોને પેમેન્ટ આપવું અને કોને નહીં તે મારા હાથમાં છે.લેણદારો સમજી જતા.જે મોટા લેણદારો હતા તેમને પૂરી રકમનો ચેક આપીને ત્રીસ ટકા રોકડા પરત લઇને પોતાનાં ખિસ્સાં ભરવા લાગ્યો.લોકો પાસે થી વ્યાજે લીધેલા ત્રણ કરોડ રૂપિયા આ રીતે લેણદારોને આપીને પોતે નેવું લાખ રૂપિયા કમાઇ ગયો.

હવે કંપની ખતમ થવાના આરે હતી.બજારમાં વાત ફેલાઇ ગઇ.લેણદારો અને ડિપોઝીટરો અને બેન્કો ફસાઇ.કંપનીના ગેટ આગળ ટોળેટોળાં આવવા લાગ્યા.છેવટે નંદને જ શેઠને ફોન કરીને જણાવી દીધું કે હમણાં તમે આવતા નહીં.હું પણ કંપનીના દરવાજે તાળું મારીને ભાગી જાઉં છું.' આખો રિપોર્ટ વાંચીને રઘુવીર અપસેટ થઇ ગયા.કોના ઉપર વિશ્વાસ મુકવો? એક કહેવાતા વફાદાર માણસે આખી કંપની ખતમ કરી દીધી.

પો.ઇ.રઘુવીર અને સુધીરશર્મા ફરી રૂબરૂ મળ્યા.તેમને માહિતી મળી હતીકે નંદન ક્યાંય ભાગી ગયો નથી.ગામમાં જ છે અને ગામથી થોડે દૂર ફાર્મ હાઉસ બનાવ્યું છે ત્યાં જ એની બેઠક છે.સાયકલ લઇને નોકરી ઉપર આવતો નંદન આજે બે બંગલા,એક ફાર્મ હાઉસ,એક સ્કોર્પિયો ગાડી,ત્રણ ટ્રેક્ટર,બે આઇશર ટ્રક અને છ દુકાનોનો માલિક બની ગયો હતો.

નંદનને રૂબરૂ મળવું એવું બંનેએ નક્કી કર્યું.

રવિવાર હતો.નંદનને સમાચાર મોકલ્યા હતા કે સુધીરશર્મા અને ઇન્સ્પેક્ટર મળવા માગેછે.નંદને સાંજે પાંચ વાગ્યાનો સમય આપ્યો.

બરાબર પાંચના ટકોરે ફાર્મ હાઉસના ગેટ માં સુધીરશર્માની ગાડીએ પ્રવેશ કર્યો.નંદને જ વિનંતી કરી હતી કે પોલીસ ની ગાડીમાં ના આવતા.લોકો મારા ઉપર શક કરશે.

નંદને આવકાર આપીને બંનેને સોફામાં બેસાડ્યા.નાસ્તો કરાવ્યો અને ઠંડું પીણું મંગાવ્યું. પછી થોડીવાર ચુપકીદી છવાઇ ગઇ.બંનેએ નોંધ કરીકે નંદન એક નંબરનો ખંધો અને લુચ્ચો માણસ તો લાગે જ છે.સામાન્ય ગરીબ માણસમાંથી કરોડપતિ બની ગયો અને કંપનીને બરબાદ કરી નાખી એ કોઇ કાચાપોચા નું કામ નહોતું.બનેલો બાવો હતો આ નંદન.છતાં ચહેરા ઉપર કોઇ ગુનો કર્યો હોય એવા હાવભાવ પણ નહોતા.

નંદને જ હળવાશથી શરૂઆત કરી' બોલો સાહેબો મને મળવાનું પ્રયોજન?

રઘુવીરે તપાસનો રિપોર્ટ નંદનના હાથમાં મુક્યો.નંદને રિપોર્ટ વાંચ્યો અને હસવા લાગ્યો.બંનેને નવાઇ લાગી.પછી સુધીરશર્માએ પૂછ્યું' મિ.નંદન એક વાત મગજમાં બેસતી નથી.શેઠના ચાર હાથ તમારા ઉપર હતા.તમે પાણી માગો ત્યાં દૂધ હાજર થતું.તમે કંપનીમાં નંબર ટુ હતા તો પછી આવું કેમ કરવું પડ્યું?'

નંદને આ સવાલના જવાબમાં સામે પ્રશ્ન પૂછયો' સાહેબ, મહાભારત ના શકુનિ વિષે આપને કેટલી જાણકારી છે? એ કૌરવો ના મામા હતા,. જુગટુ ના ખેલાડી હતા અને પાંડવોને જુગારમાં હરાવીને વનવાસ મોકલવામાં નિમિત્ત બન્યા હતા એટલું કે વધું જાણોછો?' પ્રશ્ન પૂછીને નંદને ધારદાર નજરે બંને સામે જોયું.નંદનની આંખોમાં જે ભાવ હતા એ અકળ હતા.

' મિ.નંદન, શકુનિ વિષે તમે કહ્યું એટલું જ અમે જાણીએ છીએ.વધુ જાણકારી હવે તમે જ આપો'

નંદને શરૂઆત કરી' શકુનિ ગાંધર્વ દેશનો રાજકુમાર હતો.શકુનિ ના બીજા નવ્વાણું ભાઇઓ હતા અને એક બેન ગાંધારી હતી.ગાંધારી અત્યંત સ્વરૂપવાન હતી.તેની સુંદરતા વિષે વાતો વહેતી વહેતી ધૃતરાષ્ટ્ર પાસે આવી.ધૃતરાષ્ટ્ર તરફથી માગું મોકલવામાં આવ્યું પણ ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાંધર્વ નરેશે માગું ઠુકરાવ્યું.ધૃતરાષ્ટ્રે ગાંધર્વ ઉપર ચડાઇ કરી.અને ધૃતરાષ્ટ્રે શકુનિના નવ્વાણું ભાઇઓની હત્યા કરાવી.માત્ર શકુનિ સંતાઇ ગયો હોવાથી બચી ગયો પણ તેણે સંતાઇને આ નરસંહાર જોયો હતો.છેવટે ગાંધારી સાથે લગ્ન થયા એ વખતે ગાંધારીએ ધૃતરાષ્ટ્ર ને કહ્યું કે મારો એક ભાઇ બચી ગયોછે એ હવે મારી સાથે હસ્તિનાપુર આવશે.આમ શકુનિ કાયમ માટે હસ્તિનાપુર આવ્યો.પણ તેણે મનમાં એક સંકલ્પ કર્યો હતો કે હું પણ એકદિવસ આ હસ્તિનાપુર ને મારી કુટિલ નીતિ થી ખતમ કરીને જંપીશ.પછીતો વર્ષો વિતતા ગયા.એકસો કૌરવો જન્મ્યા,મોટા થયા અને શકુનિ એ તેમના મનમાં પાંડવો વિષે ઝેર ભરીને દુશ્મનાવટ ઊભી કરી.હકીકતમાં શકુનિ કૌરવોનો દુશ્મન હતો.તેને પાંડવોની શક્તિ ની જાણકારી હતી અને સ્વયં શ્રીકૃષ્ણ પાંડવોના પક્ષે છે એટલે જો યુદ્ધ થાયતો જ કૌરવોનો સફાયો થાય.પછીનો ઇતિહાસ જગજાહેર છે.'

વાત પૂરી કરીને નંદને બંને ઑફિસર સામે જોયું.

રઘુવીરે પૂછ્યું'મિ.નંદન,શકુનિ ની વાર્તા કહેવા પાછળનો ઉદ્દેશ?'

નંદને ગ્લાસમાં થી થોડું પાણી પીધું.તેના ચહેરા ઉપરના હાવભાવ માં ઝડપથી ફેરફાર થઇ રહ્યા હતા.

' સાહેબ,મારા પિતાજી ગરીબ ખેતમજૂર હતા.મારા કાકા પણ ખેતમજૂર હતા.જેઠાલાલ શેઠના ખેતરમાં બંને મજૂરી કરતા હતા.અમારી પાસે થોડી જમીન તો હતી પણ વાવવા માટે પૈસા નહોતા એટલે પડી રહી હતી.જેઠાલાલ મજૂરો પાસે ઢોરની જેમ મજૂરી કરાવતો અને બદલામાં એટલું આપતો કે બે ટંક ના રોટલા પણ ના નીકળે.એવામાં મારી બા બિમાર પડી.સારવાર માટે પૈસાની જરૂર પડી.જેઠાલાલે અમારી જમીન ગિરવે રાખીને પૈસા આપ્યા.મારી બા તો બચી નહીં.હવે જેઠાલાલે મજૂરીની રકમમાં થી વ્યાજ કાપવાનું ચાલુ કર્યું.આવું ચાર વરસ સુધી ચાલ્યું.એકવાર મારા બાપાએ હિસાબ માંગ્યો તો જેટલી રકમ ધિરાણ લીધી હતી તેનાથી દસ ગણી રકમ ઉપર મારા બાપાની સહી કરાવી લીધેલી હતી.છેવટે અમારી જમીન પડાવી લીધી.મારા બાપા આ આઘાત સહન ના કરી શક્યા અને મરણપથારીએ પડ્યા.એમની અંતિમ ઘડીએ મેં એમને વચન આપ્યું હતું કે ' બાપા હું જેઠાલાલ ના કુટુંબ ને બરબાદ કરી નાખીશ.પાપની કમાઇથી અમીર બન્યોછે પણ હું એને રોડ ઉપર લાવી દઇશ.'

નંદને વાત પૂરી કરી.તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો.બંને ઑફિસર પણ હવે ઊભા થયા.નંદન સાથે હાથ મિલાવીને વિદાય લીધી.જતાં જતાં એટલું કહેતા ગયા કે તપાસ થાય ત્યારે સહકાર આપજો.કદાચ ફરી મળવાનું થશે.નંદને વિદાય આપતી વખતે સુધીરશર્મા ના કાનમાં ફૂંક મારીકે ‘સાહેબ,અગ્નિપંથ માં કશું નહીં છાપવા વિનંતી.અને તમારે કે પી.આઇ.સાહેબ ને જે કંઇ જરૂરિયાત હોય મને બેધડક કહેવરાવજો.’

રસ્તામાં બંનેમાં થી કોઇ કંઇ બોલ્યું નહીં.પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી સુધીરશર્માએ પૂછ્યું' સાહેબ,નંદન સામે કોઇ કાર્યવાહી ના થઇ શકે?'

‘ના ‘ રઘુવીરે કહ્યું.

‘પણ સાહેબ તમને હવે જાણ કરુંછું આ નંદને આપણી આગળ તેના બાપ નું જેઠાલાલે શોષણ કર્યું હતું એ જે વાત કરી એ બિલકુલ બનાવટી કહાની આપણને કહી છે.હકીકતમાં આવું કશું બન્યું જ નથી.જેઠાલાલ શોષણખોર જમીનદાર હતો એ વાત સાચી પણ નંદનના બાપની કોઇ જમીન હડપ કરી નહોતી.બિલકુલ ખોટી વાત છે.મેં પૂરી તપાસ કરીછે.તેણે કંપની સાથે ઠગાઇ જ કરીછે.નંદન ખેલાડી નંબર વન છે.અને સાહેબ મહાભારત ની શકુનિ ની મનઘડત કહાની આપણને બેવકૂફ બનાવવા કહી છે.’ સુધીરશર્મા એ જણાવ્યું.

' છતાં પણ ના.કારણકે નંદને ભલે નૈતિક ગુનો કર્યો છે પણ કાયદાકીય કોઇ ગુનો નથી કર્યો.ભલે સાવ ગરીબમાં થી આજે કરોડપતિ બની ગયો પણ કાયદેસર આપણે તેનું કશું બગાડી શકીએ એમ નથી.અઠંગ ખેલાડી છે.તેણે એકએક પગલું બહુ વિચારીને ભર્યું છે.તેણે ભ્રષ્ટ બુદ્ધિ થી દાવપેચ ખેલીને આખી કંપનીને બરબાદ કરી દીધી છે.છતાં પણ કાયદેસર આપણે લાચાર છીએ.ઉપરથી એણે તો રેડ પડાવીને સરકારની તિજોરીમાં રૂપિયા ભરાવ્યા છે.હવે રહી વાત બેન્ક સાથે, લેણદારો સાથે અને વેપારીઓ સાથેની ઠગાઈની તો તેની જવાબદારી તો કંપનીના માલિકો ની છે.જે કાર્યવાહી થશે એ રજનીકુમાર સાથે થશે.ધરપકડ પણ રજનીકુમાર ની જ થશે.એટલે હવે આપણે પણ આ વાત ઉપર પરદો પાડી દઇએ અને હું તમને પણ રિકવેસ્ટ કરૂં છું કે તમે પણ આ કહાની ન્યુઝ પેપરમાં છાપશો નહીં.'

સુધીર શર્મા એ હા તો પાડી પણ તેમનું મન માનતું નહોતું.પોતાની પત્રકારત્વની આખી કારકિર્દીમાં આવો રીઢો ઠગ તેમણે જોયો નહોતો.કરોડોનું કૌભાંડ કરવા છતાં તેણે કોઇ કાયદાકીય ભૂલ નહોતી કરી.એના વિરોધીઓ ઘણા હતા પણ કોઇની પાસે એની વિરુદ્ધ નો પુરાવો નહોતો.

સુધીર શર્માએ રીવોલ્વીંગ ચેર માં આરામથી લંબાવ્યું અને પટાવાળા ને કૉફી નો ઓર્ડર આપ્યો.કૉફી પીતાં પીતાં તેમના મોઢેથી અનાયાસે બોલાઇ ગયું’ ખેલાડી નંબર વન ‘

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED