Bharat ma bharat books and stories free download online pdf in Gujarati

ભારત માં ભારત

ભારત માં ભારત

શાન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ માં ભીડ હતી .ચારે તરફ ડર નો માહોલ હતો .સવાર થી ન્યૂઝ પેપર અને ચેનલ્સ માં બે દિવસ થી ચાલતા કોમી તોફાનો ની જ ચર્ચા હતી .અનેક લોકો માર્યા ગયા હતા . ઘણા ઘાયલ હતા .ભારે ઘસરા ના કારણે દર્દી ના ફક્ત બે સગા થી વધુ લોકો ને પ્રવેશ બંધી હતી. ત્યાં જ ગાડીઓનો કાફલો હોસ્પીટલ ના પટાંગણ માં પ્રવેશ્યો. કોઈ મોટી હસ્તી આવી હોય એવું લાગતું હતું. સ્ટાફ અને દર્દીઓમાં ચર્ચા ચાલુ થઈ .ગાડીના કાફલા માં સજ્જ આ વિસ્તાર ના સાંસદ શ્રી અંબારમ દ્વિવેદી હતા .જેને લોકો ‘અંબે’ ના નામ થી પણ સંબોધતા .

પત્રકારો તેને ઘેરી વળ્યા .

“શુ આ બે કોમ વચ્ચે નો વિખવાદ છે કે ચૂંટણી પેહલા નો દાવપેચ ?”

“જુઑ,આપનો આ ભારત દેશ બિનસાંપ્રદાયિક છે .એ તો તમે માનો છો ને?” એમને પત્રકારો ને સામે પ્રશ્ન કર્યો.

‘ હા ,સર ’ માઇક સાથે પત્રકારો જવાબ ની પ્રતિક્ષા માં હતા.

“આપણી સંસ્કૃતિ ભાઇચારા અને કોમી એકતા નું પ્રતિક છે. આ એક નાની ઘટના એ વિશાળ રૂપ લીધું છે અને મારી લોકોને વિનંતી છે કે શાંતિ જાળવી રાખે॰” નમસ્કાર કરી એ હોસ્પીટલ માં શુભેચ્છા મુલાકાત માટે આગળ વધ્યા.

સામે બેઠેલ એક સતાવનેક વર્ષના વ્યક્તિ તેને એકધારા તાકી રહ્યા હતા. એની આંખો માં ભારોભાર રોષ દેખાતો હતો. એ હતા ડો.આનંદ શર્મા . ”શું આજ છે મહાન ભારત ?”એ મનોમન બબળ્યા .એક માસુમ સ્પર્શે એના વિચારોને થોભવ્યા .સામે દશેક વર્ષની સીતા તેને ઢંઢોળી રહી હતી.

‘જુઓ ,ડોક્ટર કાકા આ ઢીંગલી ચીના ને બહુ ગમે છે .હું એને આપીશ .”

“શા માટે ?”

“એ મારો નાનો ભાઈ છે ને એટલે... “

“ચાલ જઈએ .પણ અવાજ ના કરીશ .” ડોક્ટર આનંદ ના અવાજ માં ભીનાશ હતી.

“ચીના હું આવી ગઈ .” એ હર્ષ થી સામે સૂતેલ સાતેક વર્ષના બાળક ને વ્હાલ થી વળગી પડી.

“આ લે આ ઢીંગલી , તને આ ગમે છે ને ?”

“હા” ચીના ના મુખ પર સીતા ને જોઈ ખુશી છવાઈ ગઈ.

ચીનો એનું હુલામાણું નામ. નામ પડેલું પણ સીતા એ. ચીબરું મોઢું એટ્લે નામ પડ્યું ચીનો. સાચું નામ અહમેદ યુસુફ પઠાણ.....

“ચીના, તું સાજો થઈ જઇશ ને પછી આપણે માતા ની ટેકરી પર રમવા જઈશું. અને હું તને લાસા લાડૂ પણ આપીશ.તને ખૂબ ભાવે છે ને.?”

“હા ,દીદી .” એની અનિમેષ આંખો સીતાને તાકી રહી હતી.

ડોક્ટર પ્રિતેશ રૂમ માં પ્રવેશ્યા. ખૂબ અનુભવી અને લાજવાબ ન્યૂરોસર્જન. રૂટીન ચેક એપ બાદ તેને ડો.શર્મા ને બહાર આવવા ઈશારો કર્યો.

“યુ નો ,ઈટ ઈજ એ કેસ ઓફ ઈંટ્રાક્રેનીયલ હેમરેજ વિથ સ્પાઇનલ ઈંજરી. સમયસર પહોચી ગયા તમે, નહી તો બાળક નું બચવાની સંભાવનાઓ ઓછી હતી એંડ ઈટ ઈજ ડ્યુ ટુ યુ, ડો. આનંદ ,વેરી વેલ ડન..નાવ વી આર ગોઇંગ ટુ ડુ સેકન્ડ સર્જરી એંડ ધીસ સ્પાઇનલ સર્જરી ઈઝ ટૂ કોંપ્લીકેટેડ .બાળક ની ડિસેબલ થવાની શક્યતાઓ વધુ છે .” ડો. પ્રિતેશે એક ઊંડો નિઃશ્વાશ નાખ્યો. અને ઓપરેશન થીયેટર તરફ આગળ વધ્યા.

ડો.આનંદ કાલ ની ઘટના થી હજુ બહાર નોહતાં આવ્યા .શું આ એકવીસમી સદી માં પ્રવેશેલો મનુષ્ય ખરેખર બુદ્ધિશાળી છે ? સહનશીલતા અને ધેર્ય સમય ના ઓળમ્બે કેમ નબળા પડે છે ?”

ત્યાં જ પી. આઇ. ઝાલા રૂમ માં પ્રવેશ્યા.

“કેમ છો ડો.શર્મા ?” ઈન્સ્પેકટર ઝાલા એ હાથ લંબાવતા કહ્યું.

“યસ ,ફાઇન .” ડો.આનંદ નો ઉતર થોડો નિરુત્સાહી હતો.

“ડો.શર્મા, અમે આ કેશ ની ડીટેઇલ જાણવા માંગીએ છીએ. એકવાર એફ.આઇ.આર .થઈ જાય પછી અમે આ કેસ ની પૂરી તપાસ કરીશું.”

“શું જરૂર લાગે છે ઈન્સ્પેકટર ઝાલા ? શું આ એક જ કેસ છે .જુઓ,ચારે તરફ હોસ્પીટલ માં બધા આ ઘટના ઑ થી પીંખયલા દર્દી ઑ જ છે .જે સાબીત કરે છે કે માનવો ની નફરતે માજા મૂકી છે..”

“હા ,હું સમજી શકું છુ .પણ તપાસ કરવી એ અમારી ફરજ છે. સો .પ્લીઝ અમને સહકાર આપો. “

“ઑ. કે. પુછો .”

“સાહેબ ,આ બાળક તમારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર ક્યારે આવ્યું ?તેની સાથે કોણ હતું? અને ત્યાં પણ કઈ તોફાન થયેલું હતું ? ઝાલા એ જાણે આખી ઘટનાને એકી સાથે સમજવા પ્રશ્ન નો મારો ચલાવ્યો.

હવે ડો.શર્મા કાલ ની એ ગોજારી ઘટના માં ખોવાઈ ગયા .એમને સવિસ્તાર વર્ણન કરવાનું ચાલુ કર્યું.

“તમે તો જાણો છો ને સાહેબ આ રાજકોટ જીલ્લા માં હું છેલ્લા વિસેક વર્ષ થી મેડીકલ ઓફીસર તરીકે પ્રાયમરી હેલ્થ સેન્ટર માં સર્વિસ કરું છું. જાણે હવે હું પૂરો ગુજરાતી બની ગયો છે .મારા વતન થી વધુ હું અહી ની માટી ની મહેક માં ઓતપ્રોત છુ. પણ કાળ ની ગોજારી ઘટનાએ મને અંદર થી જાણે હચમચાવી મૂક્યો છે .

“સાહેબ ,આ બાળક વિષે જરા વિસ્તાર થી વાત કરો ..” ઈન્સ્પેકટરે મુખ્ય મુદા ને છેડતા કહ્યું.

“હા ,સાહેબ ,કાલે સાંજે છ વાગ્યે હું ઑ. પી. ડી . પૂરી કરી મારા ક્વાટર પર આવ્યો. સાંજે આઠેક વાગ્યા ની આસપાસ કોઈ એ મારો દરવાજો ખખળાવ્યો.

“કોણ છે અત્યારે, કાલે સવારે આવજો. “ મે બેફિકરાઈ થી કહ્યું. પણ તેને ફરીથી દરવાજો ખખળવ્યો. મે ગૂસ્સા થી દરવાજો ખોલ્યો .સામે એક છોકરી લોહી થી લથબથ એક સાતેક વર્ષ ના બાળક ને તેડી ને ઊભી હતી. એના પાલવ ના સહારે ઊભો હતો તેનો પાંચેક વર્ષ નો નાનો ભાઈ ..

“જલ્દી થી ચાલો સાહેબ, આ ચીના ને બહુ લાગી ગયું છે॰ “

મે તુરંત ટોર્ચ લઈ સેન્ટર ખોલ્યું .અંદર ઇન્ડોર માં લઈ જઇ એનો ઘાવ સાફ કર્યો. પરંતુ તેના નાક માથી લોહી વહી રહયું હતું. મે હજુ ડ્રેસીંગ કરવાની શરૂઆત કરી કે સામેથી એક મોટું ટોળું દવાખાનાના પરિસર ને ભેદી અમારી તરફ આવી રહ્યું હતું.

“રેહવા દેજો સાહેબ ,ઈલાજ ના કરતાં હો.. “ ટોળાં માથી એક વ્યક્તિએ આદેશત્મક અવાજે કહ્યું.

“જુઓ ,ભાઈ આ ઈમરજન્સી કેસ છે .તાત્કાલિક સારવાર નહી થાય તો આ માસૂમ નું મૃત્યુ થઈ જશે .”

“આને મરી જવા દો .” એકે ઇન્ડોર માં ઘસી આવતા કહ્યું. એ લોકો પર જાણે ખૂન સવાર હતું. આ બાજુ બાળક ની તબિયત લથળતી જતી હતી. મે એમને વારંવાર વિનંતી કરી “ જુઓ , હું આ દવાખાના માં છેલ્લા વીશ વર્ષ થી સર્વીષ કરું છુ. તમે જરા મારી તો શરમ રાખો. મે અહી કેટકેટલા લોકો ને જીવાડયા છે.અને ડોક્ટર તરીકે આ મારૂ કામ છે. મને મારૂ કામ કરવા દો. પણ તેઓ માનવા તૈયાર ના હતા .આખરે મે પાસે પડેલા આઇ.વી. સ્ટેન્ડ ને હાથ માં પકડી ગર્જના કરી “ ખબરદાર ,જો કોઈ આગળ આવ્યું છે તો, જલ્દી થી પી .એચ .સી .નું કેમ્પસ છોડી દો .નહિતર હું પોલીસ ને ફોન કરું છુ . ‘ થોડી વાર તેઓની વચ્ચે ગણગણાટ ચાલ્યો બાદમાં તેઓ જતાં રહ્યા. મે તુરંત બાળક ના વાઈટલ્સ ચેક કર્યા .અને ડ્રેસીંગ કરી મારી કાર માં હોસ્પીટલ માં આ માસૂમ ને દાખલ કર્યો . ત્યાર લગભગ 9.15 જેવો સમય થયો હશે. ઈન્સ્પેકટર હજુ હું તો એ વિસામણ માં છુ કે આ મોટા શહેર ની આગ આપણાં આ નાના ગામ ને કઈ રીતે ભરખી ગઈ?” ડો .શર્મા હજુ વ્યથિત હતા .

“બાળક નું નામ શું છે? ” ઝાલા એ સીધો પ્રશ્ન કર્યો .

“એહમદ યુસુફ પઠાણ.. ઉમર સાત વર્ષ. “

“બાળક ને એના માતાપિતા વિષે ખ્યાલ છે ?” ઝાલા ના પ્રશ્ન માં પણ જાણે દુખ ની લાગણી સ્પસ્ટ વર્તાતી હતી.

“ના,કાલ એક ઓપરેશન થઈ ચૂક્યું છે .અને હજુ એક ઓપેરેશન બાકી છે .એના માતા પિતા ,મોટા ભાઈ બહેન ,અને વ્યોવૃદ્ધ દાદી આ ઘટના માં હોમાઈ ગયા .સામે પક્ષે પણ ઘણા લોકો નો નરસંહાર થયો.

“વેરી સેડ ..એન્ડ થેન્ક યુ ફોર યોર સપોર્ટ ડોક્ટર. “ આજે ઈન્સ્પેકટર ઝાલા ની આંખો માં પણ ભીનાશ હતી.

થોડા દિવસ વિત્યા. ચીના નું કરોડ્ર્જ્જુ નું ઓપેરેશન થઇ ગયું... પણ અચાનક એક દિવસ...

સીતા ની માં હરખ સાથે પી .એચ.સી. માં પ્રવેશી .

“સાહેબ ,આ લો પેંડા । આ વખતે 26 મી તારીખે આપની સીતાને બહાદુરી પુરષ્કાર આપવાના છે. અને મુખ્યુમંત્રી સાહેબ આવવાના છે , તમારે આવવાનું છે હો.. ડો .શર્મા સીતા ને અનિમેષ નજરે તાકી રહ્યા . જાણે એ આઝાદ ભારત ની પરિકલ્પના નું બીજ હતી. તેના માટે જ્ઞાતી ,ધર્મ થી પરે માનવતા હતી.

26 મી જાન્યુઆરી ,પ્રજાસતાક પર્વ ના દિવસે સ્કૂલ ને શણગારવામાં આવી. નિયત સમયે મુખ્યમંત્રીશ્રી આવી પહોચ્યા. સમારંભ માં બાળકો એ ખૂબ ઉત્કૃષ્ટ ગીત, નૃત્ય અને વક્તવ્ય રજૂ કર્યા. હવે વારો હતો એ પુરષ્કાર નો જેને મુખ્યમંત્રીશ્રી ને આ નાના ગામ સુધી ખેંચી લાવ્યા હતા . સ્ટેજ પર સીતા ના આવતા જ બધાએ એને તાળીઓ થી વધાવી લીધી .મુખ્યમંત્રીશ્રી એ સીતા ને બ્રેવરી પુરષ્કાર એનાયત કર્યો. સ્ટેજ છોડતા પેહલા આચાર્યશ્રી એ સીતા ને બાજુ માં બોલાવી . અને પૂછ્યું . ” બેટા, તારા માં આ હિમ્મત ક્યાથી આવી?”

“ચીનો ,મારો ભાઈ છે ને એટ્લે ..” એ સહજતાથી બોલી .સામે બેઠેલા અને મંચ પર ના તમામ મહાનુભાવોના હ્રદય જાણે રડી પડ્યા .આજે સીતા એ જાણે બધાની આત્મા પર વાર કર્યો હતો. તે સીધી વ્હીલચેર પર બેઠેલા ચીના પાસે ગઈ અને તેને આ પુરષ્કાર બતાવાવા લાગી . ત્યાર બાદ આચાર્ય શ્રી એ સમાપન માટે ડો.આનંદ શર્મા ને સ્ટેજ પર બોલાવ્યા. ડો. શર્મા એ સ્ટેજ પર આવી વિશાળ જનમેદની પર એક નજર નાખી. અને તેના મોંમાથી ઉદગાર સરી પડ્યા .

“મઝહબ નહી શીખાતા આપસ મે બર રખના....આ આપણી સીતા શું બોલી ને ગઈ એ તમે સમજ્યા હશો.. આપણાં આ ભવ્ય ભારત ના ઋષીમુનીઓથી લઈ આઝાદી ના લડવૈયા ઑ સુધી ના મહાન પુરૂષોએ જે આઝાદ ભારત ની પરિકલ્પના કરી હતી શું એ આ સપનાઓનું ભારત છે ?” આ ભારત..... હા ...જેમાં એક નહી પણ હજાર ભારત ધબકે છે. પરંતુ આજે આપણે તેના હજાર ટુકડા કરી નાખ્યા છે. જ્યાં સામાન્ય બાબતો અને સ્વાર્થ માટે રોજ એક નફરત ની બજાર ભરાઈ છે .પછી એક નાની ચિનગારી મોટું રૂપ ધારણ કરે છે .શું ખરેખર આ વ્યાજબી છે? ક્યાં ગઇ એ સવેંદંશીલતા અને અતૂટ ધેર્ય ...! સાચું કહું તો સીતા એ આઝાદ ભારત ની સાચી નાગરિક છે .જેના માટે માનવતા અને માતૃભૂમી થી મોટી કોઈ ચીજ નથી. હું ઉપસ્થિત અહિ સહુ લોકો ને એ અનુરોધ કરું છુ કે બધુ ભૂલી જઇ એ ભવ્ય ભારત ના સપનાઓને સાચા અર્થ માં ચરીતાર્થ કરીએ .અસ્તુ ...

કાર્યક્રમ સમાપ્ત થયો. મુખ્યમંત્રીશ્રી એ ડો.આનંદ શર્મા ની પીઠ થાબડી ..”ડોક્ટર સાહેબ ..યુ આર એ ગ્રેટ હ્યુમન એંડ ટ્રૂ ઇન્ડીયન .સરકાર ને આપ જેવા ઓફીસર પર ગર્વ છે ..” આટલું કહી એમને પ્રસ્થાન કર્યું .

ડો .શર્મા ની નજર સીતા અને ચીના પર સ્થિર થઈ. જાણે આજે બન્ને એ જીવન અને ભવ્ય ભારત બેઉ ને પામી લીધું હતું . અને ડો. શર્મા આ દુર્લભ ક્ષણ ને માણી રહ્યા હતા....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED