RONA MANA HAI books and stories free download online pdf in Gujarati

રોના મના હૈ

વાર્તા- રોના મના હૈ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

પુસ્તકાલય ની બહાર મુકેલા બાંકડા ઓ ઉપર સાંજે અને સવારે નોકરીમાં થી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝનો ભેગા થતા અને જાતજાતની વાતો કરીને સમય પસાર કરતા અને સારા નરસા અનુભવો વહેંચતા.યુવાનો પણ ગપાટા મારવા બેસતા.નરસિંહભાઇ નિવૃત્ત પોસ્ટ માસ્તર, મોહનભાઇ નિવૃત્ત શિક્ષક, રણછોડભાઇ નિવૃત્ત તલાટી અને સંતોષભાઇ કરિયાણા ના વેપારી હતા પણ ધંધો દીકરાઓ ને સોંપીને જાતે જ નિવૃત્ત થઇ ગયા હતા.આ ચાર બચપણથી જ જીગરજાન મિત્રો.ગામમાં બધાને આ ચાર જણની ભાઇબંધી ની ખબર.વર્ષો સુધી નોકરી ના કારણે છૂટા પડી ગયા હતા પણ હવે એકબીજા ના સુખદુઃખ ના સાથીદાર બની ગયા હતા.દિવસમાં એકવાર મળ્યા ના હોયતો ચેન ના પડે એવી નિ: સ્વાર્થ મિત્રતા.

આજે વસંતપંચમી નો તહેવાર હતો એટલે ચારે મિત્રો ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરીને પછી બાંકડા મીટિંગ માટે આવ્યા.થોડી આડીઅવળી વાતો કરી.એટલામાં રણછોડભાઇ બોલ્યા' મિત્રો, અલકમલકની વાતો તો આપણે બહુ કરીએ છીએ પણ આજે તો એક નવો વિચાર આવ્યો છે'

' કયો નવો વિચાર આવ્યો છે રણછોડભાઇ?' નરસિંહભાઇ એ હસતાં હસતાં પૂછ્યું.

રણછોડભાઇ થોડી ગંભીર મુખમુદ્રા ધારણ કરીને બોલ્યા ' મિત્રો, આપણે લંગોટિયા મિત્રો છીએ.યુવાનીના વર્ષો નોકરી ધંધાર્થે છૂટા પડી ગયા હતા.પણ હવે મૃત્યુ સુધી જુદા પડવાના નથી.મને આજે એવો વિચાર આવ્યો છે કે આપણે ચારે જણા પોતાના જીવનમાં બનેલી કોઇ એક એવી યાદગાર ઘટના કે જે દિલમાં કોતરાઇ ગઇ હોય,કદી ભૂલી ના શકાય એવી ઘટના કે પ્રસંગ પોતાના જીવનમાં બન્યો હોય એ જણાવે.આજનો આપણી વાતચીત નો વિષય આ રહેશે.'

બધા મિત્રો આ દરખાસ્ત સાંભળીને ખુશ થઇ ગયા અને સહમત થઇ ગયા.પછી નરસિંહભાઇ એ કહ્યું ' શરૂઆત સંતોષભાઈ ના જીવનમાં બનેલી ઘટના થી કરીએ.'

સંતોષભાઇ એ શરમાતાં શરમાતાં શરૂઆત કરી’ ભાઈઓ તમે તો જાણોછો હું છટ્ઠા ધોરણમાં ભણતો હતો એ વખતે જ મારા પિતાજીનો દેહાંત થઇ ગયો હતો.અમારું કુટુંબ કેટલું ઓશિયાળું થઇ ગયું હતું.’

‘ ભાઇ,તેં જે દુઃખ ભોગવ્યું છે અને જે સંઘર્ષ કર્યો છે તેના અમે સાક્ષી છીએ.સામી છાતીએ દુઃખ નો સામનો કરીને તું વિજેતા બન્યો છે એનું અમને ગૌરવ છે.’ મોહનભાઇ એ કહ્યું.

‘ હું જયારે છટ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે મેં મારા પિતાજી પાસે નવી સાયકલ લાવવાની માગણી કરી હતી.પિતાજીએ કહ્યું હતું’બેટા,તું એક થી પાંચ ધોરણમાં પાસ નંબર 1 થી ૩ માં આવ્યો છે.જો છટ્ઠા ધોરણમાં પણ 1 થી ૩ નંબરમાં પાસ થઇશ તો તારી સાયકલ પાક્કી.’

‘ પછી તો મેં સખત મહેનત ચાલુ કરી.વાર્ષિક પરીક્ષા એપ્રિલમાં આવે પણ ઓક્ટોબર મહિના આસપાસ મારા પિતાજીની તબિયત બગડી.દવાઓ કરાવવા છતાં પણ સુધારો ના થયો.પછી અમદાવાદ મોટા ડોક્ટરને બતાવ્યું.કેન્સર નો રીપોર્ટ આવ્યો.સાત મહિના સુધી દવા ચાલી.લાખો રૂપિયા ખર્ચાઇ ગયા.છેવટે માર્ચ મહિનામાં પિતાજીનું અવસાન થયું.અમારા કોઇ સગા કાકા કે મામા પણ નહોતા. મા અને ચાર નાના ભાઇ બહેન અમે અનાથ જેવા થઇ ગયા.એપ્રિલમાં પરીક્ષા આવી.પરિણામ આવ્યું.હું બીજા નંબરે પાસ થયો હતો.પણ સાયકલ કોણ અપાવે? કોને કહેવું ?આ કરૂણ પ્રસંગ હું આજ સુધી ભૂલી શક્યો નથી.’ વાત પૂરી કરીને સંતોષભાઇ પાંચ મિનીટ સુધી આંખો બંધ કરીને બેસી રહ્યા.મોહનભાઇ એ તેમના ખભે હાથ પસવાર્યો.અને જાહેરાત કરીકે હવે આજની મીટીંગ પૂરી.વધુ આવતીકાલે.

પછીના બે દિવસ બધા મિત્રો પ્રસંગોમાં રોકાયેલા હોવાથી મળી શક્યા નહીં.ત્રીજા દિવસે સાંજે ઓટલા પરિષદ મળી.સંતોષભાઇ એ જ કહ્યું કે આજે નરસિંહભાઇ તેમનો અનુભવ કહેશે.પણ નરસિંહભાઇ એ કહ્યું કે ‘હું છેલ્લે મારો અનુભવ જણાવીશ.આજે મોહનભાઇ નો વારો.’મોહનભાઇ એ હા પાડી.અને થોડો સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો.આંખો મીંચીને મનમાં શબ્દો ગોઠવતા હોય એવું લાગ્યું.

‘ મિત્રો,એ વખતે મારે નોકરીના માંડ પાંચ વર્ષ થયા હશે.હું પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં વર્ગ લેતો હતો.આજથી ત્રીસેક વર્ષ પહેલાં ની વાત છે.અઠવાડિયામાં બે દિવસ વિદ્યાર્થીઓ એ ગણવેશ પહેરીને આવવું એવો નવો નિયમ કર્યો હતો.પહેલા દિવસે મારા વર્ગમાં એક વિદ્યાર્થી ગણવેશ પહેર્યા વગર આવ્યો.મેં તેને ઊભો કરીને પૂછ્યું’ કેમ ગણવેશ પહેર્યા વગર આવ્યો છે?’ એ છોકરા એ ડરતાં ડરતાં કહ્યું’સાહેબ મારી બા બિમાર છે.એટલે કપડાં ધોવાના રહી ગયા હતા.હવેથી પહેરીને આવીશ.’ વર્ગ છૂટ્યા પછી એક વિદ્યાર્થીએ મને એકલો જોઇને કહ્યું કે ‘સાહેબ આ છોકરો જૂઠું બોલેછે એણે ગણવેશ સીવડાવ્યો જ નથી.’ મેં કોઇ જવાબ ના આપ્યો.

ત્રણ દિવસ પછી ગણવેશ નો દિવસ આવ્યો.આજે પણ પેલો વિદ્યાર્થી ગણવેશ પહેર્યા વગર આવ્યો હતો.મને ગુસ્સો આવ્યો.મેં તેને ઊભો કર્યો અને ક્લાસ વચ્ચે જ એક થપ્પડ મારી દીધી.એ રડવા લાગ્યો.તેને રડતો જોઇને બાજુમાં બેસેલો એક છોકરો બોલ્યો’સાહેબ,એના બાપા નથી.એની બા પાસે ગણવેશના પૈસા નથી’ એટલામાંતો રડતાં રડતાં આ વિદ્યાર્થી બોલ્યો’સાહેબ,મારી બા બિમાર છે.તેની દવામાં પૈસા ખર્ચાઇ ગયાછે.સાહેબ,મારી બા ને સાચવું કે ગણવેશ પહેરું? એ તો જેની બા બિમાર હોય એને ખબર પડે.સાહેબ તમારે બા છે?’

‘ સાહેબ,તમારે બા છે?’ એક નાના બાળકે કરુણાથી પૂછેલો આ પ્રશ્ન હું જીવનભર ભૂલી શક્યો નથી. મોહનભાઇ જાણે આજે જ આ પ્રસંગ બન્યો હોય એવા ભાવાવેશમાં આવી ગયા.


વાતાવરણ ને થોડું હળવું બનાવવા નરસિંહભાઇ એ ચા મંગાવી.ચા પીધા પછી બધા થોડા સ્વસ્થ થયા.હવે રણછોડભાઇ નો વારો હતો.બધા તેમની સામે જોઇને હસ્યા.પણ રણછોડભાઇ થોડા તણાવમાં હોય એવું દેખાતું હતું.એટલે નરસિંહભાઇ એ કહ્યું પણ ખરું’ ભાઇ,આજે ઠીક ના હોય તો કાલે વાત કરીશું’ પણ રણછોડભાઇ તેમનો અનુભવ કહેવા તૈયાર થઇ ગયા.

‘ મિત્રો, મારા મોટાભાઇ ત્રિકમભાઇ ને કાપડની દુકાન હતી એ તો તમે બધા જાણોછો.પછી તો આપણે બધા ઘણા વર્ષો સુધી વિખુટા પડી ગયા હતા.એટલે ખાસ મળી શક્યા નહોતા.ત્રિકમભાઇ ને ધંધો ધમધોકાર ચાલતો હતો.પણ કુદરત રૂઠી અને એક દિવસ સવારે તેઓ પથારીમાં થી ઉઠ્યા જ નહીં.ડોકટરે કહ્યું કે ઊંઘમાં જ હાર્ટફેઇલ થઇ ગયું છે.તમે લોકો બેસણામાં પણ આવ્યા હતા.ત્રિકમભાઇ નાં છોકરાં નાનાં.ધંધાની બાકી ઉઘરાણી મોટી હતી.ક્રિયાકરમ પતી ગયા પછી અમે ઘરના સભ્યોએ ભેગા થઇને ઉઘરાણી કરવા બાબતે ચર્ચા કરી.કારણકે ચૂકવવાના પૈસા ની ઉઘરાણી વેપારીઓ કરી રહ્યા હતા.એમને ચૂકવવા માટે બાકી ઉઘરાણી વસૂલ કરવી પડે એમ હતી.કેટલી ઉઘરાણી નીકળતી હતી એ ત્રિકમભાઇ જ જાણતા હતા. આખી દુકાન અને ઘર ફેંદી વળ્યા પણ બાકી ઉઘરાણીનો કોઇ કાગળ કે હિસાબ જડ્યો નહીં.ટેન્શન નું વાતાવરણ થઇ ગયું.જો ઉઘરાણીની વસૂલાત ના થાય તો ત્રિકમભાઇ નું કુટુંબ રોડ ઉપર આવી જાય એમ હતું.એક અઠવાડિયા સુધી શોધખોળ ચાલી પણ કોઇ કાગળ મળ્યો નહીં.બધા લમણે હાથ દઇને બેસી રહ્યા હતા.કોઇને કંઇ સૂઝતું નહોતું.ખાવાનું પણ હરામ થઇ ગયું હતું.મારાં આનંદીભાભી સરળ સ્વભાવનાં અને ભક્તિપરાયણ હતાં.તેમને જોઇને સહું જીવ બાળતા હતા.

પણ ત્રિકમભાઇ ના અવસાનના વીસમા દિવસે કોઇને કલ્પનામાં પણ ના આવે એવું બન્યું.ત્રિકમભાઇ નો બાર વર્ષનો દીકરો સવારે ઊંઘમાંથી જાગ્યો કે તુરંત આનંદીભાભી પાસે જઇને બોલ્યો’ બા,રાત્રે બાપા સપનામાં આવ્યા હતા.’ ‘શું કહેતા હતા બેટા?’ આનંદીભાભી એ દીકરાના માથે હાથ ફેરવીને પૂછ્યું.

દીકરો રડું રડું થતાં બોલ્યો’ મને કહ્યું કે તમે લોકો જે કાગળો શોધોછો એ ભગવાનના દેવઘરમાં માતાજીના ફોટાની પાછળ મુકેલા છે.’ ઘરના બધા સભ્યો ભેગા થઇ ગયા અને દેવઘરમાં માતાજીના ફોટાની પાછળ હિસાબની ડાયરી મળી.જેમાં ઉઘરાણી,દેવું,બચતો વિ.વિગતવાર લખેલું હતું.ત્રિકમભાઇ નો આત્મા કદાચ હવે મોક્ષગતિ પામ્યો હશે.

મિત્રો,આ પ્રસંગ હું જીવનભર ભૂલી શકું એમ નથી.’ આટલું બોલીને રણછોડભાઇ ખૂબ રડ્યા.મિત્રોએ એમને રડવા દીધા.થોડીવાર પછી મોહનભાઇ બોલ્યા’ ચાલો મહાદેવજીની આરતીનો સમય થઇ ગયોછે.દર્શન કરીને ઘરે જઈએ.’

બીજા ત્રણેક દિવસો સુધી મિત્રો બાંકડા ઉપર ભેગા ના થઇ શક્યા કારણકે નરસિંહભાઇ ને તાવ આવી ગયો હતો.ત્રણ દિવસ આરામ કરવાનું ડોકટરે જણાવ્યું હતું.

પાંચ દિવસ પછી મિત્રો મળ્યા.મોહનભાઇ એ પૂછ્યું’નરસિંહભાઇ જો તબિયત સારી હોય અને અનુભવ જણાવવાની ઈચ્છા હોય તો જ જણાવજો.ઉતાવળ નથી.’

‘ હવે તબિયત ઘોડા જેવી છે.મારો પ્રસંગ હું કહીશ’ નરસિંહભાઇ સ્વસ્થ દેખાતા હતા.

‘ ભાઈઓ, હું નવો નવો નોકરીએ લાગ્યો હતો.વિરમપુર નાનું ગામ,ગામ વચ્ચે પોસ્ટ ઓફિસમાં મારી નોકરી.ધીરે ધીરે ગામના માણસો સાથે સંબંધો બંધાતા ગયા.મારા વતનથી આ ગામ પંચોતેર કિલોમીટર દૂર હતું એટલે અપ ડાઉન કરવાનું ફાવે એમ નહોતું એટલે વિરમપુર માં જ રહેતો હતો.સાંજે નોકરીથી છૂટ્યા પછી લોકોને મળતો.મિત્રો પણ બનતા ગયા.અજાણ્યા ગામમાં હવે મને ફાવી ગયું હતું.’

‘ એકવાર લગ્નની સીઝનમાં મને ગામમાંથી એક કંકોત્રી મળી.સંબંધીની દીકરીના લગ્ન હતા અને રવિવારની રજા હતી એટલે હાજરી આપી.હું બીજા સંબંધીઓ જોડે જ મંડપ આગળ બેઠો હતો.જાન આવવાની તૈયારી હતી.મંડપ મહેમાનોથી ખીચોખીચ ભરેલો હતો.લગ્નની ચૉરી સુંદર શણગારેલી હતી.કન્યાપક્ષ ના લોકો બની ઠનીને જાન આવવાની રાહ જોઇ રહ્યા હતા.મ્યુઝિક પાર્ટી વાળા એક પછી એક સુંદર લગ્ન ગીતો ગાઇ રહ્યા હતા.આવા માહોલ વચ્ચે એક યુવાનને મેં ચૉરી આગળ ઉદાસ ચહેરે ઊભો રહેલો જોયો.શરૂઆતમાં તો મેં નોંધ ના લીધી પણ તેના ચહેરા ઉપર વેદના સ્પષ્ટ તરી આવતી હતી.મને થયું કે કન્યાપક્ષ નો કોઇ નજીક નો સગો હશે.પણ એક વ્યક્તિને પૂછતાં જાણવા મળ્યું કે ગામનો જ યુવાન છે કોઇ સગો નથી.એટલામાં જાન આવી અને આ યુવાન ઉપરથી ધ્યાન હટ્યું. મહેમાનો ને ચા નાસ્તો વહેંચાયો,વેવાઇઓ ગળે મળ્યા , સામસામે લગ્ન ગીતો ગવાયા. અને થોડીવાર પછી લગ્ન વિધિ ચાલું થઇ.ફરી મારી નજર પેલા યુવાન ઉપર ગઇ.અને હું ચમક્યો.એ યુવાન પરણવા બેસેલી કન્યા સામે ટગરટગર જોઇ રહ્યો હતો.તેની આંખોમાં ઝળઝળીયાં દેખાઇ રહ્યાં હતાં.અને કન્યા પણ આ યુવાન સામે એકધારી જોઇ રહી હતી.કન્યા નું ધ્યાન મુરતિયા માં હતું જ નહીં.કન્યા ના મુખ ઉપર લગ્ન નો હરખ દેખાતો નહોતો.તેના ચહેરા ઉપર આ યુવાનની ચિંતા સ્પષ્ટ દેખાઇ આવતી હતી.મને લાગ્યું કે અગ્નિદેવની સાક્ષી એ બે યુવાનો ના પ્રેમ ને દાહ અપાઇ રહ્યો છે.હું ઇચ્છતો હતો કે હજી પણ સમય છે આ બંને બળવો કરે અને આ લગ્ન અધૂરાં રહે અને આ બંને પ્રેમીઓ નું મિલન થાય.પણ એવું કશું થયું નહીં.અગ્નિદેવની સાક્ષી એ, ગવાતાં લગ્ન ગીતો વચ્ચે વરમાળા પહેરાવવા માં આવી, મંગળફેરા પૂરા થયા અને આ પ્રેમીઓ ની રહી સહી આશા ઉપર પાણી ફરી વળ્યું.કન્યાના ચહેરા ઉપરના હાવભાવ વર્ષો પછી પણ મને બરાબર યાદછે.
મારી નજર હવે યુવાનને શોધી રહી હતી.આખા મંડપમાં કયાંય દેખાતો નહોતો.પણ હવે શું કરવા રોકાય? તેના હૃદય માં કેટલી વેદના હશે? મારી નજર કન્યા ઉપર પડી તો તેની આંખો પણ તેના પ્રેમી ને શોધી રહી હતી.
જાન ની લકઝરી બસ ગામના પાદરે ઊભી હતી.જાનૈયાઓ બધા પાદરે આવી ગયા હતા.અમે પણ સૌ ની સાથે કન્યાવિદાય માટે આવ્યા.વરઘડિયાં ની ગાડી પણ આવી.ત્યાં તો મારી નજર પેલા યુવાન ઉપર પડી.કન્યાની નજર તેના ઉપર પડે એવી જગ્યાએ ઊભો રહીને તેના પ્રેમને વિદાય આપી રહ્યો હતો.માબાપને વળગી ને કન્યા રડી રહી હતી એ વખતે પણ તેની નજર આ યુવાનને જ શોધી રહી હતી.અને કન્યાવિદાય થઇ ગઇ.કન્યાને લઇને જઇ રહેલી ગાડી સામે જોઇ રહેલા એ યુવાનનો ચહેરો હું કદી નહીં ભૂલી શકું'
ચારે મિત્રો પોતપોતાના હ્રદય નો ભાર હળવો કરીને જાણે બોજામુક્ત થઇ ગયા હતા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED