Devil Return-2.0 - 26 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 26

ડેવિલ રિટર્ન-2.0

26

પોતાનાં પુત્ર અભિમન્યુને બચાવવા વરૂમાનવ બનેલો અર્જુન વેમ્પયરોનાં જહાજ પર આવી પહોંચે છે. અર્જુનને ઓળખવમાં અસફળ રહેલાં ક્રિસ, ઈવ અને ટ્રીસા ઉપર અર્જુન ભારે પડતો જણાય છે ત્યારે એની ઓળખ અચાનક છતી થઈ જાય છે. ટ્રીસા અભિમન્યુ ને લઈને અર્જુન સમક્ષ આવે છે જ્યાં અર્જુન અભિમન્યુનો અવાજ સાંભળી સ્તબ્ધ બની જાય છે.

અભિમન્યુને જોતાં જ અર્જુનનું બધું ધ્યાન હવે ફક્ત એનાં પુત્ર તરફ કેન્દ્રિત થાય છે.

"પપ્પા, આ તમે જ છો ને.. ?"અર્જુનનો વિચિત્ર દેખાવ જોઈ અભિમન્યુ અર્જુનની તરફ જોઈને બોલ્યો. ટ્રીસા એ અભિમન્યુને જણાવ્યું હતું કે ક્રિસ જોડે લડતો વરૂમાનવ બીજું કોઈ નહીં અર્જુન છે એટલે અભિમન્યુ એને એકવાર પપ્પા કહીને સંબોધે.

"હા, અભિ.. હું જ છું.. બેટા તું ઠીક તો છે ને.. ?"અભિમન્યુ તરફ આગળ વધતાં અર્જુને અભિમન્યુને પૂછ્યું.

"અર્જુન, ત્યાં જ ઉભો રહી જજે.. નહીં તો મને આ છરી તારાં દીકરાની ગરદન પર ફેરવતાં એક સેકન્ડ પણ નહીં લાગે. "અર્જુનને ચેતવતાં ટ્રીસા બોલી.

ટ્રીસાની આ ધમકી સાવ પોકળ નથી એ જાણતો અર્જુન પોતાની જગ્યાએ ઉભો રહી ગયો.. અભિમન્યુનો માસુમ ચહેરો જોઈ અર્જુન પળભર માટે એ ભૂલી ગયો કે અત્યારે એ વેમ્પયરોનાં જહાજ પર મોજુદ છે અને થોડાં સમય પહેલાં એને એકલાં હાથે વેમ્પાયર પરિવારને હંફાવી મુક્યો હતો.

"બોલો તમારે લોકોએ શું જોઈએ છે.. ?તમે જે કહેશો એ બધું કરવાં હું તૈયાર છું પણ મારાં અભિને તમે કંઈપણ ના કરશો. "આજીજીનાં સુરમાં અર્જુન બોલ્યો. આ એ અર્જુન હતો જેને ભગવાન આગળ પણ ક્યારેક આમ કનગડત નહોતી કરી પણ અત્યારે પોતાનાં પુત્ર અભિમન્યુ માટે અર્જુન બધું કરવાં તૈયાર હતો.

"તો અમને તારી જીંદગી આપી દે.. "ટ્રીસા ની તરફ આગળ વધતાં ક્રિસ બોલ્યો.

"કેમકે અમારાં ભાઈ-બહેનોની જીંદગીની કિંમત તારી જીંદગી જ હોઈ શકે છે.. "ઈવ ક્રિસની વાત ને આગળ ધપાવતાં બોલી.. ઈવ નાં હાથમાં થયેલી ઈજાનું દર્દ એનાં અવાજમાં મહેસુસ થઈ રહ્યું હતું.

"સારું.. તમે કહેશો એમ હું કરીશ પણ તમે મારાં પુત્ર અભિમન્યુને અહીંથી સહી-સલામત જવાં દેશો. "અર્જુન બોલ્યો.

"સારું.. "આટલું કહી ક્રિસે ટ્રીસાને અભિમન્યુને લઈ થોડે દુર જવાં સંકેત કર્યો.

ક્રિસનાં કહ્યાં મુજબ ટ્રીસા જહાજનાં છેડે જઈને ઉભી રહી ગઈ.. ટ્રીસાનાં હાથમાં રહેલી છરી હજુપણ અભિમન્યુની ગરદન પર અકબંધ હતી.

"ઈવ, ચલ ત્યારે આ અર્જુનને એનાં કર્યાની સજા આપી આપણાં ભાઈ-બહેનોની મોતનો હિસાબ ચૂકતે કરીએ.. "ઈવની તરફ જોઈ ક્રિસ બોલ્યો.

ઈવે ક્રિસની વાત સાંભળી હકારમાં ગરદન હલાવી અને અર્જુન પર છલાંગ લગાવી પોતાની જોરદાર લાત અર્જુનનાં છાતીનાં ભાગમાં મારી.. અર્જુન અત્યારે વરૂમાનવ હોવાથી એને આ લાતની વધુ અસર તો ના થઇ છતાં એને થોડું દર્દ જરૂર થયું. હજુ ઈવે આપેલી પીડામાંથી અર્જુન રાહત મેળવે એ પહેલાં તો ક્રિસે ઉપરાઉપરી મુક્કાઓ અર્જુનનાં પેટ ઉપર મારી એને ભારે ઈજા પહોંચાડી.

હવે તો ઈવ અને ક્રિસ બંને નિઃસહાય બનેલાં અર્જુનને માર્યા પહેલાં ભારે પીડાઓ અને યાતનાઓ આપવાં માંગતાં હોય એમ એમને અર્જુન પર એક પછી એક હુમલાઓ કરવાનાં શરૂ કરી દીધાં. એ લોકોનાં દાંત અને નહોરનાં ઘા અર્જુનનાં રૂંવાટીદાર શરીરને પણ રક્તરંજીત કરી રહ્યાં હતાં.

પોતાનાં પિતાની આ હાલત જોઈને અભિમન્યુ જોરજોરથી રડતાં-રડતાં 'પપ્પા-પપ્પા' ની બુમો પાડી રહ્યો હતો. અર્જુનની તરફ દોડવા જતાં અભિમન્યુને બળજબરીથી પકડીને ઉભેલી ટ્રીસા અર્જુનની આ દશા જોઈને મનોમન આનંદ મહેસુસ કરી રહી હતી.

"આ હરામીને હજુ વધુ મારો.. "વારંવાર આવું બોલીને ટ્રીસા ઈવ અને ક્રિસને વધુ આક્રમક બની અર્જુન પર હુમલો કરવાં ઉકસાવી રહી હતી.

એક પછી એક થયેલી ઈજાઓ હવે વરૂમાનવ બનેલાં અર્જુન માટે અસહ્ય બની ચુકી હતી.. એનાં કપાળમાંથી નીકળતું લોહી ચહેરા પર આવી રહ્યું હતું. પોતે ઈચ્છવા છતાં ઈવ કે ક્રિસ ને હાથ પણ નહોતો લગાડી શકતો જેની મજબૂરી અર્જુનનાં ચહેરા પરથી છતી થતી હતી.

એવામાં અચાનક ક્રિસે એક મોટું પાટિયું ઉઠાવીને અર્જુનનાં માથાનાં પાછળનાં ભાગમાં મારતાં અર્જુન ત્યાં જ જહાજનાં તૂતક પર ઢળી પડ્યો. જો સામાન્ય મનુષ્ય હોત તો એ તો ક્યારનોય સ્વર્ગ સિધાવી ગયો હોત પણ વરૂમાનવ બનવાથી પ્રાપ્ત થયેલી અસીમ શક્તિઓનાં લીધે જ હજુ અર્જુન આવી ગંભીર હાલતમાં પણ જીવિત હતો.

અડધો કલાક સુધી ઈવ અને ક્રિસે આપેલી એક પછી એક ઈજાઓ બાદ હવે અર્જુન અર્ધબેહોશીની હાલતમાં પડ્યો હતો. અભિમન્યુ પણ હવે રડી-રડીને થાકી ગયો હોય એમ એની આંખોમાંથી આંસુ નહોતાં આવી રહ્યાં પણ અર્જુનને થઈ રહેલી પીડાઓ જાણે એ પોતે ભોગવી રહ્યો હોય એમ એનો ચહેરો જોઈ લાગી રહ્યું હતું.

"ક્રિસ હવે આનો ખેલ ખતમ કરી દેવો જોઈએ.. . એટલે બ્રાન્ડન, જ્હોન, ડેઈઝી અને ડેવિડની મોતનો બદલો પૂરો થાય. "ઈવે નિઃસહાય પડેલાં અર્જુન તરફ જોતાં કહ્યું.

ઈવ ની વાત સાંભળી અર્જુન પર છેલ્લો ઘા કરી એનું કામ તમામ કરી દેવાનાં મનસૂબા સાથે ક્રિસ અર્જુનની તરફ આગળ વધ્યો. પોતાની તરફ આગળ વધી રહેલાં ક્રિસને જોઈ અર્જુન સમજી ગયો હતો કે આજે એનો અંતિમ સમય આવી ગયો છે. અભિમન્યુ અર્જુનની હાલત જોઈ પોતાનાં પિતાને છોડી દેવાની ગુહાર લગાવી રહ્યો હતો પણ બદલાની આગમાં સળગતા વેમ્પયરો જાણે બહેરા બની ચુક્યાં હતાં.

અચાનક ટ્રીસા એક જોરદાર ચીસ સાથે પોતાનાં શરીર પર હાથ ફેરવવા લાગી.. ક્રિસ અને ઈવ ટ્રીસાની આ હરકત જોઈ અચરજ પામી ગયાં કે એની સાથે થયું છે શું. ?

હજુ આ આંચકામાંથી એ લોકો બહાર આવે એ પહેલાં તો નાયક, અશોક અને જાની જહાજનાં તૂતક પર નજરે પડ્યાં. અર્જુનનાં ના કહેવા છતાં એની મદદે જવાનું નક્કી કરી ચુકેલો નાયક ફાધર વિલિયમને ચર્ચમાં ઉતારી, ચર્ચમાંથી હોલી વોટર લઈ દરિયાકિનારે આવવાં નીકળી પડ્યો.

દરિયાકિનારાથી થોડે દુર પોલીસ જીપ થોભાવી નાયક બાકીનાં પોલીસકર્મીઓ સાથે દરિયાકિનારે આવ્યો.. અર્જુન જહાજ પર હાજર હોવાથી દરિયામાં દૂર ઊભેલું જહાજ દરિયાકિનારેથી દ્રશ્યમાન થઈ રહ્યું હતું. નાયકે દરિયાકિનારે પડેલી એક નાવડીમાં બધાંને બેસી જવાં કહ્યું અને હલેસાં મારી એ નાવડી જહાજ તરફ લઈ જવાં જણાવ્યું.

નાયક અને એની ટીમ જોડે પોલીસ જીપમાં પડેલી મજબૂત દોરી પણ હતી. ધીરે-ધીરે શક્ય એટલી શાંતિથી એ લોકો જહાજની એ તરફ આવ્યાં જ્યાં ટ્રીસા અભિમન્યુને લઈને ઉભી હતી. ચંદ્રની આછી રોશનીમાં નાયક સમજી ગયો કે ટ્રીસા જોડે ઊભેલું બાળક અભિમન્યુ જ છે.

નાયકે ટ્રીસા ઉભી હતી એ જગ્યાથી થોડે દુર દોરીને હુક સાથે ભરાવી જહાજ પર ચડવાનું આયોજન કરી દીધું.. ઉપર ચડતાં પહેલાં નાયકે હોડીમાં બેસેલાં વાઘેલા અને જાનીને જણાવ્યું કે જેવો એ અશોક અને અબ્દુલ સાથે ઉપર પહોંચવા આવે ત્યારે હોલી વોટર ટ્રીસા ઉપર ફેંકવું. નાયકની ગણતરી પ્રમાણે બધું થયું અને અર્જુન પર બધું ધ્યાન રાખીને ઉભેલી ટ્રીસા હોલી વોટર પોતાનાં દેહ પર પડતાં જ ચિત્કારી ઉઠી.

"વાઘેલા, અભિમન્યુ ને પકડજે.. "આટલું કહી નાયકે અભિમન્યુને પકડી નાવડીની જોડે પાણીમાં સાચવીને ફેંક્યો.. વાઘેલા અને જાની આ માટે પહેલેથી તૈયાર હોય એમ એમને અભિમન્યુને બીજી જ ક્ષણે પાણીમાંથી ખેંચીને બહાર કાઢી લીધો.

જાની અને વાઘેલાને જોઈ અભિમન્યુનાં ચહેરા પર મોજુદ ડર ઓછો થયો અને એ રડતાં-રડતાં જાનીને ભેટી પડ્યો.

"સાહેબ.. અભિમન્યુ સુરક્ષિત છે, હવે તમે આ લોકોનો ખેલ પૂરો કરી દો.. "નાયકે અર્ધબેહોશીની હાલતમાં પડેલાં અર્જુનને ઉદ્દેશતાં કહ્યું.

ટ્રીસાની પીડા જેવી ઓછી થઈ એ સાથે જ ત્રણેય વેમ્પાયર ભાઈ-બહેનો હકીકતની દુનિયામાં પાછાં આવ્યાં. અભિમન્યુની ગેરહાજરી અને ત્રણ પોલીસકર્મીઓની હાજરી જોઈ એ ત્રણેય સમજી ગયાં કે એમની જોડે મોટો ખેલ ખેલાઈ ગયો છે.

ગુસ્સાથી એ ત્રણેય નાયક, અબ્દુલ અને અશોક પર હુમલો કરવાની મંછાથી આગળ વધ્યાં. એ લોકો હજુ નાયક, અબ્દુલ અને અશોકથી દસ ડગલાં દૂર હતાં ત્યાં અર્જુન એ લોકોનાં બચાવમાં ત્યાં વચ્ચે આવીને ઉભો રહી ગયો.

મોતનાં મુખમાંથી પાછો આવેલો અર્જુન હવે કોઈકાળે આ વેમ્પાયર પરિવારને બક્ષવાનાં મૂડમાં નહોતો.. પહેલાં અર્જુને નાયક, અબ્દુલ અને અશોકને સુરક્ષિત નાવડીમાં પાછાં જવાં જણાવ્યું અને પછી એક ગગનભેદી ત્રાડ નાંખી ક્રિસ, ઈવ અને ટ્રીસાને મેદાનમાં આવવાં લલકાર કર્યો.

અર્જુનની આંખોમાં ઉતરી આવેલું લોહી જોઈ ક્રિસ, ઈવ અને ટ્રીસા સમજી ગયાં હતાં કે હવે અર્જુન એ લોકોને જીવિત નહીં મૂકે.. આમ છતાં લડવા સિવાય કોઈ વિકલ્પ ના વધતાં એ લોકો અર્જુનની તરફ આગળ વધ્યાં.

પૂર્ણ રૂપે ઘવાયેલો હોવાં છતાં અર્જુન એ ત્રણેય વેમ્પાયર ભાઈ-બહેનો પર થોડી જ વારમાં ભારે પડતો જણાયો. અર્જુનની ગજબની શક્તિ આગળ એ ત્રણેય ઘૂંટણિયે બેસી ગયાં. કોઈનાં જોડે હવે અર્જુનનો પ્રતિકાર કરવાની શક્તિ વધી નહોતી. આમછતાં એ ત્રણેય ભાઈ-બહેનો પોતાની રહીસહી હિંમત ભેગી કરી જેમ-તેમ કરી કલાક સુધી અર્જુનનો મુકાબલો કરતાં રહ્યાં.

અત્યાર સુધી હજારો લોકોની હત્યા કરી એમનું રક્તપાન કરનારાં ત્રણેય વેમ્પાયર ભાઈ-બહેનો આજે પોતાની મોતને નજરો સમક્ષ જોઈ વિચલિત થઈ ચુક્યાં હતાં. અહીંથી બચવાનો માર્ગ હવે એ લોકોને નજરે નહોતો ચડી રહ્યો.

આખરે અર્જુનનાં વરૂમાનવ સ્વરૂપનો પહેલો શિકાર બની ઈવ.. અર્જુનનાં હાથે પહેલાં ઘવાયેલી ઇવની ગરદન અર્જુને એક ઝાટકામાં ધડથી અલગ કરી નાંખી. પોતાની નજરો સમક્ષ ઈવની આવી દુર્દશા જોઈ ક્રિસ અને ટ્રીસા હચમચી ગયાં.

ક્રિસ અર્જુનની સમક્ષ હાથ જોડી દયાની અરજી કરી રહ્યો હતો પણ અર્જુનને એની કંઈ પડી ના હોય એમ અર્જુને ક્રિસનાં છાતીનાં ભાગમાં પોતાનાં હાથનાં નહોર ઘુસેડી એનું હૃદય નીકાળી દીધું.. થોડી વારમાં તરફડીને ક્રિસ પણ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો જોડે પહોંચી ગયો.

પોતાનાંથી મોટાં છ ભાઈ-બહેનોની મોતની સાક્ષી બનેલી ટ્રીસા આવનારી મોતને હવે નજરો સમક્ષ જોઈને પુરી રીતે બઘવાઈ ગઈ હતી. અર્જુનનાં હાથે મરવાની પીડા ના ભોગવવી પડે એ હેતુથી ટ્રીસા એ જાણીજોઈને પોતાની જોડે રહેલી છરીને પોતાનાં હૃદયની આરપાર ઉતારી મુકી.

અર્જુન જાણતો હતો કે આ મૃત વેમ્પયરોને દફનાવવા માટે મીઠું કારગર નીવડે છે એટલે એને ઈવ, ટ્રીસા અને ક્રિસનાં મૃતદેહોને ઊંચકીને એમને સમુદ્રનાં પાણીમાં ફેંકી દીધાં. આખરે વેમ્પાયર પરિવારનો ખાત્મો કર્યાં પછી અર્જુન થોડો ઠંડો પડ્યો.

આખરે બે પહોર જેટલાં લાંબા સમય સુધી ચાલનારી આ લડાઈ બાદ વરૂમાનવ બનેલો અર્જુન સંપૂર્ણ રીતે થાકી ચુક્યો હતો. વેમ્પાયર પરિવારનો કાયમ માટે સફાયો થઈ ચૂક્યો હોવાનું વિચારી અર્જુનને ઘણી રાહત પહોંચી હતી. આ ઉપરાંત અભિમન્યુ પણ સહી-સલામત હોવાથી અર્જુન ખુશ જણાતો હતો.

અચાનક અર્જુન મોજુદ હતો એ જહાજ એક ઝાટકે અદ્રશ્ય થઈ ગયું અને અર્જુન સમુદ્રનાં ઠંડા પાણીમાં જઈ પડ્યો. વેમ્પાયર પરિવારનાં અંત સાથે જ એમનું જહાજ પણ નષ્ટ થઈ ગયું હોવાંનું અર્જુન સમજી ગયો હતો.

હવે પોતાનાં મૂળ સ્વરૂપમાં પાછું આવવાં પોતાને દરિયાકિનારેથી અડધો કલાક જેટલું ચાલીને ઝડપથી ચર્ચમાં પહોંચવાનું છે એવું યાદ આવતાં જ અર્જુને દરિયાકિનારા તરફ તરવાનું શરૂ કર્યું. હજુ છ વાગતાં હોવાથી અર્જુનને ઝાઝી ઉતાવળ નહોતી કેમકે સવાર પડવામાં હજુ બે કલાક જેટલો સમય છે એવું અર્જુનને હતું. અર્જુન માંડ દસેક ફૂટ આગળ વધ્યો હશે ત્યાં અચાનક દૂર ક્ષિતિજ પરથી આછો પ્રકાશ આવતો જણાયો.

"થોડી વારમાં સવાર થઈ જશે... !"અચાનક અંધકાર દૂર થઈ જતાં અર્જુનનાં મુખેથી આશ્ચર્ય સાથે આ શબ્દો સરી પડ્યાં.

*****

વધુ આવતાં ભાગમાં.

અર્જુન હવે આગળ શું કરશે. ? અર્જુન પોતાનાં મૂળ સ્વરૂપમાં આવી શકશે કે નહીં. ? આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED