એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 4 Pragnesh Nathavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 4

૨૦ જાન્યુઆરી, ૨૦૧૯

"હેલ્લો સર, આપની આજ સુધીની તમામ રચનાઓ મેં વાંચી છે. શરૂઆતની કવિતાઓના પ્રમાણમાં હવે વધુ સરસ લખો છો. મને પોતાને બહુ પ્રેરણા મળે છે આપને વાંચીને. શુભેચ્છાઓ." આવો મેસેજ આવ્યો ફેસબુક પર, મોકલનારનું નામ હતું "ઇન્સ્પિરેશન ફોરેવર". લોકો વિચિત્ર વિચિત્ર નામથી પ્રોફાઇલ બનાવતા હોય છે, આ મોકલનાર ભાઇ કે બહેન એ પુરુષ છે કે સ્ત્રી એ જ ના ખબર પડી. મારા માટે કોઇ સાવ અજાણ્યા વ્યક્તિનો આ પહેલો મેસેજ હતો મારી કવિતાઓ માટે. એટલે મનમાં આનંદ આનંદ થઇ ગયો. મેં પરત "આભાર" એવો જ મેસેજ કર્યો, પણ એવી વિજયી લાગણી થઈ કે આજુબાજુમાં કોઇ દેખાય તો ભેટી પડું. સારુ થયું કે રસોઇવાળા રસીલાબેન રસોડામાં હતાં, અને હું બેડરૂમમાં. આજે રવિવાર, રસીલાબેન રવિવારે ફક્ત સવારે જ આવતા, એટલે હું સાંજે પણ થઇ રહે એટલું કશું બનાવડાવી દઉં અથવા સાંજે બહારનું કશું જમી લઉં. પણ આજે તો સાગરને કહ્યું છે સાંજે આવવાનું. એટલે ખાવાનું એની જોડે જ થઈ જશે, અને પીવાનું પણ. અને આ ખુશીનું ભેટવાનું પણ. રાતે તો ડ્રીંક્સ કરીને ઉભાય નહીં થવાય, એટલે અત્યારે બપોરમાં ડાયરી લખવા બેઠો.

સાગર મારા કરતા બે વર્ષ નાનો, પણ દેખાય મારા પપ્પા હોય એવડો. આડત્રીસ વર્ષે બધા એવા જ દેખાય. મારી કસરતની આદત, દર રવિવારે સવારે એકાદ બે કલાક તો કાઢું જ. રિવરફ્રન્ટ જઇને રનિંગ કે સાયકલિંગ કરી જ આવું. ચાલુ દિવસમાં પણ ઘરે કે ઓફિસમાં પણ ટાઇમ મળે તો સીટ-અપ્સ, પ્લેન્કસ કે "ફ્રી સ્ટાઇલ યોગા" (આ મારી પોતાની સંશોધન કરેલી કસરત છે) કરું જ. ડેમી મને આવું બધું કરતા જોવે એટલે કહે જ, 'આ ઉંમરે સારા વાનરાસન કરી લો છો.' ડેમી એટલું માન તો મારું રાખે જ કે 'વાંદરાવેડા'ના બદલે સન્માનજનક શબ્દ વાપરે. બીજું મારો ખોરાક. રસીલાબેન પાસે રસીલી વાનગીઓ બનાવડાવું કે ના બનાવડાવું, પણ કસીલી વસ્તુઓ તો બને જ. સોયાબીન, મગ, ચણાં (કાબુલી નહીં, દેશી), લીલા શાકભાજીનો મારો રાખું. બહાર જમવાનું થાય તો ઈંડા પર પસંદગી ઉતારું. અઠવાડિયે એકાદ બે વખત તો હું અને ડેમી છૂટીને ઈંડાની લારી પર જઈએ જ. કેવું કહેવાય, અમે બન્ને બ્રાહ્મણ જ્ઞાતિના!

તો મૂળ વાત એ હતી કે મેં શરીર યુવાન જ રાખ્યું છે. એટલે સાગર મારા પપ્પા જેવડો લાગે એમ કહેવા કરતા હું એના છોકરા જેવડો લાગું એમ કહેવું એ ઓછી અતિશયોક્તિ ગણાય. જો કે એને કોઇ છોકરો નથી, એક છોકરી છે. એનો ફક્ત દેખાવ નહીં, એનો સ્વભાવ પણ પપ્પાની ઉંમરના વ્યક્તિ જેવો જ. આમ એકદમ વાતોડિયો અને મજાકિયો, પણ જીવન બાબત ધીર ગંભીર. એટલે કે મારાથી ઉલ્ટો. હું એકદમ મીંઢો, પણ જીવન બાબત લાપરવાહ. સાગરના પહેલા મેરેજના ડીવોર્સ અને મારા ડીવોર્સ લગભગ એક જ અરસામાં થયા હતાં. એટલે અમારી મુલાકાત સમદુખિયા તરીકે કોર્ટમાં જ થઈ હતી. બન્ને સાથે બેસીને જ સમગ્ર સ્ત્રી જાતી પ્રત્યે ઝેર ઓકતા અને એકબીજાની નફરત શેર કરતા. એટલે લગભગ અગિયાર વર્ષથી ઓળખું છું એને, પણ ત્યાર પછી અમુક વર્ષો તો આછો પાતળો સંપર્ક જ હતો. એણે તરત બીજા લગન કરી લીધાં, અને નવી પત્ની દહેજમાં બે વર્ષની એક બેબી લઇને આવી. ત્યાર પછી સાગર પટેલ સાહેબ જ્યારે બીજી વારના રોમાંસ જીવનથી ધરાઇ રહ્યાં પછી મારી સાથે મિત્રતા વધુ ગાઢ બની. અમે બંને મારા ઘરે જ મળીયે, દારૂની મહેફિલ કરીયે, એકબીજાને ગાળો આપીયે અને સુખ દુખની વાતો કરીયે. એ એના સુખની વાતો કરે, અને મારે તો હવે દુઃખ જેવું પણ કશું નથી રહ્યું. મરીઝ સાહેબનો શેર યાદ આવી ગયો :

"કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું
ગમે ત્યારે, ગમે તેવી, ગમે તેની કહાનીને."

- મરીઝ સાહેબ.

પરંતુ હકીકતમાં તો સાગર મારા જીવન વિષે બધું જાણે જ છે, જો કે ઘણું બધું નથી પણ જાણતો. પણ મારા વિષે કે મારા જીવન વિષે હું પણ ક્યાં પૂરું જાણું છું! આપણું મોટાભાગનું જીવન આપણી જાણ બહાર જ જીવાઈ જતું હશે, અને જે ઘટનાઓ કે પળો આપણી જાણમાં રહે છે તેને આપણે જીવન કહીએ છીએ.

જે રવિવારે મારે અને સાગરે પાર્ટી રાખવાની હોય એની આગલી શનિવાર રાતે એ એના બૈરી-છોકરીને ડિનર, મુવી જે કરાવવું હોય એ કરાવી આવે એટલે અમારુ આયોજન વગર વિધ્ને થઇ શકે. જો કે અમે મહિને માંડ એકાદ વાર મળીયે. અને એ સિવાય પણ એ લોકો ક્યારેક મને ઘરે આમંત્રે, હું પણ ક્યારેક સામેથી એના ઘરે જઈને એના કુટુંબ સાથે ઘરોબો રાખું. ભાભીનો સ્વભાવ બહુ સારો. એક વાત માર્ક કરવા જેવી છે, દુનિયામાં મોટાભાગની સ્ત્રીઓની ભાભીઓના સ્વભાવ ખરાબ જ હોય છે અને મોટાભાગના પુરુષોની ભાભીઓના સ્વભાવ સારા જ હોય છે. બીજો એક નિયમ એ પણ છે કે, પુરુષની ભાભી મોટાભાગે સરસ જ હોય છે અને પત્ની મોટાભાગે ત્રાસદાયક જ હોય છે. જેમ કે સાગરને પણ એ તો ત્રાસદાયક જ લાગે છે.

સાગર સૂઝબૂઝ વાળો બિઝનેસમેન, એટલે જીવન પણ સરસ જીવી જાણ્યું. બીજા કોઇની બે વર્ષની છોકરી અપનાવી શક્યો, જે અત્યારે તેર વર્ષની છે. છોકરી પોતે પણ જાણે છે કે આ એના સાવકા પિતા છે, પણ એને પણ એની મમ્મી જ એટલી ખરાબ લાગે છે એટલે બાપ-બેટીની જુગલબંધી બની જાય. આમ તો સાગર એની પત્નીને બેશુમાર ચાહે, એની સાથે લગ્ન કર્યા પછી પોતાનું બાળક લાવવાનો વિચાર જ માંડી વાળ્યો. જેથી બધો પ્રેમ દીકરીને અને એની માને આપી શકે અને કોઇ વિખવાદ ના થાય. આને બલિદાન ગણવું કે ચાહત! અને ચાહે જ ને! શું કરે બિચારો! બીજી વારનું હોય એટલે પતિને પત્નીની થોડી ઘણી કીમત તો સમજાય જ. પણ કદાચ પત્ની માટે તો પહેલુ, બીજું, ચોથું બધું સરખું જ રહેતું હશે. એને એમ જ લાગે કે અપેક્ષાઓ સંતોષાતી જ નથી. કોઇપણ પુરુષ એને તો સંબંધોને સમજવામાં અણઘડ જ લાગે. અને પુરુષને કોઇપણ સ્ત્રી અપેક્ષાઓના કીડીયારા જેવી જ લાગે. પણ મારું માનવું છે કે, ભાભીનો સ્વભાવ બહુ સારો. હમણાં થોડીવારમાં સાગર આવશે અને બે ચાર પેગ પછી એને ખ્યાલ આવશે કે સમાજમાં પુરુષ જાતિ પ્રત્યે કેટલો અન્યાય થઇ રહ્યો છે, ભાભીના સ્વભાવ વિષે ફરીથી વિસ્તૃત માહિતી મળશે. ફરી કદાચ આવતા શનિ કે રવિવારે સાગરભાઇ, ભાભી અને દીકરી કોઇ રેસ્ટોરન્ટમાં ખુશી ખુશી ડિનર લેતા હશે.



૨૧ જાન્યુઆરી, ૨૦૧૯

"તું બહુ સારી છે, ડેમી. ઘણી વખત ઇચ્છા થાય કે તને ચૂમી લઉં." અત્યારે સવારના સાડા પાંચ થયા છે અને આ મેસેજ મેં કાલે રાતે ટાઇપ કર્યો અને તરત ડીલીટ કર્યો. જો પાંચથી ઉપર છઠ્ઠો પેગ લીધો હોત તો ડીલીટ કરવાને બદલે મોકલી જ દીધો હોત. જો કે ડેમી એટલી ડાહી છે કે, 'સારુ સર, કાલે તમને ઉતરે પછી વાત કરીએ.' એમ જ કહ્યું હોત. એના બદલે જો બીજી કોઇ હોય તો મારી શું હાલત કરે! 'હા સર, હમણાં આવું છું, મજા મજા કરીશું'... કોઇ એવું પણ કહે. પણ મેં મેસેજ ડીલીટ જ કર્યો હતો એટલે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને જો મોકલી દીધો હોત તો સામે ડેમી જ છે એટલે એમાં પણ કોઇ પ્રશ્ન ઉપસ્થિત ના થાત. પણ આ બધો પ્રશ્ન ઉપસ્થિત થયો સાગર પટેલના કારણે. સાંજે એ આવ્યો, ચાર કલાકમાં પાંચ પેગ માર્યા અને જમ્યાં. એ બધું તો દર વખતની પાર્ટી જેવું જ હતું, પણ કાલે ભાઇનો મૂડ અલગ હતો. જે માણસ દર વખતે મારા એકાકીપણાથી પોતે કેટલો ઇર્ષા અનુભવે છે અને ફરી લગન કરીને પોતે કેવી મૂર્ખામી કરી એની વાત કરતો હોય છે, એણે કાલે ચાર પેગ લઇને, "આઇ લવ હર, આઇ લવ માય વાઈફ. શી ઈઝ માય લાઇફ" એવી જોર જોરથી બૂમો પાડી અને જામના ગ્લાસને બહુ બધી પપ્પીઓ કરી. હું બચીને થોડો દૂર જ જતો રહ્યો. મારા માન્યામાં નથી આવતું કે કાલે તો એણે મને લગન કરી લેવાની સલાહ આપી. સમજાવવા લાગ્યો કે પ્રેમ-મહોબ્બત, કુટુંબ, બાળકો આ બધા વગર તો કેવી રીતે જીંદગી જાય! એના ગયા પછી "પ્રેમ-મુહોબ્બત" આ શબ્દો મારા નશામાં ભળી ગયા. ડેમી દેખાવા લાગી, અને ડેમીના આછા ગુલાબી હોઠ દેખાવા લાગ્યાં. એને ચૂમવાનું બહુ જ તીવ્ર મન થયું. મને ખાતરી છે કે મને એના પ્રત્યે કોઈ જ લાગણી નથી, કારણ કે હું બહુ મીંઢો અને પ્રેક્ટિકલ માણસ છું... બની ગયો છું. પણ એ છોકરી બહુ સરસ છે. ઓફીસની સાથે મારો પણ ઘણો ખ્યાલ રાખે. ઘણી વાર રસીલાબેનની રજા વિષે એને ખબર પડી જાય તો સવારમાં વહેલા ઉઠીને મારુ ટીફીન પણ બનાવતી લાવે. એટલે જે દિવસો મારે ખાવા પીવાની તકલીફ હોય તો હું એને જાણ ના જ થવા દઉં. એટલે જ ઉતરાયણની રજાઓમાં પણ હું એને ખોટું જ બોલ્યો હતો કે હું તો સાગરના ઘરે જ હતો. મને મન થાય કે એને ચુંબન આપી દઉં. બાકી પ્રેમ કે લાગણી એવું તો કશું નહીં, હો! એને ભેટી પડવાનું મન થાય. માથું, ગાલ, હોઠ અને ગરદન સુધી બધું મારા હોઠથી માપી લઉં એવી ઇચ્છા થાય. બસ, ત્યાં સુધી જ વિચાર આવે. પછી મને એ એઠી લાગવા માંડે. પણ એમાં મને વાસનાનો અંશ ના લાગે, અને બીજી તરફ દિલની કોઇ ઉંડી લાગણી જેવું પણ ના લાગે. બસ, છોકરી સરસ છે. સવાર પડી પણ હજુ મને ઉતરી હોય એવું નથી લાગતું, નહીં તો આવું બધું ના લખું. પણ પૂરા હોશથી વિચારું તો પણ મારે એક વખત એને એક ગાઢ આલિંગન અને એક સરસ મજાનું આછું ચુંબન તો આપવું જ છે. આવા ચુંબન વિચારોથી પ્રેરાઈને મેં મેસેજ ટાઇપ કર્યો હતો, અને કદાચ પેલી એઠી એઠી ફીલિંગ આવતા જ તરત ડીલીટ કર્યો. દસ વાગતા પહેલા જ હું ઉંઘી ગયો અને એટલે જ હમણાં સાડા પાંચે ઉંઘ ઉડી પણ ગઈ.

વિચાર આવે છે કે ઉઠી જ ગયો છું તો ચાલ, કોમન ગાર્ડનમાં જઇને થોડું રનિંગ કરું. પાલડીના ગીચ વિસ્તારથી થોડા સાઈડમાં પડતા આ ફ્લેટસમાં મોકળી જગ્યા સારી એવી છે.


૨૩ જાન્યુઆરી, ૨૦૧૯

છેલ્લા બે દિવસથી ડાયરી લખી નથી, જો કે એવું તો ઘણી વખત થતું હોય છે. ઓફિસમાં કામ પણ ઘણું હોય છે, એટલે થાકી જતો હોઉં છું. પેલા બે નવા ચંગુ-મંગુ, પાર્થ અને મિતુલ, ધીરે ધીરે પણ સારુ કામ શીખી રહ્યાં છે, ડેમી ટ્રેનિંગ આપે એટલે જોવું ના પડે. ડેમીને મેં એવી ટ્રેનિંગ આપી છે કે એની ટ્રેનિંગમાં જોવું ના પડે. બાકી અમારા વેબ ડેવલપિંગ એન્ડ ડીઝાઈનીંગના ક્લાસમાં શીખવા માટે સ્ટુન્ટમાં કોઇને પણ એડમિશન આપી દઈએ, શીખવાડવા માટે ઇન્સટ્રક્ટર ગમે તે ના ચાલે. અને આ ક્લાસ, જેને હું તો મારી ઓફિસ જ કહું છું, જ્યારથી મેં ચાલુ કર્યા ત્યારથી અત્યાર સુધી મારી નીતિમત્તામાં કોઇ બાંધછોડ નથી કરી. હું પહેલા એટલા બધા વરસ નોકરી કરતો ત્યારે પણ એવો જ સિધ્ધાંત વાદી જ રહ્યો છું, સાદી ભાષામાં કહું તો બહુ પહેલેથી જ ખડુસ છું. એના પર એક શેર રચી કાઢું :


"સિધ્ધાંતના વિષય પર બુધ્ધિ હ્રદયને ભાંડે
બે ભાઇ જેમ ઝઘડે માતાને બોજ માની."

- 'ધ્રુ'

મોટાભાગના લોકો આ ધ્રુવ ત્રિવેદીને અડિયલ, મીંઢો, રૂક્ષ જ માને છે. અને મેં થોડા વરસથી લોકોના મારા વિશેના અભિપ્રાયની ચિંતા ઘણી હદે છોડી દીધી છે. ઉંઘ આવે છે હવે, આંખો ગમે ત્યારે બંધ થઇ જશે.