એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 2 Pragnesh Nathavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 2

૧૬ જાન્યુઆરી, ૨૦૧૯

રવિવાર, ઉતરાયણ અને વાસી ઉતરાયણ - આ ત્રણ દિવસની સળંગ રજા પછી પણ આજે ઓફિસ જવાનો કંટાળો નહોતો આવતો કારણ કે મારા માટે રજાના દિવસો ભયંકર કંટાળા વાળા હોય છે. આ વખતે તો ત્રણ ત્રણ રજાઓ હતી તો પણ હું ગામડે નહોતો ગયો. ડેમી, સવિતાબેન, પેલા બે નવા સ્ટાફ અને બધા જ સ્ટુડન્ટ્સ... આ લોકોની બોડી લેંગ્વેજ એવી થાકેલી લાગતી હતી અને ચહેરા એવા ચીમળાઈ ગયેલા પપૈયા જેવા હતાં કે જાણે આગલા દિવસે એ બધાને લાઈનમાં ઉભા રાખીને કોઈએ ચાબુકે ને ચાબુકે ફટકાર્યા હોય. મને એ વિચારીને બહુ ગુસ્સો આવે કે રજા મળે તો લોકો કેવા તારલા જેવા ચમકવા માંડે અને ફરી કામ પર ચઢવું પડે તો બુઝાઈ ગયેલા દીવડા જેવા થઇ જાય. હું કદાચ નોકરી કરતો હોત તો હું પણ એવો જ હોત? પણ ના, પહેલાં હું નોકરી જ તો કરતો હતો! હું ત્યારે પણ એવો નહોતો. બાકી તો આજનો આખો દિવસ રોજના જેવો જ હતો. સવિતાબેનને આજે વધારે જોર આવ્યું હશે. સવારે આઠ વાગ્યે અમે લોકો આવીએ એ પહેલાં ત્રણ દિવસની જામેલી ધૂળ સાફ કરવાની, બધા કોમ્પ્યુટર, ખુરશીઓ, સોફા ઝાપટવાના, પાણી ભરવાનું, મારી કેબિન અને ટેબલ... બિચારા! એટલે આજે તો ૧૦ વાગ્યામાં બીજી ઓફિસોમાં કામ કરવા જતા રહ્યા તે છેક લંચ કરવાના સમયે દેખાયા... બિચારા! પછી 'બેંકનું કામ છે, પતાવીને આવું' એમ કહીને ગયા તો છૂટવાના કલાક પહેલા આવી રહ્યા... બિચારા! છૂટતી વખતે પણ કહીને ગયા કે, 'કાલે મારા દૂરના બનેવીની ખબર કાઢવા જવાનું છે, ટિફિન લઈ જવાનું છે, તો કાલે તો મોડી આવીશ.' બિચારા હજુ એમના ક્રિસમસના તહેવારની અસરમાંથી જ બહાર નથી આવી શક્યા, એમ લાગ્યું.

લંચના સમયે તો ડેમી અને પેલા બન્ને નવા ચંગુ-મંગુ, પાર્થ અને મિતુલ, ત્રણેયના ચહેરા પર રોનક આવી ગઈ હતી... વિતેલા તહેવાર, પવનની દિશા, છોડેલી ઢીલ, કપાઈ ગયેલાં પતંગો અને આંગળાં, દોરીની ગૂચો, પીપૂડીઓ, પડોશની છોકરી સાથે પાડેલા આછા પાતળા સેટીંગો વગેરેની વાતો કરતાં કરતાં. ડેમીએ પૂછ્યું મને, 'સર, તમે તો આ વખતે અહીં જ હતા, પતંગ વતંગ ચઢાયા કે નહીં?' હું ખોટું બોલ્યો, 'ઉતરાયણના દિવસે તો આખો દિવસ સાગરના ઘરે જ હતો. બહુ મજા આવી.' ખોટું બોલવામાં તમારી રચનાત્મકતામાં એકદમ બારીક કળા વાપરવાની હોય છે, એટલે ટૂંકો જવાબ આપવો જ સારો પડે. હું વિચારતો જ હતો કે હવે એ મારી કાપા પડ્યા વગરની આંગળીઓ વિશે અથવા મારી સ્કીન તડકામાં સતત રહ્યા પછી પણ કેવી રીતે ચમકદાર રહે છે એ અથવા ઉંધિયું જલેબી ખાધા કે નહીં એવું કશું અઘરું પૂછશે અને મેં સામે જોયું તો એ મારી આંગળીઓ તરફ જોઇ રહી હતી. જો કે એણે કશું પૂછ્યું નહીં. એના માસૂમ, લંબગોળ ચહેરા પર સ્મિત હતું કે વેદના એ ખબર ના પડી. આગળ કપાળ પર આવેલી લટોને સરખી કરવા લાગી, કદાચ મારી આંગળીઓ વિશે જ વિચારતી હશે. અને હું વિચારતો હતો એના આછા ગુલાબી હોઠ વિશે, વાળની પોની પણ સરસ રીતે એક હાથે પકડીને એને પાસે ખેંચી શકાય એવી હતી. નજાકત હતી એની આંખોમાં, ગાલો પર. સુરાહીદાર પાતળી ગરદન. મારી નજર એના ચહેરા અને ગરદનના એક એક બિંદુ પર ફરી વળી. જો મારા હોઠ ફરતા હોય એના ચહેરા પર તો બંધ આંખે અને પેલા વેદનાયુક્ત સ્મિત સાથે એ મને પકડી જ રાખે. અત્યારે જો પાર્થ અને મિતુલ અહીં હાજર ના હોત તો... તો પણ હું કરત તો કશું જ નહીં. ડેમી વિશે એક મર્યાદા સુધી હું વિચારું છું, અને મને પછી એ એઠી એઠી લાગવા માંડે છે.

સાંજે બધા જતાં રહ્યાં પછી ડેમીને બોલાવી રૂમમાં, પૂછવા માટે જ, 'શું લાગે છે? આ બન્ને નવામાંથી એક પણ ટકશે લાંબો ટાઈમ? કામ કેવું છે બન્નેનું?' એ હસી પડી, 'સર, આપણે ત્યાં કોઈ ટક્યું છે છ મહીનાથી વધારે? તમે આ ક્લાસ ચાલુ કર્યા ચાર વરસ પહેલાં, એના વરસ પછી હું જોડાઈ. ત્રણ વરસ થયા મને. એટલામાં તો વીસેક જણાં આવીને ગયા હશે. ઓલી દર્શના આઠેક મહીના આવી હતી. એના સિવાય મને તો નામ પણ યાદ નથી કોઇના... બધા આવી આવીને ગયા.' મેં ઉંડો શ્વાસ લીધો, 'શું કારણ હશે! આપણી કામ કરવાની રીત નહીં ફાવતી હોય લોકોને?' એટલે એના ચહેરાનું સ્મિત વધુ પહોળું થઇ ગયું, એના મનમાં શું છે ખ્યાલ આવતા જ હું આગળ બોલ્યો, 'હવે તું એવું ના કહેતી કે મારા સ્વભાવના કારણે.' મોટું થયેલું સ્મિત અટ્ટહાસ્યમાં બદલાઈ ગયું, 'મારે શું કહેવાનું, સર! તમને ખબર જ છે. એક તો આપણાં મોટા મોટા કોલેજીયન સ્ટુડન્ટ્સની સામે તમે કોઇ પણ નવું ઇન્સટ્રક્ટર લીધું હોય એને ખખડાવી મારો. સ્ટુડન્ટ્સ સાથે આ વસ્તુ નહીં બોલવાની, તે રીતે નહીં બોલવાનું, આ રીતે નહીં શીખવાડવાનું, તે રીતે નહીં જોવાનું... ઉનાળામાં પાણી પીવા માટે અને શિયાળામાં કાનમાં રૂ ના રાખવા માટેના પણ નિયમ. કયા કાકાભાઇ ટકે!' જવાબમાં હું ફક્ત એટલું જ બોલ્યો, 'જા ને હારી! એ તો બધું જેમ ચાલતું આવ્યું છે એમ જ ચાલશે. હું કંઇ બદલાવાનો નથી. તારે પણ ના ફાવતું હોય તો બીજી જોબ શોધી જ લેવાની, બિન્દાસ!' એણે શરારતી અવાજમાં કહ્યું, 'સારું સર. શોધવા માંડીશ. ચલો, હવે ઘરે જઉં.' એણે પર્સ લીધું, સ્વેટર પહેર્યું, નાનો અરીસો કાઢી વાળ સરખા કર્યા... હું મારી કેબિનના કાચમાંથી જોઈ જ રહ્યો એને. ઓફિસની બહાર નીકળતી હતી એવામાં જ મેં બૂમ પાડવા જેવા અવાજમાં કહ્યું, 'એય! આજે ઠંડી સારી એવી છે. રસ્તામાં આમલેટ ખાતા જવું છે?' મુસ્કુરાઈને બોલી, 'નીચે પાર્કીંગમાં ઉભી છું, મારું એક્ટિવા કાઢતી થઉં. તમે બધુ લોક કરીને આવો. અને તમારે રસોઇવાળા રસીલાબેન નથી આવવાના કે જમતા પહેલા આમલેટ ખાવી છે?'
'અરે! એ તો ક્યારનાય આવીને બનાવી ગયા હશે રસોઈ. અને તું તો જાણે આપણે પહેલીવાર છૂટીને નાસ્તો કરવા જતા હોઈએ એમ કહે છે!'
'સારુ હવે! જલ્દી કરો, સર... નવ વાગવા આવ્યા.'

ડેમીથી છૂટો પડીને બાઇક દોડાવતો હતો ફ્લેટ તરફ ત્યારે મરીઝ સાહેબનો આ શેર મગજમાં વારંવાર આવ્યા કર્યો :

"ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ,
નહિતર છે બધા ખુદની જગા પર."

- મરીઝ

જ્યાંના ત્યાં જ રહેવાનું છે અંતે તો, તો પણ કેવી દોડાદોડી છે! જમ્યા પછી ફોન જોયો.

સાગરનો મેસેજ: 'શું અલા! ક્યાં છે? બહુ દિવસ થયા પાર્ટી કરે. આવ, તો બેસીએ. નવી હન્ડ્રેડ પાઈપર મંગાવી છે.'

મારો રીપ્લાય: 'હા ભઈ! અહીંયા જ છું. આ રવિવારે મેળ પડે તો કરુ કોલ.'

નિમિષાનો મેસેજ હતો, 'સોરી! મેં ખરાબ વર્તન કર્યું. તમારી મરજી, તમે થોડી મને કંઇ પ્રોમિસ કર્યું હતું? હવે ક્યારેય હું તમને ડિસ્ટર્બ નહીં કરું, તમને ઇચ્છા થાય તો કોન્ટેક્ટ રાખજો, જવાબ આપીશ. તમે સારા છો. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર.'

આવા પ્રકારના મેસેજ મને જીવનમાં ટોટલ પંદરેક વખત આવ્યા હશે, અને દરેક વખતે જવાબ શું આપવો એ મોટો પડકાર જ હોય છે. હું એવો વ્યક્તિ તો નથી જે સીધેસીધું કહી શકે, 'થેંકયુ. પ્લીઝ તારુ વચન પાળજે. ઓલ ધ બેસ્ટ.' હું સમજું છું દિલ કેટલી નાજુક વસ્તુ છે અને દર્દનો એહસાસ કેવો હોય છે, જો કે મને પોતાને વર્ષોથી એવું કશું નથી થતું એ અલગ વાત છે. સંવેદનશીલમાંથી સંવેદન પારખું બની ગયો છું. નિમિષાને ઉત્તર આપ્યો, 'તું પણ સરસ મિત્ર છે. તને ક્યારેય પણ કશી પણ જરૂરત હોય કે વાત કરવાનું મન થાય તો બેધડક કોલ કરજે. જે થયું એમાં મારો જ વાંક છે. મારા બધા આંતરિક સંઘર્ષો વિષે તને કહી શકું તેમ નથી. તું તો બહુ સરસ જ છે. ટેક કેર. ઓલ ધ બેસ્ટ, ડીયર.' મેસેજ મોકલીને મનોમન ઝંખના કરવા લાગ્યો કે હવે પાછો તરત રીપ્લાય ન આવે, કે એક બે દિવસમાં પણ ન આવે, કે ક્યારેય ન આવે... તો સારું.

ડેમી ઓનલાઈન દેખાતી હતી, રોજની જેમ જ. એવો નિયમ જ છે કે પચ્ચીસ - છવ્વીસની કે એનાથી નાની બધી અપરિણીત છોકરીઓ રાતે ૧-૨ વાગ્યા સુધી ઓનલાઈન રહે જ, ચાહે બોયફ્રેન્ડ વગરની હોય કે બોયફ્રેન્ડ વાળી હોય, કે પછી બે ત્રણ બોયફ્રેન્ડ વાળી હોય. મને થયું ડેમી સાથે વાત કરું... 'હેલ્લો' મેસેજ કરીને પાર્થ-મિતુલ વિષે કે આજે મળવા આવેલા નવા એડમિશનના પેરેન્ટસે જે પૂછપરછ કરી એવી કોઇ કામની વાત કાઢું. એ બહાને ઓફિસ સિવાયની વાતો કરવાનો રોજ મને વિચાર આવે જ છે, ભલે ને આખો દિવસ ત્યાં એનું મોઢું જોયું જ હોય અને છૂટીને સાથે નાસ્તો પાણી કરવા ગયો હોઉં. પણ રોજની જેમ વિચાર માંડી વાળ્યો. પછી ફેસબુક ખોલ્યું. કાલે રાત્રે પતંગ પર તો કશું ન લખી શક્યો પણ બે ત્રણ શેર લખ્યા હતા, અને રાત્રે પોસ્ટ પણ કર્યા હતાં. પણ માંડ પંદર લાઇક મળી. આ શેર :

હું મારા વિચારોમાં શોધું છું ખુદને
ને ઘરની દિવાલોમાં શોધું છું ખુદને.

મળ્યાં એ બધાને જ આપ્યું છે મેં દિલ
હજારો ને લાખોમાં શોધું છું ખુદને.

હશે ક્યાંક સસ્તી રમકડાંની કીમત
એ આશે બજારોમાં શોધું છું ખુદને.

- "ધ્રુ"

હા, મારું કવિ તરીકેનું ઉપનામ હું "ધ્રુ" રાખીશ એવું આખરે નક્કી કર્યું. જો કે મારું આખું નામ 'ધ્રુવ ત્રિવેદી' પણ કાવ્યની નીચે લખવું જોઈએ. પણ મરીઝ સાહેબ તો ફક્ત 'મરીઝ' જ લખતા, અબ્બાસ વાસી નામ ગઝલની નીચે કદી ના લખતા. એટલે મેં પણ એમ જ કર્યું. અત્યારે રાતના સાડા બાર થયા છે, હમણાં એકાદ મહિનાથી તો ડાયરી લખવામાં રાતનો સારો એવો સમય જાય છે... આજની જેમ લાંબું લખું છું અમુક અમુક દિવસે એટલે.