સુખનો પાસવર્ડ - 29 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 29

માણસ હાર ન માની લે ત્યાં સુધી

જીતની શક્યતા સમાપ્ત થતી નથી

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

જય છનિયારા જેવી સ્થિતિમાં બીજો કોઈ છોકરો હોત તેને જીવનના કેટલાય તબક્કે ટૂંક આવવાનો વિચાર આવ્યો હોત અથવા તો તેણે જીવન ટૂંકાવી પણ લીધું હોત, પરંતુ જયએ ઝઝૂમવાનું પસંદ કર્યું અને સફળતા મેળવી

22 ઓક્ટોબર 1993ના દિવસે રાજકોટના દીપકભાઈ છનિયારાના પત્ની હીના છનિયારાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે યુગલ જોડિયા બાળકોના જન્મની ખુશી મનાવે એ પહેલા જ એમાંનુ એક બાળક મૃત્યુ પામ્યું. બીજું બાળક પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હતું. એ બાળકના શરીરનો એંસી ટકાથી વધુ હિસ્સો સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત હતો. એટલે તે તે બાળક સામાન્ય જીવન જીવી નહીં શકે એવું ડૉક્ટરે કહ્યું. સ્વાભાવિક રીતે દીપકભાઈએ અને હીનાબહેનને પ્રચંડ આઘાત લાગ્યો, પણ તેમણે એ જ વખતે નક્કી કર્યું કે અમે અમારો આ દીકરો સામાન્ય જીવન જીવી શકે એ માટે બધું જ કરી છૂટીશું. તેમણે તે દીકરાનું નામ જય પાડ્યું.

એ છોકરો સામાન્ય જીવન જીવી શકે એ માટે તેના માતા-પિતાએ આકાશ-પાતાળ એક કરવા જેવી દોડધામ શરૂ કરી દીધી. તેમની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પણ જય છ વર્ષનો થયો ત્યાં સુધીમાં તેની સારવાર માટે તેમને તેના છ ઑપરેશન્સ કરાવ્યા. કુમળી ઉંમરે જય બંને પગમાં પચાસથી વધારે ટાંકા સાથે પથારીમાં પડ્યો હતો. તે ઘણી વખત હતાશ થઈ જતો, નિરાશ થઈ જતો અને લાચારી અનુભવતો હતો. તેની ઉંમરના બાળકો રમતા હોય-દોડતા હોય ત્યારે તેને પથારીમાં રહેવું પડતું હતું. આ સ્થિતિ તેના માતા-પિતા બરાબર સમજતા હતા એટલે તેમણે જયનું મન પરોવાયેલું રહે અને તે પથારીમાં પડ્યા પડ્યા કંટાળી ન જાય, માનસિક રીતે ભાંગી ન પડે એ માટે તેને વોકમૅન લાવી આપ્યું. અને સાથે તેના માટે કેટલાક જાણીતા હાસ્ય કલાકારની કેસેટ્સ પણ ખરીદી આપી. .

એ દિવસથી વોકમૅન વડે એ કેસેટ્સ સાંભળવાનો જયનો નિત્યક્રમ બની ગયો. જય જોક્સની કેસેટ સાંભળતો ત્યારે એ સમય પૂરતો પોતાનું દુઃખ ભૂલી જતો હતો તેની યાદશક્તિ ખૂબ જ સારી હતી એટલે એ જોક્સ તેને અયદ રહેવા માંડ્યા. જયની છ વર્ષની ઉંમરે તેના પર અનેક ઓપરેશન થયા પછી સગાં-વહાલાંઓ કે માતા-પિતાના પરિચિતો યા તો પાડોશીઓ તેની ખબર કાઢવા આવતા ત્યારે તે પોતે સાંભળેલા જોક્સ તેમને પોતાની આગવી શૈલીથી કહેવા લાગ્યો. તેની ઉંમરના પાડોશી બાળકો પણ તેને મળવા આવતા. જય તેમને પણ જોક્સ સંભળાવી હસાવવા લાગ્યો. કેટલીય શારીરિક તકલીફો અને ઓપરેશનને કારણે થયેલી વધારાની પીડા વચ્ચે તેણે પથારીવશ સ્થિતિમાં પોતાનું દુઃખ ભૂલીને લોકોને હસાવવાનું શરુ કર્યું. ઓપરેશન પછી પણ જય સંપૂર્ણપણે સામાન્ય જીવન નહીં જીવી શકે શકે એવું ડૉક્ટર્સે કહ્યું હતું એટલે તેના માતા-પિતાએ જયને પ્રાથમિક શિક્ષણ માટે શાળાએ મોકલવાનું નક્કી કર્યું. જોકે જયની શારીરિક સ્થિતિ જોઈને કેટલીય શાળાઓએ એવું વિચારીને કેટલીય શાળાઓના સ્વાર્થી સંચાલકોએ એડમિશન આપવાનો ઇનકાર કર્યો કે આ છોકરો સ્કૂલ માટે બોજરૂપ બની રહેશે. તેમણે ખાસ જયના માતા-પિતાને ભલામણ કરી કે તેને અસામાન્ય બાળકો માટેની શાળામાં પ્રવેશ અપાવો. તેના માતા પિતાએ છેવટે જયને અસામાન્ય બાળકો માટેની ખાસ શાળામાં પ્રવેશ અપાવ્યો.

એવી સ્કૂલમાં દરેક પ્રકારના અસામાન્ય બાળકો ભરતી થતાં હોય છે એટલે જય તેમની નકલ કરવા લાગ્યો. તેના માતાપિતાને ડર લાગ્યો કે આ ખોટું થઈ રહ્યું છે એટલે તેમણે વળી જયને ફરી સામાન્ય શાળામાં એડમિશન મળે એ માટે પ્રયાસ કર્યા પરંતુ કોઈ પણ શાળાના સંચાલકે જયને એડમિશન આપવાની હા ન પાડી. એ પછી જયને તેના માતા-પિતા અને મોટાભાઈ રવિએ જાતે જ ઘરે ભણાવવાનું શરૂ કર્યું. જય થોડું ઘણું-થોડું વાંચતો અને મોટાભાગનું સાંભળીને યાદ રાખતો. શાળાઓના સંચાલકોની સ્વાર્થી વૃત્તિને કારણે જયને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ન મળી, પરંતુ જય સમજણો થયો એ પછી તેણે નક્કી કર્યું કે હું ભણ્યા વિના પણ એવું કરી બતાવીશ કે મારા માતા-પિતા મારા માટે ગૌરવ લઈ શકે.

જય દસ વર્ષનો થયો ત્યારે તેની વધુ સારવાર માટે તેના માતા-પિતાએ તેને મુંબઈ લઇ જવાનું નક્કી કર્યું. મુંબઈના રોકાણ દરમિયાન જયને ‘કોઈ ભી આઓ, હંસા કે દિખાઓ’ સ્પર્ધા વિશે ખબર પડી. તેણે એ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. દસ વર્ષના જયથી લઈને એંસી વર્ષના વૃદ્ધ સ્પર્ધકો સહિતના 750 સ્પર્ધકોએ એ સપર્ધામાં ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં પબ્લિક વોટીંગ સિસ્ટમથી વિજેતા નક્કી થવાનો હતો. 749 સ્પર્ધકોને પાછળ છોડીને જયએ એ સ્પર્ધા જીતી લીધી. તે પ્રથમ ક્રમનો વિજેતા બન્યો અને તેને ઈનામરૂપે તગડી રકમ સાથે હૉલિવુડની જવાની તક પણ મળી. હજી એ સમય દરમિયાન તેને કોઈ પણ ઓળખતું ન હતું. એ સમયમાં ‘ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ ટીવી રિયાલિટી શો પ્રેક્ષકોને આકર્ષી રહ્યો હતો. એ શોના એક એપિસોડમાં શેખર સુમન અને નવજોત સિંહ સિદ્ધુએ વ્હીલચેર પર પ્રેક્ષકોની સામે ગેસ્ટ તરીકે રજૂ કર્યો. ત્યાં જયને પોતાની કલા બતાવવાનો અવસર મળ્યો. તેણે મિમિક્રી, જોક્સ અને શેર-શાયરીઓ થકી સૌને ખુશ કરી દીધા. એ શો પછી તેનું નામ જાણીતું બનવા લાગ્યું. એ વખતે શેખર સુમને કહ્યું હતું કે જય વ્હીલચેર પર નહીં, ‘વીલ ચેર’ પર આવ્યો છે! એટલે કે તે પોતાના મનોબળ થકી અહીં તમારા સુધી પહોંચ્યો છે! જય 10 મિનિટ જેટલા સમય માટે એ રિયાલિટી શોમાં ગયો હતો. એ શો પછી તો તેને દેશના કેટલાય લોકો ઓળખતા થયા અને તે અનેક ટીવી શોમાં અને ટીવી સિરિયલ્સમાં દેખાવા લાગ્યો.

ત્યાર બાદ જયએ પ્રોફેશનલ કોમેડિયન તરીકે કાર્યક્રમ આપવાનું શરૂ કર્યું. અને પછી તો તેને રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, કપિલ શર્મા જેવા કલાકારો સાથે રહેવાનું અને સ્ટૅજ શેર કરવાની તક પણ મળવા લાગી અને તે સેલિબ્રિટી સ્ટૅન્ડ અપ કોમેડિયન તરીકે વિદેશોમાં પણ શો આપવા લાગ્યો. જય અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં 2000થી વધારે શો કરી ચૂક્યો છે. આમિર ખાન, સચિન તેંડુલકર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સહિતના અનેક સફળ માણસો તેને બિરદાવી ચૂક્યા છે. જય ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા કહે છે કે હું સ્ટૅજ પર મોટીવેશન ની વાતો કરવાનો હોઉં તો એને જીવનમાં ઉતારવાની શરૂઆત મારે જ કરવી પડે. મેં એવું કર્યું એટલે હું જ્યારે શ્રોતાઓ સામે હાસ્યની સાથે મોટિવેશનલ વાતો કરું છું ત્યારે એ વાતો તેમના ગળે સરળતાથી ઊતરી જાય છે. જય અત્યાર સુધીમાં બંને પગ, જમણા હાથ અને આંખની સારવાર માટે બે ડઝન સર્જરીમાંથી પસાર થઈ ચૂક્યો છે.

કેટલાય ડૉક્ટર્સે કહી દીધું હતું કે કેટલી પણ સર્જરી ને કેટલા પણ ઓપરેશન પછી આ બાળક જય ક્યારેય પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે. તેણે આખી જિંદગી વ્હીલચેર પર કાઢવી પડશે. જોકે ડોક્ટર્સના એ શબ્દોની જાણે મજાક ઊડાવતો હોય એ રીતે જયે કેટલાય વર્ષો અગાઉ વ્હીલચેરના સહારે ફરવાનું છોડી દીધું અને સ્ટિકના સહારે પોતાના પગે ચાલીને સ્ટૅજ પર જઈને તે લાંબા સમય સુધી ઊભા-ઊભા પણ હાસ્યના કાર્યક્રમો આપે છે. તે અત્યાર સુધીમાં 150થી વધુ એવોર્ડ્સ મેળવી ચૂક્યો છે અને તેના નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, હાઈ રૅન્જ બુક ઓફ રેકોર્ડ્સ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને મિરેકલ્સ વર્લ્ડ રેકોર્ડ્સ સહિતની રેકોર્ડ્સ બુકમાં પણ નોંધાઈ ચૂક્યા છે.

નાની ઉંમરે ખૂબ સિદ્ધિ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર જય તેની ઉંમરના યુવાનો કરતા જુદા જ પ્રકારની વિચારધારા ધરાવે છે. પોતે શારીરિક તકલીફોને લીધે જે મુશ્કેલીઓ ભોગવવી પડી અને તેના કુટુંબે આર્થિક-માનસિક તકલીફોમાંથી પસાર થવું પડ્યું એના પરથી જયએ અન્ય અસામાન્ય બાળકોને મદદરૂપ બનવાનું વિચાર્યું. તેણે જય છનિયારા ફાઉન્ડેશન નામથી એક ટ્રસ્ટ શરૂ કર્યું, જેના નેજા હેઠળ તે ઘણા ચૅરિટી શોઝ કરે છે અને એવા શોઝમાંથી મળતી રકમનો ઉપયોગ તે અસામાન્ય બાળકોની સારવાર માટે, તેમના માટે મેડિકલ કેમ્પ કરવા. તેમના ઓપરેશન માટે તથા અન્ય સારવાર માટે તેમ જ તેમને વ્હીલચેર સહિત અન્ય સાધનો પૂરા પાડવા માટે કરે છે. જય કહે છે કે હું આટલી મુશ્કેલીઓ વચ્ચે ઊભો થયો અને સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે નામ કમાયો એ માટે મારા માતા-પિતા અને માર મોટાભાઈ રવિને આપું છું. તે કહે છે કે મારું એક ફેવરીટ વાક્ય છે: લડી લેવું કે રડી લેવું!

જયના એ ફેવરિટ વાક્ય સાથે જ આ લેખનું સમાપન કરીએ. કરીએ. માણસ સામે મુશ્કેલ સ્થિતિ આવે ત્યારે તેની પાસે બે વિકલ્પ હોય છે લડી લેવાનો અથવા રડી લેવાનો. જયએ લડી લેવાનું પસંદ કર્યું અને પોતાનો આગવો રસ્તો કાઢી લીધો. જય જેવી સ્થિતિમાં બીજો કોઈ છોકરો હોત તેને જીવનના કેટલાય તબક્કે ટૂંક આવવાનો વિચાર આવ્યો હોત અથવા તો તેણે જીવન ટૂંકાવી પણ લીધું હોત, પરંતુ જય છનિયારાએ ઝઝૂમવાનું પસંદ કર્યું અને સફળતા મેળવી.

માણસ હાર ન સ્વીકારી લે ત્યાં સુધી તેની જીતની શક્યતા સમાપ્ત થતી નથી એ વાતનો વધુ એક પુરાવો સ્ટૅન્ડ અપ કોમેડિયન જય છનિયારા છે.

***