સુખનો પાસવર્ડ
આશુ પટેલ
નિ:સ્વાર્થભાવે લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય
એક છોકરો તેની કોલેજની ફી માટે સહાય માગવા ભૂલથી મહાન ગાયક હેમુ ગઢવી પાસે પહોંચી ગયો ત્યારે...
ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવીએ બહુ નાની ઉંમરમાં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. માત્ર ૩૫ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકપ્રિયતા મેળવી હતી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય ખ્યાતિ મેળવી હતી. હેમુભાઈ જેટલા ઊંચા ગજાના ગાયક હતા એટલા જ ઉમદા માણસ પણ હતા. હેમુભાઇના દીકરા બિહારી હેમુ ગઢવી અને જાણીતા હાસ્યકાર એવા અમારા કોમન ફ્રેન્ડ મિલન ત્રિવેદી પાસેથી હેમુભાઈના જીવનના ઘણા કિસ્સાઓ જાણવા મળ્યા. હેમુભાઈએ ઘણા માણસોને સુખ આપ્યું હતું. હેમુભાઈના જીવનનો આવો જ વધુ એક હૃદયસ્પર્શી કિસ્સો વાચકો સાથે શૅર કરવો છે.
હેમુભાઈ માત્ર ચાર ધોરણ સુધી ભણ્યા હતા. તેમને એટલા ઓછા અભ્યાસને કારણે કોઈ નોકરી મળી શકે એમ નહોતી. એ દરમિયાન તેમને આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં તાનપુરા આર્ટિસ્ટ તરીકે જોડાવાની તક મળી. તેઓ તાનપુરો ખૂબ સરસ રીતે વગાડી શકતા હતા (શિવકુમાર શર્મા જેવા ઉચ્ચ દરજ્જાના કલાકાર સાથે તેમણે તાનપુરાની સંગત પણ કરી હતી).
હેમુભાઈ આકાશવાણીના રાજ્કોટ કેન્દ્રમાં તાનપુરા આર્ટિસ્ટ તરીકે જોડાયા અને ધીમે-ધીમે આગળ વધતા ગયા. અને પછી તો તેઓ આસિસ્ટન્ટ પ્રોડ્યુસર પણ બન્યા હતા. તેઓ નાના ગામડાઓમાં ફરીને જનમાષ્ટમી અને બીજા તહેવારો વખતે ગામના ચોકમાં ગીતો-લોકગીતો-ગરબા-રાસ ગવાતા હોય એનું રેકોર્ડિંગ કરી આવતા અને પછી એ લોકગીતોને પોતાના અવાજમાં રેડિયો પર રજૂ કરતા હતા.
હેમુભાઇ રાજકોટ રેડિયો સ્ટેશનમાં ફરજ બજાવતા હતા એના શરૂઆતના વર્ષોમાં હેમુભાઈની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. એ પછી તેઓ કાર્યક્રમો આપતા થયા એટલે તેમની આર્થિક સ્થિતિ થોડી સારી થઈ હતી. એ દિવસો દરમિયાન એક વાર એક અત્યંત ગરીબ છોકરો રેડિયો સ્ટેશનમાં આવ્યો. હેમુભાઈ બેઠા હતા એ ટેબલ પાસે જઈને તે છોકરાએ કહ્યું કે મારે જોષીભાઈનું કામ છે. તે છોકરો જોષીભાઈ નામના જે કર્મચારીને મળવા આવ્યો હતો તેમની તો થોડા મહિનાઓ અગાઉ બદલી થઈ ગઈ હતી.
હેમુભાઈએ એ છોકરાને કહ્યું તારે જોશીભાઈનું શું કામ છે? તે છોકરાએ કહ્યું કે મને ફલાણાભાઈએ મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે ‘જોષીભાઈ પાસે જજે અને મદદ માગજે. તેઓ તને મદદ કરશે.’ અમારા કુટુંબની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે એટલે મારી ફી ભરવાના પૈસા અમારી પાસે નથી એટલે જોશીભાઈ પાસે મદદ માગવા આવ્યો છું.
તે છોકરાને કોલેજની ફી ભરવા માટે પંદર રૂપિયા જોઈતા હતા. યાદ રહે આ વાત છ દાયકા અગાઉ ની છે એ વખતે 15 રૂપિયા એ બહુ મોટી રકમ ગણાતી હતી. હેમુભાઈએ તેને કહ્યું કે હું જ જોશીભાઈ છું. તેમણે તે છોકરાને પંદર રૂપિયા આપ્યા અને કહ્યું કે મૂંઝાતો નહીં, તારી જ્યારે ફી ભરવાની હોય ત્યારે મારી પાસેથી પૈસા લઈ જજે. તે છોકરો ગળગળો થઈ ગયો. તેણે હેમુભાઈનો આભાર માન્યો અને કહ્યું કે મારી પાસે પૈસા આવશે ત્યારે હું તમને પાછા આપી જઈશ. હેમુભાઈએ કહ્યું કે પૈસા પાછા આપવાની ચિંતા ન કરતો અને ભણવામાં ધ્યાન આપજે. તે છોકરાએ ભીની આંખે અને રૂન્ધાયેલા કંઠે તેમની વિદાય લીધી.
હેમુભાઈ તેની સામે જોશીભાઈ તરીકે પેશ થતા હતા અને તેને ફી ભરવા માટે પૈસા આપતા હતા. એ સમયમાં કલાકારોને વર્તમાન સમયના ક્લાકારોની જેમ લોકો ચહેરાથી ઓળખતા નહોતા. એ વખતે અખબારો પણ બહુ ઓછા ઘરો સુધી પહોંચતા હતા. એ પછી તે છોકરાની આર્થિક સ્થિતિ સુધરી. તેને કોઈ કામ મળ્યું અને તે કમાતો થયો એટલે હેમુભાઈને પૈસા પાછા આપવા માટે રાજકોટ રેડિયો સ્ટેશનમાં ગયો. તે છોકરો હેમુભાઈને પૈસા પાછા આપવા ગયો એના થોડા સમય અગાઉ જ હેમુભાઈ મૃત્યુ પામ્યા હતા.
તે છોકરાએ હેમુભાઈને શોધ્યા, પણ હેમુભાઈ ન દેખાયા. તેણે રાજકોટ રેડિયો સ્ટેશનના અન્ય કર્મચારી શાંતિલાલ રાણિંગાને પૂછ્યું કે જોશીભાઈ ક્યાં મળશે? તે હેમુભાઈને જોશીભાઈ તરીકે જ ઓળખતો હતો. શાંતિલાલ રાણીંગાએ કહ્યું કે જોશીભાઈની તો કેટલા સમય પહેલા બદલી થઈ ગઈ છે! પેલો છોકરો મૂંઝાયો. તેણે હેમુભાઈ જે ટેબલ પર બેસતા હતા એ તરફ આંગળી ચીંધીને કહ્યું કે ‘પેલા ટેબલ પર બેસતા હતા એ જોશીભાઈ વિશે પૂછું છું. હજી થોડા મહિનાઓ અગાઉ તો હું તેમની પાસેથી મારી કોલેજની ફી ભરવા માટે પૈસા લઈ ગયો હતો!’
એ સાંભળીને શાંતિલાલ રાણીંગા સડક થઈ ગયા. તેમણે કહ્યું કે જોશીભાઈ તો થોડા દિવસો મહિનાઓ અગાઉ તને ક્યાંથી મળ્યા હોય! તેમની તો ઘણા સમય અગાઉ જ બદલી થઈ ગઈ હતી. અને તું જે ટેબલ બતાવે છે અના પર તો હેમુ ગઢવી બેસતા હતા!
એ વખતે શાંતિલાલ રાણીંગાને અને તે છોકરાને - બંનેને ખબર પડી કે હેમુભાઈ જોષીભાઈ તરીકે તે છોકરાની કોલેજની ફી કેટલા સમયથી ભરી રહ્યા હતા! તે છોકરો ચોધાર આંસુએ રડી પડ્યો અને શાંતિલાલ રાણીંગા પણ અત્યંત ભાવુક બની ગયા.
હેમુભાઈએ તેમના જીવન દરમિયાન આવી રીતે કેટલાય લોકોને નિ:સ્વાર્થ ભાવે મદદ કરી હતી. પારકા લોકોને મદદ કરનારાઓ બહુ ઓછા હોય. એવા માણસોનું જીવન સાર્થક ગણાય. હેમુભાઈ જેવી વ્યક્તિઓને સલામ કરવી જોઈએ કે તેઓ કોઈ અપેક્ષા વિના લોકોને મદદરૂપ બનતા હોય છે.
આજે તો કેટલાક ચડાઉ ધનેડા જેવા શ્રીમંતો વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરે તો પણ વિદ્યાર્થીઓને નોટબુક કે બીજી કોઈ વસ્તુઓ આપતા હોય, નોટબુકનું વિતરણ કરતા હોય એવા ફોટોઝ પડાવીને અને પછી અખબારોમાં આવી તસવીરો છપાવવા માટે ધસી જતા હોય છે. ઘણા લોકો પોતાના નામની તકતી લગાવવા માટે દાન આપતા હોય છે. એવા માણસોને હેમુ ગઢવીના જીવનના આવા કિસ્સાઓનું નિત્ય પ્રાતઃકાળે સાત વખત પઠન કરવાની ફરજ પાડવી જોઈએ!