સહાધ્યાયીઓની ટીખળનું નિશાન બનનારા વિદ્યાર્થીએ પોતાનું નામ અમર કરી દીધું!
લોકો હાંસી ઉડાવે તો પણ પોતાની માન્યતા ન છોડવી જોઈએ
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
એક નાના છોકરાને વિજ્ઞાન પ્રત્યે બહુ લગાવ હતો. નાની ઉંમરથી જ તેણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું હતું.
તે વિદ્યાર્થીની સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ તેની ટીખળ કરતા અને ઘણી વાર હાંસી પણ ઉડાવતા. જોકે તે છોકરો બધાને ગણકાર્યા વિના પોતાને ગમતા વિષયનાં પુસ્તકો વાંચતો રહેતો.
એક વાર તેના શિક્ષકે પણ તેને પૂછી લીધું કે તું માત્ર વૈજ્ઞાનિકો વિશેનાં અને વિજ્ઞાનના જ પુસ્તકો કેમ વાંચ્યા રાખે છે? બીજા વિષયનાં પુસ્તકો પણ વાંચવા જોઈએ ને ક્યારેક?
તે છોકરાએ જવાબ આપ્યો: ‘મારે વિજ્ઞાની બનવું છે એટલે મને વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવામાં જ રસ પડે છે.’
તે છોકરાનો એ જવાબ સાંભળ્યા પછી તેના સહાધ્યાયીઓએ તેની બહુ મજાક ઉડાવી. તે છોકરો હોશિયાર નહોતો એટલે બધાએ તેને કહ્યું કે વિજ્ઞાની બનવા માટે તો બુદ્ધિ જોઈએ!
તે છોકરો શિક્ષક અને સહાધ્યાયીઓની ટીકાટિપ્પણીઓથી સહેજ પણ ઢીલો ના પડ્યો. તેણે પોતાની એ માન્યતા ન છોડી કે મોટો થઈને પોતે વિજ્ઞાની બનશે.
તે છોકરો મોટો થઈને માત્ર વિજ્ઞાની નહીં, મહાન વૈજ્ઞાનિક બન્યો. ટેલીગ્રાફના સંશોધન દ્વારા તેણે દુનિયાને નાનકડી બનાવી દીધી. તે મહાન વૈજ્ઞાનિક એટલે સૅમ્યુઅલ મોર્સ.
સૅમ્યુઅલ મોર્સની ટીખળ કરનારા ઘેટાં જેવા સહાધ્યાયીઓ કોઈને યાદ નથી, પણ સૅમ્યુઅલ મોર્સે પોતાના પ્રદાન દ્વારા પોતાનું નામ અમર કરી દીધું.
***