વ્યક્તિનું કામ પ્રત્યેનું સમર્પણ તેને મહાન બનાવે છે
કે. આસિફની ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું નિર્માણ ધાર્યા કરતાં બહુ ખર્ચાળ બની ગયું અને ખૂબ લંબાઈ ગયું ત્યારે...
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
પ્રખ્યાત ગાયક-સંગીતકાર મિત્ર ઉદય મઝુમદારે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મ વિશે બીબીસીએ બનાવેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ મોકલાવી. એ ઘણા દિવસ સુધી જોઈ ન શકાઈ, પણ એ જોઈ ત્યારે ઘણી રોમાંચક વાતો જાણવા મળી. ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મના સર્જક કે. આસિફ વિશે માન હતું, પણ એ ડોક્યુમેન્ટરી જોયા પછી તેમના માટે અહોભાવની લાગણી થઈ. એ ડોક્યુમેન્ટરીમાં બહુ જ રસપ્રદ વાતો જાણવા મળી. એમાંની કેટલીક પ્રેરક વાતો વાચકો સાથે શેર કરવાનું મન થયું.
કે. આસિફે છ દાયકા અગાઉ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે અને દસ વર્ષની સખત મહેનત બાદ ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મ બનાવી હતી. એ અગાઉ ૧૯૪૪માં તેમણે માત્ર બે જ ફિલ્મ બનાવી હતી (૧૯૪૪માં ‘ફૂલ’ અને ૧૯૫૧માં ‘હલચલ’. જોકે બીબીસીની ડોક્યુમેન્ટરીમાં સરતચૂકથી એવો ઉલ્લેખ થયો છે કે કે. આસિફે જિંદગીમાં માત્ર બે જ ફિલ્મો બનાવી હતી - ‘ફૂલ’ અને ‘મુઘલ-એ-આઝમ’. વાસ્તવમાં તેમણે ચાર ફિલ્મો બનાવી હતી: ‘ફૂલ’, ‘હલચલ’, ‘મુઘલ-એ-આઝમ’ અને ‘લવ એન્ડ ગોડ’). પરંતુ તેઓ ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મ દ્વારા તેમનું નામ બોલીવૂડના ઇતિહાસમાં અંકિત કરી ગયા છે.
કે. આસિફ ‘મુઘલ-એ-આઝમ’ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે નાનામાં નાની વાતો માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમણે જોધાબાઈના પાત્રમાં વાસ્તવિકતા લાવવા માટે એના વસ્ત્રો હૈદરાબાદના ‘સાલારગંજ’ મ્યુઝિયમમાંથી મગાવ્યા હતા. આ રીતે તેમણે બધી બાબતે ઝીણવટપૂર્વક અને ધીરજપૂર્વક કામ કર્યું હતું. તેમણે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ ગીત માટે શીશમહેલનો સેટ બનાવ્યો હતો. એ સેટ બનાવવામાં બે વર્ષ લાગ્યા હતા. શીશમહેલનો સેટ બનાવવા માટે તેમને જેવા કાચ જોઈતા હતા એ ભારતમાં ઉપલબ્ધ નહોતા એટલે તેમણે એ કાચ બેલ્જિયમથી મગાવ્યા હતા. એ કાચની આયાત પાછળની વાત પણ ખૂબ રસપ્રદ છે.
‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું નિર્માણ ચાલતું હતું એ સમય દરમિયાન એ ફિલ્મના નિર્માતા શાપુરજી મિસ્ત્રી એક વાર ઈદના દિવસે કે. આસિફના ઘરે તેમને ઈદી આપવા માટે ગયા હતા. તેઓ ચાંદીની ટ્રે પર સોનાના સિક્કાની ભેટ લઈને ગયા હતા. અને એની સાથે રૂપિયાની એક મોટી થપ્પી પણ તેમણે મૂકી હતી. કે. આસિફે એ બધું સ્વીકારવાની નમ્રતાપૂર્વક ના પાડી. તેમણે તેમને એ બધું પાછું આપતા કહ્યું કે મારે એક ગીત માટે શીશમહેલનો સેટ બનાવવો છે એના માટે વિદેશથી કાચ મગાવવા છે એની આયાત માટે આ પૈસાનો ઉપયોગ કરજો!
આટલા સમર્પણ સાથે કે. આસિફે એ ફિલ્મ બનાવી હતી, પરંતુ ફિલ્મનું બજેટ ધાર્યા કરતાં ખૂબ વધી ગયું અને ફિલ્મનિર્માણનો સમય પણ ખૂબ જ લંબાઈ ગયો. વર્ષો વીતી ગયા. પૈસા પાણીની જેમ વહી રહ્યા હતા. એટલે એક તબક્કે નિર્માતા શાપુરજી મિસ્ત્રીની ધીરજ ખૂટી ગઈ. તેમણે કે. આસિફની દિગ્દર્શક તરીકે હકાલપટ્ટી કરીને બીજા કોઈ દિગ્દર્શક પાસે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મ પૂરી કરાવવાનો નિર્ણય લઈ લીધો.
એ પછી શાપુરજી મિસ્ત્રી એ વખતના મોટા ગજાના ફિલ્મસર્જક સોહરાબ મોદીને મળવા ગયા. તેમણે મોદીને કહ્યું કે તમે આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળી લો. સોહરાબ મોદી એ માટે તૈયાર થયા એટલે શાપુરજી તેમને લઈને ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મના સેટ પર ગયા. એ વખતે શીશમહેલનો સેટ લાગ્યો હતો, જેની પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા.
શાપુરજી મિસ્ત્રી સોહરાબ મોદીને સેટ બતાવતા-બતાવતા વાત કરી રહ્યા હતા એ વખતે કે. આસિફ ચૂપચાપ એક બાજુ સિગારેટ પીતા-પીતા તેમની વાતો સાંભળી રહ્યા હતા.
કે. આસિફે ધીરજપૂર્વક શાપુરજી મિસ્ત્રી અને સોહરાબ મોદીની વાત સાંભળી અને પછી તેમણે શાપુરજી મિસ્ત્રીને કહ્યું કે તમે આ ફિલ્મનું દિગ્દર્શન સોહરાબ મોદી કે બીજા કોઈની પણ પાસે કરાવવા માગતા હો તો કરાવી લો, મને વાંધો નથી. પણ આ શીશમહેલનો સેટ મેં લગાવ્યો છે અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ ગીતનું શૂટિંગ હું જ કરવાનો છું. હું એ જે રીતે કરીશ એ જગતનો કોઈ જ માણસ નહીં કરી શકે. એટલે તમારે આ સેટ પર શૂટિંગ પૂરું થાય એ પછી દિગ્દર્શક બદલવો હોય તો બદલી નાખજો, પણ આ સેટ પર ગીતનું શૂટિંગ તો હું જ કરીશ. બીજો કોઈ આ સેટ પર શૂટિંગ કરવા માટે આવશે તો હું તેના ટાંટિયા ભાંગી નાખીશ!
શાપુરજી મિસ્ત્રીએ એ વાતને પોઝિટિવ રીતે લીધી કે આ માણસનું કામ પ્રત્યેનું સમર્પણ કઈ કક્ષાનું છે, તેનો આ ફિલ્મ પ્રત્યેનો લગાવ કઈ કક્ષાનો છે.
એ પછી જોકે શાપુરજી મિસ્ત્રીએ એ ફિલ્મનું દિગ્દર્શન સોહરાબ મોદી કે બીજા કોઈને સોંપવાનો વિચાર માંડી વાળ્યો હતો. કે. આસિફે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું સર્જન જે રીતે કર્યું એ કાબિલે દાદ હતું, પરંતુ એ પણ હકીકત છે કે શાપુરજી મિસ્ત્રીની જગ્યાએ જો બીજો કોઈ નિર્માતા હોત તો એ ફિલ્મ અટકી પડી હોત! અથવા તો તેણે દિગ્દર્શક બદલીને ફિલ્મ પૂરી કરી હોત.
આવા સમર્પણ સાથે જે દિગ્દર્શક કામ કરે તે જ ‘મુઘલ-એ-આઝમ’ કક્ષાની ફિલ્મ બનાવી શકે. માણસનું કામ પ્રત્યેનું સમર્પણ જ તેને મહાન બનાવતું હોય છે. અને આવી પેશન સાથે કામ કરનારી વ્યક્તિ જ મહાન કૃતિની રચના કરી શકતી હોય છે.
***