સુખનો પાસવર્ડ - 27 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 27

આજે ફાધર્સ ડૅના દિવસે આખો દિવસ જાતજાતની સલાહ આપતા મેસેજીસ ફોરવર્ડ થશે, પણ મારે ફ્રેન્ડ્સ સાથે એક અલગ જ વાત શૅર કરવી છે.

એક પિતા-પુત્ર વચ્ચે થયેલો આ સંવાદ હૃદય સોંસરવો ઊતરી જાય એવો છે અને સરળ શબ્દોમાં બહુ સહજતાથી જીવનની ફિલોસોફી સમજાવી દે છે.

જિંદગી સરસ છે, પણ સરળ નથી!

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

હેરી પોટરનું પાત્ર સર્જનારાં લેખિકા જે. કે. રોલિંગને ઘણા ગુજરાતી વાચકો જાણતા હશે, પણ જે. કે. રોલિંગ્ઝ જેટલી સફળતા નહીં મેળવી શકનારાં લેખિકા એમ. કે. રોલિંગ્ઝ એટલે કે માર્જરી કીનન રોલિંગ્ઝે એક હૃદયસ્પર્શી નવલકથા લખી હતી. મોટા ભાગના ગુજરાતી વાચકો માટે તેમનું નામ અજાણ્યું છે, પણ માર્જરી કીનન રોલિંગ્ઝની નવલકથા ‘ધ યરલિંગ’માં અત્યંત સરળ શબ્દોમાં અત્યંત ઊંડાણભરી વાત કહેવાઈ છે. બાળકના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવા અને બાળકને દુનિયા વિશે સમજણ આપનારી આ અદ્ભુત કૃતિ પરથી ફિલ્મ પણ બની હતી.

માર્જરી કીનન રોલિંગ્ઝની આ નવલકથામાં જોડી નામનો એક છોકરો ઝરણાને કાંઠે પવનચક્કી બનાવતો રહે છે. એનામાં કિશોરાવસ્થાની મુગ્ધતા છે અને પ્રકૃતિ સાથે તેને બહુ લગાવ છે. વનપ્રદેશમાં રહેતો જોડી વસંતઋતુની શરૂઆતમાં ઝરણાકાંઠે પવનચક્કી બનાવે છે એ પછી એક ઋતુચક્ર પૂરું થાય છે અને બીજી વસંત આવે છે ત્યારે તે બદલાઈ ચૂક્યો હોય છે.

જોડીએ હરણનું બચ્ચું પાળ્યું હતું અને એ નાના બચ્ચા સાથે જોડી આખો દિવસ રમતો રહેતો હતો. પણ એ બચ્ચું મોટું થયું અને જોડીના કુટુંબે મહામહેનતે ખેતરમાં તૈયાર કરેલો આખા વર્ષનો પાક રોળી નાખવા માંડ્યું ત્યારે જોડીની માતાએ કકળતા હૃદય સાથે તેને મારી નાખવું પડ્યું. કિશોર જોડીને દુ:ખ થયું, માતા પર બહુ ગુસ્સો આવ્યો અને પોતાના આત્મીય બની ગયેલા હરણના બચ્ચાના મોતને કારણે વ્યથિત થઈને, રોષે ભરાઈને તે ઘર છોડીને ભાગી ગયો.

જોડી થોડા દિવસ બહાર ભટકીને ઘરે પાછો ફર્યો. એ વખતે તેના પિતા પેની સાથે તેનો જે સંવાદ થાય છે એ કઠોર હૃદયના માણસને પણ સ્પર્શી જાય એવો છે. માર્જરી કીનન રોલિંગ્ઝે લખેલો આ પ્રસંગ અત્યંત સરળ છે, પણ એક પિતા-પુત્ર વચ્ચે થયેલો આ સંવાદ હૃદય સોંસરવો ઊતરી જાય એવો છે અને લેખિકા સરળ શબ્દોમાં બહુ સહજતાથી જીવનની ફિલોસોફી સમજાવી દે છે. જોડી ઘરેથી ભાગી ગયા પછી થોડા દિવસમાં પાછો આવે છે અને ઘરમાં પ્રવેશે છે એ વખતે આ સંવાદ શરૂ થાય છે.

આ નવલકથાનો સરસ અનુવાદ આપણા દિગ્ગજ કવિ હરીન્દ્ર દવેએ કર્યો હતો. આદરણીય કવિ હરીન્દ્રભાઈના સૌજન્ય સાથે આ નવલકથાનો આ સંવાદ વાચકો સાથે શેર કરવો છે.

***

એ બાપુ પાસે જઈને ઊભો. પિતા પેનીએ એનો હાથ પોતાના પંજામાં લીધો અને પંપાળ્યો. "દીકરા, મેં તારી આશા મૂકી દીધી હતી. પેનીએ એની સામે જોયું: "સાજોનરવો તો છે ને?”

જોડીએ મસ્તક હલાવ્યું.

"તું સાજો છે - ભાગીય નથી ગયો. મરીય નથી ગયો. સાજો છો. ભગવાન, તારો કેટકેટલો પાડ!” પેનીના ચહેરા પર અવર્ણનીય ચમક પથરાઈ ગઈ.

જોડી આ માની ન શક્યો. અહીં તો બાપુ એને ઝંખતા હતા!

એણે કહ્યું: "હું ઘેર આવ્યો, બાપુ!”

"આવવું જ જોઈએ ને!”

"મેં તમને જતી વખતે કેવું કેવું કહ્યું હતું? પણ મારા મનમાં કંઈ નહોતું, બાપુ!”

પેનીના મુખ પરની ચમક સ્મિતમાં પલટાઈ ગઈ. "હોય જ ક્યાંથી! નાનો હતો ત્યારે હુંય એવું બોલી નાખતો...” પછી પેનીએ સહેજ આગળ નમીને કહ્યું: "પેલા પીંજરામાં ખાવાનું ઢાંક્યું છે. ભૂખ લાગી છે ને?”

"અહીંથી ગયા પછી એક જ વાર જમ્યો છું, ગઈ રાતે.”

"એક જ વાર? તો તો હવે તને ભૂખ કોને કહેવાય એ ખબર પડી ને!”

પેનીની આંખો સગડીના પ્રકાશમાં ચમકતી હતી. "ભૂખ - એનો ચહેરો તો પેલા ખોડિયા રીંછ કરતાં પણ વધુ વિકરાળ છે, ખરું ને!”

"હા, બાપુ!”

"જો, ત્યાં બિસ્કિટ છે. મધ પણ હશે, તપેલીમાં દૂધ પણ હશે.”

જોડી બધું ફંફોસવા લાગ્યો. એ ઊભો ઊભો જ ખાવા લાગ્યો.

પેની એની સામે જોઈ રહ્યો.

"તારે આટલી વેદના ભોગવીને આ પાઠ શીખવો પડ્યો એનું મને દુ:ખ છે.”

"મા ક્યાં છે?”

"એ બિયારણ લેવા ગઈ છે. એને આશા છે કે આ વખતે થોડો પાક ફરી વાવી જોઈએ.”

જોડીએ પાણી લઈ મોં અને હાથ ધોયાં. એણે નીચે બેસીને પગ ધોયા.

પેનીએ કહ્યું, "ક્યાં ગયો હતો?

"નદીમાં હતો. બૉસ્ટન જવું હતું.”

"હં.”

રજાઈ ઓઢીને બેઠેલો પેની તદ્દન નંખાઈ ગયેલો લાગતો હતો.

"તમારી તબિયત કેમ છે, બાપુ?”

પેનીએ કહ્યું, "તારે સત્ય જાણવું જ રહ્યું. હું તો ગોળીએ દેવા લાયક પણ નથી રહ્યો.”

જોડીએ કહ્યું: "અહીંનું કામ પૂરું થાય એટલે હું ડૉક્ટરને બોલાવી લાવીશ; તમે ના કહેશો એ નહીં ચાલે.”

પેની એની સામે જોઈ રહ્યો. "તું બદલાઈ ગયો છે. તને સંજોગોએ બરાબર પાઠ ભણાવ્યો છે. તું હવે નાનો નથી રહ્યો, જોડી!”

"હા, બાપુ!”

"આજે મારે તારી જોડે દોસ્ત દોસ્તને કરે એ રીતે વાત કરવી છે. તને એમ લાગતું હતું કે મેં તને દગો દીધો છે, પરંતુ માણસે એક વાત જાણી લેવી જોઈએ. કદાચ તું એ જાણી પણ ગયો છે. માત્ર મારે જ નહીં, માત્ર તારા પેલા હરણના બચ્ચાએ જ નહિ, સૌએ જવાનું છે, દીકરા. કાળનું મોં ક્યારેય બંધ થતું નથી.”

જોડી બાપુ સામે જોઈ રહ્યો. એણે મસ્તક હલાવ્યું.

પેનીએ કહ્યું: "આ દુનિયાનો વ્યવહાર કેમ ચાલે છે તેં જોયું છે ને? માણસ કેટલો અધમ થઈ શકે છે એ પણ તેં જોયું છે. તેં મૃત્યુની લીલા પણ જોઈ છે. ભૂખનો પણ પરચો મળી ગયો. સૌ ઈચ્છે છે કે જિંદગી જિંદગી સરળ રીતે વીતે. જિંદગી સરસ છે, બેટા, ઘણી સરસ, પણ એ સરળ નથી. એ માણસને પછાડે છે, માણસ બેઠો થાય છે, ફરી જિંદગી એને પછાડે છે. આ અજંપો મેં જિંદગીભર વેઠ્યો છે.”

એણે રજાઈની ગડી વાળતા કહ્યું: "જિંદગી તારા માટે સરળ બને એમ હું ઝંખતો હતો. મારું જીવન વિટંબણાઓથી ભરેલું હતું. પોતાનાં કૂણાં સંતાનો દુનિયાના વ્યવહારમાં પડે છે એ જોઈ બાપનું હૃદય ચિરાઈ જાય છે. એ જાણે છે કે જેમ એની હામ ભાંગી ગઈ હતી એમ આ છોકરાઓની હામ પણ ભાંગી જશે. શક્ય હોય ત્યાં સુધી હું તને આ દુનિયાના વ્યવહારથી દૂર રાખવા ઈચ્છતો હતો. તારા હરણના બચ્ચા સાથે તું ગેલ કરી લે, મજા માણી લે એમ ઈચ્છતો હતો. એ બચ્ચાએ તારી એકલતાને હળવી બનાવી. પણ દીકરા, દરેક માણસ આખર તો એકલવાયો જ રહે છે. એ શું કરે? સંજોગો જ્યારે એને છક્કડ આપે ત્યારે શું કરે? પોતાના નસીબમાં જે પાનું પડે એ નિભાવ્યે જ છૂટકો.”

જોડીએ કહ્યું, "બાપુ, હું ભાગી ગયો એ માટે હવે મને શરમ આવે છે.”

પેની હવે ટટ્ટાર થઈને બેઠો. તેણે કહ્યું, "તું તારો રસ્તો પસંદ કરી શકે એટલો મોટો થઈ ગયો છો. તારે અહીં જ રહેવું છે ને?”

"હા બાપુ, મારે અહીં જ રહેવું છે,” જોડીએ કહ્યું.

"હાથ મિલાવ દોસ્ત,” પેનીએ પુત્રને કહ્યું.

***