સુખનો પાસવર્ડ - 26 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 26

જીવનમાં ચેકમેટ જેવી સ્થિતિ આવી પડે ત્યારે...

મહાન સંગીતકાર બીથોવને માત્ર છવીસ વર્ષની ઉંમરે તેમણે મોટો આઘાત સહન કરવો પડયો ત્યારે...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

17 ડિસેમ્બર 1770 ના દિવસે જર્મનીના બર્લિન શહેરમાં જન્મેલા લુડવિગ વાન બીથોવનને બાળપણથી જ સંગીત પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. તેમણે નાની ઉંમરે પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું હતું.

બાળપણમાં જ તેમની સંગીત પ્રત્યેની લગન અને પ્રતિભા જોઈને બીથોવનના પિતા જોહાન બીથોવને પુત્રને સંગીતની ઊંડી તાલીમ આપવાનું શરૂ કર્યું. બીથોવનની ઉંમરના બાળકો રમવામાં અને મસ્તી-મજાકમાં સમય વિતાવતા હોય એ વખતે બીથોવનના પિતા પુત્રનો વધુમાં વધુ સમય સંગીત શીખવામા પાછળ વીતે એની કાળજી લેતા.

વીસ વર્ષની ઉંમર સુધીમાં તો બીથોવને સંગીતકાર તરીકે ઘણા બધા કમ્પોઝિશન કરી લીધા હતા. એ પછી બીથોવને એ સમયના જાણીતા કમ્પોઝર અને કંડકટર ક્રિસ્ટિયન ગોતલોબ નીફે પાસે સંગીત લેવાનું શરૂ કર્યું. ૨૧ વર્ષની ઉંમરે બીથોવન જર્મનીથી સ્થળાંતર કરીને વિયેના રહેવા ચાલ્યા ગયા અને તેમણે મશહૂર સંગીતકાર જોસેફ હેડન પાસે સંગીતની ઊંડી તાલીમ લેવા માંડી.

સંગીતની ગહન તાલીમ અને પોતાની પ્રતિભાને કારણે બીથોવનને ખ્યાતિ મળવા લાગી. તેઓ પિયાનોવાદક તરીકે નામના મેળવી લીધી. 25 વર્ષની ઉંમર સુધીમાં તો બીથોવનનું નામ યુરોપના સંગીતજગતમાં પ્રખ્યાત થવા લાગ્યું હતું. યુરોપના એ વખતના અત્યંત પ્રતિષ્ઠિત સંગીતકારો બીથોવનના વખાણ કરતા થઈ ગયા હતા.

યુરોપ જેમના સંગીત પાછળ પાગલ હતું અને જેમની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાઈ રહી હતી એવા મહાન સંગીતકાર મોઝાર્ટ અને બીથોવનના સંગીતગુરુ રહી ચૂકેલા જોસેફ હેડન પણ બીથોવનની પ્રશંસા કરવા લાગ્યા હતા. આખું યુરોપ બીથોવનને ઓળખતું થઈ ગયું હતું. નાની ઉંમરે બીથોવને જે સફળતા મેળવી હતી એ જોઈને કેટલાય સંગીતકારો તેમની ઈર્ષા કરતા થઈ ગયા હતા.

જિંદગીએ બીથોવનને યુવાન ઉંમરમાં જ ઘણું આપી દીધું હતું, પરંતુ અચાનક બીથોવનની જિંદગીમાં અણધાર્યો વળાંક આવી ગયો! માત્ર છવીસ વર્ષની ઉંમરે તેમણે મોટો આઘાત સહન કરવો પડયો. તેઓ હતાશામાં સરી પડ્યા અને તેમણે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું.

જેમના સંગીત પર લોકો ઝૂમી ઊઠતા હતા એવા બીથોવનને એક-એક દિવસ એક-એક યુગ જેવો લાગવા માંડ્યો. તેઓ હચમચી ઊઠ્યા હતા અને નિરાશાજનક વિચારોએ તેમના મનને કુંઠિત કરી દીધું હતું. બીથોવનને લાગ્યું કે પોતાની જિંદગી ખતમ થઈ ગઈ. અને હવે હરતીફરતી લાશની જેમ બાકીની જિંદગી વિતાવવી પડશે.

બન્યું એવું કે 1796ના વર્ષમાં બીથોવનની શ્રવણશક્તિ ઓછી ધીમે-ધીમે ઓછી થવા લાગી. તેમને લોકો સાથે વાત કરવામાં તકલીફ થવા લાગી. 1800ના વર્ષ સુધીમાં તો સ્થિતિ એવી આવી કે તેઓ બિલકુલ બહેરા જ થઈ ગયા. તેઓ કશું જ સાંભળી શકતા નહોતા. શ્રોતાઓ તેમના સંગીત પર ઝૂમી ઊઠતા હતા પરંતુ બીથોવન પોતે જે વગાડતા હતા એ સંગીત સાંભળી શકતા નહોતા. કોઈએ તેમને સવાલ પૂછવો હોય તો કાગળ પર લખી ને આપવો પડતો!

જીવનના એ તબક્કે બીથોવન નિરાશામાં સરી પડ્યા. તેમને તેમના મનમાં વિચારો ઉઠવા લાગ્યા કે ઈશ્વરે મારા પર જ શા માટે આવી ક્રૂરતા વરસાવી? તેમણે કાર્યક્રમો આપવાનું અને નવું મ્યુઝિક સર્જવાનું અને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. તેઓ પોતાના રૂમમાં પુરાઈ રહેતા. ઘરની બહાર નીકળવાની પણ તેમની હિંમત રહી નહોતી. તેઓ અત્યંત હતાશાજનક વિચારો સાથે દિવસો અને રાતો વિતાવતા હતા. તેમને જિંદગી બોજરૂપ લાગવા માંડી હતી.

આ રીતે મનોયાતના સાથે તેમના દિવસો વીતી રહ્યા હતા.

પણ બીથોવન એક દિવસ સવારે ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમના મનમાં એક વિચાર ઝબકી ગયો કે આ રીતે સતત નિરાશાભર્યા દિવસો તો મને પાગલ કરી મૂકશે અને હતાશાજનક વિચારો સંગીતકાર તરીકે મને ખતમ કરી નાખશે. અદ્ભુત સિમ્ફનીઓ સર્જવાની મારી કલ્પનાઓ મારી સાથે જ જતી રહેશે.

એ દિવસે બીથોવને વિચાર્યું કે હું ભલે સાંભળી નથી શકતો, પણ સંગીત સર્જવાની શક્તિ તો મારી પાસે છે જ ને! હું બીજાને મારું સંગીત સંભળાવીને એનો આનંદ માણી શકું છું.

એ દિવસથી જાણે નવી જિંદગી મળી હોય એ રીતે બીથોવને ફરીથી સંગીતનું સર્જન શરૂ કર્યું. તેમણે નવી-નવી સિમ્ફની રચવાનું શરૂ કર્યું. તેમણે આધુનિક સંગીત પરંપરાના તમામ પ્રકારોમાં ઉત્તમ રચનાઓ આપી. તેમણે એક નવી સંગીતશૈલી આપી જેને કારણે તેઓ યુરોપમાં જ નહીં, આખા જગતમાં મશહૂર બની ગયા.

જો બીથોવને હાર સ્વીકારી લીધી હોત તો તેઓ હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હોત અને તેમની સર્જનશક્તિ થઈ ગઈ હોત. કોઈ તેમને યાદ પણ ન કરત. પણ તેમણે શ્રવણશક્તિ ગુમાવી દીધી એ પછી થોડો સમય હતાશા અનુભવ્યા બાદ બમણા જોમથી સિમ્ફની રચવાનું શરૂ કર્યું અને પોતાનું નામ અમર કરી દીધું. માણસ ચેકમેટ જેવા સંજોગોમાં હાથ પર હાથ પર હાથ ધરીને બેસી રહેવાના બદલે નવા જોમ સાથે કશુંક કરે તો અચૂક સફળ થઈ શકે છે એનો પુરાવો લુડવિગ વાન બીથોવન તેમના જીવન થકી આપી ગયા.

***