Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 66 - છેલ્લો ભાગ

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

ડાયરીનું એક પાનું

૩૧મી મે, ૨૦૧૫, બપોરે ૨ વાગ્યે

ફરીથી એ જ બદનસીબ સવાર હતી. ફરીથી એજ નિરાશાથી ભરપૂર મન હતું. ફરીથી એજ નિરર્થકતાનો બોધ હતો. ફરીથી એજ અજાણ્યો ભય હતો કે આજનો દિવસ પણ હાથમાંથી સરકી જશે અને હું કશું જ નહીં કરી શકું.

હા, છેલ્લા ત્રણ મહિનાથી મારી સાથે દરરોજ આમ જ થાય છે. જ્યાંસુધી મને યાદ છે કે છેલ્લે હું ૨૮ ફેબ્રુઆરીની સાંજે એ સમયે હસ્યો હતો જ્યારે હું નિવૃત્ત થઈને કાર્યાલયથી મારા પરિવાર સહીત ઘરે પરત ફર્યો હતો અને ત્યાં મારા મિત્રો પોતાના હાથમાં ગુલદસ્તા લઈને મારા સ્વાગતમાં ઉભા હતા.

ઉત્કૃષ્ટ સાહિત્ય વાંચવાનો મને ખૂબ શોખ રહ્યો છે. પુરા ચાળીસ વર્ષ મને એ ફરિયાદ રહી હતી કે કાર્યાલય અને પરિવારની વ્યસ્તતાઓ વચ્ચે હું મારો આ શોખ ક્યારેય પૂરો કરી શક્યો નહીં. નિવૃત્તિ પહેલા જ મેં મારા ટેબલ પર હિન્દી સાહિત્યના દસ શ્રેષ્ઠ પુસ્તકો સજાવીને મૂકી દીધા હતા અને હવે હું આ બધાને મનભરીને વાંચીશ એવું વિચારી લીધું હતું. પરંતુ સાચું કહું છું, આ ત્રણ મહિનામાં હું એક લીટી પણ વાંચી શક્યો ન હતો. વાંચવા માટે હું વારંવાર પુસ્તક હાથમાં લેતો પરંતુ વ્યર્થતાબોધ એટલી હદે મારા પર સવાર થઇ જતો કે મારી આંખો બંધ થઇ જતી અને હું ખુરશીમાંથી ઉભો થઈને પલંગ પર સુઈ જતો.

‘ના આ રોજીંદા ક્રમને તોડવો જ રહ્યો. આ રીતે તો હું અજાણતામાં જ મૃત્યુ તરફ અગ્રેસર થઇ રહ્યો છું.’ મેં અત્યંત દ્રઢતાથી વિચાર્યું હતું અને પરસાળમાં આવીને ઉભો રહી ગયો હતો. હું પોતાની જાતને અને મારા ઈરાદાઓને મજબૂત કરી રહ્યો હતો, ઢીલી ઢીલી રીતે નહીં પરંતુ મારી પુરેપુરી શક્તિ સાથે. આશ્ચર્ય, પૂરી શક્તિ ખર્ચ કરવા છતાં હું આજે થાક અનુભવવાની બદલે જાણેકે હવામાં હલકો થઈને તરી રહ્યો હોઉં એવું લાગી રહ્યું હતું. અરે! આ શું? હું તો બદલાઈ રહ્યો હતો... હું સ્વયંને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હા, આ હું જ હતો... આ ચહેરો મારો જ હતો. સામે વોશબેઝિન પર લાગેલા અરીસામાં મારું જ તો પ્રતિબિંબ હતું.

“જરા થેલો તો આપજે, હું આંટો મારવા જાઉં છું, વળતા ફળ અને શાકભાજી પણ લેતો આવીશ.”

મારું આટલા કહેવાની સાથેજ ઘરના બધાજ સભ્યો મને ઘેરીને ઉભા રહી ગયા હતા. એમના ચહેરાઓ પર આશ્ચર્ય ફેલાઈ ગયું હતું અને મારા હોઠ પરનું સ્મિત પહોળું થઇ રહ્યું હતું. હા આજે ત્રણ મહિના પછી મારા ચહેરા પર સ્મિત ઉગ્યું હતું. મને વિશ્વાસ થઇ રહ્યો હતો કે મારો આજનો દિવસ વ્યર્થ નહીં જાય.

હું આજે તમારી સાથે મારું સુખ-દુઃખ વહેંચી રહ્યો છું. એક ખુશીની વાત પણ તમારી સાથે વહેંચવા માંગુ છું. આજે મેં મારા ટેબલ પર મુકેલા દસ પુસ્તકોમાંથી એક લઘુકથા સંગ્રહ, ‘પીલે પંખોવાલી તીતલીયાં’ હાથમાં લઈને તેમાંથી ત્રીસ લઘુકથાઓ વાંચી લીધી છે.

હું પ્રભુને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા આવનારા દિવસો પણ શુભ જ હોય.

***